દોઆએ નુદબા અને ઇદની સવાર

Print Friendly, PDF & Email

રૂદન કરવું, આક્રંદ કરવું, આક્રોશ અને ફરિયાદ કરવી વિગેરે બાબતો રૂહની પ્રકૃતિની એ જરૂરિયાતો છે જે પૂરી થઇને રહે છે. આ માનવીની એ સ્થિતિનું વર્ણન છે કે જ્યારે આંસુની દરેક બુંદ તેના દિલના દુ:ખ, દર્દ, બેચૈની અને અંદરની લાગણીઓની એક દાસ્તાનનું શિર્ષક હોય છે. એ શબ્દો કે જેને એક ફરિયાદી પોતાની ફરિયાદમાં ઉચ્ચારે છે તેમાં આ પરિતાપ અને અસહ્ય દુ:ખોને સમેટીને શબ્દાર્થમાં રજુ કરવા માટે તો તે અસમર્થ હોય છે, પરંતુ આંસુઓ તેને સાથ આપે છે અને જેવી રીતે કોઇ બિમારને અચાનક રાહત થઇ જાય તેવી રીતે ફરિયાદીનું દિલ હળવું થઇ જાય છે, જ્યારે માનવી ખૂબ જ રડી લે છે ત્યારે તેના દુ:ખનો ભાર હળવો થઇ જાય છે. આ રડવું, ફરિયાદ કરવી, ઠંડા નિસાસા નાખવા તે એવા માધ્યમો છે કે જે અલ્લાહ તઆલાએ તેની મોહબ્બત માપવા માટે અતા કરેલા છે. આજ કારણ છે કે આપણી શરીઅતની જવાબદારીઓ પૈકી એક મુખ્ય જવાબદારી  રડવું, ફરિયાદ કરવી અને આંસુ વહાવવા છે. તેની શરત એ છે કે તેનું  કારણ સચ્ચાઇ અને ખુલુસ ઉપર આધારિત હોય અને જેનો હેતુ પવિત્રતા અને પાકીઝગી ઉપર આધારિત હોય.

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ વિલાયત અને મોહબ્બતને રિસાલતનો બદલો કરાર દીધો છે. આ વિલાયત અને મોહબ્બતના સિદ્ધાંતો આવી રીતે બતાવ્યા છે કે : જ્યારે રિસાલતના બદલા તરફ ઘ્યાન આપો તો તમારી સૌથી પ્રિય વસ્તુને ત્યજી દઇને ફક્ત મને જૂઓ, મારી પવિત્ર ઔલાદને જૂઓ. જો મારી અને મારા એહલેબય્તની મોહબ્બત તમારી મોહબ્બતના દરેક પાસાઓ ઉપર સર્વોપરિ થઇ જાય તો જાણે રિસાલતનો હક ચૂકવાઇ ગયો. એક શાયરના કથન મુજબ :

મોહબ્બત મેં એક અયસા વક્ત ભી આતા હૈ ઇન્સાન પર

કે તારોંકી ચમકસે ચોટ લગતી હૈ રગે જાન પર.

આજ ધોરી રગ ઉપર પ્રહાર થવાનો અવાજ છે. આક્રંદ અને ફરિયાદ જે મહેબુબના વિરહ અને મિલનનું પુસ્તક છે, જેમાં એક ઇન્સાનના કસોટીમાંથી સફળતાપૂર્વક પસાર થવાની વિગતો લખેલી છે. આપણે પોકાર કરીએ છીએ. દુ:ખ ભર્યા પોકાર ઉપર જ્યારે કોઇ પ્રતિસાદ આપે છે તો આશાના આંસુઓ રડતી આંખોમાંથી સરી પડે છે અને શરીઅતની જવાબદારી અદા કરવાની રીત અર્પણ કરે છે.

હવે જ્યારે શરીઅતની જવાબદારીમાંની એક જવાબદારી રૂદન કરવું, આક્રંદ કરવું અને ફરિયાદ કરવી છે. જેનો પાયો મોહબ્બત, સચ્ચાઇ અને નિખાલસતા ઉપર આધારિત છે તેથી ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબતના ઝમાનામાં આપની યાદમાં આક્રંદ અને ફરિયાદ કરવી એક એવી જવાબદારી છે જેને તાકીદ ભરેલી કહી શકાય છે. આ જવાબદારીના જે આદાબ અને રીતો બતાવવામાં આવી છે તેના ઉપર મઅસુમીન (અ.સ.)ની સનદની સાથોસાથ તાકીદ પણ મળી આવે છે. ઇમામે ઝમાના (અ.સ.)ના ચાહનારાઓ જે જુદી જુદી દોઆઓ પઢીને મોહબ્બતમાં આક્રોશ અને આક્રંદ કરે છે તેમાં દોઆએ નુદબા સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે. આ દોઆ ઇદે ફીત્ર, ઇદે કુરબાન, ઇદે ગદીર અને જુમ્આના દિવસે પઢવા માટે મઅસુમીન (અ.સ.)એ તાકીદ કરી છે કે જેને પઢવામાં ચૂક ન થવી જોઇએ.

આ મોહબ્બત ભરી વાતચીત વાસ્તવિકતા ઉપર પડેલી રહસ્યની ચાદરને સરકાવીને અલ્લાહના છુપાએલા રહસ્યોને ખુલ્લા કરી દે છે અને માનવ બુદ્ધિને ચિંતન અને મનન કરવાની શક્તિ અર્પણ કરે છે. વિચારવા જેવી વાત છે કે ઇદે ફિત્ર એ રોઝદારોએ ઉઠાવેલી તકલીફનો બદલો આપવાનો દિવસ છે. આ એ ખુશી છે જેનો અર્થ અને મતલબ ઇદનો શબ્દ સૂચવે છે. આ દિવસે આક્રંદ અને ફરિયાદ કરવાની તાકીદ છે, અર્થાંત દોઆએ નુદબા પઢવાની… એવી જ રીતે ઇદે ગદીર, ઇદે કુરબાન, ઇદે જુમ્આ…. નુદબા અને ઇદ…… જરા તે દિવસોમાં આ દોઆને પઢો, તેના કમ્રવાર ભાગો ઉપર વિચાર કરો. જરા તેના શબ્દોની રૂહાનિય્યતના ઝરૂખાને ખુલતા જોઇને તે વાતાવરણમાં વિહાર કરો કે જેમાં એહલેબય્ત (અ.સ.)ની ખુશ્બુ વસેલી છે.

જેવી રીતે હલચલ વગર જીવનનો વિકાસ થતો નથી. તેવી જ રીતે તડપ વગર કોઇ અમૂલ્ય વસ્તુ નસીબ થતી નથી. તેના માટે સંશોધન, સંઘર્ષ, પરિશ્રમ અને તડપની સાથે ઝડપથી દોડવું પણ પડે છે. આથી ઇદનો હેતુ ખુશી અને આનંદ છે તો તેનું માપદંડ પણ ઉંચું હશે. તેથી જ એ પવિત્ર લાગણીઓને દોઆએ નુદબાની સીડી વડે ચડીને તે ખુશીને પ્રાપ્ત કરવી પડશે જે ઉચ્ચતાના શીખરે નેકીની નિશાની છે.

થાકી ગએલા મુસાફરની નજર કોઇ છાંયડાવાળા વૃક્ષને શોધે છે કે જ્યાં બેસીને થોડા સમય માટે તે શાંતિનો શ્ર્વાસ લઇ શકે. આ જ સાંત્વન તેની મુસાફરીની સૌથી મહત્ત્વની રાહત અને આરામની ક્ષણો ઉપલબ્ધ કરાવી આપે છે અને આગળની સફર માટે નવી તાજગી આપે છે. ઇદના દિવસો જીવનના સફરમાં છાંયડાવાળા ઘટાદાર વૃક્ષની ગરજ સારે છે. ઇદની સાચી મજા તો ત્યારે મળે છે જ્યારે ઇમામની મોહબ્બત આપણી પવિત્ર પ્રકૃતિમાં કરવટો બદલે છે. આક્રંદ અને ફરિયાદ વિરહની લાંબી રાતને ટૂંકાવી દે છે કે જેથી અંતિમ કમળ ખીલવાની આશાઓનું પ્રભાત નજીક આવી જાય છે અને તેની અસરો જાહેર થવા લાગે છે.  કેટલી મોટી છે દોઆએ નુદબાની નેઅમત જે અલી (અ.સ.)ના શિઆઓને મઅસુમો (અ.સ.) તરફથી નસીબ થયેલી છે. તેનો અંદાજ મહાન મરતબો ધરાવનાર આલિમે દીન અલ્લામા દાઉદ ઇલ્હામીના લખાણથી થાય છે જે તેમણે સંપાદન કરેલ અમૂલ્ય કિતાબ ‘આખરીન ઉમ્મીદ’માં છે. જે નીચે મુજબ છે.

‘સાચું તો એ છે કે દોઆએ નુદબા કશીશથી ભરપૂર, અર્થસભર અને વાક્તવ્યની દ્રષ્ટિએ વાક્ચાતુર્યભરી અને સાહિત્યની એકસુત્રતા ધરાવે છે. તેના મહત્ત્વની દ્રષ્ટિએ એવી જ્ઞાનસભર, અકીદતથી ભરેલી, ક્રાન્તિકારી અને અખ્લાકી દોઆ છે જે વર્તમાનને રજુ કરનારી, એહસાસને બેદાર કરવાવાળી અને પનાહ આપનારી છે. જો તેના અર્થો ઉપર ઉંડી દ્રષ્ટિ નાખવામાં આવે તો તે સ્ફુરણાનો એવો સ્ત્રોત છે જે અત્યાચારની વિરૂદ્ધ સંપૂર્ણ સમાજને ઉભો કરી શકે છે.’

આજે સમગ્ર દુનિયાનો રંગ બદલાય ચૂક્યો છે. એવું નથી લાગતું કે આ સ્થિતિમાં ધીરે ધીરે કોઇ પરિવર્તન આવ્યું છે. બલ્કે એવું લાગે છે કે એકાએક તેણે પોતાનો જરીપૂરાણો પોષાક ઉતારીને અત્યાચાર અને ઝુલ્મનો પહેરવેશ પહેરીને એક ખૂની ચાદર ઓઢી લીધી છે. થોડાજ દાયકાઓમાં પ્રગતિ અને શોધખોળના મોટા મોટા ભયાનક પરિણામો એક પછી એક સતત જાહેર થઇ રહ્યા છે. એક તરફ મુસ્લિમ દેશોમાં ઇદની નમાઝ પઢાય રહી હોય છે, લોકો સ્વચ્છ, નવા અને મહેકતા કપડાં પહેરીને ઇદની નમાઝ પઢી રહ્યા હોય છે. તો બીજી તરફ ગુમરાહ આતંકીઓ મસ્જીદોમાં બોમ્બ ધડાકાઓ કરીને હજારો લોકોના લોહીથી હોળી રમે છે. યતીમ બાળકો, નિ:સહાય વિધવાઓ, વૃદ્ધ ર્માં – બાપો કોઇ રક્ષણ આપનારની આશામાં પોતાના અંતિમ શ્ર્વાસો ગણી રહ્યા હોય છે. આવા ખૂન ખરાબાના વાતાવરણમાં જે લોકોને ઇદ મનાવવાની તક નસીબ થઇ રહી છે તેઓના માટે તાકીદ છે કે સંપૂર્ણ ખુલુસની સાથે નબીઓ અને વસીઓની બેઅસતની ફીલોસોફી ઉપર વિચાર કરે. એવી રીતે જેવી રીતે આપણને દોઆએ નુદબાની પ્રસ્તાવનામાંજ જોવા મળે છે. અલ્લાહ તઆલાની ફરી આ મહાન નેઅમત ઉપર ચિંતન અને મનન કરે જે અલ્લાહ તઆલાએ છેલ્લા નબીના અસ્તિત્વની સાથે દુનિયાઓ માટે ફક્ત રહેમત જ રહેમત બનાવીને મોકલ્યા છે.જ્યારે કૌમ ફરી કુફ્રના કેન્દ્ર, નાસ્તિક્તા, બાદશાહત અને ગુમરાહી તરફ પોતાનું પડખું ફેરવવા લાગી ત્યારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને આપના બિલા ફસ્લ ખલીફા નિમવામાં આવ્યા. ત્યાર બાદ એક પછી એક મઅસુમ હાદીઓ આપણા માર્ગદર્શન માટે આ જમીન પર માનવીના સ્વરૂપે અનંત પ્રકાશ લઇને આવ્યા અને હકને ઓળખનારાઓને પોતાના એહસાનના ઠંડા છાંયાથી વંચિત ન કર્યા. તેમજ તેમાંના અંતિમ હાદીને ગયબતનો પરદો આપ્યો અને જેના ઉપર રહેમ કરી છે તેવી આ ઉમ્મતને તેમના ઝુહુરના મુન્તઝીર (રાહ જોનારા) બનાવ્યા. આ કૌમે મોટી મોટી મુસીબતો વેઠી છે અને વેઠી રહી છે. પરંતુ ફરઝંદે રસુલની ગયબતથી રાહનુમાઇ અને પ્રકાશમાન રસ્તા ખુલવાથી કે જે આપની ઝાતના તુફૈલમાં છે તે વાયદા મુજબ આસાન થતા જાય છે. હક પરસ્તો વચ્ચે શરીઅતનું રક્ષણ કરનારની ગૈબી મદદ અને ટેકાથી  શરીઅતે મોહમ્મદીનો ચિરાગ વધુને વધુ પ્રકાશિત થતો જાય છે. આજે દરેક વ્યક્તિ કોઇ મહાન શાંતિ સ્થાપનારના ઇન્તેઝારમાં છે કે ક્યારે આ દુનિયામાં કોઇ એવી વ્યક્તિ આવે જે વધતી જતી શૈતાની તાકતોના હાથોને ભાંગી નાખે. જેની હસ્તી સમગ્ર દુનિયા ઉપર છવાયેલી હશે. જેની આંગળીઓ દરેક જીવંત વ્યક્તિની ધોરી રગ ઉપર હશે. આ આરઝુ1 તો આખી દુનિયાની દરેક વ્યક્તિની છે કારણકે દરેક જણ ધસમસતા તબાહીના પુરને જોઇ રહ્યો છે પરંતુ… માત્ર એક કૌમ તાકતવર ઉમ્મીદ2ની ધરીની ચારે તરફ એકઠી થએલી છે અને ઝુહુરની હકીકતને સમજે છે તથા દરેક જુમ્આના દિવસે આક્રંદ અને ફરિયાદ કરે છે.

મઅસુમીન (અ.સ.)ના શબ્દોની એ અસર છે કે દોઆએ નુદબા એક સાહિત્યની કૃતિ હોવા ઉપરાંત તેમાં કમાલની એકસૂત્રતા જોવા મળે છે. ઇતિહાસનો એવો સારાંશ છે કે જે બેઅસતથી ગદીરે ખુમ સુધીના મહત્ત્વપૂર્ણ અંતરના માપને નક્કી કરે છે અને પછી મુરસલે અઅઝમ (સ.અ.વ.)નું કથન ‘અય અલી (અ.સ.) જો તમે ન હોત તો મોઅમીનોની ઓળખ ન થાત.’ એક એવી યોગ્ય જગ્યાએ ઇમાનની કસોટી રાખી દીધી છે કે જેના વડે લાગણીઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે ઉભરવા લાગે છે.

હઝરત અલી (અ.સ.)ની વિલાયતના છાંયામાં ઉછરેલી આ કૌમ પડતા પડતા ફરી બેઠી થઇ જાય છે અને મુસાફરીની ધૂળ ઉભી થઇને તેના જોશ અને લાગણીઓને આશ્ર્ચર્યથી જૂએ છે. આજ દોઆ વડે અલી (અ.સ.)ની બિલા ફસ્લ ખિલાફત અને તેમના પછી રસુલ (સ.અ.વ.)ના સંતાનોની ઇમામત અને હિદાયતના સંયુક્ત ઇતિહાસ દિલોને તડપાવી દે તેવી રીતે રજુ કરે છે. તેની રજુઆતમાં નવીન શૈલી અને સુંદર સમજાવટથી એક ઉંડુ દર્દ અને બળતરા પૈદા થાય છે. ત્યાર બાદ દોઆ પઢનાર અને સાંભળનારની પ્રકૃતિમાં રસુલ (સ.અ.વ.)ની આલની મોહબ્બતનો પવિત્ર પ્રેમ અને સ્નેહ જાગૃત થઇ જાય છે અને તે કહે છે :

‘ક્યાં છે હસન(અ.સ.)? ક્યાં છે હુસૈન(અ.સ.)? ક્યાં છે હુસૈન(અ.સ.)ના ફરઝંદો?’

એટલે કે અઇમ્મએ અત્હાર (અ.મુ.સ.) કે જેઓ એક પછી એક હિદાયતના ચિરાગ છે… અંતમાં છે કે :

‘ક્યાં છે પોતાના દોસ્તોને ઇઝઝત આપનાર અને દુશ્મનોને ઝલીલ અને નાબુદ કરનાર?

આ રીતે ચાહનારાઓના મુખેથી જ્યારે શબ્દ સાહેબઝઝમાન અદા થાય છે. ત્યારે તેને હઝરતની સત્તા, ઇખ્તેયાર અને ઇક્તેદાર (શક્તિ)ની પ્રતિતિ થાય છે અને તેનું દિલ તેને મદદ કરનારની પનાહમાં ચાલ્યુ જાય છે.

અલી (અ.સ.)ના શીઆના જીવન અને મૃત્યુ ઉપર મઝલુમ હુસૈન (અ.સ.)ની અઝાદારીની એવી છાપ ઉપસી આવી છે કે કયામત સુધી અને કયામતની પહેલા પોતાના ઇમામના ઝુહુર સુધી આ અમાનતને એક-એક બાળકે પોતાના દિલમાં સાચવી રાખી છે. મઝલુમ હુસૈન (અ.સ.)ની અઝાદારીની ફળશ્રુતિની આ શેરમાં પ્રતિતિ થાય છે.’

‘દિલ કી ઝીનત દર્દે હુસૈની

લબ કી ઝીનત પાએ હુસૈની,

આંખ કી ઝીનત ખાલિસ આંસુ

સર કી ઝીનત પાએ હુસૈની’

જ્યારે હુસૈન (અ.સ.)ના ગમમાં શોકાતૂર વ્યક્તિના કાનોમાં દોઆનું આ વાક્ય બદલાનો પોકાર બનીને સંભળાય છે ત્યારે તેની હાલતની કલ્પના એક દર્દીલુ દિલ જ કરી શકે છે.

‘ક્યાં છે કરબલાના શહીદોના ખૂનનો બદલો લેનાર?’

આ દોઆની રચનામાં તેની એકસૂત્રતા સાથે તેમાં રહેલી શબ્દોની શાન અને શૌકત, ભાગ્યે જ જોવા મળતી  રજુઆત, મઅરેફત અને યકીન માટેના તૌર તરીકાથી સાબિત થાય છે કે આ દોઆ ઉપર મઅસુમોની ખાસ દ્રષ્ટિ છે. અહિં આ દોઆના વિગતવાર અર્થઘટનને અવકાશ નથી. ફરી ક્યારેક મૌકો મળશે ત્યારે દોઆના એક – એક વાક્યો ઉપર તેનું અર્થઘટન, તેની વિદ્વતા, ઇલ્મી, અકીદતી, મઅરેફતના અને અન્ય પાસાઓ ઉપર પ્રકાશ પાડવાના હેતુથી સ્પષ્ટીકરણ કરવાની કોશિશ કરીશું. અહિં તો માત્ર થોડા વાક્યો અને તેના તરજુમા ઉપર જ સંતોષ માનીશું જેમકે :

‘અય ઉદાર અને સન્માનિતના ફરઝંદ!’

‘અય ચમકતા ચંદ્રોના ફરઝંદ!’

‘અય રોશન ચિરાગના ફરઝંદ!’

‘અય સંપૂર્ણ (ઇલાહી) ઇલ્મના ફરઝંદ!’

‘અય સીરાતે મુસ્તકીમ (સીધા રસ્તા) ના ફરઝંદ!’

‘અય ખુદાની વિપુલ નેઅમતોના ફરઝંદ!’

‘અય તાહા અને મજબૂત નિશાનીઓના ફરઝંદ!’

‘અય યાસીન અને ઝારેયાતના ફરઝંદ!’

‘અય તૂર અને આદેયાતના ફરઝંદ!’

અને અંતમાં આ વાક્યોથી દોઆ સંપૂર્ણ થાય છે.

‘અને તેમના (ઇમામ અ.સ.ના) જદ્ (નબી સ.અ.વ.)ના હૌઝથી અમારી તરસને એવી રીતે બુજાવી દે. તેમના જ પ્યાલા વડે અને તેમના જ મુબારક હાથે, એક મીઠું, ઠંડુ, ચોખ્ખું, મનપસંદ પીણું (પીવડાવ) કે જેના પછી ક્યારેય પણ પ્યાસનો અહેસાસ ન થાય. અય રહેમ કરનારાઓમાં શ્રેષ્ઠ રહેમ કરનાર.’

અય અલ્લાહ તબારક વ તઆલા! આ કૌમ ઝહરા (સ.અ.)ના ફરઝન્દ હુસૈન (અ.સ.)ની તરસ ઉપર સદીઓથી રૂદન કરી રહી છે. મઅબુદ!! જ. ઝહરા (સ.અ.)ના ફરઝન્દ ઇમામે ઝમાના (અ.સ.)ને મોકલી આપ જે હુસૈન (અ.સ.)ના ખૂનનો બદલો લેનાર છે. જેથી અમે આમ ન કહીએ કે :

તારાથી વંચિત રહી ગયા હુસૈનના તરસ્યા હોઠ,

અય પાણી! તું ધૂળ બની જા કે તારી આબરૂ ન રહી.

અંતમાં આ દોઆએ નુદબાની સનદો વિષે પણ થોડું બયાન કરી દઇએ. જેથી મોઅમીનો અને દોઆ પઢનાર લોકોને સંપૂર્ણ ખાત્રી થઇ જાય કે દોઆએ નુદબા મુશ્કેલીઓને હલ કરનાર છે. તેના પઢવાના કારણે અલ્લાહની મહેરબાનીથી દિલને સાંત્વન મળે છે. તેના વાક્યો સ્ફુરણાબક્ષ હોવા ઉપરાંત તેના વડે રહસ્યો અને કરામતો પણ જાહેર થાય છે.

1.      કિતાબ અલ મઝારૂલ કબીર  – સંપાદક : મોહમ્મદ બની જઅફર અલ મશ્હદી, જે છઠ્ઠી સદીના પ્રખ્યાત અને વિદ્વાન હદીસકાર હતા.

2.      કિતાબ મઝારે કદીમ – તેનું સંપાદન મરહુમ તબરસી સાહેબે કર્યંુ હતું જે એહતેજાજ કિતાબના લેખકના સમકાલિન હતા.

3.      કિતાબ મિસ્બાહુઝ ઝાએર – સંપાદક : સૈયદ રઝી ઇબ્ને તાઉસ, જે સાતમી સદીના તકવા અને વરઅ તેમજ હદીસોની નોંધ કરવામાં ઘણા મશ્હૂર હતા.

અલ્લામા મજલીસી ભાગ-102, પાના નં. 102 ઉપર ઉપરોક્ત દર્શાવેલ કિતાબોમાંથી નોંધ કરે છે કે :

‘આ ત્રણેય કિતાબોમાં આ દોઆ વિષે મોહમ્મદ બીન યઅકુબ બીન ઇસ્હાક બીન અબી કુર્રહ અને તેમણે મોહમ્મદ બીન હસન બીન સુફયાન અલ બઝુફરી જે ગયબતે સુગરાના ઝમાનામાં હતા, તે નાએબે ખાસ દ્વારા નોંધ કરે છે કે સાહેબુલ અમ્ર (અ.સ.)એ હુકમ આપ્યો છે કે આ દોઆને પઢ્યા કરે.’

તે ખુદા એ છે કે જે આપણી રગે ગરદનથી પણ વધુ નજીક છે અને આપણા દિલની ધડકનોનો હિસાબ રાખનાર છે. તે ખૂબ સારી રીતે જાણે છે આપણને આપણા ઇમામ (અ.સ.) સાથે કેટલો લગાવ છે. અય અલ્લાહ તબારક વ તઆલા! અમને ઇમામે ઝમાના (અ.સ.)ની મોહબ્બત અર્પણ કર. અમારા ઇમામ (અ.સ.)ની ગયબતને લીધે અમારામાં જે આક્રોશ અને ફરિયાદ બુલંદ થઇ રહી છે તેમાં અસર ઉભી કર અને અમને મઝલુમ ઇમામ હુસૈન (અ.સ.)ના ફરઝન્દના મદદગારો અને સાથીદારોમાં ભેળવી આપ. આમીન…..

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *