ઇમામ મહદી (અ.સ.)ના સાથીદારોની ફઝીલત અને સિફતો

Print Friendly, PDF & Email

ખુદાની આ જમીન તેના નિખાલસ બંદાઓ વગરની ક્યારેય ખાલી નથી રહી તે એક હકીકત છે. માનવતાનો ઇતિહાસ એ વાતની સાક્ષી આપે છે કે અલ્લાહના નેક બંદાઓએ માત્ર તેની જ ઇબાદત કરી અને બીજા કોઇની પણ પરવા નથી કરી. સમાજના શક્તિશાળી અને સંપત્તિવાન લોકોએ તે લોકોની ઠેકડી ઉડાડી, તેઓને અપમાનિત કર્યા અને તેઓની સાથેના સંબંધો કાપી નાખ્યા. તેમ છતાં તેઓ તેમની નેકી અને ઇબાદતથી ક્યારેય ચલિત ન થયા. ઇતિહાસ એ પણ બતાવે છે કે કેટલીય કૌમોએ તો પોતાના નબીઓને કત્લ પણ કર્યા. એ જ નબીઓ કે જે તેઓને કાયમી પરેશાનીયોં અને મુસીબતોથી બચાવવા માટે આવ્યા હતા તેઓ જ પોતાની કૌમોના ઝુલ્મ અને અત્યાચારોના શિકાર બની ગયા. ટૂંકમાં એ કે આ દુનિયાના પટ ઉપર હંમેશા અત્યાચારીઓનું શાસન રહ્યું છે અને સદાચારી લોકો તેઓના ઝુલ્મનો શિકાર બનતા રહ્યા અને દુ:ખ સહન કરતા રહ્યા. અમૂક લોકો એવા પણ હતા કે જેમણે તે અત્યાચારી શાસનની સામે અવાજ બુલંદ કર્યો. પરંતુ આખરે તેઓના અવાજને પણ દબાવી દેવામાં આવ્યો અને તેઓના અસ્તિત્વને આ દુનિયામાંથી મિટાવી દેવામાં આવ્યું.

કુરઆન આવા લોકો વિષે એલાન કરી રહ્યું છે.

“નિસંશય જે લોકો અલ્લાહની નિશાનીઓનો ઇન્કાર કરે છે અને નબીઓને નાહક મારી નાખે છે અને તેઓને (પણ) મારી નાખે છે કે જેઓ અદ્લ ઇન્સાફની આજ્ઞા કરે છે તો તેઓને (હે રસુલ!) દુ:ખદાયક શિક્ષાની ખુશખબર સંભળાવો.

(સુરએ આલે ઇમરાન : ૨૧)

આ મઝલુમ કૌમો જ્યારે ઝુલ્મના બોજાને ઉપાડતા ઉપાડતા થાકી જતી હતી અને તેઓના ઝમાનાના નબીને ફરિયાદ કરતી ત્યારે તેઓના નબી તેઓને વારંવાર ધીરજ ધરવા કહેતા અને ખુશખબર આપતા કે એક દિવસ આ દુનિયાની હુકુમત  નેક લોકોના હાથમાં હશે. જેમકે સુરએ અઅરાફની આયત ૧૨૮માં હઝરત મુસા (અ.સ.)ના કિસ્સામાં જોવા મળે છે.

“મુસાએ પોતાની કૌમને ફરમાવ્યું કે તમે અલ્લાહ પાસે મદદ માંગો અને ધીરજ રાખો; બેશક આ સર્વ ભૂમિ અલ્લાહનીજ છે, તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેને તેનો વારસ બનાવે છે; અને (ઉત્તમ) પરિણામ પરહેઝગારો માટે જ છે.

આ કોણ લોકો છે જેઓને અલ્લાહે દુનિયાના વારસદાર અને માલિક બનાવ્યા છે? કુરઆને તે લોકોની પ્રસંશા જુદી જુદી જગ્યાએ કરી છે. તફસીરોનો અભ્યાસ કરવાથી સ્પષ્ટ રીતે જણાય આવે છે કે આ લોકો ઇમામ મહદી (અ.સ.)ના અસ્હાબો છે. જેઓના વિષે હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે.

“ઇમામ મહદી (અ.સ.)ના સાથીદારો તે મર્દ લોકો હશે જેઓ અલ્લાહની મઅરેફત એ રીતે ધરાવતા હશે જે રીતે મઅરેફત ધરાવવાનો હક છે.’

(કન્ઝુલ ઉમ્માલ : પાના નં. ૩૪, હ. ૪)

આજ સાથીદારોના બારામાં કુરઆન દર્શાવે છે.

“(લૂતે) કહ્યું કે કદાચને તમારી સામે થવાની મારામાં શક્તિ હોત અથવા મેં કોઇ મજબુત સ્તંભનો આશરો લીધો હોત (તો કેવું સારૂ થાત)!

(સુરએ હુદ : ૮૦)

આ આયતની તફસીરમાં ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે શક્તિનો અર્થ (ઇમામ) કાએમ (અ.સ.) છે. અને રૂકને શદીદથી મુરાદ કાએમ (અ.સ.)ના અસ્હાબોની શક્તિ છે.

“તેઓમાંના દરેક મર્દને ચાલીસ લોકોની તાકાત આપવામાં આવી છે અને તેઓના દિલ લોખંડથી પણ વધુ સખત છે. તેઓ પોતાની તલવારો એ સમય સુધી મ્યાનમાં નહિં રાખે જ્યાં સુધી કે ખુદા તેઓથી રાજી ન થઇ જાય.’

(કમાલુદ્દીન, ભાગ-૨, પાના નં. ૬૭૩, હ. ૨૬, પ્રકરણ:૫૮)

આ તે ચુંટાએલી વ્યક્તિઓ હશે જેઓને રસુલે ખુદા (સ.અ.વ.)એ પોતાના ભાઇ કહ્યા છે અને પોતાના વફાદાર સાથીઓથી અફઝલ ગણ્યા છે. જેમ કે આપ દોઆ કરે છે.

“યા અલ્લાહ! મને મારા ભાઇઓ સાથે મેળવી દે.’

આપના અસ્હાબોએ પુછયું યા રસુલુલ્લાહ! શું અમે આપના ભાઇ નથી? આપે જવાબ આપ્યો નહિં, તમે મારા અસ્હાબ  છો. મારા ભાઇ એક કૌમ છે જે આખર ઝમાનામાં મારા ઉપર ઇમાન ધરાવતી હશે એ છતાં કે તેઓએ મને જોયો નહિં હોય. …. પછી આપે તેઓની ફઝીલત વર્ણવી.

(બેહારૂલ અન્વાર, ભાગ – ૫૨, પાના નં. ૧૨૫)

રાવિ કહે છે કે અમે ઇમામ સાદિક (અ.સ.)ની સાથે હતા ત્યારે ઇમામ મહદી (અ.સ.)ના સાથીદારો બાબત વાત થઇ. આપે ફરમાવ્યું :

“ત્રણસો તેર વ્યક્તિઓ છે અને દરેક પોતાની અંદર ત્રણસો વ્યક્તિઓની શક્તિ મેળવશે.’

(મુન્તખબુલ અસ્ર : ૪૮૫)

વધુમાં તફસીરમાં જોવા મળે છે. “અલ્લઝીન યુઅમેનુન બીલ્ગૈબ’ના અનુસંધાનમાં એક લાંબી હદીસ છે જે રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવી છે. અંતમાં એક જુન્દબ નામના યહુદીના સવાલનો જવાબ આપતા ફરમાવ્યું કે:

“તેમની ગયબતમાં ધીરજ ધરનારાઓ સફળ છે.

તેમની સાથેની પરહેઝગાર વ્યક્તિઓ સફળ છે.

આ એજ લોકો છે જેમની સિફત અલ્લાહે તેની કિતાબમાં આ રીતે વર્ણવી છે. જે લોકો ગય્બ ઉપર ઇમાન ધરાવે છે અને એ કે આજ લોકો અલ્લાહનો સમૂહ છે. જાણી લો કે અલ્લાહનો સમૂહ જ વિજયી છે.’

(અલ ગયબહ, કેફાયતુલ અસ્ર,પા.૫૬, અલ બુરહાન,૩/૧૪૬, યનાબીઉલ મવદ્હ, પાના નં. ૪૪૨)

(૨) અલ્લાહના દોસ્તો :

સુરએ યુનુસની આયત ૪૨ની તફસીરમાં ઇમામ સાદિક (અ.સ.) તેમના એક સહાબીને ફરમાવે છે.

“અય અબુ બસીર! અમારા કાએમના શીઆઓ માટે ખુશખબર છે કે જેઓ તેમની ગયબતમાં તેમનો ઝુહુરના મુન્તઝીર હોય અને તેમના ઝુહુર પછી તેમનું અનુસરણ કરનારા હશે. આ જ તે લોકો છે જે અલ્લાહના દોસ્ત છે. જેઓને કોઇ ભય કે દિલગીરી નહિં હોય.’

(નુરૂસ સકલયન, ભાગ – ૧, પાના નં. ૭૮૧, યનાબીઉલ મોવદ્દત, પાના નં. ૪૨૨, ઇસ્બાતુલ હોદા, ભાગ – ૩, પાના નં. ૭૫, અલ બુરહાન, ભાગ – ૧, પાના નં. ૫૬૪, અસ્સાફી, ભાગ – ૨, પાના નં. ૧૭૩)

ઇમામ મહદી (અ.સ.)ના સાથીદારોના બારામાં ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:

“જ્યારે તમારામાંથી કોઇ એક સવારે ઉઠશે ત્યારે તેના માથા નીચે એક કિતાબ હશે જેના ઉપર લખ્યું હશે “તાઅતુમ મઅરૂફહ’ (મશ્હુર ઇતાઅતવાળો).’

(ઇસ્બાતુલ હોદ્દા, ભાગ – ૩, પા. ૫૮૨, નુરૂસ સકલયન, ભાગ – ૩, પાના નં. ૬૧૬, મુન્તખબુલ અસ્ર, પાના નં. ૪૪૦, કમાલુદ્દીન, ભાગ – ૨, પાના નં. ૬૫૪)

અર્થાત તેમની તાબેદારી એક મશ્હુર બાબત હશે. તેનો ઝીક્ર કુરઆનમાં સુરએ નુરની આયત ૫૩માં આ મુજબ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેમની તાબેદારીનો ઝીક્ર સુરએ મરયમની આયત ૭૫-૭૬માં અને સુરએ જીનની આયત ૨૪માં પણ જોવા મળે છે. આ આયતોની નીચે ઇમામ સાદિક (અ.સ.)થી આ હદીસ નકલ થઇ છે.

“જ્યાં સુધી અલ્લાહના આ કથનની વાત છે ત્યાં સુધી કે તેઓ એ ચીજોને જોશે જેનો તેઓની સાથે વાયદો કરવામાં આવ્યો હતો. તો તે ચીજ કાએમ (અ.સ.)નો ઝુહુર હશે…. પછી રાવીએ સવાલ કર્યો. અને ખુદાના તે કથનનો શું અર્થ છે કે અલ્લાહ તે હિદાયત પામેલા લોકોની હિદાયતમાં વધારો કરશે. આપે જવાબ આપ્યો : તે દિવસે અલ્લાહ તેઓની હિદાયતને વધારી દેશે એટલા માટે કે તેઓ કાએમ (અ.સ.)ની તાબેદારી કરશે. ન તો તેમનો ઇન્કાર કરશે ન તેમની સાથે કોઇ વાત ઉપર વાદ-વિવાદ કરશે.’

(અલ કાફી, ભાગ – ૧, પાના નં. ૪૩, અસ્સાફી, ભાગ – ૩, પાના નં. ૨૯૧, અલ બુરહાન, ભાગ – ૩, પાના નં. ૨૦, નુરૂસ સકલયન, ભાગ – ૩, પાના નં. ૩૫૫, ઇસ્સબાતુલ હોદ્દા, ભાગ – ૩, પાના નં. ૪૪૭)

(૩) ખુદાના મહેબુબ

કુરઆને કરીમમાં આ સાથીદારોની પ્રસંશામાં આ વાક્યો પણ મળે છે.

“અલ્લાહ નજદીકમાં એવા લોકોને લાવી હાજર કરશે કે જેમને તે દોસ્ત રાખતો હશે અને તેઓ અલ્લાહને દોસ્ત રાખતા હશે; મોઅમીનો તરફ તેઓ નમ્ર હશે (અને) કાફીરો તરફ સખત.

(સુરએ માએદહ : ૫૪)

આ આયતની તફસીરમાં ઇમામ સાદિક (અ.સ.)ની આ રિવાયત જોવા મળે છે.

“ખરેખર અલ્લાહે સાહેબે અમ્ર (ઇમામ મહદી અ.સ.) માટે તેમના સાથીદારોને ચૂંટી કાઢ્યા છે: અગર બધા ઇન્સાનો તેમનો સાથ છોડી દે તો પણ અલ્લાહ તેઓના માટે સાથીદારોને ભેગા કરશે. જેઓના માટે તેણે કહી દીધું છે. પછી અગર તેઓ તેનો ઇન્કાર કરી દે તો અમે એક કૌમને ચૂંટી કાઢીશું જે કુફ્ર નહિં કરે અને આ જ તેઓ છે જેઓના વિષે બયાન કરવામાં આવ્યું છે કે: આ રીતે ખૂબજ જલ્દી અલ્લાહ એક કૌમને જાહેર કરશે જે તેને પ્રિય હશે અને તેઓ અલ્લાહને મોહબ્બત કરતા હશે. મોઅમીનો ઉપર મહેરબાન હશે અને કાફીરો ઉપર કઠોર હશે.’

(અલ બુરહાન, ભાગ – ૧, પાના નં. ૪૭૮, બેહારૂલ અન્વાર, ભાગ – ૫૨, પાના નં. ૩૮૦, યનાબીઉલ મોવદ્દત, પાના નં. ૪૨૨, ગયબતે નોઅમાની, પાના નં. ૩૧૬)

આવી જ રીતે તફસીરે કુમ્મીમાં આ શબ્દો જોવા મળે છે કે:

“આ તે લોકો હતા કે જેઓ રસુલ (સ.અ.વ.)ના અસ્હાબો હતા અને તે લોકોએ આલે મોહમ્મદ (અ.સ.)નો હક ગસબ કર્યો અને દીનથી મુરતદ થઇ ગયા. આ રીતે ખુદને કાયમી અઝાબમાં નાખી દીધા. રસુલ (સ.અ.વ.)ની વફાતના દિવસથી લઇને આજ સુધી એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ને તેઓના હકથી વંચિત રાખવામાં આવ્યા છે. તેમના કુટુંબીજનો અને ચાહનારાઓને સતાવવામાં આવ્યા અને માત્ર તેઓની મોહબ્બતના ગુનાહમાં કત્લ કરવામાં આવ્યા. આ રીતે આલે મોહમ્મદ (અ.સ.) ઉપર દરેક ઝમાનામાં અત્યાચાર ગુજારવામાં આવ્યો અને આ ઝુલ્મોનો બદલો અને ખૂનનો બદલો આખર ઝમાનામાં ઇમામ મહદી (અ.સ.) અને તેમના સાથીદારો લેશે. આ બીજો સમૂહ છે જેનું વર્ણન આ હદીસોમાં કરવામાં આવ્યું છે.

અલ્લાહે આ બીજા સમૂહના પાંચ સદ્ગુણો વર્ણવ્યા છે. સૌપ્રથમ તેઓ આલે મોહમ્મદ (અ.સ.)ના હકનો ઇન્કાર નહિં કરે. તેઓના મહાન દરજ્જા મરતબા અને હુકમોને નતમસ્તકે સ્વિકારશે. બીજું એ કે અલ્લાહ તેઓની સાથે મોહબ્બત કરે છે અને આ લોકો પણ અલ્લાહ સાથે મોહબ્બત કરે છે. આ જ ઇમાનની નિશાની છે. ત્રીજું તેઓ મોઅમીનો ઉપર મહેરબાન હશે અને કાફીરો ઉપર કઠોર હશે. એટલેકે જ્યારે મોઅમીનોને મળશે ત્યારે હળવાશ અને નમ્રતાથી અને કાફીરો (આલે મોહમ્મદ (સ.અ.વ.)ના દુશ્મનો)ની કોઇ દરકાર નહિં કરે. ચોથો સદ્ગુણ એ છે કે તેઓ ખુદાની રાહમાં જેહાદ કરશે. જેહાદનો અર્થ ફક્ત લડાઇ નહિં પરંતુ સંઘર્ષ કરશે અને મુશ્કેલીઓનો સામનો કરશે. અને છેલ્લો સદ્ગુણ એ કે ટીકા ટીપ્પણી કરનાર અને ધાક ધમકી આપનારની ધમકી તેઓને ડરાવશે નહિં. તેઓ પોતાના ઇમાન અને અમલ ઉપર અડગ રહેશે. પછી ભલે કોઇને ગમે તેટલું ખરાબ કેમ ન લાગે.’

૪. મઝલુમ :

ઇમામ મહદી (અ.સ.)ના સાથીદારોને કુરઆનમાં શબ્દ મઝલુમથી પણ યાદ કરવામાં આવ્યા છે.

“તે લોકોને – કે જેમનાથી લડાઇ કરવામાં આવે છે- તેમને (જેહાદની) રજા આપવામાં આવી છે કારણકે તેમના પર ઝુલ્મ કરવામાં આવ્યો છે; અને બેશક અલ્લાહ તેમને મદદ કરવાને સંપૂર્ણ શક્તિવાન છે :

(સુરએ હજ : ૩૯)

આ આયતના બારામાં ઇમામ બાકિર (અ.સ.) ફરમાવે છે.

“આ આયત કાએમ (અ.સ.) અને તેમના સાથીદારોના બારામાં છે.’

(તાવીલુલ આયાત, ભાગ –  ૧, પાના નં. ૩૩૮, બુરહાન ૧/૯૩, બેહારૂલ અન્વાર, ભાગ – ૨૪, પાના નં. ૨૨૫, ઇસ્બાતુલ હોદા, ભાગ – ૩, પાના ન. ૫૬૩)

૫. રક્ષણ આપનાર હરમ :

હરમ શબ્દ સામાન્ય રીતે મસ્જીદે નબવી અને ખાનએ કા’બા માટે વપરાય છે. એવી જ રીતે મક્કા શહેરને પણ કુરઆને બલદુલ અમીન (અમીનનું શહેર)ના નામથી યાદ કર્યું છે. આ એવી જગ્યાઓ છે કે જ્યાં એક માખી અથવા મચ્છરને પણ મારવાનું હરામ છે. આ સ્થળો સમગ્ર સર્જનો માટે સલામતિની જગ્યા છે. જ્યારે રસુલ (સ.અ.વ.)એ મક્કા ઉપર વિજય મેળવ્યો ત્યારે આપે આ એલાન કરાવ્યુ હતું કે જે કોઇપણ ખાનએ ખુદામાં અથવા મારા સગાઓ અથવા મુસલમાનોના ઘરોમાં આશ્રય લેશે તેને સલામતિ મળશે. આ રીતે લોહીનું એક ટીપું પણ વહાવ્યા વગર મક્કા ઉપર વિજય થયો. અગર આપણે કુરઆનની આયતોનો અભ્યાસ કરીએ તો જાણવા મળે છે કે હઝરત ઇમામ મહદી (અ.સ.)ના ઝુહુરનો સમય જ્યારે નજીક આવશે ત્યારે દુનિયા ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે. ગુનાહો વારંવાર કરવામાં આવશે એટલુંજ નહિં બલ્કે ગુનાહને ગુનાહ તરીકે ગણવામાં પણ નહિં આવે. મોઅમીનો અને નિખાલસ બંદાઓની મજાક ઉડાવવામાં આવશે. જુઠ્ઠાઓ અને મૂર્ખ લોકોના હાથોમાં હુકુમત હશે. ખરાબ કાર્યો કરવા સામાન્ય બાબત બની ગયા હશે. ઉપરાંત બિમારીઓ, અકસ્માતો વિગેરે દરરોજ બનવાવાળા બનાવો હશે. ખૂના મરકી અને આતંકવાદ ચારે તરફ જોવા મળશે. કોઇ શહેર અથવા કોઇ જગ્યા કુદરતી કે માનવ સર્જિત આફતોથી મુક્ત નહિં હોય. જ્યારે હઝરતનો ઝુહુર થશે ત્યારે આપ (અ.સ.) પોતાના સાથીદારોની સાથે દુનિયાને ઝુલ્મ અને કુફ્રની નજાસતથી પાક કરશે.

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે આ આયત :

“અમારા કાએમ (અ.સ.) અને તેમના સાથીદારોના બારામાં છે જે કોઇપણ તેમની બયઅત કરશે અને તેમના સમૂહમાં ભળી જશે તેને રક્ષણ મળશે.’

(એલલુશ્શરાએઅ, પાના નં. ૮૯, અસ્સાફી, ભાગ – ૧, પાના નં. ૩૫૧, હીલયતુલ અબ્રાર, ભાગ – ૨, પાના નં. ૧૪૮, અલ બુરહાન, ભાગ – ૧, પાના નં. ૨૯૯, બેહારૂલ અન્વાર, ભાગ – ૨, પાના નં. ૨૯૧, નુરૂસ સકલૈન, ભાગ – ૧, પાના નં. ૩૬૯, અલ અવાલીમ, ભાગ – ૩, પાના નં. ૬૧૩)

૬. ઉમ્મતુમ મઅદુદતુન:એક મર્યાદિત ઉમ્મત:

ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)થી નકલ કરવામાં આવેલી એક હદીસમાં મહદી (અ.સ.)ના સાથીદારો માટે શબ્દ ઉમ્મતુન મઅદુદહ વપરાયો છે.

“કાએમ (અ.સ.)ના અસ્હાબોમાં ત્રણસો દસથી થોડા વધુ પુરૂષો છે. જેના બારામાં અલ્લાહે પોતાની કિતાબમાં ઉમ્મતુમ મઅદુદહ શબ્દનો ઉપયોગ કરેલ છે.

(સુરએ હુદ : ૮)

પછી આપ (અ.સ.)એ ફરમાવ્યું :

“તેઓને એકજ પળમાં ભેગા કરવામાં આવશે જેવી રીતે વરસાદના વાદળો ભેગા થઇ જાય છે.’

(અલ અય્યાશી, ભાગ – ૩, પાના નં. ૫૭)

કિતાબ તાવીલુલ આયાતમાં આ આયતની નીચે ઇમામ સાદિક (અ.સ.)થી રિવાયત મળે છે.

“અઝાબથી મુરાદ કાએમ (અ.સ.) છે જે તેમના દુશ્મનો માટે અઝાબ સમાન છે અને “ઉમ્મતુન મઅદુદહ’ તે લોકો છે જેઓ તેમની સાથે રહીને જેહાદ કરશે અને તેઓની સંખ્યા જંગે બદ્રમાં ભાગ લેનાર વ્યક્તિઓ જેટલી હશે.’

(તાવીલુલ આયાત, ભાગ – ૧, પાના નં. ૨૨૩, હ. ૩, અલ બુરહાન, ભાગ – ૨, પાના નં. ૨૦૯, હ. ૮)

ઉપરોક્ત હદીસો ઉપરથી નીચે મુજબના મુદ્દા સામે આવે છે.

૧.      ઇમામ મહદી (અ.સ.) અને તેમના સાથીદારો દુનિયામાં અદ્લ અને ઇન્સાફ સ્થાપિત કરશે જ્યારે તે સમયે દુનિયા ઝુલ્મથી ભરાએલી હશે. પરંતુ તેઓની સંખ્યા ફક્ત ત્રણસોથી થોડી વધારે હશે. આ સંખ્યા દર્શાવી રહી છે કે તે ઝમાનામાં મોઅમીનોની અછત હશે.

૨.      સમગ્ર દુનિયામાં ફેલાએલા હોવા છતાં પણ આ ત્રણસો તેર વ્યક્તિઓ મોઅજીઝાથી રાતો રાત અથવા થોડી પળોમાં લશ્કર સ્વરૂપે હઝરત ઇમામ મહદી (અ.સ.) માટે તૈયાર થઇ જશે.

૩.      આ લશ્કરનું ઉદાહરણ વરસાદના વાદળોનું આપવામાં આવ્યું છે. જે વરસે છે ત્યારે સુકી અને નિર્જીવ જમીનને નવજીવન બક્ષે છે અને બીજી તરફ એટલો કહેર પણ વરસાવે છે કે નીચાણવાળા લોકો તેના પાણીમાં ડૂબી જાય છે.

૪.      ઇમામ કાએમ (અ.સ.) માટે કુરઆનમાં “અઝાબ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે તેઓ તેમના દુશ્મનો માટે “અઝાબ’ હશે. આ કદાચ એટલા માટે છે કે મુનાફિકો અને મુશ્રિકોની મોહલત ખતમ થઇ ચૂકી હશે.

કુરઆન અને હદીસોમાં આ મોહતરમ વ્યક્તિઓની ખૂબીઓ અને કરામતો વિગતવાર દર્શાવવામાં આવી છે. અહિં એ બધી બાબતોનો ઉલ્લેખ કરવો શક્ય નથી.

અંતમાં માત્ર એ દોઆ છે કે અલ્લાહ આપણને પણ એ ખુશબખ્તી બક્ષે કે આપણે તે સાથીદારોના ગુલામોમાં જોડાઇ જઇએ અને આ રીતે અલ્લાહની અંતિમ હુજ્જતની મદદ કરી શકીએ. ઇલાહી આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *