નૂરનો ઉદય (ઝુહુરથી પહેલા)

Print Friendly, PDF & Email

صَلَّی اﷲُ عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا           بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

નૂરનો ઉદય  (ઝુહુરથી પહેલા)

ખુદાવંદે આલમની રહમત:

ખુદાવંદે આલમે ઈન્સાનોની હિદાયત માટે, ગુમરાહીથી નજાત માટે, ચારિત્ર્યની સંપૂર્ણતા માટે, દુનિયા અને આખેરતમાં ખુશબખ્ત અને કામ્યાબ ઝીંદગી પસાર કરવા માટે અંબિયા અને રસુલોને મોકલ્યા. જ્યારે આ રિસાલત અને નબુવ્વતનો સિલસિલો હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની પવિત્ર ઝાત ઉપર સંપૂર્ણ થઈ ગયો તો ખુદાવંદે આલમે તેની સંપૂર્ણ રહમત થકી ઈમામત અને વિલાયતના સ્વરૂપે આ સિલસિલાને જારી રાખ્યો કે જેથી દુનિયા કયારેય પણ ઈલાહી અને આસ્માની રેહબરોથી ખાલી ન રહે તથા ઈન્સાનની હિદાયતના માધ્યમો ઉપલબ્ધ રહે.

પરંતુ ઈન્સાને આ ઈલાહી રેહબરો અને ઈન્સાનીય્યતની કેળવણી કરનારાની કોઈ કદરો કિંમત ન જાણી અને ન તો કુરઆને કરીમને યોગ્ય સ્થાન આપ્યું. કુરઆને કરીમના જાહેરી શબ્દોને દિમાગમાં સુરક્ષિત રાખ્યા અને તેના અર્થો અને વસ્તુવિચારોનું મન ફાવે તેમ તફસીર અને તાવીલ કરી. તેના જાહેરનું તો રક્ષણ કર્યુ પરંતુ તેની રૂહને પાયમાલ કરી. આ રીતે ઈલાહી રેહબરોથી ફાયદો ઉઠાવવાના બદલે, તેઓના કથનોની રોશનીમાં પોતાની દિન અને દુનિયા શણગારવાના બદલે, શયતાન અને શયતાની ખાસિયતોને અનુસરીને તે નૂરાની અને આસ્માનીઓ હસ્તીઓ ઉપર અલગ અલગ પ્રકારના અત્યાચાર ગુજારવામાં આવ્યા, દરરોજ એક નવા ઝુલ્મનો પાયો નાખવામાં આવ્યો, અદ્લ અને ઈન્સાફની બદલે ઝુલ્મ અને અત્યાચારનો રસ્તો પસંદ કરવામાં આવ્યો. તે અયોગ્ય અને ખોટી પસંદગીનું પરિણામ એ આવ્યું કે દુનિયા ઝુલ્મ અને અત્યાચારથી ભરાઈ ગઈ, ફસાદ અને તબાહી સામાન્ય થઈ ગયા, દુનિયામાંથી અમ્ન અને શાંતિ ગાએબ થઈ ગઈ, અખ્લાક અને ચારિત્ર્યથી દુનિયા ખાલી થઈ ગઈ, સ્વાર્થીપણુ અને ખુદપરસ્તી સામાન્ય બની ગઈ, રૂહાનિય્યત પ્રાચીન બની ગઈ અને એકબીજાના હક્કોનું ધ્યાન રાખવું તે ભૂતકાળની વાતો થઈ ગઈ.

ઈન્સાનની નાકદરી:

આ નાકદરીઓનું પરિણામ હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) ની ગયબતના સ્વરૂપે જાહેર થયું. ઈન્સાન પોતાના ઈમામ, રેહબર, મુરબ્બી, વલી, સરદાર,…. ની પ્રત્યક્ષ અને રૂબરૂ ઝિયારત અને મુલાકાતથી વંચિત થઈ ગયો. ગયબતનો સમયગાળો કસોટીઓની સાથે શરૂ થયો. મઅસુમીન (અ.સ.)ની દીર્ધ દ્રષ્ટિ વર્તમાનના અરીસામાં ભવિષ્યને જોઈ રહી હતી. તેઓ જોઈ રહ્યા હતા કે સતત થતી નાકદરીઓ તેમજ ઝુલ્મ અને અત્યાચારના આધારે છેલ્લા ઈમામ (અ.સ.)ને અલ્લાહ તઆલાના હુકમથી ગયબત ધારણ કરવી પડશે. જ્યારે ઈમામતનો સૂરજ ગયબતના વાદળોમાં છુપાય જશે ત્યારે ચોતરફ અંધકાર ફેલાય જશે. આપણા છઠ્ઠા ઈમામ હઝરત જઅફર સાદિક (અ.સ.) એ ગયબતના ઝમાનાની પરિસ્થિતિ આ રીતે બયાન ફરમાવી છે:

ઝમાનાની પરિસ્થિતિ:

‘જ્યારે ઝુલ્મ અને અત્યાચાર ચોતરફ સામાન્ય બની જાય, કુરઆને કરીમને ભુલાવી દેવામાં આવે, લોભ અને લાલસાના પ્રકાશમાં તેની તફસીર થવા લાગે, બાતિલ લોકો હક્કવાળા લોકો ઉપર વર્ચસ્વ હાંસિલ કરી લ્યે, ઈમાનદાર લોકો ખામોશી ધારણ કરી લ્યે, સંબંધો તુટી જાય, ચાપલુસી અને ખુશામત સામાન્ય બની જાય, નેકી અને ભલાઈના રસ્તાઓ ખાલી થઈ જાય, બુરાઈના રસ્તાઓ ઉપર ભીડ વધી જાય, હલાલ હરામ થઈ જાય અને હરામ હલાલ થઈ જાય, જ્યારે અલ્લાહના નાપસંદ રસ્તે મૂડી ખર્ચ થતી હોય, હુકુમતના નોકરોમાં રિશ્વત સામાન્ય હોય. અખ્લાક અને ચારિત્ર્યને બરબાદ કરનારી તત્પરતા એટલી હદે સામાન્ય થઈ જાય કે કોઈપણ તેને રોકવાની હિમ્મત ન કરી શકે, કુરઆને કરીમની વાસ્તવિકતા સાંભળવી ભારે લાગતી હોય અને બાતિલને મજા લઈ લઈને સાંભળવામાં આવતું હોય, અલ્લાહ સિવાય બીજા માટે હજ્જ કરવામાં આવતી હોય, દિલ પથ્થર થઈ ગયા હોય, લોકોને અમ્ર બિલ મઅરૂફથી રોકવામાં આવી રહ્યા હોય અને કહેવામાં આવતું હોય કે તે તમારી જવાબદારી નથી, દરેક વર્ષે એક નવો ફીત્નો અને નવી બિદઅત ઉપસ્થિત થતી હોય.

જ્યારે પરિસ્થિતિ આ પ્રકારે થઈ જાય તો તમારી ખાસ સંભાળ રાખજો અને ખુદાવંદે આલમની બારગાહમાં તે પરિસ્થિતિથી નજાત મેળવવાની દોઆ કરજો.’

(કાફી, ભાગ-૮, પાના નં. ૩૮, હદીસ નં. ૭)

ઉપરોકત હદીસ ઉપર ધ્યાન આપવામાં આવે અને આપણી આજુ-બાજુના વાતાવરણને તપાસીએ તો જાણે એમ લાગે છે કે હદીસમાં આપણાજ ઝમાનાની પરિસ્થિતિનું બયાન કરવામાં આવ્યું છે અને આપણી જ દાસ્તાન છે.

દિવાઓ પ્રકાશીત છે:

        પરંતુ તેનો અર્થ એવો પણ નથી કે દુનિયામાંથી નેકી અને ભલાઈ તદ્ન વિદાય થઈ ગઈ છે અને કયાંય પણ કોઈ નેકી કે સારપ બાકી નથી. નહિં, હરગિઝ તેમ નથી. બલ્કે આ ઝુલ્મ અને અત્યાચારના ઝમાનામાં એવા પણ લોકો છે કે જેઓ પોતાના દિન અને ઈમાનને બચાવીને બેઠા છે અને અલ્લાહ તઆલાને કરેલા વાયદા અને વચન ઉપર સાબિત કદમ છે. આ લોકો જ તે ઝમાનાની સર્વશ્રેષ્ઠ મખ્લુક અને અલ્લાહના મુખ્લીસ બંદાઓ છે. તેઓનું ઈમાન દુનિયાને ઈમાનદારીની ઝીંદગી જીવવા તરફ દઅવત આપી રહ્યું છે. આ લોકો આ ઝમાનામાં પણ તેઓની જવાબદારીઓ અદા કરી રહ્યા છે અને દિલો જાનથી પોતાના રેહબરનો ઈન્તેઝાર કરી રહ્યા છે.

સ્વતંત્રતા કે જવાબદારી:

        આખરી ઝમાનાની જ્યારે વાત થાય છે ત્યારે ઝુલ્મ, અત્યાચાર, બેદિની વિગેરે… ની વાત થાય છે અને સાથો સાથ એક એહસાસ એ પણ થાય છે કે આ ઝમાનામાં આપણી કોઈ ખાસ મહત્ત્વની જવાબદારી નથી અને એક દિવસ એવો જરૂર આવશે કે પરિસ્થિતિ આપમેળે સારી થઈ જશે. હઝરત વલી એ અસ્ર (અ.સ.)ના ઝુહુરની પૂર્વભૂમિકા આપમેળે ઉપલબ્ધ થઈ જશે અને ઈમામે ઝમાના (અ.સ.) અલ્લાહ તઆલાના હુકમથી જાહેર થશે અને દુનિયાને અદ્લ અને ઈન્સાફથી ભરી દેશે તેમજ આપણે તે સમયે ઈન્શાઅલ્લાહ ઈમામ (અ.સ.)ના સાથીદારો અને મદદગારોમાં શામેલ થઈ જશું. શું ખરેખર આમ જ છે? શું આ ગયબતના ઝમાનામાં ઝુહુર સંબંધિત આપણી કોઈ ખાસ મહત્ત્વની જવાબદારી નથી? જ્યારે સમય આવશે ઝુહુર થઈ જશે અને તેમાં આપણી કોઈ દખલ નથી? શું આપણે આપણા અખ્લાક અને ચારિત્ર્ય વડે આપણા ઈમામ (અ.સ.)ના ઝુહુર માટે ઝમીન તૈયાર કરી શકતા નથી? કે પછી બધું જ મોઅજીઝહના સ્વરૂપે થશે અને આંખના પલકારામાં બધાજ તબક્કાઓ સર થઈ જશે.

રિવાયતોથી જાણવા મળે છે કે આ માન્યતા એ કંઈ નવી માન્યતા નથી. બશીર નબ્બાલની રિવાયત છે:

જ્યારે હું મદીના આવ્યો. હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)ની ખિદમતમાં હાજર થયો અને અર્ઝ કરી કે: ‘લોકો એમ કહે છે કે જ્યારે ઈમામ મહદી (અ.સ.) કયામ કરશે ત્યારે બધાજ કામો આપમેળે થઈ જશે, ત્યાં સુધી કે કોઈએ કંઈપણ તોડવું પડશે નહિં.’

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું:

‘તેની કસમ જેના કબ્જામાં મારી ઝીંદગી છે. અગર તમામ પૂર્વભૂમિકા પોતાની મેળે થઈ જતે તો હ. રસુલે ખુદા (સ.અ.વ.) માટે થઈ જતે. જ્યારે કે આપના દાંત શહીદ થયા, આપનો પવિત્ર ચહેરો ખુનથી રંગીન થયો. નહિં, હરગીઝ એવું નહિં થશે.

તેની કસમ જેના કબ્જામાં મારી ઝીંદગી છે. આ ત્યાં સુધી નહિં થાય જ્યાં સુધી હું અને તમે પોતાના કપાળેથી પસીનો અને ખુન સાફ ન કરીએ. ત્યારે ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)એ પોતાના કપાળ ઉપર હાથ ફેરવ્યો.’

(અલ ગયબતે નોઅમાની, પ્રકરણ-૧૫, પાના નં. ૨૮૪, હદીસ નં. ૨)

આ હદીસથી તદ્ન સ્પષ્ટ થઈ જાય છે કે બધી બાબતો આસાનીથી નહીં થઈ જશે. ઝુહુર માટે ઝમીન તૈયાર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને સખત મુશ્કેલીઓ સહન કરવી પડશે. આ વાત તો બિલ્કુલ સ્પષ્ટ છે કે મકસદ અને હેતુ જેટલો બલંદ અને વિશાળ હશે તેની પ્રાપ્તિ પણ તેટલીજ મુશ્કેલ અને સખત હશે. અગર મકસદને પ્રાપ્ત કરવો પ્રિય હશે તો મુશ્કેલીઓ સહન કરવી પણ જરૂરી છે. હઝરત વલી એ અસ્ર (અ.સ.) ના પૂરનૂર ઝુહુરનો મકસદ દુનિયાના કોઈ એક ખૂણા કે પ્રદેશમાં અદ્લ અને ઈન્સાફ ફેલાવવાનો નથી, ફકત કોઈ એક ઝાલિમ કે અત્યાચારને નાબુદ કરવાનો નથી બલ્કે તેઓ સંપૂર્ણ કાએનાતને અદ્લ અને ઈન્સાફથી ભરી દેશે અને દરેક ઝાલિમ અને અત્યાચારીને નિસ્તો નાબુદ કરી દેશે અને શયતાન અને શયતાની ખાસિયતોનો ખાત્મો કરશે. સ્પષ્ટ વાત છે કે જ્યારે મકસદ આટલો મહાન છે કે જે તમામ નબીઓ અને રસુલોની બેઅસતનો મકસદ છે તો તે મકસદ ફકત આખરી ઈમામ (અ.સ.)નો મકસદ નથી બલ્કે તમામ નબીઓ અને રસુલોની બેઅસતનું પરિણામ છે. તો તેને હાસિલ કરવું અને વિશ્વવ્યાપી હુકુમત માટે ઝમીન તૈયાર કરવી આસાન નહિં હશે. અબુ હમ્ઝા સોમાલીથી રિવાયત છે કે હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) એ ફરમાવ્યું:

‘જ્યારે સાહેબુલ અમ્ર (હઝરત ઈમામ મહદી અ.સ.)નો ઝુહુર થશે ત્યારે તેઓને એવાજ પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડશે જે હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) સમક્ષ ઉપસ્થિત થતા હતા. બલ્કે તેનાથી પણ વધારે મુશ્કેલ અને સખત.’

(અલ ગયબતે નોઅમાની, પ્રકરણ-૧૭, પાના નં. ૨૯૭)

આથી આ ગયબતના ઝમાનામાં જ્યાં ચોતરફ ઝુલ્મ અને અત્યાચાર, કત્લ અને ખુનામરકી, અશાંતિ અને આતંકવાદ, કુફ્ર અને નાસ્તિકતા તેમજ બેદિની અને લાપરવાહી છે. ત્યાં એવા લોકોનું હોવું પણ જરૂરી છે કે જે હઝરત વલીએ અસ્ર (અ.સ.)ના ઝુહુર માટે ઝમીન તૈયાર કરી રહ્યા હોય, જેઓ હઝરત (અ.સ.)ની મોહબ્બતની ખાતીર દરેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરી રહ્યા હોય. કારણકે આ ગયબતનું કારણ ખુદા અને ઈમામ નથી બલ્કે ઈન્સાનોની નાકદરી અને તૈયારીનો અભાવ છે.

જ્યારે હઝરત ઈમામ મહદી (અ.સ.)નો ઝુહુર થશે ત્યારે તમામ ઈસ્લામી એહકામોનું અમલીકરણ થશે, તમામ હદો જારી કરવામાં આવશે. આ સમયે ગયબતના ઝમાનામાં તે તમામ હુકમો લાગુ કરવામાં નથી આવી રહ્યા અને તમામ હદો જારી કરવામાં નથી આવી રહી. અગર ગયબતનું કારણ ખુદા અને ઈમામ હોય તો શું મઆઝલ્લાહ મઆઝલ્લાહ ખુદા અને ઈમામ નથી ચાહતા કે તમામ હુકમો લાગુ થાય? નહિં, હરગિઝ તેમ નથી. તેનો અર્થ એમ છે કે ગયબત અને ઝુહુરમાં મોડું થવાનું કારણ આપણે છીએ. આપણે તેમના ઝુહુર માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી.

(મુન્તખબુલ અન્વારૂલ મોઝીઅહ, પાના નં. ૧૩૮-૧૩૯)

ઈન્કલાબના પાયાઓ:

હઝરત ઈમામ મહદી (અ.સ.)ના વિશ્વવ્યાપી ઈન્કલાબ અને હુકુમત માટે ચાર બાબતો જરૂરી છે.

૧.કાનૂન

૨.રેહબર

૩.મદદગારો અને

૪.સર્વસામાન્ય તૈયારી

૧.કાનૂન:

વિશ્વવ્યાપી ઈન્કલાબ અને વિશ્વવ્યાપી હુકુમત માટે એક સંપૂર્ણ વિસ્તૃત કાનૂનની જરૂરત છે કે જેમાં દરેક મસઅલાઓના ઉકેલનું વર્ણન કરવામાં આવ્યું હોય. તેમએવો ઉકેલ કે જે ફીત્રત અને હકીકતને અનુસાર હોય, જેમાં વ્યકિતગત અને સામૂહિક તમામ હક્કોનું કાયદેસર રીતે ધ્યાન રાખવામાં આવ્યું હોય.

કુરઆને કરીમ અને મઅસુમીન (અ.મુ.સ.)ની તઅલીમાત ઈન્સાનની ઝીંદગી માટે સર્વશ્રેષ્ઠ કાનૂન છે. તેનાથી વધીને કોઈ કાનૂનની જરૂરત નથી. આ તે તઅલીમાત છે કે જેમાં ઈન્સાનની ઝીંદગીના દરેક પાસાઓનો સવિસ્તાર ખ્યાલ રાખવામાં આવ્યો છે, દુન્યવી અને ઉખ્રવી કામ્યાબીની ખાત્રી પુરી પાડવામાં આવી છે, ભૌતિક અને રૂહાની જરૂરીયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. આ કાનૂન તેની બધીજ ખાસિયતો અને વિગતોની સાથે હઝરત વલી એ અસ્ર (અ.સ.) પાસે મૌજુદ છે. દુન્યવી કાનૂનોમાં સતત ફેરફાર થતો રહેવો તે વાતની દલીલ છે કે ઈન્સાનના બનાવેલા કાનૂનો ન તો ઈન્સાનની મુશ્કેલીઓનો ઉકેલ છે અને ન તો નેકબખ્તી અને સફળતાની બાંહેધરી છે. આથી વિશ્વવ્યાપી ઈન્કલાબ અને હુકુમત માટે જરૂરી સર્વશ્રેષ્ઠ કાનૂન મૌજુદ છે.

૨.રેહબર:

દરેક ઈન્કલાબ માટે એક રેહબરનું હોવું જરૂરી છે. ઈન્કલાબથી સંબંધિત રેહબરનું મહાન હોવું પણ જરૂરી છે. આખી દુનિયામાંથી ઝુલ્મ અને અત્યાચારનો ખાત્મો તથા અદ્લ અને ઈન્સાફની સ્થાપના માટે એક એવા અઝીમુશ્શાન રેહબરની જરૂરત છે કે જે દુનિયાના દરેક મસઅલાઓથી સારી રીતે માહિતગાર હોય અને તમામ લોકો માટે અત્યંત રહેમદિલ હોય.

હઝરત ઈમામ મહદી (અ.સ.) તમામ નબીઓ અને રસુલોની ખાસિયતોનો સંગ્રહ છે, ગય્બની દુનિયા સાથે તેમનો સંપર્ક છે, સંપૂર્ણ દુનિયા તેમની નજરોની સામે છે. હઝરત પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ફરમાવે છે કે:

‘જાણી લ્યો કે મહદી તમામ નબીઓના ઈલ્મના વારીસ છે અને તમામ કાર્યો ઉપર તેમની નજર છે.’

(અલ નજમુસ સાકીબ, પાના નં. ૧૯૩)

રિવાયતોમાં હઝરત ઈમામ મહદી (અ.સ.)ની જે સિફતો અને ખુસુસીયાતો બયાન કરવામાં આવી છે તેની રોશનીમાં નબીઓ અને રસુલો તેમજ અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની દરમ્યાન ઈમામ મહદી (અ.સ.)ને એક ખાસ મરતબો અને મકામ હાસિલ છે, તે આધારે તેમનાથી સર્વશ્રેષ્ઠ કોઈ રેહબરની કલ્પના પણ કરી શકાતી નથી.

આથી વિશ્વવ્યાપી ઈન્કલાબ અને હઝરત ઈમામ મહદી (અ.સ.)ના ઝુહુર અને હુકુમત માટે બે બાબતો તેની તમામ ખૂબીઓની સાથે મૌજુદ છે. બાકીની બીજી બે બાબતો તેવી છે જેનો સંબંધ આપણાથી છે અને તે આપણે તૈયાર કરવાની છે. આ બે બાબતો જેટલી વહેલા ઉપલબ્ધ થશે ઝુહુર માટે ઝમીન તેટલી જ વહેલા તૈયાર થઈ જશે. તે સંદર્ભમાં આપણી કોતાહી અને આળસ ઝુહુરમાં મોડું થવાનું કારણ બની શકે છે.

૩. મદદગારો અને સાથીદારો:

આ વાત બયાન થઈ ચૂકી કે દરેક પૂર્વભૂમિકાઓ આપમેળે ઉપલબ્ધ નહિં થાય. આ આધારે વિશ્વવ્યાપી ઈન્કલાબ માટે તેવાજ ઉચ્ચ કોટિના મદદગારો અને સાથીદારોની જરૂરીયાત છે. કુરઆને કરીમમાં જનાબે લુત (અ.સ.)ના કિસ્સામાં જોવા મળે છે કે જ્યારે તેઓની કૌમે તેમને સતાવ્યા તો તેમણે પોતાની કૌમના મુકાબલામાં ફરમાવ્યું:

قَالَ  لَوْ  اَنَّ  لِیْ  بِکُمْ  قُوَّۃً  اَوْ  اٰوِیْ  اِلٰی  رُکْنٍ  شَدِیْدٍ

“તેમણે કહ્યું કે કાશ મારી પાસે કોઈ એવી શકિત હોત અથવા કોઈ મઝબુત આશ્રયસ્થાન.

(સુરએ હુદ-૧૧, આયત નં. ૮૦)

તેનો મતલબ એમ થાય કે ઝુલ્મ અને અત્યાચાર સામે લડવા માટે વ્યકિતગત શકિતનું હોવું જરૂરી છે.

તેવી જ રીતે હઝરત ઈસા (અ.સ.) એ ફરમાવ્યું છે:

مَنْ  اَنْصَارِیْ  اِلَی  اﷲِ

“અલ્લાહની રાહમાં મારો મદદગાર કોણ છે?

તેના જવાબમાં હઝરત ઈસા (અ.સ.)ના હવારીઓએ કહ્યું:

نَحْنُ  اَنْصَارُ  اﷲِ

“અમે અલ્લાહની રાહમાં મદદ કરનારાઓ છીએ.

(સુરએ સફ-૬૧, આયત નં. ૧૪)

હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) એ જ્યારે તેમની પત્નિઓને એક રહસ્યની વાત જણાવી કે જેને તેણીઓએ જાહેર કરી દીધી. ત્યારે ખુદાવંદે આલમે હઝરત પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ને આ રીતે સહાયતા પહોંચાડી કે:

وَ  اِنْ  تَظٰہَرَا  عَلَیْہِ  فَاِنَّ  اﷲَ  ہُوَ  مَوْلٰہُ  وَ جِبْرِیْلُ وَ  صَالِحُ  الْمُؤْمِنِیْنَ  ج  وَالْمَلٰٓئِکَۃُ  بَعْدَ  ذٰلِکَ  ظَہِیْرٌ

“અગર આ પત્નિઓ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વિરૂધ્ધ કોઈ પગલું ભરે તો ચોક્કસ અલ્લાહ તેમનો મદદગાર છે અને સહાયક છે અને જીબ્રઈલ અને નેક કાર્યો કરનારા મોઅમિનો અને મલાએકા તેમના મદદગાર અને સહાયક છે.

(સુરએ તહરીમ-૬૬, આયત નં. ૪)

શીઆ અને સુન્ની તફસીરકારો એ વાત ઉપર એકમત છે કે ‘સાલેહુલ મોઅમેનીન’ ‘નેક કાર્યો કરનારા મોઅમિનો’થી મુરાદ ‘હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)’ છે.

આનાથી એ સ્પષ્ટ થાય છે કે જ્યારે સુધારણાના ડગલા માંડવામાં આવશે તો જર વિરોધ થશે અને દુશ્મનો જર જાગૃત થશે. આ આધારે સહાયક અને મદદગારોની જરૂરત પડશે. આ સહાયકો અને મદદગારો જેટલી હદે ઈમાનદાર, બાઅમલ, સારા ચારિત્ર્ય ધરાવનારા અને વફાદાર હશે તેટલીજ કામ્યાબીની શકયતા સ્પષ્ટ અને ચોક્કસ હશે અને જેટલી હદે સહાયકો અને મદદગારોની સંખ્યા ઓછી હશે તેટલીજ કામ્યાબીની શકયતાઓ પણ ઓછી હશે.

હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) એ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને ફરમાવ્યું:

‘અય અલી! નજીકમાંજ કુરૈશ તેઓના છુપાએલા બુગ્ઝ અને દુશ્મનીને જાહેર કરી દેશે અને તમારા વિરોધમાં બધા એક થઈ જશે અને બધા મળીને તમારી ઉપર ઝુલ્મ અને અત્યાચાર કરશે. તે સમયે અગર તમારી પાસે (સંખ્યાના આધારે પુરતા) સહાયક અને મદદગારો મૌજુદ હોય તો તેઓથી જેહાદ કરજો, તેઓનો સામનો કરજો અને અગર સહાયક અને મદદગાર ઉપલબ્ધ ન હોય તો ખામોશ રહેજો અને તમારી જાનનું રક્ષણ કરજો અને શહાદતની ખુશબખ્તી તો તમારી વાટ જુએ છે.

અને હા, તમારી ઉપર ઝુલ્મ કરનારાઓ અને તમારી ઔલાદ અને તમારા દોસ્તો ઉપર અત્યાચાર કરનારાઓથી મારો ફરઝંદ (મહદી અ.સ.) ઈન્તેકામ લેશે અને આખેરતમાં ખુદા તેઓને સખત અઝાબમાં મુબ્તેલા કરશે.’

(ચેહલ હદીસે ગયબત, ફઝલ બીન શાઝાન, પાના નં. ૪૧)

હઝરત ઈમામ હુસૈન (અ.સ.) એ તેમના વફાદાર સહાબીઓની પ્રસંશા આ રીતે બયાન ફરમાવી છે:

فَاِنِّیْ  لَا  اَعْلَمُ  اَصْحَابًا  اَوْفٰی  وَ  لَا  خَیْرًا  مِنْ  اَصْحَابِیْ

‘મેં મારા સહાબીઓ જેવા વફાદાર અને નેક સાથીઓ નથી જોયા.’

(મવસુઅતો કલેમાતીલ ઈમામ હુસૈન અ.સ., પાના નં. ૩૯૪)

હ. ઈમામ હુસૈન (અ.સ.) એ જે પગલા ઉપાડયા તેનું એક કારણ વફાદાર અસ્હાબની મૌજુદગી હતી. હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.), હઝરત ઈમામ હસન (અ.સ.) અને બાકી બીજા ઈમામો (અ.મુ.સ.) ની ખામોશી અને કયામ ન કરવાનું એક કારણ વફાદાર સાથીઓનો અભાવ હતો. નીચે આપેલા બનાવ ઉપરથી તેનો અંદાજ ખૂબજ સારી રીતે લગાવી શકાય છે.

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ના એક સહાબી જ. સહલ બિન હસન ખુરાસાનીએ ઈમામ (અ.સ.)ની ખિદમતમાં અર્ઝ કરી:

‘શું કારણ છે કે તમે તમારો હક્ક (હુકુમત) મેળવવા માટે કયામ નથી કરતા. જ્યારે કે એક લાખ શીઆઓ હાથોમાં તલ્વારો લઈને તમારી મદદ કરવા માટે હાજર છે.

તે સમયે ત્યાં એક તંદુર હતું કે જેમાં આગ સળગી રહી હતી. ઈમામ (અ.સ.) એ સહલને ફરમાવ્યું: ‘અય ખુરાસાની! આ તંદુરમાં બેસી જાવ.’

સહલને એમ થયું કે ઈમામ (અ.સ.) તેનાથી નારાઝ થઈ ગયા છે. આથી તે ઈમામ (અ.સ.) પાસે માફી માગવા લાગ્યા અને કહ્યું કે આકા મને માફ કરો અને મને આગના અઝાબની સજા ન આપો.

ઈમામ (અ.સ.) એ તેમને માફ કરી દીધા.

તે દરમ્યાન ઈમામ (અ.સ.) ના સાચા શીઆ જનાબે હારૂન મક્કી ત્યાં આવી પહોંચ્યા અને સલામ કરી, ઈમામ (અ.સ.) એ સલામનો જવાબ આપ્યો પછી ફરમાવ્યું: ‘આ તંદુરમાં બેસી જાવ.’

જનાબે હારૂન તરતજ તે તંદુરમાં બેસી ગયા.

તે સમય દરમ્યાન ઈમામ (અ.સ.) એ ખુરાસાનની વાતો બયાન કરવાનું શરૂ કર્યુ અને જાણે એમ લાગતું હતું કે ઈમામ (અ.સ.) ખુદ ખુરાસાનમાં મૌજુદ છે. થોડીવાર પછી ઈમામ (અ.સ.) એ ખુરાસાનીને કહ્યું કે જરા તંદુરમાં તો જુઓ. ખુરાસાનીએ જ્યારે તંદુરમાં નજર કરી તો જોયું કે જનાબે હારૂને મક્કી આરામથી તંદુરમાં બેઠા છે.

ત્યારે ઈમામ (અ.સ.) એ ખુરાસાનીને પુછયું કે ‘ખુરાસાનમાં હારૂન જેવા કેટલા લોકો છે?’

ખુરાસાનીએ જવાબ આપ્યો કે અલ્લાહની કસમ! આવો તો કોઈ એક પણ નથી.

ત્યારે હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.) એ ફરમાવ્યું:

‘જ્યાં સુધી પાંચ સહાયક અને મદદગાર નહિં હોય અમે  કયામ કરશું નહિં. અમે ખુબ સારી રીતે જાણીએ છીએ કે કયામ માટે કયો સમય યોગ્ય છે.’

(સફીનતુલ બેહાર, ભાગ-૮, પાના નં. ૬૮૧)

સમયથી પહેલા પગલા લેવા અને કયામ કરવાના સંબંધમાં હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)ની આ રિવાયત કેટલી બલાગત ધરાવનારી અને વિસ્તૃત છે કે જેમાં ઈમામ (અ.સ.) ફરમાવે છે કે:

‘અમારા એહલેબૈત (અ.મુ.સ.)ના કાએમ (અ.સ.)નો ઝુહુર અને કયામ હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ના કયામ જેવો છે.

અમારા એહલેબૈત (અ.મુ.સ.)ના કાએમ (અ.સ.)ના કયામની પહેલા જે કયામ કરશે તે મરઘીના બચ્ચા (કે જેની પાંખ અને પીછા નથી હોતા)ની જેવો છે કે જે પોતાના માળામાંથી બહાર નિકળે છે ત્યારે બાળકો તેની સાથે રમી નાખે છે.’

(અલ ગયબતે નોઅમાની, પ્રકરણ-૭, પાના નં. ૧૯૯, હદીસ નં. ૧૪)

અર્થાત સંપૂર્ણ તૈયારી અને શસ્ત્ર-સરંજામ વગર કયામ કરવો તે પાંખો વગર ઉડવા બરાબર છે. તેનાથી કોઈ ખાસ ફાયદો નહિં થાય પરંતુ તેનાથી નુકસાન બહુ મોટું થશે.

તેથી યોગ્ય છે કે હઝરત વલી એ અસ્ર (અ.સ.)ના વફાદાર સાથીઓની ખાસિયતોનું વર્ણન કરવામાં આવે કે જેથી કરીને તેને અરીસો સમજીને આપણે આપણી જાતનું અવલોકન કરીએ અને તે ખાસિયતો (અગર આપણામાં જોવા ન મળતી હોય) થી પોતાની જાતને સુસજ્જ કરવાની કોશિશ કરીએ.

 

Comments (1)

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *