કરબલાના ઈતિહાસનું સૌથી વધુ શ્યામ પૃષ્ઠ

Print Friendly, PDF & Email

કરબલામાં હીજરી૬૧ની દસમી મોહર્રમની તારીખ (આશુરા) પછી હીજરી૧૨૧૬નો દિવસ કયામત અંગેઝ હતો. એ દિવસે વહાબીઓએ કરબલામાં રોઝએ હુસૈની (અ.સ.) પર હુમલો કર્યો હતો. એ એટલો બધો બિહામણો અને હૃદયદ્રાવક બનાવ હતો જેનો પડઘો આજ સુધી ઈસ્લામી દેશોમાં જ નહીં યુરોપીય દેશોમાં પણ ગુંજી રહ્યો છે. વહાબીઓના હેવાનીયત પૂર્ણ દર્દનાક, બેરહમી અને સંગદીલી ભર્યા વર્તાવનું મુસલમાનો અને યુરોપના ઈતિહાસકારોએ વિગતવાર વર્ણન કર્યું છે. વહાબીઓના ઝુલ્મો સિતમનું વર્ણન સાંભળી અને વાંચીને રૂવાંડા ખડા થઈ જાય છે. ઈતિહાસમાં એ દિવસને બીજી આશુરએ મોહર્રમ ગણવામાં આવે છે. જેને યુરોપના ઈતિહાસકાર હેમલી લોંગર તેના ઈતિહાસના પુસ્તક ‘ઈરાકના ઈતિહાસની ચાર સદી’જે ઈસવીસન૧૯૧૪માં બગદાદથી પ્રકાશિત થઈ છે તેમાં નીચે મુજબ વર્ણન કરે છે:

‘માહે નિસાન (એપ્રીલ)ની બીજી તારીખની સંધ્યા ઢળતાની સાથેજ એવી ખબર ફેલાઈ ગઈ કે વહાબીઓ કરબલાની નઝદીક આવી પહોંચ્યા છે. એ વખતે શહેરના મોટા ભાગના રહીશો નજફે અશરફની ઝિયારત માટે ગયા હતા. જે લોકો કરબલામાં હાજર હતા તેમણે ઝડપથી જઈને શહેર (કરબલા)ના દ્વારા બંધ કરી દીધા. પરંતુ વહાબીઓ વીસ હજાર ઘોડેસવાર અને પાયદળોના સમુહમાં ઉતરી પડયા હતા. તેઓ પોતાની તાકતથી કિલ્લાની દિવાલમાં એક બાકોંરૂ પાડવામાં સફળ થઈ ગયા. અને ત્યાંથી અંદર આવીને બધા દરવાજા ખોલીને બધાજ શહેરે કરબલામાં પ્રવેશી ગયા. કરબલાના રહીશો વહાબીઓના ઓચિંતાના હુમલાથી ગભરાઈને અહીં તહીં નાસભાગ કરવા લાગ્યા. અકકડ અને બદમિજાજ વહાબીઓ સીધા ઝરીહે ઈમામે હુસૈન (અ.સ.) તરફ ધસી ગયા અને ઝરીહ મુબારકને બિસ્માર કરવા લાગ્યા.

તેઓએ દરેક વસ્તુઓની તોડફોડ કરી નાખી અને લાકડાની ફ્રેમમાં મઢવામાં આવેલા મોટા મોટા અરીસાના ભૂક્કા બોલાવી દીધા. એટલુંજ નહીં હરમે મુબારકમાં અરબ અને ફારસના બાદશાહોએ નઝર તરીકે મુકેલી કિંમતી અલભ્ય પવિત્ર વસ્તુઓ અને ભેટસોગાદોને લૂંટી લીધી. એવી જ રીતે દિવાલો પર જડવામાં આવેલ કિંમતી પત્થર, છતમાં મઢવામાં આવેલ સોનું, ધુપદાની, શમ્અદાન, કિંમતી શતરંજીઓ અને ગાલીચાઓ અપ્રાપ્ય ફાનુસ (મોટા કાચના પ્યાલાઓ જેમાં મીણબત્તી મુકાય છે). કિંમતી ઉંચા દરવાજા એ બધી નાની મોટી વસ્તુઓની તોડફોડ કરીને દરવાજા પાસે તેનો ઢગલો કરી દીધો.’

(પાનુ૨૩૩)

ત્યાર પછી મીસ્ટર લોંગર ઈન્સાની ઝમીરને ઢંઢોળતા વહાબીઓના નિર્દય અને બેરહમ હાથે હજારો વૃધ્ધો, સ્ત્રીઓ અને બાળકોના નિર્દય કત્લ વિશે લખે છે કે: ‘આશરે પચાસ માણસોને ઝરીહે મુકદ્દસ પાસે કત્લ કરવામાં આવ્યા. પાંચસો માણસોને ઝરીહે મુબારકની બહાર સહેનમાં ઢાળી દેવાયા. એ પાશવી વહાબીઓ એ કરબલા શહેરને રફેદફે કરી નાખ્યું. જે કોઈ હાથમાં આવ્યા તેને તલવારનો ભોગ બનાવવામાં આવ્યા. દરેક ઘરમાં પ્રવેશીને તેમનો માલ સામાન લૂંટી લેવામાં આવ્યો. તેમણે માનવતાની દ્રષ્ટિએ પણ કોઈ વૃધ્ધ કે બાળકની દયા ખાધી નહીં. કોઈ સ્ત્રી કે પુષની ઈઝઝત આબરૂને સુરક્ષિત રહેવા ન દીધી. વહાબીઓની પાશવતા અને બેરહમી સિતમ અને કૈદો બંધથી કોઈ બચી ન શકયું. કેટલાક લોકોના અંદાજ મુજબ હજારો ઈરાકીઓને મારી નાખવામાં આવ્યા. આ ભયાનક બનાવ વખતે ઈરાકની ફૌજ કરબલામાં આવવાથી લોકોને જરા સરખો પણ ફાયદો ન થયો. ફૌજના સરદારે કરબલા, હીલ્લા અને કુફાની ફૌજને એક જગ્યાએ એકત્ર કરી. અને રોઝએ નજફમાં જે માલ અસ્બાબ હતો તે બગદાદ ખાતે ફેરવી નાખ્યો. પછી તેમણે કરબલાને શહેરે પનાહ બનાવ્યું અને વહાબીઓને કોઈ જાતની પુછપરછ સુધ્ધા કરી નહીં.’

આ ગંભીર બનાવથી શૈખે સુલેમાન પાશાવાઈ બગદાદને તેની વૃધ્ધવસ્થામાં જીવલેણ આઘાત લાગ્યો. તુર્કી અને ઈરાનના દરેક ભાગોમાં ભય અને આંતકનું સામ્રાજ્ય ફેલાઈ ગયું. વહાબી પશુઓ કરબલાનો બધો માલ સામાન ભેગો કરીને પોત પોતાના ઘરભણી રવાના થઈ ગયા.

(પાનુ. ૨૩૩)

સાહેબે તારીખે કરબલા એ મોઅલ્લા આ દારૂણ ઘટનાનું વર્ણન નીચે મુજબ કરે છે.

કરબલાએ મોઅલ્લા સદીઓથી વધારે સમય સુધી શાંતિ અને ઈત્મીનાનમાં રહ્યું હોય તો તે હીજરી૮૫૮થી હીજરી૧૨૧૬ નો ગાળો છે. આ વર્ષો દરમ્યાન કરબલા વાસીઓને તકલીફ થાય એવી કોઈ ઘટના બની ન હતી. એ પછી હીજરી૧૨૧૬માં વહાબીઓના સરદારે વીસ હજારથી વધુ સૈનિકો સાથે કરબલાએ મોઅલ્લા પર ચઢાઈ કરી. એ વખતે કરબલાએ મોઅલ્લાની શાનો શૌકત અને શોહરત ટોચ પર હતી. તે વર્ષોમાં ઈરાની તુર્કી અને અરબ જાતિના લોકો ઝીયારતે હુસૈન માટે બહોળી સંખ્યામાં આવતા હતા. સઉદે કરબલાને ચારેબાજુથી ઘેરીને ચોકીદારો અને કરબલાના નિર્દોષ નાગરિકોની કત્લેઆમ ચલાવી. એ પાશવી લોકોએ એવી બે રહમી અને નિર્દયતાભર્યુ વર્તન કર્યુ હતું, જેના વર્ણન માટે શબ્દો મળતા નથી. તેમણે માત્ર એક જ રાતમાં વીસ હજાર લોકોની હત્યા કરીને આંતક મચાવી દીધો હતો. આ કત્લેઆમ ચલાવ્યા પછી સઉદ રૌઝે હુસૈની તરફ વળ્યો. તે વખતે રૌઝએ હુસૈની જાત જાતના આભુષણો, જર ઝવેરાત અને કિંમતી સરો સામાનથી છલકી રહ્યો હતો. સઉદને જે કાંઈ માલ સામાન મળ્યો તે લૂંટી લીધો. આ લૂંટ દરમ્યાન તેને એક મોટું અસાધારણ કિંમતી મોતી, વીસ એવી તલવારો જેની મુઠ અને મ્યાન પર સોનું અને કિંમતી પત્થરો જડેલા હતા, સોના ચાંદીના કિંમતી વાસણો, ફીરોઝા, હીરા, ઝવેરાત અને એવી કેટલીયે અમુલ્ય વસ્તુઓ મળી, જે તેણે લુંટી લીધી.

રોઝા મુબારકનો અન્ય સામાન જેમાં ફરશો, ફરૌશ જમીન પર બીછાવેલી કિંમતી કારપેટની સાથે ચાર હાર કાશ્મીરી શાલ, બે હજાર ચાંદીની તલવારો, અગણિત બંદુકો અને બીજા કેટલાય હથીયારો લૂંટી લીધા. આ ભયંકર બનાવ પછી કરબલા વિરાન અને ઉજ્જડ બની ગયું. સઉદના જવા પછી કરબલાના મૂળ રહીશો જે જીવ બચાવીને નાસી ગયા હતા તે પુન: કરબલા આવ્યા. તેઓએ પોતાથી શકય બન્યું તેટલા પ્રમાણમાં રોઝએ હુસૈનીને આબાદ કરવાના પ્રયત્નો કર્યા અને કરબલાની રોનક અને વસ્તી ધીમે ધીમે ફરીથી વધવા લાગી. ઓગણીસમી સદીના પ્રારંભમાં હિન્દુસ્તાનથી (અવધના શહેનશાહો પૈકી) કોઈ બાદશાહ કરબલાએ મોઅલ્લાની ઝિયારત માટે આવ્યા. અહીંની હાલત જોઈને તેને લાગી આવ્યું. તેણે કરબલાને ખુબસુરત બનાવવા માટે બાગ બગીચાનું નિર્માણ કર્યું. જે લોકો વહાબીઓના હુમલાને કારણે બેઘર થઈ ગયા હતા તેમના માટે મકાનો બંધાવ્યા દુશ્મનો સામે પુરતુ રક્ષણ મળે તે માટે કરબલાની ફરતે મજબુત કિલ્લે બંધી કરાવી. જેથી દુશ્મનોના ગમે તેવા હુમલાને કારણે કરબલાને આંચ ન આવે. જેના કારણે આ શહેર દુશ્મનોથી મોટાભાગે સુરક્ષિત બની ગયું. અને તેથી કરબલાની પહેલા જેવી રોનક, ખુશાલી અને અમ્નો અમાન પુન: સ્થાપિત થયા.

આ હૃદયદ્રાવક ઘટનાએ લોકોને લોહીના આંસુથી રડાવ્યા. આ બનાવના કારણે દુનિયાના દરેક દેશના લોકો ખાસ કરીને મુસલમાનોના દિલ તડપી ઉઠયા. સમસ્ત ઈસ્લામી દુનિયામાં ખળભળાટ મચી ગયો. આનું કારણ એ હતું કે આ દારૂણ ઘટનાએ બિલ્કુલ એજ દ્રશ્ય ખડુ કરી દીધું હતું, જે દ્રશ્ય યઝીદની ફૌજે દસમી મોહર્રમ હીજરી સન૬૧માં ખડુ કર્યું હતું. બરાબર તેવુંજ દ્રશ્ય વહાબીઓના આ હુમલાને કારણે ઉપસ્થિત થયું હતું.’

મિસ્ટર લોંગર વધુમાં ઉમેરે છે કે: કરબલાએ મોઅલ્લામાં વિનાશ સર્જવાના આ દુષ્ટકૃત્યના બીજા જ વર્ષે એટલેકે હીજરી૧૨૧૮માં અબ્દુલ અઝીઝ બિન સઉદ બગદાદના પાશાના કાવત્રાનો ભોગ બની જહન્નમ વાસીલ થયો. તેનો કાતિલ એક અફઘાની મુલ્લા હતો જે બગદાદમાં રહેતો હતો. તેનો એક પુત્રને કરબલાની લૂંટ વખતે વહાબીઓ એ કત્લ કર્યો હતો. જેનો બદલો લેવા માટે તેણે સઉદને મારી નાખ્યો.

ઓગણીસમી સદી ઈસ્વીમાં રોઝએ સૈયદુશ્શોહદાની વહાબીઓએ સર્જેલી તારાજીના આ કાળા કૃત્યથી વહાબીઓની અવસીયાએ ખુદા સાથેની દુશ્મની પ્રથમ વખત પ્રગટ થઈ. પરંતુ વીસમી સદીના પ્રારંભિક દાયકામાં રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસ્સલમ તેમના વડવા અને તેમના દિલના ટુકડાઓના પવિત્ર મઝાર મુબારકનો વિનાશ સર્જીને વહાબીઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથેની દુશ્મની પુન: બીજી વખત જાહેર કરી હતી.

હીજરી સન૧૨૧૬માં વહાબીઓએ કરેલી લૂંટમાર અને હત્યાકાંડમાં ફકત ઝરીહે અકદસને નુકસાન થયું હતું. રૌઝા મુબારકની અસલ ઈમારતને કોઈ નુકસાન થયું ન હતું. તેથી આ ઈમારત જે સલાતીને જલાયરીએ બનાવેલી હતી તે જેમની તેમ રહી હતી. અલબત તે પછીથી લઈને આજ સુધી અનેક અકીદતમંદો, શ્રીમંતો, સુલતાન, બાદશાહો વગેરે વખતો વખત તેમાં સુધારા વધારા અને રંગો રોગાન કરાવતા રહ્યા જે સિલસિલો જાન્યુઆરી૧૯૯૧સુધી ચાલુ રહ્યો હતો. પરંતુ જાન્યુઆરી૯૧માં યઝીદે સાની સદામ પવિત્ર શહેરના નાગરિકોનો કત્લેઆમ કરીને તેનું નામ દુશ્મનાને ઈસ્લામ અને એહલેબૈતના લીસ્ટમાં નોંધાવી દીધું.’

ત્રીજી આશુરા

વહાબીઓના હુમલા પછી કેટલાક સમય સુધી કરબલા હુમલાઓથી સુરક્ષીત રહ્યું. તેમ છતાં કરબલાની સરઝમીન સત્તાધીશોના ઝુલ્મો સિતમથી કયારેય સુરક્ષિત નથી રહી કારણકે ‘કરબલા સત્તાધીશો સામેની એન અનંત જંગ’છે. તે લોકો એવું માને છે કે કરબલાનો વિનાશ કરીને તેમની સત્તા અને હુકુમત અણનમ રહી શકશે. પરંતુ ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જે કોઈએ કરબલા પર હુમલો કર્યો તે ઝાઝો સમય સત્તા ઉપર ટકી શકયો નથી. અને તેનું નામ ઈતિહાસના પૃષ્ઠો પર બાકી રહેશે તો પણ તેને ઝાલિમ અને અત્યાચારી સિવાય બીજા કોઈ શબ્દોમાં ઓળખવામાં નહીં આવે. કરબલા એ હક (સત્ય) નો એ એવો અડગ ઝળહળતો સિધ્ધાંત છે જેના પ્રકાશને ઝુલ્મની કોઈ તાકત ઝાંખો કરી શકે તેમ નથી. કરબલા એ ઝાલિમોના મહેલ પર ત્રાટકેલી એ વિજળી છે જેની સામે કોઈ ઈમારત લાંબો સમય સલામત રહી શકતી નથી. નજફ અને કરબલાનો વારંવાર વિનાશ થઈને પુન: નિર્માણ થવું એ વાતની સાબિતી છે કે હકની નિશાનીઓ કદી મીટાવી શકાતી નથી. જ્યારે જ્યારે હકને કમઝોર કરવામાં આવે છે, ત્યારે તે પ્રબળ તાકતથી બહાર આવે છે. હાલમાં સદામની સરકાર દ્વારા નજફ અને કરબલામાં આચરવામાં આવેલો વિનાશ એ દર્શાવે છે કે આ મુકદ્દસ મઝારાતનું નિર્માણ ભવિષ્યમાં, હાલ કરતા કેટલાય ગણુ સારી રીતે થશે અને એ પણ શકય છે કે આ નવ નિર્માણ વલીએ અસ્ર અરવાહના ફીદાહના દસ્તે હક પરસ્તથી થાય.

ઈરાકમાં જ્યારથી બાસ પાર્ટીએ સત્તા સંભાળી છે ત્યારથી ઓલમા અને શીઆઓ પર ઝુલ્મો સિતમનું પ્રમાણ વધી ગયું છે. શીઆઓ પર હુકુમત તરફથી ઝુલ્મો સિતમ થયા ન હોય તેવો એક પણ દિવસ પસાર થતો નથી. નજફે અશરફનો એક હજાર વરસ જુનો મદ્રેસો ‘હવ્ઝએ ઈલ્મીયા’આ હુકુમતના દુષ્ટ હાથે તબાહ થયો છે. ઈરાકના અન્ય શહેરોના શીઆ મઝહબી કેન્દ્ર સદામની બાસ પાર્ટીના સત્તાધીશોએ બંધ કરાવ્યા છે. દીની મદ્રેસાઓ અને મસ્જીદોનો નાશ કરવામાં આવ્યો છે, અથવા તેને બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે વર્ષથી વધારે સમયથી ઝવ્વારોને ઝિયારતે હુસૈન (અ.સ.) અને બીજા રોઝા મુબારકની ઝિયારત માટે જવા પર પાબંદી મુકવામાં આવી છે. ઈસ્લામી વિશ્ર્વના મહાન આલિમેદીન હઝરત આયતુલ્લાહ શહીદ સૈયદ મોહમ્મદ બાકેરૂસ્સદ્ર તાબસરાહની તેમની બહેનની સાથે કરપીણ હત્યા કરવામાં આવી. હઝરત આયતુલ્લાહ ઉલ ઉઝમા આકાએ મોહસીન હકીમ તાબ સરાહના પ્રતિષ્ઠિત કબીલાના સેંકડો લોકો અને આલીમોને નિર્દય રીતે કત્લ કરી નાખવામાં આવ્યા. સમગ્ર ઈરાકના રહીશોનું એક પણ ઘર એવું બાકી નથી રહ્યું જેના ઘરમાંથી એક નવયુવાન ઈરાકની ઝાલીમ હુકુમતના હાથે કત્લ કરવામાં ન આવ્યો હોય. સમગ્ર કુટુંબને નિર્દય રીતે રહેંસી નાખવાના પણ કેટલાય બનાવ બન્યા છે. દુધમલ બાળકોને તેની જનેતાની સામે ચીરીને ફેંકી દેતા આ નિર્દય ઝાલીમો અચકાણા નથી… અને માહે શાઅબાન હીજરી સન૧૪૧૧માં કરબલા અને નજફ ઉપર બોંબના ગોળા વરસાવવામાં આવ્યા જેના લીધે સોનેરી ગુંબજનો ભાગ વિંધાઈને ચારણી જેવો થઈ ગયો અને નીચેના સોનાના ભાગના ટુકડે ટુકડા થઈ ગયા. પવિત્ર દિવાલો અને ઝરીહે મુકદ્દસને તોડી નાખવામાં આવી. કબ્ર મુબારકની પેટીને છીન્ન ભીન્ન કરી નખાઈ. સહને મુબારક લાશોથી છવાઈ ગયું. ઝરીહ મુબારકનો બધો ખજાનો લૂંટી લેવાયો. હરમ મુબારકની આજુબાજુના એક કિલોમિટરના વિસ્તારની બધીજ ઈમારતોનો નાશ કરવામાં આવ્યો. અને તે ઈમારત ના રહીશો તેમાંજ દબાઈને મૌતને શરણ થયા. માર્ગો મૃતદેહોથી છવાઈ ગયા. ઝુલ્મની પરાકાષ્ઠા તો ત્યાં સુધી પહોંચી કે કોઈ પોતાના સગા સંબંધીની લાશનો કબ્જો લેવા માટે આવતું તો તેને પણ મારી નાખવામાં આવતા. કડક સેન્સરશીપહોવા છતાં જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા હતા તેનાથી જાણવા મળ્યું છે કે નજફ અને કરબલાની ઈમારતોને વિકૃત કરી નાખવામાં આવી. અઝાનની આવાઝ બુલંદ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો. ચારે બાજુ સશસ્ત્ર સૈનિકોનો ચોકી પહેરો ગોઠવવામાં આવ્યો. અને દિવાલો પરના લખાણોમાં સૈનિકોના ઝુલ્મો સિતમોની દાસ્તાન લખાયેલી દ્રષ્ટિગોચર થઈ. હઝરત આયતુલ્લાહ ઉલ ઉઝમા આકાએ સૈયદ અબુલ કાસીમ અલ ખુઈને નઝરબંદ કરવામાં આવ્યા. (આ સમાચાર૧૯૯૧ના છે. આકાએ ખુઈ સાહેબનો ઈન્તકાલ તા. ૦૮/૦૮/૯૨ના થયો). ખુઈ સાહેબના કુટુંબીજનો વિશે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. એ લોકો જેલમાં મુસીબત વેઠી રહ્યા હોય અથવા તો કત્લ કરી દેવામાં આવ્યા હોય તેમ માનવામાં આવે છે. સમગ્ર ઈરાકમાં શીઆઓની કત્લે આમ બોલાવવામાં આવી. અને શીઆઓને કત્લ કરવાનો સિલસિલો ચાલુ જ છે. અને ઝુલ્મની પરાકાષ્ઠા સમી. ‘પડયા પર પાટા મારવા’જેવી સ્થિતિ તો એ છે કે આ ઝુલ્મો સિતમનો વિરોધ કરવા માટે આવાઝ બલંદ કરવામાં આવે છે, તે સાંભળવા માટે પણ કોઈ તૈયાર થતું નથી. ઈરાકના બીજી કોમના નાગરિકો માટે બોંબ વર્ષાથી બચવા માટે ભોંયરા અને વિશીષ્ટ સ્થાન બનાવવામાં આવ્યા છે. જ્યારે શીઆઓને પાશવી હત્યારાઓને હવાલે કરી દેવાય છે. શીઆઓ ઉપર ઝુલ્મો સિતમ કરનારને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ હાલતમાં હૃદયના ઉંડાણથી આહ સાથે આ ફરિયાદ નીકળે છે.

અયનત તાલેલો બે દમીલ મકતુલે બે કરબલા?

કરબલાના શહીદોનો બદલો લેનાર (અય વલીએ અસ્ર અજ.) આપ ક્યાં છો?

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *