Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૩૪ » વિલાયત અને બરાઅત

તૌહીદ અને વિલાયત

Print Friendly, PDF & Email

તૌહીદ અને વિલાયત

ઇસ્લામની માન્યતાઓ એકબીજા સાથે સાંકળની જેમ જોડાએલી છે. અર્થાત : એક માન્યતા ત્યારે જ મુક્તિનું કારણ બની શકે જ્યારે બીજી માન્યતા તેની સાથે હોય. તવહીદની માન્યતા ત્યારે જ લાભદાયક સાબિત થાય જ્યારે તેની સાથે કયામતની માન્યતા પણ હોય. કયામતની માન્યતા ત્યારે મુક્તિનું કારણ બનશે જ્યારે નબુવ્વતની માન્યતા તેની સાથે હોય. નબુવ્વતની માન્યતા એ સમયે ગુમરાહીથી મુક્તિ અપાવશે જ્યારે ઇમામતનો અકીદો તેની સાથે હોય. ઇમામતની સાથે અલ્લાહના ન્યાયનો અકીદો હોવો જરુરી છે.

જો કોઇ એમ વિચારે કે તૌહિદના અકીદાને પરિપૂર્ણ કરવા માટે બાકીના અકીદાઓ જરુરી નથી, તેથી જો કોઇ માણસ સંપૂર્ણ રીતે અલ્લાહનો એક હોવાનો અકીદો ધરાવતો હોય અને કયામત અને નબુવ્વત ઉપર અકીદો ન ધરાવતો હોય અને એમ માનતો હોય કે તેમ કરવામાં કોઇ નુકસાન નથી, તો આ વિચાર તદ્દન ખોટો છે, કારણ કે તૌહિદના અકીદા માટે જરુરી એ છે કે તે ખુદાની બધી બાબતો ઉપર યકીન ધરાવતો હોય અને તેનો સંપૂર્ણ રીતે સ્વિકાર કરતો હોય. જ્યારે ખુદાએ કયામતની વારંવાર ચર્ચા કરી છે અને તેના આવવાની ખાત્રી આપી છે તો કયામતનો ઇન્કાર હકીકતમાં ખુદાની વાતનો ઇન્કાર છે. ખુદાની વાતનો ઇન્કાર કરવાનો અર્થ જ એ છે કે તૌહિદ સંપૂર્ણ નથી. તેવી જ રીતે જ્યારે ખુદા નબીઓને પોતાના પ્રતિનિધિ બનાવીને લોકોની હિદાયત માટે મોકલે અને તેઓની સચ્ચાઇની દલીલો પણ તેઓની સાથે મોકલે અને નબીઓે પોતાની નબુવ્વતની સાબિતી માટે જાહેરમાં નમૂનાઓ રજૂ કરે અને સાબિત કરી આપે કે તે ખુદા તરફથી મોકલાએલા છે, તો આ સંજોગોમાં નબુવ્વતનો સ્વિકાર ન કરવો, તે શું ખુદાના કૌલને જુઠલાવ્યો નહી કહેવાય ?

જો કોઇ માણસ નબીની નબુવ્વત ઉપર સંપૂર્ણ ઇમાન ધરાવે અને તેના કૌલને ખુદાનો કૌલ અને તેના હુકમને ખુદાનો હુકમ ગણે છે, તો પછી તે સંજોગોમાં નબીએ કરીમ (સ.અ.વ.) એ નિમેલ ઉત્તરાધિકારીનો, વારસદારનો સ્વિકાર ન કરવો તે શું ખુદા અને તેના રસુલને જુઠલાવવા જેવું નથી ? શું આ સંજોગોમાં નબુવ્વતનો અકીદો સંપૂર્ણ ગણી શકાશે ?

ટૂંકમાં એ કે તૌહિદ કયામત સાથે જોડાએલા છે, તૌહિદ અને કયામત નબુવ્વત સાથે જોડાએલા છે, તૌહિદ, કયામત અને નબુવ્વત – ઇમામત અને અદાલત સાથે જોડાએલા છે. જો કોઇ ઇમામતમાં નથી માનતો, તો ન તો તેની તૌહિદ પૂર્ણ છે ન કયામત ઉપરનું ઇમાન સંપૂર્ણ છે, ન તો નબુવ્વત ઉપરના અકીદો  બાકી રહે છે. આ બધા અકીદાઓ ઉપર પુરેપુરું યકીન રાખવું જરુરી છે.

એક વખત હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ઝકાતની ફઝીલત બયાન કરતા ફરમાવ્યું :

“જો કોઇ ઝકાત અદા ન કરે તો તેણે નમાઝના હુકમનો અમલ નથી કર્યો. નમાઝ તેને પાછી આપી દેવામાં આવશે અને એવી રીતે લપેટી દેવામાં આવશે જેવી રીતે જુનું કપડું લપેટી દેવામાં આવે છે. તે નમાઝ તેના મોઢા ઉપર મારવામાં આવશે અને તેને કહેવામાં આવશે : એ ખુદાના બંદા ! ઝકાત વગર તમે નમાઝથી શું ચાહો છો ?

આ સાંભળીને અસહાબે કહ્યું : ખુદાની કસમ ! એ માણસની હાલત કેવી ખરાબ અને બરબાદ છે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યુ :

“શું હું તેનાથી પણ વધુ ખરાબ અને બરબાદ માણસ વિશે   કહું ?

અસ્હાબે અરજ કરી : એ અલ્લાહના રસુલ ! બયાન ફરમાવો.

આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું :

“એક માણસે જેહાદમાં ભાગ લીધો અને શુરવીરતાથી લડતા લડતા મરણ પામ્યો. હુરોને તેની શહાદતની ખબર મળી. જન્નતના દરવાનોએ તેની રુહના આવવાની ખબર સાંભળી. જમીનના ફરિશ્તાઓને હુરોના ઉતરવાની અને જન્નતના દરવાનોના આવવાની ખબર આપી દેવામાં આવી. તેમ છતાં તેમાંનું કોઇ પણ ન આવ્યું. તે મરનારની આજુબાજુના જમીનના ફરિશ્તાઓએ કહ્યું : શું થયું ? હજુ સુધી હુરો ન આવી? જન્નતના દરવાન પણ ન આવ્યા ? સાતમા આસમાનની ઉંચાઇએથી અવાજ આવ્યો : એ ફરિશ્તાઓ ! આસમાનની ઉંચાઇ ઉપર જૂઓ. ફરિશ્તાઓએ નજર ઉઠાવીને આસમાનની તરફ જોયું. તે માણસના અકીદાઓ, તૌહિદ, રસુલે ખુદા (સ.અવ.) ઉપર ઇમાન, નમાઝ, ઝકાત, સદકાઓ અને બધા નેક આમાલો આસમાનની નીચે રોકી રાખવામાં આવ્યા હતા. બધા આસમાનો એક ભવ્ય કાફલાની જેમ ભરેલા હતા. પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર, દક્ષિણ દરેક બાજુએ મલાએકા જ મલાએકા છે. તે બંદાના આમાલને લાવનારા ફરિશ્તાઓ કહી રહ્યા છે કે આસમાનના દરવાજા કેમ નથી ખોલતા, જેથી અમે આ શહીદના આમાલને લઇને હાજર થઇએ. ખુદા હુકમ આપે છે અને દરવાજા ખુલી જાય છે. પછી એક અવાજ આવે છે કે એ ફરિશ્તાઓ, જો તમે દાખલ થઇ શકતા હો તો જરુર દાખલ થાવ. પરંતુ આ ફરિશ્તાઓ આમાલને ઉપાડી જ નથી શકતા.

ફરિશ્તાઓ અરજ કરે છે કે અમે આ આમાલ ઉપાડવાની શક્તિ નથી ધરાવતા. ખુદાના તરફથી અવાજ આવે છે કે એ ફરિશ્તાઓ, તમે આ આમાલને ઉપાડી ઉપર નથી લાવી શકતા. આ આમાલને ઉપર લઇ જવા માટે વસીલો અને સવારી જોઇએ. જેથી આ આમાલ આસમાન સુધી પહોંચે અને જન્નતમાં જગ્યા મેળવે. ફરિશ્તાઓ અરજ કરે છે કે એ અમારા પરવરદિગાર ! તે સવારી શું છે ? ખુદા ફરમાવે છે કે એ ફરિશ્તાઓ ! તમે શું ઉપાડીને લાવ્યા છો ?

તેઓ અરજ કરે છે કે તારી તૌહિદ, તારા નબી ઉપર ઇમાન.

ખુદા ફરમાવે છે કે આ ચીજોની સવારી મારા નબીના ભાઇ અલી (અ.સ.) ની વિલાયત અને પવિત્ર ઇમામોની વિલાયત છે. તે સવારી આ આમાલોને જન્નત સુધી પહોંચાડશે.

ફરિશ્તાઓ આ આમાલને જૂએ છે, પરંતુ તેમાં અલી (અ.સ.) અને તેમની પાકીઝા અવલાદની વિલાયત દેખાતી નથી અને ન તેઓના દુશ્મનો સાથે દુશ્મની દેખાય છે. ખુદા તે આમાલ લાવનારા ફરિશ્તાઓને કહે છે કે આ આમાલને અહીંથી લઇ જાઓ. અને મારા મલાએકાના કેન્દ્રોમાં જમા કરાવી દો , જે તેને લાયક છે તે તેને લઇ જશે અને જ્યાંના હકદાર છે ત્યાં રાખી દેશે.

આ ફરિશ્તાઓ તે આમાલોને તેને લગતા કેન્દ્રો સુધી પહોંચાડી દે છે. પછી ખુદાનો અવાજ આવે છે એ જહન્નમની આગની જવાળાઓ આ આમાલને લઇ લો અને જહન્નમમાં નાખી દો. એટલા માટે કે આ આમાલ કરનાર તે આમાલની સવારી અલી (અ.સ.) અને તેમની પાકીઝા અવલાદ (અ.સ.)ની વિલાયત અને મોહબ્બત લઇને નથી આવ્યો. ફરિશ્તાઓ તે આમાલને લઇને જશે. એ જ આમાલ તે માણસ માટે બલા અને મુસીબત બની જશે. એટલા માટે કે આ માણસ હઝરત અલી (અ.સ.) અને તેમની પાકીઝા અવલાદ (અ.સ.) ની મોહબ્બત અને વિલાયતને લઇને નથી આવ્યો.

પછી તે આમાલ હઝરત અલી (અ.સ.)ના વિરોધી અને તેમના દુશ્મનો સાથે દોસ્તીને અવાજ આપશે. ખુદા કાગડા અને ચીલ જેવા કાળા ચહેરાને તેના ઉપર ઢાંકી દેશે. તે કાળા ચહેરાના મોઢામાંથી આગ નીકળશે. તેના બધા આમાલ બરબાદ થઇ જશે. હઝરત અલી (અ.સ.)ના દુશ્મનો સાથે દોસ્તી અને હઝરત અલી (અ.સ.)ની વિલાયતનો ઇન્કાર બાકી રહી જશે, જે તેને જહન્નમની સૌથી ખરાબ જગ્યા ઉપર પહોંચાડી દેશે. તેના બધા આમાલ બરબાદ થઇ જશે અને તેના ગુનાહ ઘણા વધારે હશે. આ એ શખ્સ છે જેની હાલત ઝકાત ન આપવાવાળાથી વધારે ખરાબ અને બરબાદ છે.

(તફસીરે ઇમામે હસન અસ્કરી (અ.સ.) પા. ૭૬-૭૯, મુસ્તદરકુલ વસાએલ ભાગ : ૧, હ. ૪૦, પા. ૧૬૩)

આ પ્રકારની અસંખ્ય રિવાયતો છે. જેના ઉપરથી સમજી શકાય છે કે પવિત્ર અહલેબયત અલયહેમુસ્સલામની વિલાયત, ઇમામત, મોહબ્બત અને તેઓના દુશ્મનો સાથે નફરતની સિવાય કોઇ પણ અકીદો અને કોઇપણ અમલ અલ્લાહની બારગાહમાં કબુલ નહિ થાય. આ પ્રકારના લોકોનું સ્થાન જન્નતની બદલે જહન્નમ હશે.મઅસુમ ઇમામો અને ખાસ કરીને ઇમામ હુસયન (અ.સ.)ની ઝીયારત આ વિલાયત અને મોહબ્બતની અમલી જાહેરાત છે, કારણ કે બધા અમલનો તમામ આધાર વિલાયત અને મોહબ્બત ઉપર છે. આ ઝીયારતો, વિલાયત અને મોહબ્બતને મજબુતી અને અડગતા આપે છે. તેથી ઝિયારત ઝવ્વાર અને ઇમામની વચ્ચે એક દિલી સંપર્ક કાયમ કરે છે. તેથી ઝીયારત શબ્દ આ દિલના સંબંધની જાહેરાત છે. ઝીયારતના શબ્દો એ જાહેર કરે છે કે આ સંબંધ માત્ર લાગણીનો સંબંધ નથી. આ સંબંધ મઅરેફતનો પણ સંબંધ છે. એટલે કે આ સંબંધ તે પવિત્ર વ્યક્તિ માટે છે જેને ખુદાએ પોતાના પ્રતિનિધી બનાવ્યા હતા અને સમગ્ર જગતને જેની તાબેદારીનો હુકમ આપ્યો હતો. ઇન્સાન સિવાય દુનિયાનો એક એક અંશ તેનો તાબેદાર હતો. પરંતુ જાલીમ અને જાહીલ ઇન્સાને તેમને એ રીતે કત્લ કર્યા જ રીતે જાનવરોને પણ કત્લ કરવામાં નથી આવતા.

આ ઝુલ્મ દુનિયામાં ખુદાના પ્રતિનિધિ ઉપર ઝુલ્મ છે. જે ખરેખર તો ખુદા પર ઝુલ્મ છે. મઝલુમની ઝિયારતમાં નિખાલસ હમદર્દી અને ઝાલીમથી જાહેરમાં નફરત અને દૂરી છે.

ઝીયારત, ઇમામ સિવાય તેમના દીન ,તેમના તરીકા અને તેમના અખ્લાક સાથે સીધો સંબંધ ધરાવે છે. આ ઝીયારત ઇમામના દુશ્મનો, દુશ્મનોના બધા અકીદાઓ, સિધ્ધાંતો, આમાલ અને અખ્લાકથી દૂરી છે.

આવો ! એ જોઇએ કે કયામત અને તેની પછીના પ્રસંગોમાં ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારત કરનારાઓના કેવા કેવા દરજ્જાઓ હશે ? એ વાત પણ ધ્યાનમાં રહે કે રિવાયતોમાં જે કાંઇ પણ બયાન કરવામાં આવ્યું છે તે માત્ર આપણી અક્કલ, સમજશક્તિ અને ગ્રહણ શક્તિ મુજબ છે. નહિ તો હકીકતમાં ઝવ્વારના સાચા દરજ્જાઓ તો ખુદા અને રસુલ જ બેહતર જાણે છે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.