ઈમામે ઝમાના (અ.સ.) માટે દોઆ

Print Friendly, PDF & Email

ઈમામે ઝમાના (અ.સ.) માટે દોઆ

પ્રસ્તાવના:

દુનિયા રોજબરોજ ગુમરાહી તરફ આગળ વધી રહી છે. દરરોજ કોઈ નવી શોધ થાય છે. બુરાઈ અને ગુનાહો તરફ લઈ જવાવાળા તો ઘણા બધા મળે છે પરંતુ ગુમરાહી અને અંધકાર તરફ જવાથી રોકવાવાળા બહુ ઓછો લોકો જોવા મળે છે. આજે એવો સમય આવી પહોંચ્યો છે કે અગર કોઈ દિનદાર શખ્સ ઈસ્લામ અને કુરઆનની વાતો કરે તો તેની મજાક ઉડાવવામાં આવે છે. આ સમય જેમાં ચારો તરફ ઘટાટોપ અંધારૂ અને અંધારૂ જ જોવા મળે છે તેવા સમયમાં ઈમાન અને કુરઆન ઉપર સાબિત કદમ રહેવું તે કંઈ આસાન કામ નથી. તેટલા માટે જ અમીરૂલ મોઅમેનિન હઝરત અલી (અ.સ.) એ નહજુલ બલાગાહમાં એક ખુત્બામાં ફરમાવ્યું છે કે:

‘એક ઝમાનો એવો આવશે કે જ્યારે લોકો શરાબ વગર પણ મસ્ત થઈ જશે. તેઓને નેઅમતોની વિપુલતા મસ્ત કરી દેશે. તે ઝમાનામાં બલાઓ તમને એવી રીતે ઘેરી લેશે જેવી રીતે ઉંટનું પાલાન ઉંટની સંપૂર્ણ પીઠને ઘેરી લે છે.’

(નહજુલ બલાગાહ, ખુત્બા નં. ૨૨૯માંથી)

આવા સમયમાં ઈમાન અને અકીદાને સુરક્ષિત રાખવા માટે અને ગુમરાહી અને અંધકારથી બચવા માટે અઈમ્મએ મઅસુમીન (અ.સ.) એ આપણને ઝમાનાના ઈમામના જલ્દી ઝુહુરની દોઆ કરતા રહેવાની તાકીદ કરી છે. જેના થકી આપણે આખર ઝમાનાના ફીત્નાઓથી સુરક્ષિત રહી શકીએ છીએ અને બીજાઓના ઈમાનની પણ હિફાઝત કરી શકીએ છીએ.

દોઆનું મહત્ત્વ:

કુરઆને કરીમ અને રિવાયતોમાં દોઆની ખુબજ તાકીદ કરવામાં આવી છે. અલ્લાહ તબારક વ તઆલા કુરઆને કરીમમાં સુરએ ફુસ્સેલતમાં ઈરશાદ ફરમાવે છે:

 لَا  یَسْأَمُ  الْاِنْسَانُ  مِنْ  دُعَائِ  الْخَیْرِ ۔۔۔

“ઈન્સાન ખય્‌રની દોઆ કરતાં કયારેય પણ થાકતો નથી”

(સુરએ ફુસ્સેલત, 49)

એક બીજી જગ્યાએ ઈરશાદ થાય છે કે:

قُلْ  مَا  یَعْبَؤُا بِکُمْ  رَبِّی  لَوْ لَا  دُعَاؤُکُمْ ۔۔۔

“(અય રસુલ!) તમે કહી દયો કે અગર તમારી દોઆઓ ન હોતે તો મારો પાલનહાર તમારી પરવા પણ ન કરતે”

(સુરએ ફુરકાન, 77)

રિવાયતોમાં દોઆને ઈબાદતની રૂહ કહેવામાં આવી છે. તેનો અર્થ એ થાય છે કે અગર આપણે અલ્લાહ તબારક વ તઆલાથી ગુફતગુ કરવા ચાહીએ અને તેનાથી નઝદીકી પ્રાપ્ત કરવા ઈચ્છીએ તો આપણે દોઆઓનો સહારો લેવો પડશે અને તેનાથી આપણી બધીજ મુશ્કેલીઓ પણ આસાન થઈ જશે.

દોઆની જરૂરત:

આ સમયમાં એવું કોણ છે કે જેને કોઈ મુશ્કેલી ન હોય, બલા અને મુસીબતમાં સપડાએલો ન હોય. તથા એવું કોણ છે કે જે તે તકલીફોથી છુટકારો ન ઈચ્છતો હોય. ચોક્કસ દરેક ઈન્સાન તકલીફોથી નજાત પામવા ઈચ્છે છે. આ માટે ખુદ ઈમામે ઝમાના (અ.સ.) એ ફરમાવ્યું છે કે અગર તમે મારા ઝુહુર માટે દોઆ કરશો તો તેનો ફાયદો તમને થશે અને તમારી મુશ્કેલીઓ દુર થશે.

અંબીયા (અ.સ.) એ કાએમે આલે મોહમ્મદ (અ.સ.) ના જલ્દી ઝુહુર થવા માટે દોઆ કરી છે:

અઈમ્મએ મઅસુમીન (અ.સ.) એ જલ્દી ઝુહુર થવા માટે દોઆ કરવાની તાકીદ કરી છે તે ઉપરાંત ખુદ અંબીયા (અ.સ.) પણ હઝરત ઈમામ મહદી (અ.સ.) ના જલ્દી ઝુહુર થવા માટે દોઆ કરે છે. જેમકે હઝરત ઈબ્રાહીમ (અ.સ.) માટે મળે છે કે એહલેબય્તથી તેમના તવસ્સુલમાંથી એક તવસ્સુલ કાએમે આલે મોહમ્મદ (અ.સ.) ના જલ્દી ઝુહુરની દોઆ કરવી છે.

(તફસીરે બુરહાન, ભાગ-1, પાના નં. 486, પ્રકાશન – તહેરાન)

આ ઉપરાંત હઝરત ઈસ્માઈલ (અ.સ.) માટે પણ મળે છે કે તેમણે પણ કાએમે આલે મોહમ્મદ (અ.સ.) ના જલ્દી ઝુહુર માટે દોઆ કરી છે.

ઈમામે ઝમાના (અ.સ.) ના જલ્દી ઝુહુર થવા માટે અલગ અલગ પ્રકારે તાકીદ કરવામાં આવી છે.

(1) ઘણી બધી રિવાયતોમાં વારિદ થયું છે કે ખુદ અઈમ્મએ મઅસુમીન (અ.સ.) એ અલ્લાહ તબારક વ તઆલાથી કાએમે આલે મોહમ્મદ (અ.સ.) ના જલ્દી ઝુહુર થવા માટે દોઆ કરી છે અને તે સિલસિલામાં ઘણી બધી ખાસ દોઆઓ જોવા મળે છે.

(જુઓ બેહાલ અન્વાર, ભાગ-52)

(2) હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ની એક રિવાયત છે કે અગર અમારા શીઆઓ અને મોઅમિનો તૌબા અને ઈસ્તિગ્ફાર તથા ગીયર્િ અને ઝારી માટે એકઠા થઈ જાય અને અમારા ફરજ અને પ્રશ્નોનો હલ અલ્લાહ તબારક વ તઆલાથી તલબ કરે તો ચોક્કસ અલ્લાહ તઆલા ઝુહુરમાં જલ્દી કરશે. અગર તેઓ દોઆ કરવાનું તર્ક કરી દે તો કસોટીઓનો ઝમાનો વધારે લાંબો થઈ જશે અને અમારા ઝુહુરમાં પણ મોડું થશે.

(3) શીઆઓને ઝુહુર જલ્દી થવાની દોઆ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. જેમકે એહતેજાજે તબરસીમાં ઈમામે અસ્ર (અ.સ.) એક તવકીઅમાં ફરમાવે છે કે:

وَ اَکْثِرُوْا  الدُّعَائَ   بِتَعْجِیْلِ  الْفَرَجِ   فَاِنَّ   ذٰلِکَ  فَرَجُکُمْ

‘ઝુહુર જલ્દી થવા માટે વધારે ને વધારે દોઆ કરો. તેમાંજ તમારા માટે ભલાઈ છે અને તેનાથી જ તમારી તકલીફો દુર થશે.’

(એહતેજાજ, પાના નં. 41, પ્રકાશન-બૈત)

રિવાયતના ફિકરામાં કેટલીય મહત્ત્વની વાતો તરફ ઈશારો છે:

1) ઝુહુર માટે દોઆ કરવાની ઘણી બધી તાકીદ કરવામાં આવી છે.

2) વધારે ને વધારે દોઆ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. એટલેકે દરેક સમયે જ્યારે પણ મૌકો મળે હઝરત ઈમામ મહદી (અ.સ.) ના ઝુહુર માટે દોઆ કરવી જોઈએ. તેમજ જે સમયે દોઆઓ કબુલ થવાની શકયતાઓ વધારે હોય છે ત્યારે તો ખાસ હઝરત (અ.સ.) ના ઝુહુરની દોઆ કરવી જોઈએ. જેમકે વાજીબ નમાઝ પછી, સય્યદુશ્શોહદા હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ના મસાએબ પડયા પછી રડતી આંખે, વરસતા વરસાદના સમયે, ઝવાલના સમયે, સેહરીના સમયે અને અઝાનના સમયે વિગેરે.

3) ઈમામ (અ.સ.) નું ફરમાવવું કે તેમાંજ તમારા  માટે ભલાઈ છે તેનો અર્થ એ થાય છે કે ઈમામે ઝમાના (અ.સ.) ના ઝુહુર માટેની દોઆ ફકત ઈમામ (અ.સ.) ના માટેની દોઆ નથી બલ્કે તેનો ફાયદો આપણને પણ પહોંચે છે.

4) એહલેબય્ત (અ.સ.) તરફથી શીઆઓ માટે લાંબી અને મુખ્તસર દોઆઓ પઢવાની તાકીદ કરવામાં આવી છે કે જેમાં અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં ઝુહુરના જલ્દી થવા બાબત છે. તેમજ તે દોઆઓને પાબંદીની સાથે પઢવાની તાકીદ કરવામાં આવી છે અને તે દોઆઓ આ મુજબ છે.

(1) હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ ગયબતના ઝમાનામાં ઈમાન ઉપર સાબિત કદમ રહેવા માટે આ દોઆ તઅલીમ ફરમાવી છે કે જેને દોઆએ ગરીક કહેવામાં આવે છે.

દોઆએ ગરીક

یَا  اﷲُ    یَا  رَحْمَانُ    یَا  رَحِیْمُ    یَا  مُقَلِّبَ  الْقُلُوْبِ  ثَبِّتْ  قَلْبِیْ  عَلٰی  دِیْنِکَ

‘અય અલ્લાહ, અય રહમાન, અય રહીમ, અય દીલોને પરિવર્તિત કરનાર, મારા દીલને તારા દીન ઉપર સાબિત કદમ રાખજે.’

(2) ફુરૂએ કાફીમાં બયાન છે કે માહે મુબારકે રમઝાનની 23મી રાત્રે અને તમામ મહીનાઓમાં અને બીજા વર્ષોના દરેક સમયમાં કાએમે આલે મોહમ્મદ (અ.સ.) ના ઝુહુરમાં જલ્દી થવા માટે અલ્લાહ તબારક વ તઆલાની હમ્દો સના અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર સલવાત પઢયા પછી વારંવાર આ મુજબ પડતા રહેવું જોઈએ.

اَللّٰھُمَّ کُنْ لِوَلِیِّکَ فُلَانِ بْنِ فُلَانٍ صَلَوَاتُکَ عَلَیْہِ وَعَلیٰ اٰبٰآئِہٖ

  فِیْ ھَاذِہِ السَّاعَۃِ وَفِیْ کُلِّ سَاعَۃٍ ،

وَلِیًّا وَّ حَافِظًا وَّ قَائِدًا وَّ نَاصِرًا وَّ دَلِیْلاً وَّ عَیْنًا

حَتّٰی تُسْکِنَہُ اَرْضَکَ طَوْعًا وَ تُمَتِّعَہُ فِیْھَا طَوِیْلاً

(3) તે દોઆ કે જે યુનુસ બીન અબ્દુર રહમાને હઝરત અલી રેઝા (અ.સ.) થી હઝરત વલીએ અસ્ર (અ.સ.) માટે નોંધી છે. ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું કે ગયબતના ઝમાનામાં તેમના માટે આ રીતે દોઆ કરો.

(દોઆની શરૂઆત આ મુજબ થાય છે.)

اَللّٰہُمَّ  ادْفَعْ  عَنْ  وَلِیِّکَ  وَخَلِیْفَتِکَ  وَ حُجَّتِکَ  عَلٰی  خَلْقِکَ

(જમાલુલ ઉસ્બુઅ, પાના નં. 513)

મરહુમ શૈખ અબ્બાસે કુમ્મી (અ.ર.) એ મફાતીહુલ જીનાનમાં પણ દોઆએ અહદ પછી તેની નોંધ કરી છે.

(4) તે દોઆ કે જેને અલ્લામા મજલીસી (અ.ર.) એ ઈમામે ઝમાના (અ.સ.) ના પહેલા નાએબ શૈખ ઉસ્માન બીન સઈદથી નોંધી છે કે તેમણે અબુ અલી મોહમ્મદ બીન હમ્મામને લખાવી અને તેમને પઢવાની તાકીદ કરી.

(દોઆની શરૂઆત આ મુજબ થાય છે.)

 

اَللّٰہُمَّ  عَرِّفْنِیْ  نَفْسَکَ  فَاِنَّکَ  اِنْ  لَمْ  تُعَرِّفْنِیْ  نَفْسَکَ  لَمْ  اَعْرِفْ  رَسُوْلَکَ

(જમાલુલ ઉસ્બુઅ, પાના નં. 522)

મરહુમ શૈખ અબ્બાસે કુમ્મી (અ.ર.) એ મફાતીહુલ જીનાનમાં આ દોઆની પણ નોંધ કરી છે.

(મફાતિહુલ જીનાન, ભાગ-4દોઆ નં. 8, મુલહકાતમાં ગયબતના ઝમાનામાં પઢવાની દોઆ)

ઝુહુર માટે દોઆ કરવાની ફઝીલત અને તેનો સવાબ:

હઝરત ઈમામે ઝમાના (અ.સ.) ના પુરનુર ઝુહુર માટે દોઆ કરવાની બેહદ ફઝીલત છે. તે દીન અને દુનિયા બંનેથી સંબંધિત છે. જેને ઓલમાઓએ ભેગી કરી છે. દા.ત. હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) એ ફરમાવ્યું:

‘સાહેબુલ અમ્રની ગયબત એટલી હદે લાંબી હશે કે તમામ લોકો મૂંઝવણ અને હલાકતના ફીત્નામાં સપડાય જશે અને તે ફીત્નાથી કોઈ સુરક્ષિત નહિં રહી શકે સિવાય કે જેને અલ્લાહ તઆલા તેમની ઈમામત અને વિલાયતના અકીદા ઉપર સાબિત કદમ રાખે અને તેમના ઝુહુરમાં જલ્દી થવાની દોઆ કરવાની તવફીક અતા કરે.’

(કમાલુદ્દીન, ભાગ-2, પાના નં. 384, પ્રકારણ-38, હદીસ નં. 1)

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

‘જે કોઈપણ ઈમામે કાએમ (અ.સ.) ના ઝુહુરનો ઈન્તેઝાર કરે છે અને તેમના ઝુહુરમાં જલ્દી થવાની દોઆ કરે છે. અગર તેમના ઝુુહુર થવાની પહેલા તે શખ્સ દુનિયાથી ચાલ્યો જાય તો અલ્લાહ તબારક વ તઆલા તેને ઝુહુરના સમયે કબ્રમાંથી જીવતો કરશે અને ઈમામ (અ.સ.) ના મદદગારોમાં તેનો શુમાર કરશે.’

(હદીકતુશ્શીઆ, મુકદ્દસે અર્દબેલી, પાના નં. 762)

આ ઉપરાંત ઘણી બધી ફઝીલતો જોવા મળે છે કે જેની નોંધ આલિમોએ કરી છે. અહીંયા અમુક બાબતો તરફ ઈશારો કરીએ છીએ. ઝુહુરમાં જલ્દી થવાની દોઆ કરવાનો સવાબ એ છે કે:

(1) શયતાનથી દુર થવાય છે.

(2) બલાઓ દુર થાય છે.

(3) ગુનાહોની મગ્ફેરત થાય છે.

(4) અલ્લાહના વાયદાની વફાદારી થાય છે.

(5) આયુષ્ય લાંબુ થાય છે.

(6) હઝરત ઈમામે ઝમાના (અ.સ.) ની દોઆઓ મળે છે.

(7) બુરાઈઓ નેકીઓમાં બદલાય જાય છે.

(8) નબીએ કરીમ (સ.અ.વ.) અને હઝરત અલી (અ.સ.) ની દોઆઓ મળે છે.

(9) એહલેબય્ત (અ.સ.) ની હદીસો સહિષ્ણુ હોય છે.

(10) હિસાબ વગર જન્નતમાં દાખલ થવાની પરવાનગી મળે છે.

(11) તકલીફો અને પરેશાનીઓ દુર થવાનું કારણ બને છે.

(12) રોઝી વિશાળ થાય છે.

(13) દીલમાં ઈમામ (અ.સ.) ની મઅરેફતની રોશની વધે છે.

(14) મૌતના સમયે ખુશખબરી મળે છે.

(15) આખરી ઝમાનામાં ફીત્નાઓથી નજાત મળે છે.

(16) પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની શફાઅતના હક્કદાર થવાય છે.

(17) આંતરિક મોહબ્બત પ્રદર્શિત થાય છે.

(18) કયામતના દિવસે તરસથી સુરક્ષિત થવાય છે.

(19) જન્નતમાં દરજ્જાઓ બલંદ થાય છે.

એક સવાલ:

આપણે તે બાબતનો સ્વીકાર કરીએ છીએ કે ઝુહુરમાં જલ્દી થવા માટે દોઆ કરવી જોઈએ અને તેની ઘણી બધી ફઝીલત અને સવાબ છે. પરંતુ આ સિલસિલામાં એક સવાલ પૈદા થાય છે કે શું ઝુહુરમાં જલ્દી થવાની દોઆ કરવી તે એ રિવાયતોની વિધ્ધની બાબત નથી કે જેમાં ઝુહુરમાં ઉતાવળ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે ?

જવાબ:

જે ઉતાવળ કરવાની મનાઈ કરવામાં આવી છે તે બાબતો નીચે મુજબ છે.

(1) તે ઉતાવળ અને ઝુહુરમાં જલ્દી કરવી કે જે કાએમે આલે મોહમ્મદ (અ.સ.) થી માયુસીનું કારણ બને કે ઈન્સાન સબ્ર છોડીને કહેવા લાગે કે અગર ખરેખર ઝુહુર થવાનો હોત તો અત્યાર સુધી થઈ ગયો હોત. આ પ્રકારની ઉતાવળ ઈમામ (અ.સ.) ના ઝુહુરથી માયુસી છે એટલુંજ નહીં તેમના ઝુહુરના ઈન્કારનું કારણ પણ બને છે.

(2) એ અર્થમાં ઉતાવળ કરવી કે જે અલ્લાહ તબારક વ તઆલાની કઝા અને કદર તથા તેના હુકમના સ્વીકારની વિરૂધ્ધ હોય. આ પ્રકારની ઉતાવળ અલ્લાહ તબારક વ તઆલાની હિકમતના ઈન્કારનું કારણ બને છે.

(3) એ પ્રકારની ઉતાવળ કરવી કે જે શયતાન અને ગુમરાહ લોકોના અનુસરણનું કારણ બની જાય. જેમકે ઘણા બધા જાહીલ અને ગુમરાહ લોકો સાથે એવું થયું છે. (અલ્લાહ તબારક વ તઆલા આપણને દરેકને તે તમામ બાબતોથી સુરક્ષિત રાખે).

અત્યાર સુધીની વાતોથી નીચે મુજબની બાબતો તદ્દન સ્પષ્ટ થઈ જાય છે.

(1) કુરઆન અને રિવાયતોની રોશનીમાં ઝુહુર માટે દોઆ કરવી ખુબજ મહત્ત્વ ધરાવે છે.

(2) આખરી ઝમાનામાં દોઆ જ સર્વશ્રેષ્ઠ વસીલો છે.

(3) ઝમાનાની ગુમરાહીઓથી નજાત મેળવવા માટે ઈમામે ઝમાના (અ.સ.) ના જલ્દી ઝુહુર માટે દોઆ કરવી જોઈએ.

(4) ઈમામ (અ.સ.) નો ઝુહુર જલ્દી થાય તેની દોઆ કરવી અઈમ્મએ મઅસુમીન (અ.સ.) ની સિરત અને સુન્નત છે.

(5) અઈમ્મએ મઅસુમીન (અ.સ.) એ અલગ અલગ તરીકાઓથી ઝુહુરમાં જલ્દી થાય તે માટે દોઆ કરવાની તાકીદ કરી છે.

(6) ઝુહુરમાં જલ્દી થવાની દોઆ કરવાનો બેહદ ફાયદો અને સવાબ છે.

(7) ઝુહુરમાં જલ્દી થવાની દોઆ કરનારની ફઝીલત અને ફાયદો ખુદ દોઆ કરવાવાળા માટે પણ છે.

(8) ઝુહુરમાં જલ્દી થવાની દોઆ કરવી તે કોઈપણ રીતે ઈસ્લામી તઅલીમની વિધ્ધની બાબત નથી.

અલ્લાહ તબારક વ તઆલા આપણને દરેક સમયે અને દરેક સવારે અને સાંજે વધારેને વધારે હઝરત વલીએ અસ્ર (અ.સ.) માટે દોઆ કરવાની તવફીક અતા ફરમાવે અને આપણને દરેકને તેમના નિર્મળ ગુલામોમાં શુમાર ફરમાવે.

આમીન, બે હક્કે આલે તાહા વ યાસીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *