સૈયદુશ્શોહદા અલયહીસ્સલામની ઝિયારતનું મહત્વ

Print Friendly, PDF & Email

ખુદાવંદે આલમ તરફથી તમામ અઈમ્મા અલયહેમુસ્સલામની ઝિયારતને જરૂરી અને મહત્વની ગણવામાં આવી છે. અને તેની ફઝીલત અને સવાબ પણ ઘણો છે. પરંતુ હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામની ઝિયારતની વિશેષતા છે અને તે ઝિયારત કરનારનો ખાસ દરજ્જો પણ છે. એહલેબૈત (અ.સ.)ના શીઆઓ અને મોહીબ્બાને ઈસ્મત અને તહારત માટે આ હકીકત જાણવી જરૂરી છે.

હઝરત ઈમામ જઅફરે સાદિક અલયહીસ્સલામે ઈરશાદ ફરમાવ્યું:

ઝિયારતુલ હુસૈન અલયહીસ્સલામો વાજેબતુન અલા કુલ્લે મન યોકીરરો લિલ હુસયને અલયહીસ્સલામો બલ ઈમામતે મેનલ્લાહે અઝઝ વ જલ્લ.

(વસાએલ૩૪૬/૧૦)

જે માણસ હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામ માટે તેઓને ખુદાવંદે આલમ તરફથી આપવામાં આવેલી ઈમામતનો સ્વીકાર કરતો હોય તેમના માટે ઈમામ હુસૈન અલયહીસ્સલામની ઝિયારત કરવી વાજીબ છે.

બીજી એક રિવાયતમાં હઝરત ઈમામ મોહમ્મદ બાકીર અલયહીસ્સલામે તેમના માનવંતા સહાબી જનાબ મોહમ્મદ બિન મુસ્લીમને ફરમાવ્યું:

મોરોદા શીયતના બેઝયારતે કબ્રીલ હુસયન અલયહીસ્સલામો ફઈન્ન ઈતયાતહ મુફતરેઝુન અલા કુલ્લે મૂઅમેનીન.

(કામીલુઝ ઝીયારાત૧૨૧)

અમારા શીઆઓને હુસૈન અલયહીસ્સલામની કબ્રે મુતહહરની ઝિયારતનો હુકમ આપો. કેમકે એમની કબ્રની ઝિયારત કરવી તમામ મોઅમીનોની ફરજ છે.

ઝિયારતે હઝરત ઈમામ હુસૈન (અ.સ.) માત્ર પુષો માટે જ નહીં સ્ત્રીઓ માટે પણ એવી જ રીતે જરૂરી અને વાજીબ છે. હઝરત ઈમામ જઅફર સાદિક અલયહીસ્સલામે ‘ઉમ્મે સઈદ’ને ફરમાવ્યું: શું તું ઈમામ હુસૈન અલયહીસ્સલામની કબ્રની ઝિયારત કરે છે? તેણીએ કહ્યું: જી, હા. આપ(અ.સ.) એ ફરમાવ્યું:

ઝુરીહી ફઈન્ન ઝેયારતો કબ્રીલ હુસયન વાજેબતુન અલર રેજાલ વન નેસાએ.

(કામીલુઝ ઝિયારાત૧૨૨)

ઈમામે હુસૈન અલયહીસ્સલામની ઝિયારત કરો, કારણકે ઈમામ હુસૈન અલયહીસ્સલામની કબ્રની ઝિયારત કરવી દરેક પુરૂષ અને સ્ત્રી માટે જરૂરી અને વાજીબ છે.

ઈમામે હુસૈન અલયહીસ્સલામની ઝિયારત એટલી બધી વિશીષ્ટ, મહત્વની અને જરૂરી છે કે તેની પૂર્તતા વાજીબ અને મુસ્તહબ હજ્જ દ્વારા પણ થઈ શકતી નથી. હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અલયહીસ્સલામના ગુલામ અબ્દુરરેહમાન બિન કસીરે હઝરત ઈમામ જઅફર સાદિક અલયહીસ્સલામથી આ રિવાયત નોંધી છે કે:

લવ અન્ન અહદકુમ હજ્જ દહરીહી સુમ્મ લમ યઝેરીલ હુસૈનબ્ન અલીય્યીન અલયહોમાસસલામો લકાન તારેકન હકકન મિન હોકુકીલ્લાહે વ હોકુકે રસૂલેહી સલ્લલ્લાહો અલયહે વ આલેહી લે અન્ન હકકલ હુસયને ફરીઝતુન મેનલ્લાહે વાજેબતુન અલા કુલ્લે મુસ્લેમીન.

(તહઝીબ જી. ૬પા. ૪૬)

જો તમારામાંથી કોઈ શખ્સ જીંદગીભર હજ્જ કરતો રહે અને હુસૈન બિન અલી અલયહોમાસ્સલામની ઝિયારત ન કરે તો તેણે ખુદા અને રસુલના હક્કો પૈકીના એક હક્કને છોડી દીધો (ગણાશે). કેમકે, ઈમામ હુસૈન અલયહીસ્સલામનો હક (ઝિયારત) ખુદા તરફથી દરેક મુસલમાન માટે ફરજીયાત અને વાજીબ કરવામાં આવ્યો છે. આજ પ્રકારની એક હદીસ ‘અલી બિન મૈમૂને’પણ હઝરત ઈમામ જઅફર સાદિક અલયહિસ્સલામે ફરમાવી હોવાનું નોંધ્યુ છે. એ રિવાયતમાં એક હજાર હજ્જ (કરવાને પણ) ઈમામ હુસૈન અલયહીસ્સલામની ઝિયારત જેટલી મહત્વની ગણાવી નથી.

(કામીલુઝ ઝિયારત૧૯૪)

નીચેની રિવાયતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાથી એ વાત સારી રીતે સમજાઈ જશે કે હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામની ઝિયારત કેટલી અગત્યની અને જરૂરી છે. હઝરત ઈમામ જઅફરે સાદિક અલયહીસ્સલામ ઈરશાદ ફરમાવે છે કે:

મન લમ યાતે કબરલ હુસયન અલયહીસ્સલામો હત્તા યમૂત કાન મુનતકસુદદીન, મુન્તકસલ ઈમાને વઈન દખલલ જન્નત કાન દુનલ મુઅમેનીને ફીલ જન્નહ.

(તેહઝીબ જી. ૬પા. ૪૫)

જે માણસ ઈમામ હુસૈન અલયહીસ્સલામની ઝિયારત કર્યા વગર આ દુનિયાથી ચાલ્યો જાય તો તેનો દીન અને ઈમાન બંને અધુરા રહેશે. અને જો તે જન્નતમાં ચાલ્યો જશે તો પણ તેનો દરજ્જો બીજા મોમીનો કરતા ઓછો (નીચો) હશે.

અને કેટલીક રિવાયતોમાં તો જાણી બુજીને ઝિયારતે હુસૈન (અ.સ.) ન કરનાર માણસને ગૈર શીઆ, જહન્નમી અને મઅસુમીન અલયહેમુસ્સલામના આક (તિરસ્કૃત) કરાએલા પણ ગણવામાં આવ્યા છે.

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ ઈરશાદ ફરમાવ્યું:

મન લમ યાતે કબ્રલ હુસયન અલયહીસ્સલામે વ હોવ યઝ અમ અન્નહુ લના શિઅતુ હત્તા યમૂત ફલયસ લના બે શિયહ.

(બેહાર જી. ૧૦૧પા. ૪)

જે માણસ ઈમામ હુસૈન અલયહીસ્સલામની ઝિયારત કર્યાવગર મરી જાય તે અમારો શીઆ નથી, ભલે તે પોતાની જાતને શીઆ સમજતો હોય.

હાન બિન ખારેજહ હઝરત ઈમામ જઅફર સાદિક અલયહીસ્સલામને કોઈ પણ પ્રકારના કારણ વગર ઈમામ હુસયન અલયહીસ્સલામની ઝિયારત ન કરનાર માણસ વિશે પૂછયું ત્યારે આપે ફરમાવ્યું: હાઝા રજોલુમ મિન અહલીન્નાર.

(કામીલુઝ ઝિયારત૯૩)

‘એવો માણસ જહન્નમીઓમાંથી છે.’

બીજા એક માણસે આજ સવાલ ઈમામ જઅફર સાદિક અલયહીસ્સલામને પૂછયો ત્યારે હઝરતે ફરમાવ્યું:

અન્નહુ કદ અકક રસૂલલ્લાહ સલ્લલ્લાહો અલયહે વ આલેહી વ અકકના વ અસતખફફ બે અમરીન હોવલહુ.

(મુસ્તદરક જી. ૨પા. ૨૦૪)

એવા માણસે રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહીને તકલીફ પહોંચાડી અને અમને દુખી કર્યાછે. અને તેણે એક મહાન બાબતને હલકી ગણી છે.

ઈમામ હુસયન અલયહીસ્સલામની ઝિયારત માટે જવામાં રસ્તાનું લાંબુ અંતર, મુસાફરીની તકલીફો વગેરે કારણોથી પણ ઝિયારત માટે જવાની તાકીદ ઓછી થઈ જતી નથી.

હઝરત ઈમામ મોહમ્મદ બાકીર અલયહીસ્સલામે તેઓ (અ.સ.)ના કેટલાક અસ્હાબોને પૂછયું: તમારે ત્યાં (વતન)થી ઈમામ હુસયન અલયહીસ્સલામની કબ્ર કેટલા અંતરે છે? તેમણે જવાબ આપ્યો: ૬૦થી૭૦ફરસખ. આપ(અ.સ.) પૂછયું: શું તમે ઈમામ હુસયન અલયહીસ્સલામની કબ્રની ઝિયારત માટે જતા નથી? જવાબ આપ્યો: નહીં. આપ(અ.સ.) એ ફરમાવ્યું: તમે લોકો કેવા અત્યાચારી છો.

(કામીલુઝ ઝિયારત૨૯૨)

મોઆવિયા બિન વહબે હઝરત ઈમામ જઅફર સાદિક અલયહીસ્સલામથી આ વિષયની કેટલીય રિવાયતો નોંધી છે. જેમાં ઈમામ અલયહીસ્સલામે ફરમાવ્યું:

યા મોઆવિયહ લા તદઅ ઝયારત કબ્રીલ હુસયને અલયહીસ્સલામો લે ખવફીન ફ ઈન્ન મન તરક ઝેયારતહુ રાયા મેનલ હસરતે મા યતમન્ન અન્ન કબ્રહુ કાન ઈન્દહુ.

(બેહાર જી. ૧૦૧પા. ૯)

ડરના કારણે ઈમામ હુસયન અલયહીસ્સલામની કબ્રની ઝિયારત કરવાનું છોડો નહીં, કારણકે જેણે ઈમામ હુસયન અલયહીસ્સલામની ઝિયારત (કરવાની) છોડી દીધી તે કયામતમાં એવો હતાશ અને શરમીન્દો થશે કે તે એવી તમન્ના કરશે કે કાશ, એ કબ્ર તેની પાસે હોત તો? (કેવું સાંરૂ થાત).

આ સિલસિલાની જે રિવાયતોનું અત્રે વર્ણન થયું છે તે તવાતુરની હદથી વધારે (નઝદીક) છે. અને મઝહબે જાફરીયહ માટે તો ઈમામ હુસયન અલયહીસ્સલામની ઝિયારતની ફઝીલત અને મહત્વ જરૂરીયાત (અનીવાર્યતા)માંથી છે. અને આ રિવાયતોના સંદર્ભમાંજ અલ્લામા મજલીસીના પિતા મજલીસીએ અવ્વલ મૌલા મોહમ્મદ તકી મજલીસી જેવા મહાન ફકીહ ‘રવ્ઝતુલ મુત્તકીન’માં ઈમામ હુસૈન અલયહીસ્સલામની ઝિયારત વાજીબ હોવાનો ફતવો આપેલ છે. એટલું જ નહીં, તેઓએ ઝિયારતને હજની જેમ વાજીબ ગણાવી છે. આથી, જે મોમીનો પાસે ઝિયારત માટેની સફર કરવાની આર્થિક શકિત અને પાત્રતા હોય તેઓ માટે ઝિયારતે હુસૈન (અ.સ.) માટે જવું અનીવાર્ય છે. અને જે લોકોમાં આવી શકિત નથી તેમણે આવી શકિત મેળવવા માટે પ્રયત્નો કરવા જોઈએ જેથી ખુદાવંદે આલમ તેમને મહાન સફળતા અને શ્રેષ્ઠ દરજ્જો આપે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *