સરે-હુસયન અલયહિસ્સલામની… દુ:ખ ભરી દાસ્તાન

Print Friendly, PDF & Email

સરે-હુસયન અલયહિસ્સલામની…  દુ:ખ ભરી દાસ્તાન

હઝરતે સૈયદુશ્શોહદા અરવાહના ફીદાહના સર મુબારકને એ જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા અને તે હઝરત (અ.સ.)ના સર મુબારકની દફનની જગ્યા વિશે ઘણા મતમતાંતર જોવા મળે છે.

(૧) ઈતિહાસકારોના કથનમાં સૌથી વધુ અધિકૃત (સાચી) વાત એ છે કે આપ (અ.સ.)ના સર મુબારકને આપના શરીર (ધડ) મુબારક સાથે જોડીને કરબલામાંજ દફન કરવામાં આવ્યુ છે.

(૨) બીજો કૌલ એ છે કે આપ (અ.સ.)નું સર મુબારક મીસ્રમાં દફન કરવામાં આવ્યું છે હાલમાં મઝાર અને મશહદના નામથી મશહુર છે.

(૩) ત્રીજો કૌલ એ છે કે, આપ (અ.સ.)નું સર મુબારક શામમાં દફનાવાયું છે. ત્યાં પણ મઝાર અને મશહદના નામથી “બાબુલ ફરાદીસ”માં મશહુર છે.

(૪) ચૌથા કૌલ પ્રમાણે નજફે અશરફમાં દફન છે.

(૫) પાંચમાં કૌલ મુજબ, અસ્કલાનમાં દફન કરવામાં આવેલ છે.

(૬) છઠ્ઠા કૌલ પ્રમાણે, મદીનએ મુનવ્વરામાં આપના પવિત્ર માતા જનાબે ફાતેમા ઝહેરા સ.અ.ની કબ્ર પાસે દફનાવવામાં આવેલ છે.

(૭) સાતમો કૌલ એ છે કે, અમુક શોહદાના સર નજફે અશરફની બહાર મ(સ્જીદે હન્નાન્હમાં દફન કરવામાં આવ્યા છે.

આ બધા કૌલ માટે કાં તો અખબારથી સનદ આપવામાં આવી છે અથવા તો તે વિશે ઈતિહાસકારોના કૌલ છે. આ વિવિધ કૌલ પાછળ એક ફીલસુફી અને રહસ્ય છૂપાએલું છે કે આ રહસ્ય એ જ રીતે રહે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપના મશાહીદ જુદી જુદી જગ્યાએ એ માટે બનાવવામાં આવ્યા છે કે જેથી કરીને દરેક જગ્યાએ હઝરત (અ.સ.)ના નામથી અઝાદારી થાય અને હઝરત (અ.સ.)નું પવિત્ર નામ અનંતકાળ સુધી જીવંત રહે અને કુરઆને હકીમના કૌલ પ્રમાણે –

“મંય યો અઝઝીમ શઆએરલ્લાહ ફ ઈન્નહા મિન તકવલ કુલૂબ.”

જે માણસ અલ્લાહની શઆએર અને નિશાનીઓનું સન્માન (તાઅઝીમ) કરે તે દિલોની પાકીઝગી અને તહારતની નિશાન છે. અને હુસયને મઝલુમ (અ.સ.) સાથે સંબંધિત મશાહીદથી વધીને અલ્લાહ તઆલાની બીજી કઈ નિશાની હોઈ શકે?

જ્યારે હઝરત સૈયદુશ્શોહદા (અ.સ.) ઘોડા ઉપરથી જમીન ઉપર તશરીફ લાવ્યા ત્યારે ઉમરે સઅદે બુમ પાડીને કહ્યું: આ કૂફાવાસીઓ, તમારી માતાઓ તમારા ગમમાં રડે, જલ્દી કરો અને સરે હુસયન (અ.સ.) જુદુ કરી લો. સૌથી પહેલા શીસ બિન રબઈ તલવાર ખેંચીને ઈમામ હુસયન (અ.સ.) તરફ ઝડપથી આગળ વધ્યો. જ્યારે ઈમામ (અ.સ.)એ તેની તરફ જોયું ત્યારે શિસ કાંપી ઉઠયો તે એટલો બધો ધ્રુજવા લાગ્યો કે તેના હાથમાંથી તલવાર પડી ગઈ તે લશ્કર તરફ પાછો ભાગી ગયો. તે કહેવા લાગ્યો: મઆઝલ્લાહ, મારે ખુદાએ અઝઝ વ જલ્લની મુલાકાત કરવી છે. (તેથી હું આ કામ નહીં કરૂં) ખૂને હુસયન (અ.સ.)માં શામીલ થવાની જવાબદારી મારી ઉપર આવી જશે. ત્યાર પછી સનાન બિન અનસ જે કોઢીયો અને નાના માથાવાળો હતો. તે શીસને જેમ તેમ કહેવા લાગ્યો અને કહ્યું: તારી માતા તારા ગમમાં રડે અને તારી કૌમ બરબાદ થાય, હુસયન (અ.સ.)ને કત્લ કરવાથી પાછો કેમ હટી ગયો? શીસે જવાબ આપ્યો કે: જ્યારે હ. ઈ. હુસયન (અ.સ.)એ આંખ ખોલીને મારી સામે જોયું ત્યારે મને રસુલે ખુદા (સ.અ.વ.)ની મુબારક આંખો નજરે પડી. મારી શકિત અને તાકત ચાલી ગઈ. મારૂ આખુ શરીર ઘ્રુજવા લાગ્યું. તેણે કહ્યું: તલવાર મને આપ, હું તેઓને કત્લ કરવા માટે તારી કરતા વધારે સારો અને યોગ્ય છું. તેણે તલવાર લીધી અને ઈમામ હુસયન (અ.સ.)ને કત્લ કરવાના ઈરાદાથી તેઓ તરફ આગળ વધ્યો.

જ્યારે તે તેઓ (અ.સ.)ની નજદીક પહોંચ્યો ત્યારે તેના શરીરમાં સખ્ત ધ્રુજારી શરૂ થઈ ગઈ અને તે એટલો બધો ડરી ગયો કે તેના હાથમાંથી તલવાર છૂટી ગઈ અને ત્યાંથી ભાગી ગયો. શિમ્રે તેની ઝાટકણી કાઢી અને તેને પૂછયું કે શા માટે ભાગી આવ્યો? તેણે જવાબ આપ્યો કે: જ્યારે તેઓ (અ.સ.) એ આંખો ખોલીને મારી તરફ નજર કરી ત્યારે મને તેઓના પિતા (હ. અલી અ.સ.)ની બહાદુરી અને દિલેરી યાદ આવી ગઈ અને હું ત્યાંથી ભાગી ગયો. ત્યાર પછી ઈમામે મઝલુમ (અ.સ.)ના પવિત્ર સરને શરીરથી જુદુ કરવાના ઈરાદાથી ખુલી બિન યઝીદ અસ્બહી થોડા જ ડગલા આગળ વધ્યો ત્યાં તેના આખા શરીરમાં કમકમાટી ઉત્પન્ન થઈ ગઈ અને તે પણ તુરતજ પાછો ફરી ગયો. આ જોઈને શીમ્ર કહેવા લાગ્યો: તમે લોકો કેટલા બુઝદિલ અને ડરપોક છો? હવે મારા સિવાય એમને કત્લ કરવાની હિંમત અને યોગ્યતા કોઈનામાં નથી. ત્યાર પછી તેણે તલવાર ઉઠાવીને આપની છાતી મુબારક ઉપર ચડીને બેસી ગયો. ઈમામ (અ.સ.) તેની તરફ જોયું, શીમ્ર જરા પણ ડર્યો નહીં કે ન તો તેના શરીરમાં કોઈ પ્રકારની ધ્રુજારી પૈદા થઈ. તે કહેવા લાગ્યો કે: હું એવા લોકોમાંથી નથી કે તમને કત્લ કર્યા વગર પાછો ચાલ્યો જાઉં. હઝરત (અ.સ.)એ ફરમાવ્યું: તું કોણ છો? જે આટલી ઉચ્ચ અને પવિત્ર જગ્યાએ આવીને બેસી ગયો છે? આ એ જગ્યા છે જે હઝરત રસુલે ઈસ્લામ (સ.અ.વ.)ની ચુંબનની જગ્યા બની ચુકી છે. તે કુપાત્રે કહ્યું: હું શિમ્ર બિન ઝીલ જવશન અઝબાબી છું. આપ (અ.સ.)એ ફરમાવ્યું: તું મને ઓળખે છે? તેણે કહ્યું: હું આપને બહુ સારી રીતે ઓળખું છું. તમે હુસયન બિન અલી (અ.સ.) છો. તમારી પવિત્ર માતા ફાતેમા ઝહેરા સ.અ., તમારા નાના રસુલે ખુદા (સ.અ.વ.) અને દાદી ખદીજતુલ કુબરા છે. ઈમામે હુસયન (અ.સ.)એ ફરમાવ્યું: અફસોસ તારાહાલ પર, જ્યારે તું મને આટલી સ્પષ્ટ રીતે ઓળખે છે તો પછી શા માટે કત્લ કરી રહ્યો છે? તેણે જવાબ આપ્યો: મોઆવિયાના પૂત્ર યઝીદ પાસેથી ઈનામો ઈકરામ મેળવીને માલા-માલ થઈ જવા માટે. હઝરત (અ.સ.)એ ફરમાવ્યું: તું મારા નાના રસુલે ખુદા (સ.અ.વ.)ની શફાઅતને વધારે પસંદ કરે છે કે યઝીદના ઈનામો ઈકરામને? તેણે નફફટાઈથી જવાબ આપ્યો કે: મને યઝીદ તરફથી મળનારા માલૂલી ઈનામ આપ (અ.સ.)ના નાના અને પિતાની શફાઅત કરતા વધારે પસંદ અને પ્રિય છે. ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: તું મને કત્લ કર્યા વગર રહેવાનો નથી તો કમસે કમ મને એક ઘુંટડો પાણી આપી દે. તે મલઉને જવાબ આપ્યો: ખુદાની કસમ, તમને મૌતને ઘાટ ઉતારી ન દઉં ત્યાં સુધી એક પણ ઘૂંટ પાણી નહીં આપું. શું તમે એ નથી કે જેઓ એમ માનો છો કે તમારા પિતા સાકિએ કૌસર છે અને તેઓ જેમને ચાહતા હશે તેમને (કૌસરમાંથી) પીવડાવશે. તમે પણ સબ્ર કરો જેથી તમારા પિતાના હાથે તૃપ્ત થાવ. હઝરત (અ.સ.)એ ફરમાવ્યું: જરા તારા ચહેરા ઉપરથી નકાબ હટાવી લે, જેથી હું તને જોઈ શકું. શિમ્રે તેના ચહેરા પરથી નકાબ હટાવ્યો. હઝરત (અ.સ.)એ ફરમાવ્યું: મારા નાના રસુલુલ્લાહ (સ.અ.વ.)એ સાચું ફરમાવ્યું હતું. શિમ્રે કહ્યું: આપના નાનાએ શું ફરમાવ્યું હતું. ત્યારે હઝરત (અ.સ.)એ કહ્યું: મારા નાનાએ મારા પિદરે બુઝુર્ગવારને કહ્યું હતું તમારા આ ફરઝંદને એવો માણસ કત્લ કરશે જે શરીરે કોઢીયા અને આંખે કાંગો હશે અને જેનું મોઢું કુતરા જેવું અને વાળ સુવ્વર જેવા હશે. આ સાંભળીને શિમ્ર ખૂબજ ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો તમારા દાદાએ મને કૂતરા જેવો કહ્યો છે. (તેથી) ખુદાની કસમ, હું તમને ગરદનની પાછળથી ઝબ્હ કરીશ. પછી તેણે હઝરત (અ.સ.)ને ફેરવીને આપ (અ.સ.)ની ગરદન પર બાર ઘા લગાવીને આપનું સર શરીરથી જુદુ કરી નાખ્યું (ઈન્ના લિલ્લાહે વ ઈન્ના એલયહે રાજેઉન). આપની શહાદત થતાની સાથેજ એક ગયબી અવાજ કરબલાના વાતાવરણમાં ગુંજવા લાગ્યોઃ “કોતેલ વલ્લાહે અલ ઈમામુબનુલ ઈમામ અખુલ ઈમામ અબુલ અઈમ્મતીલ હુસયનુબ્નો અલી અલયહેમુસ્સલામ.”

ઈમામ હુસયન (અ.સ.)નું સર મુબારક કૂફામાં

ઈમામે હુસયન (અ.સ.)ની શહાદત પછી ઈબ્ને સઅદે આપ (અ.સ.)નું પવિત્ર સર મુબારક ખુલી બિન યઝીદ અસબઈને ઉબૈદુલ્લાહ બિન ઝિયાદને પહોંચાડવા માટે આપ્યું, હમીદ બિન મુસ્લિમ અઝદીને તેની સાથે મોકલ્યો. ખુલી તે સર મુબારકને લઈને જલ્દી કુફા જવા માટે રવાના થયો. તે અડધી રાતે કૂફા પહોંચ્યો. દારૂલ અમારહનો દરવાજો બંધ હતો તેથી તે સર મુબારકને પોતાના ઘરમાં લાવ્યો. અને સર મુબારકને કપડા ધોવાના તશ્ત (થાળ)માં રાખી દીધું. ખૂલીને બે પત્નીઓ હતી. એકનો સંબંધ અસદના કબીલા સાથે હતો. બીજી હઝરમીયહ હતી. જેનું નામ “નવાર” હતું. ખૂલી નવારની પાસે રાત વિતાવવા માટે ગયો. નવારે પુછયું: શું સમાચાર છે? ખૂલીએ કહ્યું: હું તારા માટે લાલ ઝવેરાત લાવ્યો છું. આ સરે હુસયન (અ.સ.) છે. આ સાંભળીને નવાર પાગલ જેવી થઈ ગઈ અને કહેવા લાગી: તારા હાલ ઉપર અફસોસ છે! લોકો પોતાના ઘરોમાં સોનું ચાંદી લાવે છે અને તું રસુલે ખુદા (સ.અ.વ.)ના ફરઝંદનું સર મારા માટે ભેટ તરીકે લાવ્યો છે? ખુદાની કસમ, આજથી તારૂં અને મારૂ એક તકીયા પર સુવું નહીં બને. આમ કહીને તે ખૂલી પાસેથી ઉભી થઈ અને ઈમામ હુસયન (અ.સ.)ના સર મુબારકની પાસે ગઈ. સરે ઈમામે હુસયન (અ.સ.) માટીના એક વાસણથી ઢાંકેલું હતું. તેણીએ જોયું કે સર મુબારકમાંથી એક નૂર આસમાન તરફ જઈ રહ્યું છે. તેણે સર મુબારક તરફ કાન ધર્યા તો ફરિશ્તાઓની તસ્બીહ અને તહલીલનો અવાજ આવી રહ્યો હતો. આપ (અ.સ.)ના સરમુબારકની આજુબાજુ સફેદ પક્ષીઓ ફરી રહ્યા હતા. તેણીએ સાથે એ પણ સાંભળ્યું કે સરમુબારકમાંથી કુરઆને શરીફની આ આયતની તિલાવતનો અવાજ આવી રહ્યો હતોઃ “વસયયલમુલ્લઝી નઝલમૂ અંયમુન કલેબીંય યનકલેબૂન” આ પ્રમાણે આખી રાત થતું રહ્યું. મુનતહુલ અઅમાલમાં કામિલ બહાઈથી નોંધવામાં આવ્યું છે કે: ઈબ્ને ઝિયાદે ઈમામે હુસયન અ.સ.ના સર મુબારકને કૂફાની ગલીઓ અને બજારોમાં ફેરવવાનો હુકમ આપ્યો. આ સર મુબારકને જોવા માટે વિવિધ કબીલાઓના લગભગ એક લાખ જેટલા લોકો ભેગ થયા. જેમાંના અમુક લોકો એક બીજાને તાઅઝીયત (સાંત્વન) આપી રહ્યા હતા અને અમુક લોકો પરસ્પર મુબારકબાદી આપી રહ્યા હતા.

ઝયદ ઈબ્ને અરકમનું બયાન છે કે: હું કૂફાની એક જગ્યાએ ઉભો હતો. જ્યારે તે સર મુબારક મારી પાસેથી પસાર થયું ત્યારે તે સર મુબારકને સૂરએ કહફની આ આયત તીલાવત કરતા સાંળળ્યુઃ “અમ હસીબત અન્ન અસ્હાબલ કહફે વર રકીમે કાનુ મીન આયાતેના અજબા.”

ઝૈદ બિન અકરમ કહે છે કે: મેં એ સર મુબારકને એ આયતની તિલાવત કરતાં સાંભળ્યું ત્યારે ખુદાની કસમ, ખૌફ અને ગભરાટથી અને રંજો ગમથી મારા રૂંવા ઉભા થઈ ગયા. મેં કહ્યું: અય ફરંઝે રસુલ, આપનું સર મુબારક અસ્હાબે કહફ અને રકીમના બયાન કરતા હજારગણું આશ્ચર્યજનક છે.

ઈબ્ને શેહરે આશુબની રિવાયત છે કે: આપ અ.સ.નું સર કૂફાની એક બજારમાં લટકાવી દેવામાં આવ્યું. જ્યાં તે સુરએ કહફની તિલાવત કરી રહ્યું હતું. બીજી એક જગ્યાએ એક ઝાડની ડાળીમાં લટકાવવામાં આવ્યું હતું તે વખતે સર મુબારક આ આયતની તિલાવત કરી રહ્યું હતુઃ “વ સયઅલ્લમુલ્લઝીન ઝલમૂ અંય મુનકલેબીંય યનકલેબૂન.”

એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.) ના કૂફામાં આગમન પછી ઈબ્ને ઝિયાદે દરબારે આમનું આયોજન કરીને આમ જનતા માટે દારૂલ અમારાના દ્વાર ખોલી નાખ્યા. આખો દરબાર કૂફાવાસીઓથી છલોછલ ભરાઈ ગયો હતો. પછી તેણે શહીદોના સર મુબારક હાજર કરવાનું ફરમાન કર્યું, “રવઝતુલ અહબાબ”ના કથન પ્રમાણે સૌથી પહેલા સોનાના વાસણમાં ખૂલી બિન યઝીદ અસઅબી અથવા બશીર બિન માલિકે સૈયદુશ્શોહદા (અ.સ.)નું સર લાવીને ઈબ્ને ઝિયાદ (લઅનતુલ્લાહ) પાસે રાખ્યું. બશીર ઈબ્ને માલિકે ઈબ્ને ઝિયાદની સામે કેટલીક કાવ્ય પંકિતઓ પઢી જેના ભાવાર્થ આ પ્રમાણે હતો કેઃ “અમારી રિકાબ સોના ચાંદીથી ભરી દો કારણકે અમે એવા બાદશાહને કત્લ કયો, છે, જે વંશ અને કૂળોમાં ઉચ્ચ અને ઉત્તમ છે…”

આ પંકિતઓ સાંભળીને ઈબ્ને ઝિયાદે કહ્યું: ધીક્કાર છે તને! જ્યારે કે તું એ વાત જાણતો હતો કે તેઓ (અ.સ.) તેમના કૂળ અને વંશ (મા-બાપની તરફથી) ઉચ્ચતમ અને શ્રેષ્ઠતમ છે, તે છતાં તે તેઓ (અ.સ.)ને કત્લ શા માટે કર્યા? ખુદાની કસમ, મારા તરફથી તને એક કોડી પણ ઈનામમાં નહીં મળે. જ્યારે ઈમામ (અ.સ.)નું સરે અત્હર ઈબ્ને ઝિયાદની પાસે રાખવામાં આવ્યું ત્યારે તે ખુશીથી ફુલ્યો સમાતો ન હતો અને હસી હસીને એક લાકડીથી અને અમુક લોકોના કહેવા પ્રમાણે પાતળી છરીથી આપ (અ.સ.)ના દાંત મુબારક સાથે બેઅદબી કરતો હતો અને સાથે કહેતો હતો કે: હુસયન (અ.સ.) તમારા દાંત કેટલા સુંદર છે? હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના બુઢ્ઢા સહાબી ઝૈદ બિન અરકમે આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ તડપી ઉઠયા અને બોલ્યા. “અય ઝિયાદના પૂત્ર, તારી લાકડી એ પવિત્ર હોઠો પરથી હટાવી લે. એ ખુદાની કસમ, જેના સિવાય કોઈ મઅબુદ નથી. મેં રસુલે ખુદા (સ.અ.વ.)ને કેટલીય વખત આ પવિત્ર હોઠોને ચુમતા જોયા છે.”

ઈબ્ને ઝિયાદ ચીસ પાડીને બોલ્યો: અય દુશ્મને ખુદા, જો તું વૃધ્ધ ન હોત તો હું તારૂ માથું શરીરથી જુદુ કરી નાખત. ઝૈદ બિન અરકમે કહ્યું: અય ઝિયાદના પૂત્ર, એક હદીસ સંભળાવી હું તારૂં ધ્યાન ખેચું છું, જે (હદીસ) સાંભળતા તને ખૂબજ અણગમો થશે. એક દિવસ મેં પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને જોયા જેમના ખોળામાં જમણી બાજુ હસન (અ.સ.) અને ડાબી બાજુ હુસૈન (અ.સ.) બેઠા હતા. તેઓ (સ.અ.વ.) બંને ઉપર માયાળુપણે હાથ ફેરવી રહ્યા હતા અને ફરમાવી રહ્યા હતા કે:

અલ્લાહુમ્મ ઈન્ની ઈસ્તવદેઓક ઈય્યાહોમા વસાલેહલ મુઅમેનીન.

“અય પરવરદિગાર, હું આ બંને (હસન અને હુસૈન અ.સ.) અને સાલેહ મોઅમિનો એટલેકે (હ. અલી અ.સ.) ને તારી સમક્ષ અમાનત તરીકે મુકી જાઉં છું. જેથી દરેક પ્રકારના મકરૂહાત (અલ્લાહને અણગમતી બાબતો)થી સુરક્ષિત રહે.” અય ઝિયાદના પૂત્ર, તેં રસુલે ખુદા (સ.અ.વ.)ની અમાનત સાથે કેવો વ્યવહાર કર્યો? આમ કહીને તેઓ વિલાપ અને આક્રંદ કરતા દરવાજાની બહાર નીકળી ગયા અને મોટા અવાજે કહેવા લાગ્યા: અય અરબવાસીઓ તમોએ તમારા પયગંબર (સ.અ.વ.)ના ફરઝંદને શહીદ કરીને હુકુમત ઈખ્તેયાર, ઈબ્ને ઝિયાદને હવાલે કરી દીધા. જેથી તે તમારા માનવંતા લોકો (એહલેબય્ત અ.સ.)ને કતલ કરે અને ગુલામ બનાવે અને તમારામાંના અધમ – દુષ્ટ લોકોને એ વાતની પરવાનગી આપી દીધી કે તમને અપમાનીત કરી હલકા પાડે. તમારામાંના જે લોકો અપમાનીત થવાને ગર્વની વાત સમજે તેવા લોકોને ખુદાવંદે આલમ તેની રહેમતથી દૂર રાખે.

સરે હુસયન (અ.સ.) મવસિલમાં

એહલે સુન્નત વલ જમાઅતના મશહુર આલિમ અતાઉલ્લાહ શાફેઈ તેઓની કિતાબ રવઝતુલ અહબાબમાં લખે છે: જ્યારે એહલેબયતે અત્હાર (અ.સ.) મવસિલ નામના ગામની નજદીક પહોંચ્યા ત્યારે શિમ્રે મવસિલના હાકીમને સંબોધીને એક પત્ર લખી મોકલ્યો, જેમાં લખ્યું હતું કે: થોડીજ વારમાં તારા શહેરની પાસે યઝીદના દુશ્મનોના સર પહોંચી રહ્યા છે. તું તારા ગામના લોકોને એવો આદેશ કર કે, આખા શહેરને શણગારવામાં આવે, લોકો અમારૂં સ્વાગત કરે અને (અમારા માટે) ખાવાપીવાનો બંદોબસ્ત કરવામાં આવે. મવસિલ શહેરના હાકીમે શિમ્રનો તે પત્ર મવસિલના પ્રતિષ્ઠીત શહેરીઓને વાંચી સંભળાવ્યો. અને કહ્યું કે: જો હું કદાચ જાહેરી રીતે આમ કરવાની ઈજાઝત આપું તો તમે લોકો રાજી નહીં થાવ. મવસિલવાસીઓએ જવાબ આપ્યો: નઉઝોબિલ્લાહ મિન ઝાલેક. અમે લોકો એવું ધૃણિત કાર્ય કરવા માટે હરગીઝ રાજી નથી. મવસિલના હાકિમે શિમ્રને લખ્યું કે: આ શહેરની વસ્તીમાં મોટાભાગના લોકો શિયાઆને અલીએ મુરતુઝા અને આલે અબા (અલયહેમુસ્સલામ)નાં દોસ્તો છે. તેથી જો તમે લોકો આ શહેરમાં આવશે તો જબરો વિવાદ સર્જાવાની અને શહેરમાં લોહીની નદીઓ વહેવાની સંભાવના છે. શિમ્ર મવસિલથી એક ફરસખ (લગભગ સવા બે માઈલ) દૂરના અંતરે રોકાયો હતો. મવસિલ શહેરના હાકીમે ખાવાપીવાનું ત્યાંજ મોકલી આપ્યું. શિમ્રે ઈમામ હુસયન (અ.સ.)નું સર નેઝા ઉપરથી ઉતારીને નીચે એક પત્થર ઉપર મુકી દીધુ હતું. રિવાયતમાં છે કે: તે સર મુબારકમાંથી લોહીનું એક ટીપું પથ્થર ઉપર ટપકી ગયું હતું. આથી દર વર્ષે આશુરાના દિવસે તે પથ્થરમાંથી તાજુ લોહી ઉછળી આવતું હતું અને ત્યાંના લોકો ભેગા મળીને અઝાએ-હુસયન (અ.સ.) મનાવતા હતા. આ સ્પષ્ટ કરામતનો ક્રમ બની ઉમય્યાના અંતિમ બાદશાહ મરવાન અલ હમારના ઝમાના સુધી ચાલુ રહ્યો. તે સ્થાનને “મશહદુલ નુકતહ” કહેવામાં આવે છે. મરવાન અલ હમાર મલઉને એ પથ્થરને બીજી કોઈ જગ્યાએ મોકલી દીધો જ્યાંથી તે અપ્રાપ્ય બની ગયો.

સરે ઈમામે હુસયન (અ.સ.) તકરીતમાં

અબુ મખનફ કહે છે કે: જ્યારે એહલેબૈત અત્હાર (અ.સ.) શહીદોના સરોને હસાસહની પૂર્વ દીશા તરફથી (“હસાસહ” કૂફાનું એક ગામડું છે, જે કસ્ર બિન હબીરહની પાસે આવેલું છે) પસાર કરવામાં આવ્યા અને તેઓ તકરીયત તરફ રવાના થયા ત્યારે તકરીયતના અમલદારને લખવામાં આવ્યું કે: અમારા ખાવા પીવા અને બીજી સુવિધાઓનો બંદોબસ્ત કરો – અમારૂં શાનદાર સ્વાગત કરવાની ગોઠવણ કરો. કેમકે, અમારી સાથે (મઆઝલ્લાહ) એક ખારજી (બગાવતખોર)નું સર છે. તકરીતનાં હાકીમે શહેરને સજાવવા અને ધજાઓ ફરકાવવાનો હુકમ આપ્યો. તરકીતનાં લોકોનો મોટો સમુહ લશ્કરના સ્વાગત માટે દોડી આવ્યો. તેઓએ લશ્કરના સેનાપતિઓ સાથે મુલાકાત કરી. એક એક સર વિશે પ્રશ્નો કર્યા – જેના જવાબમાં કહેવામાં આવ્યું કે એ બધા ખારજીઓના સર છે. જેઓએ યઝીદની વિરૂધ્ધમાં બગાવત કરી હતી. ઉબૈદુલ્લાહ બિન ઝિયાદે તેઓને કત્લ કરી નાખ્યા છે. આ તેઓના સરદારનું સર છે અને બાકીના સર તેમના દોસ્તો અને સાથીઓના છે જેમને યઝીદની પાસે લઈ જવામાં આવે છે. તે વખતે એક નસરાની માણસે કહ્યું: લોકો! હું કુફામાં હતો ત્યારેઆ સર કુફામાં લાવવામાં આવ્યું હતું. આ ખારજી (બગાવત કરનાર)નું સર નથી પરંતુ આ હુસયન બિન અલી (અ.સ.)નું સર છે. જ્યારે લોકોએ આ સાચી હકીકત સાંભળી ત્યારે પોતાના મુખ પર તમાચા મારવા લાગ્યા. તેઓની સાથે તકરીતના નસારા લોકો પણ ભળી ગયા. તેઓ શંખ ફૂંકવાનું શરૂ કર્યુ અને કહેવા લાગ્યા કે જે લોકો પોતાના પયગંબર (સ.અ.વ.)ની પૂત્રીના સંતાનોને શહીદ કરી નાખે તેઓને અમે અમારા શહેરમાં પ્રવેશવાની રજા હરગીઝ નહીં આપીએ. ઔસ અને ખઝરજ કબીલાના ચાર હજાર ઘોડે સવારો ભેગા થઈ ગયા અને તેઓ ઈબ્ને ઝિયાદની ફૌજ સાથે જંગ કરવા માટે તૈયાર થઈ ગયા. તેઓ ઈબ્ને ઝિયાદ પાસેથી ઈમામ હુસયન (અ.સ.)નું સર આંચકીને પોતાના ગામમાં દફન કરી દેવા ઈચ્છતા હતા. જેથી તેમના કૂળના લોકો કયામત સુધી તે કામ કરવા માટે ગર્વ લઈ શકે. જ્યારે ઈબ્ને ઝિયાદના લશ્કરને આ વાતની ખબર મળી ત્યારે તેઓ ત્યાંથી કૂચ કરી ગયા. એટલુંજ નહીં મવસિલ અને સનજારની વચ્ચે આવેલા તલ-અઅફર નામના કિલ્લા તરફ ભાગી ગયા. ત્યાંથી અયનુલ વરદહ નામની જમીન ઉપર પહોંચ્યા અને ત્યાંથી પણ ડરીને ભાગી છૂટયા.

સરે મુતહહર દઅવાત અને કનસરીનમાં

જ્યારે ઈબ્ને ઝિયાદ તેના લશ્કર સાથે દઅવાતની નજદીક પહોંચ્યો ત્યારે ત્યાંના હાકીમને લખ્યું કે: લશ્કર માટે ખાવા પીવાનો સામાન તૈયાર રાખો અને શહેરના શ્રીમંતો સ્વાગત માટે તુરતજ આવે. દઅવાતના હાકીમે બ્યુગલ વગાડવાનો હુકમ આપ્યો. શહેરના શ્રીમંતો અને આગેવાનો શહેરની બહાર સ્વાગત માટે નીકળ્યા અને સિપાહીઓને શોહદાએ કરબલાના સરો અને અહલેબયતે રસુલ (સ.અ.વ.)ની સાથે “બાબુલ અરબઈન”માંથી શહેરમાં દાખલ કરાવ્યા. ઈમામે હુસયન (અ.સ.)ના સર મુબારકને એક મૈદાનમાં ગોઠવવામાં આવ્યું જ્યારે દિવસ ઢળવા આવ્યો ત્યારે મુનાદીએ અવાજ બુલંદ કર્યો. હાઝા રાઅસો ખારેજી અલા યઝીદીબ્ને મોઆવિયહ.

આ એક ખારજીનું સર છે, જેણે યઝીદ ઈબ્ને મોઆવિયાની વિરૂધ્ધ બગાવત કરી હતી. શહેરના અડધા લોકો રૂદન કરી રહ્યા હતા અને અડધા લોકો ખુશી મનાવી રહ્યા હતા.

એક રિવાયતમાં છે કે: જે મૈદાનમાં સરે હુસૈન (અ.સ.) ગોઠવવામાં આવ્યું હતું ત્યાં બે બનાવ પછી લોકો આવીને પોતાની સફળતા માટે માનતા કરતા હતા અને તેઓની માનતા પુરી પણ થતી હતી. પછી એ કાફલો દઅવાતનો રસ્તો વટાવીને કનસરીન પહોંચ્યો. આ શહેરના બધાજ લોકો એહલેબય્ત (અ.સ.)ના દોસ્તો હતા. જ્યારે તે ગામના લોકોને આ કાફલાના આવવાના સમાચાર મળ્યા ત્યારે તે લોકોએ શહેરના બધાજ દરવાજા બંધ કરી દીધા અને ટેકરીઓની ઉંચાઈઓ પર જઈને તે લશ્કરવાળાની આકરી ટીકા કરતા જેમ તેમ કહેવા લાગ્યા અને તેમની ઉપર પથ્થર મારો કરવા લાગ્યા અને તેવી અને તેવી રીતે તે કાફીરના લશ્કરને શહેરમાં આવતું રોકી દીધું અને ઉંચા અવાજે કહેવા લાગ્યા કે: અય અવલાદે રસુલે ખુદા (સ.અ.વ.)ના કાતિલો જો અમે બધા કત્લ થઈ જશું તો પણ તમને આ શહેરમાં દાખલ થવા નહીં દઈએ. તેથી મજબુર થઈને તુરતજ એ લશ્કર “મેઅરતુન નોઅમાન” તરફ રવાના થઈ ગયું. તે શહેરના લોકોએ તે લશ્કર માટે પોતાના શહેરના દરવાજા ખોલી નાખ્યા. ત્યાં ઈબ્ને ઝિયાદના લશ્કરે પડાવ નાખ્યો. લોકોએ લશ્કરવાળાઓ માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી. તે શહેરના લોકો સરે અત્હરનો તમાશો જોવા માટે ઉમટી પડયા. લશ્કરવાળાઓ તે રાત શાંતિથી વિતાવી. સવાર પડતા લશ્કર રવાના થઈ ગયું. “મોઅરેતુન નોઅમાન”થી લશ્કર “શીરઝ” પહોંચ્યું. તે શહેરના લોકોએ તેમનોમાર્ગ અવરોધ્યો. અને તેઓ સાથે જંગ કરવા માટે તૈયાર થઈ ગયા. છેવટે તે લશ્કર ત્યાંથી ભાગ્યુ. હવે તેઓ માટે “કિલ્લએ-કુફરે-તાબ”નો માર્ગ બચ્યો હતો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે કુફરે તાબના રહેવાસીઓએ તેઓને રોકી દીધા અને કિલ્લા ઉપરથી તેઓને ભાંડવા લાગ્યા અને તેઓ ઉપર ધિક્કાર અને ફીટકાર વરસાવવા લાગ્યા. તે કિલ્લો ખુબજ મજબુત અને પાકો હતો તેથી તેની ઉપર કબ્જો કરવાનું શકય ન હતું. તેથી લાચાર થઈને ત્યાંથી રવાના થઈ ગયા. અને ત્યાંથી “સીબૂર”નાં વિસ્તારમાં પહોંચ્યા.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *