આશુરા – યવ્મે હુસૈન (અ.સ.)

Print Friendly, PDF & Email

આશુરા – યવ્મે હુસૈન (અ.સ.)

સમગ્ર માનવજાતના ઈતિહાસમાં કોઈ બનાવ એટલો દર્દનાક જોવા મળતો નથી કે જેની યાદ આટલી અઝમત ગમગીની અને ફરિયાદ સાથે મનાવવામાં આવતી હોય જેટલી અઝમત અને ગમગીની સાથે કરબલાના કરૂણ બનાવની યાદ મનાવવામાં આવે છે. એ યાદગાર મનાવવામાં સ્ત્રીઓ, પુરૂષો, યુવાનો, વૃધ્ધો અને નાના નાના બાળકો આગળ વધીને ભાગ લે છે. કરબલાના એ શહીદોની યાદ મનાવવા માટે ઘરો, મસ્જિદો, મદ્રેસાઓ, ઈમામવાડાઓ, ગલીઓ અને બજારોમાં મજલીસોનું આયોજન કરવામાં આવે છે. ખોતબા (ધર્મોપદેશકો પ્રવચનકર્તાઓ) વિદ્વાનો કરબલાના ગમઅંગેઝ બનાવ વિશે તકરીરો કરે છે. શાયરો નવહાખાની, માતમ, મરસીયા, સોઝ અને સલામ પડે છે. લેખકો આ વિષય ઉપર લેખો અને પુસ્તકો લખે છે. સદીઓ વિતી જવા છતાં પણ કરબલાના એ બનાવનું મજલીસોમાં વારંવાર પુનરાવર્તન કરવામાં તેઓ કદી કંટાળતા નથી. એટલુંજ નહીં એ બનાવનું વર્ણન સાંભળનારને બનાવ તાજો જ બન્યો હોય તેમ લાગે છે. તેમજ એ બનાવનું મહત્વ જરા પણ ઘટયું હોય તેમ લાગતુ નથી. આ ઉપરાંત દરેક યુગમાં વાકએ-કરબલાની અઝમત અને ફીલસુફીમાં ઉત્તરોત્તર વૃધ્ધિ થતી જાય છે અને તેના ઉચ્ચ અર્થઘટન અને સ્થાનની સમજણ પ્રાપ્ત થાય છે અને દરેક ઈમાનદાર શ્રોતાઓને એક નવું બળ અને ઉત્સાહ મળે છે.

યવ્મે હુસૈન એટલે કે આશુરાનો દિવસ એક એવો દિવસ છે જેને સદીઓના ઉતાર ચઢાવ ભૂલાવી શકયા નથી. આશુરાના દિવસની હૃદયદ્રાવક ઘટના એવી ઘટના છે જે ઘટના સામે ઈમાનદારો, ફઝીલત અને અઝમતના આશિકો અને હકીકતના ચાહકોને શીશ ઝુકાવવા માટે મજબુર કરી દીધા છે. આ બનાવ એક એવી દીવાદાંડી સમો બની ગયો છે કે જે સદીઓથી મહાન પથદર્શક અને સદમાર્ગના ચાહકવર્ગ માટે હિદાયતની જ્યોતિ છે. એટલુંજ નહીં હૈરત, પરેશાની અને વ્યાકુળતાના ઘટાટોપ અંધારામાં સાચા ધ્યેય પ્રતિ માર્ગદર્શન પુરૂ પાડે છે. આજ કારણ છે કે ઈમામ હુસૈન (અ.સ.)ની કારકીર્દી એ ઈતિહાસની મહાન કારકીર્દી છે અને એક એવી અજોડ કુરબાની છે જેની મિસાલ ઈતિહાસમાં મળી શકતી નથી.

એ એક એવું અલ્લાહને પ્યારૂ કાર્ય હતું જેને આલમે ઉલુહીયત (ઐશ્વરીય વિશ્વ) દુનિયાના તમામ ક્ષેત્રો અને મલાએ અઅલાના રહેવાસીઓ (ફરિશ્તાઓ) એ ઈન્સાનીયતના ઉચ્ચતમ કોટીની તજલ્લી (પ્રકાશ) ગણાવેલ છે. અને ઈન્સાનીયતના શેહસવાર તેમજ અકલ અને સમજણ ધરાવનારાઓ અને એહલે બસીરત, અંબિયા અને ઉલુલઅઝમ અવલિયાએ કેરામ અને ઈસ્લાહ અને હિદાયતના માર્ગમાં શહાદતના દરજ્જે પહોંચનારાઓએ એક અજોડ ઉદાહરણ ગણાવ્યું છે જે એક એવી હસ્તી ઉપર આધારિત છે જે આઝાદીની શકિત, બુલંદ હીંમતી, અડગતા અને સ્થિરતાની સાથે ઈમાનના કમાલ, સબ્ર, જાનદારી, શુજાઅત, અને શહાદતમાં બેમિસાલ અને અજોડ ગણવામાં આવેલ છે. જે ખાલિસ ઈમાન, મર્દાનગી, વફા, ઉચ્ચ કક્ષાની હિંમત, અડગતા અને સ્થિરતા સાથે ઝુલ્મો સિતમ અને જોરો જફાની સામે ટક્કર લઈ માનવતાના ઈતિહાસના ગમઅંગેઝ બનાવમાં અત્યંત સ્પષ્ટ અને દિવાદાંડી સમા ઝળહળતા નજરે પડે છે. જેના મકસદની અઝમત, નફસની પાકીઝગી અને તહારત ભૌતિક બાબતોથી નિસ્પૃહતા તેમજ ઈઝઝત અને શરાફત સાથે મૌતને ઝીલ્લતભરી જીંદગી ઉપર અગ્રતા આપવાની બાબત સ્પષ્ટ દ્રષ્ટિગોચર થાય છે. આ બનાવનું વિવરણ કરવું એ વાસ્તવમાં તો માનવની આધ્યાત્મિક શ્રેષ્ઠતાનું વિવરણ કરવા સમાન અને કહેવાતી ભૌતિકતા, બાહ્યતા અને દુન્યવી લઝઝતોની ક્ષણભંગૂરતા કુફ્ર અને શીર્ક, ઝુલ્મ અને અત્યાચારની ખુલ્લી ટીકા છે. આ હૃદયદ્રાવક બનાવનો ઈતિહાસ તેના વાસ્તવિક પ્રારંભસ્થાન (મબ્દાએ હકીકી) સાથે દ્રષ્ટાંતરૂપ ખેંચાણ તથા પરવરદિગારે આલમની અઝમત અને જબરૂતીયતના માર્ગમાં કુરબાનીનો ઈતિહાસ છે. આ એક એવી ફીદાકારી અને જાંબાઝી છે જે તમામ વંચિત સમાજને ઝુલ્મો સિતમથી મુકિત અપાવવા માટેની પ્રસ્તાવના છે. તેથી એ વાતમાં આશ્ચર્ય નથી કે આનો અવાજ દુનિયામાં ચારેબાજુ ગુંજી ઉઠે છે અને અઝાનની જેમ કાનો સાથે ટકરાય છે. અલબત્ત તેરસો વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે તેમ છતાં આજે પણ વકતાઓ અને લેખકોએ આ વિષય પર બોલવા અને લખવાનું ચાલુ રાખ્યું છે અને તેની અહમીયત આજે પણ લોકોના હૃદયોને હચમચાવે છે. અને એ લોકો કે જેઓએ ખુદાના હુકમના અમલ પ્રચાર અને પ્રસાર માટે પોતાની જાનની કુરબાની અને પોતાના શીરનું બલિદાન આપીને શહાદતનો જામ પી લીધો – ઈમાનદાર લોકો તેઓ ઉપર દુરૂદો સલામ મોકલે છે.

તેઓ એવા જવામર્દા હતા કે જેઓને દુનિયાની ચમક-દમક કે તલવારની ધાર અને ભાલાની અણીઓથી આવનારી મૌતના વિકરાળ ચહેરાઓ પણ બાતિલની સામે કયારેય ઝુકાવી ન શકયા. અને જેટલી વસ્તુઓ ઈરાદાઓને ડગમગાવી શકે ભલે તે સત્તાની લાલસા કે હુકુમતની લાલચ હોય અથવા તો જર, જમીન કે જોરૂનું આકર્ષણ હોય કે પછી સંતાનો કે બીજા સગાવ્હાલાઓ હોય, તેઓએ એ બધીજ વસ્તુઓથી મુખ ફેરવી લીધું અને પોતાની રૂહોને સ્વતંત્ર કરી દીધી. તેઓના મુકાબલામાં એવી હલકી મનોવૃત્તિવાળા અને તિરસ્કારના પૂજારીઓનો સમુહ હતો જેઓના નફસ ગંદકીમાં ડુબેલા હતા. જેઓની રૂહો સત્તાની ગુલામી અને ભૌતિક લઝઝતોમાં જકડાએલી હતી. તેઓ ઝમીર (અંતરઆત્મા)ની આઝાદીના અર્થ અને ઝમીરની જાગૃતિની વ્યાખ્યાથી બિલ્કુલ અપરિચિત હતા. તેઓ ખુદાના બંદાઓને કત્લ કરવા માગતા હતા, તેમાં વૃધ્ધ, યુવાન કે દૂધ પીતા બાળકો હોય તો પણ તેઓને કોઈ પરવા ન હતી. ભૌતિકવાદના એ ગુલામોની નજરે એ ભલાઈ અને બુરાઈ વચ્ચેના એ યુધ્ધમાં દીનના દુશ્મનો સફળ લાગતા હતા જે ઈમાન અને અકીદાએ હ. ઈ. હુસૈન (અ.સ.) અને અસ્હાબે હુસૈન (અલહેમુસ્સલાતો વસ્સ્લામને) અજોડ અડગતા અને ફીદાકારીનું કેન્દ્ર બનાવી દીધા હતા તેઓની નજરે તેની કોઈ હકીકત ન હતી. તેઓની દ્રષ્ટિએ એ કરૂણ ઘટના તેઓની કહેવાતી સફળતા આશુરાના દિવસેજ પૂર થઈ ગઈ હતી. પરંતુ વાસ્તવમાં ફઝાઈલના ઈતિહાસમાં માનવની રૂહની ઉચ્ચતાની દ્રષ્ટિએ, કુરઆન અને ઈસ્લામના પ્રકાશમાં ઈમામ હુસૈન (અ.સ.)ને એવી મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી જેમાં નિષ્ફળતાની કલ્પનાનું નામો નિશાન પણ જોવા મળતું નથી. એટલુંજ નહીં ફઝલ અને શરફની દ્રષ્ટિએ ઈન્સાન અને ઈન્સાનીયતની કદ્રો કિંમત, ભૌતિક ફાયદાઓ અને નષ્ટ પામનારી લઝઝતોમાં નથી, પરંતુ એ લોકોના ત્રાજવામાં નફો અને નુકસાન વિજય અને પરાજયને એ રીતે તોળવો બિલ્કુલ યોગ્ય નથી. હક અને હકીકતના ત્રાજવામાં દરેક વ્યકિતનું વજન એટલું વધે છે જેટલું તેનું ઈમાન મજબુત હોય અને ઈરાદાઓ દ્રઢ હોય, તેઓની નજરોમાં બાતિનનો જાહેર પર વિજય, રૂહનો શરીર પર વિજય, હકીકતની સફળતા હકીકતની વિરૂધ્ધ હોય તેવી બાબતો પર અને હેતુ પ્રાપ્તિના માર્ગમાં સ્થિર અને મક્કમ રહેવું એજ સાચી સફળતા હોય છે.

માનવમાત્ર મૃત્યુ માટે જ સર્જાએલ છે. દુનિયામાં એવા ઘણા ઉદાહરણ જોવા મળશે જેમાં લોકોએ પોતાના ઈમાન અને અકીદાની સુરક્ષા માટે જાન કુરબાન કરી દીધી હોય. પરંતુ એ જાન કુરબાન કરનારા શોહદાએ કરબલાની જેમ ઝીન્દએ જાવેદ (સદા જીવિત રહેનાર) બની શકયા નથી, કારણકે કરબલાના શહિદોએ જેવી સબ્ર, અડગતા, દ્રઢતા અને ફીદાકારી પ્રદર્શિત કરી હતી તે હક અને બાતિલના બીજા કોઈ ક્ષેત્રમાં જોવા મળતી નથી. સિંહ કરતા પણ વધારે નિર્ભય એવા કરબલાના શહીદો ધારત તો પોતાના જીવ બચાવી શકયા હોત. પરંતુ તેઓએ જે રીતે સસ્મિત મૌતનું સ્વાગ કર્યું હતું તેની મિસાલ માનવજાતના ઈતિહાસના દરેક પાનાઓને એક એક કરીને ઉથલાવીને જોવામાં આવે તો પણ જોવા મળતી નથી. જો તે જાંફીશાર બંદાઓ આશુરાના દિવસે ડગ પાછા વાળી લેતે, પોતાના જાન-માલની સુરક્ષા કે હોદ્દા અને સત્તાનો વિચાર કરતે અથવા તો તલવારોની ધાર અને ભાલાઓની અણીઓ તેઓને પરાજીત કરી નાખતે તો ઇસ્લામી શાસન અને સમગ્ર માનવ જાતને જે અસહ્ય નુકસાનનો સામનો કરવો પડતે તેની ખોટ કયામત સુધી પુરી કરવી અશકય બની જાતે. બલ્કે એમ કહેવામાં આવે તો પણ ખોટું નહીં ગણાય કે ઈસ્લામી અને કુરઆની તાલીમાતનો હંમેશા હંમેશા માટે નાશ થઈ જતે.

મૈદાને કરબલા એ એવું જંગનું મૈદાન હતું જેનું ક્ષેત્ર ફકત કરબલાની જમીન પૂરતું મર્યાદીત ન હતું અને એ યુધ્ધ બે સમુહ પુરતું સિમીત પણ ન હતું, જે એક બીજાની સામે આવી ગયા હોય. પરંતુ એ યુધ્ધ હક્ક અને બાતિલ વચ્ચેનું યુધ્ધ હતું અને કુફ્ર તથા બાતિલ સાથેની જંગ હતી. જે સત્યનિષ્ઠ લોકો પીછેહઠ કરતે તો તેઓની એ પીછેહઠ એક દિવસ પૂરતી મર્યાદિત ન રહેતે બલ્કે ભવિષ્યમાં આવનારી પૂરી હકપરસ્ત નસ્લ પણ હંમેશ માટે પરાજયનો શિકાર બની જતે અને કદાચ કયામત આવતા સુધી હકની હકીકત ઉપર બાતિલના ભારે પર્દા પડી જાત, અને પૃથ્વી પરના ખૂણેખૂણામાં બાતિલનું સામ્રાજ્ય ફેલાઈ જાત અને બાતિલનોજ ડંકો વાગત. એટલુંજ નહીં, હક નામની કોઈ વસ્તુનું અસ્તિત્વ સુધ્ધા ન રહેતે. પરંતુ ઈમામ હુસૈન (અ.સ.) તેઓના મદદગારો અને અસ્હાબોએ આશ્ચર્યચકિત કરી નાખે તેવી દ્રઢતા દેખાડીને એ વાત સાબિત કરી દીધી કે બાતિલ, હકપરસ્તોના ટુકડે ટુકડા કરી શકે છે, પરંતુ તેમના દ્રઢ નિશ્ચય અને તેમની હકપરસ્ત રૂહોને પાયમાલ કરી શકતો નથી અને તેમને હકના રસ્તેથી ફેરવી પણ શકતો નથી. બેશક દરેક અનિષ્ટ અને બાતિલ પરસ્તના વલણમાં ફેરફાર થવો શકય છે, પરંતુ મકારેમે અખ્લાક (સદગુણની પરાકાષ્ટા)ના માલિક ફકત હકના એકજ રસ્તે આગળ વધતા રહે છે. તેઓને સીધા રસ્તેથી બીજા માર્ગે જવા માટે કોઈ ચલિત કરી શકતું નથી.

વાકએ-કરબલાની જે બાબતોએ તકરીર કરનારાઓ (ઝાકીરો) અને લેખકોને એ બનાવનું વિવચણ અને સ્પષ્ટતા કરવા માટે ધ્યાન ખેંચ્યું છે તે પૈકીનું સૌથી મજબુત, મહત્વનું અને પાયાનું કારણ માનવજગત અને સમાજ માટે તેની દીની (ધાર્મિક) અને આંતરિક અગત્યતા છે. એ બનાવથી ઈન્સાનોને જે બોધપાઠ મળે છે તે તેની ફાયદો પહોંચાડનારી બાબત છે. કરબલા એક એવી પાઠશાળા છે જેની તાલીમ સર્વસામાન્ય છે. એ પાઠશાળાથી દુનિયાના દરેક ક્ષેત્ર સાથે સંબંધિત વ્યકિતઓ બોધપાઠ મેળવી શકે છે. તેમનો સંબંધ કોઈપણ દેશ, કુળ, ક્ષેત્ર કે વંશા સાથે હોય. તે શહેરમાં રહેતા હોય કે ગામડામાં, તે ઝુંપડામાં રહેતા હોય કે ગગનચૂંબી ઈમારતમાં, તમામ વર્ગના લોકો વાકએ કરબલાના ફઝાએલ અને શ્રેષ્ઠતાથી ફાયદો મેળવતા રહે છે. આથી સ્પષ્ટ છે કે એ વિષય કદી જૂનો થઈ શકતો નથી. તે વિષયને કદી કાટ લાગતોજ નથી. તે હંમેશા તાજો વિષય બની રહે છે. એટલુંજ નહીં એ વિષય દરેકનું લક્ષ બિંદુ હોવાની સાથોસાથ આખેરતના સવાબનું કારણ હોવાથી દરેકની નજર તેના પર મંડાએલી રહે છે. આ વાત મોઅતબર અને સહીહ હદીસોથી સાબિત થએલી છે કે વાકએ કરબલાના ઝીક્રનો ફાયદો એ વિષય પર પ્રવચનકર્તા અને લખનારની મહેનત માટે ઘણો મોટો સવાબ છે. એ ઝીક્રથી ખુદા અને રસુલ (સ.અ.વ.)ની નઝદીકી પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત વાકએ કરબલાની વાસ્તવિક ઘટના હક અને બાતિલ વચ્ચેનો સંઘર્ષ છે.આ ઘર્ષણ ઝુલ્મની વિરૂધ્ધમાં અદલો-ઈન્સાફની જેહાદ છે અને ફઝાએલ અને કમાલાતના અંધકાર અને ગુમરાહી સામેનો મુકાબલો છે તેથીજ વૈચારિક રીતે દરેક ન્યાયપ્રિય અને સ્વતંત્રતાના ચાહક વ્યકિત કરબલા તરફ ઝુકે છે.

ઈન્સાનીયતની પાકો પાકીઝા લાગણી, ઝમીર (આત્મા)ની જાગૃતિ અને આંતરિક સમજણથી આ જંગ હક્ક પરસ્તોને ઈઝઝતદાર અને તેના પ્રેમી બનાવી દે છે. આ એજ કારણ છે જેને લીધે આ વિષય પર હજારો કિતાબો લખવામાં આવી છે. બેસિહાબ કાવ્યપંકિતઓ રચવામાં આવી છે અને રચાઈ રહી છે. શાયરો અને લેખકોએ એ યુગમાં, જ્યારે બની ઉમય્યા અને બની અબ્બાસ, હજ્જાજ અને મુતવક્કીલનો સત્તાકાળ હતો, જ્યારે સમગ્ર ઈન્સાનીયતનું ગળુ રૂંધાઈ રહ્યું હતું. આખા ઈસ્લામી જગત ઉપર અત્યાચાર અને ઝુલ્મનો કબજો હતો, ડગલેને પગલે કત્લનો ભય છવાએલો હતો. ભયના વાદળો ઘેરાએલા રહેતા હતા કે કયારે હુકુમત સૈનિકો આવીને ઈઝઝત અને આબરૂ લૂંટી લેશે અને કોને આલે મોહમ્મદ સાથે મોહબ્બતના ગુનાહ સબબ મૌતને ઘાટ ઉતારી દેવાશે. આટલા ભયના ઓથાર વચ્ચે પણ મોહબ્બતે હુસૈન (અ.સ.)માં કલમને ચાલુ રાખી અને કાવ્ય કંડીકાઓ પણ રચતા રહ્યા કોઈએ ઈમામ હુસૈન (અ.સ.) અને તેઓના અઝીમ એહસાનને ભૂલાવ્યો નથી, જે રચનાઓનો ક્રમ આજે પણ ચાલુ છે અને ચાલુ રહેશે.

આ હૃદયસ્પર્શી અને દીલસોઝ બનાવની કાયમ સ્મૃતિના એ કારણો, જેના લીધે આજે પણ તે બનાવ જીવંત અને કાયમ છે અને ન્યાયપ્રિયતા અને ન્યાય માટે લોકોના દિલોમાં લાગણી બાકી છે, અને આ બનાવના આજ કારણે હંમેશા જાલિમ, ઘાતકી અને સ્વાર્થપરાયણ હુકુમતનો વિરોધ થતો રહેશે અને આ બનાવ જીવંત રહેશે, તેમજ ઈન્સાનીયતનું મુકત વાતાવરણ પ્રતિ માર્ગદર્શન કરતો રહેશે. ઈન્સાન કયારેય પણ તે હક્કાને મરદ, હક્કને ચાહવાવાળા અને હક પરસ્તોનું વૃતાંત સાંભળવાથી તૃપ્ત થતો નથી. જે મરદોએ કરબલાના ભયાનક મૈદાનમાં દશ્તે “કર્બ” (વ્યાકુળતા) અને “બલા” (આફત)માં હક તરફથી આત્મરક્ષણ કરતા પોતાના જીવોની ભેટ હકની બારગાહમાં પેશ કરી દીધી. લેખકો ખુદાના એ પસંદ કરાએલા અને યુગના શ્રેષ્ઠ બંદાઓની કુરબાનીઓની દાસ્તાન ઈતિહાસના પાનાઓ પર હંમેશા મોટા અક્ષરોએ કંડારતા રહેશે. પરંતુ તેની શર્ત એ છે કે એ લેખકોના દિમાગ પાકીઝા અને દરેક પ્રકારના ભેદભાવથી મુકત હોય એ સંજોગોમાં એ દાસ્તાન સાંભળતા ન તો કોઈ કાન થાકશે અને ન તો કોઈ આંખો તેમની મુસીબતો પર અશ્રુઓ સારતી રોકાશે અને ન તો કોઈ જીભ એ દાસ્તાન બયાન કરવાથી ચુપ રહેશે. એ દાસ્તાન એ સમય સુધી બયાન થતી રહેશે જ્યાં સુધી કે હશ્રના મૈદાનમાં રસુલે અકરમ (સ.અ.વ.)ની પાર-એ-જીગર અને હુસૈન (અ.સ.)ની પવિત્ર માતા માસુમ-એ-કૌનેનની ખીદમતમાં ઉમ્મતના વ્યવહારની ફરિયાદ કરી તેમની દાસ્તાનને રજુ ન કરી દે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *