સહાબા અને તાબેઈનની દ્રષ્ટિએ શહિદે કરબલાની મહાનતા

Print Friendly, PDF & Email

સહાબા અને તાબેઈનની દ્રષ્ટિએ શહિદે કરબલાની મહાનતા

હિજરીની પહેલી સદીમાં મુસલમાનોના દિલોમાં ઈમામ હુસયન અ.સ. માટે જે મોહબ્બત અને મહાનતા જોવામાં આવતી હતી તે અજોડ હતી. તે મોહબ્બત અને સન્માનના કારણે તે અસાધારાણ મહેરબાનીઓ, પ્રેમભાવ, આદરભાવ અને ઔચિત્ય જેના વિષે આં હઝરત સ.અ.વ. ફરમાવ્યા કરતા હતા, તે હદીસો જે રસુલે ખુદા સ.અ.વ. એ સય્યદુશ્શોહદાના ગુણગાન અને પ્રશંસામાં બયાન કરી હતી તે મુસલમાનોમાં પ્રચલિત હતી. અને જેની ચર્ચા મોઅમીનોની મહેફીલો અને મજલીસોમાં થયા કરતી હતી. સામાન્ય લોકો અને ખાસ વ્યકિતઓ બધાજ અપવાદ વિના તેનાથી માહિતગાર હતા.

રસુલે અકરમ સ.અ.વ.ની શહાદતથી ઈસ્લામી જગત ઉપર એક મોટી મુસીબત આવી પડી. તે અંધકારમય વાતાવરણમાં જો ઈમાનવાળાઓને કોઈ પ્રકાશ દેખાય તો તે માત્ર અને માત્ર અમીરૂલ મોઅમેનીન અલી બીન અબી તાલીબ અ.સ.નું પવિત્ર અસ્તિત્વ, જનાબે ફાતેમતુઝ-ઝહરા સ.અ. અને તેમના બે તેજસ્વી પુત્રો, જન્નતના જવાનોના સરદાર, ઈમામ હસન અ.સ. અને ઈમામ હુસયન અ.સ.ના અસ્તિત્વનો પ્રકાશ હતો. જો કોઈ આશા અને અપેક્ષા હતી તો તે માત્ર આ મહાન વિભૂતિઓથી તેથી આ મહાન હસ્તીઓ મુસલમાનોની મોહબ્બતનું સ્થાન અને મોહર બની ગઈ.

પરંતુ આપણે જાણીએ છીએ તેમ પયગમ્બર અકરમ સ.અ.વ. પછી તેમના પુત્રી હઝરત ફાતેમા ઝહરા સ.અ. વધુ દિવસો સુધી જીવિત ન રહ્યા અને વધારેમાં વધારે ૯૦ દિવસ સુધી જીવ્યા, પોતાના પીદરે બુર્ઝુગવાર સ.અ.વ.ની મુલાકાત કરવા જન્નત તશરીફ લઈ ગયા.

એવી રીતે દુનિયાની દુ:ખ દર્દથી ભરપૂર મુસીબતોથી મૂકિત મેળવી.

ઉમ્મે અબીહા હઝરત ઝહરા સ.અ.ની વફાત પછી હઝરત અલી અ.સ. અને તેમના બે પુત્રો ઈમામ હસન અ.સ. અને ઈમામ હુસયન અ.સ. મુસલમાનોના હૃદયના એહસાસ અને મોહબ્બતનું કેન્દ્ર હતા. જે લોકો પયગમ્બર સ.અ.વ.ને સાચા દિલથી ચાહતાં હતા તેઓના માટે એ શકય ન હતું કે તેઓના દિલ હસનૈન અ.સ.ની મોહબ્બતથી ખાલી હોય. તેઓ પયગમ્બરની યાદગાર હતા તેઓનું સન્માન અને મોહબ્બત પયગમ્બરની મોહબ્બત અને સન્માન હતું. જો એમ કહેવામાં આવે કે આ બે જન્નતના સરદારો પયગમ્બર સ.અ.વ.ની પછી દરેક મોઅમીન અને મોઅમેનાતના દિલની ધડકન બની ગઈ હતી અને તેઓના પવિત્ર અસ્તિત્વના કારણે મદીના શહેરને રૂહાની દરજ્જો મળ્યો હતો જે રસુલે ખુદા સ.અ.વ.ના સમયમાં હતો, તો અતિશકયોકતી ન કહેવાય. જ્યારે આ બંને મદીનાની ગલીઓમાં મસ્જીદે પયગમ્બરમાં અથવા બીજા કોઈ સમૂહ કે મજલીસમાં આવતા તો એવું લાગતું ખુદ રસુલે ખુદા સ.અ.વ. પોતાના નફસો સાથે તશરીફ લાવ્યા છે. એક ખાસ શોર અને આનંદ લોકોમાં જોવા મળતો હતો. તેઓને એવું લાગતું હતું કે રસુલે ખુદા સ.અ.વ.નો દૌર ફરી આવી ગયો. આ બંનેનું રૂપ, તેઓની રૂહાનિય્યત અને તેઓની પરદર્શકતા લોકોના દિલોની ઉંડાઈઓ સુધી ઉતરી જતી.

જે લોકો પયગમ્બરે અકરમ સ.અ.વ.ની ઝીયારતનો લાભ મળેલ હતો તે એ વાત ઉપર ખુશી અને ગર્વ અનુભવતા કે તેઓને પયગમ્બર સ.અ.વ.ની બે સૌથી પ્રિય યાદગારોની ઝિયારત અને સેવાનો લાભ મળે છે. જેઓની પણ ઈચ્છા થતી તેમની મજલીસમાં બેસી જતાં અને તેઓની વિદ્ઘતાથી ભરપૂર વાતચીતથી પોતાની તરસ બુજાવતા. દુનિયાના પૂર્વ અને પશ્વિમમાં કોઈ એવો મુસલમાન ન હતો કે જેનું દિલ હસન અને હુસયન અ.સ.ની મોહબ્બતથી ખાલી હોય, સિવાયકે દંભી લોકો. બલ્કે થોડા દંભીઓ અને અહલેબય્ત અ.સ.થી દ્વેષ રાખવાવાળા એવા લોકો પણ હતાં કે જે સમાજને છેતરવા માટેની નિય્યતથી અને રાજકીય હેતુથી અકીદતનો દેખાવ કરતા હતા. લોકો હસનૈન અ.સ. સાથે એવી રીતે મોહબ્બત કરતાં હતાં કે અમુક લોકો એવું પણ ગુમાન કરતાં હતાં કે ચાહનારા આ બંનેને તેઓના પિતા હ. અલી અ.સ.થી પણ વધુ ચાહે છે.

અમીરે શામ મોઆવીય્યહ બીન અબી સુફયાન શામના પાટનગર દમિશ્કમાં એવી મહેફીલો ગોઠવ્યા કરતો હતો જેમાં યઝીદની બયઅત માટેની પૂર્વ ભુમીકા તૈયાર કરવામાં આવી રહી હતી. જો કોઈ સત્ય કહેવાની હામ ભીડે તો તુરતજ તેને બાતીલવાળામાં ગણી લેવામાં આવતો હતો. અમુક લોકો એવા પણ હતાં કે જે ઉમરાવો, સરદારો અને શ્રીમંતો સાથે નિકટતા રાખવા માટે કોઈપન પ્રકારના હકાર, ખોટી પ્રસંશા અને શેખી કરવાથી દૂર નહોતા રહેતા.

આવીજ એક બેઠકમાં અહનફ બીન કયસે ઘણીજ મોટી હિંમત દેખાડીને મોઆવીય્યાને ઈમામ હુસયન અ.સ.ની સાથે વલી અહદના મુદ્દા ઉપર પોતાના વાયદા અને કોલને વળગી રહેવા પર જોર આપ્યું અને આમ મુસલમાનોની લાગણીઓ અને અહેસાસનો ખ્યાલ રાખવાની ભલામણ કરી. અહનફે સ્પષ્ટ રીતે હ. અલી અ.સ. અને હસનૈન અ.સ. સાથે ઈરાકવાળાઓની મોહબ્બત અને અકીદાની ચર્ચા કરી પછી કહ્યું:

એ મોઆવીય્યા! યાદ રાખ ખુદાએ અઝઝ જ જલ્લની સામે તારી પાસે કોઈ બહાનું કે ઉઝર નહિ હશે જો તે તારા દિકરાની હસન અને હુસયન અ.સ. ઉપર પસંદગી કરી, જો કે તું ખુબી પૂર્વક જાણે છે કે હસન અને હુસયન અ.સ. કોણ છે અને કયા હદફ અને કયા હેતુ પ્રત્યે કાર્યરત છે.

