ઇમામે ઝમાના (અજ.) અને ફીકહના હુકમો (શરીઅતના મસઅલાઓની જાણકારી)

Print Friendly, PDF & Email

દુનિયાની એ રીત છે કે કોઇના વ્યક્તિત્વનો અંદાજ એ બે પ્રકારે કરે છે. એક તો એ કે તેણે પોતાના જીવનમાં શું શું કર્યંુ અને બીજું તેણે આવનારી પેઢી માટે શું છોડ્યું. આપણા વિષયનો સંબંધ બીજા પ્રકાર સાથે છે. આપણે શીઆ ઇસ્નાઅશરી ઇમામ (અ.સ.)ની ઇસ્મત અને ઇલ્મને અલ્લાહ તરફથી આપવામાં આવ્યું છે તેમ માનીએ છીએ. પરંતુ જ્યારે આપણે કોઇ ઇમામ (અ.સ.)નું જીવન ચરિત્ર્ય જાણવા માગીએ છીએ ત્યારે સૌથી મહત્ત્વના અને સૌથી વધુ જે પાસા ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ છીએ તે દરેક ઇમામનો ઇલ્મી વારસો છે. ઇમામ (અ.સ.)એ તેમના પૂર્વજોની કઇ કઇ વાતો આપણને વર્ણવી છે અને ખુદ ઇમામ (અ.સ.)એ ક્યા ક્યા પ્રસંગે અને પરિસ્થિતિમાં આપણા માર્ગદશર્ન માટે ઇલ્મી ખજાનાના સ્વરૂપે શું – શું વર્ણવ્યું છે. અલ્લાહનો શુક્ર છે કે આપણે એવા ઇમામોની ઇમામતમાં માનીએ છીએ કે જેમના ઇલ્મી બયાનો દરેક ક્ષેત્રને સર કરવા માટે પૂરતા છે. પરંતુ તે સૂચનો જેનો સંબંધ આપણી અમલી જીંદગીથી છે અને તેને અગર આપણે આપણી રોજબરોજની જીંદગીમાં વણી લઇએ તો દુનિયા અને આખેરતની સઆદત (ખુશબખ્તી) પ્રાપ્ત કરી શકીએ છીએ. ઇલ્મી ખજાના અમલની દ્રષ્ટિએ આપણા માટે ખૂબજ મહત્ત્વના છે. ખાસ કરીને આ ગુંચવણ ભર્યા વાતાવરણમાં જ્યાં અમૂક નાદાન શીઆઓ એમ કહે છે કે ઇસ્લામ આપણા જીવનની દરેક ખાલી જગ્યાને ભરી શકતો નથી. જ્યારે કે તેઓને એ ખબર નથી કે ગદીરના ખુત્બામાં પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું હતું :

‘અય લોકો દરેક તે વસ્તુ જે તમને જન્નતની નજીક કરે છે તે મેં તમને બતાવી દીધી છે અને દરેક તે વસ્તુ જે તમને જહન્નમથી દૂર કરી દે તે પણ મેં બતાવી દીધી છે.’

હવે જો પયગમ્બર (સ.અ.વ.)નું આ કથન જાણ્યા પછી પણ કોઇ આવી વાતો કરે તો એમ કહી શકાય કે તેણે પયગમ્બર (સ.અ.વ.)ની વાતોને જુઠલાવી છે અને પયગમ્બર (સ.અ.વ.)ની વાતોને જુઠલાવનાર મોઅમીન રહેશે નહીં. આ પ્રસ્તાવનાના વાક્યો પછી આવો આપણે ઇમામે ઝમાના (અ.સ.)એ બયાન કરેલા થોડા ફીકહી હુકમો જોઇએ. આ મસઅલાઓ ઇમામે ઝમાના (અ.સ.)એ અમૂક મહાન મરજઅ અને મોઅમીનોના સવાલોના જવાબમાં લખ્યા છે. તેમાંના એક લખાણની નોંધ મરહુમ તબરસીએ કિતાબ એહતેજાજ, ભાગ – 2, પાના નં. 298-300માં કરી છે…..

1.      ‘સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે નમાઝ અંગે જે સવાલ કર્યો છે,’

‘તો તે તેવી રીતે જ છે જેવી રીતે લોકો કહે છે.

સૂર્યોદય શયતાનના બે શીંગડા વચ્ચે થાય છે અને સૂર્યાસ્ત પણ શયતાનના બે શીંગડા વચ્ચે થાય છે.’

સૂર્યોદય પહેલા સુબ્હની નમાઝનો સમય અને સૂર્યાસ્ત પછી મગરિબની નમાઝનો સમય થાય છે. પરંતુ શયતાનની સૌથી વધુ કોશિશ એ હોય છે કે તે ઇન્સાનને નમાઝ થી રોકે. જે લોકો આ સમયમાં નમાઝ અદા કરે છે તે શયતાનના શીંગડાને રગડી નાખે છે.

આથી શયતાનનું નાક રગડવા માટે નમાઝથી વધુ કોઇ સારી વસ્તુ નથી. તેથી નમાઝ પઢો અને શયતાનને હલ્કો પાડો.

2.      ‘તમે આ સવાલ કર્યો છે કે જો કોઇ માણસ કોઇ વસ્તુ ઇમામના માટે વકફ કરે છે. જો વકફ કરનારને તે વસ્તુની જરૂરત હોય તો શું વકફ કરનાર તે વસ્તુને પાછી લઇ શકે છે?’

‘તેનો જવાબ એ છે કે જો તે માણસે વકફ કર્યા બાદ જેને વકફ કર્યંુ છે તેના કબ્જામાં તે વસ્તુ નથી આપી તો તે પાછી લઇ શકે છે. પરંતુ જો તેણે જેને વકફ કર્યંુ છે તેના હવાલે તે વસ્તુ કરી દીધી છે તો તેને પાછી લેવાનો કોઇ અધિકાર રહેતો નથી. પછી ભલે તે માણસને તેની જરૂરત હોય કે ન હોય, તે વસ્તુનો તે મોહતાજ હોય કે ન હોય.’

3.      ‘તમે જે આ સવાલ કર્યો છે કે અમારો એટલે કે ઇમામનો માલ અગર કોઇના હાથમાં હોય તો તે ઇમામની પરવાનગી વગર તેનો ઉપયોગ કરી શકે છે?’

‘હરગિઝ નહિં, જે માણસ તેવું કરશે તે લઅનતને પાત્ર છે અને કયામતના દિવસે અમે તેના દુશ્મન હશું અને પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું :

જે માણસ મારા વંશજના માલને હલાલ ગણે જ્યારે કે અલ્લાહે તેને હરામ ઠેરવેલ છે. તો તેની ઉપર મેં અને દરેક નબીએ લઅનત મોકલી છે. પછી જે કોઇ અમારા હકમાં ઝુલ્મ કરે તે ઝાલિમમાં ગણાશે અને અલ્લાહની લઅનત તેની ઉપર થશે. કારણકે અલ્લાહ તઆલા ફરમાવે છે:

“બેશક અલ્લાહની લઅનત ઝાલિમ પર છે.

(સુરએ હુદ : 18)

4.      ‘તમે જે બાળકના બારામાં સવાલ કર્યો છે કે ખત્ના થઇ ગયા પછી જો ફરી વખત ઢંકાઇ જાય તો શું બીજી વખત ખત્ના કરવી જોઇએ?’

‘હા, ફરી ખત્ના કરવી વાજીબ છે. બેશક ખત્ના કર્યા વગરના પેશાબથી અલ્લાહની જમીન ચાલીસ દિવસ સુધી ફરિયાદ કરે છે.’

5.      ‘તમારો એ સવાલ જે તમે નમાઝ પઢનારની સામે આગ, તસ્વીર અને દિવા ના સિલસિલામાં કર્યો છે કે શું તેની નમાઝ સહીહ છે જ્યારે કે તેના સંબંધે લોકોમાં મતભેદ છે?’

‘અગર આગની પૂજા કરનાર અથવા મૂર્તિની ઇબાદત કરનારનો પુત્ર ન હોય તો આગ, તસ્વીર અને દિવા ની સામે ઉભા રહીને નમાઝ પઢી શકે છે. પરંતુ જો અગ્નિ પૂજક અથવા મૂર્તિ પૂજકની ઔલાદ હોય તો નમાઝ પઢવી મકરૂહ છે.’

મરહુમ તબરસી (રહ.)એ એહતેજાજ ભાગ – 2, પાના નં. 301 – 302માં બીજા અમૂક મસઅલાની નોંધ કરી છે. તેની અગત્યતાને લીધે વાંચકો સમક્ષ રજુ કરીએ છીએ.

6.      ‘જ. જઅફરે તય્યારની નમાઝમાં અગર કોઇ માણસ કયામ અથવા કઉદ, રૂકુઅ અને સજદાની હાલતમાં તસ્બીહ ભૂલી જાય  અને બીજી હાલતમાં પહોંચ્યા બાદ યાદ આવે તો તે જ હાલતમાં છૂટી ગએલી તસ્બીહ પઢી લે કે પછી તેનો ખ્યાલ ન કરે.’

‘જે સ્થિતિમાં યાદ આવે ત્યારે તે પઢી લેવી જોઇએ.’

7.      ‘એક મોઅમેના સ્ત્રીના પતિનું મૃત્યુ થઇ ગયું છે. શું તેણી તેના પતિના જનાઝામાં જોડાઇ શકે છે?’

‘હા, તે જોડાઇ શકે છે.’

‘શું ઇદ્દત દરમિયાન પતિની કબ્ર ઉપર જઇ શકે કે નહિં?’

‘કબ્ર ઉપર જઇ શકે છે પરંતુ રાત ઘરની બહાર વિતાવી શકતી નથી.’

‘ઇદ્દત દરમિયાન વાજીબ હકને અદા કરવા માટે ઘરની બહાર જઇ શકે કે નહિં?’

‘હકને અદા કરવા માટે ઘરની બહાર જઇ શકે છે અને અગર રોજબરોજની જરૂરતોને પુરી કરવા માટે કોઇ ન હોય તો જરૂરતની વસ્તુઓ મેળવવા માટે ઘરની બહાર જઇ શકે છે. પરંતુ ઘરની બહાર રાત પસાર કરી શકતી નથી.’

8.      ‘હદીસોમાં વાજીબ અને ગૈર વાજીબ નમાઝમાં કુરઆન પઢવાનો સવાબ વર્ણવવામાં આવેલો છે. ઇમામ કાઝિમ (અ.સ.)ને આલે મોહમ્મદ (સ.અ.વ.)ના આલિમ પણ કહેવામાં આવે છે. આપે ફરમાવ્યું :’

‘આશ્ર્ચર્ય છે તે માણસ ઉપર જે પોતાની નમાઝમાં સુરએ ઇન્ના અન્ઝલ્ના ન પઢતો હોય. તેની નમાઝ કેવી રીતે કબુલ થશે?’

બીજી એક હદીસમાં આવ્યું છે કે :

‘તે નમાઝ ખાલિસ નથી જેમાં સુરએ તૌહીદ ન પઢવામાં આવે.’

એક બીજી હદીસમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે :

‘જે માણસ પોતાની વાજીબ નમાઝમાં સુરએ હોમ્ઝાની તિલાવત કરશે (તો તેને) દુનિયાની બરાબરનો સવાબ આપવામાં આવશે.’

શું આ સુરાઓને છોડીને સુરએ હોમ્ઝા પઢવો જાએઝ છે? જ્યારે કે હદીસમાં કહેવામાં આવ્યું છે કે આ સુરા વગર ન તો તેની નમાઝ કબુલ થશે, ન તો પાક અને ખાલિસ હશે.

‘આ સુરાઓને પઢવાનો સવાબ એ જ છે જે હદીસમાં બયાન કરવામાં આવ્યો છે. જો આ સુરાઓને છોડી જેમાં તે સવાબનો નિર્દેશ થયો છે, કુલ્હોવલ્લાહ અને ઇન્ના અન્ઝલ્ના તેની ફઝીલતના કારણે પઢી લે તો તે સુરાઓને પઢવાનો સવાબ પણ આપવામાં આવશે અને તે સુરાનો સવાબ પણ મળશે જે છોડી દીધો છે. નહિં તો તે બંને સુરાઓને છોડીને ત્રીજો સુરો પઢવો પણ જાએઝ છે અને તેની નમાઝ સંપૂર્ણ ગણાશે પરંતુ તેણે આ ફઝીલતને છોડી દીધી ગણાશે.’

9.      ‘માહે રમઝાનમાં વિદાઅની દોઆઓ ક્યારે પઢવી જોઇએ? અમારા ફકીહો વચ્ચે મતભેદ છે. અમૂક કહે છે કે રમઝાનની છેલ્લી રાતમાં પઢવી જોઇએ અને અમૂક કહે છે કે રમઝાનના છેલ્લા દિવસમાં જ્યારે શવ્વાલનો ચાંદ દેખાય ત્યારે પઢવી જોઇએ.’

‘રમઝાનુલ મુબારકની રાતોમાં અમલ કરવો જોઇએ અને અલ વિદાઅની દોઆને છેલ્લી રાત્રે પઢવી જોઇએ. અગર પઢનારને એવો ભય હોય કે કોઇ સ્થળેથી ચાંદ જલ્દી નીકળી જવાના કારણે દોઆ પઢવાનું છુટી જશે તો વિદાઅની દોઆઓને રમઝાનુલ મુબારકની છેલ્લી બંને રાત્રિઓમાં પઢવી જોઇએ.’

10.     ‘કુરબાની માટે એક વ્યક્તિએ એક બીજા શખ્સને એક જાનવર ખરીદીને આપ્યું અને તે બીજા શખ્સને કહ્યું કે આ મારી તરફથી મીનામાં કુરબાની કરી દેજે. તે શખ્સ કુરબાની કરતી વખતે જાનવર આપનાર માણસનું નામ ભૂલી જાય છે અને જાનવરની કુરબાની કરી નાખે છે. પછી તેને તે વ્યક્તિનું નામ યાદ આવે છે. શું આ કુરબાની તે માણસની તરફથી પૂરતી છે કે નહિં?’

‘તેમાં કોઇ વાંધો નથી અને આ કુરબાની તે માણસ માટે પૂરતી છે.’

11.     ‘એક દરજી મોઅમીન નથી, મુર્દાર ખાય છે, જનાબતનું ગુસ્લ કરતો નથી અને અમારા કપડાં સિવે છે. શું તે કપડાંને ધોવા પહેલાં તેને પહેરીને નમાઝ પઢી શકાય છે?’

‘તે કપડાં પહેરીને નમાઝ પઢવામાં કોઇ વાંધો નથી.’

12.     ‘હઝરત ઝહરા (સ.અ.)ની તસ્બીહ પઢતી વખતે 34 વખત તકબીર ‘અલ્લાહો અકબર’ પઢવાના બદલે ભૂલથી તેથી વધુ વાર તકબીર પઢી. શું ફરી 34 વખત પઢવી કે તેને 34 વાર પઢી છે તેમ ગણવામાં આવશે. જો તસ્બીહ 66ના બદલે એક વખત વધુ પઢ્યા, તો તે સહીહ ગણાશે કે તે તસ્બીહ ફરી વખત પઢવી પડશે?’

‘જો તકબીર ભૂલથી 34 વારથી વધુ પઢી હોય તો તેને 33 વાર ગણે અને એક વખત વધુ તકબીર કહે અને જો તસ્બીહ 66થી વધુ વખત પઢી છે તો તેને 66 ગણે અને જો એકસોથી વધી જાય તો કશું વધારે કરવાનો કોઇ અવકાશ નથી અને તેના ઉપર કંઇપણ વાજીબ થશે નહિં.’

ફક્ત બાર મસઅલા ઉપર સંતોષ કરીએ છીએ. આમ તો ઇ. ઝમાના (અ.સ.)થી ઘણા બધા મસઅલાઓની નોંધ થઇ છે. ટૂંકાણના કારણે તે રજુ કરવા અશક્ત છીએ. અંતમાં દોઆ કરીએ કે અલ્લાહ ઇ. ઝમાના (અ.સ.)ના પુરનૂર ઝુહુરમાં જલ્દી કરે. આપણી સૌની ગણતરી ઇમામ (અ.સ.)ના સાચા ચાહનારાઓમાં કરે અને હઝરત (અ.સ.)ના ઇલ્મથી વધુને વધુ લાભ મેળવવાની તૌફીક આપે.

આમીન…..

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *