ઇમામ હુસૈન(અ.સ.)ની મદદ અને ઇમામે ઝમાના(અ.સ.)ની મદદ

Print Friendly, PDF & Email

ઇમામ હુસૈન(અ.સ.)ની મદદ અને ઇમામે ઝમાના(અ.સ.)ની મદદ

ખુદાવંદે આલમે આ દુનિયાના ઇન્સાનને સંપૂર્ણતા હાસિલ કરવા માટે પૈદા કર્યો છે અને અલ્લાહે વ્યવસ્થા પણ એવી કરી છે કે અગર હઝરતે ઇન્સાન અલ્લાહના બનાવેલા કાનૂનો અને તરીકા ઉપર ચાલે તો ખૂબ જ આસાનીથી દુનિયા અને આખેરતમાં સફળતાની મંઝિલો પાર કરી શકે છે. પરંતુ જનાબે આદમ(અ.સ.)ના ઝમાનાથી આજ સુધી દુનિયામાં મોટા ભાગના લોકોએ ન તો ઇલાહી કાનૂનોને આદર્શ બનાવ્યા અને ન તો ઇલાહી તાલીમાત પર સંપૂર્ણ રીતે અમલ કર્યો છે. પરંતુ એનાથી વધીને લોકોએ ગુમરાહીનો રસ્તો અપનાવ્યો છે અને હંમેશા અલ્લાહના અવલીયા(અ.મુ.સ.), અંબિયા (અ.મુ.સ.) તથા અઇમ્મા(અ.મુ.સ.)ને શહીદ કર્યા છે. આ અત્યાચાર છતા અલ્લાહની સુન્નત હંમેશાથી એ રહી છે કે હિદાયત અને રેહનુમાઇની વ્યવસ્થા સતત થતી રહે અને દુનિયામાં ફસાદ અને ગુમરાહી ફેલાઇ ન શકે. આથી જુદી જુદી કૌમોની ગુમરાહીઓ હદથી વધારે વધવા છતા અલ્લાહે ક્યારેક તેમને અઝાબમાં નાખ્યા અથવા ઘણીવાર તેમને તૌબા કરવાથી માફ કરી દીધા. આ સિલસિલો ચાલતો રહ્યો અહી સુધી કે નબીએ રહેમત દુનિયા માટે રહેમત બનીને આવ્યા અને ૨૩ વરસમાં એક એવો મહાન ઇન્કેલાબ લાવી દીધો કે જેની કોઇ મિસાલ નથી મળતી. પરંતુ આ છતા પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ની ઇલાહી તાલીમાતની અસર અમુક જ લોકો પર થઇ છે અને મોટા ભાગના લોકો શૈતાનના ફરેબથી ગફલતની નિંદ્રામાં સૂતા રહ્યા અને શૈતાને તેઓના દિલોમાં પોતાની પુરી નસ્લ તૈયાર કરી લીધી તો આ લોકો હિદાયતના ચિરાગને બુજાવવા માટે કરબલામાં આવી ગયા. પરંતુ કાદિરે મુત્લકે શૈતાનના વસવસા અને ગુમરાહીને હકના તલબગારો માટે એટલી સ્પષ્ટ કરી દેવાનો ફેંસલો કર્યો હતો કે કયામત સુધી કોઇ તેના પર ધુળ નાખી ન શકે. એટલા માટે આ ઇન્કેલાબની બુનિયાદ એવા ફિતરી તત્વો ઉપર રાખી કે દુનિયાનો દરેક ઇન્સાન તેના ઉપર ઉડતી નજર નાખે તો પણ હક માન્યા વિના નથી રહી શકતો અને તેના દિલમાં ઝુલ્મ અને ફસાદની વિ‚ધ્ધ એવી ચિનગારી પૈદા કરી દે છે, જે દરેક શયતાની ફસાદનું ગળુ દબાવી દે છે. એટલા માટે કરબલાના મૈદાનમાં જે મહાન ઇન્કેલાબનો પાયો નાખવામાં આવ્યો હતો તે મૈદાનમાં આ મહાન ઇન્કેલાબનું એલાન પણ કરવામાં આવ્યું હતું કે જે દુનિયાને તમામ ઝુલ્મ અને અત્યાચારથી પાક કરીને અદ્લો ઇન્સાફનો પરચમ લેહરાવશે.

નિમ્ન લિખિત લેખમાં તે મહાન ઇન્કેલાબની બુનિયાદ પર ઉડતી નજર કરવાની એક મામુલી કોશિશ કરવામાં આવી છે. જેથી મહાન ઇન્કેલાબના ઇન્તેઝાર કરવાવાળાઓની ખિદમતમાં એ વાત કાન સુધી પહોંચાડી શકાય કે ઇમામ હુસૈન(અ.સ.)ના મીશન અને ઇન્કેલાબને યાદ કર્યા વગર, અસ્હાબે હુસૈન(અ.સ.)ની ખાસિયતોને અપનાવ્યા વગર કોઇ શખ્સ આ મહાન ઇન્કેલાબમાં ભાગીદાર નથી થઇ શકતો તેની દલીલ ઇમામ હુસૈન(અ.સ.)નું આ ઇરશાદે ગિરામી છે જે તેમણે પોતાના જદ્દે બુઝુર્ગવાર પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)થી વર્ણવ્યું છે.

ઇમામ હુસૈન(અ.સ.)એ કરબલામાં પોતાના અસ્હાબને ફરમાવ્યું:

ફકદ્ અખ્બરની જદ્દી અન્ન વલદેયલ્ હુસૈન અલય્હિસ્સલામો યુક્તલો બેતીફ્ફે કરબલાઅ, વહીદન્ અત્શાનન્, ફ મન્ નસરહુ ફ કદ્ નસરની વ નસર વલદહુલ્ કાએમ અલય્હિસ્સલામો

“ચોક્કસ મારા જદ્દે મને ખબર આપી છે કે મારો ફરઝંદ હુસૈન(અ.સ.) કરબલામાં ગુરબત અને એકલતામાં તથા તરસ્યા શહીદ કરવામાં આવશે. તો પછી જેણે તેમની મદદ કરી તો ચોક્કસ તેણે મારી મદદ કરી અને તેમના ફરઝંદ કાએમ(અ.સ.)ની મદદ કરી છે

(ફવાએદુલ્ મશાહેદ, પાના: ૪૬૬)

એટલે કે ઇમામ હુસૈન(અ.સ.)ના અસ્હાબ ખુદ ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબ અને અન્સાર છે. જાણે કે કરબલાના મૈદાનમાં ઇમામ હુસૈન(અ.સ.)ની સાથે રહીને જંગ કરવાવાળાઓ ઇમામે ઝમાના(અ.સ.)ની મદદ માટે આગળ આવ્યા છે.

અસ્હાબે હુસૈન(અ.સ.)ની ખાસિયતો:

ઇમામ હુસૈન(અ.સ.)ના વફાદાર સાથીઓએ પોતાના વલીએ નેઅમત માટે ઇન્સાની ઝિંદગીની સૌથી કિંમતી પુંજી એટલે કે પોતાની જાનને કુરબાન કરી દીધી અને શોહદાના સરદારોના સમૂહમાં શામિલ થઇ ગયા.

અમી‚લ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યું:

વ ખય્‚લ્ ખલ્કે વ સય્યેદોહુમ્ બઅ્દલ્ હસને અલય્હિસ્સલામો ઇબ્ની, અખુહુલ્ હુસૈનો અલય્હિસ્સલામુલ્ મઝ્લુમો બઅ્દ અખીહે, અલ્ મક્તુલો ફી અર્ઝે કર્બીન્ વ બલાઅ, અલા અન્નહુ વ અસ્હાબહુ મિન્ સાદાતીશ્શોહદાએ યવ્મલ્ કેયામતે

“મારા ફરઝંદ હસન(અ.સ.) પછી બેહતરીન મખ્લુક અને તેમના સરદાર તેમનો ભાઇ હુસૈન(અ.સ.) છે, જે તેમના ભાઇ પછી મઝલુમ હશે. બલા અને મુસીબતની જમીન કરબલામાં શહીદ કરવામાં આવશે. જાણી લ્યો કે તેઓ અને તેમના અસ્હાબો કયામતના દિવસે શહીદોના સરદારોમાંથી હશે.

(બેહા‚લ અન્વાર, ભાગ: ૩૬, પાના:૨૫૩)

ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબોની શહાદત પહેલા જનાબે હમ્ઝા બીન અબ્દુલ મુત્તલીબનો લકબ સય્યદુશ્શોહદાઅ હતો અને હી.સ. ૬૧ ના આશુરા પછી આ લકબ સામાન્ય રીત ઇમામ હુસૈન(અ.સ.) માટે ઉપયોગ થવા લાગ્યો અને ઇમામ હુસૈન(અ.સ.)ના અસ્હાબ પણ ઇમામ હુસૈન(અ.સ.)ના સદકામાં શરાફત અને સરદારીના હોદ્દેદાર છે અને શોહદાના સરદારોના લીસ્ટમાં શામિલ થઇ જાય છે.

કારણ કે તેમણે પોતાની જાન, મોહબ્બત, માઅરેફત અને ખુલુસતા પૂર્વક પોતાના ઇમામ(અ.સ.)ની મદદ કરતા પોતાની કુરબાનીઓ રજુ કરી, તેથી પોતાના ઇમામ (અ.સ.)ની મદદમાં સૌથી મહાન દરજ્જાને હાંસિલ કરી લીધો. અમી‚લ મોઅમેનીન(અ.સ.) પણ એહલેબૈત (અ.મુ.સ.)ની મદદને સૌથી મહાન અને ઉચ્ચ મરતબાવાળી મદદ અને નુસ્રત તથા તેમના દુશ્મનોથી જંગ કરવા વિશે ફરમાવે છે:

મન્ અહબ્બના બે કલ્બેહી વ અઆનના બે લેસાનેહી વ કાતલ મઅના અઅ્દાઅના બે યદેહી ફ હુમ્ મઅના ફી દરજતેના. વ મન્ અહબ્બના વ અઆનના બે લેસાનેહી વ લમ્ યોકાતેલ મઅના અઅ્દાઅના ફ હોવ અસ્ફલો મિન્ ઝાલેક બે દરજતીન.

“જે અમને દિલથી ચાહે છે અને પોતાની જીભથી મદદ કરે છે અને અમારી સાથે રહીને અમારા દુશ્મનોથી લડે છે, તો પછી તેઓ કયામતના દિવસે અમારી સાથે અને અમારા દરજ્જામાં હશે અને જેઓ અમને ચાહે છે અને પોતાની જીભથી અમારી મદદ કરે છે, પરંતુ અમારી સાથે અમારા દુશ્મનોથી જેહાદ ન કરે તે આના કરતા નીચલા દરજ્જામાં હશે.

(બેહા‚લ અન્વાર, ભાગ: ૨૭, પાના:૮૯, હદીસ: ૩૯)

આ હદીસથી એ પરિણામ કાઢી શકીએ છીએ કે એહલેબૈત(અ.મુ.સ.)ના દુશ્મનોથી લડવું અને પોતાની જાન કુરબાન કરવી એ ઇમામ(અ.સ.)ની મદદ કરવામાં સૌથી મહાન દરજ્જો અને મકામ છે અને ઇમામ હુસૈન(અ.સ.)ના અસ્હાબ આ બારામાં સૌથી ઉચ્ચ અને મહાન છે.

જે લોકો ઇમામે ઝમાના(અ.સ.)ની ગયબતના સમયમાં પોતાનું જીવન રાત-દિવસ પસાર કરી રહ્યા છે તેમણે અલ્લાહથી દુઆ કરવી જોઇએ કે અલ્લાહ તેમને એ મઅરેફત અતા કરે જેનાથી તેઓ સમજી જાય કે જો કે અમે ઇમામ હુસૈન(અ.સ.)ના ઝમાનામાં ન હતા, પરંતુ અમે આ માર્ગ પર ચાલવાની તૌફીક મેળવવા માટે દરેક પ્રકારે તય્યાર છીએ.

આજના ઝમાનામાં ઇમામ હુસૈન(અ.સ.)ની નુસરત:

ઇમામ હુસૈન(અ.સ.) ૬૧ હીજરીમાં શહીદ થયા. આજે ૧૩૭૩ વરસ પસાર થઇ ચૂક્યા છે, આ છતાં આપણે ઇમામ(અ.સ.)ની મદદ કરી શકીએ છીએ અને આ તરીકાથી આપણે ઇમામે ઝમાના(અ.સ.)ની મદદ કરવાવાળાઓમાં શામિલ થશું. ઇમામ હુસૈન(અ.સ.)ની મદદ કરવાનો એક રસ્તો એ લોકો માટે કે જેઓ કરબલામાં ન હતા એ છે કે દુનિયામાં પોતાના દિલને ઇમામ (અ.સ.)ની મોહબ્બતથી તરબોળ કરી લે અને ઇમામ (અ.સ.)ની ઉંડી મોહબ્બત થકી આ અઝીમ દરજ્જાને હાસિલ કરી લે.

જાબીર બીન અબ્દુલ્લાહ અન્સારી પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ના વફાદાર સાથીઓમાંથી એક હતા, જેમણે ઇમામ હુસૈન(અ.સ.)ની ઇમામતનો ઝમાનો જોયો હતો, પરંતુ આશુરાના દિવસે ઇમામ હુસૈન(અ.સ.)ના લશ્કરમાં શરીક થવાની તૌફીક તેમને ન મળી. જાબીર એ જ વરસે ચેહલુમમાં ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારતનો શરફ મેળવે છે. કારણ કે અંધ હતા એટલે અતીય્યા કુફીને દરખાસ્ત / વિનંતીકરી કે મારો હાથ ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રે મુબારક ઉપર રાખી દયો પછી ગમ અને દુ:ખની શીદ્દતના લીધે બેહોશ થઇ ગયા અને કબ્ર ઉપર પડી ગયા. જ્યારે હોશ આવ્યો તો ત્રણ વાર યા હુસૈન કહ્યુ અને પછી કહે છે:

‘હબીબુન્ લા યોજીબો હબીબહુ’

‘તે દોસ્ત કે જે પોતાના દોસ્તને જવાબ નથી આપતો’

પછી ઇમામ હુસૈન(અ.સ.)ને સંબોધન કરીને કહ્યું અને શોહદાની ‚હોને સલામ કરી અને કહ્યું: એ અલ્લાહની કસમ જેણે પૈગમ્બર(સ.અ.વ.)ને હકની સાથે નિયુક્ત કર્યા અમે આપની સાથે જે ચીજમાં આપ દાખલ થયા તેમાં ભાગીદાર થઇ ગયા.

અતીય્યાએ જાબીરને પુછ્યું: આપણે રણ અને જંગલની સફરો નથી કરી અને ન તો આપણે તલવાર ચલાવી જ્યારે કે તેમના શરીર અને માથામાં જુદાઇ થઇ ગઇ તથા તેમના અને તેમની અવલાદ દરમિયાન જુદાઇ થઇ ગઇ અને તેમની ઔરતો પોતાના શોહરોને ખોઇ બેઠી. તો પછી આપણે કેવી રીતે તેમની સાથે ભાગીદાર કહેવાઇએ?

જાબીરે જવાબમાં કહ્યું: યા અતીય્યાહ! સમેઅ્તો હબીબી રસુલલ્લાહે(સ.અ.વ.) યકુલો :

મન્ અહબ્બ કવ્મન્ હોશેર મઅહુમ્, વ મન્ અહબ્બ અમલ કવ્મીન્ અશ્રક ફી અમલેહીમ્…

અય અતીય્યાહ! મેં મારા હબીબ રસુલલ્લાહ (સ.અ.વ.)ને કેહતા સાંભળ્યા છે કે:

“જે શખ્સ કોઇ કૌમને પસંદ કરે છે તો તેને તેમની સાથે ઉઠાડવામાં આવશે અને જે શખ્સ કોઇ કૌમના કાર્યને પસંદ કરે છે, તો તેના અમલમાં ભાગીદાર ગણાશે…

પછી વધુમાં કહે છે:

વલ્લઝી બઅસ મોહમ્મદન્ (સલ્લલ્લાહો અલય્હે વ આલેહી) બીલ્ હક્કે ઇન્ન નિય્યતી વ નિય્યત અસ્હાબી અલા મા મઝા અલય્હીલ્ હુસૈનો અલય્હિસ્સલામો વ અસ્હાબોહુ

“કસમ છે એ અલ્લાહની કે જેણે પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ને હકની સાથે નિયુક્ત કર્યા બેશક મારી અને મારા દોસ્તોની નિય્યત એવી જ નિય્યત છે જે ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબની હતી

(બેહા‚લ અન્વાર, ભાગ: ૧૦૧, પાના: ૧૯૬)

જાબીર બીન અબ્દુલ્લાહ અન્સારીએ પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ના ઇરશાદે ગિરામી થકી અલ્લાહનો એક કાનૂન બયાન કર્યો છે. મોહબ્બત એક દિલનું અને ઇખ્તેયારી કામ છે, જે ઇન્સાનને તેના મહેબુબ સુધી પહોંચાડી દે છે. આના લીધે જે લોકો ઇમામ હુસૈન(અ.સ.) સાથે કરબલામાં ન હતા, જે ઝમાનામાં પણ હોય, તેઓ પોતાની નિય્યત અને મોહબ્બતથી ઇમામ(અ.સ.)ની સાથે થઇ શકે છે. ત્યાં સુધી કે ઇમામ(અ.સ.)ની સાથે જંગ કરવાનો સવાબ પણ હાસિલ કરી શકે છે. એટલે કે દુનિયા અને આખેરતમાં અસ્હાબે હુસૈન(અ.સ.)ની યાદી (લીસ્ટ)માં શામિલ થઇ શકે છે. પરંતુ મહત્વનો મુદ્દો અહી એ છે કે આ ઇલાહી કાનૂનને તસ્લીમ કરે એટલે કે દિલ અને જાનથી આ ઇલાહી સુન્નત પર યકીન કરે અને આના વિશે અલ્લાહના વાયદા પર નેક ગુમાન રાખે જેથી પોતાની નિય્યત થકી ઇમામ(અ.સ.)ના વફાદાર અને મદદ કરનારા અસ્હાબમાં શામિલ થઇ શકે. આના વિશે વધારે યકીન પૈદા કરવા માટે ઇમામ સાદિક(અ.સ.)ની એક અન્ય હદીસ વર્ણન કરીએ છીએ. ઇમામ સાદિક(અ.સ.)ની ૬૧ હિજરીમાં વિલાદત થઇ  ન હતી, પરંતુ ઇમામ બાકિર(અ.સ.) આ સફરમાં લગભગ ૫ વરસના હતા. આમ છતાં ઇમામ સાદિક(અ.સ.) ખુદ પોતે અને પોતાના તમામ શીઆઓને કરબલાના શહીદોની યાદીમાં ગણાવે છે અને કહે છે:

ઇન્ની લવ્ ઉખ્રેજો નફ્સી મિન્ શોહદાઇત્ તોફુફે વ લા અઅદ્દો સવાબી અકલ્લ મિન્હુમ્. લે અન્ન મિન્ નિય્યતીન્ નુસ્રત લવ્ શહીદ્તો ઝાલેકલ્ યવ્મ વ કઝાલેક શીઅતોના હોમુલ્ શોહદાઓ, વ ઇન્ માતુ અલા ફોરોશેહીમ્.

“હું મારી જાતને કરબલાના શહીદોની યાદીથી અલગ નથી સમજતો અને ન હું પોતાના સવાબને તેમનાથી ઓછો સમજુ છું કારણ કે મારી નિય્યત આ છે કે હું અગર તે જ દિવસને હાસિલ કરી લેત તો ચોક્કસ ઇમામ હુસૈન(અ.સ.)ની મદદ કરતે એ જ રીતે અમારા શીઆ શહીદોમાં ગણાશે, ભલેને પછી તેમને તેમના બિસ્તર પર મૌત આવી હોય

(મિકયાલુલ મકારીમ, ભાગ: ૨, પાના: ૨૨૮)

આ જ રીતે ઇમામ રેઝા(અ.સ.)એ શબીબના ફરઝંદને ફરમાવ્યું કે જે મોહર્રમની પહેલી તારીખે ઇમામ(અ.સ.)ની ખિદમતમાં પહોંચ્યો હતો, આ રીતે લખાવ્યું:

યબ્નશ્શબીબ ઇન સર્રક અન્ યકુન લક મેનસ્ સવાબે મિસ્લો મા લેમનિસ્ તુશ્હેદ મઅલ્ હુસૈને અલય્હિસ્સલામો ફ કુલ્ હત્તા મા ઝકર્તહુ. યા લય્તની કુન્તો મઅહુમ્ ફ અફુઝો ફવ્ઝન્ અઝીમા

“અય શબીબના ફરઝંદ! અગર ખુશ થવા ચાહો છો કે તમને પણ ઇમામ હુસૈન(અ.સ.)ની સાથે શહીદ થવાવાળા બાવફા સહાબીઓનો સવાબ મળી જાય તો, જ્યારે પણ તેમની યાદ આવે તો કહો: અય કાશ! હું પણ તેમની સાથે હોત તો મહાન સફળતા મેળવી લેત

(બેહા‚લ અન્વાર, ભાગ: ૪૪, પાના: ૨૮૬)

ઇમામે અસ્ર(અ.સ.) અને તેમના અસ્હાબનો નારો:

ઝુહુરના ઝમાનામાં ઇમામે ઝમાના(અ.સ.)ની એક મહત્વની જવાબદારી ઇમામ હુસૈન(અ.સ.)ના દુશ્મનોથી બદલો લેવો છે. આ બાબત એટલી બધી અગત્યની છે કે ઇમામે અસ્ર(અ.સ.)નો એક બુનિયાદી નારો ગણવામાં આવ્યો છે. નાહિયાએ મુકદ્દસની એક ઝિયારતમાં આપણે ઇમામે ઝમાના(અ.સ.)ને આવી રીતે સંબોધન કરીએ છીએ:

અસ્સલામો અલલ્ ઇમામીલ્ આલેમીલ્ ગાએબે મેનલ્ અબ્સારે વલ્ હાઝેરે ફીલ્ અમ્સારે, વલ્ ગાએબે મેનલ્ ઓયુને વલ્ હાઝેરે ફીલ્ ઇફ્કારે, બકીય્યતીલ્ અખ્યારીલ્ વારેસે ઝલ્ફેકારે, અલ્લઝી યઝ્હેરો ફી બય્તીલ્લાહીલ્ હરામે ઝીલ્ ઇસ્તારે વ યોનાદી બે શેઆરે યા લ સારાતીલ્ હુસૈને, અનત્તાલેબો બીલ્ અવ્તારે. અના કાસેમો કુલ્લે જબ્બારીન્, અલ્ કાએમુલ્ મુન્તઝરો ઇબ્નુલ્ હસને અલય્હે વ આલેહી વ અફ્ઝલુસ્સલામે.

“આલીમ અને આગાહ તથા નજરોથી છુપા ઇમામ પર સલામ, જે શહેરોમાં મૌજુદ છે, નજરોથી છુપા અને વિચારોમાં હાજર, નેક લોકોનો બાકી હીસ્સો, ઝુલ્ફીકારના વારિસ, તેઓ કે જેઓ અલ્લાહના પર્દાવાળા ઘરમાંથી જાહેર થશે અને ખૂને હુસૈન(અ.સ.)નો ઇન્તેકામનો નારો આપશે અને કહેશે કે હું ખૂને નાહકનો બદલો લેવાવાળો છું. હું દરેક ઝાલિમ અને જાબીરને ખત્મ કરીશ અને હું એ કાએમ છું જેનો લોકો ઇન્તેઝાર કરી રહ્યા છે. ઇમામ હસન અસ્કરી(અ.સ.)નો ફરઝંદ છું. તેમના અને તેમના પવિત્ર ખાનદાન પર દુ‚દ અને સલામ થાય

(બેહા‚લ અન્વાર, ભાગ: ૧૦૨, પાના: ૧૯૩-૧૯૪)

સામાન્ય રીતે ‘નારો’ એ કોઇ પણ શખ્સના મકસદને જાહેર કરે છે. ઝુહુરના સમયે ઇમામે ઝમાના(અ.સ.)નો ઇમામ હુસૈન(અ.સ.)ના ખૂનના ઇન્તેકામનો નારો એ અલ્લાહ અને ઇમામ(અ.સ.)ની નજદીક તેના મહત્વને જાહેર કરે છે. ઇમામ(અ.સ.)ના અસ્હાબની પણ ઇમામ(અ.સ.)ની પૈરવીમાં એક સિફત એ પણ છે કે ઇમામ હુસૈન(અ.સ.)ના ખૂનનો બદલો લેવા માટે ઉભા થઇ જશે અને રાહે ખુદામાં શહીદ થવાની તૌફીકની આરઝુ છે.

ઇમામ સાદિક(અ.સ.) તેઓની સિફત બતાવતા ફરમાવે છે:

યતમન્નવ્ન અન્ યોકત્તલુ ફી સબીલીલ્લાહે, શેઆરોહુમ્ યા લ સારાતીલ્ હુસૈને અલય્હિસ્ સલામ…. બેહીમ્ યન્સો‚લ્લાહો ઇમામલ્ હક્કે.

“અલ્લાહની રાહમાં શહીદ થવાની તમન્ના કરશે. યા લ સારાતીલ હુસૈન(અ.સ.)નો નારો બુલંદ કરશે. અલ્લાહ તેમના થકી ઇમામે બરહકની નુસ્રત કરશે

(બેહા‚લ અન્વાર, ભાગ: ૫૨, પાના: ૩૦૮, હદીસ: ૧૮૩)

યા લ સારાતીલ હુસૈન(અ.સ.)નો અર્થ અય ઇમામ હુસૈન(અ.સ.)ના ખૂનનો બદલો લેવાવાળા. તેઓ આ બદલો લેવા માટે ગિર્યા કરશે. જાણે કે આ નારો ઇમામે ઝમાના(અ.સ.)ના મહાન ઇન્કેલાબને જાહેર કરે છે. આ રીતે ઇમામે ઝમાના(અ.સ.)ના બાવફા સાથી બનવા માટે જ‚રી છે કે આપણે ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના બાવફા સાથીદારોની વધુમાં વધુ માઅરેફત હાસિલ કરીએ. જેથી આપણને માલુમ થાય કે અલ્લાહની નજરોમાં આ ખૂને નાહક વહેવાની શું એહમીય્યત છે? ત્યાં સુધી કે અલ્લાહે તમામ અંબિયા, અવલીયા અને અવસીયા અને નેક લોકોથી આ ખૂને નાહકનો બદલો લેવા માટે આ મહાન ઇમામ(અ.સ.)નો વાયદો કર્યો. આથી જ‚રી છે કે આપણે ઇમામ હુસૈન(અ.સ.)ના બાવફા અસ્હાબથી મઅરેફત, મોહબ્બત, ઇખ્લાસ અને ઇમામ(અ.સ.)ની રાહમાં કુરબાની આપવાનું શીખીએ.

ઇમામ હુસૈન(અ.સ.)ના અસ્હાબનો એહવાલ:

ઇમામ હુસૈન(અ.સ.)ના અસ્હાબ જ્યાં સુધી જીવતા હતા તેઓએ એ બાબત સહન ન કરી કે આલે રસુલ (અ.મુ.સ.)ની કોઇ અવલાદ મૈદાને જંગમાં જાય, પરંતુ પોતાની અને પોતાની અવલાદની જાન ઇમામ(અ.સ.) અને તેમની અવલાદ પર કુરબાન કરી દીધી અને તેની સાથો સાથ હંમેશા પોતાની વફાદારીનું એલાન કરતા રહ્યા અને અમલી રીતે અને દિલથી પણ મોહબ્બતનો ઇઝહાર કર્યો. ઉદાહરણ તરીકે અમુકનો ઉલ્લેખ કરીએ છીએ જેથી માલુમ થઇ શકે કે ખેરખર જે લોકો પોતાના ઇમામ(અ.સ.)ની મદદ કરવા ચાહે છે તેમની નિય્યત, અકીદો અને મારેફત કેટલી હદ સુધી મજબુત હોવા જોઇએ.

જ્યારે શબે આશુર આવી, ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાના અસ્હાબને ભેગા કર્યા અને અલ્લાહની હમ્દો સના કર્યા પછી તેમને ફરમાવ્યું:

અય અસ્હાબ! આપ લોકોથી બેહતર હું કોઇને બેહતર નથી જાણતો અને મારા એહલેબૈતથી બેહતર અને નેક કોઇને નથી જાણતો. અલ્લાહ તમને મારા તરફથી નેક બદલો આપે. રાતના અંધારાએ તમને ઘેરી લીધા છે. તેને તમારી સવારી સમજો અને તમારામાંથી દરેક મારા એહલેબૈત(અ.મુ.સ.) માંથી કોઇનો હાથ પકડી લેય અને રાતના અંધારામાં ચાલ્યા જાય અને મને આ દુષ્ટકૌમની સાથે છોડી દે, કારણ કે તેમને મારી સિવાય બીજા કોઇનું કામ નથી.

ઇમામ(અ.સ.)ના ભાઇઓ અને ફરઝંદો અને ભાણેજોએ કહ્યું: અમે આ કામ શા માટે કરીએ? શું એટલા માટે કે તમારા પછી જીવતા રહીએ? ખુદાની કસમ અમે હરગીઝ આ કામ નહીં કરશું. સૌ પ્રથમ કમરે બની હાશિમ અને પછીથી બીજાઓએ આ રીતે ઇમામ(અ.સ.)ને કહ્યું.

જ્યારે અસ્હાબની વાત આવી તો મુસ્લિમ બીન અવ્સજાએ કહ્યું: “અમે આપને એકલા નહી છોડીએ, જ્યારે કે દુશ્મનોએ આપને ઘેરી લીધા છે. ન આપથી મોઢુ ફેરવીશું અને ન તો કયાંય જઇશું. નહીં, ખુદાની કસમ, અલ્લાહ મને એ દિવસ ન બતાવે. હું એવું નહી કરીશ સિવાય એના કે હું મારા નેઝાને તેમની છાતીઓમાં તોડી નાખું અને જ્યાં સુધી મારા હાથોમાં તલવાર છે તેમનાથી લડીશ અને અગર હથિયાર વગરનો થઇ જઇશ તો તેઓની સાથે પથ્થરથી લડીશ અને આપનાથી ત્યાં સુધી જુદો નહી થઉ, જ્યાં સુધી પોતાની જાન આપના કદમોમાં નિસાર ન કરી દઉ

તેના પછી સઇદ ઇબ્ને અબ્દુલ્લાહ હનફી ઉભા થયા અને ફરમાવ્યું: “નહી, ખુદાની કસમ અય પૈગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદ! ત્યાં સુધી કે અલ્લાહને માલૂમ થઇ જાય કે અમે આપના બારામાં પૈગમ્બર(સ.અ.વ.)ની વસીય્યતની હિફાઝત અને રક્ષણ કર્યુ છે અને અગર જાણી લઉ કે આપની આગેવાનીમાં શહીદ થઇ જઇશ અને પછી જીવતો કરવામાં આવે અને મારા શરીરના ટુકડાને હવાને હવાલે કરી દેશે અને અશ્કીયા મારી સાથે આવું વર્તન કરશે તો પણ હું આપથી અલગ નહી થાવ ત્યાં સુધી કે મારી જાનને આપના કદમોમાં નિસાર કરી દઉ. જ્યારે કે અહી તો એક થી વધારે વાર કત્લ નહી કરવામાં આવે અને તેના પછી હંમેશા અઝમત અને બુઝુર્ગી હાસિલ થશે તો પછી હું શા માટે આ કામ ન ક‚?

પછી ઝુહૈર ઇબ્ને કૈન ઉભા થયા અને કહ્યું: અલ્લાહની કસમ, અય પૈગમ્બર(સ.અ.વ.)ના ફરઝંદ! હું ચાહુ છું કે મને હજાર વાર કત્લ કરવામાં આવે અને ફરીવાર જીવંત કરવામાં આવે અને મારા કત્લ થવાથી આપ(અ.સ.) અને આપ (અ.સ.)ના ભાઇ અને અવલાદ તથા આપ(અ.સ.)ના એહલેબૈત બચી જાય. (વધુ માટે જુઓ લોહુફ, પાના: ૯૧ થી ૯૩)

આપે એ શબ્દો ઉપર વિચાર કર્યો કે કેવી રીતે ઇમામ હુસૈન(અ.સ.)ના બાવફા સાથીઓ પોતાના ઇમામને કહી રહ્યા હતા કે હજારો વખત આપના માટે અને આપના એહલેબૈત માટે શહીદ થઇ જઇએ. આજે કોણ છે જે સચ્ચાઇ પૂર્વક કહી શકે અમે એહલેબૈત(અ.મુ.સ.)ના માટે પોતાની જાન અને માલ બધુ જ કુરબાન કરવા માટે તય્યાર છીએ? ચોક્કસ એ લોકોના દિલોમાં ઇમામ(અ.સ.)ની મોહબ્બત ખૂબ જ હતી. ઇમામ હુસૈન(અ.સ.)ના અસ્હાબ આવા હતા અને તેમણે આશુરાના દિવસે તે એવી રીતે સાબિત કર્યુ કે જાન દેવા માટે એક-બીજા પર આગળ વધતા હતા. જેમ કે સઇદ ઇબ્ને અબ્દુલ્લાહ હનફીને ઝોહરના સમયે ઇમામ(અ.સ.)એ જ્યારે ફરમાવ્યું કે: મારી સામે ઉભા રહો જેથી હું નમાઝે ખૌફ પઢી શકુ. ઇમામ(અ.સ.) પોતાના અમૂક અસ્હાબો સાથે નમાઝ પઢવા માટે જેવા ઉભા થયા તો સઇદ ઇમામ(અ.સ.)ની તરફ આવતા તીરને પોતાની છાતી ઉપર લઇ લેતા ત્યાં સુધી કે જમીન ઉપર પડી ગયા બલ્કે ઇમામ(અ.સ.)ના દુશ્મનો પર લાનત કરી રહ્યા હતા અને કેહતા હતા: “પરવરદિગાર! તારા પૈગમ્બર(સ.અ.વ.)ને મારા સલામ પહોંચાડી દે અને તેમને મારા ઝખ્મોથી આગાહ કરી દે. પૈગમ્બર(સ.અ.વ.)ના ફરઝંદની મદદનો અજ્ર અને સવાબ ચાહુ છું પછી આ દુનિયાથી ‚ખ્સત થઇ ગયા. અમૂક રિવાયતોમાં છે કે ઇમામ(અ.સ.)ની તરફ ચેહરો કર્યો અને કહ્યું: “અય અલ્લાહના રસુલ(સ.અ.વ.)ના ફરઝંદ! શું મેં મારો વાયદો પુરો કર્યો? તો ઇમામ(અ.સ.) એ ફરામાવ્યું: “હા, તમે જન્નતમાં મારી આગળ હશો

આ ઉપરાંત આપ મકાતીલની કિતાબોમાં અસ્હાબે બાવફાના ખુલુસતા ભર્યા વાક્યો અને મોહબ્બત ભર્યા કલેમાત જોઇ શકો છો જે તેમની મોહબ્બત, મારેફત અને વફાદારીની બેહતરીન દલીલ છે.

ઇમામ હુસૈન(અ.સ.)ની નુસ્રત ઝિયારતે ઇમામ હુસૈન(અ.સ.) થકી:

ઇમામ હુસૈન(અ.સ.)ની નુસ્રતની એક નિશાની ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતનો શોખ અને ઉત્સાહ છે અને આ ઉત્સાહ એ વાતની દલીલ છે કે અલ્લાહ તેને નેકી આપવા ચાહે છે.

ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:

મન્ અરાદલ્લાહો બેહીલ્ ખય્ર, કઝફ ફી કલ્બેહી હુબ્બલ્ હુસૈને અલય્હિસ્સલામો વ હુબ્બ ઝિયારતેહી

“અલ્લાહ અગર કોઇના માટે નેકી અને ભલુ ચાહે છે તો તેના દિલમાં ઇમામ હુસૈન(અ.સ.) અને તેમની ઝિયારતની મોહબ્બત અને શોખ નાખે છે

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૫૫, હદીસ: ૩)

શક્ય છે કે ઇમામ હુસૈન(અ.સ.)ના પવિત્ર રોઝાની ઝિયારતનો શરફ કોઇને વર્ષોના વર્ષો શૌખ રાખવા છતાં પણ ન મળે પરંતુ આ શૌખ અને લગાવ ઇમામ હુસૈન(અ.સ.)થી મોહબ્બત અને દિલી લગાવની નિશાની છે અને દિલથી ઇમામ(અ.સ.)ની મદદ કરવાની નિશાની છે.

અલબત ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત અલ્લાહના હક્કોમાંથી એક હક છે. જે બંદાઓની જવાબદારીમાંથી છે અને જે રાત દિવસ ઇબાદત કરવાથી પણ પુરી નથી થતી. ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:

લવ્ અન્ન અહદકુમ્ હજ્જ અલ્ફ હજ્જતીન્ સુમ્મ લમ્ યઅ્તે કબ્રલ્ હુસૈનીબ્ને અલી અલય્હિસ્સલામો, લ કાન કદ્ તરક હક્ક મિન્ હોકુકીલ્લાહે, વ સોએલ અન્ ઝાલેક, ફ કાલ અલય્હિસ્સલામો હક્કુલ્ હુસૈને(અ.સ.) મફ્‚ઝુન્ અલા કુલ્લે મુસ્લેમીન્

“અગર તમારામાંથી કોઇ એક હજાર હજ કરે પરંતુ ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત ન કરે તો તેણે અલ્લાહના હક્કોમાંથી એક હકને તર્ક કર્યો છે અને તેમાં બેદરકારી કરવા બદલ તેને પુછવામાં આવશે. પછી ફરમાવ્યું: ઇમામ હુસૈન(અ.સ.)ના હકની અદાયગી દરેક મુસલમાન પર વાજીબ છે

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૭૮, હદીસ: ૬)

ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત અલ્લાહ, રસુલ અને એહલેબૈતનો હક છે અને તેમાં બેદરકારી રાખવી તે એહલેબૈત(અ.મુ.સ.)ના હકની અદાયગી ન કરવી એ છે.

ઇમામ સાદિક(અ.સ.)ના એક સહાબી કહે છે: મેં પુછ્યુ કે આપની નજરમાં એ શખ્સ કેવો છે જે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરવા શક્તિમાન છે પરંતુ ઝિયારત નથી કરતો? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: મારી નજરમાં આવા પ્રકારનો શખ્સ પૈગમ્બર(સ.અ.વ.) અને અમો એહલેબૈત(અ.મુ.સ.)નો નાફરમાન છે અને તેણે અમોને છોડી દીધા છે.

એહલેબૈત(અ.મુ.સ.)ના હકથી મોઢુ ફેરવી લેવું ગુનાહે કબીરા છે અને તેની સજા જહન્નમ છે. એક શખ્સે ઇમામ સાદિક(અ.સ.)ને પુછ્યું: અગર કોઇ શખ્સ કોઇ પણ કારણ વગર ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત કરવા ન જાય તો તેનો શું હુકમ છે? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:

હાઝા રજોલુન્ મિન્ અહ્લીન્ નારે

“આ શખ્સ જહન્નમી છે

(કામીલુઝ્ઝિયારત, પ્રકરણ: ૪, હદીસ: ૩)

ઇમામ બાકિર(અ.સ.)થી એક અન્ય હદીસમાં આ રીતે વારિદ થયુ છે:

“અગર લોકોને ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતની ફઝીલતનું ઇલ્મ હોત તો શૌખથી જીવ નિકળી જાત અને અફસોસથી તેમની ‚હ વીંધાય જાત

આ અમૂક ચીજો છે જેનાથી આપણે ઇમામ હુસૈન(અ.સ.)ની મદદ કરીને ઇમામે ઝમાના(અ.સ.)ની મદદ કરી શકીએ છીએ.

અંતમાં ખુદાવંદે આલમની બારગાહમાં દુઆ કરીએ કે અલ્લાહ આપણો શુમાર ઇમામ હુસૈન(અ.સ.) અને ઇમામે ઝમાના(અ.સ.)ના નાસીરોમાં કરે અને ઇમામ(અ.સ.)ના પુર નૂર ઝુહુરમાં જલ્દી કરે. આમીન સુમ્મ આમીન.

(આફતાબ  દર ગુરબતના સૌજન્યથી)

—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *