અકીદએ મહદવીય્યત અને એહલે સુન્નતની કિતાબો

Print Friendly, PDF & Email

અકીદએ મહદવીય્યત અને એહલે સુન્નતની કિતાબો

આ હકીકત કોઇના માટે છુપી નથી કે મહદવીય્યતનો અકીદો એ અકીદો છે, જેના પર ઇસ્લામના તમામ આલીમો એક મત છે, પરંતુ હાલમાં એહલેબૈત(અ.મુ.સ.) પ્રત્યે બુગ્ઝ રાખવાવાળા અમુક લોકોએ પોતાના શૈતાની પ્રચાર થકી આ સાબીત કરવાની કોશીશ કરી રહ્યા છે કે આ અકીદો ફક્ત શીયાઓનો અકીદો છે અને ઇસ્લામ સાથે તેનો કોઇ સંબંધ નથી. આથી આ ટુંકા લેખમાં અમે એહલે સુન્નતની એ કિતાબોનો પરિચય કરાવીશુ જે સ્વતંત્ર રીતે મહદવીય્યતના વિષય પર લખવામાં આવી છે. આ એ કિતાબ છે જેને એહલે સુન્નતના મશ્હુર અને માઅરૂફ આલીમોએ સંકલીત કરી છે અને આજે પણ આ કિતાબો મૌજુદ છે. અલબત્ત એ બતાવી દેવુ જરૂરી છે કે આ બધી કિતાબો અલ ગદીરના લેખક અલ્લામા શૈખ અબ્દુલ હુસૈન અમીની(ર.અ.)ની લાઇબ્રેરી માંથી લેવામાં આવી છે અને તમામ કિતાબો અરબી ભાષામાં છે. આ લીસ્ટના લખાણનો યશ મોહક્કીક (સંશોધન કર્તા) અને કિતાબોને ઓળખનાર મરહુમ સૈયદ અબ્દુલ અઝીઝ ઇબ્ને સય્યદ જવાદ તબાતબાઇ યઝદી નજફી (૧૩૪૮-૧૪૧૬)ને જાય છે. કેટલુ સારૂ થાય કે અગર બર્રે સગીર એટલે કે હીન્દુસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશના આલીમો માંથી કોઇ મોહક્કીક (સંશોધનકર્તા) આ રીતે ઉર્દુ, હીન્દી અને ઇંગ્લીશ કિતાબોનુ લીસ્ટ બનાવે, કારણ કે આજે આ પ્રકારના કાર્યોની હંમેશા કરતા વધારે જરૂરત છે. જ્યારે હક મઝહબ પર દુશ્મનોના હુમ્લા પરિસ્થિતિ અને સંખ્યા બન્ને રીતે વધતા જાય છે.

હવે આવો બીજી કોઇ વધારે પ્રસ્તાવના વગર કિતાબોનો એક ટુંકો અભ્યાસ કરી લઇએ.

(૧) ઇબ્રાઝુલ્ વહ્મીલ્ મક્નુને મિન્ કલામે ઇબ્ને ખલ્દુન

લેખક: અલ્લામા મોહદ્દીસ અબુલ ફૈઝ એહમદ ઇબ્ને મોહમ્મદ ઇબ્ને સીદ્દીકી ગમારી (વફાત ૧૩૮૦ હી.સ.) તેઓ કૈરોના રહેવાસી હતા. એહમદ મોહમ્મદ મુરસી નક્શબંદી એ પોતાની કિતાબ “અલી ઇબ્ને અબી તાલીબ ઇમામુલ આરેફીન ની પ્રસ્તાવનામાં લેખકની ઝીંદગીના બારામાં બયાન કર્યુ છે. આ કિતાબ એટલે કે ઇબ્રાઝુલ્ વહ્મીલ્ મક્નુને મિન્ કલામે ઇબ્ને ખલ્દુન ઇમામ મહદી(અ.સ.)ના બારામાં છે અને આ એ કે હઝરત(અ.સ.) આખરી ઝમાનમાં ઝુહુર ફરમાવશે અને આ બારામાં અહાદીસે નબવી(સ.અ.વ.) મુતવાતિર છે. આ કિતાબ હી.સ. ૧૩૪૭ માં તુર્કીમાં પ્રથમ વાર છપાણી અને પછી હી.સ. ૧૩૫૪ માં બીજી વાર છપાણી. જે લોકોએ માનનીય લેખકના જીવન વૃતાંત વિશે જાણવા ચાહે છે તેઓ મોઅજમુલ મોઅલ્લેફીન, ભાગ:૧૧, પાના:૧૩૬૮ અઅલામે ઝરકલી, ભાગ:૧, પાના:૨૫૩ નો અભ્યાસ કરી શકે છે. લેખકના માનનીય ભાઇ અબ્દુલ અઝીઝ ઇબ્ને મોહમ્મદ ગમારી (વફાત હી.સ.૧૪૧૮) એ કિતાબ “અલ એફાદતો બે તોરોકે હદીસ અન નઝરો એલા અલીય્યીન એબાદતુ લખી

(૨) અલ અરબઉન હદીસન ફીલ મહદી

લેખક અબુ નોએમ એહમદ ઇબ્ને અબ્દુલ્લા ઇસ્ફહાની (વફાત ૪૩૦ હી.સ.) આ કિતાબમાં ઇમામ મહદી(અ.સ.)ના બારામાં રસુલે અકરમ(સ.અ.વ.)ની ૪૦ હદીસોની નોંધ કરવામાં આવેલ છે. જલાલુદ્દીન સુયુતીએ આ સંકલનને પોતાની કિતાબ “અલ ઉરફુલ વરદીમાં મૂળભુત ધરી તરીકે ગણાવી છે.

(૩) અસહ્હો મા વરદ ફીલ મહ્દી વ ઇસા

લેખક: શૈખ મોહમ્મદ હબીબુલ્લાહ શન્કીતી (૧૨૯૫ હી.સ. થી ૧૩૬૩ હી.સ.) લેખક એક મુદ્દત સુધી મક્કએ મોકર્રમામાં જીવન પસાર કરતા હતા પછી તેમણે કૈરો હીજરત કરી અને ત્યાં અલ અઝહર યુનીવર્સીટીમાં ઉસુલે દીનનો પાઠ ભણાવતા હતા. તેમની ઘણી બધી કિતાબોને અલ અઝર યુનીવર્સીટીએ પ્રકાશિત કરી. જેમાં ઉપરોક્ત કિતાબ પણ શામીલ છે. આ ઉપરાંત તેમણે અન્ય બે કિતાબો લખી ‘હયાતે અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)’ અને ‘કિફાયતુત્ તાલિબ ફી મનાકેબે અલી ઇબ્ને અબી તાલિબ’ લેખકની ઝિંદગી વિશે કુત્તાનીની ફહરોસુલ્ ફહારિસ પાના:૫૫ અઅ્લામે ઝરકલી, ભાગ:૬, પાના:૧૭૯ અને મોઅજ્જમુલ્ મોઅલ્લેફીન, ભાગ:૯, પાના:૧૭૬ પર જોઇ શકાઇ છે.

(૪) અલ બુરહાનો ફી અલામાતે મહદી આખેરૂઝ્ઝમાન

લેખક: અલી ઇબ્ને હિસામુદ્દીન મુત્તકી હીન્દી (હી.સ. ૮૮૫ થી હી.સ. ૯૭૫) જે ક્ધઝુલ ઉમ્માલ અને અન્ય મશ્હુર કિતાબોના લેખક પણ છે. આપની ઝિંદગીનુ સવિસ્તાર વર્ણન નુઝ્હતુલ્ ખવાતિર, ભાગ:૪, પાના:૨૩૪ માં મૌજુદ છે. આ કિતાબની પ્રત હરમે મક્કી, લંડન, હૈદરાબાદ (દક્કન) અને મદીનાએ મુનવ્વરાની લાઇબ્રેરીમાં મૌજુદ છે. તેની આખરી એડીશન સઉદી અરબ (હી.સ. ૧૪૦૮) માં છપાણી છે. અહીં એક વાત ચોક્કસ બતાવીશુ કે મુત્તકી હીન્દીએ ફારસી ભાષામાં ઇમામ મહદી(અ.સ.)ના બારામાં એક આર્ટીકલ લખ્યો હતો જે આજે પણ આયતુલ્લાહ મરઅશી(ર.અ.)ની લાઇબ્રેરી (કુમ મુકદ્દસ)માં મૌજુદ છે. (૨/૧૨૯) આ આર્ટીકલ ૬૦ હદીસોનો બનેલો છે અને ૪ પ્રકરણોમાં છે જે આ રીતે છે: (અ) હઝરત મહદી(અ.સ.)ની સિફતો અને વંશ (બ) આપની કરામતો (ક) ઝુહુરની અલામતો (ડ) ઝુહુર પછીના બનાવો.

(૫) અલ બયાનો ફી અખ્બારે સાહેબુઝ્ઝમાન

લેખક: ફખરૂદ્દીન મોહમ્મદ ઇબ્ને યુસુફ ગંજી શાફેઇ (વફાત હી.સ.૬૫૮) લેખકનો ઉલ્લેખ હદીઅલ્ આરેફીન, ભાગ:૨, પાના:૧૨૭ પર થયો છે. ઇસ્તેખારૂલ ઓલમાઅ સઆદત હુસૈન ખાન સાહેબ કીબ્લા(ર.અ.)એ આ કિતાબનો ઉર્દુ તરજુમો ‘ઇમામે મુન્તઝર’ ના નામથી કર્યો છે પરંતુ અફસોસ કે આ કિતાબ હાલમાં પ્રાપ્ય નથી. અલ મુન્તઝરના થકી અમે મરહુમના વારસદારો અને અકીદતમંદોથી અપીલ કરીએ છીએ કે શક્ય હોય તો આ કિતાબને લોકોની સામે લાવવામાં આવે. જેથી મરહુમના બાકેયાતુસ્સાલેહાતમાં વધારો થાય.

(૬) તેહકીકુન નઝર ફી અખ્બારીલ ઇમામીલ મુન્તઝર

લેખક મોહમ્મદ ઇબ્ને અબ્દુલ અઝીઝ ઇબ્ને માનેઅ ઇબ્ને અબ્દીલ્લાહ ઇબ્ને મોહમ્મદ ઇબ્ને ઇબ્રાહીમ વહીબી (હી.સ. ૧૩૦૦ થી હી.સ. ૧૩૮૫) તેઓ નજ્દના આલિમોમાંથી છે. ઝરકલીએ લખ્યુ છે કે મૌસુફે બસરા, બગદાદ અને કૈરોમાં ઇલ્મ હાસિલ કર્યુ. હી.સ. ૧૩૮૫માં સઉદી અરબના બાદશાહ અબ્દુલ અઝીઝ આલે સઉદે તેમને મક્કા બોલાવ્યા અને ત્યાં દર્સ આપવાનો પ્રસ્તાવ કર્યો. હી.સ. ૧૩૮૫ માં ઇલાજ માટે બૈરૂત ગયા અને ત્યાં તેમનો ઇન્તેકાલ થઇ ગયો. (ભાગ:૬, પાના:૨૦૯)

(૭) રીસાલતો ફી તેહકીકે ઝુહુરૂલ મહદી

લેખક: અહમદ ઇબ્ને અબ્દુલ લતીફ બરબીર દમયાતી (વફાત હી.સ. ૧૨૨૮)

(૮) તલખીસુલ બયાન ફી અખ્બારે મહદી આખેરૂઝ્ઝમાન

લેખક: અલાઉદ્દીન અલી ઇબ્ને હીસામુદ્દીન અલ મલીક ઇબ્ને કાઝી ખાન મુત્તકી હીન્દી (વફાત હી.સ. ૯૭૫) આ કિતાબની પ્રત આસેફીયા લાઇબ્રેરી, હૈદરાબાદ (દક્કન) મૌજુદ છે. જ્યારે અલ્લામા અમીની(ર.અ.) હી.સ. ૧૩૮૦ માં હીન્દુસ્તાન આવ્યા ત્યારે આપે આ લાઇબ્રેરીમાંથી આ કિતાબની કોપી કરી અને આપે પોતાના મશ્હુર સફર નામા સમરાતુલ્ અસ્ફાર, ભાગ:૧, પાના:૧૪૫-૧૪૭ માં તેનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત આ કિતાબની પ્રતો મદીનએ મુનવ્વરાની લાઇબ્રેરી મુલ્કે અબ્દુલ અઝીઝ, ઇસ્તમ્બુલ, તુર્કી, માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડ અને મુંબઇની જામેઅ મસ્જીદની લાઇબ્રેરીઓમાં પણ મૌજુદ છે.

(૯) તમબીહુલ વસ્નાને એલા અખ્બારે મહદીય્યે આખેરૂઝ્ઝમાન

લેખક: એહમદ નોબી (હી.સ. ૧૦૩૭) આ કિતાબની પ્રત ગૌતીત જર્મનીની લાઇબ્રેરીમાં મૌજુદ છે.

(૧૦) અદ્દુર્રૂલ મન્ઝુદ ફી ઝીક્રીલ મહદીય્યીલ્ મવઉદ

સંકલન કર્તા: સય્યદ સીદ્દીક હસન ઇબ્ને અવલાદે હસન ઇબ્ને અવલાદે અલી કનુજી. આ કિતાબની શરૂઆત આ રીતે થાય છે: અલ્ હમ્દોલીલ્લાહીલ્લઝી બે યદેહીલ્ મુલ્કો વલ્ મલકુતો વ બઅ્દ ફઅ્લમ્ અન્નલ મશ્હુર બય્નલ્ કાફ્ફતે મીન્ અહલીલ્ ઇસ્લામે અલા મોમીદ્દુલ અઅ્સારે ઇન્નહુ લા બુદ્દ ફી આખેરીઝ્ઝમાન મીન ઝુહુરીલ્ રજોલ…. આ કિતાબની મૂળ પ્રત જે ખુદ સંકલન કર્તાના હાથે લખાએલી છે, નદ્વતુલ્ ઓલમાઅ લખનૌ, હીન્દુસ્તાનમાં મૌજુદ છે. અંક ૩૧૧ની અંદર. (ફેહરીસ્તે નદ્વતુલ્ ઓલમાઅ, પાના:૯૭)

—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *