Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૮ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ના કેયામનો હેતુ, પરિણામો અને અસરો

કયામે ઈમામ હુસયન અલયહિસ્સલામના પરિણામો

Print Friendly

કયામે ઈમામ હુસયન અલયહિસ્સલામના પરિણામો

હઝરત રસુલે ખુદા સ.અ.વ.ના મૃત્યુ અથવા શહાદત પછી તુરતજ પવિત્ર એહલેબય્ત અ.સ.એ ધર્મના રક્ષણ કાજે ધીરજ અને સબ્રનો જે સીલસીલો શરૂ કર્યો તે આજ સુધી બાકી છે. પોતાના હક્ક-સત્યની સાબિતીની પાયમાલી ઉપર માત્ર એટલા માટે સબર કરતાં રહ્યાં કે દીન બાકી રહે. તકબીર અને કલમે શહાદતય્નનો અવાજ વાતાવરણમાં ગુંજતો રહે.

પવિત્ર અહલેબય્તની દિર્ઘદ્રષ્ટિ મતભેદોની શરૂઆતના આસારને જોઇ રહી હતી. બે પંથ જ્યારે એક બીજાથી જુદા પડે છે ત્યારે શરૂઆતમાં બંને વચ્ચેનું અંતર બહુ સ્પષ્ટ જણાતું નથી. અમુક સમય સુધી એકજ પંથ જણાય છે. પરંતુ જેમ જેમ પંથ આગળ વધે છે તેમ તેમ અંતર વધુ સ્પષ્ટ થાય છે. શામની હુકુમત અને યઝીદની ખિલાફત તે બીજા પંથની સ્પષ્ટ નિશાની છે જે હ. રસુલે ખુદા સ.અ.વ.ની વફાત પછી શરૂ કરવામાં આવી હતી. પવિત્ર અહલેબય્ત અ.સ.એ પોતાની કાર્યકુશળતાથી ખુદાએ મોકલેલ અને હ. રસુલે ખુદા સ.અ.વ એ ઉછેર કરેલ પંથનું રક્ષણ કર્યું હતું કે આ પંથ દરેક પ્રકારના મતભેદથી રક્ષિત રહે અને બીજા પંથના મતભેદો વધુ પ્રકાશમાં આવતા જાય. શરૂઆતથીજ હ. અલી અ.સ.એ કિતાબ અને સુન્નતની સામે શેખય્નની સીરત ઉપર અમલ કરવાનો ઈન્કાર કરી દીધો. એ સ્પષ્ટ કરી આપ્યું કે આ પંથ કિતાબ અને સુન્નતથી અલગ છે. તે લોકો જેઓના જ્ઞાનની મર્યાદા માત્ર નજરની સામે રહેલી બાબતો પૂરતી મર્યાદિત હતી, તેઓ આ મતભેદોને રોકી નહોતાં શકતા. ઈમામ હસન અ.સ. સાથે તે સમયના હાકીમે આ શર્તનો સ્વિકાર કર્યો કે તે કિતાબ અને સુન્નતનું અનુસરણ કરશે. પરંતુ કુરઆને કરીમનો આ સ્પષ્ટ હુકમ “યા અય્યોહલ લઝીન આમનુ અવફુ બિલ ઓકાદે” (માએદા આયાત ૧) એ ઈમાન ધરાવનારાઓ વાયદો અને વચનને વફા કરો. જે શર્ત કરી છે તેને પૂરી કરો અને સર્વમાન્ય હદીસ: અલ મોઅમેનુન ઈન્દ શોરતહુમ, મોઅમીન શરતોને પૂરી કરે છે નું એવી રીતે ખુલ્લં ખુલ્લા ઉલ્લંઘન થયું કે નફસની શરાફતે મોઢામાં આંગળા નાખી દીધા. જે કાગળ ઉપર શર્તો લખી હતી તેના ચૂરે ચુરા કરી પગ નીચે કચડી નાખ્યો. અને લોકો ચૂપચાપ તમાશો જોઈ રહ્યા. ઈમામ હુસયન અ.સ.એ કદમ ઉઠાવીને સ્પષ્ટ કરી દીધું કે મતભેદ વ્યકિત અને સમાજ, હાકીમ અને રૈયતમાં ઘર કરી ગયું છે આ મતભેદ ધીરે ધીરે એક હદે પહોંચ્યા કે એક એવી વ્યકિતને ઈસ્લામનો હાકીમ બનાવવામાં આવ્યો કે જેના ચારિત્ર્યમાં ઈસ્લામી શિક્ષણનો એક અંશ પણ ન હતો. જેનું દરેક પગલું ઈસ્લામી શિક્ષણથી વિરૂધ્ધ હતું. મતભેદ અને ઈસ્લામી શિક્ષણનો વિરોધ એ કક્ષાએ હતો જેને ઈજતેહાદ ના અર્થઘટનથી છુપાવી શકાય તેમ નહોતું.

પવિત્ર અહલેબય્ત અ.સ.ને પોતાની હિકમતના અમલથી અને જુદા જુદા પરિણામોથી તે મતભેદોની જાણ થઈ. જે હ. રસુલે ખુદા સ.અ.વ.ની વફાત પછી તુરતજ શરૂ થયા હતા. ઈસ્લામનું ચિત્ર ઝાંખુ પડતા પડતા એક તબક્કે પહોંચી ગયું કે તે સમયના હાકીમ શરાબ અને અન્ય હરામ કામોમાં સપડાએલો હતો. અને ઉમ્મત અમ્રબીલ મઅરૂફ અને નહિ અનીલ મુન્કરની ફરજને ભુલી ચૂકી હતી., દુનિયાની હવસ, જીવન પ્રત્યેનો પ્રેમ, અને આખેરતને ભુલી જઈને તેના હાથો ઉપર બયઅત પણ કરી રહી હતી અને એમ લાગી રહ્યું હતું કે જાણે કંઈ બન્યુજ નથી.

હઝરત રસુલે ખુદા સ.અ.વ.એ જે લોકોને દિનના રક્ષણ નિમ્યા હતા અને અબુ તાલીબ અ.સ., ઉમ્મુલ મોઅમેનીન જનાબે ખદીજા સ.અ. પાસેથી જેઓને ઈસ્લામ ધર્મના રક્ષણની જવાબદારી વારસામાં મળી હતી તેઓ મઝહબનો નાશ થતો કેવી રીતે જોઈ શકે? એવો સમય આવી ગયો કે સુધારણા માટે મક્કમ નિર્ધારની જરૂરત હતી. ઈસ્લામના વંશને પવિત્ર લોહીની જરૂર હતી. જે માટે ઈ. હુસયન અ.સ. પહેલેથી તૈયાર હતા. જે માટે ઈમામ અ.સ.એ એવી વ્યકિતઓને પસંદ કરી હતી જે સંખ્યામાં મર્યાદિત હતી પરંતુ જેના ચારિત્ર્યની વિશાળતા અમર્યાદિત હતી. આ ઘટના માત્ર એકજ દિવસમાં બની. પરંતુ તેનો પ્રતિભાવ અનંત સરહદો સુધી પહોંચે છે એ લોહી જે અન્સારોની રગોમાં દોડી રહ્યું હતું તે જ્યારે કરબલાની સરજમીન ઉપર રેલાયું તો દરેક ગયરતમંદ મુસલમાનોની રગોમાં દોડવા લાગ્યુ અને આંસુ દરેક દર્દમંદ આંખોથી ટપકવા લાગ્યા.

હઝરત ઈમામ હુસયન અ.સ.ના કયામથી કયા કયા પરિણામો બહાર આવ્યા તેનો અંદાજ કરવો સહેલો નથી. જે ઘટનાની અસર અમર્યાદિત હોય તેના પરિણામોની ગણતરી કોણ કરી શકે?

ગમે તેમ અમુક મહત્વના પરિણામો તરફ નીચે મુજબ ઈશારો કરીએ છીએ.

દીનની સરબુલન્દી

જે લોકો ધર્મનો નાશ કરવા માગતા હતા, કુરઆન અને સુન્નતે રસુલ સ.અ.વ.ની જેમ પોતાના ચારિત્ર્યને પણ દીનનો એક ભાગ બનાવવા માગતા હતા તેઓ સર્વ સર્વાનો નાશ થયો, દીન આજે પણ બાકી છે અને તેઓનું ચારિત્ર્ય એક ગુનેહગારની નિશાની બની ગયું. ઈમામ હુસયન અ.સ.એ પોતાના ચારિત્ર્યથી સાબિત કરી આપ્યું કે:

(ખુદાએ કાફીરોની વાતને નીચી કરી દેખાડી અને ખુદાની વાતનીજ બોલબાલા રહી – સુરએ તૌબા:૪૦) હઝરત રસુલે અકરમની આ હદીસ અલ ઈસ્લામ યઅલુ વલા યુઅલા અલયહ. ઈસ્લામ હંમેશા સર બુલંદ રહેશે કોઈ તેની ઉપર શ્રેષ્ઠતા નથી મેળવી શકતો.

જગતમાં જ્યાં પણ દીનનો અવાજ બુલંદ થઈ રહ્યો છે મુસલમાન (ઈસ્લામવાળા) પોતાને મુસલમાન કહેતા ગર્વ અનુભવે છે. આ બધું ઈમામ હુસયન અ.સ.ના કયામના સદકામાં છે. ઈમામ હુસયન અ.સ.ની તાસીરનું આ સર્વશ્રેષ્ઠ સ્થાન છે જે વસ્તુ તેમની તરફ અર્પણ થઇ તે તાસીરમય (અસરમુકત) થઈ ગઈ. જે રીતે ઈમામ હુસયન અ.સ. અને તેમના ખાનદાનની ચર્ચાથી દીન જીવંત થઈ જાય છે તે બીજી વાતોથી નથી થતો. જો આ કયામ ન હોત અને યઝીદનો દીન સ્થપાઈ જાત તો આજે કોઈપણ દીનદાર થવાનો ગર્વ અને નફસની શરાફત ન અનુભવત. સૌ બિન ધાર્મીકતા ઉપર નાઝ કરતા હોત. ઈમામ હુસયન અ.સ.એ દિનદારોને સર બુલંદી અર્પણ કરી છે. આજે તે હક્કનો સિક્કો છે જેના બીના ઉપર સ્પર્શ થએલા સિક્કાઓ ચાલી રહ્યા છે.

સત્યનો વિજય અને સૃષ્ટિનું અસ્તિત્વ

ખુદાવંદે આલમનો ઈરશાદ છે.

જો સત્ય તેઓની ભૌતિક ઈચ્છાઓનું અનુસરણ કરતે તો સમગ્ર આસમાન અને જમીન અને કંઇ પણ તેમાં છે તે સંપૂર્ણ રીતે બરબાદ થઇ જાય. (સુરએ મોઅમેનુન-૭૧)

જો ઈમામ હુસયન અ.સ. ચૂપ રહી જાતે અને કયામ ન કરતે તો ન માત્ર બાતીલ દીન ઉપર છવાઈ જતે બલ્કે આસમાન, જમીન અને સંપૂર્ણ સૃષ્ટિનું અસ્તિત્વ ભયમાં આવી જતે અને દરેકનો નાશ થઈ જતે. આજે જગતનું અસ્તિત્વ પણ ઈમામ હુસયન અ.સ.ના કયામનું ઋણી છે.

દીનની જાગૃતિ

કેબલ કલચર અને ટીવીના અંતરંગો દરેક જગ્યાએ ફેલાએલા છે. પછી તે શહેર હોય કે ગામડું, અમીર હોય કે ગરીબ, દરેક તેની અસર હેઠળ છે. અગણિત ગુનાહોનો એહસાસ ઓછો થઈ ગયો છે, ટંટા ફસાદ, શરાબ અને શબાબ, જંગલીય્યત અને બેશરમી જીવનનો ક્રમ બની ગયો છે. ચારિત્ર્યની કદર, (દુનિયાની) ભૌતિકતાની ઝાકઝમાળમાં રંગ વગરની થઈ ગઈ છે. આ બધી વસ્તુઓ હોવા પછી પણ આજે કોઈ શરાબી, વાંદરાઓ સાથે રમનાર, બેપરવા, રસુલ સ.અ.વ.ની ખીલાફતનો દાવેદાર નથી થઈ શકતો અને કોઈ તેને ખલીફા તરીકે સ્વિકારશે નહીં. આવા ચારિત્ર્ય ધરાવતી વ્યકિતને દુનિયાની કોઈ શકિત ખલીફા બનાવી નથી શકતી. આ જાગૃતિ ઈમામ હુસયન અ.સ.ની કુરબાની અને તેમના કયામનું પરિણામ છે. નહિ તો ઈમામ હુસયન અ.સ.ના કયામની પહેલા લોકો યઝીદ જેવા જુઠ્ઠા અને નરાધમને ખલીફા માની રહી હતી અને તેનું અનુસરણ કરવું વાજીબ અને જરૂરી ગણતા હતા. જો કયામે હુસયની ન હોત તો દીની જાગૃતિ મૃત:પાય થઈ જાત.

હઝરત ઈમામ હુસયન અ.સ.એ એમના એક ખુત્બામાં ઈરશાદ ફરમાવ્યું: જે જાલીમ અત્યાચારી હાકીમને જોઈને કે જે ખુદાએ હરામ ઠરાવેલને હલાલ કરી રહ્યો છે, ખુદાના હુકમ અને સુચનાઓનો ભંગ કરી રહ્યો છે, રસુલે ખુદા સ.અ.વ.ની સુન્નતનો વિરોધ કરી રહ્યો છે, લોકો સાથે ગુનાહિત વર્તન કરી રહ્યો છે તેમ છતાં લોકો તેની વિરૂધ્ધ કોઈ અવાજ ન ઉઠાવે, હાલાત બદલવા માટે કયામ ન કરે તો ખુદા માટે યોગ્ય છે કે અઝાબ અને શિક્ષાને તેનું સ્થાન બનાવે. જુઓ આ લોકો કેટલી પાબંદીથી શયતાનનું અનુસરણ કરી રહ્યા છે અને રહેમાનની ઈતાઅતથી દૂર થઈ રહ્યા છે. અત્યાચાર ફેલાવી રહ્યા છે, અલ્લાહના કાનુનોને પીઠ પાછળ નાખી રહ્યા છે. બૈતુલ માલને પોતાની મરજી પ્રમાણે ખર્ચ કરે છે. હલાલે ખુદાને હરામ અને હરામે ખુદાને હલાલ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને બદલવા માટે હું વધુ હક્કદાર છું. (તારીખે તબરી, ૪/૨૪, કામીલ ઈબ્ને અસીર-પુ.૩)

આ કથન ઉપર વિચાર કરો જુઓ એક એક વાકય કઈ રીતે દીનની ગયરતની જાગૃતિ પૈદા કરી રહ્યું છે.

સુધારાવાદી વિચાર-દર્શનને આજ કથનથી ચળવળ માટે રાહ મળી રહી છે. ઈમામ હુસયન અ.સ.ના કયામે, જાગૃતિની એ રૂહ ફૂંકી છે કે ચૌદ સદીઓ પસાર થયા પછી પણ કોઈ ઈસ્લામને મીટાવવાની કોશીશ નથી કરી શકતું. ઈસ્લામની વિરૂધ્ધ અવાજ ઉઠે છે તો લોકોમાં ઈસ્લામી કાનુનો ઉપર અમલ કરવાની પ્રક્રિયા વધુ સતેજ થઇ જાય છે. આ ઈમામ હુસયન અ.સ.ની કુરબાનીની અસર છે.

આત્માની સંસ્કારિતા

આત્મની સંસ્કારિતા અમ્બીયા અ.સ.ની છુપાઅલી પવિત્રતાની બેઅસતનો મહત્વનો હેતુ છે.

હોવલ્લઝી બઅસ ફીલ ઉમ્મીયીન રસુલમ-મીન્હુમ યત્લુ અલયહીમ આયાતેહી વ યોઝક્કીહીમ વયોઅલ્લે મોહોમુલ કેતાબ વલહીકમત વ ઈન કાનુ મીન કબ્લો લફી ઝલાલીમમોબીન. (જુમ્આ-૨)

આ આયતમાં આત્માની શુદ્ઘતા પયગમ્બરની બેઅસતનો એક હેતુ ગણવામાં આવ્યો છે. આં હઝરત સ.અ.વ.એ ઈરશાદ ફરમાવ્યું:

“બોઈસતો લે ઓતીમ્મ મકારેમલ અખ્લાક.”

“મારી એટલા માટે નિમણુંક કરવામાં આવી કે ચારિત્ર્યના સ્વરૂપને પૂર્ણતા સુધી પહોંચાડી દઉં. ”

સય્યદુશ્શોહદા ઈમામ હુસયન અ.સ.ની કુરબાની આ દ્રષ્ટિકોણથી પણ કમાલના અંતિમ સ્થાન ઉપર છે.

જરા આ પ્રસંગને ધ્યાનમાં રાખીએ. સત્તાના મોહમાં નાજાએઝ વસ્તુઓને જાએઝ ઠરાવ્યું. ઈસ્લામી મર્યાદા અને કાનુનોની અવગણના કરી પોતાના વ્યકિતગત લાભો અને સંબંધોની તરફેણ કરવામાં આવી. સગાવાદના ધોરણે સૌથી ખરાબ વ્યકિતઓને ઉમ્મતની જાન, માલ અને આબરૂ ઉપર ઠોકી બેસાડવામાં આવ્યા. સલામતી અને સુરક્ષાનું વચન આપીને કતલ કરી દેવામાં આવ્યા. અહલેબય્ત અ.સ.ની કારકીર્દી અને ઉચ્ચ ચારિત્ર્ય બયાન કરવા ઉપર કત્લે આમ કરવામાં આવી. દાર (દરવાજા) ઉપર લટકાવી દેવામાં આવ્યા… આ એક તરફ… હવે જરા હુસયન અ.સ.ના અસ્હાબોના આત્માની સુસંસ્કારિતા પણ જોઈએ.

આ બધાથી દૂર રહેવાવાળા ઝોહયર કયનની તેજસ્શ્વિતા જોઈને તેને નિમંત્રણ આપવામાં આવ્યું અને એક સંદેશાથી ઝોહયરમાં પરિવર્તન આવી ગયું. આત્માની દિવ્યતા જોઈને એક વાકયમાં સુતેલા હુરને જાગૃત કરી દીધા. જાન લેનારા દુશ્મનોને તેની સવારીઓ (ઘોડાઓ) સહિત પાણીથી તૃપ્ત કરી દીધા. ગજબની તરસ, તરફથી બાળકોનો આક્રોશ જોઈને પણ દુશ્મનોને આ પાણી પીવરાવવાનું મેણુ ન માર્યું. મુસીબતોમાં ઘેરાઈ જવા પછી પણ ફરિયાદનો એક શબ્દ જીભ ઉપર ન આવ્યો. બલ્કે દરેક મુસીબતને એક કસોટી અને કસોટીમાં સફળતા મળવાને ખુદાની નેઅમત ગણવામાં આવી અને નેઅમતના મળવાથી ખુદાનો શુક્ર અદા કરવામાં આવ્યો.

આત્માની સંસ્કારિતાના આ બનાવ તો કયાંય જોવા સાંભળવામાં નથી આવ્યો. દરેક પોતાના સંપૂર્ણ અસ્તિત્વથી વિચારી રહ્યા હતા કે કેવી રીતે હુસયન અ.સ. બચી જાય, કેવી રીતે ઈસ્લામ રક્ષિત થઈ જાય. કોઈને પણ પોતાના જીવની લેશ માત્ર પણ ચિંતા ન હતી. જનાબ અલી અકબર અ.સ.નું આ વાકય કેવા ઉચ્ચ આત્માની નિશાની છે. જો આપણે સત્ય ઉપર છીએ તો મૌતનો શો ડર? જનાબ કાસીમનું આ કહેવું મૌત મધથી પણ વધારે મીઠું છે. જનાબ મુસ્લિમ બીન અવસજાનો કૌલ: “જો આપની મદદથી હાથ ખેંચાઈ જાય અને જવાબદારી પૂરી કરવામાં કચાશ રાખીએ તો ખુદાના સામે શું બહાનું રજૂ કરીશું. જ્યાં સુધી જીવતો છું આપને મદદ કરવાથી મોઢું નહીં ફેરવું.” સઈદ બીન અબ્દુલ્લા હનફીનો આ લલકાર: “ખુદાની કસમ! જો કત્લ કરવામાં આવું પછી ફરી જીવંત કરવામાં આવું, જો મને સળગાવી દેવામાં આવે અને મારી રાખને વિખેરી નાખવામાં આવે અને ૭૦ સિત્તેર વખત આ રીતે કરવામાં આવે તો પણ આપથી જુદો નહીં થાવ.” અમરૂ બીન કુરઝા અન્સારીનો આ સવાલ: “એ ફરઝંદે રસુલ! શું મેં વફાદારીની મારી જવાબદારીને પૂરી કરી?”

ત્યાગની આ ભાવના છે કે દરેક પહેલા કુરબાન થવા તૈયાર અન્સારોની ભાવના એવી કે તેમની હાજરીમાં અહલેબય્ત અ.સ. ઉપર કોઈ આંચ ન આવે અને અહલેબય્ત અ.સ.ની એ તડપ કે તેઓની હાજરીમાં ઈમામ હુસયન અ.સ.ને કોઈ ઈજા થવા ન પામે.

એક બીજા પર સરસાઈ મેળવવામાં એક સરખા ઉતરવાનું આ ચિત્ર, વૃદ્ઘોના ઈરાદામાં જવાનોની ભાવનાની તીવ્રતા, જવાનોના જોશમાં વૃદ્ઘોની તેજસ્વિતા અને ઉન્નતતા. આ શાન અને કારકીર્દીવાળા સાથીઓને આસમાને આજદીન સુધી નથી જોયા.

અહલેબય્તની મોહબ્બત

અહલેબય્તના દુશ્મનો એ વિચારી રહ્યા હતાં, ઈમામ હુસયન અ.સ.ના કત્લ થવા પછી હુકુમતનો રૂઆબ અને ભવ્યતાથી ગભરાઈને લોકો પોતાના દિલોને અહલેબય્તે અત્હાર અ.સ.ની મોહબ્બતથી ખાલી કરી દેશે. પરંતુ તેથી બિલ્કુલ વિપરીત થયું. શહાદત પછી ઈમામ હુસયન અ.સ. દરેક દિલની ધડકન બની ગયાં. જે લોકો અજાણ હતા અથવા જે બની ઉમય્યાના પ્રચારની અસર હેઠળ વિરૂધ્ધ બની ગયા હતા, જનાબ સય્યદુશ્શોહદા અ.સ.ના ખુત્બાઓ અને જનાબ ઝયનબ સ.અ.ના પ્રવચનોએ બધાને ઈમામ હુસયન અ.સ.ના આશિક બનાવી દીધા. જેમકે હઝરત રસુલે ખુદા સ.અ.વ.નું કથન છે: ઈમામ હુસયન અ.સ.ની કત્લ લોકોના દિલોમાં મોહબ્બતની એવી જવાળાઓ પ્રગટાવશે કે જે કયારેય ઠંડી નહીં થાય. (મુસ્તદરકુલ વસાએલ)

જગતના ખુણે ખુણામાં થતી ઈમામ હુસયન અ.સ.ની અઝાદારી ઈમામ હુસયન અ.સ.ની મોહબ્બતની નિશાની છે. સૌથી વધુ સખત અને જીવના જોખમની પરિસ્થિતિમાં પણ ઝીયારત કરનારના સમૂહના સમૂહોએ કરબલા જવું અને ઈમામ હુસયન અ.સ. અને તેમની અહલેબય્ત અ.સ.ની ખાસ જગ્યાઓએ ઝીયારત માટે જવું, નાણાનો ઘણો ખર્ચ કરવો, મુસાફરીની મુશ્કેલીઓને સહન કરવી, બેહદ નાણા ખર્ચી અને દુનિયાદારીના નફાથી નઝર ફેરવવી… ઈમામ હુસયન અ.સ.ની મોહબ્બતના કારણે છે. આ મેહબુબીય્યત દિલોમાં ઘરબાઈ ચૂકી છે કે જેને જગત અને જગતવાસીઓનો વિરોધ વધારી તો શકે છે, ઘટાડી નથી શકતી.

અહલેબય્ત અ.સ.ની દુશ્મનીનું પરિણામ

હઝરત રસુલે ખુદા સ.અ.વ.એ અહલેબય્ત અ.સ.ની મહબુબીય્યતની ચર્ચા કરતા કરતા વારંવાર આ કથન કર્યું છે: એ ખુદા! જે તેઓની મદદ અને નુસરત કરે, તું પણ તેની મદદ અને નુસરત કર, જે તેઓથી નજર ફેરવી લે તું પણ તેમનાથી મોઢું ફેરવી લે.

કરબલાના બનાવ પછી અહલેબય્તના દુશ્મનોનું પરિણામ જોવાથી સ્પષ્ટ થશે કે જ્યારે દુનિયામાં અહલેબય્ત અ.સ.ની દુશ્મની વર્તવાનું પરિણામ આ છે તો આખેરતમાં શું હશે.

બોધ લેવા પૂરતા માત્ર થોડા દુશ્મનોની ચર્ચા કરીએ છીએ.

જ્યારે પીસરે સઅદે ઈમામ હુસયન અ.સ. માટે પણી બંધ કરી દીધું તો અબ્દુલ્લા બીન અલ હસબન અઝરીએ ઈમામ હુસયન અ.સ.ને જોઈને કહ્યું: અય હુસયન! તે સમય સુધી ફુરાતમાંથી એક ટીપું નહીં મળેજ્યાં સુધી હાકીમની સામે નમી ન જાવ. ઈમામ હુસયન અ.સ.એ ફરમાવ્યું: “એ ખુદા! તેને તરસ્યો કત્લ કર અને હરગીઝ તેને માફ ન કર.”

હમીદ બીન મુસ્લિમનું બયાન છે કે મેં તેને એ હાલતમાં જોયો કે તે એટલું પાણી પીતો હતો કે તેનું પેટ ભરાઈ જતું હતું. તે પછી ઉલ્ટી કરી દેતો હતો, ફરી પાણી પીતો હતો પરંતુ તેની તરસ બુજાતી ન હતી. તે તરસ્યો જ દુનિયાથી ચાલ્યો ગયો. (તબરી ૩૧૨/૪, મનાકીબ શહર આશુબ ૨૧૩/૩)

ઈબ્ન જરાહે સુદાથી રિવાયત કરી છે. અમે ખજુર ખરીદવા કરબલા ગયા. બની તય કબીલાનો એક માણસ અમારા માટે ભોજન તૈયાર કરતો હતો. એક દિવસ હુસયન અ.સ.ની શહાદતની ચર્ચા થઈ મેં કહ્યું:

“ઈમામ હુસયન અ.સ.ને કત્લ કરવામાં જેણે પણ સાથો આપ્યો છે તે સૌથી ખરાબ મૌતે મર્યો છે.”

તે વૃદ્ઘે કહ્યું “તમે ઈરાકવાળા કેટલું ખોટું બોલો છો, હું ખુદ તે લોકોમાં ભળેલો હતો, જે કત્લે હુસયનમાં શરીક હતા. તે બેઠકમાં એક દિવો બળી રહ્યો હતો. તેણે પોતાના ગાથે તેની વાટ ઉપર ઉઠાવી. હાથમાં આગ લાગી ગઈ. તેણે તે ઓલવવા માંડી તો તેની દાઢીમાં આગ લાગી ગઈ. તેણે પોતાની જાતને પાણીમાં નાખી દીધી. થોડીવાર પછી જોયું તો તેનું આખું શરીર બળીને રાખ બની ચૂકયું હતું.” (ઝખાએરૂલ ઉકબા ૧૪૫, સવાએક ૧૯૩)

ઉમારહ બીન ઉમૈરે રિવાયત કરી છે કે જે સમયે ઈબ્ને ઝીયાદ અને તેના સાથીઓના માથા મસ્જીદમાં રાખ્યા હતા, ત્યારે હું ત્યાં ગયો તો લોકોને કહેતા સાંભળ્યા: આવી ગયો, આવી ગયો.

મેં એક સાપ જોયો. જે બધા માથાઓની આજુબાજુ ફરી રહ્યો હતો. ઈબ્ને ઝીયાદના માથા પાસે આવી તેના નાકમાં ચાલ્યો ગયો. થોડીવાર પછી તે બહાર નીકળ્યો અને દ્રષ્ટિથી ઓજલ થઇ ગયો. હજુ થોડી વાર નહોતી થઈ ત્યાં લોકો ફરી કહેવા લાગ્યા: આવી ગયો, આવી ગયો. ફરી તેજ હકીકત બની. બે ત્રણ વખત આજ રીતે થતું રહ્યું. (સોનને તિરમીઝી ૧૯૭/૧૩, ઉસદુલ ગાબા ૨૦/૫)

યસાર બીન અલ-હકમે નોંધ કરી છે: “ઈમામ હુસયન અ.સ.ના તંબુમાંથી જે સુગંધ અને અત્તર લુટવામાં આવ્યાં તેનો જેણે ઉપયોગ કર્યો તેને કોઢ નીકળ્યો.” (ઉકદુલ ફરીદ ૩૮૪/૪)

આ સિવાય અમુક જમીન નીચે દબાયા, અમુકને વીંછીએ દંશ લીધો, અમુકના હાથ સુકાઈ ગયા, અમુક આગમાં બળી મર્યા, અમુકના ચહેરાઓ ફરી ગયા, વાળ ખરી પડયા, કોઢમાં સપડાઈ હયા, રકતપીતિયા થઇ ગયા, ખુન વહેવા લાગ્યુ, અંધ બની ગયા.

મીસરના એક વિદ્ઘાને પોતાની તારીખે કામીલ કિતાબમાં અસીરની યાદી તૈયાર કરી છે. ઈમામ હુસયન અ.સ.ના કાતીલો વિષે લખ્યું છે:

જે લશ્કરે ઈમામ હુસયન અ.સ. સાથે જંગ કરી અને ઈમામ હુસયન અ.સ.ને કત્લ કર્યા તે દુનિયાના સૌથી વધુ પથ્થરદીલ લોકો હતા. જેમાં દયાનો છાંટો સુદ્ઘાં ન હતો. જરાપણ માનવતા ન હતી. તેઓ તો માત્ર ચાલતા ફરતા પથ્થરો હતા. એટલા બધા કુકર્મીઓ હતા કે ઈતિહાસની સૌથી મોટી નામોશી પોતાના નામે ચડાવી દીધી. સૌથી વધુ હિણપત અને નામોશીભર્યા કાર્યો પોતાને નામે કરાવ્યા. ખુદા તેઓને આ ગુનાહના બદલામાં સૌથી વધુ સખ્ત અઝાબમાં ઝડપી લે. (ફેહરીસ્તે કામીલ ૩)

આજે જે લોકો ઈમામ હુસયન અ.સ. અને એમની ચર્ચાનો વિરોધ કરે છે તેઓએ આ લોકોના સૌથી વધુ ખરાબ પરિણામોથી બોધ-પાઠ લેવો જોઈએ.

સંક્ષિપ્તતાને દ્રષ્ટિ સમક્ષ રાખી થોડા વાકયો ઉપર સમાપન કરીએ છીએ નહિ તો આ વિષય, કયામે ઈમામ હુસયન અ.સ.ના પરિણમો, ફકત આટલા જ વિષયો પુરતા મર્યાદિત નથી.

દર વરસે મોહર્રમમાં બલ્કે દરરોજ ઈમામ હુસયન અ.સ.ના ઝીકરની સાથો સાથ ઈસ્લામ ધર્મના પ્રચાર થતો રહે છે. ખુદા અને રસુલે ખુદાના સંદેશાઓ લોકો સુધી પહોંચતા રહે છે. વલી અસ્ર અ.સ.ના જાહેર થવાની પ્રતિક્ષા, ઈમામ હુસયન અ.સ.ના ખુનના બદલાની તમન્ના, ઈમામ ઝમાના અ.સ.ના અનુયાયીઓ અને અન્સારોમાં ગણના થવા માટે નફસ અને ચારિત્ર્યનું ઘડતર પણ કયામે ઈમામ હુસયન અ.સ.ની ફલશ્રુતિ છે. ઈમામ હુસયન અ.સ.ની શહાદત પહેલા આસમાનમાં લાલાશ જોવામાં ન્હોતી આવી. આકાશમાં લાલાશ પણ કયામે હુસયનીની એક અસર છે. આકાશ આજે પણ ગમે હુસયન અ.સ.માં સોગવાર છે. દિલ ખુન ખુન છે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.