હઝરત વલીએ અસ્ર (અ.સ.)ને થોડા સવાલો

Print Friendly, PDF & Email

આ શીર્ષક જોઈને મનમાં એ પ્રશ્ર્ન થાય કે ઈમામે ઝમાના (અ.સ.)ની સાથે કયાં મુલાકાત થઈ અને કેવી રીતે આપની સાથે પ્રશ્ર્નોતરી કરવાની તક મળી. તેથી આ વાત પહેલેથી જ સ્પષ્ટ કરી લઈએ કે હ. ઈમામ ઝમાના (અ.સ.) સાથે અમારી સીધી કોઈ મુલાકાત થઈ નથી. કહે છે કે સંદેશો અને પત્ર વ્યવહાર અડધી મુલાકાત છે. પત્ર દ્વારા વ્યકિતએ જેને સંબોધન કર્યું હોય તેની સાથે વાતચીત કરે છે. તેથી પત્રનો પ્રકાર અને રીત, લેખ એ પુસ્તકની રીતથી ભિન્ન હોય છે. હ. વલી અસ્ર (અ.સ.) ખુદાવંદે આલમના હુકમથી શરૂઆતથીજ ગયબતમાં છે. તેથી લોકોને આપની સાથેના સીધા સંપર્કનો લાભ ઘણો ઓછો મળ્યો છે. પ્રશ્ર્નોના જવાબ મોટા ભાગે પત્ર અને અરજીઓ દ્વારા આપની પવીત્ર સેવામાં રજુ કરવામાં આવ્યા છે. આપે પત્ર દ્વારા તેના જવાબો મોકલ્યા છે. હ. ઈમામ ઝમાના (અ.સ.)ના પત્રોના માટે ખાસ પ્રાયોજીત શબ્દ ‘તવકીઅ’ વપરાય છે. જે જુદા જુદા પુસ્તકમાં પ્રગટ થએલી છે. હ. આયતુલ્લાહ સય્યદ હસન શીરાઝી (તાબ સરાહે) આ ‘તવકીઅ’નું ‘કલેમતુલ ઈમામ મહદી’ નામના પુસ્તકમાં જુદા જુદા પુસ્તકોના હવાલાથી સંકલન કર્યું છે. મુળ પુસ્તક અરબીમાં છે. ડો. સય્યદ હસન સબઝવારીએ આ પુસ્તકનો તરજુમો આ જ નામથી ફારસીમાં કર્યો છે. નીચે જે સવાલ રજુ કરવામાં આવ્યા છે તે હ. વલી અસ્રની જુદી જુદી તવકીઓમાંથી લેવામાં આવ્યા છે. તેથી હઝરત તવકીઓ દ્વારા આપની સાથે અડધી મુલાકાત ગણાય, જે આપની સમક્ષ રજુ કરવામાં આવી રહી છે. ખુદા કરે કે આ પ્રયત્ન હઝરતની પવિત્ર બારગાહમાં સ્વિકારાય. આમીન. એ દિવસની પ્રતિક્ષા છે, જ્યારે હઝરત (અ.સ.) સાથે રૂબરૂમાં થએલ વાતચીત રજુ કરી શકીએ:

સ-1 ગયબતતના સમય દરમ્યાન આપનો મુકામ કયાં રહે છે?

જ-1 ‘હાલમાં ઝાલીમોની વસ્તીથી દુર જીવન વિતાવી રહ્યા છીએ. જ્યાં સુધી દુનિયાની હુકુમત ઝાલીમો અને અત્યાચારીઓના હાથમાં છે ત્યાં સુધી ખુદાવંદે આલમે અમારા અને અમારા ઈમાનદાર શીઆઓ માટે તેમાંજ મસ્લેહત ગણી છે કે અમે દુર રહીએ. તેમ છતાં તમારી દરેક બાબત જાણીએ છીએ.’ (પાના નં. 190) ‘હાલમાં અજાણ્યા પહાડોના શીખર ઉપર છીએ. બાગોથી ઘેરાયેલી જગ્યા છે, ત્યાં આવવું બેઈમાન વ્યકિતઓના કારણે થયું. ટુંક સમયમાં અહીથી સપાટ જગ્યા ઉપર ચાલ્યા જશું જે વસ્તીથી વધુ દુર નહિ હોય.’ (પાના 196-198)

સ-2 શીઆઓ ઉપર મુસીબતો અને બલાઓ ઉતરે છે તેનું કારણ શું છે?

જ-2 ‘તેનું કારણ તો એ છે કે અગાઉના લોકો જે કાર્યોથી દુર રહેતા હતા અને પરહેઝા કરતા હતા, આ લોકો એ જ કાર્યો કરી રહ્યા છે. આ લોકોએ ખુદાના વચન અને વાયદાને એવી રીતે પીઠ પાછળ નાખી દીધા છે જેવી રીતે કે તેઓ જાણતાજ ન હોય’ (પાના 190) ‘જો અમારૂ વાલીપણું અને રક્ષણ ન હોતે તો બલાઓ દરેક બાજુઓથી તુટી પડતે અને દુશ્મનો તમને ઉખેડી નાખતે.’ (પાના 190) (આથી એ સ્પષ્ટ જણાય છે કે ઘણી બલાઓ હઝરત પોતાની બરકતથી દુર કરી દે છે. નહિ તો પરિસ્થિતિ કાંઈક જુદી જ હોત.)

સ-3 આ આખર ઝમાનામાં ફિત્ના અને ફસાદથી સુરક્ષીત રહેવાનો કયો માર્ગ છે?

જ-3 ‘તકવા અને પરહેઝગારી. હું એ વ્યકિતની મુકિતનો જામીન છું જે અન્યાય અને ઝુલ્મના ફીત્નામાં પોતાના માટે કોઈપણ સન્માન કે સ્થાનની ઈચ્છા ન ધરાવતો હોય. (પાના 190) ‘દીનના બીરાદરોમાં જે ખુદાનો ખૌફ રાખશે, તેના માથે જે હક્ક છે તેને હકદાર સુધી પહોંચાડશે તે ફીત્નાથી સુરક્ષીત રહેશે. જે વ્યકિત અલ્લાહે આપેલી નેઅમતોને બીજા સુધી પહોંચાડવામાં લોભ કરશે તે આખેરતમાં નુકસાન ઉઠવનારાઓમાંથી હશે.’ (પાના 198-200)

સ-4 ગયબતના સમય દરમ્યાન અમારી શું જવાબદારીઓ છે?

જ-4 ‘એવા કાર્યો કરો જે તમને અમારી મોહબ્બતથી નઝદીક કરે. અમારી નાપસંદ ચીજોથી દુર રહો.’ (પાના 192)

સ-5 આપની સાથે મુલાકાત થઈ શકે?

જ-5 જો અમારા શીઆ (ખુદા તેઓને તાબેદારીની તવફીક આપે) એક સંપ થઈને વચન અને વાયદાને પૂરા કરતે તો અમારી બરકતભરી મુલાકાતમાં વિલંબ ન થતે. અમારા દીદારનો લાભ તેઓને જલ્દી નસીબ થતે. જે બાબતે અમને તેમનાથી દુર કરી દીધા છે, હકીકતમાં તે બાબતો છે, જે અમે નાપસંદ કરીએ છીએ.’ (પાના 200)

સ-6 શયતાનને કેવી રીતે અપમાનીત અને બદનામ કરી શકીએ?

જ-6 ‘અવ્વલ વખતમાં નમાઝ અદા કરવી, શયતાનને અપમાનીત અને બદનામ કરી દે છે.’ (પાના 202)

સ-7 જે વસ્તુ આપના માટે વકફ કરવામાં આવી છે, શું તેનો વ્યકિતગત કામમાં ઉપયોગ થઈ શકે?

જ-7 ’જો તે વસ્તુની સોંપણી અમને કરી દેવામાં આવી હોય તો પછી તેના ઉપર કોઈનો અખ્તયાર નથી. પછી ભલે દેનારને તેની જરૂરત હોય કે ન હોય.’ (પાના 202)

સ-8 જે લોકો આપની વસ્તુઓનો વ્યકિતગત ઉપયોગ કરે છે તેના બારામાં આપ શું ફરમાવો છો?

જ-8 ‘કોઈના માલનો તેની પરવાનગી વગર ઉપયોગ કરવો હરામ છે. તેથી જે લોકો અમારા માલને હલાલ સમજીને ખાઈ રહ્યા છે, તેઓ પોતાના પેટમાં આગ ભરી રહ્યા છે અને તેઓને ટૂંક સમયમાં જહન્નમમાં નાખવામાં આવશે.’ (પાના 206, 342, 344)

સ-9 જો ચીત્ર અથવા આગ સામે હોય તો નમાઝ પડી શકાય?

જ-9 જે લોકો મૂર્તિપુજક કે આગ પુજકની અવલાદમાંથી નથી તેઓના માટે જાએઝ છે.’ (પાના 204)

સ-10 નમાઝમાં કઈ સુરા પડવી વધુ સારી છે?

જ-10 ‘જે માણસ નમાઝમાં સુરા ‘ઈન્ના અન્ઝલનાહો ફી લયલતીલ કદ્ર’નથી પડતો તેની નમાઝ કઈ રીતે કબુલ થાય? જે સુરા કુલહોવલ્લાહો અહદ’નથી પડતો તેની નમાઝ પાક નથી.’

સ-11 રિવાયતોમાં બીજા સુરાઓની સવાબ પણ લખેલો છે. જેમકે કોઈ સુરા ‘હોમઝત’પડે તો તેની દુનિયાની બરાબર સવાબ મળશે.

જ-11 ‘રિવાયતોમાં જે સવાબ લખેલો છે તે તેને મળશે. પરંતુ જે કોઈ બીજા સુરાઓને છોડીને ‘ઈન્ના અન્ઝલનાહો ફી લયલતીલ કદ્ર’પડે અને ‘કુલહો વલ્લાહો અહદ’પડે તેને તે સુરાઓનો સવાબ પણ આપવામાં આવશે. તે બીજા સુરાઓ પણ પડી શકે છે. અલબત્તા ફઝીલતને છોડી દેશે.’ (પાના 214-216)

સ-12 તે માણસ કે જેની કમાણી હરામની છે તેને ત્યાં ખાવું પીવું અને માલ લેવો કેવો છે?

જ-12 ‘જો હરામની સિવાય રોઝીના બીજા પણ સાધનો હોય તો તેને ત્યાં ખાવું પીવું અને માલ લેવો હરામ નથી. જો હરામની સિવાય બીજી કોઈ હલાલની કમાણી નથી, તો હરામ છે. (પાના 266)

સ-13 નમાઝ શરૂ કરતી વખતે ખુદાની બારગાહમાં કેવી રીતે ધ્યાન કેન્દ્રીત કરવું?

જ-13 ‘તાકીદ ભરેલી સુન્નત છે કે આ રીતે ધ્યાન કેન્દ્રીત કરે: ‘વજજહતો વજહીય લિલ્લઝી ફતરસ સમાવાતે વલ અર્ઝ હનીફન મુસ્લેમન અલા મિલ્લતે ઈબ્રાહીમ વ દીને મોહમ્મદીન વ હદીયે અમીરીલ મોઅમેનીન વમા અના મેનલ મુશ્રેકીન ઈન્ન સલાતી વ નોસોકી વ મહયાય વ મમાતી લિલ્લાહે રબ્બીલ આલમીન લા શરીક લહ વ બે ઝાલેક ઓમીર્તો વ અના મેનલ મુસ્લેમીન. અલ્લાહુમ્મ જઅલ્ની મેનલ મુસ્લેમીન – અઉઝો બિલ્લાહીસ્સમીઈલ અલીમે મેનશ્શયતાનીર્રજીમે’ તે પછી બિસ્મીલ્લા હિર્રહમાનીર્રહીમ કહે અને સુરા અલહમ્દની તિલાવત કરે.’ (પાના 230)

સ-14 વાજીબ નમાઝ પછી શુક્રનો સજદો કરવાનો શું હુકમ છે?

જ-14 ‘સજદો વાજીબ સુન્નતોમાં છે. તેની ઘણી તાકીદ કરવામાં આવી છે. જેવી રીતે વાજીબની સુન્નત ઉપર અગ્રતા મળેલી છે તેવી જ રીતે વાજીબ નમાઝ પછી શુક્રના સજદાહને મુસ્તહબ નમાઝ પછીના શુક્રના સજદહ ઉપર અગ્રતા મળેલી છે. (પાના 232-234)

સ-15 શું જન્નતમાં મોઅમીનોને ત્યાં બાળક પેદા થશે?

જ-15 ‘જન્નતમાં ન સ્ત્રીઓ ગર્ભ ધારણ કરશે ન તો માસિક સ્ત્રાવમાં સપડાશે. જન્નતમાં તો બસ એ વસ્તુઓ નસીબ થશે જેનાથી આંખો અને દીલને મજા પ્રાપ્ત થાય.’ (પાના 240)

સ-16 શું ખાકે શફા કબરમાં રાખી શકાય?

જ-16 ‘હા, રાખી શકાય. ખુદાના હુકમથી કફનનાં તાંતણાઓ ખાકે શફા સાથે ભળી જાય છે.’ (પાના 244)

સ-17 શું ખાફે શફાથી તસ્બીહ બનાવી શકાય?

જ-17 તસ્બીહ માટે તે સિવાયની કોઈ વસ્તુ પાત્ર નથી. તેના ફઝાએલમાં છે કે અમુક વખતે માણસ તસ્બીહ પડવાનું ભુલી જાય છે અને માત્ર તસ્બીહના દાણા ફેરવ્યા કરે છે, તો તેને એ વખતે તસ્બીહ પડવાનો સવાબ મળે છે.’ (પાના 244)

સ-18 શું ખાકે શફા ઉપર સજદાહ કરી શકાય?

જ-18 ‘ખાકે શફા ઉપર સજદો કરવો જાએઝ છે અને ફઝીલતનું કારણ છે.’ (પાના 244)

સ-19 શું મઅસુમીન (અ.મુ.સ.)ની કબરો ઉપર સજદો કરી શકાય?

જ-19 ‘કબરો ઉપર સજદો ન કરવો જોઈએ. અલબત્તા ચહેરાને કબર ઉપર ઘસી શકાય છે. કબરની સામે નમાઝ પડવામાં કોઈ વાંધો નથી.’ (પાના 246)

સ-20 તે લોકોના બારામાં આપનું શું માનવું છે જે એહલેબૈત (અ.મુ.સ.)ની શાનમાં હદ વટાવી જાય છે અને તેઓને ખુદાનો દરજ્જો આપે છે?

જ-20 ‘અમે અને અમારા તમામ બાપદાદાઓ હ. આદમથી લઈને હ. મુસ્તફા (સ.અ.વ.) સુધી સૌ કોઈ ખુદાના બંદા છીએ.’

‘અમને તો તે શીઆઓથી તકલીફ પહોંચે છે જે ઓછી અક્કલવાળા છે અને જેનો દીન મચ્છરની પાંખ જેટલો પણ નથી.’

‘અમે એ તમામ લોકોથી દુર રહેવાનું એલાન કરીએ છીએ (જેઓ એમ માનતા હોય) કે અમે તેની (અલ્લાહની) હુકુમતમાં તેના શરીક છીએ’ (પાના 264-266)

સ-21 શલમગાની, શરીઈ, નુમેરી અને અબુલ ખત્તાબ જેવા લોકો વિષે શું મત છે, જેમણે આપની નયાબતનો ખોટો દાવો કર્યો હતો?

જ-21 ‘અમે એ તમામ લોકોથી બેઝાર છીએ અને અલીપ્ત અને દુર રહેવાનું એલાન કરીએ છીએ. તે લોકોથી પણ દુર રહેવાનું એલાન કરીએ છીએ કે જેઓ તેઓનું અનુસરણ કરે છે. અમે તે લોકો ઉપર લઅનત મોકલીએ છીએ.’ (પાના 282)

સ-22 આપના ઝહુર થવા પહેલા દુનિયા અને મુસલમાનોની શું હાલત હશે?

જ-22 ‘ઝહુરની પહેલા લોકોના દિલ સખત થઈ જશે અને દુનિયા ઝુલ્મ અને અત્યાચારથી ભરાઈ જશે.’ (પાના 284)

સ-23 શું આ ગયબતે કુબરામાં આપે કોઈની પોતાના ખાસ નાએબ તરીકે નિમણુંક કરી છે?

જ-23 સુફીયાનીના બહાર નિકળવા અને આસમાની અવાજ પહેલા જો કોઈ આ પ્રમાણે દાવો કરે તો તે જુઠ્ઠો અને આક્ષેપ કરનાર છે. (ગયબતે કુબરામાં કોઈ ખાસ નાએબ નથી.) (પાના 284)

સ-24 તે સાદાત જે આપની વિલાયતનો ઈન્કાર કરે છે તેઓની નજાત (મુકિત) કઈ રીતે થશે?

જ-24 ‘ખુદાવંદે આલમ પાસે કોઈનું સગપણ નથી. જે ઈન્કાર કરશે તે અમારામાંથી નથી. તે એવી રીતે છે જેવી રીતે જ. નુહનો ફરઝંદ.’ (પાના 286)

સ-25 શું આપના ઝુહુરનો સમય નક્કી છે અને તેની કોને ખબર છે?

જ-25 ‘ઝુહુર ખુદાના હાથમાં છે. સમય નક્કી કરનાર જુઠા છે.’ (પાના 288)

સ-26 ગયબતે કુબ્રાના સમયમાં આપના કોઈ ખાસ નાએબ નથી તો અમે અમારા દીની સવાલો કોને પુછીએ?

જ-26 ‘અમારી હદીસોના રાવીઓ તરફ રજુ થાઓ. અમે તે લોકોને તમારી ઉપર હુજ્જત નક્કી કર્યા છે.’ (પાના 288)

સ-27 આપની ગયબતની હકીકત શું છે?

જ-27 ખુદાવંદે આલમનો ઈરશાદ છે: ઘણી બાબતો અંગે સવાલ ન કરો. જો બયાન કરી દેવામાં આવશે તો તમને ખરાબ લાગશે.’ (સુરા માએદા આ. 101) (પાના 290)

સ-28 આપની ગયબત કયારે પુરી થશે અને કયારે આપનો ઝુહુર થશે?

જ-28 ‘એવી બાબતો ન પુછો જેનાથી તમને કોઈ ફાયદો ન થાય. જે તમારી જવાબદારી નથી તેના બારામાં સવાલ ન કર્યા કરો.’

સ-29 શું ખુમ્સ અદા કરવું જરૂરી છે? શું તેને અદા કરવાની કોઈ રીત છે?

જ-29 ‘તમારો માલ માત્ર એટલા માટે કબુલ કરીએ છીએ કે તમે પાક થઈ જાવ. ખુદાવંદે અમને જે આપ્યું છે તે તેનાથી વધુ સારૂ છે, જે ખુદાએ તમને આપ્યું છે.’ (પાના 286)

સ-30 શું આપની ગયબતમાં લોકો આપના અસ્તિત્વનો લાભ ઉઠાવી શકશે?

જ-30 ‘લોકો મારી ગયબતમાં મારી પાસેથી એવી જ રીતે લાભ મેળવી શકશે જેવી રીતે વાદળમાં છુપાએલા સુરજનો લાભ ઉઠાવે છે.’ (પાના 290)

સ-31 ખુદાના માર્ગદર્શકોના કયા ગુણો છે અને કેવું સ્થાન ધરાવે છે?

જ-31 ‘ખુદાએ તે લોકોને ગુનાહોથી પાક, દરેક ક્ષતિથી અને દરેક હલ્કી બાબતથી પવિત્ર રાખ્યા છે. તેઓને પોતાના ઈલ્મનો ખજાનો આપીને પોતાની હીકમતના અમાનતદાર બનાવ્યા. છુપી વાતો અને ભેદોનું કેન્દ્ર બનાવ્યા. દલીલો દ્વારા તેઓની મદદ કરી. જો એમ ન હોત તો દરેક વ્યકિત દાવો કરી દેતે અને હક્ક અને બાતીલ ઓળખી ન શકાતે અને આલીમ જાહીલથી જુદા ન થતે.’ (પાના 296)

સ-32 અંબીયા અને અઈમ્મા (અ.) ને મોકલવાનો શું હેતુ છે અને શું વિદ્વતા છે?

જ-32 ‘ખુદાએ અંબીયા અને અઈમ્મા (અ.)ને એટલા માટે મોકલ્યા કે તેઓ લોકોની બંદગી અને તાબેદારી કરવાનો હુકમ આપે. ખુદાની નાફરમાની કરવાની મના કરે. ખુદા અને ખુદાના દીનના બારામાં લોકો જે બાબતોથી અજ્ઞાત છે તેનાથી તેઓને જ્ઞાત કરે.’ (પાના 294)

સ-33 જે લોકો ઈમામતનો ખોટો દાવો કરે છે તેઓની પરીક્ષા અને બદનામી કેવી રીતે કરાય?

જ-33 ‘તેઓને કુરઆન અને દીનના હુકમો વિષે પુછો, નમાઝની હદ અને તેના નિયમો પુછો. તમને ખુદ તેની હકીકત સમજાય જશે.’ (પાના 298)

સ-34 શું દુનિયા ક્યારેય હુજ્જતે ખુદાથી ખાલી હોઈ શકે?

જ-૩૫ ‘દુનિયા હુજ્જતે ખુદાથી કયારેય ખાલી નથી રહી શકતી. પછી તે જાહેર અને દેખીતા હોય કે ખાનગી અને છુપાએલા હોય.’ (પાના 314)

સ-35 હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) પછી ઈમામ કોણ છે?

જ-35 ‘હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) મે તેના પોતાને વલી અને વારસદાર બનાવ્યા છે જેને ખુદાએ પોતાના હુકમથી પરદામાં રાખ્યા છે, એજ તમારા ઈમામ છે.’ (પાના 314)

સ-36 શું અઈમ્માઅ (અ.સ.) એ સર્જનહાર અને રોઝી આપનાર છે?

જ-36 ‘અઈમ્મએ મઅસુમીન (અ.) ખુદા પાસે દોઆ કરે છે. તે તેઓની દોઆથી સર્જન કરે છે અને રોઝી આપે છે. ખુદાવંદે આલમ તેઓના હક્ક અને મોભો બુલંદ કરવા ખાતર તેઓની દોઆ કબુલ કરે છે.’ (પાના 328-330)

સ-37 માનવી કેટલા સમય સુધી પોતાના માટે પુત્રની દોઆ કરી શકે છે?

જ-37 ‘ગર્ભ ધારણ થયાના ચોથા મહિના સુધી દોઆ કરે.’ (પાના 386-598)

સ-38 શું જાહેર મજલીસમાં અને મહેફીલોમાં આપનું નામ લઈ શકાય?

જ-38 ‘જો તેઓને અમારૂ નામ બતાવશો તો તેઓ ફેલાવી દેશે, અમારું સ્થળ બતાવશો તો ત્યાં સુધી પહોંચી જશે.’ (પાના 440) મજમામાં જે મારૂ નામ લે, તેના પર લઅનત છે. (પાના 442) (હઝરત, હુજ્જત, વલીએ અસ્ર, બકીય્યતુલ્લાહ, ઈમામે ઝમાના, મહદી… આ બધા હઝરતના ઉપનામો છે, નામો નથી).

સ-39 હદીસકારો અને હદીસના રાવીઓનું સ્થાન અને મહત્વ શું છે?

જ-39 ‘શું તમે ખુદાનું આ કથન નથી વાંચ્યુ? ‘અમે તેઓની વચ્ચે અને તે વસ્તીઓની વચ્ચે, જેમાં અમે બરકત ઉતારી હતી, જાહેર વસ્તીઓ રાખી છે.’ (સુરા સબાઅ, આ. 17). ખુદાની કસમ અમે તે વસ્તી છીએ જેને ખુદાએ બરકતવાળી ગણી છે. અને તમે જાહેર વસ્તીઓ છો.’ (પાના 444)

સ-40 ખુદાવંદે આલમ કોને હિદાયત આપે છે?

જ-40 ‘જે હિદાયત ચાહે છે, ખુદા તેને હિદાયત કરે છે. જે માગે છે તેને તે મળી જાય છે.’ (પાના 544)

સ-41 શું આપની શોધખાળ કરવી યોગ્ય છે?

જ-41 ‘જે મને શોધવાની વધુ દોડધામ અને કોશીશ કરશે, તે દુશ્મનોને મારા તરફનું માર્ગદર્શન કરશે. જે દુશ્મનોને મારા તરફનું માર્ગદર્શન કરશે તેણે મારી જીંદગીને ખતરામાં નાખી અને જે મારી જીંદગીને ખતરામાં નાખશે તે મુશ્રીક છે.’ (પાના 548)

સ-42 લોકો સબંધી આલીમોનીશું જવાબદારી છે?

જ-42 ‘તે લોકો સાથે નમ્રતાથી વર્તન કરે, પોતાની બેઠક ઘરના ઉંબરે રાખે (જેથી લોકો તેમને આસાનીથી મળી શકે) અને લોકોની જરૂરીયાત પુરી કરે. અમે મદદ કરીશું.’ (પાના 564)

સ-43 શું સગાઓની જરૂરીયાતોને બીજાની જરૂરીયાત ઉપર અગ્રતા આપી શકાય?

જ-43 હ. ઈમામ મુસા બિન જઅફર (અ.સ.) એ ફરમાવ્યું: ‘જો સગા મોહતાજ હોય તો ખુદા સદકો સ્વીકારતો નથી.’ (પાના 252)

સ-44 જો બીજાને આપવાની નિય્યત કરી લીધી હોય તો શું કરવું?

જ-44 ‘માલને બન્નેમાં વહેંચી દે. જેથી પુરી ફઝીલત મળી જાય.’ (પાના 252)

એ પવિત્ર અને સંપૂર્ણ બરકતવાળા દિવસની પ્રતિક્ષામાં કે જ્યારે હઝરત અલયહિસ્સલામની સાથે સીધી વાતચીત કરી શકીએ. અને હઝરત અલયહિસ્સલામના ખુબસુરત નુરની ઝિયારતથી દિલ અને દ્રષ્ટીને પ્રકાશીત કરી શકીએ. ઈન્શાઅલ્લાહ…

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *