હ. ઈમામ મહદી (અ.સ.) અને શીઆ તથા સુન્ની વિચારધારાઓ

Print Friendly, PDF & Email

 بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

صَلَّی اللہُ  عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا

હ. ઈમામ મહદી (અ.સ.) અને શીઆ તથા સુન્ની વિચારધારાઓ

હઝરત ઈમામ મહદી (અ.સ.) ના ઝુહુરનો અકીદો તેની તમામ વિગતો સાથે શીઆ અને એહલે સુન્નતની નવી અને પુરાણી કિતાબોમાં મૌજુદ છે. અર્થાત દરેક ઝમાનાના ભરોસાપાત્ર અને સનદ ધરાવતા આલિમો, હદીસવેત્તાઓ, તફસીરકારો અને ઈતિહાસકારોએ પોત-પોતાની કિતાબોમાં તેનું વર્ણન કર્યુ છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે આ અકીદો શુધ્ધ ઈસ્લામી અકીદો છે. ઈસ્લામના તમામ ફિરકાઓ આ અકીદા ઉપર એકમત છે. આ અકીદો કંઈ પરાજય પામેલા લોકોની વિચારધારાની શોધ નથી. આ અકીદાને ફકત તેજ લોકો શીઆઓનો ખાસ અકીદો ગણાવી શકે છે જેઓ ઈલ્મની દુનિયાથી તદ્દન ગાફિલ હોય.

કારણકે આ અકીદો શીઆ અને એહલે સુન્નત બન્નેનો સામાન્ય અકીદો છે. આથી આ જ અકીદો તમામ ઈસ્લામી ફીરકાઓમાં સામ્યતા અને એકતાનું કેન્દ્રબિંદુ બની શકે છે. આ જ અકીદો આપસના વિભાજનને દુર કરી શકે છે અને એકબીજાને નજીક લાવી શકે છે. કારણકે દરેક લોકો તે વાત ઉપર એકમત છે કે આખરી ઝમાનામાં એહલેબૈત (અ.સ.) માંથી, જ. ફાતેમા ઝહરા (સ.અ.) ના પવિત્ર વંશમાંથી હઝરત ઈમામ મહદી (અ.સ.) નો ઝુહુર થશે અને તેઓ (અ.સ.) ઝમીનને અદ્લ અને ઈન્સાફથી ભરી દેશે.

કોઈપણ મુસલમાન આ હદીસોનો ઈન્કાર કરી શકતો નથી કારણકે આ હદીસો મુતવાતીર છે.

૧. એહલે સુન્નતના બુઝુર્ગ આલિમ અબુલ હસન મોહમ્મદ બીન અલ હુસૈન અલ આબરી અસ્સજીસ્તાનીએ પોતાની કિતાબ મનાકેબ્બુશ શાફેઈમાં લખ્યું છે કે:-

قَدْ تَوَا تَرَتِ الْاَ خْبَارُ وَاسْتَفَا ضَتْ (بِکَثْرَۃِ رُوَاتِہَا) عَنِ الْمُصْطَفٰی رَسُوْلِ اﷲِ  ؐ بِذِکْرِ الْمَہْدِیِّ وَ اَنَّہٗ مِنْ اَہْلِ بَیْتِہٖ ۔۔۔

‘હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) થી ઘણી બધી અને તવાતુર સાથે આ રિવાયતો મૌજુદ છે કે જેમાં આં હઝરત (સ.અ.વ.) એ હઝરત ઈમામ મહદી (અ.સ.) ના ઝુહુરની ખબર આપી છે અને તેઓ (અ.સ.) એહલેબૈતમાંથી હશે.’

હદીસોના મુતવાતીર હોવાનો મત ફકત સજીસ્તાનીનો જ નથી બલ્કે એહલે સુન્નતના જુની અને નવી પેઢીના આલિમોએ પણ આ મતને સમર્થન આપ્યું છે. જેમકે

(1) અબુ અબ્દીલ્લાહ મોહમ્મદ યુસુફ ગન્જી (658) એ પોતાની કિતાબ અલ બયાન ફી અખ્બારે સાહેબીઝઝમાન, પાના નં. 166ઉપર.

(2) ઈબ્ને કય્યુમ જવઝીહ મોહમ્મદ બીન અબી બક્ર દમીશ્કી (751) અલ મિનાલ મોનીફ, પાના નં. 127ઉપર.

(3) અબુલ અબ્બાસ ઈબ્ને હજર એહમદ બીન મોહમ્મદ હય્સમી (973) એ પોતાની કિતાબ અસ્સવાએકુલ મોહર્રેકામાં પાના નં. 99ઉપર અને બીજી કિતાબ અલ કવ્લુલ મુખ્તસર ફી અલામાતીલ મુન્તઝરમાં પાના નં. 33ઉપર.

(4) મોહમ્મદ સિદ્દીક હસન કનુજી (1307) એ પોતાની કિતાબ અલ ઈઝાઅહમાં પાના નં. 120ઉપર.

(5) અબ્દુલ મોહસીન બીન હમ્દ એબાદે પોતાની કિતાબ અકીદએ એહલુસ્સુન્નત વલ અસર ફીલ મહદી અલ મુન્તઝર. આ કિતાબ મદીના યુનિવર્સીટીના મેગેઝીન અલ જામેઅતુલ ઈસ્લામીયાહની ત્રીજી આવૃત્ત્ાિમાં છપાઈ છે તેમાં પાના નં. 598ઉપર.

તેનાથી અંદાજ આવી જાય છે કે દરેક ઝમાનાના આલિમોએ આ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે કે આખરી ઝમાનામાં હઝરત ઈમામ મહદી (અ.સ.) નો ઝુહુર થવો યકીની બાબત છે અને તેમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી.

૨. મુસલમાનોનો એક મોટો ફિરકો સુફીઓનો છે તથા તેઓ મુસલમાનોની દરમ્યાન એક મોટો દરજ્જો ધરાવે છે. સુફીઓમાં શૈખ અકબર મોહયુદ્દીન અરબી અલ હાતેમી (638) ને ઉંચો દરજ્જો પ્રાપ્ત છે. તેમની કિતાબ અલ ફુતુહાતીલ મક્કીયાહ તસવ્વુફની મોટી બુનિયાદી કિતાબ તરીકે સ્વીકારવામાં આવે છે. તે કિતાબના ત્રીજા ભાગમાં પ્રકરણ 366ના પાના નં. 327, 328ઉપર હઝરત ઈમામ મહદી (અ.સ.) ની સંબંધિત આ મુજબ લખેલું છે:-

اِعْلَمْ اَیَّدَنَا اﷲُ اِنَّ لِلّٰہِ خَلِیْفَۃً یَخْرُجُ وَقَدْ اِمْتَلَاْتِ الْاَرْضُ جَوْرًا وَّظُلْمًا فَیَمْلَا ُ ہَا قِسْطًا وَّعَدْلًا لَوْ لَمْ یَبْقَ مِنَ الدُنْیَا اِلَّا یَوْمٌ وَاحِدٌ طَوَّلَ اﷲُ ذٰلِکَ الْیَوْمَ حَتّٰی یَلِی ہٰذَا الْخَلِیْفَۃُ مِنْ عِتْرَۃِ رَسُوْلِ اﷲِ  ؐ مِنْ وُلْدِ فَاطِمَۃَ ، یُوَاطِیُٔ اِسْمُہٗ اِسْمَ  رَسُوْلِ اﷲِ  ؐ ۔۔۔ یُقَسِّمُ الْمَالَ بِالسَّوِیَّۃِ وَ یُعْدِلُ فِیْ الرَّعِیَّۃِ وَ یَفْصِلُ فِیْ الْقَضِیَّۃِ۔۔۔ یُصْلِحُہُ اﷲُ  فِیْ لَیْلَۃٍ یَمْشِیْ النَّصْرُ بَیْنَ یَدَیْہِ ، ۔۔۔ یَقِفُواَثْرَرَسُوْلِ اﷲِ  ؐ لاَ یَخْطٰی ، ۔۔۔ یَرْفَعُ الْمَذَاہِبُ مِنَ الْاَرْضِ فَلاَ یَبْقٰی اِلَّا الدِّیْنَ الْخَالِصَ ۔۔۔

‘જાણી લ્યો કે, અલ્લાહ તઆલા આપણી દરેકની તવફીકમાં વધારો કરે. અલ્લાહનો એક જાનશીન અને ખલીફા જાહેર થશે જ્યારે કે ઝમીન ઝુલ્મ અને અત્યાચારથી ભરાઈ ચુકી હશે. તે ઝમીનને અદ્લ અને ઈન્સાફથી ભરી દેશે. અગર દુનિયાની ઝીંદગીમાં ફકત એક દિવસ બાકી રહી જશે તો અલ્લાહ તઆલા તે દિવસને એટલો બધો લાંબો કરી દેશે ત્યાં સુધી કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની આલમાંથી આ જાનશીન અને ખલીફા જાહેર થાય.

તેઓ માલની સમાનતાથી વહેંચણી કરશે, લોકો સાથે અદ્લનો વર્તાવ કરશે, તેઓના પ્રશ્નોના ફેંસલા સંભળાવશે, ખુદા તેમના અમ્રોને એક રાતમાં ઠીક કરી દેશે, મદદ અને કામ્યાબી તેમની આગળ આગળ ચાલશે, તેઓ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ના નકશે કદમ ઉપર ચાલશે, તે ભૂલ નથી કરતા, દુનિયામાંથી તમામ મઝહબો અને ફીરકાઓનો ખાત્મો થઈ જશે. બસ ફકત ખાલિસ દીન બાકી રહેશે….’

આ લખાણથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સુફીઓની નજીક પણ હઝરત ઈમામ મહદી (અ.સ.) નો ઝુહુર બિલ્કુલ યકીની અને ચોક્કસ છે. તેમાં લેશમાત્ર પણ શંકાને અવકાશ નથી.

૩. ઈતિહાસકારોમાં ઈબ્ને ખલ્દુનનું નામ ખુબજ ઉચ્ચ છે. તે ઈતિહાસકાર પણ છે અને રાજકીય વ્યકિત પણ છે. તે પોતાની કિતાબ તારીખુલ અસીરની પ્રસ્તાવનામાં કે જે ઈબ્ને ખલ્દુનની પ્રસ્તાવના ના નામથી પ્રખ્યાત છે તેમાં ભાગ-3, પ્રકરણ-52, પાના નં. 344ઉપર લખે છે કે:

اِعْلَمْ اَنَّ الْمَشْہُوْرَ بَیْنَ الْکَافَّۃِ مِنْ اِہْلِ الْاِسْلَامِ عَلٰی مَمَرِّ الْاِعْصَارِ اِنَّہٗ لاَ بُدَّ فِیْ آخِرِ الزَّمَانِ مِنْ ظُہُوْرِ رَجُلٍ مِنْ اَہْلِ الْبَیْتِ یُؤَیِّدُ الدِّیْنَ وَ یُظْہِرُ الْعَدْلَ وَیَتَّبِعُہُ الْمُسْلِمُوْنَ وَیَسْتَوْلِیْ عَلَی الْمَمَالِیْکِ الْاِسْلَامِیَّۃِ  وَیُسَمّٰی بِالْمَہْدِیِّ ۔۔۔

‘દરેક ઝમાનાના તમામ મુસલમાનોમાં આ વાત મશ્હુર છે કે આખરી ઝમાનામાં એહલેબૈત (અ.સ.) માંથી એક શખ્સ જાહેર થશે જે મઝહબને મજબુત કરશે, અદ્લને જાહેર કરશે, તમામ મુસલમાનો તેમને અનુસરશે, તમામ ઈસ્લામી રાજ્યો ઉપર તેઓ હુકુમત કરશે અને તેમનું નામ મહદી (અ.સ.) હશે…’

ઈતિહાસકારનું આ લખાણ દર્શાવી રહ્યું છે કે ઈસ્લામી ઈતિહાસનો કોઈપણ સમય એવો પસાર નથી થયો કે જે સમયમાં હઝરત ઈમામ મહદી (અ.સ.) ના ઝુહુરનો અકીદો ન જોવા મળતો હોય. તેનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે હઝરત ઈમામ મહદી (અ.સ.) ના ઝુહુરનો અકીદો તે સર્વસામાન્ય અકીદો છે કે જેની ઉપર તમામ મુસલમાનો એકમત છે અને આજ અકીદો તમામ મુસલમાનોને એક કરી શકે છે. આ તો એહલેસુન્નત હઝરાતના આલિમો અને ઈતિહાસકારોનું વર્ણન હતું. શીઆ કિતાબોમાં આ અકીદો આ મુજબ બયાન થયો છે. અલબત્ત્ા એ વાત ધ્યાનમાં રહે કે શીઆઓના અકીદાની બુનિયાદ અઈમ્મએ મઅસુમીન (અ.સ.) ની હદીસો છે. ટુંકાણને ધ્યાનમાં રાખીને ફકત એક જ હદીસ નકલ કરીએ છીએ.

હઝરત ઈમામ ઝયનુલ આબેદીન અલી ઈબ્નીલ હુસૈન (અ.સ.) એ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) થી આ રિવાયતની નોંધ કરી છે કે:-

لَوْلَمْ یَبْقَ مِنَ الدُّنْیَا اِلَّا یَوْمٌ وَاحِدٌ لَطَوَّلَ اﷲُ ذٰلِکَ الْیَوْمَ حَتّٰی یَلِیْ رَجُلٌ مِنْ عِتْرَتِیْ اِسْمُہٗ اِسْمِیْ یَمْلَا ُ الْاَرْضَ عَدْلاً وَّ قِسْطًا کَمَا مُلِئَتْ جَوْرًا وَّ ظُلْمًا

‘અગર આ દુનિયાના આયુષ્યમાં ફકત એક દિવસ બાકી રહી જાય તો ખુદાવંદે આલમ તે દિવસને એટલો બધો લાંબો કરી દેશે ત્યાં સુધી કે મારી આલમાંથી એક શખ્સ હુકુમત ઉપર આવી જાય. તેનું નામ મારૂ નામ હશે. તે ઝમીનને અદ્લ અને ઈન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે.’

(મજમઉલ બયાન, ભાગ-4, પ્રકરણ-7, પાના નં. 152)

આપ નોંધ કરો કે હઝરત ઈમામ મહદી (અ.સ.) સંબંધિત શીઆઓ અને એહલેસુન્નત હઝરાતના લખાણો એક જેવા છે પરંતુ આ અકીદાની અમુક વિગતોમાં શીઆ અને સુન્ની હઝરાત વચ્ચે તફાવત જોવા મળે છે. તેમાંથી પાયાના તફાવત આ મુજબ છે:

(1) સુન્ની હઝરાતની નજીક હઝરત ઈમામ મહદી (અ.સ.) ના વાલિદે બુઝુર્ગવારનું નામ અબ્દુલ્લાહ છે અને શીઆઓની નજીક ઈમામ (અ.સ.) ના વાલિદે બુઝુર્ગવારનું નામ હસન (અ.સ.) છે અને તે હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) છે.

(2) સુન્ની હઝરાતની નજીક હઝરત ઈમામ મહદી (અ.સ.) હઝરત ઈમામ હસન (અ.સ.) ના વંશમાંથી છે અને તેઓ હસની છે તથા શીઆઓની નજીક ઈમામ મહદી (અ.સ.) હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ના વંશમાંથી છે અને હુસૈની છે.

(3) અમુક સુન્ની હઝરાત તે માન્યતા ધરાવે છે કે આખરી ઝમાનામાં હઝરત ઈમામ મહદી (અ.સ.) ની વિલાદત થશે. શીઆઓ તે માન્યતા ધરાવે છે કે 15મી શાઅબાન, હિજરી સન 255માં હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) ના ફરઝંદ હઝરત ઈમામ મહદી (અ.સ.) ની વિલાદત થઈ ચુકી છે.

એ તો સ્પષ્ટ વાત છે કે જેઓ વિલાદતની માન્યતા ધરાવતા નથી તેઓ ગય્બતમાં પણ માનતા નથી. આના કારણે શીઆઓને ત્યાં જે ઈન્તેઝારનો અકીદો જોવા મળે છે તે સુન્નીઓને ત્યાં જોવા મળતો નથી. અલબત્ત એ વાત ઉપર બધા એકમત છે કે હઝરત ઈમામ મહદી (અ.સ.) એહલેબય્ત (અ.સ.) માંથી છે અને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) ના વંશમાંથી છે. ઈમામ મહદી (અ.સ.) સહાબીઓની નસ્લમાંથી નથી બલ્કે તેઓ એહલેબય્ત (અ.સ.) ના વંશમાંથી છે અને એહલેબૈત (અ.સ.) માંથીજ એક વ્યકિત દુનિયાને અદ્લ અને ઈન્સાફથી ભરી દેશે અને ખાલિસ મઝહબ એટલેકે ગદીરી મઝહબને આખી દુનિયામાં સ્થાપી દેશે. ઉપરોકત ફરક ઉપર હવે ટૂંકમાં અવલોકન કરીશું.

પહેલો વિરોધ:

ઈમામ મહદી (અ.સ.) ના પિતાનું નામ અબ્દુલ્લાહ ? કે હસન (અ.સ.):

અમુક સુન્ની હઝરાત તે માન્યતા ધરાવે છે કે હઝરત ઈમામ મહદી (અ.સ.) ના વાલિદે બુઝુર્ગવારનું નામ અબ્દુલ્લાહ હતું. અર્થાત શીઆઓ જે ઈમામ  મહદી (અ.સ.) ની માન્યતા ધરાવે છે તે બીજા કોઈ છે અને તેમના વાલિદે બુઝુર્ગવારનું નામ હસન (અ.સ.) છે. તેઓ હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) ના ફરઝંદ છે. આ મુજબ ફકત નામ સરખા છે, હકીકત અલગ-અલગ છે. સુન્ની હઝરાત પોતાના અકીદાના સમર્થનમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની આ રિવાયત રજુ કરે છે.

(1) અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઉદે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) થી આ રિવાયતની નોંધ કરી છે:

لَا تَذْہَبُ الْدُّنْیَا  حَتّٰی  یَبْعَثَ  اﷲُ  رَجُلًا  مِنْ  اَہْلِ بَیْتِیْ  یُوَاطِیُٔ اِسْمُہٗ اِسْمِیْ وَ اِسْمُ اَبِیْہِ اِسْمُ اَبِیْ

‘આ દુનિયા ત્યાં સુધી ખતમ નહિં થાય જ્યાં સુધી કે ખુદાવંદે આલમ મારી એહલેબય્ત (અ.સ.) માંથી એક શખ્સને જાહેર કરે. જેમનું નામ મારા નામ ઉપર હશે અને જેમના વાલિદનું નામ મારા વાલિદનું નામ હશે.’

(અલ-મુસ્તદરક અલ-સસહીહય્ન, ભાગ-4, પાના નં. 442)

(2) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

لَا تَقُوْمُ   السَّاعَۃُ حَتّٰی یَملِکَ  النَّاسَ   رَجُلٌ  مِنْ اَہْلِ  بَیْتِیْ   یُوَاطِیُٔ   اِسْمُہٗ   اِسْمِیْ   وَ  اِسْمُ   اَبِیْہِ  اِسْمُ  اَبِیْ

‘કયામત ત્યાં સુધી નહિં આવે કે જ્યાં સુધી મારી એહલેબય્ત (અ.સ.) ની એક વ્યકિત તમામ લોકો ઉપર હુકુમત ન કરે. તેમનું નામ મારૂ નામ હશે અને તેમના વાલિદનું નામ મારા વાલિદનું નામ હશે.’

(સોનને અબી ઉમર વાલેદાની, 94-95)

(3) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

اَلْمَہْدِیُّ   یُوَاطِیُٔ  اِسْمُہٗ  اِسْمِیْ  وَ اِسْمُ   اَبِیْہِ  اِسْمُ  اَبِیْ

‘મહદી, તેમનું નામ મારૂ નામ હશે અને તેમના વાલિદનું નામ મારા વાલિદનું નામ હશે.’

(તારીખે બગદાદ, ભાગ-5, પાના નં. 391)

ઉપરોકત ત્રણેય રિવાયતોમાં હઝરત ઈમામ મહદી (અ.સ.) ના વાલિદનું નામ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ના વાલિદનું નામ હોવાનું દશર્વિવામાં આવ્યું છે. તમામ લોકો જાણે છે કે આં હઝરત (સ.અ.વ.) ના વાલિદે બુઝુર્ગવારનું નામ જ. અબ્દુલ્લાહ છે, નહિં કે હસન. આ આધારે રસુલે ખુદા (સ.અ.વ.) એ જે મહદી (અ.સ.) ના ઝુહુરની ખુશખબરી આપી છે તેઓ અબ્દુલ્લાહના ફરઝંદ છે નહિં કે હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) ના ફરઝંદ.

આપણો જવાબ:

હુજ્જત ઈબ્નીલ હસન અલ અસ્કરી (અ.સ.):

ચર્ચા શરૂ કરવા પહેલા એ જણાવી દેવું જરૂરી છે કે બે હદીસો ત્યારે એકબીજાથી વિરોધાભાસી કહેવાય કે જ્યારે બન્ને એકજ બુનિયાદ ઉપર હોય. અગર બે રિવાયતોમાં એક રિવાયત ભરોસાપાત્ર અને સનદવાળી હોય અને બીજી કમઝોર હોય તો કમઝોર રિવાયત ભરોસાપાત્ર રિવાયતનો સામનો કરી શકે નહિં અને ભરોસાપાત્ર અને સનદવાળી રિવાયતની હાજરીમાં કમઝોર રિવાયત ઉપર હરગીઝ અમલ કરી શકાય નહિં.

(1) જે રિવાયતોમાં હઝરત ઈમામ મહદી (અ.સ.) ના વાલિદનું નામ હસન કરાર દેવામાં આવ્યું છે તેની સંખ્યા ઘણી બધી છે જયારે ફકત ત્રણ રિવાયતો દશર્વિે છે કે તેમના (અ.સ.) ના પિતાનું નામ અબ્દુલ્લાહ છે.

(અ) તે રિવાયતો જેમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ પોતાના અને કયામત સુધી આવવાવાળા ખલીફા અને જાનશીનની સંખ્યા 12વર્ણવી છે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની વફાતથી લઈ અને કયામત સુધી આપ (સ.અ.વ.) ના જાનશીન ફકત બાર જ હશે. ન તો તેની સંખ્યા 12કરતાં ઓછી હશે અને ન તો 12કરતાં વધારે. એહલે સુન્નતના મશ્હુર આલિમોએ આ રિવાયતોને સાચી અને ભરોસાપાત્ર કરાર દીધી છે અને અમુક આલિમોએ તો તે રિવાયત મોતવાતીર છે તેમ પણ જણાવ્યું છે. આ 12ની સંખ્યા ફકત આપણા ઈમામો (અ.સ.) ને માટે સાચી ઠરે છે કે જેઓ લોકો માટે હાદી છે. તે હઝરત અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) થી શરૂ થાય છે અને હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) ના ફરઝંદ હઝરત ઈમામ હુજ્જત ઈબ્નીલ હસન અલ અસ્કરી ઈમામ મહદી (અ.સ.) ઉપર પૂર્ણ થાય છે.

(બ) તે રિવાયતો કે જેમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ પોતાના જાનશીનોના નામોની સ્પષ્ટતા કરી છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે હઝરત ઈમામ મહદી (અ.સ.) ના વાલિદનું નામ હસન (અ.સ.) છે નહિં કે અબ્દુલ્લાહ. અહીંયા ફકત એક રિવાયત રજુ કરીશું.

જાબીર બિન અબ્દુલ્લાહ અન્સારીની રિવાયત છે કે જુન્દલ બિન જોનાદહ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની ખિદમતમાં હાજર થાય છે અને ઘણા બધા સવાલો પુછે છે. તેમાં એક સવાલ આ પણ હતો.

અય અલ્લાહના રસુલ! તમારા પછી તમારા વસીઓ કોણ છે કે જેથી હું તેમની સાથે જોડાએલો રહું.

આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: ‘મારા વસીઓ 12છે.’

જુન્દલે કહ્યું, તવરાતમાં પણ આમજ લખેલું છે. આપ તેમના નામ વર્ણવશો ?

આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘તેમાં સૌથી પહેલા વસીઓના પિતા અને તેમના સરદાર અલી (અ.સ.) છે, તેમના પછી તેમના બે ફરઝંદ હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) છે, તમે તેમનાથી જોડાએલા રહેજો અને જુઓ જાહીલોની જેહાલત તમને છેતરે નહીં અને જ્યારે અલી ઈબ્નુલ હુસૈન ઝયનુલ આબેદીન (અ.સ.) ની વિલાદત થાય ત્યારે તમારી ઝીંદગી પૂર્ણ થઈ જશે. તથા આ દુનિયામાં તમારો અંતિમ ખોરાક દુધનું પીણું હશે.’

જુન્દલે કહ્યું:

અમે તવરાતમાં અને અંબીયા (અ.સ.) ની બીજી કિતાબોમાં એલીયા, શબ્બર અને શબ્બીર વાંચ્યું છે. આ નામો અલી (અ.સ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) ના નામો છે. હુસૈન (અ.સ.) પછી કોણ હશે ?

આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘હુસૈન (અ.સ.) પછી તેમના ફરઝંદ અલી (અ.સ.) હશે જેમનો લકબ ઝયનુલ આબેદીન છે, તેમના પછી તેમના ફરઝંદ મોહમ્મદ (અ.સ.) જેમનો લકબ બાકિર છે, તેમના પછી તેમના ફરઝંદ જઅફર (અ.સ.) કે જેઓ સાદિકના નામથી બોલાવવામાં આવશે, તેમના પછી તેમના ફરઝંદ મુસા (અ.સ.) કે જેમને કાઝિમના નામથી યાદ કરવામાં આવશે, તેમના પછી તેમના ફરઝંદ અલી (અ.સ.) કે જેમનો લકબ રેઝા હશે, તેમના પછી તેમના ફરઝંદ મોહમ્મદ (અ.સ.) કે જેઓ તકી અને ઝકીના નામથી યાદ કરવામાં આવશે અને તેમના પછી તેમના ફરઝંદ અલી (અ.સ.) કે જેઓ નકી અને હાદીના નામથી બોલાવવામાં આવશે અને તેમના પછી તેમના ફરઝંદ હસન (અ.સ.) કે જેઓ અસ્કરી ના નામથી ઓળખાશે અને તેમના પછી તેમના ફરઝંદ મોહમ્મદ (અ.સ.) કે જેઓ મહદી, અલ-કાએમ અને અલ-હુજ્જતના નામથી બોલાવવામાં આવશે. તેઓ ગય્બત ઈખ્તેયાર કરશે પછી તેઓ જાહેર થશે અને જ્યારે જાહેર થશે ત્યારે ઝમીનને એવી રીતે અદ્લ અને ઈન્સાફથી ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે…’

જુન્દલે શુક્ર કરતા કહ્યું: ખુદાયા તારા વખાણ કે તે મને તેઓની મઅરેફતની તવફીક અતા કરી. જુન્દલ ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ના ઝમાના સુધી તાએફમાં જીવીત રહ્યા. તેમનો ઈન્તેકાલ થયો ત્યારે તેમનો અંતિમ ખોરાક દુધનું પીણું હતું.

(યનાબીઉલ મવદ્દત, પાના નં. 442, પ્રકાશન ઈસ્લામબુલ,

એહકાકુલ હક્ક, ભાગ-13, પાના નં. 53-54)

આ પ્રકારની અસંખ્ય રિવાયતો એહલે સુન્નતની કિતાબોમાં મૌજુદ છે. તે ઉપરાંત જનાબ અલ્લામા ઈબ્રાહીમ બિન મોહમ્મદ અલ હમુઈ અલ જવીની અશ્શાફેઈએ પોતાની કિતાબ ફરાએદુસ્સીમતૈનમાં આ સિલસિલાની એક રિવાયતની નોંધ કરી છે કે જેમાં 12ઈમામોના નામોની સાથોસાથ તેમના વાલિદ અને તેમની વાલેદાના નામનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. હઝરત ઈમામ મહદી (અ.સ.) ના બારામાં એક રિવાયત તેમણે આ રીતે નોંધી છે.

اَبُوْ الْقَاسِمِ مُحَمَّدُ بْنُ الْحَسَنِ ہُوَحُجَّۃُ اﷲِ الْقَائِمُ اُمُّہٗ جَارِیَۃٌ اِسْمُہَا نَرْجِسُ صَلَوَاتُ اﷲِ  عَلَیْہِمْ اَجْمَعِیْنَ

‘અબુલ કાસિમ મોહમ્મદ બિન અલ હસન જે હુજ્જતે ખુદા અને કાએમ છે અને તેમની માતા અલ્લાહની કનીઝ છે. તેમનું નામ જ. નરજીસ સલવાતુલ્લાહે અલયહીમ અજમઈન છે.’

(એહકાકુલ હક્ક, ભાગ-13, પાના નં. 54)

આ રિવાયતોમાં ક્યાંય પણ હઝરત ઈમામ મહદી (અ.સ.) ના વાલિદનું નામ અબ્દુલ્લાહ વર્ણવવામાં નથી આવ્યું. હવે રહી ગયો એ સવાલ કે તે રિવાયતોનું શું કે જેમાં આં હઝરત (સ.અ.વ.) ના વાલિદનું નામ અબ્દુલ્લાહ વર્ણવવામાં આવ્યું છે. તો આ સિલસિલામાં અમુક બાબતો રજુ કરીએ છીએ.

તે રિવાયતોને એહલે સુન્નતના ઘણા બધા આલિમો અને હદીસવેત્તાઓએ નોંધી છે પરંતુ તે લોકોએ આ રિવાયત ઈસ્મોહુ ઈસ્મી (તેમનું નામ મારૂ નામ હશે) સુધી જ નોંધી છે. ઈસ્મો અબીહે ઈસ્મો અબી (તેમના વાલિદનું નામ મારા વાલિદનું નામ હશે) નો વધારો નોંધેલ નથી.

પહેલી રિવાયત:

જનાબે એહમદ બિન હમ્બલે પોતાની કિતાબ મુસ્તનદમાં ચાર જગ્યાએ નોંધ કરી છે (ભાગ-1, પાના નં. 376, 377, 430, 448) પરંતુ આ વધારાની નોંધ કરેલ નથી.

આજ રીતે તિરમીઝીએ પોતાની કિતાબ સોનનમાં (સોનને તિરમીઝીની ગણતરી સિહાહે સિત્તા (6સાચી કિતાબો) માં થાય છે) આ રિવાયતની નોંધ કરી છે પરંતુ ઈસ્મો અબીહે ઈસ્મો અબીનો વધારો નોંધેલ નથી.

રસપ્રદ વાત તો એ છે કે જ. અબુ અબ્દીલ્લાહ મોહમ્મદ બીન યુસુફ અન્નવાફેલી અલ ગન્જી અશ્શાફેઈ એ પોતાની કિતાબ અલ બયાન ફી અખ્બારે સાહેબિઝઝમાનમાં આ રિવાયત 30થી વધારે વખત નોંધી છે અને એકપણ રિવાયતમાં ઈસ્મો અબીહે ઈસ્મો અબીનું વર્ણન નથી. ત્યાર બાદ તેઓ કહે છે કે:

‘અક્કલમંદ લોકો માટે તે વાત છુપી નથી કે આ વધારો બિલ્કુલ ભરોસાપાત્ર નથી કારણકે તમામ આલિમો અને હદીસવેત્તાઓ આ વધારાને કબુલ કરતા નથી.’

(અલ બયાન ફી અખ્બારે સાહેબિઝઝમાન, પાના નં. 483, 485,

મજલ્લાતર ઈસ્ના અદદ, ભાગ 43, 44, પાના નં. 57ના હવાલાથી)

આ રીતે તે વાત સ્પષ્ટ થઈ જાય છે કે જે આધારે લોકો હઝરત ઈમામ મહદી (અ.સ.) ના વાલિદનું નામ અબ્દુલ્લાહ વર્ણવે છે તેનું વર્ણન રિવાયતોમાં જોવા મળતું નથી. તે વાત લોકોની ઉપજાવી કાઢેલી છે. હવે પછીના પાનાઓ ઉપર આ વાત વધારે સ્પષ્ટ થઈ જશે.

બીજો વિરોધ: હસની ? કે હુસૈની ?

અમુક એહલે સુન્નત હઝરાત સોનને અબી દાઉદની ફકત એક રિવાયત મુજબ હઝરત ઈમામ મહદી (અ.સ.) ને હઝરત ઈમામ હસન (અ.સ.) ના વંશમાંથી ગણે છે. તે રિવાયત આ મુજબ છે.

હઝરત અલી (અ.સ.) એ પોતાના ફરઝંદ હઝરત ઈમામ હસન (અ.સ.) તરફ જોઈને ફરમાવ્યું:

‘મારો આ ફરઝંદ સરદાર છે, જેમકે નબીએ કરીમ (સ.અ.વ.) એ ફરમાવ્યું છે તેમના વંશમાંથી નબી (સ.અ.વ.) ના  હમનામ જાહેર થશે જેઓ ઝમીનને અદ્લ અને ઈન્સાફથી ભરી દેશે…’

(સોનને અબી દાઉદ, ભાગ-4, પાના નં. 108, હદીસ નં. 429, બાબુલ મહદી)

આ એક રિવાયતના આધારે એહલે સુન્નતના અમુક આલિમો હઝરત ઈમામ મહદી (અ.સ.) ને હસની ગણે છે.

આપણો જવાબ:

(અ) હદીસોની કિતાબોનો અભ્યાસ કરવાથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ રિવાયતને ફકત અબુ દાઉદે જ નોંધી છે, તેના સિવાય બીજા કોઈપણ હદીસવેત્તાએ આ રિવાયતની નોંધ કરી નથી. તેમની પહેલા અને તેમની પછી પણ કોઈએ આ રિવાયતની નોંધ કરી નથી. તેમના પછી જેમણે નોંધ કરી છે તેમણે અબુ દાઉદના હવાલાથી નોંધ કરી છે. એટલેકે ફકત અબુ દાઉદ એક માત્ર આ રિવાયત નોંધનારા છે.

(બ) જ. અલ જઝરી અશ્શાફેઈએ પોતાની કિતાબ અસ્માઉલ મનાકીબમાં આ વાત નોંધ્યા પછી કે હઝરત ઈમામ મહદી (અ.સ.) હઝરત ઈમામ હસન (અ.સ.) ના વંશમાંથી હશે લખે છે કે

وَالْاَصَحُّ اَنَّہٗ مِنْ ذُرِیَّۃِ الْحُسَیْنِ ابْنِ عَلِیٍّ لِنَصِّ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ عَلِیٍّ ذٰلِکَ ۔۔۔

قاَلَ عَلِیٌّ ؊ نَظَرَ اِلٰی اِبْنِہِ الْحُسَیْنَ فَقَالَ: اِنَّ اِبْنِیْ ہٰذَا سَیِّدٌ کَمَا سَمَّاہُ النَّبِیُّ  ؐ وَ سَیَخْرُ جُ مِنْ صُلْبِہٖ رَجُلٌ یُسَمّٰی بِاسْمِ نَبِیِّکُمْ ۔۔۔

‘અને સાચું તો એ છે કે હઝરત ઈમામ મહદી (અ.સ.) હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ના વંશમાંથી હશે કારણકે હઝરત અલી (અ.સ.) એ પોતાની એક રિવાયતમાં સ્પષ્ટ રીતે તેનું વર્ણન કર્યુ છે.

હઝરત અલી (અ.સ.) એ પોતાના ફરઝંદ હુસૈન (અ.સ.) ની તરફ જોઈને ફરમાવ્યું કે મારો આ ફરઝંદ સરદાર છે જેમકે નબીએ કરીમ (સ.અ.વ.) એ તેમનું નામ રાખ્યું છે, તેમના વંશમાંથી તમારા નબીનો હમનામ જાહેર થશે…’

આ રિવાયત અબુ દાઉદે પોતાની સોનનમાં આ રીતે નોંધી છે.

(અસ્માઉલ મનાકીબ, 165-166, આવૃતિ-61)

આનાથી સ્પષ્ટ થાય છે કે સોનને અબુ દાઉદના અમુક પ્રકાશનોમાં ઈમામ હસન (અ.સ.) ની જગ્યાએ ઈમામ હુસૈન (અ.સ.) ના નામનું વર્ણન છે પરંતુ ઈમામ હુસૈન (અ.સ.) ના નામની રિવાયતને બીજી રિવાયતોનું સમર્થન પણ મળે છે જેમકે:

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘અગર આ દુનિયાની ઝીંદગીમાં ફકત એક દિવસ પણ બાકી રહી જાય તો ખુદાવંદે આલમ તે દિવસને એટલો લાંબો કરી દેશે ત્યાં સુધી કે મારા વંશમાંથી એક શખ્સ જાહેર થાય કે જેનું નામ મારૂ નામ હશે.’

જનાબે સલમાન ઉભા થયા અને પુછયું, અય અલ્લાહના રસુલ! આપના કયાં ફરઝંદના વંશમાંથી ?

આપ (સ.અ.વ.) એ હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ઉપર પોતાનો હાથ રાખીને ફરમાવ્યું:

‘મારા આ ફરઝંદના વંશમાંથી હશે.’

(એકદુદ દોરર, પાના નં. 24, ઝખાએલ ઉકબા, પાના નં. 136-137,

અલ મિનાલ મોનીફ, પાના નં. 148)

એક બીજી રિવાયતમાં છે કે:

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ જનાબે ફાતેમા (સ.અ.) ને ફરમાવ્યું:

‘અય ફાતેમા! અલ્લાહ તઆલાએ આપણને એહલેબય્ત (અ.સ.) ને છ ખાસીયતો અતા કરી છે જે અવ્વલીન અને આખેરીનમાંથી બીજા કોઈને પણ આ ખાસીયતો આપવામાં નથી આવી…

આપણામાંથી આ ઉમ્મતના મહદી હશે જેમની પાછળ જ. ઈસા (અ.સ.) નમાઝ પઢશે. પછી હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ના ખભા ઉપર હાથ રાખીને ફરમાવ્યું:

مِنْ  ہٰذَا  مَہْدِیُّ  الْاُمَّۃِ

ઉમ્મતના મહદી આમના વંશમાંથી હશે.’

(અલ બયાન ફી અખ્બારે સાહેબીઝઝમાન, પાના નં. 501-502, હદીસ નં. 9,

યનાબીઉલ મવદ્દત, પાના નં. 49)

(ક) આ ઉપરાંત તે તમામ રિવાયતો કે જેની ચર્ચા આગળ થઈ ચુકી છે કે જેમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ બાર ઈમામોના નામો જણાવ્યા છે તેમાં આં હઝરત (સ.અ.વ.) એ હઝરત ઈમામ મહદી (અ.સ.) ને હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ના વંશમાંથી જણાવ્યા છે.

(ડ) આ ઉપરાંત હઝરત ઈમામ મહદી (અ.સ.) હસની પણ છે અને હુસૈની પણ. કારણકે તેઓ (અ.સ.) હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ના વંશમાંથી છે અને હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ની માતા હઝરત ઈમામ હસન (અ.સ.) ની પુત્રી છે. આ રીતે ઈમામ બાકિર (અ.સ.) પિતાની તરફથી હુસૈની અને માતાની તરફથી હસની છે. તેમના પછીના તમામ ઈમામો આ આધારે હસની અને હુસૈની એમ બંને છે અને આવું ઉદાહરણ ઈસ્લામમાં મૌજુદ છે. કુરઆને કરીમ સુરએ અન્આમ, આયત નં. 84-85માં જનાબે મરીયમ સંબંધીત હઝરત ઈસા (અ.સ.) ને જનાબે ઈબ્રાહીમ (અ.સ.) ના વંશમાંથી છે એમ દશર્વિે છે. તેવીજ રીતે ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) પોતાની માતા જ. ફાતેમા ઝહરા (સ.અ.) ના આધારે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ના ફરઝંદ છે. આ રીતે હઝરત ઈમામ મહદી (અ.સ.) હસની અને હુસૈની એમ બંને છે. તેમજ જ. ફાતેમા ઝહરા (સ.અ.) અને હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ના ફરઝંદ છે.

ત્રીજો વિરોધ: શું ઈમામ મૌજુદ છે ?

અમુક લોકો હઝરત ઈમામ મહદી (અ.સ.) ની વિલાદતનો સ્વીકાર એટલા માટે નથી કરતા કે અગર તે કબુલ કરી લે કે હઝરત ઈમામ મહદી (અ.સ.) 15મી શાબાન હી.સ. 255માં પૈદા થઈ ચુકયા છે તો પછી તેમની સામે ઘણા સવાલો ઉભા થાય દા.ત. તેમનો ઝુહુર કયામતની એક નિશાની છે તેનો સુચિત અર્થ  એ થાય કે તેઓ (અ.સ.) કયામત સુધી જીવીત રહેશે. આથી તેમનું લાંબુ આયુષ્ય સ્વિકારવું પડે અને પછી ગયબત અને બીજા મસઅલાઓનો પણ સ્વિકાર કરવો પડે. આથી ઈમામ મહદી (અ.સ.) ની વિલાદતનો જ ઈન્કાર કરવાનું પસંદ કરે છે. પરંતુ આવો પાયા વગરનો ડર હકીકતને છુપાવી નથી શકતો.

આપણો જવાબ:

તમામ શીઆ હઝરાત તે માન્યતા ધરાવે છે કે 15મી શાબાન હી.સ. 255માં હઝરત ઈમામ મહદી (અ.સ.) ની વિલાદત થઈ ચુકી છે અને આ સમયે તેઓ (અ.સ.) જીવીત છે અને અલ્લાહના હુકમથી ગયબતમાં છે. એટલેકે તેઓ એવી રીતે ઝીંદગી પસાર કરી રહ્યા છે કે લોકો તેમને ઓળખી શકતા નથી. તેઓ (અ.સ.) દર વર્ષે હજ્જમાં તશ્રીફ લઈ જાય છે. તેઓ (અ.સ.) દરેક લોકોને ઓળખે છે પરંતુ લોકો તેમને ઓળખી શકતા નથી. જ્યારે અલ્લાહ તઆલાનો હુકમ થશે ત્યારે તેઓ ઝુહુર ફરમાવશે અને ખાનએ કઅબાથી તેમના ઝુહુરનું એઅલાન કરશે અને પછી જોત જોતામાં સંપૂર્ણ દુનિયાને અદ્લ અને ઈન્સાફથી ભરી દેશે.

શીઆ હઝરાત ઉપરાંત એહલે સુન્નતના ઘણા બુઝુર્ગ આલિમો અને હદીસવેત્તાઓ પણ હઝરત ઈમામ મહદી (અ.સ.) ની વિલાદતમાં માન્યતા ધરાવે છે. તેમાંથી અમુક તો તે લોકો છે કે જેઓએ પોતે હઝરત ઈમામ મહદી (અ.સ.) ની મુલાકાત કરી છે તથા અમુક તો એ છે કે જેમણે હઝરત ઈમામ મહદી (અ.સ.) ના સિલસિલામાં સનદથી રિવાયતોની નોંધ કરી છે. એ વાત સ્પષ્ટ છે કે મુલાકાત તેનાથી જ થઈ શકે અને રિવાયત પણ તેમનાથી જ નોંધી શકાય કે જે પૈદા થઈ ચુકયા હોય અને જીવંત હોય. આ પ્રકારના બનાવો ન ફકત હઝરત ઈમામ મહદી (અ.સ.) ની વિલાદતની દલીલ છે બલ્કે તેમના જીવંત હોવાની પણ દલીલ છે. અહીં નીચે અમુક તે આલિમોના નામો નોંધવામાં આવ્યા છે કે જેઓ હઝરત ઈમામ મહદી (અ.સ.) ની વિલાદતની માન્યતા ધરાવે છે.

(1) અલ્લામા શૈખ શમશુદ્દીન મોહમ્મદ તુલુન દમીશ્કી હનફી

અશ્શઝુરાતુઝ્ ઝહબીય્યહ, પાના નં. 117, પ્રકાશન-બૈત

(2) અલ્લામા કમાલુદ્દીન મોહમ્મદ બીન તલ્હા શાફેઈ

મતાલેબુસ્સોઉલ, પાના નં. 89, પ્રકાશન-તહેરાન

(3) અલ્લામા ઈબ્ને ખલ્લેકાન

વફાયતુલ આઅયાન, ભાગ-1, પાના નં. 571, પ્રકાશન-મિસ્ર

(4) અલ્લામા સિબ્તે ઈબ્ને જવ્ઝી

તઝકેરતુલ ખવાસ, પાના નં. 204, પ્રકાશન-તહેરાન

(5) અલ્લામા ઈબ્ને સબ્બાગે મિસ્રી માલેકી

અલ ફુસુલુલ મોહીમ્મા, પાના નં. 274, પ્રકાશન-ગરી

(6) અલ્લામા મૌલવી મોહમ્મદ મોબીન ફરંગી મોહલી લખનઉ

વસીલતુન નજાત, પાના નં. 420, પ્રકાશન ગુલશન ફૈઝ, લખનઉ

(7) અલ્લામા ઈબ્ને હજર મક્કી

અસ સવાએકુલ મોહર્રેકા, પાના નં. 124

(8) અલ્લામા શબલન્જી

નુલ અબ્સાર, પાના નં. 229, પ્રકાશન-મિસ્ર

(9) અલ્લામા કુન્દુઝી

યનાબીઉલ મવદ્દહ, ભાગ-3, પાના નં. 13, પ્રકાશન-બૈત

(10) અલ્લામા નુદ્દીન અબ્દુર રહેમાન જાઈ

શવાહેદુન નોબુવ્વહ, પાના નં. 21, પ્રકાશન-બગદાદ

બુઝુર્ગ મોહદીસ જ. મીર્ઝા હુસૈન નુરી (ર.અ.) એ પોતાની કિતાબ કશફુલ અસ્તારમાં આવા 40બુઝુર્ગ મરતાબા આલિમોના નામોની નોંધ કરી છે કે જેમણે હઝરત ઈમામ મહદી (અ.સ.) ના બારામાં ચર્ચા કરી છે. આયતુલ્લાહિલ ઉઝમા જ. આકાએ લુત્ફુલ્લાહ શાફીએ પોતાની કિતાબ નવીદે અમ્નો અમાનમાં એહલે સુન્નતના 77આલિમો અને હદીસવેત્તાઓના નામોની નોંધ કરી છે કે જેમણે હઝરત ઈમામ મહદી (અ.સ.) ની વિલાદતનું વર્ણન કર્યુ છે.

(નવીદે અમ્નોઅમાન, પાના નં. 416-418)

શૈખ અબ્દુલ વહહાબ શેઅરાનીએ પોતાની કિતાબ લવાકેહુલ અન્વાર ફી તબકાતીલ અખ્યાર, ભાગ-2, પાના નં. 139ઉપર જ. શૈખ હસન અરાકીના વર્ણન હેઠળ હઝરત ઈમામ મહદી (અ.સ.) થી શૈખ હસનની મુલાકાતનું વર્ણન કર્યુ છે.

જ. શૈખ વલીય્યુલ્લાહ દહલવીએ પોતાની કિતાબ અલ ફઝલુલ મોબીનમાં પોતાની સનદના સિલસિલા થકી હઝરત હુજ્જત ઈબ્નીલ હસન અલ અસ્કરી ઈમામ મહદી (અ.સ.) થી અને તેમણે પોતાના બાપ-દાદાઓ થકી હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની આ રિવાયતની નોંધ કરી છે કે જેમાં અલ્લાહ તબારક વ તઆલા ફરમાવે છે:

اِنِّیْ  اَنَا  اﷲُ لَا اِلٰہَ  اِلَّا  اَنَا  مَنْ  اَقَرَّ لِیْ  بِالتَّوْحِیْدِ  دَخَلَ  حِصْنِیْ  وَ  مَنْ  دَخَلَ  حِصْنِیْ  اَمِنَ  عَذَابِیْ

‘હું અલ્લાહ છું, મારા સિવાય કોઈ મઅબુદ નથી, જેણે મારી તવહીદનો એકરાર કર્યો તે મારા કિલ્લામાં દાખલ થઈ ગયો અને જે મારા કિલ્લામાં દાખલ થઈ ગયો તે મારા અઝાબથી સુરક્ષિત થઈ ગયો.’

(ઈસ્તીખ્રાજુલ મરામ, ભાગ-1, પાના નં. 202-203)

હઝરત ઈમામ અલી રેઝા (અ.સ.) એ આ રિવાયતની સ્પષ્ટતા આ રીતે બયાન ફરમાવી છે કે ઈમામતના અકીદાની સાથે તવહીદનો એકરાર અઝાબથી નજાતનું કારણ છે.

એ વાત વિચારવા જેવી છે કે શાહ વલીય્યુલ્લાહ દહલવીના ફરઝંદ શાહ અબ્દુલ અઝીઝે જેણે શીઆ મઝહબની ખિલાફમાં કિતાબ તોહફએ ઈસ્નાઅશરી લખી છે. તેણે ઉપરોકત રિવાયત પોતાની કિતાબમાં પોતાના વાલિદથી નોંધી છે.

ઈબ્ને હજરે મક્કીની ગણતરી પણ તે લોકોમાં થાય છે કે જેઓને શીઆ મઝહબથી એક ખાસ દુશ્મનાવટ હતી પરંતુ તેણે તેની કિતાબ સવાએકુલ મોહર્રેકામાં હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) ના વર્ણન પછી લખ્યું છે કે:

لَمْ  یُخَلِّفْ  غَیْرَ وُلْدِہٖ اَبِیْ  الْقَاسِمِ مُحَمَّدٍ الْحُجَّۃِ وَ عُمْرُہٗ عِنْدَ وَفَاۃِ اَبِیْہِ خَمْسُ سِنِیْنَ لٰکِنَّ اٰتَاہُ اﷲُ فِیْہَا الْحِکْمَۃَ

‘હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) ને ફકત એક ફરઝંદ હતા જેમનું નામ અબુલ કાસિમ મોહમ્મદ હુજ્જત છે. તેમના વાલિદની વફાતના સમયે તેમની વય પાંચ વર્ષની હતી પરંતુ અલ્લાહ તઆલાએ તેમને તે વયમાંજ હિકમત અતા ફરમાવી હતી.’

અલ્લાહમા સિબ્તે ઈબ્ને જવ્ઝીએ પોતાની કિતાબ તઝકેરતુલ ખવાસમાં કાયદેસર એક આખુ પ્રકરણ હઝરત ઈમામ મહદી (અ.સ.) થી મખ્સુસ કર્યુ છે.

فَصْلَ: ہُوَ مُحَمَّدُ بْنُ حَسَنِ بْنِ عَلِیِّ بْنِ مُحَمَّدٍ عَلِیٍّ بْنِ مُوْسٰی الرِّضَا بْنِ جَعْفَرٍ بْنِ مُحَمَّدٍ بْنِ عَلِیٍّ بْنِ الْحُسَیْنٍ بْنِ عَلِیٍّ بْنِ اَبِیْ طَالِبٍ عَلَیْہِمُ السَّلَامُ کُنْیَتُہٗ اَبُوْ عَبْدِ اﷲِ وَ اَبُوْ الْقَاسِمِ  وَ ہُوَ  الْخَلَفُ  الْحُجَّۃُ  صَاحِبُ  الزَّمَانِ  الْقَائِمُ  وَ  الْمُنْتَظَرُ

‘તે મોહમ્મદ બીન હસન અલ અસ્કરી ઈબ્ન અલી નકી ઈબ્ન મોહમ્મદ તકી ઈબ્ન અલી રેઝા ઈબ્ન મુસા કાઝિમ ઈબ્ન જઅફર સાદિક ઈબ્ન મોહમ્મદ બાકિર ઈબ્ન અલી ઝયનુલ આબેદીન ઈબ્ન હુસૈન ઈબ્ન અલી ઈબ્ન અબી તાલીબ છે. તેમની કુન્નીય્યત અબુ અબ્દીલ્લાહ અને અબુલ કાસિમ છે. તેઓજ હુજ્જત છે, સાહેબુઝઝમાન છે અને અલ કાએમુલ મુન્તઝર છે.’

સિબ્તે ઈબ્ને જવ્ઝીએ ન ફકત હઝરત ઈમામ મહદી (અ.સ.) ની વિલાદતનું વર્ણન કર્યુ છે બલ્કે સંપૂર્ણ વંશાવળીનું પણ વર્ણન કર્યુ છે. શું આ સ્પષ્ટ દલીલો પછી પણ હઝરત ઈમામ મહદી (અ.સ.) ની વિલાદતમાં કોઈ શંકા બાકી રહી જાય છે ?

અગર કોઈ શખ્સ એટલી હદે પક્ષપાતી વલણ ધરાવતો હોય અને કોઈપણ વાતનો સ્વીકાર કરવા તૈયાર ન હોય તો શું તે વ્યકિત હઝરત ઈમામ મહદી (અ.સ.) ની મુલાકાતના તમામ બનાવોને જુઠલાવી શકે છે, જે દરેક ઝમાનાના આલિમો અને ઈતિહાસકારોએ નોંધ્યા છે અને આ સિલસિલો આજ સુધી ચાલુ છે. ઈમામે ઝમાનાને મળવાની તક ફકત આલિમોને જ નહિં બલ્કે સામાન્ય લોકોને પણ મળી છે અને તેઓની સંખ્યા આલિમો કરતાં વધારે છે. ગયબતના ઝમાનામાં ઈમામે ઝમાનાને મળવાનું સદ્‌ભાગ્ય અને શરફ ગૈરશીઆને પણ મળ્યું છે.

આ સમયે આપણી જવાબદારી છે કે આપણે ઈમામ (અ.સ.) ના ઝુહુરનો ઈન્તેઝાર કરીએ અને પોતાની ઝાતને તે ખુસુસીયાતોથી સુસજ્જ કરીએ કે જે ઈમામ (અ.સ.) ના અન્સારોની ખુસુસીયાતો વર્ણવવામાં આવી છે. જેથી ઝુહુરના સમયે આપણે હઝરત ઈમામ મહદી (અ.સ.) ના મુખલીસ અને વફાદાર ગુલામોમાં શામેલ થઈ શકીએ. આમીન યા રબ્બલ આલમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *