Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૯ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. નો કારવાન અને ઐતિહાસીક પાસાઓ

હઝરત સય્યદુશ્શોહદાનું સરે અકદસ કયાં દફન છે

Print Friendly, PDF & Email

હઝરત સય્યદુશ્શોહદાનું સરે અકદસ (પવિત્ર સર) કયાં દફન છે

દસ મોહર્રમ આશુરાના હઝરત સય્યદુશ્શોહદા અ.સ.ની હૃદય દ્રવિત શહાદતની ઘટના ઘટી ગયા પછી ખુદા અને રસુલને ભુલી ગએલા યઝીદના લશ્કરે અહલેબય્તના તંબુઓને આગ લગાડી, અહલે હરમને લૂંટયા, લાશોને પાયમાલ કરી. યઝીદના લશ્કરના વડા ઉમરે સઅદે હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના પવિત્ર સર ખુલી બીન યઝીદ અસ્બહી અને હમીદ બીન મુસ્લિમની સાથે અને બાકીના શોહદાઓના પવિત્ર સરો શીમ્ર બીન ઝીલ જવશન, કયસ બીન અશઅસ અને અમરૂ બીજ હજ્જાજની સાથે કુફાના હાકીમ ઉબયદુલ્લાહ ઈબ્ને ઝીયાદની તરફ રવાના કર્યા. ઉબયદુલ્લાહ ઈબ્ને ઝીયાદે હ. ઈમામ હુસય્ન અ.સ.ના સરે અકદસ સાથે બેહુરમતી કરવામાં કોઈ કસર ન છોડી. સરોને કુફાના શહેરમાં ફેરવવામાં આવ્યા. શામથી જવાબ આવ્યા પછી પાકીઝા સરોને યઝીદ બીન મોઆવીયાના દરબારમાં શામ તરફ રવાના કરી દીધા.

આશુરાના બીજા દિવસે ઉમર સાઅદે તેના લશ્કરના કતલ થએલાઓ પર નમાઝે જનાઝા પડી તેઓને દફન કરી દીધા. પરંતુ રસુલ સ.અ.વ. અને બતુલ સ.અ.ના સંતાનોના પાકીઝા શરીરોને સૂર્યના તાપમાં તેવીજ રીતે બેગવરો કફન છોડી દીધા. પોતાના બાકીના લશ્કરની સાથે ઈનામ લેવા માટે ઈબ્ને ઝીયાદની તરફ રવાના થઈ ગયો. થોડા દિવસ પછી ઝયનુલ આબેદીન અ.સ.ની હાજરીમાં અને માર્ગદર્શન હેઠળ બની અસદે કરબલાના પાકીઝા શોહદાઓની લાશોને દફન કરી. ઈમામ હુસય્ન અ.સ.ના પવિત્ર શરીરને ઈમામ ઝયનુલ આબેદીન અ.સ.એ દફન કર્યુ. પરંતુ શોહદાઓના પવિત્ર સરો અને ખાસ કરીને ઈમામ હુસય્ન અ.સ.નું સરે મુતહહર કયાં દફન થયું અને કેવી રીતે દફન થયું? આ એ વાત છે જેના સંદર્ભમાં ઈતિહાસમાં ઘણો બધો વિરોધાભાસ છે. શામ અને મીસરમાં જુદી જુદી જગ્યાઓ રાસુલ હુસય્નના નામથી મશહુર છે. ઈરાક અને હેજાઝમાં પણ જુદી જુદી જગ્યાઓ ઉપર ઈમામ હુસય્ન અ.સ.ના પવિત્ર સરને દફન કર્યાની વાતો છે. આ જગ્યાઓની સંયુકત ઓળખ આપીને આ ચચા<ને નીચે મુજબ બે વિભાગમાં જુદી પાડીએ છીએ.

(૧) અહલે સુન્નતના આલીમોની માન્યતાઓ

(૨) શીયા આલીમોની માન્યતાઓ

(અ) અહલે સુન્નતના આલીમોની માન્યતાઓ

અહલે સુન્નતના આલીમોના પુસ્તકોમાં છ જગ્યાઓને ઈમામ હુસય્નના સરે અકદસને દફન કર્યાનું દર્શાવવામાં આવ્યું છે.

(૧) મદીના: યઝીદ બીન મોઆવીયાએ હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના સરે અકદસને મદીનામાં તેના હાકીમ અમરૂ બીન સઈદ બીન આસની પાસે મોકલ્યું. અમરૂ બીન સઇદ સરે અકદસને જન્નતુલ બકીઅમાં હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના દાદીમા જનાબ ફાતેમા બીન્તે અસદની કબર પાસે દફન કર્યું.

(૨) દમિશ્ક: મન્સુર બીન જમહુરે યઝીદના ખજાનામાંથી સરે અકદસને લીધું તેને કપડામાં વીંટીને બાબુલ ફરાવીસની પાસે દમિશ્કમાં દફન કર્યુ.

(૩) દમિશ્ક: સુલયમાન બીન અબ્દુલ મલિક મરવાન (હી.૯૯) બની ઉમય્યાના શામના ખલીફાએ દાવો કર્યો કે તેને ઈમામ હુસય્ન અ.સ.નું સરે અકદસ યઝીદના ખજાનામાંથી મળ્યું અને દમિશ્કમાં મુસલમાનોના કબ્રસ્તાનમાં દફન કર્યું.

(૪) દમિશ્ક:- મશહુર એ છે કે હાલમાં જે જગ્યા રાસુલ હુસય્નના નામથી જાણીતી છે, સરે અકદસ ત્યાં દફન કરવામાં આવ્યું છે. છેલ્લી ત્રણ માન્યતાઓને એક હદ સુધી એક સરખી ગણી શકાય.

(૫) જે સમયમાં બની ઉમય્યાના આઠમા ખલીફા ઉમર બીન અબ્દુલ અઝીઝને (હી.૧૦૧) હુકુમત મળી, તો જ્યાં સુબ્હાને સરે અકદસને દફન કર્યુ હતું ત્યાંથી બહાર લાવીને બીજી જગ્યાએ દફન કર્યુ. અમુક ઈતિહાસકારોના મત મુજબ કરબલામાં હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના પવિત્ર શરીરની સાથે દફન કર્યું.

(૬) મિસર: ફાતેમી ખલીફાઓની મશહુર થએલી રિવાયત મુજબ સરે અકદસ મીસ્રમાં એક જગ્યાએ દફન છે, જે “મશહદુર-રઉસ”ના નામથી જાણીતી છે.

આ રિવાયતો એક બીજાથી વિરોધાભાસી છે. આ સિવાય જે બાબતો આ રિવાયતો સાચી હોવા અંગે શંકા લાવે છે તે એ છે કે તેમાંથી કોઈપણ એક રિવાયતને હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના પુત્રો, અઈમ્મએ મઅસુમીન અ.સ.નું અનુમોદન મળતું નથી. આ હસ્તીઓ ઈલ્મનું શહેર છે, ખુદાના ઈલ્મે ગૈબથી જ્ઞાત છે. તે સિવાય તે બીજાની સરખામણીમાં તેમના બુઝુર્ગ દાદાના સરે અકદસના દફનની જગ્યાના વધુ જાણકાર છે. કારણકે તે એક હકીકત છે કે “અહલુલ બય્તે ઉરા બેમા હોવ ફીલ બય્તે”. ઘરની વાતોથી ઘરવાળા વધુ જાણકાર હોય છે.

ઉપરોકત દર્શાવેલ માન્યતાઓ અંગે વધુમાં એ બાબત કહી શકાય કે હઝરત ઈમામ હુસય્ન અ.સ.નું સરે અકદસ કુફામાં ઠેક ઠેકાણે ફેરવવામાં આવ્યું. પછી શામ મોકલવામાં આવ્યું. આજ કારણથી જ્યાં જ્યાંથી પસાર થયા તે જુદી જુદી અનેક જગ્યાઓ ઉપર રાખવામાં આવ્યું. લોકોએ આ જગ્યાઓને બરકતવાળી ગણીને રાસુલ હુસય્નનું નામ આપી તે જગ્યાનું સન્માન કર્યુ. ધીરે ધીરે આ જગ્યા સરે અકદસની દફનની જગ્યા તરિક મશહુર થઇ ગઈ. આ તેની સ્પષ્ટ સાબિતી છે કે જ્યાં અહલેબય્તે અત્હાર અ.સ.ના ચાહનારાઓનો એક સમુહ રહે છે.

(બ) શીયા આલીમોની માન્યતાઓ

હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના સરે અકદસની દફનની જગ્યાએ અંગે શીયા વિધવાનોની માત્ર બે માન્યતાઓ છે. આ બંનેને એક સરખી કહી શકાય છે.

(૧) નજફે અશરફ:- હઝરત ઈમામ જઅફરે સાદિક અ.સ.ની અસંખ્ય રિવાયતો થએલી છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ઈમામ હુસય્ન અ.સ.નું સરે અકદસ નજફે અશરફમાં અમીરૂલ મોઅમેનીન અ.સ.ની બાજુમાં દફન કરવામાં આવ્યું છે. જનાબે શયખે કુલયની અને જનાબે ઈબ્ને કવ્લવીય્યએ યઝીદ બીન અમરૂથી મશહુર હદીસની નોંધ કરી છે કે તેઓ ઈમામ જઅફર સાદિક અ.સ.ની સાથે નજફ ગયા. હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ.ની ઝીયારત કર્યા પછી ઈમામે તેમને કહ્યું આપણા જદ દાદા, હુસય્ન બીન અલી ઉપર સલામ કરો. યઝીદ બીન અમરૂએ કહ્યું: ઈમામ હુસય્ન અ.સ.તો કરબલામાં છે? ઈમામે ફરમાવ્યું: હા પરંતુ તેમનું સરે અકદસ શામ લઈ જવામાં આવ્યું. ત્યાંથી અમારા એક દોસ્તે તેને મેળવી લીધું અને તેને અમીરૂલ મોઅમેનીન અ.સ.ની બાજુમાં દફન કર્યુ. (કાફી, પાનુ ૫૭૧, ભાગ-૪, કામીલુઝ ઝીયારત ૨૪)

જનાબે શયખે કુલયની અને જનાબે શયખે તુસી ર.અ.ની મુબારકથી એક બીજી રિવાયત આજ રીતે નોંધી છે કે તે નજફે અશરફની એક મુસાફરીમાં હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.ની સાથે હતા. ઈમામ અ.સ.એ ત્રણ વખત ઝીયારતની નમાઝ પડયા. જ્યારે મેં તેનું કારણ પૂછયું. તો ઈમામે કહ્યું: પહેલી બે રકઅત હ. અલી અ.સ.ની કબરની જગ્યા ઉપર, બીજી બે રકઅત હ. ઈમામ હુસય્ન અ.સ.ના સરે અકદસની જગ્યા ઉપર અને ત્રીજી બે રકઅત હઝરત કાએમ (અજ.)ના મીમ્બરની જગ્યા ઉપર. (કાફી ૫૭૧/૪, તહઝીબુલ એહકામ ૧૨/૨)

આજ બાબત બીજી નવ રિવાયતોમાં પણ લખવામાં આવી છે. આ કારણથી દોઆઓ અને ઝીયારતોની કિતાબોમાં એ વાતની તાકીદ કરવામાં આવી છે કે હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ.ની પવિત્ર કબરના કિનારે ઈમામ હુસય્ન અ.સ.ના સરે અકદસની ઝીયારત કરવામાં આવે. (વસાએલુશ્શીયા-૧૦, અબ્વાબુલ મઝાર, પ્રકરણ ૩૨, પાના ૨૧૨ થી ૩૦૯, બેહારૂલ અન્વાર ૧૦૦, કિતાબુલ મઝાર પ્રકરણ ૧૨, પાનુ ૨૩૫ થી ૨૫૭, મુસ્તદરકુલ વસાએલ, તબ્અ કદીમ (જુની આવૃત્તિ) ભાગ-૨, પા. ૧૯૮)

(૨) કરબલા: આપનું સરે અકદસ આપના પવિત્ર શરીર સાથે દફન કરવામાં આવ્યું. શીયા આલીમો વચ્ચે આ વાત મશહુર છે કે જ્યારે ઈમામ ઝયનુલ આબેદીન અ.સ. શામથી છૂટીને પાછા ફર્યા ત્યારે ઈમામ હુસય્ન અ.સ.નું સરે અકદસ પોતાની સાથે લાવ્યા અને ઈમામ હુસય્ન અ.સ.ના પવિત્ર શરીર સાથે દફન કર્યુ. જો કે કોઈ રિવાયતમાં તેનો ઉલ્લેખ નથી. પરંતુ શીયા આલીમોમાં આજ વાત મશહુર છે. જનાબ અલ્લામા મજલીસી ર.અ.એ અલ ઓયુન, ભાગ-૧, માં પહેલી માન્યતાને અગ્રતા આપી છે પરંતુ બેહારૂલ અન્વારમાં આ રીતે લખ્યું છે.

અમારા શીયા આલીમોની વચ્ચે એ વાત મશહુર છે કે ઈમામ હુસય્ન અ.સ.નું સરે અકદસ આપના શરીરની સાથે દફન છે જે હઝરત ઈમામ ઝયનુલ આબેદીન અ.સ. પોતાની સાથે લાવ્યા હતા. (બેહાર ૧૪૫/૪૫) ઈબ્ને શહરે આશુબે આજ વાત જનાબે સય્યદે મુરતુઝાથી નોંધી છે. (મનાકીબ ૨૦૦/૨) ઈબ્ન આજલીએ આજ વાત સ્વિકારી છે. (મશીરૂલ અહઝાન ૭૯) સય્યદ ઈબ્ને તાઉસે પણ આજ વાત સ્વિકારી છે. (લહૂફ ૧૧૨) ઈબ્ન ફતાલ નૈશાપૂરીની પણ આજ માન્યતા છે. (રવઝતુલ વાએઝીન ૧૬૫). શયખ તબરસીનો પણ આ જ મત છે. (અઅલામુલ વરા/૧૫૧). જનાબે શયખે તુસી (અ.ર.) એ આને જ ઝીયારતે અરબઈનનું કારણ ગણ્યું છે (મકતલુલ હુસય્ન મુકર્રમ ૪૫૬).

અહલે સુન્નતના આલીમોમાંથી શબરાવીએ આ જ કથનને સ્વિકાર્યુ છે. (અલ ઈત્તિહાફ નજફૂલ અશરફ ૧૨) કરતબીએ પણ આજ કથન સ્વિકાર્યુ છે જેમકે મુનાદીએ અલ કવકબુદદુરરિયા, ભાગ-૧, પા. ૫૭ ઉપર તેમનાથી નોંધ કરી છે. સિબ્તે ઈબ્ને જવ્ઝી પણ આજ લોકો સાથે સંમત છે (તઝકેરતુલ ખવાસ, ૧૫૦)

હવે સવાલ એ રહ્યો કે ઈમામ હુસય્ન અ.સ.નું સરે અકદસ કઈ રીતે શામથી નજફે અશરફ અથવા કરબલા લાવવામાં આવ્યું. જે લોકો બીજી માન્યતા સાથે સંમત થાય છે તેઓનું કહેવું છે કે યઝીદ બીન મોઆવીયાએ જ્યારે હઝરત ઝયનુલ આબેદીન અ.સ.ને મૂકત કર્યા તો અન્ય શોહદાઓના પવિત્ર સરોની સાથે, ઈમામ હુસય્ન અ.સ.નું સરે અકદસ પણ આપને હવાલે કર્યુ. ઈમામ સજ્જાદ અ.સ.એ તે કરબલામાં દફન કર્યુ. પહેલી માન્યતા મુજબ અમુક વિદ્વાનો (જેમકે સઅદ બીન તાઉસ, લહૂફ ૧૭૫) એ વાતને માને છે કે યઝીદે ઈમામ હુસય્ન અ.સ.નું સરે અકદસ આપવાનો ઈન્કાર કર્યો અને જે રીતે ઈમામ સાદિક અ.સ.ની રિવાયતમાં છે કે ઈમામના એક દોસ્તે તે સર યઝીદના ખજાનામાંથી મેળવી લીધું અને એક રિવાયત મુજબ ખુદ હઝરત રસુલે ખુદા સ.અ.વ.એ આ સરે અકદસ મેળવી લીધું અને દફન કર્યુ. (બેહારૂલ અન્વાર, ભા.૪૫, પા. ૧૮૭)

ઉકેલનો માર્ગ: પહેલી માન્યતાના સમર્થનમાં રિવાયતો મૌજુદ છે. જ્યારે બીજી માન્યતા શીયા આલીમો વચ્ચે વધારે મૌજુદ છે. એ વાત બહુજ દુરની વાત છે કે રિવાયતોની મૌજુદગીમાં આલીમોએ તેની વિરૂધ્ધ કોઈ મત દર્શાવ્યો હોય. જાહેર રીતે આ બંને માન્યતાને ભેગી કરવી સહેલી નથી. પરંતુ એવી રિવાયતો મૌજુદ છે જેના ઉપર ચિંતન અને મનન કરવાથી પ્રશ્ન ઉકેલી શકાય છે.

જનાબ ઈબ્ને કવલવીય્યહએ, યુનુસ બીન તિબયાત દ્વારા હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.એ ત્યાંજ હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના સરે અકદસની પણ ઝીયારત કરી તેની સ્પષ્ટતા કરી અને ફરમાવ્યું: “જે સમયે ઈબ્ને ઝીયાદે હઝરત ઈમામ હુસય્ન અ.સ.નું સરે અકદસ શામ રવાના કર્થું, તેને કુફા પાછું લાવવામાં આવ્યું. ઈબ્ને ઝીયાદે કહ્યું, આ સરને કુફાની બહાર લઈ જાવ. કારણકે આ સર કુફાવાસીઓને ક્રાન્તિ લાવવા (બળવો પોકારવા) માટે તૈયાર કરશે. તો ખુદાવંદે આલમે તેને હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ.ની બાજુમાં નક્કી કર્યું અને અહીં દફન કરવામાં આવ્યું. આ કારણથી હઝરતનું સર તેમના શરીરનીસાથે અને તેમનું શરીર તેના સરની સાથે છે.” (કામીલુઝ ઝીયારાત ૩૬, વસાએલુશ્શીયા ૩૧૨/૧૦)

જનાબ અલ્લામા મજલીસી અ.ર.એ અંતિમ વાકય સર શરીરની સાથે છે ની સ્પષ્ટતા આ રીતે કરી છે. જો કે સરને અમીરૂલ મોઅમેનીનની કબરના કિનારે દફન કરવામાં આવ્યું છે, પણ તે ઈમામ હુસય્ન અ.સ.ના શરીર સાથે કરબલામાં જોડાઈ ગયું. અહીં ઈમામ હુસય્ન અ.સ.ની ઝીયારતનું કારણ એ છે કે એક મુદ્દત સુધી સરે અકદસ અહીં દફન રહ્યું. (બેહાર ૨૪૪/૧૦૦)

જનાબ ઈબ્ને કવલીવય્યહએ હ. ઈમામ જઅફરે સાદિક અ.સ.ની એક બીજી રિવાયત આ રીતે નોંધી છે, જેના પ્રકાશમાં આ પ્રશ્ન એક બીજા દ્રષ્ટિબિંદુથી ઉકલી જાય છે.

અબ્દુલ્લાહ બીન બક્રએ ઈમામ અ.સ.ને પૂછયુ: જો ઈમામ હુસય્ન અ.સ.ની કબર ખોલવામાં આવે તો શું તેમાંથી કંઈ મળશે? ઈમામે ફરમાવ્યું: એ બક્રના પુત્ર, તમારો સવાલ કેટલો મોટો છે. ઈમામ હુસય્ન અ.સ. પોતાની વાલેદા, વાલીદ, અને પોતાના ભાઈ હસનની સાથે રસુલે ખુદા (સ.અ.વ.)ના ઘરમાં છે. ત્યાં જીવન વિતાવે છે અને રોજી મેળવી રહ્યા છે. જો શરૂઆતમાં દિવસોમાં તેમની કબરને ખોલતે તો તેમને ત્યાં જોઈ શકાત. હાલમાં તેઓ અલ્લાહની પાસે જીવંત છે. ઇમામે હદીસના અંતમાં કહ્યું: તેઓ (અ.સ.) પોતાના ઉપર રડનારાઓને જોઈ રહ્યા છે તેઓ (અ.સ.) રહેમતની બીના ઉપર તેઓના (રડનારાઓ) માટે ઈસ્તગફાર કરે છે અને પોતાના બુઝુર્ગોને (બાપ-દાદાઓને) પણ રડનારાઓ માટે ઈસ્તિગફારની માંગણી – શીફારીશ કરે છે અને ફરમાવે છે: એ રડનાર! જો તને ખબર પડી જાય કે મેં તારા માટે શું શું તૈયાર કર્યું છે તો તું રડવાથી વધારે ખુશ થતે. કરબલામાં આકાશમાં જેટલા ફરિશ્તા છે તે તેના (રડનારાના) રૂદનને સાંભળે છે અને રેહમતથી તેના માટે ઈસ્તિગફાર કરે છે. રડનાર એ સ્થિતીમાં પાછો ફરે છે કે તેના આમાલનામામાં કોઈ ગુનાહ બાકી નથી રહી જાતો. (કામીલુઝ ઝીયારાત, ૩૨૬)

અલ્લામા મજલીસી અ.ર.અ ફરમાવ્યું છે કે આ હદીસમાં તે બંને માન્યતાઓને જોડી દેવામાં આવી છે. હઝરત ઈમામ હુસય્ન અ.સ.નું સરે અકદસમ જોકે અમીરૂલ મોઅમેનીન અ.સ.ની બાજુમાં દફન થયું છે. પરંતુ હાલમાં ઈમામ હુસય્ન અ.સ. મલાએકાઓની વચ્ચે અર્શે ઈલાહીની નજદીક જીવન વિતાવી રહ્યા છે, તેથી હઝરતનું સર આપના શરીરની સાથે છે.

ટૂંકમાં એ કે શીયા આલીમો વચ્ચે મશહુર એ છે કે આપનું સરે અકદસ આપના શરીર સાથે કરબલામાં છે અને રિવાયતો મુજબ નજફે અશરફમાં અમીરૂલ મોઅમેનીન અ.સ.ની કબ્રની બાજુમાં દફન છે. આ બાબતને એ રીતે સંયુકત કરી શકાય કે સરે અકદસ પહેલા નજફે અશરફમાં દફન હતું. પાછળથી મલાએકા દ્વારા અથવા મલાએકાઓના અર્શે ઈલાહી તરફ જતી વખતે સરે અકદસને પવિત્ર શરીર સાથે જોડી દેવામાં આવ્યું.

ગમે તેમ પણ હાલમાં સરે અકદસ પવિત્ર શરીરની સાથે છે. (અલ્લાહો અઅલમો બિસ સવાબ)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.