આજ વાતના અનુસંધાનમાં અહનફે કહ્યું: ખુદાની કસમ ઈરાકવાળા અલી અ.સ.થી વધુ હસનૈન અ.સ. સાથે મોહબ્બત કરે છે. (હવાલો: અલ હસનો વલ હુસયન સિબ્તે રસુલુલ્લાહ સ.અ.વ., પાનુ ૪૯-૫૦)

કદાચ આજ કારણ હતું કે અમુક ખાસ સહાબીઓ જેવાકે અમ્માર અને કયસ બીન સઅદે અન્સારી અને એ લોકો જે પયગમ્બરના સમયમાં હાજર હતા અને અલી અ.સ.ના મશહુર ફીદાકારો અને જાંબાઝોના સાક્ષી હતા, તેઓ હઝરત અલી બીન અબી તાલીબ અ.સ. અને તે ઉપરાંત ઈમામ હસન અને હુસયન અ.સ. સાથે પણ વધુ મોહબ્બત કરતાં હતાં. એજ કારણથી કે આ બંને રસુલે અઅઝમ સ.અ.વ.ના ફરઝંદ હતા અને હઝરત ફાતેમા ઝહરા સ.અ.ના દિલના ટૂકડા હતા.

ઉક્કાદ કહે છે: હુસયન અ.સ. સત્તાવન વરસનું જીવન જીવ્યા. આપના દુશ્મનો અને આપથી રાગદ્વેષ અને દુશ્મની રાખનારા લોકો એવાં હતા જે જુઠ અને બદગોઈ – ખરાબ બોલવાથી પરહેઝ કરતાં ન હતાં. તેમ છતાં તેઓમાંના કોઈને એટલી હિંમત ન હતી કે આપનો કોઈ એબ – દોષ શોધી શકે કે આપના સદ્‌ગુણો અને મરતબાથી ઈન્કાર કરી શકે ત્યાં સુધી કે મોઆવીયાને જ્યારે આપનો ગુસ્સાથી ભરપૂર પત્ર મળ્યો (જે અલ-મુન્તઝરના આ અંકમાં અન્યત્ર છપાએલ છે) અને તેણે એવો વિચાર કર્યો કે જવાબમાં ગુસ્તાખીની હિમંત કરે, તો તે અને તેના મળતીઆઓ પરેશાન હતાં – છેવટે લખે તો શું લખે? હુસયન અ.સ.ની જલાલત, અઝમત અને પાક-દામનીને કેવી રીતે હલ્કી પાડે – નીચી દેખાડે? મોઆવીયાએ કહ્યું કે અલી ઉપર તો હું આરોપ મુકી શકું છું પરંતુ હસનેન અ.સ. ઉપર આક્ષેપ મુકું તો શું મુકું? (અહીં હ. અલી અ.સ. ઉપર તોહમતનો અર્થ ત્રીજા ખલીફા ઉસ્માન બીન અફફાનના કત્લના ષડતંત્રનો આક્ષેપ હતો. જો કે ઈતિહાસ ખુદ આ રહસ્યને ખુલ્લુ પાડી દીધું કે ઉસ્માનના કત્લમાં મોઆવીયા, તલ્હા, ઝુબૈર વિગેરે સંકળાએલા હતા.) (અબુશ્શોહદા પા. ૭૩)

ઈમામ હુસયન અ.સ. ની શહાદત પછી લોકોના દિલોમાં ઈમામ હુસયન અ.સ.ની મોહબ્બતમાં વધુ વધારો થયો. અને આ વાત અતિશયોકતી ભરી નહિ કહેવાય જો એમ કહેવામાં આવે કે તમામ લોકોના દિલોમાં ઈમામ હુસયન અ.સ.ની મોહબ્બત સમાઈ ગઈ છે.

ઈબ્ને કસીર લખે છે: જ્યારે હુસયન અ.સ. અને ઝુબયર મક્કા પહોંચ્યા અને સ્થિર થયા ત્યારે હુસયન અ.સ.ની ખીદમતમાં બરાબર હાજર રહ્યા અને આપથી બિલ્કુલ અળગા થતાં ન હતાં. ટોળાના ટોળા આપની સેવામાં હાજર થતાં. આપની આજુબાજુ બેસીને આપની વાતો ધ્યાનથી સાંભળતા. (સુમ્મુલ મઅની ફી સુમ્મુલ ઝાત, પાનુ ૧૩૯)

પયગમ્બર સ.અ.વ.ના બધા અસ્હાબોમાં ઈબ્ને અબ્બાસનું નામ ઘણુંજ માનપૂર્વક લેવામાં આવે છે, આપનો લકબ “હબરે ઉમ્મત” એટલે ઉમ્મતની શાહી છે. ઈબ્ને અબ્બાસ બની હાશમમાંથી હતા અને પયગમ્બર સ.અ.વ.ના કાકાના દિકરા ભાઈ હતા. વયમાં આપ સય્યદુશ્શોહદા અ.સ.થી મોટા હતા. પયગમ્બર સ.અ.વ.ના રાવીઓમાં આપનું નામ સૌથી ઉચ્ચ સ્થાને હતું. પહેલા અને બીજા ખલીફા તેમના ખીલાફતના કાળ દરમ્યાન આપનું સન્માન કરતાં હતાં. બીજા ખલીફા તો આપથી મશ્વેરો (સલાહ-સુચનો) લીધા કરતા હતા. અમીરૂલ મોઅમેનીન અ.સ.ની ખીલાફતના દૌરમાં ઈબ્ને અબ્બાસનું સ્થાન આપના બુઝુર્ગ સહાબી અને વિદ્યાર્થીઓમાં હતું. આ બધીજ વીશેષતાઓ હોવા પછી મશહુર સુન્ની ઈતિહાસકાર ઈબ્ને સઅદ તેના પુસ્તક અલ-તબકાતુલ કુબરામાં લખે છે: ઈબ્ને અબ્બાસ, ઈમામ હસન અ.સ. અને ઈમામ હુસયન અ.સ.ની રકાબને જ્યાં સુધી આપ બન્ને સવાર ન થઇ જાય ત્યાં સુધી પકડી રાખતા હતા અને કહેતા: હોમા અબ્નાઓ રસુલુલ્લાહ. આ બંને રસુલુલ્લાહના ફરઝંદ છે. (તઝકેરતુલ ખવાસ સિબ્ત ઈબ્ને જવઝી, પાના નં. ૪૪૫)

બીજા ખલીફા ઉમર બીન ખત્તાબ ઈમામ હુસયન અ.સ.ની મહાનતા અને જલાલતનું માન જાળવતા હતા અને કહેતા: “ઈન્નમા અનબત મા તર ફી રૂઅસેનઅલ્લાહો સુમ્મ અન્તુમ” અર્થાત જે કાંઇ ઈઝઝત અમને મળી છે અને આપ જોઈ રહ્યા છો તે અલ્લાહે આપેલી છે અને તે પછી આપ અહલેબય્તના કારણથી છે. (અલ-અસાબા ભાગ-૧, પાનુ ૩૩૩, અસઆફુલ રાગેબીન-પાનુ ૧૮૩)

બીજા ખલીફાના પુત્ર અબ્દુલ્લાહ બીન ઉમર ખાનએ કાઅબાના છાંયડામાં બેઠા હતા. તેમણે ઈમામ હુસયન અ.સ.ને જોયા અને ફરમાવ્યું: “હાઝા અહબ્બો અહલીલ અરઝે એલા અહલી સ્સમાએ અલ યવ્મ.” અર્થાત આ સમયે આસમાનવાળાઓની નઝદીક પૃથ્વી ઉપર સૌથી વધુ મહેબુબ અને સન્માનનીય આ છે. (અલ અસાબા, ભાગ ૧, પાના નં. ૩૩૩)

પહેલા ખલીફા અબુબક્ર પયગમ્બર સ.અ.વ.ની સંગાથે હસન અ.સ. અને હુસયન અ.સ.ને પોતાના ખભા ઉપર સવાર કરતા હતા. ( મકતલે ખ્વારઝમી, પાના નં. ૯૩)

હસન બસરી કહે છે કે હુસયન અ.સ. સરદાર, ઉચ્ચ ચારિત્ર્યવાન, પરહેઝગાર, શાંતિ પ્રિય, સુંદર રીતભાત ધરાવનાર અને મુસલમાનો માટે સારૂં ઈચ્છવાવાળા હતાં. (મતલ ખ્વારઝમી, પાના નં. ૧૫૩)

અબ્દુલ્લાહ બીન ઝુબયરે ઈમામ હુસયન અ.સ.ની શહાદતના સંબંધમાં મસ્જીદુલ હરામમાં લોકોને આ રીતે ઉદ્બોધન કર્યું: હુસયન અ.સ.એ સ્વમાનભેર મૃત્યુને અપમાનભર્યા જીવન કરતાં વધુ પસંદ કર્યું. ખુદા આપ ઉપર તેની રહેમત મોકલે અને તેમના કાતિલોને ઝલીલ કરી નાશ કરે અને જેણે પણ આપને કત્લ કરવાનો હુકમ આપ્યો છે તેની ઉપર ખુદાની લઅનત થાય. ખુદાની કસમ હુસયન અ.સ. ઘણા વધુ રોઝા રાખતા હતાં અને નમાઝે શબ અદા કરતા હતા અને રસુલે ખુદા સ.અ.વ.ની નજદીકીના હકદાર હતા. ખુદાની કસમ જે કુરઆનની લયમાં (ગીતની જેમ) કિરતઅત કરે તે વ્યકિતથી વધુ દંભી અને ઝઘડાખોર બીજો કોઇ નથી અને ખુદાના ડરથીરૂદન કરવાને બદલે ગીત ગાય, દિવસે શરાબ પીએ અને રાતોમાં ભોગવિલાસમાં જકડાએલો રહે, ખુદાની મુનાજાત કરવાને બદલે શિકાર બાજીમાં રચ્યો પચ્યો રહેતો હોય, વાંદરાઓ સાથે રમત ગમતમાં મશ્ગુલ હોય (આ બધા ઈશારા યઝીદે બદકીરદારની આદતો તરફ હતાં) ઘણી ઝડપથી તે ગુમરાહીમાં સપડાએલાં હશે. જાણી લો કે અલ્લાહની લઅનત ઝાલીમો ઉપર છે. (તઝકેરતુલ ખવાસ, પાનુ ૨૮૮)

અનસ બીન માલિક ફરમાવે છે જ્યારે ઈમામ હુસયન અ.સ.ના સરે મુબારકને થાળમાં રાખીને અબ્દુલ્લાહ બીન ઝીયાદની સામે રાખવામાં આવ્યું તો તેણે પોતાના પગથી ઠોકર મારીને અપમાન કર્યું અને આપના રૂપ અને સૌંદર્ય ઉપર ટીકા કરી. અનસે ફરમાવ્યું કે તે તો રસુલુલ્લાહ સ.અ.વ. સાથે વધુ મળતું આવતું હતું. (સહિહ બુખારી, કિતાબ અલ મનાકેબ)

ઈમામ હુસયન અ.સ.ના ફઝાએલ લખતાં લખતાં કલમ ટૂટી જશે. આથી વધુ લખવાની હિંમત નથી પરંતુ હવે પ્રશ્ન માત્ર એ છે કે જ્યારે લોકોના દિલોમાં ઈમામ હુસયન અ.સ. માટે આટલી મોહબ્બત હતી અને સહાબા અને એમના અનુયાયીઓ આપની ફઝીલતને ખૂબી પૂર્વક સમજતા હતાં તો પછી કરબલાની ઘટના કેમ ઘટી?

આશુરાના દિવસે અમારા મઝલુમ ઈમામે યઝીદનાલશ્કર પાસે પોતાનો શું ગુનાહ હતો તે જાણવાની માગણી કરી. અત્યાચારીઓ પાસે કોઈ જવાબ ન હતો સિવાય એ કે, “બુગઝન લે અબીક.” તમારા પિતા પ્રત્યેના રાગદ્વેષના કારણે. આ તે દંભીઓ હતાં જેઓના વડવાઓ બદર, ઓહદ, ખંદક, ખયબર, હુનયન વિગેરે લડાઈઓમાં મૌલાએ કાએનાતના હાથે જહન્નમમાં પહોંચી ગયા હતા. હવે તેઓને બદલો લેવાની તક મળી અને દંભનું આવરણ ચીરાઈ ગયું.

જ્યારે ઈમામે ઝમાના અ.સ. તશરીફ લાવશે ત્યારે આ બધી તૈયાર કરવામાં આવેલ ઈમારતોને નષ્ટ અને નાબુદ કરી દેશે. પરવરદિગાર! જે કોઈ ઈમામ હુસયન અ.સ.ના કત્લમાં જોડાએલો હોત તેને અપમાનીત કરી નાશ કર અને જહન્નમમાં જગ્યા આપ. આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *