હઝરત વલીએ અસ્ર(અ.સ.)ને થોડા સવાલો

Print Friendly, PDF & Email

હઝરત વલીએ અસ્ર(અ.સ.)ને થોડા સવાલો

આ શીર્ષક જોઇને મનમાં એ પ્રશ્ર્ન થાય કે ઇમામે ઝમાના (અ.સ.)ની સાથે ક્યાં મુલાકાત થઇ અને કેવી રીતે આપની સાથે પ્રશ્ર્નોત્તરી કરવાની તક મળી. તેથી આ વાત પહેલેથી જ સ્પષ્ટ કરી દઇએ કે હઝરત ઇમામે ઝમાના (અ.સ.) સાથે અમારી સીધી કોઇ મુલાકાત થઇ નથી. કહે છે કે સંદેશો અને પત્ર વ્યવહાર અડધી મુલાકાત છે. પત્ર દ્વારા વ્યક્તિએ જેને સંબોધન કર્યુ હોય તેની સાથે વાતચીત કરે છે. તેથી પત્રનો અંદાઝ અને વિગત પુસ્તકના અંદાઝથી જુદો હોય છે. હઝરત વલીએ અસ્ર(અ.સ.) ખુદાવંદે આલમના હુકમથી શરૂઆતથી જ ગયબતમાં છે. તેથી આપને લોકોની સાથે સીધો અને રૂબરૂ વાતનો મોકો ઓછો મળ્યો છે. મોટા ભાગના પ્રશ્નો પત્ર અને અરજીઓની શકલમાં આપની પવિત્ર સેવામાં રજુ કરવામાં આવ્યા છે. આપે પત્ર દ્વારા તેના જવાબો મોકલ્યા છે. હઝરત ઇમામે ઝમાના(અ.સ.)ના પત્રોને પારિભાષીક રીતે ‘તવકીઅ’ કહેવાય છે. આ તવકીઓ જુદા જુદા પુસ્તકમાં મવજુદ છે. હઝરત આયતુલ્લાહ સય્યદ હસન શીરાઝી (તાબ સરાહે)એ આ ‘તવકીઅ’ને ‘કલેમતુલ ઇમામ મહદી’ નામના પુસ્તકોમાં જુદા જુદા પુસ્તકોના હવાલાથી ભેગી કરી છે. મુળ પુસ્તક અરબીમાં છે. ડો. સય્યદ હસન સબઝવારીએ આ પુસ્તકનો ફારસી તરજુમો આ જ નામથી કર્યો છે. નીચે જે સવાલ/જવાબ રજૂ કરવામાં આવ્યા છે તે હઝરત વલીએ અસ્ર(અ.સ.)ની જુદી જુદી તવકીઓમાંથી લેવામાં આવ્યા છે. તેથી હઝરત વલીએ અસ્ર(અ.સ.)ની તવકીઓ દ્વારા આપની સાથે આ અડધી મુલાકાત છે, જે આપની સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. ખુદા કરે કે આ પ્રયત્ન હઝરતની પવિત્ર બારગાહમાં સ્વિકારાય. આમીન-એ દિવસની પ્રતિક્ષા છે, જ્યારે હઝરત(અ.સ.) સાથે રૂબરૂમાં થએલ વાતચીત રજૂ કરી શકીએ:

સવાલ:૧ ગયબતના સમય દરમ્યાન આપનો મુકામ ક્યાં રહે છે?

જવાબ:૧ “હાલમાં ઝાલિમોની વસ્તીથી દૂર જીવન વિતાવી રહ્યા છીએ. જ્યાં સુધી દુનિયાની હુકુમત ઝાલિમો અને અત્યાચારીઓના હાથમાં છે ત્યાં સુધી. ખુદાવંદે આલમે અમારા અને અમારા ઇમાનદાર શીયાઓ માટે તેમાંજ મસ્લેહત ગણી છે કે અમે દૂર રહીએ. તેમ છતાં તમારી દરેક બાબત જાણીએ છીએ (પાના: ૧૯૦) “હાલમાં અજાણ્યા પહાડોના શીખર ઉપર છીએ. બાગોથી ઘેરાયેલી જગ્યા છે, અહીં આવવાનું બેઇમાન વ્યક્તિઓના કારણે થયું. ટૂંક સમયમાં અહીથી સપાટ જગ્યા ઉપર ચાલ્યા જશું જે વસ્તીથી વધુ દૂર ન હોય (પાના: ૧૯૬-૧૯૮)

સવાલ:૨ શીયાઓ ઉપર મુસીબતો અને બલાઓ ઉતરે છે તેનું કારણ શું છે?

જવાબ:૨ “તેનું એક કારણ એ છે કે અગાઉના લોકો જે કાર્યોથી દૂર રહેતા હતા અને પરહેઝ કરતા હતા, આ લોકો એ જ કાર્યો કરી રહ્યા છે. આ લોકોએ ખુદાના વચન અને વાયદાને એવી રીતે પીઠ પાછળ નાખી દીધા છે જેવી રીતે કે તેઓ જાણતા જ ન હોય (પાના: ૧૯૦) “જો અમારૂ વાલીપણું અને રક્ષણ ન હોતે તો બલાઓ દરેક બાજુએથી તુટી પડતે અને દુશ્મનો તમને ઉખેડી નાખતે (પાના: ૧૯૦) (આથી એ સ્પષ્ટ થાય છે કે ઘણી બલાઓ હઝરત પોતાની બરકતથી દૂર કરી દે છે. નહિ તો પરિસ્થિતી કાંઇક જુદી જ હોત)

સવાલ:૩ આ આખર ઝમાનામાં ફિત્ના અને ફસાદથી સુરક્ષીત રેહવાનો ક્યો માર્ગ છે?

જવાબ:૩ “તકવા અને પરહેઝગારી. હું એ વ્યક્તિની મુક્તિનો જામીન છું જે આ ફિત્નામાં પોતાના માટે કોઇ પણ સન્માન કે સ્થાનની ઇચ્છા ન ધરાવતો હોય (પાના: ૧૯૦) “દીનના બીરાદરોમાં જે ખુદાનો ખૌફ રાખશે, તેના માથે જે હક્ક છે તેને હકદાર સુધી પહોંચાડશે તે ફિત્નાથી સુરક્ષીત રહેશે. જે વ્યક્તિ અલ્લાહે આપેલી નેઅમતોને બીજા સુધી પહોંચાડવામાં લોભ કરશે તે આખેરતમાં નુકશાન ઉઠાવનારાઓમાંથી હશે (પાના: ૧૯૮-૨૦૦)

સવાલ:૪ ગયબતના સમય દરમ્યાન અમારી શું જવાબદારીઓ છે?

જવાબ:૪ “એવા કાર્યો કરો જે તમને અમારી મોહબ્બતથી નઝદીક કરે અને અમારી નાપસંદ ચીજોથી દૂર રહો (પાના: ૧૯૨)

સવાલ:૫ આપની સાથે મુલાકાત થઇ શકે?

જવાબ:૫ “જો અમારા શીયા (ખુદા તેઓને તાબેદારીને તવફીક આપે) એક દિલ થઇને વચન અને વાયદાને પૂરા કરતે તો અમારી બરકતભરી મુલાકાતમાં વિલંબ ન થતે. અમારા દીદારની સઆદત (ખુશબખ્તી) તેઓને જલ્દી નસીબ થતે. જે બાબતે અમને તેમનાથી દૂર કરી દીધા છે, હકીકતમાં તે બાબતો છે, જે અમે તેમનાથી પસંદ નથી કરતા (પાના: ૨૦૦)

સવાલ:૬ શયતાનને કેવી રીતે અપમાનીત અને બદનામ કરી શકીએ?

જવાબ:૬ “અવ્વલ વખતમાં નમાઝ અદા કરવી, શયતાનને અપમાનીત અને બદનામ કરી દે છે (પાના: ૨૦૨)

સવાલ:૭ જે વસ્તુ આપના માટે વકફ કરવામાં આવી છે, શું તેનો વ્યક્તિગત કામમાં ઉપયોગ થઇ શકે?

જવાબ:૭ “જો તે વસ્તુની સોંપણી અમને કરી દેવામાં આવી હોય તો પછી તેના ઉપર કોઇનો ઇખ્તેયાર નથી. પછી ભલે દેનારને તેની જરૂરત હોય કે ન હોય (પાના: ૨૦૨)

સવાલ:૮ જે લોકો આપની વસ્તુઓનો ઉપયોગ પોતાના માટે કરે છે તેના બારામાં આપ શું ફરમાવો છો?

જવાબ:૮ “કોઇના માલનો તેની પરવાનગી વગર ઉપયોગ કરવો હરામ છે. તેથી જે લોકો અમારા માલને હલાલ સમજીને ખાઇ રહ્યા છે, તેઓ પોતાના પેટમાં આગ ભરી રહ્યા છે અને તેઓને ટૂંક સમયમાં જહન્નમમાં નાખવામાં આવશે (પાના: ૨૦૬, ૩૪૨, ૩૪૪)

સવાલ:૯ જો ચીત્ર અથવા આગ સામે હોય તો નમાઝ પઢી શકાય?

જવાબ:૯ “જે લોકો મુર્તીપુજક કે આગ પુજકની ઔલાદ-માંથી નથી તેઓના માટે જાએઝ છે (પાના: ૨૦૪)

સવાલ:૧૦ નમાઝમાં કઇ સુરા પઢવી વધુ બેહતર છે?

જવાબ:૧૦ “જે માણસ નમાઝમાં સુરા “ઇન્ના અન્ઝલ્નાહો ફી લય્લતીલ્ કદ્ર નથી પડતો તેની નમાઝ કઇ રીતે કબુલ થાય? જે સુરા “કુલ્ હો વલ્લાહો અહદ નથી પઢતો તેની નમાઝ પાકીઝા નથી

સવાલ:૧૧ રિવાયતોમાં બીજા સુરાઓનો સવાબ પણ લખેલો છે. જેમ કે કોઇ સુરા ‘હોમઝત’ પઢે તો તેને દુનિયાની બરાબર સવાબ મળશે

જવાબ:૧૧ “રિવાયતમાં જે સવાબ લખેલો છે તે તેને મળશે. પરંતુ જે કોઇ બીજા સુરાઓને છોડીને “ઇન્ના અન્ઝલ્નાહો ફી લય્લતીલ્ કદ્ર પઢે અને “કુલ્ હો વલ્લાહો અહદ પઢે તેને તે સુરાઓનો સવાબ પણ આપવામાં આવશે. તે બીજા સુરાઓ પણ પઢી શકે છે. અલબત્ત ફઝીલતને છોડી દેશે (પાના: ૨૧૪-૨૧૬)

સવાલ:૧૨ તે માણસ કે જેની કમાણી હરામની છે તેને ત્યાં ખાવું પીવું અને તેનાથી માલ લેવો કેવો છે?

જવાબ:૧૨ “જો હરામની સિવાય રોઝીના બીજા પણ સાધનો હોય તો તેને ત્યાં ખાવું પીવું અને માલ લેવો હરામ નથી. જો હરામની સિવાય બીજી કોઇ હલાલની કમાણી નથી, તો હરામ છે

સવાલ:૧૩ નમાઝ શરૂ કરતી વખતે ખુદાની બારગાહમાં કેવી રીતે ધ્યાન કેન્દ્રીત કરવું?

જવાબ:૧૩ “તાકીદ ભરેલી સુન્નત છે કે આ રીતે ધ્યાન કેન્દ્રીત કરે: “વજ્જહ્તો વજ્હીય લિલ્લઝી ફતરસ્ સમાવાતે વલ્ અર્ઝ હનીફન્ મુસ્લેમન્ અલા મિલ્લતે ઇબ્રાહિમ વ દીને મોહમ્મદીન્ વ હદીયે અમીરીલ્ મોઅ્મેનીન વમા અના મેનલ્ મુશ્રેકીન ઇન્ન સલાતી વ નોસોકી વ મહયાય વ મમાતી લિલ્લાહે રબ્બીલ આલમીન લા શરીક લહુ વ બે ઝાલેક ઓમીર્તો વ અના મેનલ્ મુસ્લેમીન. અલ્લાહુમ્મજ્ અલ્ની મેનલ્ મુસ્લેમીન – અઉઝો બિલ્લાહીસ્સમીઇલ અલીમે મેનશ્ શયતાનીર્ રજીમે તે પછી બિસ્મીલ્લા હિર્રહમા નીર્રહીમ કહે અને સુરા અલ્ હમ્દની તિલાવત કરે (પાના: ૨૩૦)

સવાલ:૧૪ વાજીબ નમાઝ પછી શુક્રનો સજ્દો કરવાનો શું હુકમ છે?

જવાબ:૧૪ “સજ્દો વાજીબ સુન્નતોમાં છે. તેની ઘણી તાકીદ કરવામાં આવી છે. જેવી રીતે વાજીબને સુન્નત ઉપર અગ્રતા મળેલી છે તેવી જ રીતે વાજીબ નમાઝ પછી શુક્રના સજ્દાહને મુસ્તહબ નમાઝ પછીના શુક્રના સજ્દાહ ઉપર અગ્રતા મળેલી  છે (પાના: ૨૩૨-૨૩૪)

સવાલ:૧૫ શું જન્નતમાં મોઅમીનોને ત્યાં બાળક પૈદા થશે?

જવાબ:૧૫ “જન્નતમાં ન સ્ત્રીઓ ગર્ભ ધારણ કરશે ન તો માસિક સ્ત્રાવમાં સપડાશે. જન્નતમાં તો બસ એ વસ્તુઓ નસીબ થશે જેનાથી આંખો અને દિલને મજા પ્રાપ્ત થાય (પાના: ૨૪૦)

સવાલ:૧૬ શું ખાકે શફા કબરમાં રાખી શકાય?

જવાબ:૧૬ “હા, રાખી શકાય. ખુદાના હુકમથી કફનના દોરા ખાકે શફા સાથે ભળી જાય છે (પાના: ૨૪૪)

સવાલ:૧૭ શું ખાકે શફાથી તસ્બીહ બનાવી શકાય?

જવાબ:૧૭ “તસ્બીહ માટે તે સિવાયની કોઇ વસ્તુ પાત્ર નથી. તેના ફઝાએલમાં છે કે ઘણી વખત માણસ તસ્બીહ પઢવાનું ભુલી જાય છે અને માત્ર તસ્બીહના દાણા ફેરવ્યા કરે છે, તો તેને એ વખતે તસ્બીહ પઢવાનો સવાબ મળે છે (પાના: ૨૪૪)

સવાલ:૧૮ શું ખાકે શફા ઉપર સજ્દાહ કરી શકાય?

જવાબ:૧૮ “ખાકે શફા ઉપર સજ્દો કરવો જાએઝ છે અને ફઝીલતનું કારણ છે (પાના: ૨૪૪)

સવાલ:૧૯ શું માઅસુમીન(અ.મુ.સ.)ની કબરો ઉપર સજ્દો કરી શકાય?

જવાબ:૧૯ “કબરો ઉપર સજ્દો ન કરવો જોઇએ. અલબત્ત ચેહરાને કબર ઉપર ઘસી શકાય છે. કબરની સામે નમાજ પઢવામાં કોઇ વાંધો નથી (પાના: ૨૪૬)

સવાલ:૨૦ તે લોકોના બારામાં આપનું શું માનવું છે જે એહલેબૈત(અ.મુ.સ.)ની શાનમાં હદ વટાવી જાય છે અને તેઓને ખુદાનો દરજ્જો આપે છે?

જવાબ:૨૦ “અમે અને અમારા તમામ બાપદાદાઓ હઝરત આદમ(અ.સ.)થી લઇને હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) સુધી સૌ કોઇ ખુદાના બંદા છીએ

“અમને તો તે શીયાઓથી તકલીફ પહોંચે છે જે ઓછી અક્કલવાળા છે અને જેનો દીન મચ્છરની પાંખ જેટલો પણ નથી

“અમે એ તમામ લોકોથી દૂર રહેવાનું એલાન કરીએ છીએ (જેઓ એમ માનતા હોય) કે અમે તેની (અલ્લાહની) હુકુમતમાં તેના શરીક છીએ (પાના: ૨૬૪-૨૬૬)

સવાલ:૨૧ શલમગાની, શરીઇ, નુમેરી અને અબુલ ખત્તાબ જેવા લોકો વિષે શું મત છે, જેમણે આપની નયાબતનો ખોટો દાવો કર્યો હતો?

જવાબ:૨૧ “અમે એ તમામ લોકોથી બેઝાર છીએ અને અલીપ્ત અને દૂર રહેવાનું એલાન કરીએ છીએ. તે લોકોથી પણ દૂર રહેવાનું એલાન કરીએ છીએ કે જેઓ તેઓનું અનુસરણ કરે છે. અમે તે લોકો ઉપર લાઅનત મોકલીએ છીએ (પાના: ૨૮૨)

સવાલ:૨૨ આપના ઝુહુર થવા પહેલા દુનિયા અને મુસલમાનોની શું હાલત હશે?

જવાબ:૨૨ “ઝુહુરની પહેલા લોકોના દિલ સખ્ત થઇ જશે અને દુનિયા ઝુલ્મ અને અત્યાચારથી ભરાઇ જશે (પાના: ૨૮૪)

સવાલ:૨૩ શું આ ગયબતે કુબરામાં આપે કોઇની પોતાના ખાસ નાએબ તરીકે નિમણુંક કરી છે?

જવાબ:૨૩ સુફીયાનીના બહાર નીકળવા અને આસમાની અવાજ પહેલા જો મુશાહેદાહનો દાવો કરે તો તે જુઠ્ઠો અને આક્ષેપ કરનાર છે. (ગયબતે કુબરામાં કોઇ ખાસ નાએબ નથી) (પાના: ૨૮૪)

સવાલ:૨૪ તે સાદાત જે આપની વિલાયતનો ઇન્કાર કરે છે તેઓની નજાત (મુક્તિ) કઇ રીતે થશે?

જવાબ:૨૪ “ખુદાવંદે આલમ પાસે કોઇનું સગપણ નથી. જે ઇન્કાર કરશે તે અમારામાંથી નથી. તે એવી રીતે છે જેવી રીતે જનાબે નૂહ(અ.સ.)નો ફરઝંદ (પાના: ૨૮૬)

સવાલ:૨૫ શું આપના ઝુહુરનો સમય નક્કી છે અને કોઇને તેની ખબર છે?

જવાબ:૨૫ “ઝુહુર ખુદાના હાથમાં છે. સમય નક્કી કરનાર જુઠ્ઠા છે (પાના: ૨૮૮)

સવાલ:૨૬ ગયબતે કુબરાના સમયમાં જ્યારે આપના કોઇ ખાસ નાએબ નથી તો અમે અમારા દીની સવાલો કોને પુછીએ?

જવાબ:૨૬ “અમારી હદીસોના રાવીઓ તરફ રજૂ થાઓ. અમે તે લોકોને તમારી ઉપર હુજ્જત નક્કી કર્યા છે (પાના: ૨૮૮)

સવાલ:૨૭ આપની ગયબતની હિકમત શું છે?

જવાબ:૨૭ ખુદાવંદે આલમનો ઇર્શાદ છે: ઘણી બાબતો અંગે સવાલ ન કરો. જો બયાન કરી દેવામાં આવશે તો તમને ખરાબ લાગશે (સુરે માએદાહ, આયત:૧૦૧) (પાના: ૨૯૦)

સવાલ:૨૮ આપની ગયબત ક્યારે પુરી થશે અને ક્યારે આપનો ઝુહુર થશે?

જવાબ:૨૮ “એવી બાબતો ન પુછો જેનાથી તમને કોઇ ફાયદો ન થાય. જે તમારી જવાબદારી નથી તેના બારામાં સવાલ ન કર્યા કરો

સવાલ:૨૯ શું ખુમ્સ અદા કરવું જરૂરી છે? શું તેને અદા કરવાની કોઇ રીત છે?

જવાબ:૨૯ “તમારો માલ માત્ર એટલા માટે કબુલ કરીએ છીએ કે તમે પાક થઇ જાવ. ખુદાવંદે અમને જે આપ્યુ છે તે તેનાથી વધુ સારૂ છે, જે ખુદાએ તમને આપ્યું છે (પાના: ૨૮૬)

સવાલ:૩૦ શું આપની ગયબતમાં લોકો આપના અસ્તિત્વથી લાભ ઉઠાવી શકશે?

જવાબ:૩૦ “લોકો મારી ગયબતમાં મારી પાસેથી એવી જ રીતે લાભ મેળવી શકે છે જેવી રીતે વાદળમાં છુપાએલા સૂરજનો લાભ ઉઠાવે છે (પાના: ૨૯૦)

સવાલ:૩૧ ખુદાના માર્ગદર્શકોના ક્યા ગુણો છે અને કેવું સ્થાન ધરાવે છે?

જવાબ:૩૧ “ખુદાએ તે લોકોને ગુનાહોથી મઅસુમ બનાવ્યા છે, દરેક ક્ષતિથી પાક અને દરેક હલ્કી બાબતથી પવિત્ર રાખ્યા છે. તેઓને પોતાના ઇલ્મના ખઝાનેદાર અને પોતાની હીકમતના અમાનતદાર બનાવ્યા છે, છુપી વાતો અને ભેદોનું કેન્દ્ર બનાવ્યા છે. દલીલો દ્વારા તેઓની મદદ કરી છે. જો એમ ન હોત તો દરેક વ્યક્તિ દાવો કરી દેતે અને હક્ક અને બાતીલ ઓળખી ન શકાતે અને ઇલ્મ જહલથી જુદા ન થતે (પાના: ૨૯૬)

સવાલ:૩૨ અમ્બીયા અને અઇમ્મા(અ.મુ.સ.)ને મોકલવાનો શું હેતુ છે શું હિકમત છે?

જવાબ:૩૨ “ખુદાએ અમ્બીયા અને અઇમ્મા (અ.મુ.સ.)ને એટલા માટે મોકલ્યા કે તેઓ લોકોને બંદગી અને તાબેદારી કરવાનો હુકમ આપે. ખુદાની નાફરમાની કરવાની મના કરે. ખુદા અને ખુદાના દીન બારામાં લોકો જે બાબતોથી અજ્ઞાત છે તેનાથી તેઓને માહિતગાર કરે (પાના: ૨૯૪)

સવાલ:૩૩ જે લોકો ઇમામતનો ખોટો દાવો કરે છે તેઓની પરીક્ષા કેવી રીતે લેવાય અને તેમને બદનામ કેવી રીતે કરાય?

જવાબ:૩૩ “તેઓને કુરઆન અને દીનના હુકમો વિશે પુછો, નમાઝના હુદુદ અને તેના નિયમો પુછો. તમને ખુદ તેની હકીકતની જાણ થઇ જશે (પાના: ૨૯૮)

સવાલ:૩૪ શું દુનિયા ક્યારેય હુજ્જતે ખુદાથી ખાલી હોય શકે?

જવાબ:૩૪ “દુનિયા ક્યારેય હુજ્જત ખુદાથી ખાલી નથી રહી શકતી. પછી તે જાહેર અને દેખીતા હોય કે ખાનગી અને છુપાએલા હોય (પાના: ૩૧૪)

સવાલ:૩૫ હઝરત ઇમામ હસન અસ્કરી(અ.સ.) પછી ઇમામ કોણ છે?

જવાબ:૩૫ “હઝરત ઇમામ હસન અસ્કરી(અ.સ.)એ તેમને પોતાને (ઇમામે ઝમાના અ.સ.ને) વલી અને વારસદાર બનાવ્યા છે જેને ખુદાએ પોતાના હુકમથી પરદામાં રાખ્યા છે, એ જ તમારા ઇમામ છે (પાના: ૩૧૪)

સવાલ:૩૬ શું અઇમ્મા(અ.મુ.સ.) સર્જનહાર અને રોઝી આપનાર છે?

જવાબ:૩૬ “અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.) ખુદા પાસે દુઆ કરે છે. તે તેઓની દુઆથી સર્જન કરે છે અને રોઝી આપે છે. ખુદાવંદે આલમ તેઓના હક્ક અને મોભો બુલંદ કરવા ખાતર તેઓની દુઆ કબુલ કરે છે (પાના: ૩૨૮-૩૩૦)

સવાલ:૩૭ માનવી કેટલા સમય સુધી પોતાના માટે પુત્રની દુઆ કરી શકે છે?

જવાબ:૩૭ “ગર્ભ ધારણ થવાના ચોથા મહીના સુધી દોઆ કરે (પાના: ૩૮૬-૫૯૮)

સવાલ:૩૮ શું જાહેર મજલીસોમાં અને મહેફીલોમાં આપનું નામ લઇ શકાય?

જવાબ:૩૮ “જો તેઓને અમારૂ નામ બતાવશો તો તેઓ ફેલાવી દેશે, અમારૂ સ્થળ બતાવશો તો ત્યાં સુધી પહોંચી જશે (પાના: ૪૪૦) મજમામાં જે મા‚ં નામ લે, તેના  પર લાઅનત છે. (પાના: ૪૪૨) (હઝરત, હુજ્જત, વલી અસ્ર, બકીય્યત…, ઇમામે ઝમાના, મહદી… આ બધા હઝરતના ઉપનામો (લકબો) છે, નામો નથી)

સવાલ:૩૯ હદીસકારો અને હદીસના રાવીઓનું સ્થાન અને મહત્વ શું છે?

જવાબ:૩૯ “શું તમે ખુદાનું આ કથન નથી વાંચ્યું? “અમે તેઓની વચ્ચે અને તે વસ્તીઓની વચ્ચે, જેમાં અમે બરકત ઉતારી હતી, જાહેર વસ્તીઓ રાખી છે (સુરે બરાઅત, આયત: ૧૭) ખુદાની કસમ અમે એ વસ્તી છીએ જેને ખુદાએ બરકતવાળી ગણી છે અને તમે જાહેર વસ્તીઓ છો (પાના: ૪૪૪)

સવાલ:૪૦ ખુદાવંદે આલમ કોને હિદાયત આપે છે?

જવાબ:૪૦ “જે હિદાયત ચાહે છે, ખુદા તેને હિદાયત અતા કરે છે. જે માંગે છે તેને મળી જાય છે (પાના: ૫૪૪)

સવાલ:૪૧ શું આપની શોધખોળ કરવી યોગ્ય છે?

જવાબ:૪૧ “જે મને શોધવાની વધુ દોડધામ અને કોશિશ કરશે, તે દુશ્મનોને મારા તરફનું માર્ગદર્શન કરશે. જે દુશ્મનોને મારા તરફ માર્ગદર્શન કરશે તેણે મારી ઝીંદગીને ખતરામાં નાખી અને જે મારી ઝીંદગીને ખતરામાં નાખશે તે મુુશ્રીક છે (પાના: ૫૪૮)

સવાલ:૪૨ લોકો સબંધી આલીમોની શું જવાબદારીઓ છે?

જવાબ:૪૨ “તે લોકો સાથે નમ્રતાથી વર્તન કરે, પોતાની બેઠક ઘરના ઉંબરે રાખે (જેથી લોકો તેમને આસાનીથી મળી શકે) અને લોકોની જરૂરીયાત પુરી કરે. અમે મદદ કરીશું (પાના: ૫૬૪)

સવાલ:૪૩ શું સગાઓની જરૂરીયાતોને બીજાની જરૂરીયાત ઉપર અગ્રતા આપી શકાય?

જવાબ:૪૩ “હઝરત ઇમામ મુસા બિન જાઅફર (અ.સ.)એ ફરમાવ્યું: જો સગા મોહતાજ હોય તો ખુદા સદકો સ્વિકારતો નથી (પાના: ૨૫૨)

સવાલ:૪૪ જો બીજાને આપવાની નિય્યત કરી લીધી હોય તો શું કરવું?

જવાબ:૪૪ “માલને બન્નેમાં વહેંચી દો. જેથી પુરી ફઝીલત મળી જાય (પાના: ૨૫૨)

એ પવિત્ર અને સંપૂર્ણ બરકતવાળા દિવસની પ્રતિક્ષામાં કે જ્યારે હઝરત અલય્હિસ્સલામની સાથે સીધી વાત-ચીત કરી શકીએ અને હઝરત અલય્હિસ્સલામના ખુબસુરત નૂરની ઝિયારતથી દિલ અને દ્રષ્ટિને પ્રકાશિત કરી શકીએ. ઇન્શાઅલ્લાહ…

—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *