કિતાબ ‘કમાલુદ્દીન’

Print Friendly, PDF & Email

જો આપણે આ પુસ્તકનો ઐતિહાસિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરીએ તો જણાશે કે આ પુસ્તક ઝમાનાના ઈમામની ગયબત ઉપર લખાયેલા શરૂઆતના પુસ્તકો પૈકી એક છે. જેનું પુરૂં નામ ‘કમાલુદ્દીન વ તમામુન નેઅમહ’છે. આ પુસ્તકના કર્તા રઈસુલ મોહદ્દેસીન અબુ જઅફર મોહમ્મદ ઈબ્ને અલી બાબવયે કુમ્મી (અ.ર.) છે. જેમને શયખ સદુક (અ.ર.)ના મશ્હુર નામથી યાદ કરવામાં આવે છે.

જનાબ શયખ સદુક (અ.ર.)નો જન્મ કુમના ઘણાં જ જાણીતા અને મશ્હુર શીઆ ઈલ્મી ઘરાનામાં હિજરૂરી ૩0૬ માં થયો. તે સમયે કુમ એહહેબૈતના સાચા જાંનિસારોનું કેન્દ્ર હતું. જનાબ શયખ સદુક (અ.ર.)નો જન્મ હઝરત વલી અસ્ર (અ.સ.)ની દોઆના ફળ સ્વરૂપે થયો. જનાબ સદુક (અ.ર.) એ તેમના પિતા મોહતરમ અલી ઈબ્ને ઈબ્રાહીમ (અ.ર.) (જે હ. ઈમામ હસન અસ્કરી અ.સ. ના સહાબીઓમાંથી હતા)ની છત્રછાયા હેઠળ ૨0 વરસ સધી તાલીમ અને સંસ્કાર મેળવ્યા. ત્યાર પછી આપ ‘રય’શહેરમાં રહેવા ગયા. રસૂલે ખુદા (સ.અ.વ.) અને ઈમામો (અ.સ.)ની હદીસોને ભેગી કરવા માટે શયખ સદુક (અ.ર.) ઈરાક, તુર્કી, ખુરાસાનની સફર કરી. સફર દરમ્યાન કેટલાય શાગીર્દોને તાલીમ આપી અને તેઓને ઈલ્મે દીનથી નવાજ્યા. સમગ્ર ઈસ્લામી દુનિયાના ખૂણે ખૂણાના લોકોએ આપના ઈલ્મનો લાભ મેળવ્યો. અને આપની પાસેથી ફીકાહના પ્રશ્ર્નોનું નિરાકરણ મેળવ્યું. જનાબ શયખ તુસી (અ.ર.) આપના બારામાં ફરમાવે છે ‘તે પહેલા દરજ્જા ઉપર હતા. ઘણી સારી યાદશકિત ધરાવતા હતા. ફીકાહના આલીમ હતા. તેમણે હદીસો યાદ કરી રાખી હતી. તેમના જેવું કોઈ ન હતું. કુમ શહેરમાં તેમની ગ્રહણશકિત અને જ્ઞાનમાં તેમના જેવું બીજું કોઈ દેખાતું ન હતું.’ (અલ ફેહરીસ્ત ૧૮૪-૧૮૫ શયખ તુસી)

જનાબ શયખ સદુકે (અ.ર.) મઅસુમોની હદીસોને ભેગી કરીઅને તેનું વિભાગીકરણ કર્યું. આ કોઈ મામુલી કામ ન હતું. રીસર્ચ સ્કોલરોના મત મુજબ આ અસામાન્ય કામના, આજે આપણી વચ્ચે આપની કૃતિઓના માત્ર ૧૮ પુસ્તકો અને વિવરણો મૌજુદ છે. જેમાના દરેક અનન્ય અને અજોડ છે. અઈમ્મએ તાહેરીન (અ.સ.)ની હદીસોને ભેગી કરવી, વિભાગીકરણ કરવું, વિષયો મુજબ વહેંચણી કરવી, જુદી પાડવી, તલસ્પર્શી અભ્યાસ કરવો તે આપની  અમુલ્ય સિધ્ધી છે. જેના કારણે આપને ‘રઈસુલમોહદ્દસીન’નું ઉપનામ આપવામાં આવ્યું છે. આ અમુલ્ય અને એકમાત્ર તેજસ્વી પ્રતિભા હિજરૂરી સન ૩૮0માં આ ફાની દુનિયાથી કૂચ કરી ગઈ. આપનું મૃત્યુ ‘રય’શહેરમાં થયું. અને આપની કબર તહેરાનની દક્ષિણ દિશામાં આવેલી છે.

આપની બહુમુલ્ય ખીદમતો:

અહિં અમે શયખ સદુક (અ.ર.)ના થોડા પુસ્તકોની વાત કરીએ છીએ, જે જુદી જુદી રીતે આપણા સુધી પહોંચ્યા છે.

(૧) રીસાલા એ એઅતેકાદાત, (૨) કમાલુદ્દીન વ તમામુન નેઅમહ, (૩) કિતાબુલ આમાલી, (૪) કિતાબુત તવહીદ, (૫) મન લા યહઝરહુલ ફકીહ, (૬) કિતાબે સવાબુલ અઅમાલ અ એકાબુલ અઅમાલ, (૭) એલલુશ શરાએઅ વલ એહકામ, (૮) ઓયુને અખબારૂલ રેઝા (અ.સ.)

કિતાબ ‘કમાલુદ્દીન’ઘણી મહત્વની કિતાબો પૈકી એક છે. આ કિતાબમાં તે હદીસો મૌજુદ છે જેમાં ઈમામે ઝમાના (અ.સ.)નું અસ્તિત્વ, લાંબી ઉમર, ગયબત અને ઈમામ (અ.સ.)ના વિષે બીજી બાબતોની ચર્ચા છે. શયખ સદુક (અ.ર.) પોતાની આ કિતાબની પ્રસ્તાવનામાં આલેખન કરે છે:

‘…… જ્યારે મારા ઉપર ઉંઘે હૂમલો કર્યો ત્યારે મેં જોયું કે હું મક્કામાં છું. હું બયતુલ્લાહનો તવાફ કરી રહ્યો હતો. જ્યારે હું હજરે અસવદ તરફ આગળ વધીને ચૂમી રહ્યો હતો અને કહી રહ્યો હતો ‘મેં અમાનતને પાછી આપી દીધી, મારી ઓળખ પૂરી કરી, જેથી તું તે પૂરી કર્યાની સાક્ષી રહે’, ત્યારે મેં મારા મૌલા અને આકા કાએમ, ઈમામે ઝમાના (અલ્લાહની રહેમત આપ ઉપર ઉતારે) ને જોયા. આપ મારા ચહેરાના હાવભાવથી મારા દિલની હાલત જાણતા હતા. મેં સલામ કરી આપે સલામનો જવાબ આપ્યો, અને ફરમાવ્યું ‘તમે ગયબત ઉપર કિતાબ શા માટે નથી લખતા? જેથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય’મેં કહ્યું ‘યબ્ન રસુલુલ્લાહ! હું પહેલા જ ગયબત ઉપર લખી ચૂકયો છું.’ આપે ફરમાવ્યું ‘તે એ રીતે નથી જેનો મેં તમને હુકમ આપેલ છે. હવે એક કિતાબ ગયબત પર લખો. જેમાં રસુલોની ગયબતની વાત હોય’આ કહીને ઈમામ (અ.સ.) ચાલ્યા ગયા. આ રીતે ઈમામ (અ.સ.)ના હુકમ મુજબ શયબ સદુક (અ.ર.)એ ગયબત ઉપર ‘કમાલુદ્દીન’કિતાબ લખી.

જો શયખ સદુક (અ.ર.)ના સમયનો ઐતિહાસિક અભ્યાસ કરવામાં આવે તો આ કિતાબનું મહત્વ અને જરૂરત સમજાય જાય છે. તે ઝમાનામાં શીઆઓ વચ્ચે ઈમામે ઝમાના (અ.સ.)નું અસ્તિત્વ અને આપની ગયબતના બારામાં ઘણી બધી શંકા કુશંકાઓ મૌજુદ હતી. બીજી તરફ ઝયદીયા અને ઈસ્માઈલીયા ફીર્કા ઈમામની ગયબત ઉપર ઘણો વિરોધ કરી રહ્યા હતા. લેખકે આ બહુજ મહત્વની બાબતો પર પ્રકાશ નાખ્યો છે, જેમાં ઈમામના અસ્તિત્વની જરૂરતને સાબિત કરવામાં આવી છે. અને વિરોધીઓના ઘણા બધા વિરોધોના જવાબ આપવામાં આવ્યા છે.

અહિં અમે સંક્ષિપ્તમાં માત્ર તેના શિર્ષક લખીને સંતોષ માનીએ છીએ.

(૧) ખીલાફત કબ્લ અઝ ખિલ્કત

(૨) જાનશીને રસુલે ખુદાકી ઈતઆત કી ઝરૂરત

(૩) જાનશીન (હુજ્જતે ખુદા) કે ઈન્તેખાબકા હક સિવાએ ખુદાકે કિસીકો ભી નહિ

(૪) તમામ દૌરમે હુજ્જતે ખુદાકી ઝરૂરત

(૫) હુજ્જતે ખુદાકી ઝરૂરત (જાનશીને રિસાલતકી ઝરૂરત)

(૬) ઈમામકી ઈસ્મતકી ઝરૂરત

(૭) વોહ કયા વજુહાત થે જીસ્કી વજહસે ખુદાને ફરિશ્તોં કો હઝરત આદમ (અ.સ.) કે સજદેકા હુકમ દીયા

(૮) ઈમામ મહદી (અ.સ.)કી મઅરેફતકી ઝરૂરત

(૯) ગયબતકા સબુત ઔર હિકમતે ગયબત

(૧0) અમ્બીયા ઔર અઈમ્મા કે દરમ્યાન મુમાસેલત

(૧૧) મોહમ્મદ બીન હનફીયા કે ઈન્તેકાલકી રિવાયત

(૧૨) ગયબતકે બારેમે નાવસીયા ઔર વાકેફીયા કે બયાન કા ઈન્કાર

(૧૩) હઝરત મુસા (અ.સ.) બીન જઅફર (અ.સ.) કી શહાદતકે બારોમે રિવાયત

(૧૪) હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.)કી શહાદત કે બારેમો રિવાયત

ઉપરોકત વિષયોની પછી લેખકે થોડા વિરોધો ઉપર લખ્યું છે અને તેના જવાબ આપ્યા છે. પછી તેમણે ઈમામ (અ.સ.)ના ઝુહુર અને ઝુહુરના પછી દુનિયાને અદલ અને ઈન્સાફથી ભરપૂર થવાની અને ઈમામ (અ.સ.)ના રસુલે ખુદાના વંશમાંથી હોવાની દલીલ રજુ કરી છે. તે પછી લેખક બીજા વિરોધ લખે છે અને તેના જવાબ આપે છે. આ કિતાબની પ્રસ્તાવનાના અંતમાં મુનાઝેરા (વિરોધીઓ સાથેની ચર્ચા અને દલીલો)ની ચર્ચા કરી છે. જે લેખકે રૂકનુદ્દવલાની હાજરીમાં પોતાના હરીફની સામે કર્યો હતો.

લેખકે પહેલા પ્રકારણથી છઠ્ઠા પ્રકરણ સુધી હ. ઈદરીસ, હ. નુહ, હ. સાલેહ, હ. ઈબ્રાહીમ, હ. યુસુફ, હ. મુસાની ગયબતની ચર્ચા કરી છે. પછીના પ્રકરણમાં હ. મુસાના વારસદારોની ગયબતની વાત છે.

ઈમામના વજુદની જરૂરત ઉપરની ચર્ચા એકવીસમાં પ્રકરણમાં છે. તે પછી પ્રકારણમાં હઝરત આદમથી લઈને કયામત સુધી વારસદારો અને ખુદાની હુજ્જતની હાજરૂરીની ચર્ચા છે. ૨૩માં પ્રકરણમાં હદીસે કુદસીની વાત છે જે હઝરત ઈમામ મહદી (અ.સ.) ઉપર નસ (કુરઆને શરીફની સ્પષ્ટ આયતો) જાહેર કરે છે. આ જ ચર્ચાની પછીના પ્રકરણમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની તરફથી ચર્ચા કરવામાં આવી છે. ૨૫ થી ૩૭ પ્રકરણ સુધી તેર મઅસુમોની ગયબતની પણ વાત છે. ૩૯માં પ્રકરણમાં તેની ઉપર ચર્ચા કરવામાં આવી છે કે જો કોઈએ ઈમામ અસ્રનો ઈન્કાર કરે તો તેણે પાછળના તેર મઅસુમો (અ.સ.)નો ઈન્કાર અને તે માણસનું મૃત્યુ અજ્ઞાનતા અને કુફ્રનું મૃત્યુ હશે.

ઈમામ (અ.સ.)ના માતૃશ્રીની વાત, ઈમામની વિલાદત, ઈમામ (અ.સ.)ને જોવાનો લાભ મેળવનારાઓની વાત, ઈમામ અસ્ર (અ.સ.)ના લશ્કરની હદીસો, આવા પ્રકારની બીજી રિવાયતો ૪૧માં પ્રકરણથી લઈને ૪૩માં પ્રકરણમાં મૌજુદ છે.

૪૪માં પ્રકરણમાં ગયબતના કારણો ઉપર ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછીના પ્રકરણોમાં ઈમામે ઝમાના (અ.સ.) તરફથી આવેલા ઘણા ફરમાનો (તવકીઅ)ની વાત છે. પછી લેખકે ઈમામ (અ.સ.)ની લાંબી ઉમરની વાત કરીને ભૂતકાળના થોડા લાંબી ઉમર ધરાવનારી વ્યકિતઓના બારામાં રિવાયતો લખી છે કે જે ઈમામ અસ્ર (અ.સ.)ની લાંબી ઉમરને સાબિત કરવામાં ઘણી જ ઉપયોગી અને મદદરૂપ છે.

૪૫માં પ્રકરણમાં મહદી (અ.સ.)ની પ્રતિક્ષા કરનારનો સવાબ અને તે માટે મળનારા બદલા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તે પછીના પ્રકરણમાં આપના પવિત્ર નામ લેવામાં મનાઈની ચર્ચા કરવામાં આવી છે.

અંત પહેલાના પ્રકરણમાં તે હદીસો છે જેમાં ઈમામે ઝમાના (અ.સ.)ના ઝુહુરની નીશાનીઓની ચર્ચા છે. ૫૮માં પ્રકરણમાં જુદા જુદા વિષયો ઉપરની હદીસો છે. આ જ પ્રકરણમાં લેખકે ‘ફીત્રત’નો અર્થ કુરઆન અને હદીસના પ્રકાશમાં સમજાવ્યો છે. અને ફીત્રતનો શબ્દાર્થ પણ દર્શાવવામાં આવ્યો છે. અંતમાં લેખકે ઈમામ રઝા (અ.સ.)ની તે હદીસ બયાન કરી છે જેમાં ઈમામત અને ઈમામનું સ્થાન બતાવવામાં આવ્યું છે.

આ કિતાબ વાંચવાથી જણાય છે કે લેખક શયખ સદુક (અ.ર.)એ કેટલી સુંદર રીતે ઈમામત અને વિલાયતનો બચાવ કર્યો છે અને ઈમામે ઝમાના (અ.સ.) સાથે નજદિકી મેળવવા અને ઈમામ (અ.સ.) ઉપર મજબુત ઈમાન ધરાવવામાં શીઆઓની કેટલી મદદ કરી છે અને સાથે સાથે આ કિતાબ ઈમામે ઝમાના (અ.સ.)ના મોહિબ્બોને ઈચ્છા દેવડાવે છે કે જે રીતે પણ શકય હોય પોતાની સમજશકિત અને પહોંચ મુજબ ઈમામે ઝમાના (અ.સ.)ની વિલાયતનો બચાવ કરે અને બધા લોકોને ઈમામે ઝમાના (અ.સ.)ની ઓળખ કરાવે. તેમની મઅરેફત-ઓળખમાં વધારો કરે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *