કુર્આનમાં મહાન શહીદનું વર્ણન

Print Friendly, PDF & Email

હદીસે સકલૈન કુર્આને મજીદ અને એહલેબૈત (અ.મુ.સ.) ના માટે વારીદ થઇ છે, જેની રૌશનીમાં મુરસલે આઅઝમએ પોતાની ઉમ્મતને બંને એહલેબૈત અને કુર્આને મજીદના અમાનતદાર ગણાવ્યા છે અને તે અમાનતથી જોડાએલા રહેવાનો અને તેનાથી એક પળ માટે પણ ગાફીલ ન રહેવાનો હુક્મ આપ્યો છે. હુસૈન બીન અલી(અ.સ.) ખામીસે આલે અબા (ચાદરે કિસામાં પાંચમાં) અને કુર્આને મજીદ બંને ઉમ્મતની દરમ્યાન અમાનત તરીકે હતા, છે અને રહેશે. એટલા માટે કે આં હઝરત(સ.અ.વ.)એ હૌઝે કૌસર પર મુલાકાત સુધી આ જ બંને અમાનતોથી વળગી રહેવાની તાકીદ કરી છે અને આ જ બંનેને વળગી રહીને કયામતના મૈદાનમાં હિદાયત પામેલા અને સારા અંજામના સ્વરૂપમાં આં હઝરત(સ.અ.વ.)થી મુલાકાત થશે. આનાથી હટીને કયામતના મૈદાનમાં આં હઝરત(સ.અ.વ.)થી મુલાકાત તો થશે પરંતુ તે મુલાકાત ઝલાલત અને ગુમરાહી અને હસરત અને માયુસીની સાથે હશે. હુસૈન બીન અલી(અ.સ.) બોલતુ કુર્આન છે અને કુર્આને મજીદ ખામોશ કુર્આન છે. હુસૈન બીન અલી(અ.સ.)ના સીના મુબારકમાં વહીની સચ્ચાઇ અને મઆરીફ અને ઇલાહી અસરાર છે જે આં હઝરત (સ.અ.વ.)ના સીના મુબારકમાં જોવા મળતા હતા. આં હઝરત(સ.અ.વ.) ઉસુલ અને કુર્આનના કાનુનને સમજાવનાર હતા, ઇમામ હુસૈન(અ.સ.) પણ આં હઝરત(સ.અ.વ.)ની જાનશીનીમાં તેને શીખવનાર અને સમજાવનાર છે. ન આ બંને અમાનતો જુદા થઇ શકે છે અને ન આં હઝરત(સ.અ.વ.)ની ઉમ્મત આ બંનેથી અલગ થઇ શકે છે પરંતુ આ સરવરે કાએનાતની તૈયારી હતી કે જ્યારે હુસૈન બીન અલી(અ.સ.)ને ઉમ્મતના હવાલે કર્યા તો આ રીતે મીમ્બર પર જઇને ફરમાવ્યું: અય લોકો! આ હુસૈન બીન અલી(અ.સ.) છે. આમને ઓળખી લ્યો અને આમને દરેક પર અગ્રતા અને ફઝીલત આપો.

(બેહાર, ૪૩/૨૬૨, આમાલીએ સદુક મજલીસ:૮૭, પાના:૪૭૮, મુન્તખબ તરીહી ૧/૧૧૭)

તેના પછી ફરમાવ્યું: ખુદાયા! આમને પોતાની ઉમ્મતના નેક લોકોની દરમ્યાન અને તારી અમાનત તરીકે સોંપી રહ્યો છું.

(બેહાર, ૪૫/૧૧૮, મસીરૂલ એહઝાન, પાના: ૭૨, આમાલીએ તુસી ૧/૨૫૮)

તારણ સ્પષ્ટ છે કે આપ (ઇમામ હુસૈન અ.સ.) જે કુર્આનની તફસીર કરનાર છે અને ઇલાહી કિતાબ એટલે કે કુર્આને મજીદ બંને પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ની ઉમ્મતમાં મુરસલે આઅઝમની ઇનાયત કરવામાં આવેલ એવી અમાનત છે જે ઉમ્મતને ગુમરાહીથી સુરક્ષિત રાખે છે.

આથી આપ(અ.સ.) તમામ ઉમ્મતની નઝદીક અલ્લાહ તઆલા અને આં હઝરત (સ.અ.વ.)ની અમાનત છે, ત્યાં સુધી કે તે લોકોની નજદીક પણ કે જેઓ તે ઝમાનામાં ન હતા. કાલે આં હઝરત(સ.અ.વ.) આ અમાનતના બારામાં ઉમ્મતથી પુછશે કે આમની સાથે કેવુ વર્તન કર્યુ. મુસલમાનોને જોઇએ કે આ અમાનતના બારામાં ગંભીરતાથી ચિંતન અને મનન કરે કે આપણી જવાબદારીઓ શું છે? તેમની સાથે કેવુ વર્તન કરવામાં આવ્યું? જ્યારે કે તેઓની ઓળખાણ આં હઝરત(સ.અ.વ.)એ કરાવી, જેની ઓળખાણ અલ્લાહ તઆલાએ કરાવી, જેનુ બયાન ખુદાવંદે આલમે પોતાની અન્ય આસ્માની કિતાબોમાં કર્યુ, જેમના બારામાં પોતાના અંબિયાઓને સાવચેત કર્યા, જેમના બારામાં કુર્આને મજીદમાં લોકોને પરિચિત કરાવવામાં આવ્યા, આ સિવાય આપનુ પોતાનું મુબારક વુજુદ ખુદ કુર્આને મજીદથી કેટલુ સુસંગત અને સમાનતા ધરાવતુ હતુ. મુસલમાનોએ જરા આ તરફ ધ્યાન આપવું જોઇએ. કુર્આન કરીમ, મજીદ અને શરીફ છે. ઇમામ હુસૈન(અ.સ.) પણ કરીમ, શરીફ અને મજીદ છે. કુર્આન અંબિયા(અ.મુ.સ.)ના હાલાત, બનાવો અને જે મુશ્કેલીઓ અને મસાએબ તેઓના પર આવ્યા તે તમામ વાતો બયાન કરે છે. હુસૈન બીન અલી(અ.સ.)નુ મુબારક વુજુદ પણ અલ્લાહની આયતો અને હાલાત પર બનેલ છે. કુર્આનમાં એકસો ચૌદ સુરા છે. ઇમામ હુસૈન(અ.સ.)ના મુબારક શરીર પર તલવારના એકસો ચૌદ ઝખ્મ લાગેલા છે. કુર્આન શફા અને રેહમત છે. હુસૈન બીન અલી(અ.સ.)નું વુજુદે બાતેની રોગો માટે શફા અને આપની કબ્રની પાક માટી જાહેરી બીમારીઓ માટે શફા. કુર્આન નૂર, હુસૈન નૂર, કુર્આન રૂહ, હુસૈન રૂહે રસુલ. મતલબ કે કુર્આન અને ઇમામ હુસૈન(અ.સ.)માં એટલી સુસંગતતા અને સમાનતા જોવા મળે છે કે જેની ગણતરી અને વર્ણન મુશ્કેલ છે. પરંતુ વાંચકો માટે અમે અહીં અમૂક બાબતો પેશ કરીએ છીએ જે સામાન્ય રીતે એહલેબૈત(અ.મુ.સ.) માટે અને ખાસ કરીને ઇમામ હુસૈન(અ.સ.) માટે ખુદાવંદે આલમે કુર્આને મજીદમાં બયાન કરી છે.

(૧) સુરે બકરહ:

આં હઝરત(સ.અ.વ.)થી રિવાયત છે કે જ્યારે હઝરત આદમ(અ.સ.) જન્નતમાંથી તર્કે ઔલાના કારણે બહાર આવ્યા તો જીબ્રઇલ(અ.સ.)એ આવીને અર્ઝ કરી કે ખુદાથી દૂઆ કરો. અલ્લાહ તઆલા આપની તૌબા કબુલ ફરમાવશે. અર્ઝ કરી કેવી રીતે દૂઆ કરૂ? જીબ્રઇલ(અ.સ.)એ કહ્યું: ખુદાથી એ પંજેતને પાકના વાસ્તાથી સવાલ કરો જેને આખરી ઝમાનામાં અલ્લાહ તઆલા આપની સુલ્બથી જાહેર કરશે, પુછ્યુ: તેઓના નામ શું છે? કહ્યુ: આ મુજબ કહો: ખુદાયા બે હક્કે મોહમ્મદ વ અલી અને બે હક્કે હસન અને હુસૈન અને બે હક્કે ફાતેમા અમારા પર રહેમ ફરમાવ અને અમારી તૌબા કબુલ ફરમાવ. હઝરત આદમ(અ.સ.)એ આ નામો થકી દૂઆ કરી, ખુદાવંદે આલમે તૌબા કબુલ કરી લીધી અને આ આયતે કરીમ:

“ફ ત લક્કા આદમો મિન્ રબ્બેહી બે કલેમાતીન ફ તાબ અલય્હે

થી આ જ મકસુદ છે.

(તફસીરે ફુરાત, ૨૪/૧૩)

(૨) સુરે નિસાઅ:

આયત

“અતીઉલ્લાહ વ અતીઉર્રસુલ વ ઓલીલ્ અમ્રે મિન્કુમ્

ના બારામાં ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ ફરમાવ્યુ: જ્યારે લોકોએ પુછ્યુ કે આ આયત કોની શાનમાં નાઝિલ થઇ છે તો આં હઝરત(અ.સ.)એ ફરમાવ્યુ: અલી (અ.સ.), હસન(અ.સ.), હુસૈન(અ.સ.)ના બારામાં

(ઉસુલે કાફી, ભાગ:૧, પાના: ૧૮૫, કિતાબુલ અમતહ, હદીસ:૧૧)

(૩) સુરે અઅ્રાફ:

“વ અલલ્ અઅ્રાફે રેજાલુન

ના બારામાં ઇબ્ને અબ્બાસથી નક્લ છે કે તેનાથી મુરાદ આં હઝરત(સ.), અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન (અ.સ.) અને હુસૈન(અ.સ.) છે જે જન્નતની દિવાલો પર લખેલુ છે અને પોતાના દોસ્તો અને દુશ્મનોને તેઓની ખાસ નિશાનીઓ વડે ઓળખે છે.

(તફસીરે ફુરાત, પાના:૪૭)

(૪) સુરે હજ:

અજલી ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી આ આયતે કરીમા

“વ જાહેદુ ફીલ્લાહે હક્ક જેહાદેહી હોવ ઇજ્તબાકુમ

ના અનુસંધાનમાં હદીસ નક્લ કરે છે:

આનાથી ખુદાવંદે આલમે અમારો ઇરાદો કર્યો છે અને અલ્લાહ તઆલાના ચુંટેલા, પસંદ કરાયેલ બંદા અમે છીએ

(ઉસુલે કાફી, ભાગ:૧, કિતાબુલ હુજ્જહ, પાના:૧૯૧, હદીસ:૪)

(૫) સુરે ફુરકાન:

હઝરત ખત્મી મરતબત(સ.અ.વ.)થી નક્લ છે કે આયતે કરીમા

“વલ્લઝીન યકુલુન રબ્બના હબ્લના મિન્ અઝ્વાજેના વ ઝુર્રીયાતેના કુર્રત અઅ્યોનીવ્ વજ્અલ્ના લીલ્ મુત્તકીન ઇમામા

ના બારામાં મેં જીબ્રઇલથી અર્ઝ કરી: ‘અઝ્વાજેના’ થી મુરાદ કોણ છે? ફરમાવ્યુ: ખદીજા(સ.અ.) અર્ઝ કરી: ‘વ ઝુર્રીયાતેના’ થી? તો કીધુ: ફાતેમા(સ.અ.) અર્ઝ કરી: ‘કુર્રત અઅ્યોનીન’થી મુરાદ કોણ છે? તો ફરમાવ્યુ: તેનાથી હસન (અ.સ.) અને હુસૈન(અ.સ.) અર્ઝ કરી: ‘લીલ્ મુત્તકીન ઇમામા’ થી? કીધુ: અલી બીન અબી તાલિબ(અ.સ.)

(તફસીરે ફુરાત, પાના: ૧૦૬)

(૬) સુરે શુરા:

ઇમામ સાદિક(અ.સ.)એ અબુ જાફર અહવલને પુછ્યુ કે આ આયતે કરીમા

“કુલ્ લા અસ્અલોકુમ્ અલય્હે અજ્રન ઇલ્લલ્ મવદ્દત ફીલ્ કુરબા

ના બારામાં બસરાવાળા શું કહે છે?

જવાબ આપ્યો: હું તમારા પર કુરબાન થાવ, તે લોકો કહે છે: આં હઝરતના નજીકના રિશ્તેદારવાળાના બારામાં નાઝિલ થઇ છે. આપ(અ.સ.)એ ફરમાવ્યુ:

તે લોકો જુઠ બોલે છે. આ આયત ફક્ત અમો એહલેબૈત(અ.મુ.સ.)ના બારામાં નાઝિલ થઇ છે એટલે કે અલી(અ.સ.) અને ફાતેમા(સ.અ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) જે કિસાઅ (ચાદર) વાળા છે.

(તફસીરે બુરહાન, ભાગ:૪, પાના:૧૨૧, હદીસ:૨)

(૭) સુરે રહમાન:

યહ્યા બીન સઇદ કહે છે કે મેં ઇમામ જાફર સાદિક (અ.સ.)થી સાંભળ્યુ, આપ ફરમાવી રહ્યા હતા કે આયત

“મરજલ્ બહ્રય્ને યલ્તકેયાન

થી મુરાદ અમીરૂલ મોઅમેનીન(અ.સ.) છે અને

“યખ્રોજો મિન્હોમલ્ લોઅ્લોઅ્ વલ્ મરજાન

થી મુરાદ હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) છે.

(તફસીરે બુરહાન, ભાગ:૪, પાના:૨૬૫, હદીસ:૧)

(૮) સુરે વલ્ ફજ્ર:

ઇબ્ને ફરકદ કહે છે: ઇમામ સાદિક(અ.સ.)એ સુરે ફજ્રને વાજીબ અને મુસ્તહબ નમાઝોમાં પઢવાની તાકીદ કરી અને ફરમાવ્યુ:

ખુદા તમારા પર રેહમત નાઝિલ કરે. આ સુરા તરફ દિલો જાનથી ધ્યાન આપો કારણ કે બેશક આ સુરો, સુરે ઇમામ હુસૈન(અ.સ.) છે. અબુ ઓસામા પણ આ બેઠકમાં બેઠા હતા, પુછ્યુ: કઇ રીતે આ સુરો ઇમામ હુસૈન(અ.સ.)થી ખુસુસીયત ધરાવે છે? ફરમાવ્યુ: શું આ આયતની તિલાવત નથી કરતા કે જેમાં ખુદા ફરમાવે છે:”યા અય્યતોહન્ નફ્સુલ્ મુત્મઇન્નહ આથી મુરાદ હુસૈન બીન અલી(અ.સ.) છે. બેશક મુતમઇન નફસ અને રાઝીયા મરઝીયાના માલિક છે અને તેમના બાવફા અસ્હાબ કયામતના દિવસે આલે મોહમ્મદ અને અલ્લાહ તઆલાથી રાઝી રહેવાવાળા ખુદા પણ તેઓથી રાઝી હશે.

(બેહાર, ભાગ:૪૪, પાના:૨૧૮, હદીસ:૮)

શૈખ જાફર શુશ્તરી(ર.અ.) સુરે ફજ્રથી ઇમામ હુસૈન (અ.સ.)ના સબંધ વિશે ફરમાવે છે: “વલ્ ફજ્રે વ લયાલીન અશ્રીવ્ વશ્શફ્એ વલ્ વત્રે (કસમ છે ફજ્રની અને દસ રાતોની અને બેકી અને એકીની અને રાતની જ્યારે તે જવા લાગે) ઇમામ હુસૈન(અ.સ.) ફજ્ર છે કે તેઓ હિદાયતનુ નૂર છે અને આપની મુસીબતોની દસ રાત્રીઓ છે અને બંને ભાઇઓ શફીઅ (જન્નત) છે અને જ્યારે આપ દુશ્મનોની વચ્ચે એકલા રહી ગયા તો આપ જ એકલા કહેવાયા. ઇમામ(અ.સ.)નુ મુબારક વુજુદ કેટલુ બાબરકત અને પાકીઝા છે.

(૯) સુરે નૂર અને હદીદ:

સાલેહ બીન સહલ કહે છે: ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

“અલ્લાહો નૂરસ્સમાવાતે વલ્ અર્ઝે. મસલો નૂરેહી કમીશ્કાતીનમાં મીશ્કાતથી હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) “ફીહા મીસ્બાહુનથી હસન (અ.સ.) અને “અલ્ મીસ્બાહો ફી ઝોજાજતેથી મુરાદ હુસૈન(અ.સ.) છે.

(ઉસુલે કાફી, ભાગ:૧, કિતાબુલ અમહ, પાના:૧૯૫, હદીસ:૫)

(૧૦) સુરે નિસાઅ:

હસન બીન ઝિયાદ ઇમામ સાદિક(અ.સ.)થી નકલ કરે છે: આપે આ આયતે કરીમા

“કુફ્ફુ અય્દેયકુમ્ વ અકીમુસ્સલાત

“પોતાના હાથોને રોકી રાખો અને નમાઝ કાયમ કરો

ના બારામાં ફરમાવ્યુ: આનાથી મુરાદ ઇમામ હસન(અ.સ.) છે.

“ફલમ્મા કોતેબ અલય્હેમુલ્ કેતાલો

“અને જ્યારે તે લોકો પર કત્લ થવુ ફર્ઝ કરવામાં આવ્યુ

ઇમામ હુસૈન(અ.સ.)ના બારામાં નાઝિલ થઇ છે. ખુદાવંદે આલમે ઝમીનવાળાઓ પર મુકર્રર કરી દીધુ કે આં હઝરત(સ.અ.વ.)ની સાથે રહીને જેહાદ કરે.

(તફસીરે બુરહાન, ભાગ:૧, પાના:૩૯૫, હદીસ:૬)

(૧૧) સુરે હજ:

અલ્લાહ તઆલા સુરે હજ, આયત નંબર ૪૦ માં ઇરશાદ ફરમાવે છે:

અલ્લઝીન ઉખ્રેજુ મિન દેયારેહીમ્ બે ગય્રે હક્કીન ઇલ્લા અન્ યકુલુ રબ્બોનલ્લાહો

“આ તે લોકો છે જેઓને પોતાના ઘરોમાંથી કોઇ પણ કારણ વગર કાઢી મુકવામાં આવ્યા, સિવાય તેના કે તેઓ કહે છે કે અમારો પરવરદિગાર અલ્લાહ છે

એટલે કે તેઓ આ કેહવાના લીધે કે અમારો પરવરદિગાર અલ્લાહ છે, કાઢી મુકવામાં આવ્યા. કિતાબ ઉસુલે કાફીમાં ઇમામ સાદિક(અ.સ.)થી નક્લ છે કે આ આયત હઝરત ખત્મી મરતબત, ઇમામ અલી(અ.સ.), જનાબે હમ્ઝા(અ.સ.) અને જનાબે જાફર(અ.સ.)ના બારામાં નાઝિલ થઇ છે અને આ આયત ઇમામ હુસૈન(અ.સ.)ની હાલતને પણ બયાન કરી રહી છે.

મરહુમ કુમ્મી(ર.અ.)એ લખ્યુ છે: આનાથી મુરાદ હુસૈન બીન અલી(અ.સ.) છે. કારણ કે જ્યારે યઝીદ મલઉને ચાહ્યુ કે ઇમામ હુસૈન(અ.સ.)ને શામ લઇ જવામાં આવે તો તે સમયે ઇમામ હુસૈન(અ.સ.) કુફા તરફ રવાના થઇ ગયા અને કરબલાના મૈદાનમાં યઝીદની ફૌજે યઝીદના હુકમથી ખૂબ જ બેરેહમીથી સુકાએલુ ગળુ કાપીને શહીદ કરી દીધા.

(તફસીરે સાફી, ઉપરોક્ત આયતની તફસીરમાં)

આના સિવાય મોઅદમ બીન મુસ્તનીઝએ ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી એક રિવાયત નક્લ કરી છે, આપે ફરમાવ્યુ:

આ આયત રસુલુલ્લાહ(સ.અ.વ.) અને અલી (અ.સ.) અને જાફર(અ.સ.) અને હમ્ઝા(અ.સ.)ના બારામાં નાઝિલ થઇ છે અને ઇમામ હુસૈન(અ.સ.)ના બારામાં છે.

(તફસીરે બુરહાન, ભાગ:૩, પાના:૯૩, હદીસ:૧)

એટલે કે આપની ખાસ આ હાલત કે જ્યારે આપ મદીનાથી નીકળી રહ્યા હતા તેની સમજણ આપે છે.

(૧૨) સુરે ફાતિર:

ખુદાવંદે આલમ ફરમાવે છે:

“વમા યસ્તવીલ્ અહ્યાઓ વલ્ અમ્વાત

“શું જીવતા અને મરેલા બંને બરાબર હોઇ શકે છે

ઇબ્ને અબ્બાસથી નક્લ છે કે આનાથી મુરાદ અલી (અ.સ.) અને હમ્ઝા(અ.સ.) અને જાફર(અ.સ.) અને હસન (અ.સ.) અને હુસૈન(અ.સ.) અને ફાતેમા(સ.અ.) અને ખદીજા(સ.અ.) છે અને મરેલાથી મુરાદ મક્કાના કાફીરો છે.

(બેહાર, ભાગ:૨૪, પાના:૨૮૦, પ્રકરણ:૬૫, હદીસ:૧)

(૧૩) સુરે નાઝેઆત:

ખુદા ફરમાવે છે:

“યવ્મ તર્જોફુર્ રાજેફતો તત્બઓહર્ રાદેફતો

“જે દિવસે ઝમીનને જટકો આપવામાં આવશે અને તેના પછી બીજો જટકો લાગશે

ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યુ:

“અર્રાજેફતોથી મુરાદ ઇમામ હુસૈન(અ.સ.) અને “અર્રાદેફતોથી મુરાદ અલી બીન અબી તાલિબ(અ.સ.) છે.

(૧૪) સુરે બલદ:

અલમ્ નજ્અલ્ લહુ અય્નય્ને વ લેસાનવ્ વ શફતય્ને

“શું અમે ઇન્સાનના માટે બે આંખો, એક ઝબાન, બે હોઠ નથી બનાવ્યા

આ આયતના બારામાં ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ફરમાવે છે:

બે આંખોથી મુરાદ હઝરત ખત્મી મરતબત (સ.અ.વ.) અને ઝબાનથી મુરાદ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને બે હોઠથી મુરાદ ઇમામ હસન(અ.સ.) અને ઇમામ હુસૈન(અ.સ.) છે અને “વ હદય્નાહુન્ નજ્દય્ન થી મુરાદ અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ની વિલાયત અને ઇમામતની તરફ ઇન્સાનની હિદાયત અને માર્ગદર્શન છે.

(બેહાર, ભાગ:૨૪, પાના:૨૮૦, પ્રકરણ:૬૫, હદીસ:૧)

અને અબુબક્ર હઝરમીએ ઇમામ બાકિર(અ.સ.)થી રિવાયત નક્લ કરી છે કે ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ:

અય અબુબક્ર અલ્લાહ તઆલાનો આ કૌલ “વ વાલેદીવ્ વમા વલદ થી મુરાદ અલી બીન અબી તાલિબ(અ.સ.) છે અને “વમા વલદથી મુરાદ હસન(અ.સ.) અને હુસૈન (અ.સ.) છે.

(બેહાર, ભાગ:૪, પાના:૪૬૩, હદીસ:૬)

કુર્આને કરીમના ફક્ત આ જ અમુક સુરાઓમાં શહીદે કરબલાનો ઝિક્ર નથી આવ્યો પરંતુ સુરાઓ જેમકે શોઅરા, અઅ્રાફ, ઇસરાઅ, નૂર, અન્આમ, તીન, તગાબુન, નમ્લ, સાફ્ફાત, તકવીર વિગેરેની આયતો સિવાય આયતે મુબાહેલા અને આયતે કુર્બા અને આયતે તતહીર જેવી મજબુત આયતો પણ ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમત, મંઝેલત અને ઇસ્મત અને તહારતની જાહેરાત કરે છે, જેના પછી ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમત અને મંઝેલતના બારામાં કોઇ પણ પ્રકારના શકની ગુંજાઇશ નથી રહેતી.

લેખના અંતમાં સુરે ઇસ્રાઅની ૩૩મી આયતના બારામાં ટૂંકમાં હકીકત તરફ ઇશારો કરીને વાતને પુરી કરવા ચાહુ છું. ખુદાવંદે આલમ ફરમાવે છે:

વ મન્ કોતેલ મઝ્લુમન ફ કદ્ જઅલ્ના લે વલીય્યેહી સુલ્તાનન ફ લા યુસ્રીફ્ ફીલ્ કત્લ

અને જે મઝલુમ કત્લ થાય છે, અમે તેના વારસદારને બદલો લેવાનો અધીકાર આપીએે છીએ

ઉપરોક્ત આયતના બારામાં ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી રિવાયત નક્લ છે કે આપે ફરમાવ્યુ

આનાથી મુરાદ ઇમામ હુસૈન(અ.સ.) છે કે જેમને ઝુલ્મ વડે શહીદ કરી દીધા અને તેમના વલી (વારિસ) હઝરત કાએમ(અ.ત.ફ.શ.) છે.

શૈખ જાફર શુશ્તરી(ર.અ.) જે એકદમ ભરોસાપાત્ર અને સંપૂર્ણ મારેફત ધરાવનાર અને ઉચ્ચ અને મહાન ફકીહ અને પોતાના ઝમાનાના અમુલ્ય અને કિંમતી શખ્સીયતોમાં જેમની ગણના કરવામાં આવે છે. તેમની વફાત પર લોકોએ બાકાયદા આસ્માનના તારાઓ તુટતા મેહસુસ કર્યા, તેઓ પોતાની મહાન કિતાબ ખસાએસે હુસૈનીયાહમાં આ આયતને નક્લ કર્યા પછી લખે છે:

ઇમામ હુસૈન(અ.સ.)ના મઝલુમ કત્લ થવાના અમુક અર્થો છે જે દરેકે દરેક આપ(અ.સ.)ને લાગુ પડે છે:

(૧) સામાન્ય અર્થ કે કોઇ ઇન્સાન પર ઝુલ્મ અને અત્યાચાર કરીને તેનો માલ-સામાન લુટી લેવામાં આવે અને અસ્હાબ અને અન્સાર, ઔલાદ અને કુટુંબીજનોને કત્લ કરીને તેને પણ ખૂબ જ બેરેહમીથી કત્લ કરવામાં આવે. અગર આ અર્થ સંપૂર્ણ પણે કોઇ ઝાતને લાગુ પડે છે તો તે શહીદે કરબલા, મઝલુમે નયનવા હઝરત ઇમામ હુસૈન (અ.સ.) છે. એટલા જ માટે શબ્દ ‘મઝલુમ’ ફક્ત આપ માટે વ્યક્તિગત નામ (જેનાથી તેઓ ઓળખાય છે) થઇ ગયું. દૂઆમાં જ્યારે પણ અલ્લાહથી મુનાજાત કરવામાં આવે છે તો અર્ઝ કરીએ છીએ “ઉન્શેદોક દમીલ્ મઝ્લુમ (તને મઝલુમ હુસૈનના ખુનની કસમ આપુ છું)

(૨) કત્લ અને શહીદ કરવામાં આવ્યા હોવાની હાલતમાં મઝલુમ બનવુ. ઇન્સાન કોઇ ઇન્સાનના કત્લના બારામાં જે હાલતનો પણ વિચાર કરી શકતો હોય તે કરી લે. તે પછી બતાવે કે કોને આવી બેરેહમીથી કત્લ કરી શકાય છે. ઇસ્લામ પવિત્ર દીન છે. તેણે કુરબાની જેવા મુસ્તહબ કાર્ય માટે પણ અમુક જરૂરી અને મુસ્તહબ બાબતો જણાવી છે જેમકે, છરી તેઝ (સજાવવી) કરી લે, તેના માથાને શરીરથી બીલકુલ અલગ ન કરી દે, તેના જેવા જાનવરની સામે ઝબહ ન કરે, હાથ-પગ ન બાંધે, તેને મુસ્લહ (માથાના ટુકડા) ન કરે. તરસ્યો ઝબહ ન કરે, પાણી આપે, ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતમાં આ ઝુલ્મની રીતમાં ઇન્તેહા (હદ) ન હતી તો શું હતુ કે જે ચીઝોની જરૂરીયાતને જાનવરો માટે પણ ઇસ્લામે અદા કરવાની તાકીદ કરી છે તેમાંથી કોઇ એકની પણ પૈગમ્બર (સ.અ.વ.)નો કલમો પઢવાવાળાએ રસુલના નવાસાના હકમાં અદા ન કરી.

(૩) ખુદ કત્લમાં અને શહીદ થવામાં મઝલુમ હોવુ. એટલે કે કોઇને કારણ વગર અને શરઇ કારણ વગર કત્લ કરવુ અને તેનુ ખુન જાએઝ ગણવુ. એટલે કે ઇસ્લામમાં ઇન્સાનના કત્લનો હુકમ બદલો અથવા ઇસ્લામી સજા અથવા ફસાદ કરવો વિગેરેના લીધે દેવામાં આવી શકે છે. ઇમામ હુસૈન(અ.સ.)ના બારામાં આમાંથી કોઇ એક કારણનો પણ વિચાર ન કરી શકાય. જ્યારે કત્લના કારણોમાંથી કોઇ કારણ ન હતુ તો શા માટે કત્લ કરવામાં આવ્યા? આ વાત પોતે જ એક મોટી મઝલુમીય્યત છે. અલ્લાહ તઆલા આ કત્લના બારામાં રોઝે કયામત પુછશે “બે અય્યે ઝન્બીન કોતેલત

(બેહાર, ૪૪/૨૨૧, કામેલુઝ્ઝિયારત, પ્રકરણ:૧૮, પાના:૬૨, ખસાએસે હુસૈનીયાહથી નક્લ)

આ માટે જ ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યુ હતુ:

તમારા પર વાય થાય! તમો મને શા માટે કત્લ કરો છો, તમો મારાથી કઇ ચીઝને માંગી રહ્યા છો? શું મેં કોઇનુ કત્લ કર્યુ? કે તેનો બદલો ચાહો છો અથવા કોઇનો માલ લીધો અથવા દીનમાં કોઇ ફેરફાર કર્યો છે?!?!

(બેહાર, ૪૫/૭, ઇરશાદે મુફીદ, ૨/૧૦૧)

(૪) ઇન્સાનને બેરેહમીથી કત્લ કરવામાં આવે એટલે કે કત્લ કરવામાં ઝુલ્મ. કત્લની હાલતમાં ઝુલ્મ, કત્લના પહેલા ઝુલ્મ આ દરેક ઝુલ્મો તો ઇન્સાન વિચારી શકે છે પરંતુ કોઇના પર કત્લ થવા પછી પણ ઝુલ્મ કરવામાં આવે, તેના પેહરેલા કપડા પણ લુટી લેવામાં આવે, તેના અવયવોના ટુકડે ટુકડા કરવામાં આવે, તેને પામાલ કરવામાં આવે.

(બેહાર, ૪૫/૫૯, લોહુફ, પાના: ૫૮-૫૯)

કફન અને દફન વગર ધુળ અને લોહીમાં રઝળતા ઝમીન પર મુકી દેવામાં આવે. આ એવો અને એક માત્ર મહાન ઝુલ્મ છે જે સાહેબે કરબલા, મહાન શહીદ હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ના હકમાં જ રાખવામાં આવ્યુ છે કે શહાદતના પછી આપના પવિત્ર શરીર પર જગ્યા જગ્યાએથી ફાટેલો લિબાસ પણ ઝાલિમોએ ન છોડ્યો અને તેને પણ લુટી લીધો.

(મકતલે ખ્વારઝમી, ૨/૩૮-૩૯, લહુફ, પાના: ૫૬, બેહાર, ૪૫/૫૭-૫૮)

ખુદાવંદે આલમે દરેક મઝલુમના વારિસ નિયુક્ત કર્યા છે જે તેના ઝુલ્મનો બદલો લઇ શકે. આજે ઝમીન પર હુસૈન બીન અલી(અ.સ.)ના વારિસ, નસ્લે પૈગમ્બર(સ.અ.વ.)ના આખરી જાનશીન, ઇમામ હુસૈન(અ.સ.)ના ખુને નાહકનો બદલો લેનાર, ખુદાના હુક્મનો ઇન્તેઝાર કરનાર, વલી અને વારિસ, ઝાલિમોથી ઇમામ હુસૈન(અ.સ.)ના ખુનનો બદલો લેનાર હઝરત ઇમામ હુજ્જત ઇબ્નીલ હસન અલ અસ્કરી (અ.સ.) છે, જે ખુદાના હુક્મનો ઇન્તેઝાર કરી રહ્યા છે.

ખુદાયા! કરબલાના મૈદાનમાંથી આજે પણ બાળકોની અલ અતશની અવાજ આવી રહી છે, ખુદાયા! સાનીયે ઝહરા (સ.અ.)ની આ અવાજ આજે પણ ચાહવાવાળાને ધ્રુજાવી રહી છે કે “સઅદના દિકરા! મારો માજાયો ભાઇ ઝબહ થઇ રહ્યો છે અને તું ઉભો જોઇ રહ્યો છે

ખુદાયા! દરેક બાજુ ઝુલ્મ અને અત્યાચાર, દીનનો મઝાક, કુર્આનની બેહુરમતી, ઇસ્લામની બરબાદી અને તબાહીના માધ્યમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ખુદાયા! કરબલાથી ઝુલ્મ અને અત્યાચારના ઉઠવાવાળા ઘોર અંધારાએ હવે પુરી દુનિયાને પોતાની લપેટમાં લઇ લીધી છે. મઝલુમે કરબલાના ખુને નાહકનો બદલો લેવાવાળા અને દુનિયામાંથી ઝુલ્મને ખતમ કરનાર અને તેને હિદાયતનુ નૂર (અદ્લ અને ઇન્સાફ)થી રૌશન કરવાવાળાના ઝુહુરમાં જલ્દી કર. આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *