હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી આખેરૂઝ્ઝમાન(અ.સ.)

Print Friendly, PDF & Email

હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી આખેરૂઝ્ઝમાન(અ.સ.)

ખુદાવંદે આલમે એહલેબૈત(અ.મુ.સ.)ને “એક નૂર થી પૈદા કર્યા છે. આના લીધે એહલેબૈત(અ.મુ.સ.)ની દરેક વ્યક્તિ સિફતો અને ખુબીઓમાં એક-બીજાથી મળતી આવે છે. બધા જ અલ્લાહના ચૂંટાયેલા માસુમ અને રેહનુમા છે. હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી(અ.સ.)માં ખાસ સમાનતા જોવા મળે છે. લેખની મર્યાદાને ધ્યાનમાં રાખીને નીચે અમૂક સરખામણીઓનો ઉલ્લેખ કરીએ છીએ. હઝરત ફાતેમા ઝહરા(સ.અ.)ની નજરમાં હઝરત ઇમામ મહદી(અ.સ.)ની અઝમત અને મહત્વના માટે શું એ ઓછું છે કે જનાબે ઝહરા(સ.અ.)ને હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝિક્રથી સુકુન મળે છે. મુસીબતો અને તકલીફોના ઘેરાવમાં આ ઝિક્રથી આરામ મળે છે.

“ખુદાવંદે આલમે જ્યારે જીબ્રઇલ(અ.સ.) થકી હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતથી માહિતગાર કર્યા અને આં હઝરત(સ.અ.વ.)એ આ ખબર જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ને સંભળાવી તો આપ(સ.અ.) ને ખુબ જ દુ:ખ થયુ અને જ્યારે જીબ્રઇલ (અ.સ.)એ આ પૈગામ આપ્યા કે અલ્લાહે ઇમામત તેમના વંશમાં રાખી છે અને તેમના વંશમાંથી મહદી થશે જેમની પાછળ હઝરત ઇસા(અ.સ.) નમાઝ પઢશે. તે સમયે જનાબે ફાતેમા ઝહરા(અ.સ.)ને સુકુન મળ્યું.

(બેહારૂલ અન્વાર, ભાગ:૪૩, પાના:૨૪૮, હદીસ:૨૪)

હઝરત ઇમામ મહદી(અ.સ.) જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ના ફરઝંદ:

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

“મહદી મારી ઇતરતમાંથી છે અને જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની નસ્લમાંથી છે.

(સોનને અબી દાઉદ, ભાગ:૪, પાના:૧૦૭, હદીસ:૪૨૮૪)

આ હદીસ ઇમામ મહદી(અ.સ.)ને જનાબે ઝહરા (સ.અ.)ની નસ્લમાંથી જે રીતે બયાન કરી રહી છે તે જ રીતે આ હદીસ પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ની રિસાલતની સચ્ચાઇની પણ દલીલ છે. રસુલે અકરમ(સ.અ.વ.)ની ખુશખબરી બાદ આશરે ૨૫૦ વર્ષ પછી ઇમામ મહદી(અ.સ.)ની વિલાદત થઇ. દુનિયા એક ઔલાદ પછી બીજી ઔલાદની ગેરેન્ટી નથી આપતી તો પછી નવમી અને દસમી પેઢીની ગેરેન્ટીની તો વાત જ ક્યા? આ રીતે આ રિવાયતો ઇમામતના સિલસિલાને ઇલાહી અને આસમાની હોવાની ગવાહી આપી રહી છે.

એક અન્ય હદીસમાં રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

“અય ફાતેમા(સ.અ.) તમને ખુશ ખબરી થાય કે બેશક મહદી તમારી નસ્લમાંથી છે.

જનાબે ઝહરા(સ.અ.) અને ઇમામ મહદી (અ.સ.)નો ઝિક્ર:

મહમુદ બીન રસીદનું બયાન છે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના ઇન્તેકાલ બાદ જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) શહીદોની અને જનાબે હમ્ઝાની કબ્ર પર જતા હતા અને ગીર્યા કરતા હતા. તેમની ખિદમતમાં અર્ઝ કરી અય ઔરતોની સરદાર! આપના ગીર્યાએ મારા દિલના ટુકડે ટુકડા કરી દીધા છે.

ફરમાવ્યું અય અબુ અમ્ર મારૂ રોવું એકદમ યોગ્ય છે હું બેહતરીન પિતાની મુસીબતમાં ગિરફતાર છું. રસુલે ખુદા(સ.અ.વ.)ની મુલાકાતનો કેટલો શૌક છે. અર્ઝ કરી શું રસુલે ખુદા(સ.અ.વ.)એ પોતાની વફાત અગાઉ અલી(અ.સ.)ની ઇમામત પર નિયુક્તી કરી હતી?

ફરમાવ્યું: આશ્ર્ચર્યની વાત છે કે તમે લોકો ગદીરને ભુલી ગયા.

અર્ઝ કરી: ગદીર યાદ છે, પરંતુ એ વાત સાંભળવા ચાહુ છું જે રસુલે ખુદા(સ.અ.વ.)એ આપને બયાન કરી હતી.

ફરમાવ્યું: ખુદાને સાક્ષી રાખીને કહુ છું કે મેં રસુલે ખુદા(સ.અ.વ.)થી સાંભળ્યું: અલી(અ.સ.) સૌથી બેહતરીન છે. તેમને હું તમારી દરમીયાન મારા જાનશીન બનાવી રહ્યો છું. તેઓ ઇમામ છે અને મારા પછી મારા જાનશીન છે. મારા બન્ને નવાસા હસન અને હુસૈનની નસ્લમાંથી નવ ઇમામ. અગર તમે તેમની પૈરવી કરશો તો તમે તેમને હિદાયત કરવાવાળા અને હિદાયત પામેલા પામશો અને અગર તમે તેમની મુખાલેફત કરી તો કયામત સુધી તમારી દરમીયાન મતભેદો રહેશે.

અર્ઝ કરી: શહેઝાદી આપ શા માટે ખામોશ થઇ ગયા?

ફરમાવ્યું: અય અબુ અમ્ર હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું:

ઇમામનું ઉદાહરણ કાબાની જેમ છે. કાબાની પાસે જવામાં આવે છે. કાબા પોતે નથી આવતો.

પછી ફરમાવ્યું:

ખુદાની કસમ અગર હકને હકદારની પાસે રહેવા દેવામાં આવતે તો બે આદમી પણ આપસમાં ઇખ્તેલાફ ન કરતે અને આ ખીલાફત એક પછી બીજાને મળતે ત્યાં સુધી કે હુસૈન(અ.સ.)ની નસ્લમાંથી નવમાં ફરઝંદ અમારા કાએમ(અ.સ.)નો ઝુહુર થાય.

(બેહારૂલ અન્વાર, ભાગ:૩૬, પાના:૩૫૩, હદીસ:૨૨૪)

જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) એ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના પછી જે મુસીબતોનો સામનો કર્યો તેમાં ઇમામ મહદી(અ.સ.)નો ઉલ્લેખ દિલના સુકુનનું કારણ છે. આ ઉપરાંત હદીસે લવ્હ જે લવ્હે ફાતેમાના નામથી મશહુર છે. જેમાં ખુદાવંદે આલમે ઇમામ હુસૈન(અ.સ.)ની વિલાદતના મૌકા પર તોહફા તરીકે નાઝીલ કરી હતી અને રસુલે ખુદા(સ.અ.વ.)એ જનાબે ઝહરા(સ.અ.)ને તે તખ્તી હદીયો કરી હતી. તેમાં બાર ઇમામોના નામ સાથે ઉલ્લેખ છે. તેમાં ઇમામ મહદી(અ.સ.)નો ઝિક્ર છે.

હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઝિક્ર જનાબે ઝહરા(સ.અ.)ના દિલની શાંતિ:

અલી ઇબ્ને બીલાલએ પોતાના પિતાથી રિવાયત વર્ણવી છે: હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની ઝિંદગીની આખરી પળોમાં તેમની ખીદમતમાં હાજર હતો. હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) એમના માથા પાસે હતા. તેઓ એટલુ બધુ રડ્યા કે ગીર્યાનો અવાજ બુલંદ થયો. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ માથુ ઉંચુ કરીને જોયું અને ફરમાવ્યું:

“મારી વહાલી ફાતેમા તું શા માટે રોવે છે? અર્ઝ કરી: આપના પછી શું થશે? કેવી રીતે અમારા હક્કો બરબાદ કરવામાં આવશે? ફરમાવ્યું:

મારા દિલના ટુકડા શું તમને ખબર નથી, ખુદાએ ઝમીન પર નજર કરી તે સમયે તમારા વાલીદને ચુંટી લીધા અને તેમને રસુલ બનાવ્યા પછી ખુદાએ બીજીવાર નજર કરી તો તમારા શોહરને ચુંટી લીધા અને મારા પર વહી કરી કે હું તમારી શાદી તેમની સાથે કરાવું.

અય ફાતેમા! ખુદાએ આપણને એહલેબૈત (અ.મુ.સ.)ને સાત એવી ખાસિયતો આપી છે જે ન તો આપણી પહેલા કોઇને આપી છે અને ન તો આપણી પછી કોઇને આપશે.

(૧) હું નબીઓમાં અંતિમ છું અને ખુદાની નજદીક તમામ અંબિયાથી અફઝલ છું. તમામ મખ્લુકાત તમારા વાલીદના કારણે પૈદા કરવામાં આવી છે અને તમારા વાલીદ ખુદાની નજદીક સૌથી વધુ મહેબુબ છે.

(૨) મારા વસી તમામ અવસીયામાં અફઝલ અને સૌથી વધુ માનનીય છે અને મારી અને ખુદાની નજદીક સૌથી વધારે મહેબુબ છે અને તે તમારા શવહર છે.

(૩) અમારા શહીદ તમામ શોહદામાં બેહતર અને ખુદાની નજદીક તમામ શોહદાથી વધારે મહેબુબ તે જનાબે હમ્ઝા બીન અબ્દુલ મુત્તલીબ જે તમારા વાલીદ અને તમારા શવહરના કાકા છે.

(૪) મારા કાકાના દિકરા ભાઇ એ છે જેમને બે પાંખો છે જેના થકી તે જન્નતમાં ફરીશ્તાઓની સાથે ઉડે છે. તે તમારા વાલીદના કાકાના દિકરા અને તમારા શવહરના ભાઇ છે.

(૫ અને ૬) આ ઉમ્મતના બન્ને સિબ્ત તે તમારા બન્ને ફરઝંદો હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) અને બન્ને જન્નતના જવાનોના સરદાર છે અને અલ્લાહની કસમ જેણે મને નબી બનાવ્યો, તેમના વાલેદૈન તેમનાથી બહેતર છે.

(૭) અય ફાતેમા(સ.અ.) એ જાતની કસમ કે જેણે મને હકની સાથે નબી બનાવ્યો, તે બન્નેની નસ્લથી આ ઉમ્મતના મહદી છે. જે સમયે દુનિયામાં ચારે બાજુ ઉથલ પાથલ ફેલાએલી હશે, ફિત્ના જાહેર થતા રહેશે, રસ્તાઓ તુટતા હશે, એક-બીજાની વિરૂધ્ધ બગાવત કરી રહ્યા હશે, મોટાઓ નાના પર રહેમ નહી કરશે, નાનાઓ મોટાઓનો એહતેરામ નહી કરશે, એ સમયે ખુદાવંદે આલમ તે બન્નેની નસ્લમાંથી તેમને જાહેર કરશે, જે ગુમરાહીના કીલ્લાઓને ફતેહ કરશે, બંધ દિલોને જીતશે.

(કશફુલ ગુમ્મા, ભાગ:૩, પાના:૨૬૭ બેહારૂલ અન્વાર, ભાગ:૫૧, પાના:૭૯)

આ રિવાયત પર વિચાર કરીએ જે સમયે રસુલે ખુદા(સ.અ.વ.)નો આખરી સમય હતો અને બનવાવાળા બનાવોને યાદ કરીને જનાબે ઝહરા(સ.અ.) ઉચા અવાજે રડવા લાગ્યા હતા. તે સમયે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ઇમામ મહદી(અ.સ.)નો ઝિક્ર કરી દિલના સુકુનનો સબબ રજુ કર્યો. તે પણ કોના માટે જે ખાતુને જન્નત અને દુનિયાઓની તમામ ઔરતોની સરદાર છે. એનાથી એ અંદાજો આવે છે કે આ ઝિક્ર કેટલો મહત્વનો છે.

હઝરત ઝહરા(સ.અ.) નમુનએ અમલ:

ઇમામ મહદી(અ.સ.) માસુમ છે. તેઓ પોતાના માટે કોઇ હસ્તીને નમુનએ અમલ અને આદર્શ ગણાવે તેનાથી તે હસ્તીની અઝમત અને કુરબતનો એહસાસ થાય છે. ઇમામ મહદી(અ.સ.) ફરમાવે છે:

“હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની દુખ્તરની ઝીંદગી મારા માટે નમુનએ અમલ છે

(અલ-ગયબત, શૈખ તુસી, પાના:૧૭૩)

ઇમામે ઝમાના(અ.સ.)એ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને નમુનએ અમલ ગણાવ્યા છે અને આપ(સ.અ.) રસુલે ખુદા(સ.અ.વ.)નો સંપૂર્ણ અરીસો હતા.

આએશાની રિવાયત છે: મેં ફાતેમા(સ.અ.)થી વધારે કોઇને નથી જોયા કે જે શક્લો સૂરતમાં, ચાલવામાં, વાત કરવામાં, ઉઠવામાં, બેસવામાં રસુલે ખુદા(સ.અ.વ.)થી મળતા હોય.

(ફાતેમતો બઝ્અતો કલ્બે મુસ્તફા)

એક રિવાયતમાં હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) હઝરત ફાતેમા ઝહરા(સ.અ.)ને સંબોધીને ફરમાવે છે:

“યકીનન ખુદા તમારા ગઝબથી ગઝબનાક થાય છે અને તમારી ખુશ્નુદીથી ખુશ થાય છે. જેણે તમને તકલીફ પોહચાડી તેણે મને તકલીફ પહોચાડી, જેણે તમને નારાઝ કર્યા તેણે મને નારાઝ કર્યો અને જે બાબતથી તમને અઝીય્યત પહોંચે છે, તેનાથી મને અઝીય્યત થાય છે

(ગયબતે તુસી, પાના:૧૭૩)

આ રીતે હઝરત ઝહરા(સ.અ.)ને નમુનએ અમલ ગણાવવા એટલે ખુદા અને રસુલે ખુદા(સ.અ.વ.)ની રેઝા અને ખુશનુદીને નમુનએ અમલ ગણાવવા બરાબર છે. હઝરત ઝહરા(સ.અ.)ની ખુશીને પરવરદિગારની ખુશીનો અરિસો ગણાવવો એ ચારિત્ર્યની મહાનતા અને ઇસ્મતે ઉઝમાની દલીલ છે.

સુરે કદ્ર હઝરત ઝહરા(સ.અ.) અને ઇમામ મહદી(અ.સ.):

હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.) સુરે કદ્રની તફસીર આ પ્રમાણે બયાન ફરમાવે છે:

લય્લતુલ્ કદ્ર. લય્લથી મુરાદ હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને કદ્રથી મુરાદ અલ્લાહ. જેને હઝરત ફાતેમા ઝહરા(સ.અ.)ની હકીકી માઅરેફત હાસિલ થશે તેને શબે કદ્ર મળી ગઇ. જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ને ફાતેમા એટલા માટે કહેવામાં આવે છે કે મખ્લુકાત તેમની માઅરેફત હાંસિલ નથી કરી શકતી

(બેહાર, ભાગ:૪૩, પાના:૬૩, હદીસ:૫૮)

એક અન્ય હદીસમાં ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:

“લય્લતુલ્ કદ્રે ખય્રૂન મિન અલ્ફે શહર થી મુરાદ હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) છે. “તનઝ્ઝલુલ્ મલાએકતો વર્રૂહો ફીહા માં મલાએકાથી મુરાદ એ મોઅમીનો છે જે આલે મોહમ્મદ(અ.મુ.સ.)નું ઇલ્મ રાખે છે. વર્રૂહોથી મુરાદ રૂહુલ્ કુદુસ છે એટલે કે હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) “મિન કુલ્લે અમ્રીનથી મુરાદ દરેક એ બાબત છે સલામતી કરાર પામે છે. “હત્તા મત્લઇલ્ ફજ્ર ત્યાં સુધી કે કાએમ(અ.સ.)નો ઝુહુર થાય

(તફસીરે બુરહાન, ભાગ:૪, પાના:૪૮૭૮, હદીસ:૨૪)

સુરે કદ્રની શરૂઆત હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને અંત હઝરત ઇમામ મહદી(અ.સ.) છે. શબે કદ્ર જેમાં તમામ બાબતો નક્કી થાય છે, હઝરત ઝહરા(સ.અ.)થી શરૂ થાય છે અને ઇમામ મહદી(અ.સ.) પર તમામ થાય છે.

જનાબે ઝહરા(સ.અ.) અને શબે કદ્ર:

(૧) જેવી રીતે લોકો શબે કદ્રની અઝમત અને મંઝેલતથી અજાણ છે, હઝરત ઝહરા(સ.અ.)ની માઅરેફત અને અઝમતથી પણ અજાણ છે.

(૨) જેવી રીતે શબે કદ્ર ત્રણ રાતો માંથી એક રાત છે તેવી રીતે હઝરત ઝહરા(સ.અ.)ની કબ્રે મુતહ્હર ત્રણ જગ્યા (બકીઅ, કબ્રે રસુલે ખુદા(સ.અ.વ.) અને મીમ્બરે રસુલે ખુદા(સ.અ.વ.)ની વચ્ચે અથવા ઘરમાં) માંથી કોઇ એક જગ્યાએ છે.

(૩) શબે કદ્રમાં તમામ બાબતો બયાન થાય છે. દરેક હકીમ બાબત સ્પષ્ટતાની સાથે બયાન થાય છે. એવી જ રીતે હઝરત ઝહરા(સ.અ.)ની શખ્સીય્યત હક અને બાતીલની દરમીયાન ઓળખનું માપદંડ છે. મુસ્લીમ અને કાફીર, મોઅમીન અને મુનાફીકની દરમીયાન તફાવત કરવાનું કારણ છે.

(૪) શબે કદ્ર જેવી રીતે કુરઆનના નાઝિલ થવાનું ઝર્ફ છે એટલે કે આ શબમાં કુરઆને સામીત નાઝિલ થયુ છે, એવી જ રીતે જનાબે ઝહરા(સ.અ.) નાતીક કુરઆન એટલે કે ઇમામતના નાઝિલ થવાનું ઝર્ફ છે.

(૫) શબે કદ્ર અંબિયા અને અવલીયા(અ.મુ.સ.)ની મેઅરાજ છે. હઝરતે ઝહરા(સ.અ.)ની વિલાયતનો ઇકરાર નબુવ્વત અને રિસાલતના મન્સબ હાસિલ થવાનું કારણ છે. કોઇ પણ નબીની નબુવ્વત એ સમય સુધી સંપૂર્ણ નથી થઇ જ્યાં સુધી જનાબે ઝહરા(સ.અ.)ની ફઝીલત અને મોહબ્બતનો  ઇકરાર ન કર્યો હોય.

(૬) શબે કદ્ર તમામ ફૈઝ અને કમાલાતનો ોત છે. તમામ સંપૂર્ણતાઓ અને તમામ ફૈઝો બરકત આ રાતમાં નાઝિલ થાય છે. જેના નાઝિલ થવાનો ઝરીઓ જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) છે. જેમના તવસ્સુલથી આ તમામ ફૈઝ અને બરકત આ કાએનાતની જમીનને હાસિલ થાય છે અને દરેક પ્રકારની બલા અને આફત આપના થકી દૂર થાય છે.

(૭) શબે કદ્ર હજાર મહીનાથી બેહતર છે. જનાબે ઝહરા(સ.અ.) અવ્વલ અને આખિર તમામ ઔરતોની સરદાર છે. એટલે કે સૌથી બેહતર અને શ્રેષ્ઠ છે.

(૮) શબે કદ્ર અને ઇમામે ઝમાના(અ.સ.)માં પણ ઘણો ઉંડો સંબંધ છે. શબે કદ્ર એ ઇમામ ઝમાના(અ.સ.)ના વુજુદની અને તેમની ઝીંદગીની દલીલ છે. સુરએ મુબારકે ઇન્ના અન્ઝલ્ના અને સુરએ મુબારકે હા મીમ દોખાનમાં કુલ્લો અમરીનનો ઉલ્લેખ છે. એટલે કે આ મુબારક રાતમાં આખા વર્ષની તમામ બાબતો ખુદાવંદે આલમના તરફથી ફરિશ્તાઓ દ્વારા નાઝિલ થાય છે. જ્યારે મલાએકા અમ્રે ઇલાહી લઇને નાઝિલ થાય છે તો ચોક્કસ એ વલીએ અમ્ર અને સાહેબે અમ્રનુ હોવું જરૂરી છે. જે આ બાબતોને મેળવે અને લોકો સુધી પહોંચાડે. જનાબે ઝહરા(સ.અ.)ની માઅરેફત અને મોહબ્બત એ શબે કદ્રની ઓળખનો સબબ છે અને હઝરત ઇમામ મહદી (અ.સ.)ના પુરનૂર વુજુદનું યકીન અને અમ્રે ઇલાહીના નાઝિલ થવાનુ સબબ છે.

હવે જરા આ રિવાયતો પર ધ્યાન આપો:

એક ઇસાઇ હઝરત મુસા કાઝીમ(અ.સ.)ની ખીદમતે અકદસમાં હાજર થયો અને અમુક સવાલ પુછ્યા. તેમાંથી એક સવાલ સુરએ મુબારકે હા મીમ દોખાનની શરૂઆતની આયતોના વિશે હતો.

“આપ મને ખુદાની આ કિતાબના વિશે બતાવો જે હઝરત મોહમ્મદ(સ.અ.વ.) પર નાઝિલ થઇ છે, જેમાં ખુદાએ ગુફતગુ કરી છે તેની સિફતો અને શ્રેષ્ઠતાઓ બયાન કરી છે, તે આ છે.

હા મીમ વલ્ કિતાબીલ્ મોબીન ઇન્ના અન્ઝલ્નાહો ફી લય્લતીન મોબારકતીન ઇન્ના કુન્ના મુન્ઝેલીન ફી હા યુફ્રકો કુલ્લો અમ્રીન હકીમ

“હા મીમ. સ્પષ્ટ કિતાબની કસમ. બેશક અમે તેને એક મુબારક રાતમાં નાઝિલ કરી અને બેશક અમે આખેરતના અઝાબથી ડરાવવાવાળા છીએ. આ મુબારક રાતમાં દરેક હકીમ બાબત અલગ થાય છે.

(સુરએ દોખાન, આયત: ૧થી૪)

ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ:

‘હા મીમ’ થી મુરાદ હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) છે. જનાબે હુદ(અ.સ.)ની કિતાબમાં આ રીતે ટુંકમાં ઉલ્લેખ થયો છે. (મીમ અને દાલનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો) ‘અલ કિતાબીલ્ મોબીન’ થી મુરાદ હઝરત અલી(અ.સ.) છે અને ‘લય્લતીન’ થી મુરાદ હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) છે. ‘યુફ્રકો કુલ્લો અમ્રીન હકીમ’ થી મુરાદ વિપુલ પ્રમાણમાં ભલાઇ છે. ખુબ જ વધારે પ્રમાણમાં ખૈર અને નેકીઓથી મુરાદ એક હકીમ મર્દ બાદ બીજા હકીમ મર્દ

(કાફી, બાબો મવલદ અબીલ હસન મુસા ઇબ્ને જાફર(અ.સ.), હદીસ: ૪)

આ રિવાયતમાં શબે કદ્રથી મુરાદ હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) છે.

હઝરત ઇમામ મોહમ્મદે બાકિર(અ.સ.)એ ફરમાવ્યુ:

અય શીઆ સમૂહ! તમે લોકો સુરે ઇન્ના અન્ઝલ્નાથી ઇસ્તિદ્લાલ અને ચર્ચા કરો, સફળ થાશો. ખુદાની કસમ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) પછી તે ખુદાની હુજ્જત છે અને ચોક્કસ આ સુરો તમારા દીનનો ોત અને સરદાર છે અને અમારા ઇલ્મની ઇન્તેહા છે.

અય શીઆ સમૂહ! તમે લોકો સુરએ હા મીમ દોખાનથી દલીલ કરો. આ સુરો હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) પછી ઉલીલ અમ્રથી મખ્સુસ છે.

(કાફી, ભાગ:૧, પાના:૨૪૯)

અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)એ ફરમાવ્યું:

દર વર્ષે શબે કદ્ર છે અને આ રાતમાં આખા વર્ષની તમામ બાબતો નાઝિલ થાય છે. આ બાબતો હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) પછી વલીએ અમ્રને સોંપવામાં આવે છે.

ઇબ્ને અબ્બાસે પુછ્યુ: આ કોણ લોકો છે? તો ફરમાવ્યું કે: હું અને મારી નસ્લના ૧૧ ઇમામો

(કાફી, ભાગ:૧, પાના:૨૪૭-૨૪૮)

આ રીતે શબે કદ્રના સંબંધથી હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી(અ.સ.)માં એક ખાસ સંબંધ છે. એકની માઅરેફત અને મોહબ્બત શબે કદ્ર છે અને એકની ખીદમતમાં તમામ બાબતો નાઝિલ થાય છે. તેમના થકી તમામ મખ્લુકાતને ખુદાનો ફૈઝ પહોંચે છે. જે શખ્સ આ હઝરતોની વિલાયત અને ઇમામતનો માનવાવાળો નથી, તે શબે કદ્રની બરકતોથી મેહરૂમ છે. જે શખ્સનું દિલ એ હઝરતોની વિલાયત અને ઇમામતથી માલા-માલ છે, તે એમના તવસ્સુલથી ઝીંદગીની દરેક બાબતનો ઉકેલ મેળવી શકે છે. દરેક મુશ્કીલ દૂર કરી શકે છે. તેની ઝીંદગીમાં ક્યારેય નિરાશા અને નાઉમ્મીદી નથી આવતી. આ જ કારણે એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને ઇમામતની નેઅમતોથી ફાયદો હાસિલ કરવાવાળા લોકો ત્રાસવાદમાં શામિલ નથી.

—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *