કયાં અય્યુબ(અ.સ.)નું સબ્ર? કયાં રસુલે સકલૈન(સ.અ.વ.)નું સબ્ર?

Print Friendly, PDF & Email

સબ્ર શબ્દ દરેક સમાજ અને વર્ગમાં ઓછામાં આછું ભણેલા લોકોની ઝબાન ઉપર રહે છે. જ્યારથી માણસ સમજણો થાય ત્યારથી જીંદગીના આખરી શ્ર્વાસ સુધી સબ્ર ઝખ્મી દિલના દર્દની દવા બનીને ઉભરતુ રહે છે. આ ડોક્ટરને બધા જાણે છે, પરંતુ ઓળખતા નથી. બધા તેનાથી માહિતગાર છે, તો પણ તેના આસાર ગફલતના પરદામાં ઢંકાએલા છે. અહી સબ્રથી મુરાદ એ સબ્ર છે, જે અલ્લાહ(ત.)ની ખુશ્નુદી હાંસિલ કરવા માટે હોય. જે ઇન્સાનના વુજૂદને સૌથી ઉચ્ચ મંઝીલોની સફર કરાવે જે સાબિતી આપે છે, કે તે ફાની નથી. જે તેને અલ્લાહ(ત.)થી નજદીક કરી દે છે. આ સબ્ર એક નિર્જીવ ચીજ હોવા છતાં જ્યારે બોલે છે, તો અલ્લાહ(ત.)ની તમામ મખ્લુકનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રીત કરી દે છે. સબ્ર એક હાલતનું નામ છે, જે કમાલ સુધી પહોંચવા માટે કોઇ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઉદ્ભવે છે, પરંતુ તેની અસરો અને બરકતો કાએનાત પર ત્યારે છવાય જાય છે, જ્યારે સબ્ર વિકાસ પામતો પામતો ઉચ્ચતાની તે મંઝીલ સુધી પહોંચી જાય જ્યાં સબ્ર પોતે સબ્ર કરનાર ઉપર ફખ્ર કરવા લાગે.

સબ્ર સાબિત કદમી, ચારિત્ર્યની અડગતા, સરળ સ્વભાવ, ઇરાદા અને નિર્ણયની મજબુતતા, સિધ્ધાંતોનું પાલન અને ઉચા મકસદથી નઝદીકતા, પરિશ્રમ આવા ઘણા બધા ઝિંદગીના પ્રકાશને પાથરવાનો સંગ્રહ છે.

જેનાથી ઇન્સાન જે મૌલાએ મુત્તકેયાન અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)ના કથન મુજબ “આ ઇન્સાન જો કે જાહેરી રીતે એક નાની મખ્લુક દેખાય છે, પરંતુ તેણે એક વિશાળ કાએનાતને પોતાના વુજૂદમાં સમાવેલી છે. આ ઇન્સાન જ્યારે પોતાના વુજૂદના બારામાં વિચાર કરે છે અને પોતાની ઇલ્મી વૃતિની રોશનીમાં પોતાની સબ્ર અને સહનશક્તિથી દુનિયામાં ફેલાએલી ફરેબકારોના રાજકીય કાવતરાઓથી બચીને, હુકુમતે પાથરેલી જાળને તોડીને, બાતિલ તબ્લીગ કરનારાઓની ગુમરાહ કરનારી સાજીશોને માટીમાં મેળવીને ઉચ્ચતાની મંજીલોને પાર કરીને ખુદાની મુલાકાતનો હોંસલો લઇને સંપૂર્ણતાની તરફ આગળ વધે છે. તો પછી તે તેવા વાતાવરણમાં શ્ર્વાસ લે છે, જ્યાં તે મેહસુસ કરે છે કે અલ્લાહ(ત.)ની કુદરત તેની સાથે સાથે છે. તેથી જ અલ્લાહ(ત.) ફરમાવે છે:

ઇન્નલ્લાહ મઅસ્ સાબેરીન બેશક! અલ્લાહ તબારક વ તઆલા સબ્ર કરનારાઓની સાથે સાથે છે.

કુરઆને કરીમમાં અલ્લાહ તઆલા એક બીજી જગ્યાએ ઇરશાદ ફરમાવે છે:

વસ્બિર વમા સબ્રોક ઇલ્લા બિલ્લાહે વલા તહ્ઝન અલયહિમ અય રસુલ! તમે સબ્ર કરો અને અલ્લાહ (ની મદદ)ના વગર તમે સબ્ર કરી પણ નથી શક્તા. (સુ. નહલ, આયત:૧૨૭)

આ પવિત્ર આયતમાં આગળ વધીને ખુદાવંદે મુતઆલ ઇરશાદ ફરમાવે છે:

વલા તહ્ઝનઅલયહિમ અને તે લોકોના માટે દુ:ખી ન થાવ.

અને પછી ફરમાવ્યું:

વલા તકો ફી ઝયકિન્ મિમ્મા યમ્કોરૂન અને જે કંઇ તે લોકો મનસુબો કરે છે તેનાથી.

એક બાજુ આ આયતમાં અલ્લાહ તબારક વ તઆલા પોતાના હબીબને સબ્રની તલકીન કરતા હિંમત અને હોંસલો આપે છે, અને બીજી બાજુ આશ્ર્વાસન આપતા કહે છે, કે કાવતરા કરનારા લોકોથી ગમગીન નહી થતા. અને ન તો તેમના મનસુબાથી એટલે કે એક તરફ છુપા રાજકરણ પર અમલ કરવાવાળા મોટા મોટા દીમાગવાળાની હરોળ છે. અને છુપા કાવતરાઓની તૈયારીઓ છે, જે નબુવ્વતના હેતુ સામે પહાડ જેવી મોટી મોટી મુશ્કેલીઓ શોધનારાઓ છે. તો, બીજી બાજુ અલ્લાહના નબી(સ.અ.વ.) બધુ જાણતા હોવા છતાં સબ્રે અઝીમની સાથે સાથે ખુદાની નેઅમતોના ઝિક્રમાં ઘટાડો આવવા નથી દેતા.

અલ્લાહના કલામની ફસાહત અને બલાગતનો અંદાજો કોણ લગાવી શકે છે? ઉપર દર્શાવેલ આયતમાં એક તરફ તે પરિસ્થિતી તરફ સ્પષ્ટ ઇશારો છે જેને અંબિયા અને રસૂલો સહન કરતા આવ્યા છે, અને કૌમ તેની છળ-કપટ અને ધોખાબાજીથી ક્યારેય દૂર નથી રહી. બીજી બાજુ ઇલ્મ અને આગાહીની બારીઓ ખુલી રહી છે. આખરી રસુલ(સ.અ.વ.)એ તો દરેક પરિસ્થિતીમાં હુજ્જત તમામ કરવાની જ રહેશે. અને તેથી તબ્લીગે રિસાલત માટે ફક્ત સબ્ર કામ લાગે છે. તેટલા માટે જ અલ્લાહ તઆલાએ પોતાના રસુલ(સ.અ.વ.)ની ઉમ્મતથી ઇરશાદ ફરમાવતા કહ્યું: “વસ્તઇનુ બિસ્સબ્રે સબ્રની મદદથી આગળ વધજો. આ જ અલ્લાહની મરજીનો રસ્તો છે.

વાંચકોનું ધ્યાન એ તરફ લાવવા ચાહીએ છીએ કે જ્યાં મઅસૂમીન(અ.મૂ.સ.)ની નૂરાની ખિલકત અને દૂનિયામાં આપ(અ.સ.)ની પવિત્ર જીંદગીથી સ્પષ્ટ થાય છે, કે આપણે ઉમ્મતી અલગ છીએ અને તબ્લીગ અને તબયીન (સમજુતી)ની રિસાલત અને ઇમામતના હોદ્દેદાર અલગ છે. ભલે તેઓ ખાકી જીસ્મમાં રહે છે. આપણી જેવા હોય છે. આપણી જેમ હસે છે, આપણી જેમ રડે છે, આપણી જેમ ગમગીન અને ખુશ થાય છે, આપણી જેમ સુએ છે અને આપણી જેમ જાગે છે. આપણી સાથે સાથે રહે છે અને આપણી જેમ વાત કરે છે. ફર્ક એ છે કે તેમનો સંબંધ આસમાનની વસ્તીઓથી નઝદીક અને હંમેશા સ્થાપિત હોય છે. તેમના દુ:ખ અને ગમ તેમની ખુશી અને ખુશનુદી દુન્યવી જીંદગીમાં જે રીતે રહે છે તેજ રીતે દુનિયાથી રહેલત પછી કાએમ રહે છે. જેમ કે બેશુમાર રિવાયતો ઉપર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે ઇમામ હુસૈન(અ.સ.) જ્યારે શહીદ થયા તો રસુલે ખુદા(સ.અ.વ.) ઉમ્મે સલમાના સ્વપ્નમાં આવ્યા અને અસ્હાબોની પાસે પણ સ્વપ્નમાં આવ્યા અને ફરીયાદ કરી કે “મારા હુસૈન(અ.સ.)ને ત્રણ દિવસના ભુખ્યા અને પ્યાસા કરબલાની જમીન પર ગરમ રણમાં ખૂબ જ બેરહેમીથી શહીદ કરી દેવામાં આવ્યા આપની હાલત એ હતી કે આપના સર ઉપર અમામો ન હતો, કરબલાની માટી માથા ઉપર હતી, ખમીસની બાંયો ચડાવેલી હતી, ચહેરા ઉપર ખુને હુસૈન(અ.સ.) લાગેલુ હતુ અને ઉઘાડા પગે હતા.

અહીં સવાલ એ પૈદા થાય છે કે રસુલ(સ.અ.વ.) જેણે પોતાની પવિત્ર જીંદગીમાં એટલો સબ્ર કર્યો હોય કે જેના બારામાં આપ પોતે ફરમાવતા કે જેટલી મુસીબતો તમામ અંબિયા(અ.મુ.સ.)એ મળીને ઉઠાવી છે તેટલી મુસીબતો મારા એકલા ઉપર પડી છે અને જ્યારે લોકોએ કહ્યું કે “અય મોહમ્મદ(સ.અ.વ.) તમે જે ચાહો છો તે અમે મક્કાવાસીઓ આપ(સ.અ.વ.)ની ખીદમતમાં રજુ કરવા તૈયાર છીએ પરંતુ આપ તબ્લીગે રિસાલતને છોડી દો. રસુલે ખુદા(સ.અ.વ.)એ જવાબમાં ફરમાવ્યું: “અગર એક હાથ ઉપર સુરજ અને બીજા હાથ ઉપર ચંદ્ર રાખી દયો તો પણ તબ્લીગે રિસાલત છોડીશ નહી. અંતિમ નબી મોહમ્મદ(સ.અ.વ.)ની અડગતા અને મક્કમતા આપ(સ.અ.વ.)ની સબ્રની તે મંજીલ તરફ ઇશારો કરે છે જેને ઇન્સાનની વિચાર શક્તિ કેટલીય તેજ હોય થોડા કદમો પછી લાચાર થઇને પરત આવી જાય છે. આ જમીન ઉપર વસવાવાળા ઇન્સાનને તે સમયે ઇલ્મ ન હતું કે મક્કાની જીંદગીમાં રસુલે ખુદા(સ.અ.વ.)એ જેટલા દુ:ખ ઉપાડ્યા તેનાથી પણ વધારે અનંત દુ:ખો મદીનાની જીંદગીના અંતમાં અને મૃત્યુ પછી પણ ઉપાડવાના છે અને આપ(સ.અ.વ.)ને સબ્ર કરવાનો છે.

જરા આ પવિત્ર આયત પર ચિંતન મનન કરીએ,અલ્લાહ તઆલાના ફરમાનને તે ઓહદના દિવસોના માપદંડથી માપવું, સાહેબે અક્લ માટે ઇન્સાફની વાત નહી થાય. ઓહદમાં જ્યારે આ આયત નાઝીલ થઇ તો ફક્ત તે સમયના અને તેના પહેલાના સમય સુધીના આપ(સ.અ.વ.)ના સબ્રની યાદી નથી, પરંતુ એ રસુલ (સ.) જે કયામતની સવાર સુધી આવનારા તમામ બનાવો અને બલાઓને નજરમાં રાખતા હોય છે, તેને ખુદાએ કેટલી બધી સબ્ર કરવાની શક્તિ અતા કરી હશે, જેની ઊંડાઇને અઇમ્મા(અ.મુ.સ.) સમજી શકે છે અથવા તે જેને થોડી નૂરની ઝલકો મળી હોય, જે આપ(સ.અ.વ.)ની સાથે સાથે રિસાલત અને ઇમામતના પ્રકાશથી ફાયદો મેળવતો હોય. જરા અટકીને વિચારવાની જગ્યા છે. અલ્લાહ તબારક વ તઆલા ખાલિકે હસ્તી વ મકાન, ખાલિકે ઝમીન વ ઝમાન, કાદિરે મુત્લક પોતાની સંપૂર્ણ કુદરત હોવા છતાં ઇરશાદ ફરમાવે છે: “મારા હબીબ ‘લા તહ્ઝન’ તે લોકો માટે દુ:ખી ન થાવ અને એટલુ જ નહી કે સબ્ર કરો, બલ્કે ફરમાવ્યું કે ખુદા તેઓના કાવતરાઓને સારી રીતે જાણે છે. અને બીજી તરફ તેમને સંબોધન છે જેમને તેણે પોતે રિસાલત ઉપર નિયુક્ત કર્યા છે, અને અલ્લાહની આયતોની તિલાવતથી નફ્સોને પાક કરવાનો ઝરીઓ કરાર દીધો છે. અને કિતાબ તથા હિકમતનું ઇલ્મ અતા કર્યુ છે. શું આ આયત જેની રૂહ ‘સબ્ર’ છે, ફક્ત તે ઝમાના સુધી મર્યાદિત હોઇ શકે? નહી આ આયતની હદ તે ઇમામે આખર(અ.સ.)ના ઝુહૂરના સુબ્હ સુધી પહોંચી જાય છે. એટલા માટે જ્યારે યહ્યા જે અમ્રે આસનો ભાઇ હતો, તેને લઇને અબ્દુલ્લાહ ઇબ્ને જઅફર ઇમામ હુસૈન(અ.સ.)ને એ સમયે મળ્યા જ્યારે આપ(અ.સ.) ઇરાક તરફ સફર કરવા ઇરાદો રાખતા હતા. અને કહ્યું “ભાઇ! તમે મદીના પાછા ફરી જાવ ત્યારે ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું: ભાઇ મે નાના રસુલેખુદા(સ.અ.વ.)ને રાત્રે સ્વપ્નમાં જોયા છે. હું આગળ જ વધતો રહીશ, અને જનાબે અબ્દુલ્લાહને કહ્યું, કે હું આ સ્વપ્ન તમને વર્ણવી શકતો નથી. આ એક ભેદ છે. જે ખુદાની સામે જ બયાન કરી શકાય છે.

ઇમામ હુસૈન(અ.સ.)નો કાફલો કરબલાની જમીન ઉપર પહોંચ્યો, ફુરાત ઉપર (દુશ્મનોના લશ્કરે) પહેરો બેસાડી દીધો. આશુરાનો દિવસ ત્રણ દિવસની સખત ગરમી અને ભુખ અને પ્યાસની સાથે પસાર કર્યા બાદ તમામ મુસીબતો લઇને ીકળી આવ્યો. જંગ થઇ, હુર આવી ગયા, હબીબ, ઝોહૈર બધા શહીદ થઇ ગયા. બની હાશિમના જવાનો શહીદ થઇ ગયા. ફરઝંદે રસુલ, અલી અકબર(અ.સ.)ની છાતીમાંથી ભાલાની અણીને કાઢી, જવાન દિકરાને જાન નિકળતી વખતે તડપતા અને આખરી શ્ર્વાસ લેતા જોયો. અબ્બાસ(અ.સ.)ના અલમને જમીન પર પડતો જોયો. શેરના બંને કપાયેલા હાથોને ખૈમામાં લઇને આવ્યા. અલી અસગર(અ.સ.)ના ફુલ જેવા ગળા ઉપર હુરમલાના તીરને લાગતુ જોયું. એકલા ઇમામ હુસૈન(અ.સ.)એ જંગ કરી, તીરો ઉપર આપનું શરીર હતું. શિમ્રનું બુઠુ ખંજર હતુ.

ઇમામ હુસૈન(અ.સ.) સિજદામાં હતા, ખંજર ચાલ્યુ, ઇમામ હુસૈન(અ.સ.)નું સર આપના પવિત્ર શરીરથી છુટુ પડીને ભાલાની ધાર પર હતુ. મજબૂર બહેન ઉંચાઇ પરથી ઉભી રહીને જોતી રહી ગઇ. ઇમામ હુસૈન(અ.સ.)નો સબ્ર, જ.ઝયનબ(સ.અ.)નો સબ્ર ઇશારો કરી રહ્યા હતા, જાણે કે કહી રહ્યા હતા, અમને જોવો તો યાદ કરો કે અલ્લાહ તબારક વ તઆલાએ ઘણા દિવસો પહેલા કહી દીધુ હતુ (ઐ મારા સાબિર હબીબ, ઐ મારા ખાસ બંદા) વસ્બિર વ મા સબ્રોક ઇલ્લા બિલ્લાહે વલા તહ્ઝન્ અલયહીમ. આજે રસુલ(સ.અ.વ.)નું દુ:ખ, આપની તકલીફ, આપ(સ.અ.વ.)ની આંખોમાંથી વહેતા આંસુ, આપ(સ.અ.વ.)નું દુ:ખ, આપ(સ.અ.વ.)ની તડપ, અને આપ(સ.અ.વ.)ની બેચૈની એક એક પળ સફર કરતી, બુલંદીની ટોચ ઉપર આવી હતી, જ્યાંથી આ આયતની તફસીર બયાન થઇ રહી છે. કાશ! તે બદ્કલામ પોતાની સસ્તી નામના મેળવવા અને પોતાની ઉપરછલ્લી ઇલ્મી હૈસીયતને માટે ઇમામ હુસૈન(અ.સ.)ની જંગને રાજકીય જંગ કહીને તેમના પવિત્ર કિરદાર હકાએક (સત્યો) ઉપર પરદો નાંખવાની નાકામ કોશીષ કરી રહ્યા છે, તેઓ આ વર્ણવેલ આયત પર ચિંતન કરતે અને રસુલે ખુદા(સ.અ.વ.)ના નવાસાની શહાદત ઉપર અને રસુલે ખુદા(સ.અ.વ.)ના આ સબ્ર ઉપર ચિંતન કરતે, જે આપ(સ.અ.વ.)એ સબ્ર કર્યો, અને ઇમામ મહદી(અ.સ.)ના ઝુહૂર સુધી કરતા રહેતે તો શાયદ તેઓ પણ કયામતના દિવસે શફાઅતથી વંચિત ન રહતે.

અય મારા અલ્લાહ! અય હુસૈન(અ.સ.)ના રબ, તમારા રસુલ આજે પણ આ મુસીબતો ઉપર સબ્ર કરી રહ્યા છે,જે ઇરાકમાં ત્રાસવાદીઓના હાથે થઇ રહી છે. અને રસુલે ખુદા(સ.અ.વ.)ના નવાસાના ચાહવાવાળાની ઉપર આફતની જેમ નાઝિલ થઇ રહી છે. અને જુઠ્ઠા મુબલ્લીગોના ગુમરાહ કરનારા બયાનોથી દુ:ખી થઇ રહ્યા છે. અને સબ્ર કરી રહ્યા છે. અગર રસુલ (સ.અ.વ.)ના ફરઝંદ હુજ્જત ઇબ્લિ હસન(અ.સ.)ના ઝુહૂરમાં જલ્દી થઇ જાય અને તે ઝુહૂરની સવારની ઝાકળ હવામાં ચારો તરફ ફેલાવા લાગે તો આપના રસુલ(સ.અ.વ.)ની ઉમ્મત તેમના ઇમામ કે જેમનું પવિત્ર નામ રબીઉલ અનામ-અવામ વ ખવાસની વસંત છે, તેમના અલમની નીચે રાહતનો શ્ર્વાસ લઇ શકે, અને આપના રસુલ (સ.અ.વ.)ના દુ:ખ અને ગમનો દૌર ખત્મ થશે. અલ્લાહ તઆલા આપણને સબ્રની રૂહાની કૈફીયત અને તેની રહેમત અને કરામતની ઓળખાણ કરાવે, અને આપણા ઇમામ (અ.સ.)ના ઝુહૂરમાં જલદી કરે. આમીન સુમ્મ આમીન..

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *