ગયબતના ઝમાનામાં દીનની હાલત

Print Friendly, PDF & Email

ગયબતના ઝમાનામાં દીનની હાલત

દીનનો દુશ્મન શયતાન:

કોઈપણ વસ્તુની હિફાઝત કરવા માટે તેના માટે આવનારા ખતરાઓ, તેના દુશ્મનો અને તેની સાઝીશો, પ્રપંચો અને કાવતરાઓ જાણવા જરૂરી છે. નહિંતર દરેક દ્રષ્ટિએ અને દરેક તરફથી સંપૂર્ણ હિફાઝત થઈ શકશે નહિ. અગાઉ આપણે એ જોયું કે દીન કેટલી હદે મૂલ્યવાન પૂંજી છે. ચાલાક દુશ્મન મોટી અને કિંમતી પૂંજી ઉપર હુમલો કરે છે અને તેને લૂંટવાની કોશિશ કરે છે. શયતાન ઈન્સાનનો સૌથી મોટો દુશ્મન છે અને દીન ઈન્સાનની સૌથી મોટી પૂંજી છે. આથી શયતાનનો હુમલો દીન ઉપર હશે. ખુદ શયતાને ખુલ્લમખુલ્લા આ વાત બયાન કરી છે કે હું ચોક્કસ દીન ઉપર હુમલો કરીશ અને દરેકને ગુમરાહ કરીશ એટલે કે દરેક લોકો પાસેથી તેઓનો દીન છીનવી લઈશ.

قَالَ فَبِمَآ اَغْوَيْتَنِيْ لَاَقْعُدَنَّ لَہُمْ صِرَاطَكَ الْمُسْتَقِيْمَ۝۱۶ۙ ثُمَّ لَاٰتِيَنَّہُمْ مِّنْۢ بَيْنِ اَيْدِيْہِمْ وَمِنْ خَلْفِہِمْ وَعَنْ اَيْمَانِہِمْ وَعَنْ شَمَاۗىِٕلِہِمْ۝۰ۭ وَلَا تَجِدُ اَكْثَرَہُمْ شٰكِرِيْنَ۝۱۷

“તેણે કહ્યું કે તે મને ભુલાવામાં નાખ્યો છે માટે હું પણ તારા સેરાતે મુસ્તકીમ ઉપર ચોક્કસ તેમને (ગુમરાહ કરવા) માટે અડગ થઈને બેસી જઈશ. પછી હું તેઓની સામેથી, પીઠ પાછળથી, ડાબી બાજુથી અને જમણી બાજુએથી તેમને (ગુમરાહ કરવા માટે) તેઓની પાસે આવીશ. પછી તું તેઓમાંથી ઘણા ખરાઓને શુક્રગુઝાર નહિ પામીશ.

(સુરએ અઅરાફ, આયત નં. ૧૬-૧૭)

وَيُرِيْدُ الشَّيْطٰنُ اَنْ يُّضِلَّھُمْ ضَلٰلاًۢ  بَعِيْدًا۝۶۰

“અને શયતાન એ ચાહે છે કે તે તેઓને ખરાબ રીતે ગુમરાહ કરી દે.

(સુરએ નિસા, આયત નં. ૬૦)

આ રીતે શયતાને સ્પષ્ટ રીતે એલાન કરી દીધું છે કે તે દરેક ઉપર હુમલો કરશે અને ચારે તરફથી હુમલો કરશે અને દરેકને ગુમરાહ કરશે. તેણે ગુમરાહ કરવાના અમૂક રસ્તાઓ આ રીતે બયાન કરી દીધા છે.

અમલનો શણગાર:

શયતાનના ગુમરાહ કરવાનો એક તરીકો એ છે કે તે ઈન્સાન સમક્ષ તેના બુરા અને ખરાબ અમલને ખુબજ સજાવી અને શણગારીને ઈન્સાનની સામે એવી રીતે રજુ કરે છે કે તે પોતાના ગુનાહોથી રાજી થઈ જાય અને નેકીઓથી નારાજ. બુરાઈઓને સારી સમજવા લાગશે અને તેના ઉપર જ અમલ કરશે. જ્યારે તે બુરાઈઓને હંમેશા સારી સમજશે તો તેના પરિણામે તેના જાગૃત થવાની, તૌબા કરવાની અને પલટવાની શકયતાઓ ખતમ થઈ જાય છે અને તેજ ફરેબમાં આ દુનિયાથી રૂખ્સત થઈ જશે.

وَزَيَّنَ لَہُمُ الشَّيْطٰنُ اَعْمَالَہُمْ فَصَدَّہُمْ عَنِ السَّبِيْلِ فَہُمْ لَا يَہْتَدُوْنَ۝۲۴ۙ

“અને શયતાને તેઓના આમાલને સજાવી, શણગારીને તેઓની સમક્ષ રજુ કયર્િ અને તેઓને તે રસ્તાથી રોકયા કે જેના આધારે તેઓ હિદાયત મેળવી ન શકે.

(સુરએ નમ્લ, આયત નં. ૨૪)

وَزَيَّنَ لَہُمُ الشَّيْطٰنُ اَعْمَالَہُمْ فَصَدَّہُمْ عَنِ السَّبِيْلِ وَكَانُوْا مُسْتَبْصِرِيْنَ۝۳۸ۙ

“અને શયતાને તેઓના આમાલને સજાવી, શણગારીને તેઓ સમક્ષ રજુ કયર્િ અને તેઓને રસ્તાથી રોકી દીધા. જ્યારે કે તે અગાઉ તે લોકો સુજ ધરાવતા હતા.

(સુરએ અન્કબુત, આયત નં. ૩૮)

એટલે કે શયતાને એવી રીતે ખરાબ કાર્યોને શણગારીને રજુ કયર્િ કે અમૂક લોકો હિદાયત પ્રાપ્ત ન કરી શકે અને અમૂક લોકો કે જેઓ હિદાયતના રસ્તા ઉપર આવી ચૂકયા હતા, તેઓને પણ તેણે તે રસ્તાથી ફેરવી નાખ્યા. આનાથી અંદાજો લગાવી શકાય છે કે શયતાનનું એક કામ્યાબ હથિયાર અને જાળ ઈન્સાનના ખરાબ આમાલ અને અખ્લાકને સારા બનાવીને રજુ કરવા છે.

હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

اٰفَۃُ  الدِّیْنِ:  الْحَسَدُ،  وَالْعُجْبُ،  وَ الْفَخْرُ

‘દીનની આફત ત્રણ બાબતો છે: હસદ, ખુદપસંદી અને ફખ્ર.’

(કાફી, ભાગ-૨, પાના નં. ૩૦૭, હ. નં. ૫)

اٰفَۃُ  الدِّیْنِ سُوْئُ  الظَّنِّ

‘બદગુમાની કરવી દીન માટે આફત છે.’

(ગોરરૂલ હેકમ, હ. નં. ૩૯૨૪, મિઝાનુલ હિકમત, હ. નં. ૬૨૩૮)

فَسَادُ  الدِّیْنِ  الطَّمَعُ

‘લાલચથી દીન બરબાદ થઈ જાય છે.’

(ગોરરૂલ હેકમ, હ. નં. ૬૫૫૧, મિઝાનુલ હિકમત, હ. નં. ૬૨૪૦)

હસદ, ખુદપસંદી, ફખ્ર, મોટાપણાનો એહસાસ, બદગુમાની અને લાલચ એ દીન માટે આફતો છે. બદકિસ્મતીથી ઉપરોકત તમામ બાબતો આજકાલ એકદમ સામાન્ય છે. આપણે કોઈને કોઈ પ્રકારે આ આફતોમાં સપડાએલા છીએ. હસદ દીન અને ઈમાનને બરબાદ કરી નાખે છે. કોઈને મળેલી નેઅમતોને ન જોઈ શકવું તે હસદ છે. હસદ કયારેક એટલી હદે પહોંચી જાય છે કે ઈન્સાન ખુદાની અદાલત ઉપર એઅતેરાઝ કરવા લાગે છે. ખુદપસંદી અને ફખ્રના આધારે ઈન્સાન પોતાના બુરા આમાલને પણ સારા સમજવા લાગે છે. આ ખુદપસંદીનો એહસાસ ઈન્સાનને તેની સુધારણાથી રોકી દે છે. શયતાન તેના ખરાબ આમાલને સારા બનાવીને એવી રીતે રજુ કરે છે કે તેને સાચા રસ્તાથી ફેરવી નાંખે છે. આવી પરિસ્થિતિમાં વાસ્તવિક નજરથી પોતાના આમાલ અને અખ્લાકને તપાસવા અને તેની સુધારણા કરવી તે આસાન કામ નથી. તે ખુદ પોતાની સાથે અને પોતાના નફસ સાથે જંગ કરવી છે અને આજ જેહાદે અકબર છે. રિવાયતમાં છે કે એક એવો ઝમાનો આવશે કે:

یَاتِیْ  عَلَی  النَّاسِ  زَمَانٌ  الصَّابِرُ  مِنْہُمْ عَلٰی  دِیْنِہِ  کَالْقَابِضِ  عَلَی  الْجَمْرِ

‘લોકો માટે એવો ઝમાનો આવનાર છે કે જે ઝમાનામાં દીન ઉપર સબ્ર કરવો જાણે કે મુઠ્ઠીમાં સળગતો અંગારો રાખવો.’

(ઈલ્ઝામુન નાસીબ, પાના નં. ૧૮૧)

આપણાથી આગનો સામાન્ય તણખો પણ બરદાશ્ત થઈ શકતો નથી. જ્યારે કે આ તો મુઠ્ઠીમાં સળગતો અંગારો રાખવાની વાત છે અને તે પણ મુઠ્ઠી બંધ કરી દઈને.

لَیَاْتِیَنَّ  عَلَی  النَّاسِ  زَمَانٌ  لَا  یَسْلَمُ  لِذِی  دِیْنٍ   دِیْنُہٗ  اِلَّا  مَنْ  یَفِرُّ  مِنْ  شَاہِقٍ اِلٰی  شَاہِقٍ  وَ مِنْ  جُحْرٍ  اِلٰی  جُحَرٍ کَالثَّعْلَبِ  بِاَشْبَالِہٖ

‘લોકો માટે એક એવો ઝમાનો આવનાર છે કે દીનદાર લોકોનો દીન સલામત હશે પરંતુ એ પરિસ્થિતિમાં કે એક ટેકરીએથી બીજી ટેકરીએ પનાહ લેશે, એક પનાહગાહથી બીજી પનાહગાહ તરફ ભાગશે. જેવી રીતે લોમડી પોતાના બાળકો સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ પનાહ લે છે.’

فَاِذَا  کَانَ  ذٰلِکَ  لَمْ تُنَلِ  الْمَعِیْشَۃُ  اِلَّا  بِسَخَطِ  اللہِ،

فَاِذَا  کَانَ  ذٰلِکَ  کَانَ  ہَلَاکُ  رَجُلٍ  عَلٰی  یَدَیْ  زَوْجَتِہٖ  وَوَلَدِہٖ،

فَاِذَا  لَمْ  یَکُنْ  لَہٗ  زَوْجَتُہٗ  وَلَاوَلَدٌ  کَانَ  ہَلَاکُہٗ  عَلٰی  یَدَیْ  اَبَوَیْہِ ،

فَاِنْ  لَمْ  یَکُنْ  لَہٗ  اَبَوَانِ  کَانَ  ہَلَاکُہٗ  عَلٰی  یَدَیْ  قَرَابَاتِہٖ

وَالْجِیْرانِ یُعَیِّرُوْنَہٗ  بِضِیْقِ  الْعَیْشِ  فَیُوْرِدُ  نَفْسَہُ

الْمَوَارِدَالَّتِی  تَھْلِکُ  فِیْھَا  نَفْسَہٗ

‘અને જ્યારે આ પ્રકારનો ઝમાનો આવશે રીઝક પ્રાપ્ત નહિં થાય સિવાય કે અલ્લાહને નારાઝ કરીને અને જ્યારે આ પ્રકારનો ઝમાનો આવશે ત્યારે ઈન્સાન પોતાની પત્નિ અને પોતાની અવલાદના હાથે હલાક થશે અને અગર તેની પત્નિ અને અવલાદ નહિં હોય તો તે પોતાના વાલેદય્નના હાથે હલાક થશે અને અગર તેના વાલેદય્ન પણ નહિં હોય તો તે પોતાના સગાવ્હાલાઓ અને પાડોશીઓના હાથે હલાક થશે.

તે સમયે લોકો તેનું રિઝક ઓછું હોવાના લીધે તેની મજાક ઉડાવશે જેના આધારે તે પોતાને તેવા કામોમાં લગાવી દેશે કે જ્યાં તે હલાક થશે.’

(યવ્મુલ ખલાસ, પાના નં. ૪૮૫)

જે બાબતો આ રિવાયતમાં બયાન કરવામાં આવી છે શું આપણે આપણી આંખોથી આ બધી બાબતો નથી જોઈ રહ્યા? આ પરિસ્થિતિમાં દરેકને નારાજ કરીને પોતાનો દીન અને ઈમાન બચાવવું આસાન કામ છે? ખરેખર હથેળી ઉપર અંગારો રાખવો છે. આ રિવાયતથી એ અંદાજો લગાવી શકાય છે કે આ ઝમાનામાં ઈન્સાનને પોતાના દીનના બારામાં બીજાઓથી નહિં પરંતુ પોતાના નજીકના લોકોથી જ ખતરો છે. ચારે તરફથી દબાણ છે કે વધારેને વધારે પૈસા કમાવો, ભલે પછી તે હરામ રસ્તાથી કેમ ન હોય.

મસ્જીદોની હાલત:

مَسَاجِدُہُمْ عَامِرَۃٌ  وَہِیَ  خَرَابٌ  مِنَ  الْہُدٰی

‘તે સમયે મસ્જીદો આબાદ હશે પરંતુ દીલો ઈમાનથી ખાલી હશે.’

(ઈલ્ઝામુન નાસીબ પાના નં. ૧૮૧, યવ્મુલ ખલાસ પાના નં. ૪૮૫)

હજ અને ઝિયારત:

تَحُجُّ  اَغْنِیَائُ  اُمَّتِی  لِلنُّزْہَۃِ۔  وَتَحُجُّ  اَوْ سَاطُہَا  لِلتِّجَارَۃِ ۔                       وَتَحُجُّ  فُقَرَاؤُہُمْ  لِلرِّیَائِ  وَ السُّمْعَۃِ

‘તે સમયે મારી ઉમ્મતના સંપત્ત્ાિવાન લોકો હરવા-ફરવા માટે હજ કરશે, મધ્યમ વર્ગના લોકો ધંધો કરવા માટે હજ કરશે અને ફકીરો રિયાકારી અને શોહરત માટે હજ કરશે.’

(યવ્મુલ ખલાસ પાના નં. ૪૮૫, ઈલ્ઝામુન નાસીબ પાના નં. ૧૯૫)

આજનાં સમયે આ હદીસો એકદમ સાચી ઠરી રહી છે. કુરઆને તેની મહત્ત્વતા ગુમાવી દીધી છે. હવે ઘરોમાં કુરઆને કરીમની તિલાવતની જગ્યા ટી.વી. પ્રોગ્રામો અને ઈન્ટરનેટએ લઈ લીધી છે. મસ્જીદોમાં શ્રેષ્ઠ કિરઅતથી અઝાનો થઈ રહી છે અને મસ્જીદો સજાવવામાં આવી રહી છે. તેમાં એ.સી. લગાવવામાં આવી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના દસ્તરખ્વાન બીછાવવામાં આવી રહ્યા છે. સંખ્યાના આધારે મસ્જીદો ભરપૂર છે પરંતુ નમાઝીઓના દિલ ઈમાનથી ખાલી છે. દિલમાં દુનિયાએ એટલી હદે જગ્યાએ બનાવી લીધી છે કે હવે ત્યાં ઈમાન માટે જગ્યા કયાં? હજ અને ઝિયારત એક ધંધો બની ગયો છે. હજ અને ઝિયારતથી પલ્ટીને ઈસ્તીગ્ફાર, ઈમાન અને યકીનની દૌલત લાવવાને બદલે વિવિધ પ્રકારનો સામાન લઈને આવે છે અને પોતાની હોંશિયારીના કિસ્સાઓ લાવવામાં આવે છે. આ મુકદ્દસ સફરમાં લોકોને ખુદા, તેના રસુલ (સ.અ.વ.) અને અઈમ્મા (અ.મુ.સ.)ની મુલાકાત, ઝિયારત અને હજની કબુલીય્યતથી વધારે ઈન્સાનને પોતાના આરામની ફીકર હોય છે. ટૂર ઓર્ગેનાઈઝર સારામાં સારી હોટલો અને વધારેમાં વધારે સગવડતાઓ આપવાનું એલાન કરીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે અને પોતાની ટૂરમાં સંખ્યાનો વધારો કરે છે. આ સફરમાં શોપીંગ કરવાની ચિંતા વધારે જોવા મળે છે અને ઈમાનની હિફાઝત અને તેમાં વધારો કરવાની ફીકર ખુબજ ઓછી જોવા મળે છે. જેમના રોઝા મુબારક ઉપર ગયા હોય તેમની વિચારધારા અને રવિશને અપનાવવાનો ખ્યાલ બહુ ઓછો જોવા મળે છે. આ પ્રકારની હજ અને ઝિયારતમાં શારીરિક હાજરી રૂહાની કુરબતથી વધારે હોય છે. હજ અને ઝિયારતનો એક ફલસફો એ પણ છે કે ઈન્સાન ત્યાં જઈને પોતાના દીન અને ઈમાનની હિફાઝતની દોઆ માંગે. દીન માટે જે કુરબાનીઓ આપવામાં આવી છે તેનાથી સબક હાંસિલ કરે અને કુરબાનીના જઝબાને મેળવીને વતન પરત આવે અને દીનની ખિદમત કરે.

શક અને શંકાઓ:

ગયબતના ઝમાનામાં દીનની હિફાઝતની સામે એક મોટો અને મહત્ત્વનો ખતરો શક અને શંકાઓ છે. આ સમયે ચારેતરફથી અકીદાઓ ઉપર અને તેમાં પણ ખાસ કરીને ઈમામત અને વિલાયતના અકીદા ઉપર ચારેબાજુથી હુમલાઓ થઈ રહ્યા છે. પરાયા લોકો પણ હુમલાઓ કરી રહ્યા છે અને આપણા પોતાના પણ તેનું મહત્ત્વ અલગ અલગ અંદાઝથી ઓછું કરી રહ્યા છે અને ઘટાડી રહ્યા છે. આ સમયે નવી પેઢી દીનની બાબતમાં હેરાન અને પરેશાન છે, તેઓના દિમાગો મુંજવણમાં પડી ગયા છે અને સમજમાં કંઈજ નથી આવી રહ્યું. કયારેક અઝાદારી ઉપર હુમલાઓ થઈ રહ્યા છે તો કયારેક જનાબે ઝહરા (સ.અ.) ઉપર થયેલા ઝુલ્મો અને મસાએબને ઘટાડીને અથવા તો તે બાબતે શંકાઓ પૈદા કરવાની કોશિશો થઈ રહી છે. તો કયારેક ગયબત અને ઈન્તેઝારના મતાલીબનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે. મઅસુમીન (અ.મુ.સ.)ના કૌલ કરતા ગૈર મઅસુમના બયાનને વધારે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. જે રિવાયતો પોતાના વિચારને અનુસાર નથી તેને કોઈપણ પ્રકારની શોધખોળ કે ચકાસણી કયર્િ વગર ઝઈફ કરાર દેવામાં આવી રહી છે. ઈત્તેહાદ (એકતા) ખાતર એહલેબૈત (અ.મુ.સ.) ઉપર થયેલા મસાએબના બયાનને ઘટાડવામાં આવી રહ્યા છે. નાચીઝ કણોનો ઝિક્ર એહલેબૈત (અ.મુ.સ.)ના ફઝાએલ અને કમાલાતના ચમકતા સૂરજના મુકાબલામાં કરવામાં આવી રહ્યો છે. આ બધી બાબતો એ વાસ્તવમાં નવી પેઢીને હેરાન કરી મૂકી છે અને દીન પ્રત્યે નિરસ કરી દીધા છે.

લોકો દીનની પાબંદીઓથી આઝાદ થઈ જશે, દરેક પોતાની મન-માની કરશે. આજકાલ આજે આ બધું થઈ રહ્યું છે કે, દીનની બાબત દરેકનું પોતાનું અલગ મંતવ્ય અને પોતાની વિચારધારા છે.

સખત ઈમ્તેહાન:

આવી પરિસ્થિતિમાં હક મઝહબ, એહલેબૈત (અ.મુ.સ.)ના દીન ઉપર બાકી રહેવું તે આસાન કામ નથી. હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) એ હજાર વર્ષ પહેલા જ બયાન ફરમાવી દીધું હતું કે એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયતને કબુલ કરવી આસાન કામ નથી.

إِنَّ حَدِيثَكُمْ هٰذَا لَتَشْمَئِزُّ مِنْهُ قُلُوْبُ الرِّجَالِ فَمَنْ أَقَرَّ بِهِ فَزِيْدُوْهُ وَ مَنْ أَنْكَرَهُ فَذَرُوْهُ إِنَّهُ لَا بُدَّ مِنْ أَنْ يَكُوْنَ فِتْنَةٌ يَسْقُطُ فِيْهَا- كُلُّ بِطَانَةٍ وَ وَلِيْجَةٍ حَتّٰى يَسْقُطَ فِيْهَا مَنْ يَشُقُّ الشَّعْرَ بِشَعْرَتَيْنِ حَتّٰى لَا يَبْقٰى إِلَّا نَحْنُ وَ شِيْعَتُنَا

‘આ તમારી વિલાયત અને ઈમામતની વાતો તે છે કે જેનાથી અમૂક લોકોના દિલો કરાહત અનુભવે છે. (દીલ સ્વિકાર કરવા તૈયાર થતું નથી) જુઓ! જે લોકો વિલાયત અને ઈમામતને કબુલ કરે તેના માટે વધારે વાતો બયાન કરો અને જે તેનો ઈન્કાર કરે તેઓને છોડી દયો (જબરદસ્તી તેઓ પાસે સ્વિકાર કરાવવાની કોશિશ ન કરો). જુઓ ઝરૂર બિલ ઝરૂર આ પ્રકારના ફીત્નાઓ અને ઈમ્તેહાનના દિવસો આવનાર છે. જેમાં સૌથી નિકટના અને અત્યંત ભરોસાપાત્ર લોકો અલગ થઈ જશે. ત્યાં સુધી કે તે લોકો પણ પડી જશે કે જેઓ અત્યંત બારીક દ્રષ્ટિ ધરાવે છે અને એક વાળનું બે વાળમાં વર્ગીકરણ કરે છે (બાલની ખાલ કાઢે છે) તે ઝમાનામાં ફકત અમે અને અમારા શીઆઓ આ દીન ઉપર સાબિત કદમ રહેશું.’

(કાફી, ભાગ-૧, પાના નં. ૩૭૦, હદીસ નં. ૫)

આ રિવાયતનો એક એક શબ્દ આજના સમયના હાલાતને બયાન કરે છે. કેવા કેવા લોકો કેવા કેવા પ્રકારની વાતો કરી રહ્યા છે. મજાની વાત તો એ છે કે તે લોકો આ ગુમરાહીને દીને હક સમજી રહ્યા છે. હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ આ ગયબતના ઝમાનાના ઈમ્તેહાન અને સખત આઝમાઈશોને કંઈક આ રીતે બયાન ફરમાવી છે.

وَ اللهِ لَتُكْسَرُنَّ تَكَسُّرَ الزُّجَاجِ وَ إِنَّ الزُّجَاجَ لَيُعَادُ فَيَعُوْدُ

وَ اللهِ لَتُكْسَرُنَّ تَكَسُّرَ الفَخَّارِ فَاِنَّ  الْفَخَّارَ لَيَتَکَسَّرُ  فَلَایَعُوْدُ

وَاللہِ  لَتُغَرْبَلُنَّ

وَاللہِ  لَتُمَیَّزُنَّ

وَاللہِ  لَتُمَحَّصُنَّ

حَتّٰی  لَا  یَبْقٰی  مِنْکُمْ  اِلَّا  الْاَقَلُّ  وَ صَعَّرَ  کَفَّہٗ

‘ખુદાની કસમ! તમે એવી રીતે તુટી જશો જેવી રીતે કાચ, પરંતુ ફરીથી તેને બનાવી દેવામાં આવે તો ફરીથી કાચ બની જાય છે. ખુદાની કસમ! તમે એવી રીતે તુટી જશો જેવી રીતે માટીનું વાસણ. એકવાર તે વાસણ તુટી ગયું તો પછી ફરીથી નથી બની શકતું.’

ખુદાની કસમ! તમને ચાળવામાં આવશે.

ખુદાની કસમ! તમને જુદા કરવામાં આવશે.

ખુદાની કસમ! દરેક ઐબ અને ખામીથી તમને પાક કરવામાં આવશે. ત્યાં સુધી કે ફકત અમૂક લોકો બાકી રહેશે.’

(ગયબતે નોઅમાની, પાના નં. ૨૦૭, હદીસ નં. ૧૩)

શાયદ કાચનું ઉદાહરણ એ બાબત તરફ ઈશારો કરી રહ્યું છે કે અમૂક લોકો એવા હશે કે જેઓ શક અને શંકાઓમાં મુબ્તેલા થઈને અલગ થઈ જશે. પરંતુ પછી પરત આવી જશે અને માટીના વાસણનું ઉદાહરણ શાયદ એ બાબત તરફ ઈશારો કરી રહ્યું છે કે અમૂક લોકો કંઈક એવી રીતે દૂર થઈ જશે કે પછી પાછા ફરવાની શકયતા નહીં હોય.

ઘઉંને પહેલા ચાળવામાં આવે છે, પછી તેમાંથી સારા દાણાઓને અલગ કરવામાં આવે છે. પછી ખામી વગરના દાણાઓને હિફાઝતથી રાખવામાં આવે છે. આ કાર્ય કયર્િ પછી ઘણા ઓછા ઘઉં બાકી રહી જાય છે.

આ ગયબતના ઝમાનાની પરિસ્થિતિ પણ આવી જ છે. ખરેખર દિલના ઉંડાણથી, સાચા દિલથી અને ખુલુસે નિય્યતથી દોઆ કરીએ કે આ સખત ઈમ્તેહાન અને આઝમાઈશના ઝમાનામાં બાકી રહી જનારાઓમાં આપણો બધાનો શુમાર થાય. તે લોકોમાં હરગિઝ શુમાર ન થાય કે જેઓની છાંટણી કરીને અલગ કરી દેવામાં આવ્યા હોય.

દોઆએ ગયબતમાં જોવા મળે છે કે

وَ لَا  تَسْتَبْدِلْ  بِنَا  غَیْرَنَا  فَاِنَّ  اسْتِبْدَالَکَ

بِنَا  غَیْرَنَا  عَلَیْکَ یَسِیْرٌ  وَ ہُوَ  عَلَیْنَا  کَثِیْرٌ

‘ખુદાયા! અમારી જગ્યા બીજા કોઈને આપી ન દેતો. ખુદાયા! તારા માટે બદલી કરી દેવું, કોઈ બીજાને અમારી જગ્યા આપી દેવી ખૂબજ આસાન વાત છે પરંતુ તે અમારા માટે ખૂબજ કઠીન બાબત છે.’

(દોઆએ બરાએ ઈમામે ઝમાના અ.સ.)

આવો હવે આપણે જોઈએ કે આ સખત ઈમ્તેહાન અને આઝમાઈશના ઝમાનામાં દીનની હિફાઝત કરવાના રસ્તાઓ કયા કયા છે?

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *