ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં ૧૪ સવાલો (ભાગ-૧)

Print Friendly, PDF & Email

શરીઅત પર ન ચાલનારા અને એઅતેરાઝ કરવાવાળા લોકો વધુ સંખ્યામાં છે, એમાં મોટા મોટા લેખકો અને વકતાઓ પણ આવી જાય છે અને એમાં સાધારણ દરજ્જાના એ લોકો પણ છે, જેઓ કલમકાર (લેખક) છે અને સાથે સાથે પોતાની અકકલની વિચારની રોશનીમાં ફેંસલો કરી લે છે અને એક મોટી જમાત એ લોકોની પણ છે, જેઓ પોતાના જેવા વિચાર-વિમર્શ ધરાવતા લોકોને પોતાના જેવા બનાવવા માટે હર-હંમેશ કાર્યરત રહે છે, અને બાતીલની તબ્લીગાત એટલે કે તેને ફેલાવવામાં આગળ વધીને હિસ્સો લેતા હોય છે. અને દરેક કાચના તરાશેલા પથ્થરોને હિરા સાબીત કરવા માટે પોતાનું બધુ જોર લગાવે છે પરંતુ જેમ જંગલના એ ભુલાએલાને તે રસ્તા પર ક્યારેય મંઝીલ નસીબ થતી નથી અને ગભરાટ તથા પરેશાની સિવાય તેમના હાથમાં કાંઇ આવતું નથી. તેવી જ રીતે શરૂઆતમાં જેમનો ઝીક્ર કર્યો તેવા લોકો પણ હકીકત અને હકકથી દુર થતા જાય છે.

જરા જુઓ ! કે ઇબ્ને ખલદુન કે જે ઇતિહાસકાર છે, તેણે ઇમામ મહદી(અ.ત.ફ.શ.)ના વિષે એટલા માટે વાંધો ઉઠાવ્યો છે કે આપ(અ.સ.)નો ઝીક્ર સહીહ બુખારીમાં જોવા મળતો નથી, જ્યારે કે રીસાલતે મઆબ(સ.અ.વ.)ની ભવિષ્યવાણી પર તમામ ઇસ્લામી ફીરકા એ વાત ઉપર એક મત છે કે આપ(સ.અ.વ.)ના બાર જાનશીન હશે અને બધા ઔલાદે ફાતેમા(સ.અ.)માંથી હશે અને બારમાં જાનશીન ઇમામ મહદી(અ.સ.) હશે, જે દુનિયાને અદલો ઇન્સાફથી ભરી દેશે, જેવી રીતે દુનિયા ઝુલ્મો જૌરથી ભરેલી હશે. એવીજ રીતે આખરી ઝમાનાની બીજી પણ નિશાનીઓ આપ હઝરત(સ.અ.વ.) બયાન ફરમાવી છે. જલાલુદ્દીન સીયુતીએ તો આ ભવિષ્યવાણી પર કમાલ જ કરી દીધી. જલાલુદ્દીન સીયુતીએ લખ્યું છે કે બાર જાનશીન પૈગંબરે ઇસ્લામના વખતના ચાર ખલીફાઓ છે, ચાર બની ઉમય્યાથી છે અને બે બની અબ્બાસથી છે, જ્યારે કે બે ખલીફા વિષે જ્ઞાન નથી એટલે કે જાણકારી નથી. જ્યારે બારમાં જાનશીન પૈદા થશે ત્યારે તે આખર ઝમાનો હશે અને તે દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરી દેશે અને બીજી એક મશહુર હદીસ કે જેની પર તમામ મુસલમાનો એક મત છે કે “જે પોતાના ઝમાનાના ઇમામને ઓળખ્યા વગર મરી જાય તો તે જહાલતની (કુફ્રની) મૌતે મરશે. આવી હદીસોનો ઇન્કાર કરવો એ બહુ જ મુશ્કીલ કામ છે, જેને આપણે અટકળ લગાવવી એવું કહીએ છે અને તે શક્ય છે અને આસાન રસ્તો પણ છે અથવા કમસે કમ બાતીલને હકક સાબીત કરવા માટે જોર જોરથી ઢોલ તો વગાડી જ શકાય છે, જેથી તે શોર અને અવાજમાં કોઇ મઝલુમની ફરીયાદ ન સંભળાય, જે કહે છે “કયાં છે એ ફરઝંદે રસુલ કે જે ઝુલ્મો જૌરને જડથી ઉખાડી ફેકી દેશે. એટલા માટે કે આવી નાલાઓ ફરીયાદ આખરી ઝમાનાના સીતમ  સહન કરવાવાળા અને ઝુલ્મ સહન કરવાવાળાઓના સરપરસ્ત હુજ્જત ઇબ્ને હસનના વજુદે અકદસની સાબિતી અને ઠેકાણું આપે છે. એટલુ જ નહિં પરંતુ “કદ તબય્યનર રૂશ્દો મેનલ ગય્યે ની તફસીર પણ બયાન કરે છે પણ અફસોસ એ વાતનો છે કે દુશ્મનોથી લાપરવાહી એ પોતાના લોકો વચ્ચે પણ શક જેવી વસ્તુને જન્મ આપે છે.

દિલના અરીસા પર પડેલી આવી શકોની ધૂળ સાફ કરવા માટે અને એઅતેરાઝ કરવાવાળા લોકોના સવાલોના જવાબ આપવા માટે આવી કિતાબ લખવાની જરૂરતને પુરી કરવાની કોશીશ કરવામાં આવી છે, જેથી હુજ્જત તમામ થઇ જાય અને ઝમાનાનો ફીત્નો કે જયાં ઝગડો-ફસાદ-નગ્નતાની આંધીઓ એક સાથે ચાલી રહી છે, તેવી પરિસ્થિતીમાં પાક દામન રહેવા અને પોતાના નફસને બચાવી રાખવા માટે મદદગાર સાબિત થાય અને રહેબરે હકીકી જે ઇમામે વક્ત છે, એમની મારેફતમાં કમી ન આવે.

આ દુનિયાની ઝીંદગી થોડાક દિવસની છે અને પોતાના મહિના અને વર્ષો પસાર કરીને ખત્મ થઇ જશે પરંતુ આખેરતમાં તેમાં કરેલા આઅમાલનો હિસાબ થશે, જેમાં કોઇ બચવાનું નથી. અને યકીનન ભલાઇ તો એની સાથે જ હશે કે જેના માથા પર બકીય્યતુલ્લાહ(અ.ત.ફ.શ.)ની ખુશ્નુદીની ચાદર હશે.

એ અલ્લાહ તબારક વ તઆલા ! એ ઝાત કે જે તારી આખરી હુજ્જત છે, તેની પર અમારા ઇમાન અને યકીનને આખરી શ્ર્વાસ સુધી કાયમ રાખજે. આમીન સુમ્મ આમીન.

સવાલ : ૧  અકીદએ ઇમામ મહદી(અ.સ.)થી મુરાદ શું છે ? અને તેની શરૂઆત કયારથી થઇ ?

જવાબ : ૧  મુશરીકો, યહુદીઓ, ઇસાઇઓ, મજુસીઓ, મુસલમાનો અને બીજા ધર્મોમાં ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહુરના અકીદાનું વર્ણન એ અર્થમાં જોવા મળે છે કે છેલ્લા ઝમાનામાં એક ઇસ્લાહ (સુધારણા) કરવાવાળો ઝુહુર કરશે, જે ઝુલ્મ, ખયાનત, ભેદભાવ, જેવી બીજી બધી ખરાબીઓ અને ઉણપોને ઇન્સાનની વચ્ચેથી દૂર કરી દેશે.

હા, હઝરત ઇમામ મહદી(અ.સ.)નો અકીદો ફક્ત ઇસ્લામી અકીદો જ નથી, પરંતુ તે ઉચ્ચ મકસદોની પૂર્ણતા, ઇન્સાનની આરઝુઓને પૂરી કરવા માટે, મઝલુમ અને ઝુલ્મ સહન કરનારા લોકોના દિલોની અવાજ છે કે જે દુનિયાવી અકીદાની બુનીયાદ પર પૂરી દુનિયામાં ગુંજી રહી છે. એટલા માટે સર્વ ધર્મની વચ્ચે હજારો ઇખ્તેલાફ હોવા છતા તમામ લોકોએ જાણી લીધુ છે કે એક દિવસ અલ્લાહનો વાયદો પૂરો થનાર છે અને એ શખ્સ કે જેનો વાયદો કરવામાં આવ્યો છે, તે આવીને જ રહેશે અને એના ઝુહુરથી દીને ઇલાહીનો અઝીમ મકસદ સંપૂર્ણ થશે અને ઇન્સાનીયત પોતાની પૂર્ણતાની મંઝીલ તરફ પગલા માંડશે. આથી જ હઝરત ઇમામ મહદી(અ.સ.)નો અકીદો એક સાર્વત્રિક અકીદો છે કે જેના મૂળ દરેક મઝહબમાં જોવા મળે છે.

અગર ચે કુરઆન સિવાય બીજી આસમાની કીતાબોમાં ફેરફાર થઇ ગયા છે, તેમ છતાં થોડાક વાક્યો દુનિયાના ખયાનતી હાથોથી સુરક્ષિત રહી બચી ગયા છે, જેમાં મહદીએ મવઉદ, દુનિયાના સુધારકના વિષે ખુશખબરી આપવામાં આવી છે. જો કે આ વાતો ભવિષ્યવાણીના સ્વરૂપમાં બયાન કરવામાં આવી છે અને તેના વિષે કુરઆન અને હદીસમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એના પરથી માલુમ પડે છે કે તે બાબતોનો નોત ઝબાને વહી છે અને તે ખયાનતી ઇતિહાસકારના હાથોથી સુરક્ષિત રહી છે અને એ મુતવાતીર હદીસો કે જેમાં ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહુરનો વાયદો કરવામાં આવ્યો છે, તેમાં રસુલે ખુદા(સ.અ.વ.)ની હદીસ કે જેમાં આપ હઝરત(સ.અ.વ.) ફરમાવ્યું :

અગર દુનિયાની ઉમ્રમાં એક દિવસથી પણ વધારે બાકી ન હશે (તો પણ) અલ્લાહ એ દિવસને એટલો લંબાવી દેશે કે જેથી મારી ઉમ્મત અને ખાનદાનમાંથી એક પુરૂષ કે જેનું નામ મારૂ નામ હશે અને જેની કુન્નીયત મારી કુન્નીયત હશે, તે ઝાહીર થશે અને ઝમીનને અદલો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જે રીતે તે ઝુલ્મો જૌરથી ભરેલી હશે.

સવાલ : ૨  બીજા મઝહબો અને આસમાની કીતાબોમાં ઇમામ મહદીએ મવઉદ(અ.સ.)ને કેવા બતાવવામાં આવ્યા છે ?

જવાબ : ૨  વિવિધ ધર્મો અને મઝહબોની કિતાબોમાં શોધખોળ પછી આપણે એક નકકી તારણ ઉપર પહોંચીએ છીએ કે મહદીએ મવઉદનો અકીદો ફકત મુસલમાનોથી જ મખ્સુસ નથી પરંતુ બીજા ધર્મો પણ આ અકીદા વિષે મુસલમાનોની સાથે છે, જેમકે

૧.     કીતાબે ઝીન્દ કે જે ઝરદશ્તીઓની મઝહબી કિતાબ છે, તેમાં ઝુલ્મ અને ફસાદની નાબુદી અને સાલેહીન લોકોના શાસન વિષે જોવામાં આવ્યું છે.

એહરેમનનું લશ્કર હંમેશા યઝદાનના લશ્કર સાથે જંગ માટે તૈયાર છે અને સામાન્ય રીતે કામ્યાબી એહરેમનની થાય છે, પરંતુ એવી રીતે નહિ કે યઝદાની નાબુદ થઇ જાય અને જમીન પર તેની નસ્લ બાકી ન રહે, પરંતુ તંગી અને સખ્તીના સમયે ખુદાની તરફથી યઝદાન કે જે તેની જ ઔલાદ છે, (તેને) મદદ પહોંચી જાય છે અને એમની જંગ ૯૦૦૦ વર્ષ સુધી ચાલતી રહેશે અને એ સમયે એક મોટી કામ્યાબી યઝદાનને હાંસીલ થશે અને એહરેમનના લોકો આ દુનિયાથી નાશ પામશે. તમામ ઝમીન અને આસમાનમાંથી એહરેમનનું શાસન નાશ પામશે. યઝદાનની કામ્યાબી અને એહરેમનની સંપૂર્ણ તબાહી પછી દુનિયા પોતાની સઆદત તરફ રવા-દવા થઇ જશે. અને આદમ(અ.સ.)ની ઔલાદ કામ્યાબી અને સઆદતના તખ્ત ઉપર કાયમ થશે.

જામસબનામા નામની કિતાબમાં વર્ણન થયુ છે કે,

“તાઝયાનની ઝમીનથી બનીહાશીમના વંશજ માંથી એક મર્દ ઝુહુર કરશે જેનું માથુ મોટુ, અઝીમ શરીર અને મોટી પીંડળી હશે, અને પોતાના બાપ-દાદાના મઝહબ પર હશે અને મોટા લશ્કરની સાથે ઇરાન તરફ રવાના થશે અને ઝમીનને આબાદ કરશે અને અદલો ઇન્સાફથી ભરી દેશે.

બીજી જગ્યાએ વર્ણન થયું છે કે,

“અઝીમ કામ્યાબી આપવાવાળો દીનને આ દુનિયામાં ફેલાવશે. ગરીબી અને તંગદસ્તીનું નામો નિશાન મીટાવી દેશે. યઝદાનને એહરેમનના હાથોથી નજાત અપાવશે. દુનિયાના લોકોની રીતભાત, અખ્લાક અને વિચારોમાં ક્રાંતિ લાવશે.

૨.     હિન્દુસ્તાનના પ્રમાણે “શાકમુની કિતાબમાં કે જે હિન્દુસ્તાનના હિન્દુઓના ઋષીમુનીઓમાંથી છે અને તેને માનવાવાળાના અકીદાના પ્રમાણે તે પોતે પયગંબર અને આસમાનની કીતાબના લાવનાર છે, તે દુનિયાના રૂહાની (આધ્યાત્મીક) પેશવા (લીડર) અને પરચમ લહેરાવનારનાં બારામાં કહે છે કે :

“તે ઝમાનામાં એક જ ધર્મ હશે. (બાદશાહની અને દુનિયાની હુકુમત અને સલ્તનત બન્ને જહાનનાં સરદારના પુત્ર જમન્દકશક પર આવી ખત્મ થશે) તે પૂર્વ અને પશ્ર્ચિમના પહાડોને આજ્ઞા આપશે અને વાદળાઓ પર સવારી કરશે, ફરીશ્તાઓ તેના નોકર હશે, જીન્નાત અને ઇન્સાનો તેના ખીદમત કરવાવાળા હશે. સુદાન જે અક્ષાંશના નીચે છે અને અર્ઝે તીસઇન જે દક્ષિણ દિશામાં નીચેની બાજુએ છે અને દરીયાના પેલે પાર પણ તેની હુકુમત હશે અને અલ્લાહનો દીન એક જ દીન થઇ જશે અને તે દીન જીવંત અને હર હંમેશ માટે થઇ જશે. તમામ દુનિયા પર લાએલાહા ઇલ્લલ્લાહનો પરચમ લહેરાશે અને લોકો અલ્લાહની મારેફતથી સંપૂર્ણ થશે

(અદયાન વ મહદવીયત અઝ મોહંમદ બહેશ્તી પેજ ૧૮)

અને પુસ્તક “વેદ જે હિન્દુઓના પ્રમાણે એક આસમાની પુસ્તક માનવામાં આવે છે, તેમાં કહેવામાં આવ્યુ છે :

“દુનિયાની તબાહી અને બરબાદી પછી છેલ્લા ઝમાનામાં એક બાદશાહ ઝાહીર થશે, જે આખા બ્રહ્માંડના બધા જ લોકોનો સરદાર હશે અને તેનું નામ “મન્સુર હશે. તે આખા બ્રહ્માંડ પર હુકુમત કરશે, અને આખી દુનિયાના લોકોને એક જ ધર્મ ઉપર કરી દેશે. આસ્તીકો અને નાસ્તીકોમાં દરેક માણસને તે ઓળખતા હશે. ઇશ્ર્વર જે ઇચ્છશે તે પ્રમાણે તે કરશે.

૩.     ખ્રિસ્તીઓની કીતાબ (પુસ્તક) માં છે :

“પોતાની કમર બાંધીને પોતાના દીવાઓ સળગાવી રાખો અને તમો એ લોકોમાં થઇ જાઓ કે જેઓ પોતાના પેશ્વા (આકા)ની રાહ જુએ છે (ઇન્તેઝાર કરી રહ્યા છે) કે જ્યારે બારાત (જાન) લઇને પાછા ફરશે. જેથી જ્યારે પણ આવે અને દરવાજો ખટખટાવે તો તરત જ દરવાજો ખોલી નાખો. મુબારક બાદ થાય એ લોકોને કે જ્યારે તે આવશે તો તેઓ જાગૃત અવસ્થામાં હશે. . . . . તો પછી તમો પણ તૈયાર રહો – એટલા માટે કે તે એવા સમયે આવશે જેનું તમોને ગુમાન પણ નહિ હોય.

(ઇન્જીલ લોકા – ફસ્લ ૧૨ હીન્દ હાઇ ૩૫-૩૬)

૪.    યહુદીઓની કિતાબ તૌરેતમાં છે :

“દાણામાંથી છોડ નીકળી આવ્યો છે, અને ડાળીઓ તેના મૂળમાંથી નીકળવાવાળી છે અને અલ્લાહની કુદરત તેના પર ફેલાએલી હશે . . . . . ગરીબોના સાથે અદલ અને ઇન્સાફ કરશે અને જેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોય તેના માટે ઝમીન પર હક સાથે ફેસલો (ન્યાય) કરશે. બકરી – વાઘ સાથે ઝીંદગી ગુઝારશે અને સિંહ વાઘ સાથે રહેશે. અને બધા જ જાનવર આવી રીતે એક સાથે મળી રહેશે કે એક બાળક તેમને ચલાવીને લાવશે. . . . . ઝમીનનો કોઇ પણ ભાગ (હિસ્સો) બીજા ભાગને કોઇ નુકસાન પહોંચાડશે નહિ કારણ કે ઝમીન અલ્લાહની માઅરેફતથી ભરપૂર હશે

(તૌરેત અશઅયા નબી, ભાગ-૧૧ બંદહાઇ ૧થી૧૦)

૫.    જનાબે દાઉદ અ.સ. ની કીતાબ “ઝુબુર માં છે કે :

“બુરાઇ (પાપ) અને બુરાઇ કરવાવાળા (પાપીઓ)નો અંત આવશે અને અલ્લાહ (ના હુકમ)નો ઇન્તેઝાર કરવાવાળા ઝમીનના વારીસ હશે, (ચેતી જાઓ) જાણી લો કે બુરા (ખરાબ) લોકોનો સમયગાળો ખત્મ થઇ જશે અને તેઓ પોતાની જગ્યા પર વિચાર કરશે અને તેઓ આ જગ્યાએ નહિ હોય અને ગુસ્સો પી જવાવાળા ઝમીનના વારીસ હશે . . . . . અને તે હંમેશા માટે તેઓની થઇ જશે.

સવાલ : ૩ શું કુરઆને મજીદમાં ઇમામે ઝમાના(અ.સ.)ના ઝહુર અને તેઓના વજુદ વિષે દલીલ જોવા મળે છે ?

જવાબ : ૩ ઘણા બધા એવા સવાલો છે, જેના સ્પષ્ટ ઉકેલ કુરઆને કરીમમાં નથી. જેમ કે નમાઝની રકાતો વિષે. પરંતુ આ વિષય એવા વિષયોમાંથી છે કે જેનો ઝીક્ર કુરઆને મજીદમાં મૌજુદ છે. ઘણી બધી આયતો ઇમામે ઝમાના (અ.સ.)ની હુકુમત વિષે છે, જેનો ઉલ્લેખ અમારા ઘણા બધા બુઝુર્ગોએ પોતાની ભરોસાપાત્ર કિતાબોમાં કર્યો છે. અલ્લામાં મજ્લિસી(અ.ર.)એ તેમની મહત્વની કિતાબ બેહારૂલ અન્વારમાં એક આખુ પ્રકરણ એ આયતોથી મખ્સુસ કર્યુ છે જે ઇમામે ઝમાના (અ.સ.)ના ઝહુર અને તેઓના કયામ કરવા વિષે બયાન થઇ છે. અમો અહિ નમુના રૂપે કેટલીક આયતો રજુ કરીએ છીએ.

તરજુમો : અને ખચીતજ અમોએ ઝુબુરમાં નસીહત (કર્યા) બાદ આ લખી દીધુ હતુ કે મારા નેક બંદાઓ જ તે (પૃથ્વી)ના વારીસ બનશે.

(સુ.અંબીયા આ:૧૦૫)

તરજુમો : તે (અલ્લાહ) તે જ તો છે, જેણે પોતાના રસુલને હિદાયત તથા હક ધર્મ (ઇસ્લામ) સાથે મોકલ્યો કે જેથી તે તેને સઘળા ધર્મો પર પ્રબળ કરી દે. પછી ભલેને મૂર્તિપુજકોને નાપસંદ લાગે.

(સુ. સફ આ:૯)

ઇમામે રઝા (અ.સ.)થી બયાન થયેલ રિવાયત મુજબ આ આયત ઇમામે ઝમાના (અ.સ.) વિષે છે. તેઓ એવા ઇમામ છે, જેઓને અલ્લાહ તઆલા તમામ દીનો અને તમામ મઝહબો ઉપર કામ્યાબી અતા કરશે.

તરજુમો : તે સઘળા લોકોથી કે જેઓ તમારામાંથી ઇમાન લાવ્યા છે અને સત્કાર્યો કર્યા છે, અલ્લાહે એવો વાયદો કર્યો છે કે તે તેમને અવશ્ય ભૂમીમાં વારીસ બનાવશે જેમ કે તેમની આગળના લોકોને વારીસ બનાવ્યા હતા અને તેમના દીન (ઇસ્લામ) ને કે જે તેણે તેમના માટે પસંદ કર્યો, જે તેમની ખાતર અવશ્ય મજબુત રીતે સ્થાપી દેશે અને તેમના ભયને તે પછી જરૂર શાંતીમાં બદલી નાખશે. (માટે) જોઇએ કે તેઓ મારી જ ઇબાદત કરે અને કોઇ વસ્તુને મારી શરીક બનાવે નહિ અને જે કોઇ તે બાદ પણ કુફ્ર કરશે તો બસ એ ફાસિકોમાંથી છે.

(સુ. નૂર આ:૫૫)

શૈખ તુસીની કીતાબ “ગૈબતની એક હદીસ મુજબ આ આયત મહદીએ મવઉદ અને તેઓના મદદગારો વિષે નાઝીલ થઇ છે.

તરજુમો : અને અમોએ એવો ઇરાદો કર્યો કે જેમને તે ભુમિમાં (ઝલીલ અને) કમઝોર કરી નાખવામાં આવ્યા, તેમના પર ઉપકાર કરીએ, અને તેમને આગેવાન બનાવીએ અને તેમને (સમગ્ર ભુમિના) વારીસ બનાવી દઇએ.

(સુ. કસસ આ:૫)

ગયબતે શૈખએ તુસી(અ.ર.)માં હઝરત અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.)થી હદીસ છે કે, જેમાં ઇમામ(અ.સ.) એ ફરમાવ્યું :

જે લોકોને ઝમીન ઉપર કમઝોર કરી દેવામાં આવ્યા છે, તેઓ આલે રસુલ છે. અલ્લાહ તેઓના મહદી (અ.સ.)ને પસંદ કરી લેશે, જેથી તેઓને ઇઝ્ઝતવાળા કરે અને તેઓના દુશ્મનોને ઝલીલ કરે.

તરજુમો : આ જાણી લો કે બેશક અલ્લાહ ભુમિને તેના મૃત્યુ બાદ સજીવન કરે છે, બેશક અમોએ તમારા માટે આયતો સ્પષ્ટ કરીને વર્ણવી દીધી છે કે જેથી તમે સમજો

(સુ.હદીદ આ:૧૭)

ગયબતે શૈખએ તુસી(અ.ર.)માં ઇબ્ને અબ્બાસથી રીવાયત નકલ કરે છે, જેની તફસીર કરતા તેઓએ ફરમાવ્યું : ખુદાવંદે તઆલા ઝમીનમાં ઝુલ્મ અને ફસાદ કરવાવાળાઓના લીધે મૃત્યુ પામેલ ઝમીનને કાએમે આલે મોહંમદ (અ.સ.)ના ઝુહૂર થકી સજીવન કરશે.

અલ્લામા મજલીસી(અ.ર.)એ આ વિષયમાં ૬૦ આયતો અને તેના અનુસંધાનમાં હદીસોને બયાન કરી છે, જે કોઇ ઇચ્છતા હોય કે તેનો અભ્યાસ કરે તો તેઓ કિતાબ “મહદીએ મવઉદ તરજુમાકાર અલી દવાની પાના નં ૨૪૬ થી ૨૭૨નો અભ્યાસ કરી શકે છે.

સવાલ : ૪ શું પયગંબરે અકરમ (સ.અ.વ.) અને અઇમ્માએ માસુમીન (અ.સ.)મે હઝરત ઇમામ મહદી (અ.સ.) વિષે ખબર આપી છે?

જવાબ : ૪ આ સવાલનો જવાબ એ છે કે પયગંબરે અકરમ (સ.અ.વ.) અને મઅસુમ ઇમામો (અ.મુ.સ.) તરફથી ઘણી બધી હદીસો ભરોસાપાત્ર સનદોની સાથે ઇમામે ઝમાના (અ.સ.) અને તેમના ઝુહૂર વિષે વારીદ થઇ છે. હકકના તલબગારો માટે આ હદીસોમાં કોઇ શક અથવા તેને રદ કરવા માટે કોઇ શક્યતા નથી. અમો અહી નમૂના રૂપે કેટલીક હદીસોને તેઓ બુઝુર્ગો(અ.સ.)થી રજુ કરવાની ખુશકિસ્મતી મેળવીએ છીએ.

રસુલે અકરમ(સ.અ.વ.) એ ફરમાવ્યું :

“મહદી(અ.સ.) મારા ફરઝંદોમાંથી છે. તેઓનું નામ અને તેઓની કુન્નીયત મારી કુન્નીયત હશે. પૈદાઇશ અને શારીરીક બાંધામાં મારી સાથે સૌથી વધુ મળતા આવતા હશે. તેઓની ગૈબત એ પરેશાનીઓ અને બેચૈનીઓનો ઝમાનો હશે. જેમાં ઘણા બધા લોકો ગુમરાહ થઇ જશે. તે વખતે તે સેહાબે સાકીબ (ચમકતા સૂરજ)ની જેમ આવશે અને ઝમીનને અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે એવી રીતે કે જેવી રીતે તે ઝૂલ્મો જૌરથી ભરાઇ ગઇ હશે.

(કમાલુદ્દીન વ તમામુન નેઅમા પા. ૨૮૭)

અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.) ફરમાવે છે કે :

“અમારા કાએમ માટે લાંબી ગયબત હશે. હું શીઆઓને જોઇ રહ્યો છું કે તેઓ ઉજ્જડ જગ્યાઓ (જંગલો) અને રણોમાં શોધી રહ્યા છે, પરંતુ તેઓ તેમના સુધી પહોંચી શક્તા નથી. જાણી લો!, તેઓની ગૈબતમાં જે લોકો પોતાના દીન ઉપર સાબીત કદમ રહેશે અને ગૈબત લાંબી થઇ જવા છતા તેઓનો ઇન્કાર નહિ કરે. કયામતના દિવસે તે લોકો મારી સાથે હશે. તે વખતે આપ(અ.સ.)એ ફરમાવ્યું: “જ્યારે અમારા કાએમ(અ.સ.) ઝુહૂર કરશે ત્યારે તેની ગરદન પર કોઇની બયઅત નહિ હોય. આ કારણથી તેઓની વિલાદત છુપી રહેશે અને તેઓ પોતે પણ લોકોની આંખોથી છુપા રહેશે.

જાબીર ઇબ્ને અબ્દુલ્લાહે અન્સારી હઝરત ઝહરા(સ.અ.)ની ખિદમતમાં હાજર થયા. તે વખતે હઝરત ફાતેમા ઝહરાની સામે એક તખ્તી હતી, જેમાં વસીઓના નામ લખેલા હતા. જાબીર કહે છે કે મેં તે નામોની ગણતરી કરી તો તેમાં ૧૨ નામો હતા. સૌથી છેલ્લે કાએમ(અ.સ.)નું નામ હતું અને તેમાં ત્રણ નામ મોહંમદ(સ.અ.વ.) અને ચાર નામ અલી(અ.સ.) હતા.

ઇમામ હસન (અ.સ.) ફરમાવે છે :

“શું તમે નથી જાણતા કે ઇમામોમાં કોઇ ઇમામ નથી જેમની ગરદન પર ઝમાનાના બાદશાહોમાંથી કોઇને કોઇની હુકૂમત હોય (એટલે કે ઇમામત અને ખિલાફતનો હકક ઝુલ્મ અને ગસબનાં કારણે પાયમાલ થશે) સિવાય તે કાએમ(અ.સ.)ના કે જેમની પાછળ હઝરત ઇસા ઇબ્ને મરયમ(અ.સ.) નમાઝ પડશે અને અલ્લાહ તેઓની વિલાદતને છુપી રાખશે અને તેઓના વજુદને લોકોથી તેઓના ઝૂહુર સુધી છુપુ રાખશે. જેથી કરીને તેઓની ગરદન પર કોઇની હુકુમત ન હોય. અને તે મારા ભાઇ ઇમામ હુસૈન(અ.સ.)ના નવમાં ફરઝંદ, એક આઝાદ કરેલ કનીઝે ખુદાના (ફરઝંદ) હશે. અલ્લાહ તઆલા તેની ઉમ્રને તેની ગૈબતમાં લાંબી કરશે. પછી પોતાની કુદરતથી ૪૦ વર્ષથી ઓછી ઉમરના દેખાવ સાથે તેઓને ઝાહેર કરશે, જેથી લોકો જાણી લે કે અલ્લાહ દરેક ચીઝ ઉપર કુદરત રાખે છે.

(ઇસ્બાતુલ હોદા, શૈખ હુર્રે આમેલી(અ.ર.) ભા-૫ પાના: ૧૫૫)

ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું : “મારા નવમાં ફરઝંદ હઝરત યુસુફ(અ.સ.) અને હઝરત મુસા(અ.સ.)ની સુન્નત ધરાવતા હશે અને તે અમારા એહલબૈત(અ.સ.)ના કાએમ(અ.સ.) છે. ખુદાવંદે તઆલા તેના અમ્રની ઇસ્લાહ એક રાત્રીમાં કરશે.

(કમાલુદ્દીન વ તમામુન નેઅમહ પાના: ૩૧૭)

ઇમામ સજ્જાદ(અ.સ.)એ ફરમાવ્યું “અમારા કાએમ(અ.સ.)માં નબીઓની સુન્નતમાંથી કેટલીક સુન્નતો છે. જે હઝરત આદમ(અ.સ.), હઝરત નુહ(અ.સ.), હઝરત ઇબ્રાહીમ(અ.સ.), હઝરત મુસા(અ.સ.), હઝરત ઇસા(અ.સ.), હઝરત અય્યુબ(અ.સ.) અને હઝરત મોહંમદ(સ.અ.વ.)થી છે. તે આ મુજબ છે. હઝરત આદમ(અ.સ.) અને હઝરત નુહ(અ.સ.)ની સુન્નત તેઓની લાંબી ઉમ્ર થવી તે છે. અને હ. ઇબ્રાહિમ(અ.સ.)ની સુન્નત તેઓની વિલાદતનું છુપુ હોવું તે છે. અને હ. મુસા(અ.સ.)ની સુન્નતમાં ગૈબતનો ખૌફ છે અને હ. ઇસા(અ.સ.)ની સુન્નતમાં તેઓ પછી લોકો વચ્ચે મતભેદ પૈદા થવો તે છે (જેમકે જ.ઇસા(અ.સ.)નું આસમાન પર જવા પછી થતું હતું કે કેટલાક કહેતા હતા કે તેઓ ગુજરી ગયા અને કેટલાક કહેતા હતા કે તેઓને શુળી પર ચડાવી દેવામાં આવ્યા. . . . . .) અને હ. અય્યુબ(અ.સ.)ની સુન્નતમાં તેઓ ઉપર ઇમ્તેહાન પછી શાંતી અને સુખ અને વિશાળતા થવી તે છે અને હ. મોહંમદ(સ.અ.વ.)ની સુન્નતમાં તલવાર લઇને ઝુહૂર અને ખુરૂજ કરવું તે છે.

(કમાલુદ્દીન વ તમામુન નેઅમહ પાના: ૩૨૨)

હઝરત ઇમામ મોહંમદ બાકીર (અ.સ.) એ ફરમાવ્યું : “જ્યારે દુનિયાની હાલત બદલાઇ જાય અને લોકો કહેવા લાગે કે હઝરત કાએમ (અ.સ.)નો ઇન્તેકાલ થઇ ગયો છે અથવા હલાક થઇ ગયા છે. કહેવા લાગે કે કોઇ જંગલમાં જતા રહ્યા છે અને તેઓ માટે બરબાદી ચાહનારા લોકો એમ કહેવા લાગે કે તે શખ્સ કેવી રીતે ઝૂહુર કરી શકશે કે જેના હાડકા રાખ થઇ ગયા? તમો તેઓના ઝુહુરની આશા રાખો અને જ્યારે સાંભળો કે તેઓએ ઝુહુર કર્યો છે, તો તેઓની તરફ દોડો, ભલે પછી તમારે પથ્થરનું દિલ ફાડીને પણ જવું પડે.

(કમાલુદ્દીન વ તમામુન નેઅમહ પાના: ૩૨૬)

ઇમામ સાદીક (અ.સ.) એ ફરમાવ્યું : “અમારા કાએમ (અ.સ.)માં અગાઉના પૈગંબરોની સુન્નતો તબક્કાવાર ચાલુ રહેશે અને તેઓ મારા બેટા હ. મુસા કાઝીમ(અ.સ.)ની જેમ છે અને તેઓ આઝાદ કરાયેલ કનીઝના બેટા છે. તેઓ એવી ગૈબતમાં જશે કે બાતીલ વાળાઓ શકમાં પડી જશે. પછી અલ્લાહ તઆલા તેઓને જાહેર કરશે અને પૂર્વ અને પશ્ર્ચિમ તેઓના હાથે ફત્હ કરશે. હઝરત ઇસા ઇબ્ને મરયમ(અ.સ.) આસમાનમાંથી ઝમીન ઉપર આવશે અને તેઓની પાછળ નમાઝ પડશે. અને ઝમીન તેના માલીકના નૂરથી રોશન અને પ્રકાશિત થઇ જશે. ઝમીન ઉપર જે પણ જગ્યાઓ ઉપર અલ્લાહની સિવાય કોઇની ઇબાદત થતી હશે ત્યાં ફક્ત અને ફક્ત અલ્લાહની જ ઇબાદત થશે. મુશરીકોના અણગમા છતા પણ ફકત અને ફકત અલ્લાહના દીનની બોલબાલા હશે.

ઇમામ મુસા કાઝીમ(અ.સ.)એ ફરમાવ્યું : “તે કાએમ(અ.સ.), જેઓ ઝમીનને ખુદાના દુશ્મનોથી પાક કરશે અને ઝમીનને ઇન્સાફ અને સમાનતાથી ભરી દેશે, જેવી રીતે તે ઝૂલ્મ અને જૌરથી ભરાઇ ગઇ હશે. તેઓ મારા પાંચમાં ફરઝંદ છે. તેઓ તેમની જાનના ખૌફથી લાંબી ગૈબતમાં હશે અને તે સમયમાં (એટલે કે ગૈબતના સમયમાં) કેટલાક જુથ દીનથી ફરી જશે અને કેટલાક દીન ઉપર સાબીત કદમ રહેશે. મુબારક થાય તે શીઆઓને જેઓ ગૈબતમાં અમારી વિલાયતથી જોડાએલા રહે અને અમારી દોસ્તી અને અમારા દુશ્મનોથી દુશ્મની પર બાકી રહે, તેઓ અમારાથી છે, અને અમે પણ તેઓથી છીએ. તેઓ અમારી ઇમામતથી ખુશ છે અને અમે પણ તેઓના અમારા શીઆ હોવાના કારણે ખુશ છીએ. ખુદાની કસમ! અમે તેઓની કિસ્મત પર ફખ્ર કરીએ છીએ કે તેઓ કયામતમાં અમારા દરજ્જામાં હશે.

(કમાલુદ્દીન વ તમામુન નેઅમહ પાના : ૩૪૫)

ઇમામ રેઝા(અ.સ.)એ ફરમાવ્યું : “અમારા કાએમ(અ.સ.) એ છે જે ઝુહુરના સમયે વૃધ્ધોની ઉમર અને જવાનોની સુરતમાં હશે. તે એટલા તાકતવર છે કે મોટા મોટા ઝાડની તરફ હાથ આગળ વધારશે તો તેને મૂળમાંથી ઉખાડી નાખશે. અને પહાડોની દરમ્યાન (વચ્ચે) અવાઝ બુલંદ કરશે તો પથ્થર ટુકડે ટુકડા થઇ જશે. હઝરત મુસા (અ.સ.)ની લાકડી અને હઝરત સુલેમાન (અ.સ.)ની વીંટી તેની પાસે હશે. તે મારો ચોથો ફરઝંદ છે. ખુદા જ્યાં સુધી ચાહશે તેને પરદએ ગૈબતમાં અને પોતાના હિજાબ (પરદા)માં રાખશે, પછી જાહેર કરશે અને ઝમીનને ન્યાય અને સમાનતાથી ભરી દેશે. જેવી રીતે તે ઝુલ્મો જૌરથી ભરાઇ ગઇ હશે.

(કમાલુદ્દીન વ તમામુન નેઅમહ પાના : ૩૭૬)

ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)એ ફરમાવ્યું : “અમારા કાએમ(અ.સ.) તે જ મહદીએ મવઉદ છે, તેની ગૈબતમાં તેનો ઇન્તેઝાર કરવો વાજીબ છે અને ઝૂહુરના સમયે તેની ઇતાઅત વાજીબ હશે. તે મારો ત્રીજો ફરઝંદ છે. તે ખુદાની કસમ! જેણે હઝરત મોહંમદ(સ.અ.વ.)ને નબી બનાવીને મોકલ્યા અને અમોને ઇમામત માટે પસંદ કર્યા,  અગર આ દુનિયાની ઉમ્ર ફક્ત એક દિવસ બાકી રહે, તો પણ અલ્લાહ તઆલા તે દિવસને એટલો લાંબો કરશે, જેથી અમારા કાએમ(અ.સ.) તે દિવસે ઝુહૂર કરી, તે ઝુહૂર થકી ઝમીનને અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે, બિલકુલ તેવી જ રીતે જેવી રીતે ઝમીન ઝૂલ્મ અને જૌરથી ભરાઇ ગઇ હશે.

(કમાલુદ્દીન વ તમામુન નેઅમહ પાના: ૩૭૭)

ઇમામ અલી નકી (અ.સ.) એ ફરમાવ્યું : “બેશક! મારા પછી ઇમામ મારા ફરઝંદ હસન(અ.સ.) હશે અને તેના પછી તેના ફરઝંદ કાએમ(અ.સ.) ઇમામ હશે. તે ઝમીનને ન્યાય અને સમાનતાથી ભરી દેશે જેવી રીતે તે ઝૂલ્મ અને જૌરથી ભરાઇ ગઇ હશે.

(કમાલુદ્દીન વ તમામુન નેઅમહ પાના: ૩૮૩ હ. ૧૦)

ઇમામ હસન અસ્કરી(અ.સ.)એ ફરમાવ્યું : “અય લોકો! હું તમને જોઇ રહ્યો છું કે મારા પછી મારા જાનશીન વિષે તમે ઇખ્તેલાફ કરશો. જાણી લો, કે જે શખ્સ પૈગંબર(સ.અ.વ.) પછી ઇમામોની ઇમામતનો અકીદો રાખતો હોય અને મારા ફરઝંદનો ઇન્કાર કરે તે એવો છે જેવી રીતે કોઇ શખ્સ તમામ નબીઓને માને પરંતુ પૈગંબરે અકરમ(સ.અ.વ.)ની નબુવ્વતનો ઇન્કાર કરતો હોય. જ્યારે કે કોઇ રસુલે ખુદા(સ.અ.વ.)ને ન માનતો હોય તો હકીકતમાં તેણે તમામ અંબીયાઓનો ઇન્કાર કર્યો છે. કારણ કે અમારા આખરી વ્યક્તિ (ઇમામ)ની ઇતાઅત એ પહેલા વ્યક્તિ (ઇમામ)ની ઇતાઅતની જેમ જ છે. અને જે શખ્સ અમારા પહેલા મઅસુમનો ઇન્કાર કરશે તો જાણે કે તેણે અમારા આખરી મઅસુમનો ઇન્કાર કર્યો છે.

(મહદીએ મવઉદ તરજુમો અલી દવાની પાના: ૩૯૧)

સવાલ : ૫ શું એહલે સુન્નતની કિતાબોમાં ઇમામે ઝમાના(અ.સ.)નો વુજુદ, ઝૂહુર અને સિરત વિષે હદીસો બયાન થઇ છે?

જવાબ : ૫ જો કે શીઆઓની કિતાબમાં મહદીએ મવઉદ (અ.સ.)નો ઝિક્ર મોટી સંખ્યામાં જોવા મળે છે અને આ વિષયમાં હદીસોની સંખ્યા હજારોમાં છે. પરંતુ એહલે સુન્નતની ભરોસાપાત્ર કિતાબોમાં પણ હઝરત ઇમામ મહદી (અ.સ.) વિષે મોટી સંખ્યામાં હદીસો જોવા મળે છે.

હા, બની ઉમય્યા અને બની અબ્બાસ અને ઝાલીમ હુકુમતોના ઝૂલ્મ અને જબરદસ્તી અને ઉપરાંત તે વખતની રાજકીય હાલત અને મઝહબ પ્રત્યેના પૂર્વગ્રહ અને વિલાયત અને ઇમામત વિષે વાત કરવાનો પ્રતિબંધ હોવા છતા પણ એહલે સુન્નતની ભરોસાપાત્ર અને મહત્વની કિતાબો ઇમામે ઝમાના(અ.સ.)ના ઝિક્રથી ખાલી નથી. અહિં કેટલાક ઉદાહરણ ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.

હોઝૈફા કહે છે કે, રસુલે ખુદા(સ.અ.વ.) ખુત્બો આપી રહયા હતા, ખુત્બામાં આગળ બનનાર બનાવો વિષે વાત કરી રહ્યા હતા ત્યારે ફરમાવ્યું :

“અગર દુનિયાની ઉમ્ર એક દિવસથી વધારે બાકી ન રહે તો પણ અલ્લાહ તે દિવસને એટલો લાંબો કરશે કે મારા ફરઝંદોમાંથી એક ફરઝંદ કે જેનું નામ મારા નામથી અને જેની કુન્નીયત મારી કુન્નીયત પર હશે. તે કયામ કરશે. સલમાન ફારસી(અ.ર.)એ અર્ઝ કરી યા રસુલુલ્લાહ(સ.અ.વ.) કયા ફરઝંદથી હશે? પૈગંબરે ઇસ્લામ(સ.અ.વ.) એ જવાબ આપ્યો “આ ફરઝંદથી અને પોતાનો હાથ ઇમામ હુસૈન (અ.સ.)ના ખભા ઉપર મુકી દીધો.

(ફરાએદુસ્સીમતૈન મોહંમદ જોવયની ખુરાસાની ભા-૨ પાના: ૩૨૫, યનાબીઉલ મવદ્દહ ભાગ-૩ પાના: ૧૬૩)

અને અબ્દુલ્લાહ ઇબ્ને મસઉદ કહે છે કે પૈગંબરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું કે

“અગર દુનિયાની ઉમ્રમાં એક દિવસથી વધારે બાકી ન હોય તો ખુદા વન્દે તઆલા તે દિવસને એટલો લાંબો કરશે કે જેથી મારી ઉમ્મત અને મારી એહલેબૈતમાંથી એક શખ્સ કયામ કરશે. તેનું નામ મારા નામ ઉપર હશે અને તેની કુન્નીયત મારી કુન્નીયત પર હશે. તે ઝમીનને અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે જ્યારે કે તે ઝુલ્મ અને ફસાદથી ભરાઇ ગઇ હશે.

(ફોસુલુલ મોહીમ્મા, ઇબ્ને સબ્બાગ, પાના: ૨૯૪)

અને પૈગંબરે અકરમ (સ.અ.વ.) થી જ હદીસ બયાન થઇ છે કે આપે ફરમાવ્યું :

“મહદીએ મવઉદ મારી ઇતરત અને હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ની ઔલાદ છે.

(ફોસુલુલ મોહીમ્મા, ઇબ્ને સબ્બાગ, પાના: ૨૯૪)

અને અબુસઇદ ખુદરીએ પૈગંબરે અકરમ (સ.અ.વ.)થી રિવાયત નકલ કરી છે કે, આં હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યું : આખરી ઝમાનામાં બાદશાહ તરફથી મારી ઉમ્મત ઉપર સખ્ત બલાઓ નાઝીલ થશે જેને ક્યારેય સાંભળી નહિં હોય, તે એવી હશે કે ઝમીનની આટલી બધી વિશાળતા હોવા છતા ઝૂલ્મ અને અત્યાચારના કારણે તે તંગ થઇ જશે. મોઅમીનોને ઝુલ્મ અને અત્યાચારથી બચવા માટે કયાંય આશરો નહિં મળે. પછી અલ્લાહ તઆલા મારા ઘરમાંથી એક મર્દને મોકલશે, જેથી તે ઝમીનને ન્યાય અને ઇન્સાફથી ભરી દે, જેવી રીતે તે ઝૂલ્મ અને અત્યાચારથી ભરાઇ ગઇ હશે. ઝમીન અને આસમાનના રહેવાવાળા તેનાથી ખુશ હશે. ઝમીન પોતાના તમામ ખઝાનાઓ તેના ઉપર કુરબાન કરી દેશે, અને આસ્માનથી મુશળધાર વરસાદ વરસશે. એવી રીતે કે મુર્દા પણ ફરીથી ઝીંદગી જીવવાની ઇચ્છા કરશે. તેઓ લોકોની વચ્ચે સાત અથવા નવ વર્ષ હુકુમત કરશે.

(અલ બયાન ફી અલામાતે આખેરૂઝ્ઝમાન, હાફીઝ ગંજી શાફેઇ, પાના: ૪૯૩)

અને રસુલે ખુદા (સ.અ.વ.)થી આ હદીસ પણ બયાન કરવામાં આવી છે કે પૈગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું:

“મારા મહદીની પેશાની (કપાળ) વિશાળ અને નાક નમણું અને સપ્રમાણ છે. ઝમીનને ન્યાય અને સમાનતાથી ભરી દેશે, જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાઇ ગઇ હશે. સાત વર્ષ સુધી હુકૂમત કરશે.

(યનાબીઉલ મવદ્દહ ભાગ: ૩, પાના: ૧૬૩ ઇબ્ને સબ્બાગે માલેકી પાના: ૨૯૩)

સવાલ : ૬ ઇતિહાસના પાલવમાં મહદવીયતનો જુઠો દાવો કરનાર લોકો કોણ છે?

જવાબ : ૬ મહદવીયત અને ગૈબી સુધારકનો અકીદો મુસલમાનોમાં એટલો મશ્હુર અને સ્વિકાર્ય છે કે, ઇતિહાસમાં ઘણા બધા લોકો મહદવીયતનો જુઠો દાવો કરતા હતા. અને કેટલાક તો દાવો નહોતા કરતા પરંતુ લોકોની તરફથી જેહાલત (અજ્ઞાનતા) અને નાદાની અથવા કોઇ ગરજ અને જરૂરતના આઘાર પર લોકો તેઓને  મહદીએ મવઉદ તરીકે ગણતા હતા. અને મહદવીયત તેઓના ઉપર ઠોકી દેતા હતા.  ઈતિહાસના પાલવમાંથી મહદવીયતનો જુઠો દાવો કરનાર કેટલાક નામ આપ લોકોની ખિદમતમાં રજુ કરીએ છીએ.

અબુ મોહંમદ અબ્દુલ્લાહ મહદી : આફ્રિકામાં યહુદીઓની સાથે કાવત્રુ કરે છે અને શરૂ શરૂમાં પરહેઝગારી અને તકવાનો ઢોંગ આચરે છે. આ જુઠ્ઠો મહદી મુકતફી  અબ્બાસીના સમયમાં થઇ ગયો અને તેણે ઘણી બધી જંગો લડી. અને હિ. સ. ર૮૦ માં પોતાના માનવા વાળાઓને પશ્ર્ચિમ તરફ મોકલ્યા અને જયારે તે યમન પહોંચ્યો, તો મહદવીયતનો દાવો કર્યો. અને પોતાનો લકબ “કાએમ રાખ્યો. અને હુજજતુલ્લ્ાાહના નામથી સિકકા ઢાળ્યા. અને ર૯૭ (હિ.સ.)માં જુમ્આના દિવસે પોતાની જાતને મહદી તરીકે ઓળખાવી. અને અમીરૂલ મોઅમેનીનનો લકબ પોતાના માટે ચુંટી કાઢયો. અને હિ.સ. ૩૪૪ માં તે જહન્નમ વાસીલ થયો. આ જુઠ્ઠા મહદીના માનવાવાળા આફ્રીકામાં બહુ જ લોકો મૌજુદ છે અને આ રીતે તેણે ખુબ જ નામના મેળવી.

અબુ મુસ્લીમ ખુરાસાની, ઇબ્ને મકનઅ, હાકીમ બેઅમરીલ્લાહ સૈયદ મોહંમદ મશહદી મુસા કરદી, અબુલ કેરામ દારાની શૈખ અલવી, અબ્દુલ્લાહ અહદી, અને બીજા ઘણા બધા લોકોએ મહદવીય્યતનો દાવો કર્યો છે. વિગતવાર માહિતી જાણવા માટે ઇતિહાસની કિતાબોનો અભ્યાસ કરવા વિનંતી.

સવાલ : ૭ શા માટે ઇમામે ઝમાના (અ.સ.)નું નામ જ્યારે કાએમ (અ.સ.) લેવામાં આવે છે તો તમામ એહલેબૈત (અ.સ.)ના શીઆઓ ઉભા થઇ જાય છે ?

જવાબ : ૭ શાઅબાનુલ મોઅઝ્ઝમમાં શીઆઓની દરમિયાન જે આમાલ પડવામાં આવે છે, તેમાંથી એક આ છે કે જ્યારે ઇમામે ઝમાન (અ.ત.ફ.શ.)નું કાએમ અ.સ. નામ લેવામાં આવે છે, ત્યારે મજમામાં બેઠેલા બધા જ લોકો ઉભા થઇ જાય છે, જો કે આ શબ્દ (કાએમ અ.સ.) જ્યારે વાપરવામાં આવે ત્યારે ઉભા થઇ જવું એ વાજીબ હોવા માટે કોઇ દલીલ અમારા પાસે ન હોવા છતા મુસ્તહબ હોવા માટે કહી શકાય છે કે લોકોની દરમિયાન આ અમલ મુસ્તહબ હોવાનું જાહેર છે, તે માટે તેનો સબંધ કયાક ને કયાક દીનની સાથે છે અને હકીકતમાં આ અમલ ઇમામે ઝમાના (અ.સ.) માટે અદબ અને એહતેરામને જાહેર કરે છે.

જેમ કે રીવાયત છે કે : ખુરાસાનમાં ઇમામે રઝા (અ.સ.)ની ખિદમતમાં જ્યારે શબ્દ “કાએમ નો ઝિક્ર થયો તો ઇમામ રઝા (અ.સ.) ઉભા થઇ ગયા અને પોતાના હાથને પોતાના માથા ઉપર રાખ્યો અને ફરમાવ્યું :

તરજુમો : અય અલ્લાહ તેઓના ઝૂહુરમાં જલ્દી કર અને તેઓના ઝૂહુર અને કયામ માટે ઝમીનને તૈયાર કર.૧

(બેહારૂલ અન્વાર ભાગ ૫૧, પેજ ૩૦)

અને બીજી હદીસથી જાણવા મળે છે કે આ અમલ ઇમામે સાદીક (અ.સ.)ના ઝમાનામાં પણ મશહુર હતો. ઇમામે સાદીક (અ.સ.)ને સવાલ કરવામાં આવ્યો, શા માટે લોકો “કાએમ કહેતાની સાથે જ ઉભા થઇ જાય છે?

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

“સાહેબ અમ્ર માટે લાંબી ગૈબત હશે, કેમ કે જે પોતાના દોસ્તોથી બેહદ મદદ અને લુત્ફની સાથે પેશ આવે છે અને જે શખ્સ તેઓને આ લકબથી “જે તેમની લાંબી હુકુમતની તરફ ઇશારો કરે છે, અને ઇમામની ગૈબતની એકલતાપણામાં મોહબ્બતનો ઇઝહાર છે યાદ કરે છે, તો ઇમામે ઝમાના(અ.સ.) પણ તેનાથી મોહબ્બત અને લુત્ફનો ઇઝહાર કરે છે. કેમ કે આ હાલતમાં ઇમામ(અ.સ.) તેની તરફ મુતવજ્જેહ (લક્ષ આપે છે) થાય છે, તેથી મુનાસીબ છે કે તે ઉભો થઇને ઇમામ(અ.સ.) પ્રત્યે એહતેરામનો ઇઝહાર કરે અને તેઓના ઝુહુરમાં જલ્દી થવા માટે દુઆ કરે.

(ઇલ્ઝામુન્નાસીબ ભાગ. ૧ પા. ૨૭૧)

કેટલાક સંજોગો અને શર્તોમાં અમે કહી શકીએ છીએ કે ઉભા થવું (ઇમામનું નામ આવે ત્યારે) જરૂરી છે. જેમ કે અગર કોઇ બેઠકમાં ઇમામ (અ.સ.)નું ‘કાએમ’લકબ અથવા બીજુ કોઇ લકબ લેવામાં આવે તે વખતે બધા જ હાજર રહેનાર એહતેરામ માટે ઉભા થઇ જાય અને આ સંજોગોમાં અગર કોઇ શખ્સ કોઇ વ્યાજબી કારણ વગર પોતાની જગ્યાએથી ઉભો ન થાય તો આ કાર્ય ઇમામે ઝમાના (અ.સ.) તરફ બેધ્યાનપણું સાબીત કરે છે અને તે ઇમામે ઝમાના (અ.સ.)ની તાઅઝીમ અને એહતેરામની વિરૂધ્ધ હશે.

આયતુલ્લાહ સૈયદ મહમુદ તાલેકાની(ર.અ.) ફરમાવે છે : કદાચ ઉભા થઇ જવાનો હુકમ ફક્ત એહતેરામ માટે હોય. નહિં તો અલ્લાહ અને રસુલ અને બીજા અઇમ્માહ(અ.સ.)નું પણ નામ લેવામાં આવે તો ઉભા થઇ જઇને એહતેરામ જરૂરી હોત. પરંતુ (ઇમામે ઝમાના(અ.સ.) માટે ખાસ ઉભા થઇ જવું તે) તૈયાર રહેવાનો હૂકમ, સમગ્ર દૂનિયામાં પરિવર્તન (ઇન્કેલાબ) માટે પગલા લેવા માટેની તૈયારી, ઇમામ (અ.સ.)ની મદદ કરવા માટે તેઓની હરોળોમાં ઉભા રહેવાની ઇચ્છા વ્યકત કરવી, આ બધી બાબતોનો ઇઝહાર કરવો તે જ તેની હકીકત  છે. અને આ મુસીબતો, બની ઉમય્યાની હુકુમતોની ઝીલ્લત અને રૂસ્વાઇની શરૂઆતથી, વંશીય લડાઇઓ અને બેરહેમ હુમલાઓથી, બાતીલ હુકુમતો એક પછી એક લોકો ઉપર થોપી દેવામાં આવતી હતી. પરંતુ આજે તેઓના પગલાના નિશાન પણ બાકી નથી. પરંતુ જે દીન જેનો હુકમ દીનના સાચા હાદીઓ આપે છે, જ્યારે ઇલાહી હુકુમતના પાયારૂપ ઇમામનું નામ “કાએમ(અ.સ.) લેવામાં આવે તો ઉભા થઇને તેઓના હુકમો પર પોતાની હાજરીને જાહેર કરો અને હંમેશા પોતાને તાકતવર બતાવો.

(“ખુરશીદે મગંરીબ લે. મો. રેઝા હકીમી પા. ૨૬૪)

સવાલ :૮ અંબીયા(અ.સ.) અને ઇમામે ઝમાના(અ.સ.) માં કઇ કઇ સરખામણીઓ જોવા મળે છે?

જવાબ : ૮ આ પ્રશ્ર્નના જવાબ માટે અઇમ્મા(અ.સ.)ની કેટલીક હદીસો રજુ કરીએ છીએ.

ઇમામ ઝૈનુલ આબેદીન(અ.સ.)એ ફરમાવ્યું :

“અમારા કાએમ(અ.સ.)માં અંબીયા(અ.સ.)ની સુન્નતોમાંથી કેટલીક સુન્નતો જોવા મળે છે. એક સુન્નત હ. આદમ(અ.સ.)ની, અને એક હ. નુહ(અ.સ.)ની, એક હ. ઇબ્રાહીમ(અ.સ.)ની, એક હ. મુસા(અ.સ.)ની, એક હ. ઇસા(અ.સ.)ની, એક હ. અય્યુબ(અ.સ.)ની અને એક સુન્નત અમારા પૈગંબર(સ.અ.વ.)ની જોવા મળે છે. હ. આદમ(અ.સ)ની અને હ. નુહ(અ.સ.)ની સુન્નત લાંબી ઉમ્ર, હ. ઇબ્રાહિમ(અ.સ.)ની સુન્નત વિલાદતનું છુપુ હોવું અને લોકોથી દુરી ઇખ્તીયાર કરવી છે. હ. મુસા(અ.સ.)ની સુન્નત ખૌફ અને લોકોથી ગાયબ રહેવું. અને હ. ઇસા(અ.સ.)ની સુન્નત તેઓ વિષે લોકો વચ્ચે વિરોધાભાસનું હોવું. હ. અય્યુબ(અ.સ.)ની સુન્નત તકલીફો બાદ રાહત થવી અને પૈગંબર(સ.અ.વ.)ની સુન્નત તલવારની સાથે કયામ કરવું.

(કમાલુદ્દીન વ તમામુન નેઅમહ, શૈખ સદુક (અ.ર.) પેજ: ૩૨૨)

મોહંમદ બીન મુસ્લીમ કહે છે : ઇમામ મોહંમદ બાકીર (અ.સ.)ની ખીદમતમાં હાજર થવાનો શરફ હાંસીલ થયો, જેથી હું હઝરતથી કાએમે આલે મોહંમદ (અ.સ.) વિષે સવાલ કરૂ એ પહેલા કે હું સવાલ કરૂ ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

“અય મોહંમદ બીન મુસ્લીમ ! કાએમે આલે મોહંમદ (અ.સ.)માં પાંચ અંબીયા(અ.સ.)થી સરખાપણુ છે. હ. યુનુસ બીન મતા(અ.સ.), હ. યુસુફ બીન યાકુબ(અ.સ.), હ. મુસા(અ.સ.), હ. ઇસા(અ.સ.) અને મોહંમદ (સ.અ.વ.) સાથે સરખાપણુ છે. હઝરત યુનુસ(અ.સ.)થી તેઓની ગૈબતમાં જ્યારે હઝરત યુનુસ(અ.સ.) વૃધ્ધ થઇ ગયા હતા અને જવાનની સુરતમાં પાછા આવ્યા, અને હ. યુસુફ(અ.સ.) સાથે સરખાપણુ એ છે કે પોતાના અને પરાયાથી અને તેઓના ભાઇઓથી છુપાઇને રહેવું, અને આ કામ પર એઅતેરાઝ હતો જે હ. યાકુબ(અ.સ.)ની સમક્ષ આવ્યો હતો, આમ છતા પણ કે તેઓ અને તેઓના પિતા અને તેઓના ચાહવાવાળાઓ વચ્ચે બહુ જ ઓછો ગાળો હતો. હ. મુસા(અ.સ.)ની સાથે જે સરખાપણુ છે, તે એ કે લોકોથી હંમેશા ખૌફ અને લાંબી ગૈબત હોવી તે છે અને વિલાદતની ખબર જાહેર ન થવી. અને તેઓના ચાહવાવાળાઓનું છુપાઇને રહેવું, આ ઝીલ્લત અને રૂસ્વાઇના કારણે જે તેઓને મળી હતી ત્યાં સુધી કે અલ્લાહ તઆલાએ હુકમ ફરમાવ્યો અને દુશ્મનો ઉપર કામ્યાબી અતા કરી. હ. ઇસા(અ.સ.)થી સરખાપણુ તે વિરોધાભાસ (ઇખ્તેલાફ) છે, જે લોકો વચ્ચે તેઓના (હ. ઇસા(અ.સ.)) વિષે થયો હતો. કેમ કે એક જુથ કહેતું હતુ કે તે પૈદા નથી થયા અને કેટલાક લોકો કહેતા હતા કે તેઓ ઇન્તેકાલ કરી ગયા છે, અને કેટલાક લોકો કહેતા હતા કે તેઓને કત્લ કરી નાખવામાં આવ્યા અને તેઓને સુળી ઉપર ચડાવી દેવામાં આવ્યા. અને અમારા જદ્દે અમજદની સાથે સરખાપણું તલવારની સાથે કયામ કરવું, અને દીનના, અલ્લાહના, રસુલના દુશ્મનો, ઝાલીમો અને જાબીરોને કત્લ કરવું તે છે. અને તલવાર થકી કામ્યાબી અને લોકોના દિલોમાં દબદબો બેસાડી દેવો તે છે. અને તેઓના ઝુહૂરની અલામતોમાંથી એક શામ તરફથી સુફયાની લશ્કરનું ખુરૂજ, અને યમનથી એક માણસનું નીકળવું, અને માહે મુબારકે રમઝાનમાં આસમાનમાંથી અવાજ થવો, અને એક પુકારવાવાળો તેઓનું અને તેઓના વાલીદે બુઝૂર્ગવારનું નામ લઇને પુકારશે.

(મહદીએ મવઉદ, તરજુમાં અલી દવાની પેજ: ૪૮૧)

સવાલ : ૯ ઇમામે ઝમાના (અ.સ.) ની ઝીંદગીનો ટુંકો એહવાલ શું છે?

જવાબ : ૯

નામ :-         મીમ હે મીમ દાલ (અ.સ.)

લકબો :- મહદીએ મવઉદ(અ.સ.), વલીએ અસ્ર(અ.સ.), સાહેબુઝ્ઝમાન(અ.સ.), કાએમ(અ.સ.)

કુન્નીયત :- અબુલ કાસીમ(અ.સ.)

વાલીદ અને વાલેદાએ મોહતરમાનું નામ :- ઇમામ હસન અસ્કરી(અ.સ.) અને જ. નરજીસ ખાતુન(સ.અ.)

વિલાદતનો સમય અને જગ્યા :- ૧૫ મી શાબાન હી.સ. ૨૫૫. સામર્રામાં પૈદા થયા અને લગભગ ૫ વર્ષ સુધી તેમના વાલીદે મોહતરમાનાં સાયામાં છુપી રીતે ઉછરતા રહ્યા.

ગૈબતે સુગરાનો સમયગાળો :-

ઇમામે હસને અસ્કરી(અ.સ.)ની શહાદત પછી ઇમામતના હોદ્દા ઉપર બીરાજ્યા. અને તે જ દિવસથી (હી.સ. ૨૬૦) માં અલ્લાહની રજાથી ગૈબતે સુગરામાં ૬૯ વર્ષ એટલે કે હી.સ. ૩૨૯ સુધી રહ્યા. અને આ સમય ગાળા દરમ્યાન તેઓના ચાર નાએબે ખાસ હતા. તેઓ ઇમામ(અ.સ.) અને લોકો વચ્ચે સંપર્ક રાખવાવાળા હતા.

ગૈબતે કુબરા :-

હિ.સ. ૩૨૯ થી ગૈબતે કુબરાનો ઝમાનો શરૂ થયો. નાએબે ખાસનો દરવાજો બંધ થઇ ગયો અને સામાન્ય નયાબતનો સમયગાળો શરૂ થઇ ગયો. અને આ સમયગાળો અત્યારે પણ ખુદાની મરઝીથી ચાલુ છે. અને જ્યારે અલ્લાહ તઆલા ચાહશે ત્યારે ઇમામ(અ.સ.)નો ઝુહુર થશે અને દુનિયાને ન્યાય અને સમાનતાથી ભરી દેશે.

સવાલ : ૧૦ ઇમામે ઝમાના(અ.સ.)ની વિલાદત થઇ ગઇ છે, તેના માટે શું દલીલ છે? શું વિલાદત પછી કોઇએ આપ(અ.ત.ફ.શ.)ને જોયા છે?

જવાબ : ૧૦ શીઆઓના અને સુન્નીઓના ઇતિહાસકારોએ ખાસ કરીને ઇમામે ઝમાના(અ.સ.) વિલાદત વિષે લખ્યું છે. ઇમામે ઝમાના(અ.સ.)ની બરકતોથી ભરેલી વિલાદત અને દુનિયામાં કદમ રાખવો એ ઇતિહાસની એક મહત્વની હકીકત છે.

જેમકે, એહલે સુન્નતના મશહુર ઇતિહાસકાર અલી ઇબ્ને હુસૈન મસ્ઉદી કહે છે કે, ૨૬૦ હી.સ. માં અબુ મોહંમદ હસન ઇબ્ને અલી ઇબ્ને મોહંમદ ઇબ્ને અલી ઇબ્ને મુસા ઇબ્ને જાફર ઇબ્ને મોહંમદ ઇબ્ને અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી(અ.સ.) મોઅતમીદ અબ્બાસીના ખીલાફતના સમયમાં ઇન્તેકાલ કરી ગયા, અને ઇન્તેકાલના સમયે તેઓ (અ.સ.)ની ઉમ્ર ૨૯ વર્ષ હતી અને તેઓ મહદી મુન્તઝરના વાલીદે બુઝુર્ગવાર છે.

અને શૈખ સુલેમાને કુન્દુઝી કહે છે કે, ભરોસાપાત્ર અને વિશ્ર્વાસપાત્ર લોકોની યકીની ખબર આ છે કે, કાએમ(અ.સ.)ની વિલાદત ૧૫ મી શાબાનની શબનાં હિ.સ. ૨૫૫ માં સામર્રામાં થઇ છે.

કેમકે, બની અબ્બાસના ખલીફાઓને ખબર હતી કે શીઆઓના બારમાં ઇમામ(અ.સ.) મહદીએ મવઉદ છે, જે ઝમીનને ન્યાય અને સમાનતાથી ભરી દેશે અને ઝૂલ્મ અને ફસાદનો ખાત્મો બોલાવી દેશે, અને એ પણ જાણતા હતા કે તેઓ ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના ફરઝંદ છે, તેથી તેઓ આ નુરને બુજાવી દેવા માટે કોશીશમાં લાગી ગયા. આ કારણે ઇમામે ઝમાના (અ.સ.) વિલાદતના પહેલા દિવસથી જ છુપી રીતે ઝીંદગી ગુઝારી રહ્યા હતા, અને લોકો સામાન્ય રીતે તેઓને જોઇ શક્તા ન હતા. પરંતુ આમ છતા પણ ઇમામ હસન અસ્કરી (અ.સ.)ના સહાબીઓમાંથી ઘણાબધા સહાબીઓ ખુશનસીબ હતા, જેઓએ ઇમામે ઝમાના (અ.સ.)ને જોયા, અને તેઓની બારગાહમાં હાજર થવાનો શરફ હાસીલ કર્યો. તેઓમાંથી કેટલાક આ પ્રમાણે છે.

(૧)   હકીમા ખાતુન ઇમામે જવાદ (અ.સ.)ના દિકરી અને દસમાં ઇમામ (અ.સ.)ના બહેન અને ઇમામ હસન અસ્કરી (અ.સ.)ના ફઇ છે. જે ઇમામે ઝમાના(અ.સ.)ની વિલાદતની રાત્રે ઇમામે ઝમાના(અ.સ.)ની ઝિયારત કરે છે, અને નસીમ અને મારીયા આ હઝરતની કનીઝો કહે છે, કે તે બાળક પૈદા થયું અને માટી પર સજ્દો કર્યો અને શહાદતની આંગળી આસમાનની તરફ બલંદ કરી અને છીંક આવી અને ફરમાવ્યું :

(ઇલ્ઝામુન્નાસીબ, શૈખ હાઐરી ભાગ-૧ પાના-૩૪૦)

(૨)   અબુ બસીર ઇમામ (અ.સ.)ના ગુલામ કહે છે : ઇમામે ઝમાના (અ.સ.)ની પાસે ગયો, જ્યારે કે તેઓ ઘોડીયામાં (ઝુલામાં) હતા, પાસે ગયો અને સલામ કરી, હઝરતે ફરમાવ્યું : “મને ઓળખ્યો? મેં કહ્યું : “હાં ! આપ મારા સૈયદ (અ.ત.ફ.શ.) અને સરદાર અને ઈમામના ફરઝંદ છો. હઝરતે ફરમાવ્યું :

“હું છેલ્લો વસી છું, મારા થકી મારા ખાનદાન અને મારા શીઆઓથી બલાઓ દુર થાય છે.

(કશફુલ ગુમ્માહ, અલ્લામાં અર્દેબેલી(અ.ર.), ભાગ-૨, પાના: ૩૪૨)

(૩)   સઅદ ઈબ્ને અબ્દુલ્લાહ કુમ્મી ઘણા બધા પત્રો લઇને લોકોની સાથે હઝરત  (અ.સ.)ની ઝિયારત માટે સામર્રા ગયા, ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની જમણી તરફ એક બાળકને જોયો, જે ચંદ્રની જેમ ચમકી રહ્યો હતો, તે લોકોએ પુછ્યું “આ કોણ છે? કહ્યું કે, “આ મહદી કાએમે આલે મોહંમદ(અ.ત.ફ.શ.) છે.

(ઇલ્ઝામુન્નાસીબ, ભાગ-૧, પાના: ૩૪૨)

(૪)  એક દીવસ ચાલીસ શિઆઓ ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની  પાસે આવ્યા અને દરખાસ્ત કરી કે, “આપની પછી હુજ્જતે ખુદા કોણ છે તે બતાવો? અને ઇમામ (અ.સ.)એ બોલાવ્યા અને તેઓ એક ફરઝંદને કે જે પૂનમનાં ચાંદની જેમ (ચૌદવીનાં ચાંદની જેમ) પોતાના પિતાના ઓરડામાંથી બહાર આવતા જોયા. ઇમામ હસન અસ્કરી (અ.સ.) એ ફરમાવ્યું : “મારા પછી આ ફરઝંદ તમારા ઈમામ છે. અને તમારી વચ્ચે મારો જાનશીન અને ખલીફા છે. તેના હુકમને બજાવી લાવો, અને તેની ઈમામતથી જુદા ન થજો, નહીં તો હલાક થઇ જશો, અને તમારો દીન બરબાદ થઇ જશે. અને આ પણ જાણી લો કે, આજ પછી તમે આમને જોઇ નહીં શકો, ત્યાં સુધી કે એક લાંબી મુદ્દત પસાર થઇ જશે. તેથી તેના નાએબ ઉસ્માન બીન સઇદની ઇતાઅત કરો.

(ઇલ્ઝામુન્નાસીબ, ભાગ-૧, પાના: ૩૪૧)

(પ)  અબુ સહલ નવબખ્તી કહે છે : ઇમામ હસન અસ્કરી(અ.સ.) એ બીમારીની હાલતમાં તે બાળકને પોતાની પાસે બોલાવ્યા. મહદી(અ.સ.) તે સમયે બાળક હતા, પિતા પાસે લાવવામાં આવ્યા અને તેઓએ પિતાને સલામ કરી. મે તેઓને જોયા, ઘઉંવર્ણો વાન, ઘુઘરીયા વાળ અને દાંત પહોળા હતા.

ઇમામ હસન અસ્કરી (અ.સ.) એ “યા સય્યદી અહલબૈતી કહીને બોલાવ્યા એટલે કે “અય અમારા ઘરના સૈયદ અને સરદાર પછી ઇમામ હસન અસ્કરી (અ.સ.)એ ફરમાવ્યું ઉકાળેલી દવા પીવડાવવામાં મારી મદદ કરો અને તેઓએ તેમજ કર્યુ. પછી હઝરતે ઇમામ અસ્કરી(અ.સ.)એ વઝુ કર્યુ તે વખતે ઇમામ હસન અસ્કરી(અ.સ.)એ તેઓને ફરમાવ્યું : “અય બેટા ! તમે મહદી(અ.ત.ફ.શ.) છો અને તમે ઝમીન પર ખુદાની હુજ્જત છો.

(ઇલ્ઝામુન્નાસીબ, ભાગ-૧, પાના: ૩૪૧)

સવાલ : ૧૧ ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) એ પોતાના પિતાની શહાદત પછી દુશ્મનોની મોટી સંખ્યા હોવા છતા પોતાને શા માટે જાહેર કર્યા?

જવાબ : ૧૧ આ વાત બયાન થઇ ચુકી છે કે ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ની ઝીંદગીની ખાસ શરતોના કારણે કેટલાક મુખ્લીસ મોઅમીનોની સિવાય કોઇએ ઇમામ(અ.સ.)ને નહોતા જોયા. સમય પસાર થતો ગયો, અહિ સુધી કે ઇમામ હસન અસ્કરી(અ.સ.)ની શહાદતનો દિવસ ૮ રબીઉલ અવ્વલ હિ. સ. ૨૬૦ આવ્યો. એ દિવસે કેટલાક એવા પ્રસંગ બને છે કે જેના કારણે ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) પોતાની જાતને કેટલાક લોકોને દેખાડે છે, અને આમા તે લોકોને પણ ઝિયારત કરાવી જે ઇમામ(અ.સ.)ની કફન દફનની ક્રિયામાં શીરકત કરવા આવ્યા હતા.

(૧)   ઇમામ(અ.સ.)ની નમાઝે જનાઝા ઇમામ(અ.સ.) સિવાય બીજુ કોઇ પઢાવી શક્તુ નથી. ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) માટે ખુદાની આ સુન્નત અને ખુદાના આ રાઝને બાકી રાખવા માટે જરૂરી હતું કે ઇમામ(અ.ત.ફ.શ.) ઝાહેર થઇને પોતાના વાલીદે બુઝુર્ગવારની નમાઝે જનાઝા પઢાવે.

(૨)   આ બાબતને રોકવા માટે કે ખલીફાની તરફથી કોઇ આવે અને અગીયારમાં ઇમામ(અ.સ.)ની નમાઝે જનાઝા પઢાવે અને પછી ઇમામતનો સીલસીલો ખત્મ થવાનું એલાન કરી દેવામાં આવે અને ઝાલીમ અને જાબીર અબ્બાસી ખલીફા શીઆઓના ઇમામ હોવાનું જાહેર કરે. તેથી ઇમામ(અ.સ.) એ પોતાની જાતને ઝાહેર કર્યા

(૩)   ઇમામતના સીલસીલા માટે આંતરીક બળવાને રોકવા માટે. કારણ કે જાઅફર બીન અલી અલ હાદી(અ.સ.) જે જાઅફરે કઝ્ઝાબ અને જાઅફરેે તવ્વાબના નામથી જાણીતા છે, જેઓ ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના ભાઇ હતા. તે ઇમામતના દાવેદાર બનવા ઇચ્છતા હતા. તેથી  ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)એ ઝાહેર થઇને બધાજ મનસુબાઓ પર પાણી ફેરવી દીધુ, અને પોતાના વાલીદે બુઝુર્ગવારની નમાઝે જનાઝા પઢાવી.

(૪)  ઇમામત અને સાચી વિલાયતને બાકી રાખવા માટે, મહોર મારવા માટે ઝાહેર થયા. જેથી ઇમામત પર અકીદો રાખવાવાળા માટે આ સાબીત થઇ જાય કે ઇમામ હસન અસ્કરી(અ.સ.)ની શહાદત પછીના ઇમામ એટલે કે બારમાં ઇમામ(અ.ત.ફ.શ.) આ રૂહાની વારસાના અલમબરદાર અને રીસાલતે ઇસ્લામી અને દીની તથા દુન્યવી વિલાયતના વારસદાર છે અને આ દુનિયામાં આવી ચુક્યા છે.

(ખુરશીદે મગરીબ લે. મો. રેઝા હકીમી, પા. ૨૪)

હા, એ વખતે અબ્બાસીઓને આ વાતની ખબર પડી ગઇ કે જાબીરોની ગરદનોને તોડનારો અને મઝલુમોના ખુનનો બદલો લેવાવાળો પૈદા થઇ ચુક્યો છે.

સવાલ : ૧૨ ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની વિલાદતનો અહેવાલ અને હાલાત શું હતા?

જવાબ : ૧૨ હકીમા ખાતુન ઇમામે જવાદ (અ.સ.)ના દુખ્તરે નેક અખ્તર અને ઇમામ હસન અસ્કરી (અ.સ.)ના ફુઇ ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની વિલાદતનો હાલ અને બનાવ આ રીતે બયાન કરે છે.

અબુ મોહંમદ ઇમામ હસન અસ્કરી (અ.સ.) એ ૧૫ શાઅબાનની શબમાં કોઇની સાથે પૈગામ મોકલાવ્યો, “ઓ મારા ફુઇ! આજની રાત આપ ઇફતાર માટે અમારી પાસે આવી જાઓ, કારણ કે આજની રાત્રે અલ્લાહ પોતાની હુજ્જતને જાહેર કરશે. હકીમા ખાતુન કહે છે કે મેં પુછ્યું : “આ બાળક કોનાથી પૈદા થશે? ઇમામ (અ.સ.) એ જવાબ આપ્યો : “નરજીસ ખાતુનથી મે અર્ઝ કરી “હું નરજીસ ખાતુનમાં હમલની અસરો જોતી નથી હઝરતે ફરમાવ્યું “જે મેં કીધુ તેવુ જ થશે હું બેઠી હતી અને નરજીસે આવીને મારા પગમાંથી પગરખા અલગ કર્યા અને ફરમાવ્યું “અય મારી શહેઝાદી આપ કેમ છો? મેં કહ્યું “આપ મારી શહેઝાદી છો, અને અમો અહલેબૈતમાંથી છો તેઓ મારી વાત સાંભળી આશ્ર્ચર્યચકિત થઇ ગયા અને નારાઝ થઇને કહેવા લાગ્યા “આ કેવી વાત છે? મે કહ્યું “આજે રાત્રે અલ્લાહ તમોને એક એવો પુત્ર અતા કરશે જે દુનિયા અને આખેરતનો સરદાર હશે. નરજીસ ખાતુન મારી વાત સાંભળીને શરમાઇ ગયા. પછી ઇફતાર પછી મેં નમાઝે ઇશા પડી અને બીસ્તર ઉપર ચાલી ગઇ. જ્યારે અડધી રાતનો કેટલોક ભાગ પસાર થઇ ગયો, હું બીસ્તર ઉપરથી ઉઠી અને નમાઝે શબમાં મશ્ગુલ થઇ ગઇ. તાઅકીબાતે નમાઝ અદા કર્યા પછી ફરીથી સુઇ ગઇ, અને બીજી વખત જ્યારે ઉઠી તો જનાબે નરજીસ ખાતુન પણ ઉઠી ગયા અને નમાઝે શબ બજાવી લાવ્યા. હું સવાર પડી કે નહિ તે જાણવા માટે ઓરડામાંથી બહાર ચાલી ગઇ. મેં જોયું કે સવાર પડી ગઇ છે અને નરજીસ સુઇ રહ્યા છે. તે સમયે મારા મગજમાં ખ્યાલ આવ્યો કે હુજ્જતે ખુદા હજુ કેમ જાહેર ન થયા? નઝદીક હતુ કે મારું કલેજુ ફાટી જાય તેટલામાં અચાનક બાજુના ઓરડામાંથી ઇમામ હસન અસ્કરી (અ.સ.)નો અવાઝ સાંભળ્યો “ઓ ફુઇ! જલ્દી ન કરો, વાયદો પુરો થવાની તૈયારીમાં જ છે હું પણ બેસી ગઇ અને સુરાએ અલીફ લામ મીમ સજ્દા અને સુરએ યાસીન પઢવા લાગી. જ્યારે હું કુરઆન પઢી રહી તે વખતે અચાનક નરજીસ ખાતુન બેચૈનીની હાલતમાં જાગી ગયા.

કેટલીક રિવાયતના આધારે જે “મુન્તહલ આઅમાલમાં પણ બયાન થઇ છે, હકીમા ખાતુન કહે છે કે, નરજીસ ખાતુન જ્યારે ઉંઘમાંથી ઉઠયા, મે તેઓને છાતીથી લગાવી લીધા અને અલ્લાહનું નામ પઢવા લાગી. ઇમામ હસન અસ્કરી(અ.સ.)એ ફરમાવ્યું “ઓ ફુઇ તેઓ માટે સુરએ કદ્રની તિલાવત કરો મેં તે સુરાની તિલાવત કરી અને નરજીસ ખાતુનને પુછ્યું, તમારી હાલત કેવી છે, તેણીએ જવાબ આપ્યો “આપના મૌલાએ જે ફરમાવ્યું હતું તે જાહેર થઇ ગયું મેં ફરીથી સુરએ કદ્રની તિલાવત શરૂ કરી અને બાળકે પણ માતાના પેટમાં મારી સાથે સુરએ કદ્રની તિલાવત કરી, હું ડરી ગઇ.

હું જલ્દીથી તેઓની પાસે ગઇ અને પુછ્યું “શું તમે કાંઇ એહસાસ (અનુભવ) કરી રહ્યા છો? નરજીસે જવાબ આપ્યો “હા મેં કહ્યું “અલ્લાહનું નામ લો, આ તે જ સમય છે, જેનો ઉલ્લેખ મેં રાત્રીની શરૂઆતમાં કર્યો હતો, પરેશાન ન થાઓ, તમારા દિલને સંભાળો આજ સમય દરમિયાન મારી અને તેઓની વચ્ચે એક નુરનો પરદો આડે આવી ગયો. અચાનક મને ખબર પડી ગઇ કે બાળક દુનિયામાં જાહેર થઇ ચુકયુ છે. મે નરજીસ ઉપરથી કપડું હટાવ્યું, મેં જોયું કે એક બાળકે જમીન ઉપર કપાળ (સર) રાખેલ છે અને ઝીક્રે ખુદામાં મશ્ગુલ છે. જ્યારે મેં ખોળામાં લીધું તો આ બાળકને પાકો પાકીઝા જોયુ, તે સમયે ઇમામ હસન અસ્કરી(અ.સ.)ની અવાઝ આવી “અય ફુઇ, મારા બાળકને મારી પાસે લાવો હું નવજાત શીશુને હઝરતની ખિદમતમાં લઇ ગઇ, ઇમામ હસન અસ્કરી(અ.સ.)મે પોતાના ખોળામાં લીધુ, બાળકના હાથ અને આંખ ઉપર હાથ ફેરવ્યો અને જમણા કાનમાં અઝાન અને ડાબા કાનમાં એકામત પઢી અને ફરમાવ્યું “બેટા વાત કરો બસ તે બાળકે કહ્યું :

ત્યારપછી અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને બીજા ઇમામોની ગવાહી આપી, અને જ્યારે પોતાનું નામ આવ્યું તો ફરમાવ્યું :

“પરવરદિગાર! મારા વાયદાને યકીની અને મારા અમ્રને સંપૂર્ણ કરી દે, અને મને સાબિત કદમ રાખ અને જમીનને ન્યાય અને ઇન્સાફથી મારા થકી ભરી દે.

સાતમાં દિવસે જ્યારે હું ઇમામ (અ.સ.)ની ખિદમતમાં ગઇ તો આપે મને બાળક લાવવા માટે કહ્યું. હું એક કપડામાં બાળકને લપેટીને ઇમામ (અ.સ.)ની ખિદમતમાં લઇ ગઇ. ઇમામ (અ.સ.)એ તે વખતે ફરમાવ્યું “અય બેટા, મારી સાથે વાતો કરો તે વખતે તેમણે (અ.સ.) એ આ આયતની સંપૂર્ણ તિલાવત કરી.

બીજી રિવાયતોમાં આ પ્રમાણે છે કે, જ્યારે ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) પૈદા થયા ત્યારે એક નૂર પ્રકાશિત થયું. તેણે પૂરા આસમાનને ઘેરી લીધુ,અને સફેદ મુરઘાને જોયો, જે આસમાનમાંથી જમીન ઉપર આવી રહ્યો છે. અને પોતાના માથા અને પાંખને હઝરતના બદનથી સ્પર્શ કરી રહ્યો છે, અને પછી ઉડી જાય છે. પછી ઇમામ હસન અસ્કરી(અ.સ.)એ મને અવાઝ આપી, “ઓ ફુઇ, આને (બાળકને) મારી પાસે લાવો જ્યારે મેં તેઓને ખોળામાં લીધા તો તેઓને ખત્ના થએલ અને પાક અને પાકીઝા જોયા, અને જમણા હાથ ઉપર લખેલું હતું :

ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) દુનિયામાં તશ્રીફ લાવ્યા તો ઇમામ(અ.ત.ફ.શ.)થી અસંખ્ય મોઅજીઝાઓ જાહેર થયા અને આ રીતે ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)નું વજુદે મુકદ્દસ જુમ્આના દિવસે ૧૫ શાબાન હી.સ. ૨૫૫ માં દુનિયામાં જાહેર થયું.

(મુન્તહયુલ આઅમાલ, મોહદ્દીસે કુમ્મી(અ.ર.) પાના: ૨૮૫)

અને જ્યાં સુધી બીજા સવાલના જવાબનો સંબંધ છે આ સીલસીલામાં અમો કહી શકીએ છીએ કે રીવાયતોથી જાણવા મળે છે કે ઇમામ હસન અસ્કરી(અ.સ.) આ બાળકનું મહદીએ મવઉદ હોવાના કારણે બહુજ સાવચેતી રાખતા હતા. ત્યાં સુધી કે નજીકના લોકો સાથે પણ ઇશારામાં વાત કરતા હતા, જેથી કોઇ ઇમામ(અ.સ.)ની વાત સાંભળીને હાકીમે વકતને આપ(અ.સ.)ના પૈદા થવાની ખબર આપીને ખતરો પૈદા ન કરી દે.

જેમકે કિતાબે ગૈબતમાં શૈખ તુસી(અ.ર.) એ રિવાયત નક્લ કરી છે એહમદ બીન ઇસ્હાકે કુમ્મીએ ઇમામ હસન અસ્કરી(અ.સ.)ને ઇમામે ઝમાના(અ.સ.) વિષે સવાલ કર્યો, ઇમામ(અ.સ.) એ પોતાના હાથોથી ઇશારો કર્યો કે તે જીવંત અને સહી-સલામત છે.

(મહદીએ મવઉદ, તરજુમો – અલી દવાની પાના: ૩૯૩)

સવાલ: ૧૩ જનાબે નરજીસ ખાતુન(સ.અ.) અને ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) વચ્ચે શું સંબંધ છે?

જવાબ: ૧૩ જનાબે નરજીસ ખાતુન(સ.અ.) ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ના માનવંત માતા છે, અને હ. ઇસા ઇબ્ને મરીયમના હવારીઓના ઉચ્ચ ખાનદાનની ખુબસુરત મલેકા છે. અલ્લાહની કુદરતે આ અઝીમ મલેકાને ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની પત્ની બનાવીને રૂમથી સામર્રા મોકલ્યા, જેથી ચમકદાર મોતીનું વજુદ આ પાક અને પાકીઝા રહેમ (શીકમે માદર) માં પરવાન ચઢે. તેણી રૂમના બાદશાહની મોટી દીકરી હતા, અને જનાબે ઇસા (અ.સ.)ના બીલા ફસ્લ વસી શમઉનની નસ્લમાંથી છે, અને તેઓની દાસ્તાન કંઇક આવી રીતે છે. બશર ઇબ્ને સુલૈમાન, અય્યુબ અન્સારીના ફરઝંદોમાંથી અને ઇમામ હાદી(અ.સ.) તેમજ ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના મુખ્લીસ શીઆઓમાંથી હતા, અને સામર્રામાં ઇમામ હસન અસ્કરી(અ.સ.)ની પડોશનો શરફ હાસીલ હતો, તેઓ કહે છે કે “એક દિવસ ઇમામ હાદી(અ.સ.)નો એક ખાદીમ મારા ઘરે આવ્યો, અને તેણે કહ્યું : ઇમામ(અ.સ.)ને તમારૂ કામ છે. જ્યારે હું ઇમામ(અ.સ.)ની ખિદમતમાં પહોંચ્યો તો ઇમામ(અ.સ.) એ ફરમાવ્યું :

“અય બશર, તમે અન્સારની ઔલાદમાંથી છો, કે જેઓ પૈગંબર (સ.અ.વ.) જ્યારે મદીના પહોંચ્યા તો તેઓ (સ.અ.વ.)ની મદદ કરવા માટે ઉભા થયા, અને તમારી દોસ્તી અમો એહલેબૈત (અ.મુ.સ.) સાથે યકીની છે, તેથી હું તમારા ઉપર બહુજ ભરોસો કરૂ છું, અને તમને એક મંઝેલત અતા કરવા ચાહું છું, હું તમને રાઝદાર (છુપા ભેદોને છુપા રાખનાર) બનાવી રહ્યો છું, આ છુપા ભેદને તમારા સુધી જ મર્યાદીત રાખજો.

પછી એક પાકો પાકીઝા પત્ર રૂમી (રોમન) ભાષામાં તેહરીર કર્યો (લખ્યો) અને તેના ઉપર પોતાની મહોર લગાવીને બંધ કરી દીધો, અને એક પીળા રંગની થેલી, જેમાં ૨૨૫ અશરફીઓ હતી, તે બહાર કાઢી અને ફરમાવ્યું:

“આ થેલી લઇને બગદાદ જાઓ, ફલાણા દિવસે સવારે ફુરાત નદીના પુલના છેડે એક કશ્તી આવશે, તેમાં તમો ઘણા બધા કૈદીઓ (બંદીવાનો) જોશો. જેમાં (તેઓને) ખરીદવાવાળા મોટાભાગે બની અબ્બાસના શરીફ લોકો સાથે સંબંધ રાખતા હશે, અને તેઓમાં અરબ લોકો બહુજ ઓછા હશે, તે સમયે તમે ઉમર ઇબ્ને ઝૈદ નામના ગુલામ વહેંચવાવાળા ઉપર નઝર રાખજો, તમને આ સીફતોવાળી કનીઝ તેઓની વચ્ચે જોવામાં આવશે . . . . . . અય બશર, તે સમયે તમે તે વહેંચવાવાળાની પાસે જજો અને કહેજો કે હું એક બુઝુર્ગનો પત્ર રોમન ભાષામાં લાવ્યો છું, જેમાં જરૂરતની ચીઝો લખેલી છે. તે પત્ર કનીઝને આપી દો જેથી પત્ર લખવાવાળા વિષે વિચારી લે. અગર તેણે પત્ર લખવાવાળા તરફ લગાવ (રગબત) જાહેર કર્યો અને તમે પણ સંમત થઇ ગયા તો હું તેઓની વકીલાતમાં તે કનીઝને ખરીદી લઇશ.

બશર ઇબ્ને સુલૈમાન કહે છે : મેં ઇમામ અલી નકી (અ.સ.)ના હુકમ મુજબ અમલ કર્યો અને તે જ જગ્યાએ ગયો, અને ઇમામ (અ.સ.)મેં ફરમાવ્યું હતું તે મુજબ ધ્યાનથી જોયું, અને તે પત્ર તે કનીઝને સોંપી દીધો. જેવી તે કનીઝની નઝર તે પત્ર ઉપર પડી તેણી ચોધાર આંસુએ રડવા માંડી, અને ઉમર ઇબ્ને ઝૈદની તરફ જોઇને કહ્યું : મને આ પત્ર લખવાવાળાના હાથમાં વહેંચી દો, અને કસમ ખાઇને કહ્યું કે બીજી સુરતમાં હું પોતાની જાતને હલાક કરી નાખીશ.

મેં વહેંચવાવાળા સાથે કિંમત વિષે ખુબજ રકઝક કરી, ત્યાં સુધી કે તે એટલી રકમ ઉપર સંમત થઇ ગયો જે ઇમામ (અ.સ.) એ મારા હવાલે કરી હતી. મે રકમ તેને સોંપી અને તે કનીઝની સાથે જે ઘણી ખુશ હતી તે જગ્યા ઉપર આવી ગયો. જે પહેલાથી મેં બગદાદમાં લઇ રાખી હતી. આવ્યા પછી મેં જોયું કે તેણે પત્રને ઉતાવળથી પોતાના ખિસ્સામાથી કાઢીને ચુમ્યો અને પોતાની આંખોથી લગાવ્યો અને ભ્રમરો ઉપર રાખ્યો અને પોતાના શરીર અને ચહેરા પર સ્પર્શ કર્યો.

મેં કહ્યું : બહુજ આશ્ર્ચર્યજનક વાત છે કે તમો આ પત્રને ચુમી રહ્યો છો, જેના લખવાવાળાને ઓળખતા નથી તો પણ? તેણીએ કહ્યું “હું જે કહી રહી છું તેને ધ્યાનથી સાંભળો, જેથી તમોને આનું કારણ ખબર પડી જાય. હું કૈસરે રૂમના બેટા યુશાઅની પુત્રી છું. મારી માઁ હવારીઓની ઔલાદમાંથી છે, અને અમારો નસબ હ. ઇસા (અ.સ.) થી મળે છે. સાંભળો, હું તમને મારી અજીબ દાસ્તાન સંભળાવું છું.

મારા દાદા કૈસરે રૂમ ૧૩ વર્ષની ઉંમરે મારી શાદી પોતાના ભાઇના દીકરાથી કરવા ચાહતા હતા, તેઓએ ૩૦૦ નસરાની આલીમો અને ૭૦૦ આબરૂદાર સદ્-ગૃહસ્થો, બુઝુર્ગો, આગેવાનો, શરીફ લોકો અને ૪૦૦૦ અમીરો, લશ્કરના સિપાહીઓ અને મુલ્કના સરદારોને ભેગા કર્યા, અને તે સમયે ૪૦ સ્તંભને જવાહેરાતથી શણગારેલ તખ્તથી સજાવવામાં આવ્યા, અને જ્યારે તેમણે પોતાના ભાઇના દીકરાને બેસાડ્યો અને ‘બીશપ (પાદરીઓ)’ તેમજ સલીબો (ક્રોસ) ઉંચા ઠેકાણે રાખવામાં આવ્યા, અને ઇન્જીલને ખોલી. અચાનક ‘સલીબો’ અને ‘બીશપો’ ઉપરથી ઝમીન પર પડી ગયા અને તખ્તના પાયા તુટી ગયા.

મારા કાકાનો દીકરો ભાઇ બેહોશીની હાલતમાં ઝમીન ઉપર પડી ગયો. આ જોઇને પાદરીઓના ચહેરાઓનો રંગ ઉડી ગયો અને થરથર કાંપવા લાગ્યા. પાદરીઓના વડાએ જ્યારે આ જોયું તો મારા દાદાને કહેવા લાગ્યો “અય બાદશાહ, અમોને આ ખરાબ હાલતને જોવાથી માફ ફરમાવ, જે ઇસાઇ મઝહબ અને બાદશાહની પડતીની મોટી નિશાની છે.

મારા દાદાએ હાલતનો અંદાજો લગાવ્યો કે આ ખરાબ બાબત છે. પાદરીઓને હુકમ આપ્યો કે તખ્તના પાયા ફરીથી લગાવવામાં આવે અને ફરીથી સલીબોને સજાવવામાં આવે, અને ફરમાવ્યું : મારા બદબખ્ત ભાઇના બીજા દિકરાને લાવો, જેથી કોઇપણ રીતે આ છોકરીની શાદી કરી દઉ, અને આ મુબારક રિશ્તાથી તેની નહૂસત ચાલી જાય.

ફરીથી બીજી વખત એમ કરવામાં આવ્યું, તો ફરીથી પહેલાની જેમજ બન્યું. તો લોકો ભાગી ગયા, અને મારા દાદા ગમગીન હાલતમાં શયનગૃહમાં ચાલ્યા ગયા, અને પરદા પડી થયા. તે રાત્રે મેં સ્વપ્નમાં જોયું કે, હઝરત ઇસા(અ.સ.) અને હઝરત શમઉન(અ.સ.) (તેઓના વસી) અને તેઓના ફરઝંદોમાંથી કેટલાક હવારીઓ મારા દાદા કૈસરના મહેલમાં ભેગા થયા છે, અને તખ્તની જગ્યાએ નૂરનું મિમ્બર હાજર છે. જેમાંથી નૂર ચમકી રહ્યું છે. થોડીકવાર થઇ ન હતી કે મોહંમદ(સ.અ.વ.) અને તેઓના જમાઇ અને જાનશીન અને તેઓના કેટલાક ફરઝંદો કીલ્લામાં તશ્રીફ લાવ્યા. હઝરત ઇસા(અ.સ.) તેઓને સત્કારવા માટે આગળ વધ્યા, અને હઝરત મોહંમદ(સ.અ.વ.)થી ગળે મળ્યા, અને હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યું :

“અય રૂહુલ્લાહ, હું તમારા વસી શમઉનની દિકરીનું સગપણ મારા બેટાની સાથે કરવા માટે આવ્યો છું.

અને તે વખતે ઇમામ હસન અસ્કરી(અ.સ.)ની તરફ ઇશારો કર્યો. હઝરત ઇસા(અ.સ.)એ શમઉનની તરફ જોયું અને ફરમાવ્યું :

“શરાફતે તમારી તરફ નઝર કરી છે, આ મુબારક રિશ્તાને કબૂલ કરી લો

અને તેઓએ કહ્યું : “મે કબૂલ કર્યુ

તે વખતે મેં જોયુ કે, પૈગંબર(સ.અ.વ.) મિમ્બર પર તશ્રીફ લઇ ગયા, અને ખુત્બો પડ્યા, અને પોતાના પુત્રની સાથે મારી શાદી કરી દીધી, અને પછી હઝરત ઇસા (અ.સ.) અને હવારીઓને ગવાહ બનાવ્યા. જ્યારે હું સ્વપ્નમાંથી જાગી, મારી જાન જવાના ડરથી મારા પિતા અને મારા દાદાને મારા સ્વપ્નની વાત ન કરી, અને હંમેશા આ વાતના ભેદને મારા દિલમાં છુપાવી રાખ્યો.

તે રાત્રી પછી ઇમામ હસન અસ્કરી (અ.સ.) માટે બચૈન રહેતી હતી. ત્યાં સુધી કે, ખાવા પીવાનું પણ મેં છોડી દીધુ, અને ધીરે ધીરે ગમઝદા અને કમઝોર થઇ ગઇ, અને પછી બહુજ વધારે બિમાર પડી ગઇ. મારા દાદાએ બધાજ ડોકટરોને બોલાવ્યા. તમામ હકીમો અને ડોકટરો મારો ઇલાજ કરવાથી થાકી ગયા, તો મારા દાદાએ કહ્યું : અય મારી આંખોની ઠંડક, અગર તમારી કોઇ ખ્વાહીશ (ઇચ્છા) હોય તો બતાવો, જેથી તેને પૂરી કરૂ. મેં કહ્યું કે : ઓ દાદા, અગર જેલનો દરવાજો મુસલમાન કૈદીઓ માટે ખોલી દો, અને તેઓને જેલની તકલીફોથી આઝાદ કરી દયો, તો કદાચ હઝરત ઇસા(અ.સ.) અને તેઓના પવિત્ર માતા મને શિફા આપે.

મારા દાદાએ ખ્વાહીશ કબુલ કરી લીધી અને મેં પણ તંદુરસ્તી અને સારા હોવાનું જાહેર કર્યુ. અને થોડું ખાવાનું ખાધું. મારા દાદા બહુજ ખુશ થઇ ગયા, અને આ પછી મુસલમાન કૈદીઓનો ખુબ જ એહતેરામ કરતા હતા.

આ બનાવ પછી આશરે ૧૪ રાત્રીઓ પસાર થઇ હતી કે ફરીથી મેં સ્વપ્ન જોયુ કે, પૈગંબરે ઇસ્લામ(સ.અ.વ.)ની શેહઝાદી હઝરત ફાતેમા(સ.અ.), હઝરત મરયમ(સ.અ.) અને બેહીશ્તની હૂરો મારા ખબર-અંતર પૂછવા માટે તશ્રીફ લાવ્યા છે. હઝરત મરયમે મારી તરફ મોઢુ કરીને ફરમાવ્યુ : આ સય્યદતુલ નેસાઇલ આલમીન(જ. ઝહરા સ.અ.) છે અને તમારા પતિના માતા છે.

મેં તરત જ હઝરત ફાતેમા ઝહેરા(સ.અ.)નો પાલવ (દામન) પકડી લીધો અને બહુ જ રોઇ અને આ વાતની ફરીયાદ કરી કે ઇમામે હસન અસ્કરી(અ.સ.) મારી ઝીયારત માટે કેમ નથી આવતા? તેઓએ જવાબ આપ્યો :

. . . . . . અગર ચાહો છો કે તમારાથી અલ્લાહ અને હઝરત ઇસા(અ.સ.) અને જનાબે મરયમ(સ.અ.) ખુશ થાય અને ફરઝંદથી મુલાકાતની તમન્ના રાખો છો તો અલ્લાહની એકતાની ગવાહી આપો અને મારા પિતા ખાતેમુલઅંબીયા(અ.સ.)ની નબુવ્વતની ગવાહી આપો.

મેં હઝરતે ઝહેરા(સ.અ.)ના હુકમ મુજબ ગવાહી આપી. હઝરત ઝહેરા(સ.અ.)એ મને ગળે લગાડી, જે મારી શિફાનું કારણ બન્યા, અને ફરમાવ્યું :

હવે મારા બેટા હસન અસ્કરી(અ.સ.)નો ઇન્તેઝાર કરો, હું તેઓને તમારી પાસે મોકલીશ.

જ્યારે હું સ્વપ્નમાંથી ઉઠી તો મેં મારા વજુદની ઉંડાઇમાં ખુબ જ વધારે શોખનો એહસાસ કર્યો, અને હઝરતની ઝિયારતની મુશ્તાક હતી, ત્યાં સુધી કે બીજી રાત્રે મેં સ્વપ્નમાં જોયા.

તે રાત્રી પછી આજ સુધી હું દરેક રાત્રે સ્વપ્નમાં હઝરત હસન અસ્કરી(અ.સ.) થી મુલાકાત કરતી હતી. બશર ઇબ્ને સુલેમાને પુછ્યું: કૈદીઓની વચ્ચે કેવી રીતે પહોંચ્યા? જવાબ આપ્યો :

તે રાત્રીઓમાંથી એક રાત્રે હઝરત ઇમામ હસન અસ્કરી(અ.સ.)ને જોયા કે હઝરત ફરમાવી રહ્યા હતા:

“ફલાણા દિવસે તમારા દાદા કૈસર મુસલમાનો સાથે જંગ કરવા માટે લશ્કર મોકલી રહ્યા છે, તમો ખિદમત ગુઝારોના વેશમાં ધીરેથી તે કનીઝોની સાથે ફલાણા રસ્તાથી આવી શકો છો.

મેં હઝરતની ફરમાઇશ ઉપર અમલ કર્યો, મુસલમાન લશ્કરને આ વાતની અગાઉથી જાણકારી મળી ગઇ, અને તેઓએ અમોને કૈદી બનાવી લીધા, અને આ રીતે હું અહીંયા સુધી પહોંચી ગઇ.  પરંતુ અત્યાર સુધી મેં કોઇને નથી કીધુ કે હું રોમનના બાદશાહની પૌત્રી છું. ત્યાં સુધી કે તે વૃધ્ધ માણસના ભાગમાં ગનીમતના રૂપમાં આવી ગઇ. તેણે મારૂ નામ પુછ્યુ. મેં ન બતાવ્યું, અને કહ્યું કે ‘નરજીસ’, તેણે જવાબ આપ્યો, આ કનીઝોનું નામ છે.

બશરે કહ્યું : કેટલી આશ્ર્ચર્યજનક વાત છે. તમો રોમન હોવા છતા પણ તમારી બોલી અરબી છે? મે કહ્યું કે મારા દાદા એ મારી તરબીયત માટે બહુજ વધારે કોશીશ કરી અને તે ઔરતની ખીદમત મેળવી જે ઘણી ભાષાઓ જાણતી હતી, તેણી સવારથી સાંજ સુધી મારે પાસે આવતી હતી, અરબી ભાષા શીખવાડતી હતી, અને તેના લીધે હું અરબી ભાષામાં વાતચીત કરી રહી છું.

બશર કહે છે : જ્યારે હું તેઓને લઇને ઇમામ અલીનકી(અ.સ.)ની ખિદમતમાં સામર્રા ગયો, તો હઝરતે તેણીથી પુછ્યુ : ઈસ્લામની ઈઝઝત અને ઇસાઈઓ (નસારા)ની ઝીલ્લત અને અમો એહલેબૈત(અ.સ.)ના શરફને તમોએ કઇ રીતે જોયા? તેણીએ જવાબ આપ્યો : આ બાબતમાં હું શું કહુ ? તેના વિશે તમો મારાથી વધુ જાણો છો. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું : કે તમોને એક ખુશ-ખબરી સંભળાવું ? તમો આમાંથી શું પસંદ કરશો ?

તેણીએ અર્ઝ કરી મને ખુશખબરી સંભળાવો. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું : તમોને એક ફરઝંદની ખુશ-ખબરી સંભળાવું છું , જે દુનિયાના પુર્વ અને પશ્ર્ચિમ છેડા સુધીનો માલીક હશે, અને દુનિયાને ન્યાય અને સલામતીથી ભરી દેશે, જ્યારે તે કે ઝુલ્મ અને અન્યાયથી ભરાઇ ગઇ હશે.

તેણીએ અર્ઝ કરી આ બાળક કયા પતિથી થશે ? ઇમામ (અ.સ.)એ જવાબ આપ્યો : તે પતિથી જેનું સગપણ પૈગંબર (સ.અ.વ.વ.)એ ફલાણી રાત્રીએ ફલાણા મહીનામાં અને ફલાણા રોમન વર્ષમાં તમારી સાથે કર્યુ હતું. અને ઇસા ઇબ્ને મરીયમ અને તેઓના વસીએ તમારી શાદી કોની સાથે કરી હતી? તેણીએ જવાબ આપ્યો : આપના મહાન, ઉમદા ગુણવાળા ફરઝંદથી. ઇમામ હાદી(અ.સ.)એ પુછ્યું, શું તું તેમને ઓળખે છે? તેણીએ ફરમાવ્યું : જે રાત્રે જનાબે ઝહેરા(સ.અ.)ના હાથો ઉપર ઇસ્લામ લાવી છું, તેના પછી કોઇ એવી રાત્રી નથી  આવી, જેમાં મારા દિદાર માટે તેઓ ન આવ્યા હોય.

તે વખતે ઇમામ અલીનકી(અ.સ.)એ પોતાના ગુલામ કાફુરને ફરમાવ્યું : મારી બહેન હકીમાખાતૂનને મારી પાસે બોલાવો. જ્યારે તેણી અઝીમ(મહાન)ખાતૂન આવી ગઇ તો ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું : ઓ બહેન, આ તેજ ખાતુન છે જેના વિષે મેં તમને બતાવ્યુ હતુ. હકીમાખાતુને તેણીને બહુ જ લાંબા સમય સુધી છાતી સાથે લગાવી રાખ્યા અને તેણીને જોઇને ખુશ થયા. તે વખતે ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું :

અય બહેન આમને તમારા ઘરે લઇ જાઓ અને ઇસ્લામી વાજીબાત અને સુન્નતની તાઅલીમ આપો, કે જેથી તે મારા મહાન, ઉમદા ગુણ અને રક્ષણવાળા ફરઝંદની પત્નિ અને કાએમે આલે મોહંમદ(અ.સ.)ની માતા બને.

(કિતાબે ગયબત, શૈખે તુસી (અ.ર.) પાના નં. ૧૨૪)

ઇમામે ઝમાના(અ.સ.)ની માતાના અલગ અલગ નામોનો ઝીક્ર થયો છે. મોહંમદ ઇબ્ને હમ્ઝાએ એક હદીસમાં ઇમામ હસન અસ્કરી (અ.સ.)થી નક્લ કર્યુ છે. “ઇમામે ઝમાના (અ.સ.)ની માતાનું નામ મલીકા હતુ અને કેટલાક દિવસ સોસન અને કેટલાક દિવસ રૈહાના કહેતા હતા, અને સૈકલ અને નરજીસ પણ તેઓના નામ હતા. કેટલીક હદીસોમાં સૈકલ પણ વારીદ થયુ છે.

(કશફુલ હકક, ખાતુન આબાદી, પાના નં. ૩૪)

સવાલ : ૧૪ ઇમામે ઝમાના(અ.સ.)નું નામ, લકબ અને કુન્નીયત શું છે?

જવાબ : ૧૪ ઇમામે ઝમાના(અ.સ.)નું મૂળ નામ મીમ. હે. મીમ. દાલ. છે. આ નામ પૈગંબરે અકરમ (સ.અ.વ.)એ રાખ્યું હતું અને ફરમાવ્યું:

તેઓનું નામ મારૂ નામ અને તેઓની કુન્નિયત મારી કુન્નિયત છે.

(ઇલમુન્નાસીબ, શૈખ હાએરી યઝ્દી, ભાગ-૧, પાના નં. ૪૮૩)

ઇમામે ઝમાના(અ.સ.)ની કુન્નિયત : અબુલ કાસીમ, અબુ સાલેહ, અબુ અબ્દીલ્લાહ, અબુ ઇબ્રાહિમ, અબુ જાઅફર અને અબુલહસન પણ બતાવવામાં આવી છે.

ઇમામે ઝમાના(અ.સ.)ના લકબો બહુ જ છે, તેમાંથી કેટલાક આ પ્રમાણે છે.

૧.     મહદી (અ.સ.) : ઇમામ(અ.સ.)નો સહુથી જાણીતો લકબ ‘મહદી’ છે. જે મૂળ શબ્દ ‘હિદાયત’ ઉપરથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ છે અલ્લાહ તરફથી હિદાયત પામેલ. ઇમામ સાદીક(અ.સ.) એક હદીસમાં ફરમાવે છે : આપ હઝરત(અ.સ.)ને મહદી(અ.સ.) એટલા માટે કહે છે કે તે લોકોને ખોવાઇ ગયેલ ચીઝની તરફ હીદાયત કરશે. અને ઇમામ બાકીર(અ.સ.)એ ફરમાવ્યું તેઓને એટલા માટે મહદી(અ.સ.) કહે છે કે તેઓ એક છુપી ચીઝની તરફ હિદાયત કરશે.

૨.     કાએમ(અ.સ) : હક માટે ઉભા થનાર. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું : કાએમ(અ.સ.)ને ‘કાએમ’ એટલા માટે કહેવામાં આવે છે કે લોકો તેમનું નામ ભૂલી જશે પછી તેઓ કયામ કરશે.

(મઆનીયુલ અખ્બાર, શૈખ હાએરી યઝ્દી, ભાગ-૧ પાના નં. ૪૮૩)

અને ઇમામ જવાદ (અ.સ.)એ આ સવાલના જવાબમાં ફરમાવ્યું કે તેમને કાએમ (અ.સ.) શા માટે કહેવામાં આવે છે? ઇમામ (અ.સ.)એ જવાબ આપ્યો : કારણ કે તેમનું નામ લોકોની યાદદાશ્ત (મગજમાંથી) નીકળી જશે અને તેમની ઇમામતનાં મોટા ભાગના માનવાવાળા ખુદાના દીનથી ફરી જશે, તો (ત્યારે) તેઓ કયામ કરશે.

(કમાલુદ્દીન, શૈખે સદુક(અ.ર.), પા. ૬૫)

૩.     મન્સુર(અ.સ.) : ઇમામ બાકીર(અ.સ.) આ આયત ‘મન કોતેલ મઝલુમન્’ની તફસીરની અંદર ફરમાવે છે કે તે હુસૈન ઇબ્ને અલી(અ.સ.) છે, અને બાકીની આયત વિષે

(સુરએ ઇસ્રાઅ, આયત: ૬૫)

ફરમાવે છે કે આનાથી મુરાદ ઇમામે ઝમાના(અ.સ.) છે, જેઓનું નામ આ આયતમાં મન્સુર છે, જેવી રીતે અલ્લાહ તઆલાએ એહમદ અને મોહંમદને મહેમુદ અને ઇસા (અ.સ.)ને મસીહ કહ્યું છે.

૪.    મુન્તઝર (અ.સ.) : ઇમામ જવાદ (અ.સ.)ને પૂછવામાં આવ્યું : કેમ તેઓને મુન્તઝર કહેવામાં આવે છે? ઇમામ (અ.સ.) એ ફરમાવ્યું :

“કેમકે તેઓ એક લાંબી મુદ્દત સુધી ગૈબતમાં રહેશે અને તેઓના ચાહવાવાળા તેઓના ઝુહુરનો ઇન્તેઝાર કરશે અને જેઓના દિલમાં શક છે, તેઓ ઇન્કાર કરશે.

(કમાલુદ્દીન વ તમામુન નેઅમહ, શૈખ સદુક (અ.ર.) પાના નં. ૩૭૮)

૧.     બકીય્યતુલ્લાહ (અ.સ.) : રિવાયતમાં છે કે જ્યારે તેઓ ઝુહુર ફરમાવશે તો કાબાની તરફ પીઠ કરશે અને ૩૧૩ મુખ્લીસ લોકો તેઓની પાસે ભેગા થશે અને બધાથી પહેલે જે ચીઝ ઝબાન ઉપર જારી કરશે તે આ આયત હશે

(સુ. હુદ આયત: ૮૬)

અને પછી ફરમાવશે હું બકીય્યતુલ્લાહ અને હુજ્જતે ખુદા છું, અને અલ્લાહ તરફથી તમારો ખલીફા છું. બસ, તમામ સલામ કરવાવાળા લોકો તેઓને “અસ્સલામો અલૈકુમ યા બકીય્યતુલ્લાહે ફી અર્ઝેહી કહીને સલામ કરશે.

(મુન્તહુલ આઅમાલ, શૈખ અબ્બાસે કુમ્મી(અ.ર), ભાગ. ૨ પા. ૨૮૬)

૬.    હુજ્જતુલ્લાહ (અ.સ.) : ઇમામે ઝમાના(અ.સ.)ને ઘણી બધી દુઆઓમાં અને હદીસોમાં આ લકબથી યાદ કરવામાં આવ્યા છે, અને સામન્ય રીતે હદીસવેત્તાઓએ આ લકબનો ઝિક્ર કર્યો છે. અને આમ છતા પણ કે બધા જ અઇમ્મા(અ.સ.) આ લકબમાં શરીક છે. તમામે તમામ મખ્લુક ઉપર અલ્લાહની હુજ્જત છે, પરંતુ આ લકબ ઇમામ (અ.સ.)થી એટલો મખ્સુસ છે કે ઇમામે ઝમાના(અ.સ.)ના માટે કોઇ દાખલા કે દલીલ વગર ઉપયોગમાં લેવામાં આવે છે. અને કેટલાક લોકો કહે છે : આપ હઝરતનો લકબ “હુજ્જતુલ્લાહ પ્રભુત્વ મેળવવાના અર્થમાં છે અથવા મખ્લુક પર અલ્લાહની હુકુમતના અર્થમાં છે. જો કે આ બન્ને વસ્તું ઇમામે ઝમાના(અ.સ.) થકી જાહેર થશે, અને ઇમામે ઝમાના (અ.સ.)ની અંગુઠી (વીંટી) ઉપર “અના હુજ્જતુલ્લાહ કોતરાયેલું છે.

બીજા લકબો : ખલફુસ્સાલેહ, શરીદ, ગરીમ, મોઅમ્મલ, મુન્તકીમ, માઉમ્ મઈન, વલીય્યુલ્લાહ, સાહેબુલ અમ્ર, સાહેબુઝ્ઝમાન વિગેરે છે. આનાથી વધુ જાણકારી માટે મુન્તહયુલ આમાલ અને બેહારૂલ અન્વાર અને આ વિષયની બીજી કિતાબોનો અભ્યાસ કરી શકાય છે.

કિતાબનું નામ : ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં ૧૪ સવાલો (ભાગ-૧)
તરજુમો : એસોસીએશન ઓફ ઇમામ મહદી(અ.સ.)
પ્રકાશક : એસોસીએશન ઓફ ઇમામ મહદી(અ.સ.)
પ્રકાશન વર્ષ : હિ.સ. ૧૪૩૦
હદીયો : ૨૫ રૂપીયા

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *