કરબલાના શહીદોના રજઝ (શોર્ય કાવ્ય)

Print Friendly, PDF & Email

રજઝ એ શેર (કાવ્ય પંકિત) ને કહે છે જે કોઈ બહાદુર યોધ્ધો મૈદાને જંગમાં પ્રવેશતી વખતે કહે છે. એટલે તે રજઝ દ્વારા યુધ્ધના મૈદાનમાં યોધ્ધો પોતાનો પરિચય આપીને જંગ કરવાનો પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી શકે છે, કે આ જંગ માલો દૌલત માટે, કુફાના સામના માટે કે દીન અને ઈમાનની સલામતી માટે કરે છે. જંગ કરનારનો ઉદ્દેશ આમાંનો કોઈ પણ હોય, સિપાહીની રજઝથી એ વાત સાબિત થઈ જાય છે કે મૈદાને જંગમાં તે પોતાનો જીવ શા માટે જોખમમાં મૂકી રહ્યો છે.

કેટલાક સુન્ની આલીમો ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના જાનિસાર સાથીઓની અઝીમ શહાદતના દરજ્જાને ઘટાડવાના ઉદ્દેશથી કરબલાની મહાન જંગને બે બાદશાહો વચ્ચેની જંગ કહે છે અને એવો પ્રચાર કરે છે કે: એ તો બે બાદશાહો વચ્ચેની જંગ હતી અને તે બંનેનો હેતુ શામની હુકુમત પર કબજો જમાવવાનો હતો. આ જંગને મઝહબ સાથે શું લેવા દેવા? પ્રસ્તૃત પાયા વગરના આક્ષેપના ઉત્તર માટે માત્ર શોહદાએ કરબલાના રજઝ પૂરતા છે. અને આ જવાબ કોઈ બુધ્ધિમાન વ્યકિત ઉંડાણથી અભ્યાસ કરે તો જણાઈ આવશે કે જંગ કરતી વખતે એ મહાન શખ્સીયતને કોઈ વસ્તુની ચિંતા હોય તો ફકત અને ફકત ખુદાવંદે આલમના દીન (ઈસ્લામ)ની સુરક્ષાની ચિંતા હતી. તેઓને આ ફાની દુનિયાની નાશવંત લઝઝતોની લગીરે પરવા ન હતી. તેઓએ દુન્યવી ચીઝો જેવી કે માલો દૌલત, ખજાના, હુકુમત વગેરેને તુચ્છ દ્રષ્ટિએ જોતા હતા એમ કહેવામાં જરાએ અતિશયોકિત નહીં ગણાય અને મઝહબે ઈસ્લામના ઉસુલ અને ફુ અને તેઓએ તેમની જીંદગીના હેતુ અને હંમેશા બાકી રહેનારા જીવનનું (આખેરત) માધ્યમ બનાવ્યું હતું. કદાચ, એહલેબૈત (અ.મુ.સ.)ની મોહબ્બતે તેઓને જન્નતના બાગોની સહેલ કરાવી દીધી હતી અને તેઓને ખાત્રી થઈ ચૂકી હતી કે જો તેમણે જન્નતના અત્તરની સુગંધથી ભરપૂર બાગ ખરીદવા હોય તો તેમણે (તેમના) જીવને આલે રસુલ (સ.અ.વ.)ના કદમોમાં કુરબાન કરવા પડશે. હુસૈને મઝલુમ (અ.સ.)ના મદદગારો અને દોસ્તોમાં બાળકો હતા અને વૃધ્ધો પણ હતા, યુવાન હતા અને કિશોરો પણ હતા. ગુલામો હતા અને આકા પણ હતા. તેઓએ કોઈપણ પ્રકારની શંકા વગર તેમની શહાદતના હેતુની પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી.

રજઝ દ્વારા ફકત તેમની શહાદતનો હેતુ જાહેર થયો ન હતો પરંતુ તેમની મઅરેફત તેમના અખ્લાક, તકવા અને તેમના સમગ્ર વ્યકિતત્વના પ્રતિબીંબ સમાન હતો.

તો આવો હવે મૈદાને કરબલા જઈએ. દસમી મોહર્રમ અને આશુરાનો દિવસ છે. ઝોહરનો સમય છે. હુસૈન (અ.સ.) દુશ્મનોના સામના માટે ઉભા રહીને તેમની શહાદતના હેતુનું એઅલાન કરી રહ્યા છે.

હુર ઈબ્ને ઝીયાદનું રજઝ

અલયતો લક તલો હત્તા અકતોલા અખરેબોહુમ બિસ્સયફે ઝરબન મોઅઝલા લાનાકેલન અન હોમો વલા મોઅલલન લાહાજેઝન અનહુમ વલા મોબદદ લન અહમીયલ હુસૈન અલમાજેદલ મોઅમ્મલન.

અનુવાદ: કસમ છે, જ્યાં સુધી (દુશ્મનોને) કત્લ નહીં કરૂ, ત્યાં સુધી મરીશ નહીં. હું મારી શમશીરથી તેમની ઉપર સખ્ત પ્રહાર કરીશ.

હું તેનાથી (કદી) ભાગીશ નહીં અને ન તો મારા (કુરબાન થવા) માટે કોઈ બહાનુ રજુ કરીશ.

હું તેમનાથી કદી દૂર હટીશ નહીં કે કોઈને મારી જગ્યા એ આવવા દઈશ નહીં.

આખી દુનિયાની ઉમ્મીદ જેનાથી કાએમ છે તે બુઝુર્ગવાર હુસૈન (અ.સ.)ની હિમાયત કરવામાં જરાય પાછી પાની નહીં કરૂ.

ઈન્ની અનલ હુરરો વ નજલુલ હુરર અશજઓ મન ઝી લબદીન હઝબર વલસ્તો બીલ જબાને ઈન્દલકર લાકીનનીલ વકાફ ઈન્દલ ફર.

અનુવાદ: હું હુર (આઝાદ – સ્વતંત્ર) છું અને અવલાદે હુર છું.

મૈ શેરે દિલાવરસે ભી ઝયાદા દિલૈર હું. હમલા કરતે વકત મે કિસીસે ઘભરાતા નહીં.

(હુ શેરે દિલાવરથી પણ વધુ શૂરવીર છું હુમલો કરતી વખતે હું કોઈથી (જરાય) ડરતો નથી)

બલ્કે, જ્યારે બધા (મૈદાને જંગથી) ભાગી જાય છે, ત્યારે પણ હું મૈદાનમાં સ્થિર કદમે ઉભો રહું છું.

ઈન્ની અનલ હુરરો વમા વઝઝયફ અઝરબો ફી અઅના ફેકુમ બિસ સય્ફ અન ખયર મિન હલ બારેઝલ ગયફ અઝરેબોકુમ વલા અરા મિન હયફ.

અનુવાદ: હું હુર છું અને મહેમાનોનું આશ્રયસ્થાન છું. વફા માટે સરઝમીને મક્કા ઉપર જાહેર થનાર શ્રેષ્ઠ વ્યકિત છું. હું તમારી ગરદનો ઉડાવી દઈશ તેમાં કોઈ (ની કોઈ જાતની) શરમ નહીં અનુભવું આ (જોશો ફરોશ) જોશ અને ઉત્તેજના સાથે હુરે તેના રજઝના કેટલાક અંતિમ શેર કહ્યા જેનો સારાંસ નીચે પ્રમાણે છે:-

‘જો હું ફાતેમાના ફરઝંદ હુસૈન સાથે જંગ કરૂ તો એક ગદ્દાર પિતાનો ગદ્દાર પુત્ર ગણાઈશ. જે કોઈ હુસૈનની મદદ નહીં કરે તે ભોંઠપઅનુભવશે.

અય ઝાલિમો, ઈમામ હુસૈન (અ.સ.) પર હુમલો કરશો નહીં, નહીંતર હું મારા લશ્કરની સાથે તમારી ઉપર હુમલો કરીશ. ખુદાવંદા એ દિલાવર સિંહ જે પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદની મદદ માટે મૈદાનમાં દોડશે તેના (તેમના મદદગાર) ઉપર રહેમતની વર્ષા કરીને તૃપ્ત કરી દેશે.

કોઈપણ યોગ્ય વ્યકિત હુર બિન ઝીયાદના રજઝનો જીણવટથી અભ્યાસ કરશે તો એ વાત સ્પષ્ટ જણાશે કે હુરને દુન્યવી કોઈ વસ્તુની લાલચ કે આકર્ષણ ન હતું. તો પછી એ કઈ વસ્તુ હતી જેના માટે હુરે જાનની બાઝી લગાવી દીધી હતી? આ પ્રશ્નનો જવાબ તેના રજઝમાંથી મળી આવે છે. હુરને કોઈ તખ્ત કે તાજની કે ઈનામની લાલચ ન હતી પણ ફાતેમા (સ.અ.) ના લાલ, પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ના ફરઝંદ અને ઈસ્લામના રક્ષણની ચિંતા હતી.

બુરૈર બિન ખુઝૈરનો શોર્ય સંદેશ

અના બુરૈર વ અબી ખુઝૈર. લયસ યરદઉલ અસદ ઈન્દઝ ઝૈર. યઅરેફો ફીનલ ગૈર અહલીલ ખૈર. અઝરે બે કુમ વલા અરા મિન ઝૈર. કઝાક ફઅલલ ખૈર મિન બુરૈર.

હું બુરૈર છું. મારા પિતા ખુઝૈર છે. હું એવો સિંહ છું કે બીજા તમામ સિંહ મારી ગર્જનાથી ગભરાય છે. જેઓ નેક છે, તેમને મારી નેકી પર પૂરે પૂરો ભરોસો છે.

હું તમને મારી શમશીરનો પરચો દેખાડી દઈશ અને તેમાં કોઈની શરમ નહીં રાખું.

બુરૈરના નેક કામ આ પ્રકારના જ હોય છે.

મૈદાને જંગમા. બુરૈરે નેકી અને બદી વચ્ચેનો તફાવત જાહેર કરી દીધો. જો લોકોના દિલમાં કોઈ પ્રકારની શંકા રહી ગઈ હોત તો બુરૈરના આ શોર્ય સંદેશે તે શંકાને તરતજ દૂર કરી દીધી હશે. અને હક પર કોણ છે અને બાતિલ પર કોણ છે તે સાબિત કરી દીધું હશે.

ઉમ બિન ખાલિદ અલ અઝદીનો શોર્ય સંદેશ

અલયકા યા નફસ એલર રહમાન ફબુશરા બિરહે વરરયહાન અલયવ્મ તજઝીના અલલ એહસાન, કદકાન મિન્ક ગાબેઝ ઝમાન, માફત ફીલ લવ્હે લદર રબ્બાન, લાતજઝેય ફકુલ્લ હયયીન ફાન. વસબીર અહઝા લક બીલ અમાન, યા મઅશરલ અઝદબની કહતાન.

અનુવાદ: અય જાન (જીવ) ખુદાએ મહેરબાન પ્રતિ ગતિ કર. અને જન્નતના એશો આરામ (મેળવવાની) ખુશી મેળવ.

ભુતકાળમાં તારાથી કેટલાય ગુનાહ થઈ ચૂકયા છે. પણ, આજે તારા નેક કાર્યોનો બદલો નિહાળ. વ્યાકુળ ન થા, કેમકે દરેક જીવતાને મૌત આવવાનીજ છે.

સઅદ બિન ખનઝલાહનો શાર્ય સંદેશ

સબરન અલલ અસયાફ વલ અસનહ.

સબરન અલયહા લે દો ખુલીલ જન્નહ.

વ હુરે અયનીન નાએમાતે હન્નહ.

લેમન યોરીદુલ ફવર લા બીઝઝનહ.

બેનફસીન લીર રાહત ફાહહ દન્નહ.

વફી તીલાબીલ ખયર ફારગય્યનહ.

અનુવાદ: જે કોઈ સત્યવાદી જન્નત અને જન્નતની હુરો પ્રાપ્ત કરવાની આશંકા સેવતો હોય, તે તલવારો અને નેઝાઓના પ્રહાર સહન કરવા તૈયાર રહે. અય જીવ, અનંત રાહત અને આરામ માટે જેહાદ કર. અને ખુબીઓની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બન.

ઉપરના બંને શોર્ય સંદેશ વાંચતા જણાય છે કે હુસૈન (અ.સ.)ના સિપાહીઓ મૈદાને જંગમાં પણ અખ્લાકની તાલીમ આપી રહ્યા હતા. તેઓ એ વાત જાણતા હતા કે આ દુનિયા નાશવંત છે. અને તેઓને આખેરત અને તેના ફળ એટલેકે જન્નત સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. જે માણસને ખાત્રી હોય કે તેનું મૌત નિશ્ર્વિત છે તો શું તે માલ દૌલત માટે જંગ કરે ખરો? હરગીઝ નહીં, અસ્હાબે હુસૈન માટે એવી બાબતો વિશે વિચારવું પણ ટુંકી દ્રષ્ટિ અને બદગુમાની છે.

હબીબ બિન મઝાહીરનો શોર્ય સંદેશ

અના હબીબ વ અબી મઝાહીર વ ફારેસુલ હયજાઅ લયસ ફસૂરો વ અનતુમ ઈન્દલ અરીદો અકસર વ નહનો અવફા મીન કુમ વસબીર એઝન વફી કુલ્લે ઓમુરે અકદર વ અનતુમ ઈન્દલ વફાઅ અગદર વ નહનો અઅલા હુજ્જત વ અઝર હકકન વ ઈન્નમી મીન કુમ વ અઅઝર.

અનુવાદ: હું હબિબ ઈબ્ને મઝાહીર છું. જો કે તમો વચનભંગ કરનારાઓની સંખ્યા અમારા કરતા અનેક ગણી વધારે છે. છતાં હું મૈદાનનો સિપાહી અને હુમલો કરનારો સિંહ છું. અમારી શકિત તમારા કરતા ઘણી વધારે છે કારણકે હક્ક અને હુજ્જતે ખુદા એટલે ઈ. હુસૈન અ.સ. અમારી સાથે છે. મારા હાથમાં એવી ચમકતી તલ્વાર છે જેના થકી હું તમને જહન્નમ ભેગા કરી દઈશ.

હુસૈન (અ.સ.)ના આ બુઢ્ઢા સહાબી હબીબ બિન મઝાહીર મૈદાને જંગમાં તેમના શૌર્ય સંદેશ દ્વારા દુશ્મનોને વચનપાલન, વફાદારી વગેરેની તાલીમ આપી રહ્યા હતા.

આ કેટલાક શોર્ય સંદેશ જોય પછી આપણે ખુલ્લા દિમાગ અને ઉંડાણથી વિચારીએ તો આપણને કેટલીક બાબતો સમજાશે.

(૧) પહેલુ તો એ કે ઈમામ હુસૈન (અ.સ.)ના બધા સાથીઓ એ વાત સારી રીતે જાણતા હતા કે તેમના જીવ બચવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેમ છતાં દરેક સહાબી આવીને બહાદુરીપૂર્વક દુશ્મનોને લલકારતા હતા. આ એ વાતની દલીલ છે કે તેમની જંગ ભૌતિક બાબતો માટે નહીં પણ રૂહાની હતી.

(૨) મૈદાને જંગમાં પણ હુસૈનના સાથીઓ અલ્લાહ અને ઈસ્લામ, રસૂલ અને ઈમામ તથા અખ્લાક અને ઈમાનની વાતોનું વર્ણન કરી રહ્યા હતા. જેનાથી તેમના વિચારો કેવા હતા તે સ્પષ્ટ થાય છે.

(૩) ઈમામ જે કાંઈ હુકમ આપશે અથવા કહેશે તેજ (મામુમ) ઈમામને અનુસરનારાઓ કરશે અને કહેશે. હુસૈન (અ.સ.)ના વફાદાર મિત્રો અને સાથીઓની ઈમાન અને ઈસ્લામના રક્ષણ માટે આવી બુલંદ ભાવના હતી તો આપએ અંદાજ લગાવો કે આપણા ઈમામનું વ્યકિતત્વ કેવું હશે? આપણા મઝલુમ ઈમામ (અ.સ.) પર અમારી અને અમારા વાલેદૈનની જાન કુરબાન થાય.

અત્રે આપણા મઝલુમ ઈમામ (અ.સ.)નો સોર્ય સંદેશ રજુ કરીએ તો તે અપ્રસ્તુત નહીં ગણાય:-

હું ખાનદાને હાશીમના અલીએ તાહીરનો ફરઝંદ છું હું ગર્વ કરવા ચાહું તો મારા માટે અલીના ફરઝંદ હોવાથી વધારે ગર્વની બીજી કોઈ વાત નથી.

મારા દાદા રસુલે ખુદા (સ.અ.વ.) છે જે દુનિયાના તમામ લોકોમાં સૌથી વધુ સ્વમાની છે. અમે ઝમાના ઉપર અલ્લાહના પ્રકાશિત નૂર સમાન છીએ.

મારી માતા એ ફાતેમા (સ.અ.) છે જે એહમદ (સ.અ.વ.)ના વંશમાંથી છે. અને મારા કાકા બે પાંખવાળા જઅફરે તૈયાર છે. અમારી શાનમાં જ કુરઆન નાઝીલ થયું હતું. અમારા વિશે જ હિદાયત અને વહી નાઝીલ થઈ હતી.

આ હુસૈન ઈબ્ને અલી (અ.સ.) છે. આપ(અ.સ.) રોઝે આશુર આપના વંશજના ઈતિહાસ અને મહાનતાનું એઅલાન કરી રહ્યા છે. જેથી કાલે (ભવિષ્યમાં) કોઈને એવું કહેવાની તક ન મળે કે અમે તેઓની બુઝુર્ગી વિશે જાણતા ન હતા.

ખુદાવંદે કરીમ આપણને એવી તૌફીક આપે કે જો આપણા દિલમાં હુસૈન (અ.સ.)ના સાથીઓના જઝબાતનો એક કણ પણ આવી જાય તો ઈન્શાઅલ્લાહ તે આપણી મુકિતનું માધ્યમ બની શકે.

આપણી જવાબદારી

હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે હુસૈન (અ.સ.)ના સાથીઓના શૌર્ય સંદેશથી આપણે કઈ રીતે ફાયદો મેળવી શકીએ. એટલે કે આ વાત બધી વાતોનું માત્ર શાબ્દિક મહત્વ છે કે તેનાથી વિશેષ પણ કંઈ છે? નહીં, આનું મહત્વ માત્ર શાબ્દિક નથી પણ તેમના શોર્ય સંદેશમાંથી અનેક બોધપાઠ મળે છે. જેની સૌથી મહત્વની વાત એ છે કે આપણે આપણું ચારિત્ર્ય હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ના અસ્હાબો જેવું બનાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. જોકે આપણા માટે તેના દરજ્જે પહોંચવું અને તેઓના સિધ્ધાંતોને અનુસરવું ખુબજ મુશ્કેલ છે. આપણે ઝિયારત પઢીએ છીએ તેમાં એક વાકય આ પ્રમાણે આવે છે: ફયા લયતની કુન્તો મઅકુમ ફઅફુઝ મઅકુમ.

અર્થાત કાશ, અમે પણ આપની સાથે હોત તો આપની જ સાથે (આપની જેવો શહાદતનો) દરજ્જો પામત. તો શું આ એક કહેવાનો (ઝબાની) દાવો માત્ર છે? નહીં. આ વાકય એક મઅસુમના મુખેથી નીકળેલ વાકય છે. અને મઅસુમના મુખમાંથી ખોટો ગપાટા, ખોટા દાવા થવાનો સવાલ જ ઉપસ્થિત નથી થતો.

અને બીજુ કારણ એ છે કે જો આપણે આપણા ચારિત્ર્યની સુધારના નહીં કરીએ અને ખુદાના ખાસ્તા, આપણા આકા અને મૌલા ઈમામે ઝમાના (અજ.) તશરીફ લઈ આવશે તો તે વખતે શું આપણે તેમના લશ્કરમાં શામેલ થવાને લાયક રહેશું ખરા? નહીં, નહીં, તેઓની ફૌજ ગુનેગારો અને દુરાચારીઓની બનેલી નહીં હોય, પરંતુ મુત્તકી અને પરહેઝગારોની બનેલી હશે. તેથી જો આપણે વાસ્તવમાં દિલના ઉંડાણથી દાવો કરીએ કે કાશ, અમે આપની સાથે હોત તો… તો પછી આપણે આપણા અખ્લાક (ચારિત્ર્ય) પણ તેવા બનાવીએ જેથી કરીને જ્યારે ઈમામે ઝમાના (અજ.) નો ઝહુર થાય ત્યારે આપણી ગણત્રી તેઓના મદદગાર, સાથીઓ અને મિત્રોમાં થાય.

વ આખેરો દઅવાના.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *