ઈમામ હુસૈન (અ.સ.)ની ક્રાંતિના કારણો અને કાર્યો

Print Friendly, PDF & Email

હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામના કયામ (યઝીદની હુકુમત સામે પડકાર કરવા માટે અડગ ઉભા રહેવા)ના કારણો શું હતા? એવી કઈ પરિસ્થિતિ હતી જેને લીધે આપ આટલી મહાન અને અજોડ કુરબાની આપવા માટે તૈયાર થયા હતા? શું ઈમામ હુસૈન (અ.સ.)ની કુરબાનીનો હેતુ યઝીદને સલ્તનત પરથી ઉથલાવી દેવાનો હતો? શું ઈમામ (અ.સ.) ઉમવી ખિલાફતને ખત્મ કરી દેવા માંગતા હતા? શું એ કાર્યોથી તેઓ પોતે સત્તા પ્રાપ્ર કરવા માંગતા હતા? સામાન્ય રીતે આવા પ્રશ્નો લોકોના દિમાગમાં ઘૂમતા હોય છે. આ પ્રશ્નોના જવાબથી દરેક લોકોએ, ખાસ કરીને સૈયદે મઝલુમના સોગવારોએ વાકેફ થવું જોઈએ.

જ્યારે હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામ મદીન-એ-મુનવ્વરાથી રૂખ્સત થઈ રહ્યા હતા ત્યારે આપ (અ.સ.) ના નાના રસૂલે ખુદા (સ.અ.વ.) ના મઝારે મુકદ્દસની વિદાય થયા પછી અને પ્રવાસનો સામાન તૈયાર કર્યા પછી આપ (અ.સ.) આપના ભાઈ જનાબ મોહમ્મદે હનફીયાને સંબોધીને એક વસીય્યતનામુ લખ્યું. જેમાં આપ (અ.સ.) એ આપના કયામના કારણોનું વર્ણન કર્યું. જેના એક ભાગ વડે આ લેખની શોભામાં અભિવૃધ્ધિ કરીએ છીએ અને એજ શબ્દોથી ‘અલ-મુન્તઝર’ના ચોથા મુખ પૃષ્ઠને સુશોભિત કરી રહ્યા છીએ.

હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામે ફરમાવ્યું:

‘વ ઈન્ની લમ અખરૂજ અશ્રા’

‘મારા કયામનો હેતુ દુનિયા અને દુનિયાની ભોગવિલાસની બાબતો મેળવવાનો નથી. મારી ‘અના’ (હું પદ) મારી નજર સમક્ષ નથી.

વલા બતરન:- મારા કયામનો હેતુ સત્તા પ્રાપ્ત કરવાનો કે ગર્વ-ઘમંડ માટેનો નથી.

વલા મુફસેદન:- મારા કયામનો હેતુ ફસાદ ઉભો કરવાનો કે રાજ્યોમાં અંધાધુંધી ફેલાવવાનો પણ નથી.

વલા ઝાલેમન: મારા કયામનો હેતુ કોઈનો હક છીનવી લેવાનો કે કોઈ ઉપર ઝુલ્મ કે ઝબરજસ્તી કરવાનો પણ નથી.

ઈસ્લામ અને અઝાદારીના દુશ્મનો તરફથી જે એઅતેરાઝ અને આક્ષેપો કરવામાં આવે છે, તેનો જવાબ ઉપરના વાકયોથી સ્વયં સ્પષ્ટ રીતે મળી જાય છે. (ઈમામ અ.સ.) ના કયામનો હેતું શું હતો, તે નીચેની વિગતથી સમજાઈ જશે.)

હવે પ્રશ્ન એ થાય છે કે જો ઈમામ (અ.સ.) ના કયામના હેતુ ઉપર દશર્વિેલ બાબતોના ન હતા તો પછી કયામના ખરા હેતુ કયા હતા? આ પ્રશ્નના જવાબની સ્પષ્ટતા ઈમામ હુસૈન અલયહીસ્સલામની નીચેની હદીસમાં મળી આવે છે.

વ ઈન્નમા – ખરજતો – લે – તલબીલ – ઈસ્લાહે – ફી ઉમ્મતે જદ્દી.

હઝરત સૈયદુશ્શોહદા (અ.સ.) પોતેજ ફરમાવે છે કે: મારા કયામનો હેતુ અને આશય મારા દાદા રસૂલે ખુદા (સ.અ.વ.)ની ઉમ્મતની સુધારણા કરવાનો છે. એટલેકે ઉમ્મતે રસૂલ (સ.અ.વ.) ની (તે વખતની હાલત એવી હતી કે) બધી બાજુ ફીત્નો અને ફસાદ ફેલાયો છે. બધા લોકો દુનિયાની પુજામાં પરોવાએલા છે. બધાને હુકુમત અને સત્તા પ્રાપ્રિની લાલસા છે. નફસાની ખ્વાહીશો અને શયતાની વસવસાઓએ ‘અના’(હું પદ)નું રૂપ ધારણ કરી લીધું છે. અખ્લાકમાં બૂરાઈ, અકાએદમાં વક્રતા (વાંકાપણું) અને વિચારધારામાં ફેરફાર સર્વસામાન્ય થઈ પડયા છે. હું આ ઉમ્મતની સુધારણા કરવા અને તેમની હાલત બદલવા માંગુ છું.

‘ઓરીદો – અન – અમ્ર – બિલ – મઅરૂફ.’

લોકોને સારા કાર્યો કરવાનું આમંત્રણ આપવા માંગું છું.

‘વ નહ્ય અનિલ – મુન્કર’

મુન્કર એટલેકે ખરાબ વાતો, ખરાબ ટેવો અને ખરાબ વિચારધારા (ખોટા ફેરફારો) થી રોકવા માંગું છું.

‘વઅસીરો – બે – સીરતે જદદી – વ અબી – અલી – અલી ઈબ્ને અબી તાલિબ – અલયહીસ્સલામ’

અને (હું) મારા નાના રસુલે ખુદા અને મારા પિતા અલીએ મુરતુઝા અલયહીસ્સલામે દેખાડેલા માર્ગ ઉપર ચાલવા માંગું છું. એટલેકે નિર્ભેળ (ભેળ સેળ વગરના) અને વાસ્તવિક ઈસ્લામના કાનૂનો ઉપર અમલ કરવા માટે કયામ કરવા માંગુ છું. એ ઈસ્લામ પર ચાલવા માંગું છું, જેને હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ પેશ કર્યો હતો અને મારા પિતા હઝરત અલી અલયહીસ્સલામે ફેલાવ્યો હતો. આ ઉમવી ઈસ્લામની વિરૂધ્ધ અવાજ બુલંદ કરવા માંગુ છું. જે ઈસ્લામનું ફકત નામ જ ઈસ્લામ રહ્યું છે. અને તેની બધીજ વિચારધારા અને ટેવો ગુમરાહી, (ગુનાહ) અને અજ્ઞાનતા પૂર્ણ છે.

હું ઈસ્લામે મોહંમદી (સ.અ.વ.) અને રવિશે અલવી (હ. અલી અ.સ.ની પ્રણાલિકા)ને પુન: જીવિત કરવા માંગુ છું.

‘ફમન કબીલ્ની – બે – કુબુલીલ હક ફલ્લાહો – ઔલા – બિલ – હક્ક’

જે માણસ મારી આ વાતને સત્ય સમજીને સ્વીકાર કરે તેણે વાસ્તવમાં ખુદાની વાતો કબૂલ કરી છે. મારી આ વાતો વહીના ભાષાંતર સમાન છે.

‘વમન – રદદ – અલયય – હાઝા – અસ્બેરો – હત્તા – યકઝલ્લાહો – બયની – વ બયનલ કૌમ વહોવ ખયરૂલ હાકેમીન’

અને જે લોકો મારી આ વાતનો સ્વીકાર નહીં કરે અને તેનો વિરોધ કરશે તો મારો પરવરદિગાર તે કૌમની અને મારી વચ્ચે ફેંસલો કરી દે ત્યાં સુધી હું સબ્ર કરીશ. તે શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે.

ઉપરની વસીયત જોતાં હઝરત સૈય્યદુશ્શોહદા અલયહીસ્સલામે આપ (અ.સ.) ના કયામના ત્રણ હેતુઓ બયાન ફરમાવ્યા છે.

(1) ઉમ્મતે – ખુદાની ઈસ્લાહ.

(2) અમ્ર બિલ મઅરૂફ અને નહ્ય અઝ મુન્કર.

(3) નબી અને અલી (અ.સ.) ની પ્રણાલિકાની પૂન: સ્થાપના અને પૂન: જીવન.

ઉપરના હેતુઓ એકબીજાથી અલગ પડતા નથી. પરંતુ ત્રણેય હેતુઓ અરસ પરસ પૂરક છે. કેમકે ઉમ્મતની ઈસ્લાહ અમ્ર બિલ મઅરૂફ અને નહ્ય અનીલ મુન્કર દ્વારા થશે. મઅરૂફની વાત રહી તો નબી અને અલીની રવિશ અને તેમનો માર્ગ જ મઅરૂફ છે. અને તેમના માર્ગથી વિખુટા પડીને જે કરવામાં આવે તે મુન્કર છે.

હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામે આપના બીજા ખુત્બાઓ અને પત્રોમાં આજ હકીકતને બીજા શબ્દોમાં બયાન કરેલ છે. મક્કા-એ-મુકર્રમાથી તશરીફ લઈ જવા પછી આપ (અ.સ.) બસરાવાસીઓને સંબોધીને જે પત્ર લખ્યો હતો તેમાં આ પ્રમાણે લખ્યું હતું:

અના અદઉકુમ એલા કિતાબિલ્લાહ વ સુન્નતે નબીય્યેહી ફ ઈન્ન સુન્નત કદ ઉમેયત વલ બિદઅત કદ ઓહયેયત ફ ઈન્ન તસ્મઉકૌલી અહદોકુમ એલા સબિલીરરેશાદ.

(તારીખે તબરી 7/240)

હું તમોને કિતાબે ખુદા અને સુન્નતે નબી (સ.અ.વ.) (ઉપર અમલ કરવા) પ્રત્યે નિમંત્રણ આપુ છું, કેમકે સુન્નતે નબવી (સ.અ.વ.) નો નાશ કરવામાં આવ્યો છે અને બિદઅતોને જીવિત કરવામાં આવી છે જે લોકો મારી વાતોને કબુલ કરશે તેઓને હું રાહે રાસ્તની હિદાયત કરીશ.

હઝરતે કુફાવાસીઓને સંબોધીને આ પ્રમાણે પત્ર લખ્યો:

ફલ ઉમ્રી મલ ઈમામો ઈલ્લલ આમેલો બિલ કિતાબે વલ આખેઝો બિલ કિસ્તે વદ દાએનો બિલ હક્ક વલ હાબેસો નફસહૂ અલા ઝાતીલ્લાહ

(કામીલ ઈબ્ને અસીર 2/267)

‘ખુદાની કસમ, ઈમામ તો માત્ર ખુદાની કિતાબ ઉપર અમલ કરનાર, અદલ અને ઈન્સાફ કરનાર, હકની પૈરવી કરનાર અને ખુદાની ખુશી માટે પોતાને વકફ કરી દેનાર હોય છે.’ એટલેકે જેનામાં ઉપરોકત ગુણો ન હોય તે લોકોનો ઈમામ હોઈ શકતો નથી. યઝીદ બિન મોઆવિયાને ખિલાફતનો કોઈજ અધિકાર નથી.

જ્યારે હઝરત કરબલાની નજદીક ‘બયઝહ’ નામના સ્થાને પહોંચ્યા ત્યારે હુરનું લશ્કર આપ (અ.સ.) ને ઘેરી લેવા માટે આવી ગયું હતું ત્યારે આપ (અ.સ.) પોતાના અને હુરના લશ્કરને સંબોધીને આ પ્રમાણે ફરમાવ્યું:

‘મન રાઅ સુલતાનન જાએરન મુસ્તહેલન લે હરામે અશદદો નાકેસન અહદહુ મોખાલેફન લે સુન્નતે રસુલલ્લાહે યઅમલો ફી એબાદીલ્લાહ બિલ ઈસ્મે વલ ઉદવાન ફલમ યોગય્યેર અલયહે બે ફેઅલીન વલા કવલીન કાન હક્કન અલલ્લાહ યન યુદખેલહુ મુદખલહ.’

(અલ અશરાફ 3/171)

‘એ માણસ જે જાલિમ અને જાબિર બાદશાહને જૂવે જે હરામે ખુદાને હલાલ કરી રહ્યો હોય, ખુદાના અહદો પૈમા તોડી રહ્યો હોય, રસુલે ખુદા (સ.અ.વ.)ની સુન્નતનો વિરોધ કરી રહ્યો હોય, ખુદાના બંદાઓની વચ્ચે ગુનાહ અને સરકશી- સાથે હુકુમત કરી રહ્યો હોય તેવો માણસ જો પોતાના કૌલ અને અમલ વડે તે બાદશાહનો વિરોધ ન કરે અને તે પરિસ્થિતિને સુધારવા માટે પ્રયત્નો ન કરે તો તેવા માણસને તે બાદશાહની સાથેજ જહન્નમમાં નાખી દેવા માટે ખુદાએ તઆલાને અધિકાર છે.’

ત્યાર પછી હઝરતે યઝીદી હુકુમત વિશે ફરમાવ્યું:

આ લોકો (યઝીદીઓ) એ ખુદાની ઈતાઅત કરવાનું છોડી દીધું છે અને શયતાનની પૈરવી કરવા લાગ્યા છે. ફસાદમાં વધારો કરી રહ્યા છે અને એહકામે ઈલાહીને રદ કરી રહ્યા છે. આ લોકો બૈતુલ માલને પોતાના અંગત ફાયદા માટે વાપરી રહ્યા છે. ખુદાએ હલાલ અને હરામ કરેલ બાબતોને ફેરવી રહ્યા છે.

મૈદાને કરબલામાં ઈમામ હુસૈન અલયહીસ્સલામે પહેલા ખુત્બામાં આ પ્રમાણે ફરમાવ્યું:

‘અલા તરવન એલલ હક્ક લા યોઅમલો બેહી વ એલલ બાતિલ લા યોતનાહા અન્હો લે યરગબલ મુઅમીન ફી લે કાઈલ્લાહે ફ ઈન્ની લા અરલ મવ્ત ઈલ્લા સઆદતન વલલ હયાત મઅઝ ઝાલેમીન ઈલ્લા બરમા.’

(તારીખે તબરી 7/300)

શું તમે લોકોએ એ વાત નિહાળી રહ્યા નથી કે હક પર અમલ થઈ રહ્યો નથી અને બાતિલને છોડવામાં આવતું નથી. આ હાલતમાં મોઅમીન ખુદા સાથે મુલાકાતની તમન્ના કરે તે જ યોગ્ય છે કારણકે આ હાલતમાં હું મૌતને સઆદત (લાભદાયક) અને ઝાલિમો સાથે ઝીંદગી વિતાવવાને ઝીલ્લત સમજુ છું.

આ રીતે હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામનો અઝીમુશ્શાન અને બે મિસાલ કયામ જે માહે રજબ હીજરી સન 60 માં શરૂ થઈ માહે મોહર્રમ 61 હીજરીમાં ઈમામ (અ.સ.) અને તેમના અસ્હાબો અને સગાવ્હાલાની શહાદત સાથે જાહેરી રીતે પૂરો થયો. જેનો હેતુ એ હતો કે ઈસ્લામમાં જે ફેરફારો કરવામાં આવ્યા હતા અને યઝીદી હુકુમતે ઈસ્લામને જે સંપૂર્ણ રીતે નાબુદ કરી દેવા કમર કસી હતી, તેનો વિરોધ કરી નાશ કરવો અને તેની જગ્યાએ સાચા ઈસ્લામને પૂન: જીવન આપવું અને પોતાના નાનાની ઉમ્મતની સુધારણા કરવી.

કેટલાક એહલે સુન્નત હદીસવેત્તાઓએ અહીં થોડો વધારો કરીને લખ્યું છે.

‘વ ખોલફા ઉર રાશેદીન’. એટલે (ઈમામ) ખોલફાએ રાશેદીનની પ્રણાલિકા ઉપર ચાલવા માંગુ છું. આ વાકય પાછળથી ઉમેરવામાં આવ્યું છે. કેમકે ‘ખોલફાએ રાશેદીન’ શબ્દ ઉમવી દૌર પછીની શોધ છે જેને ઈતિહાસકારો અને એમના હિતચીંતકોએ શોધી કાઢેલ છે. કેમકે તે યુગમાં આ શબ્દ પ્રયોગ (કે વાત) બિલ્કુલ પ્રચલિત ન હતો. બીજો મુદ્દો એ છે કે હઝરત અલી અલયહીસ્સલામ ખોલફાએ રાશેદીનમાં ગણાય છે. અહીં એ વાત કહેવી નિરર્થક છે કે હઝરત અલી (અ.સ.) ખોલફાએ રાશેદીનની પ્રણાલિકા ઉપર ચાલવા માંગતા હોય. ત્રીજો મુદ્દો એ છે કે હઝરત ઈમામ હુસય અલયહીસ્સલામ પોતેજ ખોલફાએ રાશેદીનની પ્રણાલિકા માટે એતરાઝ કરતા હતા, તેથી તેઓ પોતેજ એ પ્રણાલિકા ઉપર ચાલવાની તમન્ના કરતા હોય તેવું કઈ રીતે બની શકે?

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *