આજનો યુવાન અને રોજીની તલાશ

Print Friendly, PDF & Email

આજનો યુવાન અને રોજીની તલાશ

જ્યારે અલ્લાહ તઆલા પોતાના ફઝલો કરમથી કોઇને ઔલાદની નેઅમતથી નવાઝે છે ત્યારથી મા-બાપ, તેમાંય ખાસ કરીને ભણેલા ગણેલા મા-બાપના મગજમાં પોતાના નુરેનઝરની બાબતે વિવિધ પ્રકારની યોજનાઓ તૈયાર થવા લાગે છે. આજ યોજનાઓને પરિપૂર્ણ કરવા માટે બાળકના શિક્ષણ અને કેળવણીનો સિલસિલો શરૂ થઇ જાય છે. જ્યારે આ સિલસિલો H.S.C. સુધી પહોંચે છે કે જ્યાંથી શિક્ષણની વિવિધ શાખાઓ જુદી પડે છે, ત્યારે જે બાબત શિક્ષણનું ક્ષેત્ર નક્કી કરવામાં સૌથી વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે તે મગજમાં રહેલો એ વિચાર છે કે ક્યું ક્ષેત્ર દુનિયામાં વધુમાં વધુ નેઅમતો અને એશો આરામ અપાવી શકે તેમ છે. સરળ શબ્દોમાં કહીએ તો ક્યા ક્ષેત્રમાં વધારે પૈસા છે. આ વાતને એટલી હદ સુધી દોહરાવવામાં આવે છે કે આ વાત બાળકના મગજમાં કાયદેસર રીતે ઘર કરી જાય છે કે શિક્ષણનો એક અને એકમાત્ર હેતુ પૈસા કમાવવાનો છે.

આ હેતુને નજરની સામે રાખીને શિક્ષણનો ક્રમ આગળ વધતો રહે છે અને બાળકને તે કોર્ષમાં એડમીશન અપાવવામાં આવે છે કે જેમાં તેની દુનિયા પૂરેપુરી સલામત જણાતી હોય. પરંતુ સારા કોર્ષ અને સારી કોલેજમાં એડમીશન મળી જવું એ વાત તે ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતાની બાહેંધરી નથી આપતી. આ બાબત એકદમ સ્પષ્ટ અને આ હકીકતથી દરેક વ્યક્તિ માહિતગાર છે કે તે તમામ વિદ્યાર્થીઓ કે જેમને પહેલા વર્ષમાં એડમીશન મળી જાય છે, તેઓ દરેક પાસ થઇને બીજા વર્ષમાં નથી પહોંચતા અને આમ દર વર્ષે અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીની સંખ્યામાં વધારો થતો રહે છે. બસ અમૂક લોકો સફળતા પૂર્વક આખો કોર્ષ પૂરો કરી શકે છે અને તેમાંથી પણ અમુક લોકો જ નોંધપાત્ર સફળતા મેળવી શકે છે. તેમજ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરનારા લોકોમાંથી પણ માત્ર અમૂક લોકો જ પોતાના ક્ષેત્રમાં સફળ જીવન વિતાવે છે. ઉદાહરણ તરીકે જે લોકો કોલેજમાં એડમીશન મેળવે છે તેઓ દરેક છેલ્લા વર્ષ સુધી સફળતાપૂર્વક નીકળી શકતા નથી. કેટલાક એવા હોય છે કે જેઓ એક વર્ષ પછી અભ્યાસ છોડી દે છે તો કેટલાક બે વર્ષ પછી. છેલ્લા વર્ષ સુધી બાકી રહેનારાઓની સંખ્યા પહેલા વર્ષની સંખ્યા કરતા ઘણી ઓછી હોય છે. જેઓ સફળ થઇ જાય છે દા.ત. મેડીકલનો અભ્યાસ પૂરો કરીને ડોક્ટર બની જાય છે તેઓ બધા પણ વાસ્તવિક પ્રેક્ટીસમાં સંપૂર્ણ સફળ થઇ શક્તા નથી. અમૂક લોકો જ એવા હોય છે કે જેમની પ્રેક્ટીસ સારી ચાલતી હોય છે અને સારા પૈસા કમાતા હોય છે અને તેઓમાં કેટલાય એવા હોય છે કે જેમની જીંદગીનું ગુજરાન ચાલી જાય છે અને કેટલાક એવા હોય છે જેઓ એમ.બી.બી.એસ. સંપૂર્ણ કર્યા પછી તેઓની રોજગારી ડોક્ટરી વ્યવસાયમાં નથી હોતી પરંતુ તેઓ ડોક્ટરીના બદલે બીજો કોઇ વ્યવસાય અપનાવી લે છે. તેમની રોજગારીનું માધ્યમ ડોક્ટરી નહીં પણ બીજી કોઇ વસ્તુ હોય છે. આવી જ હાલત બીજા ક્ષેત્રની પણ હોય છે.

આનું કારણ શું છે?

દરેક કામ માટે ખાસ માણસો :

આનું એક કારણ એ પણ છે કે દરેક વ્યક્તિ દરેક કામ નથી કરી શકતી. કોઇપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે માત્ર સારી કોલેજમાં એડમીશન લઇ લેવું પુરતુ નથી પરંતુ સાથો સાથ વ્યક્તિનું પ્રાકૃતિક વલણ તથા વ્યક્તિગત રસની સાથે તે કામ અથવા કોર્ષનું અનુરૂપ હોવું પણ જરૂરી છે. જ્યાં સુધી આ એકરૂપતા નહીં હોય ત્યાં સુધી તે કોર્ષમાં નોંધપાત્ર સફળતા નહીં મળે. આથી મા-બાપની જવાબદારી ફક્ત બાળકને સારી કોલેજમાં એડમીશન અપાવવાનીજ નથી પરંતુ કોર્ષની પસંદગી કરતા પહેલા બાળકના પ્રાકૃતિક વલણને જાણવું પણ જરૂરી છે. અગર તેના સ્વભાવને ઝીણવટભરી ગણતરી સાથે મેળ ન બેસતો હોય તો તેને એન્જીનીયરીંગ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાં એડમીશન અપાવી દેવું સફળતાની બાહેંધરી નહીં ગણાય.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :

اِعْمَلُوْا فَکُلٌّ مُیَسَّرٌ لِمَا خُلِقَ لَہٗ

“તમારામાંથી દરેક જણે કામ કરવું જોઇએ અને તે બાબતનું ધ્યાન રહે કે દરેક જણ માટે તે કામ વધારે સરળ અને યોગ્ય છે કે જે કામના માટે તેને પેદા કરવામાં આવ્યો છે.

(સફીનતુલ બેહાર, પાના નં. ૭૩૨)

આ બાબતે નિષ્ણાંતોનો અભિપ્રાય આ મુજબ છે.

તમામ લોકો આ વાત ઉપર એકમત છે કે ઇન્સાન બાલિગ થયા પછી તેની આવડતો જાહેર થાય છે. યુવાનોએ એ કામને ચુંટી કાઢવું જોઇએ કે જે તેમની શક્તિ અને તેમની આવડત મુજબનું હોય. આ બાબત તે યુવાનો માટે ઘણી વધારે સારી છે કે જેઓ ખૂબજ જલ્દી કામ કાજ શોધવા માંગે છે. આ આવડતો અને શક્તિઓ પર ધ્યાન આપવું ખૂબજ વધારે જરૂરી છે. આવડતોને શોધી કાઢવા માટે પ્રચલીત ટેસ્ટ કરાવવા ઘણા ઉપયોગી છે. જો કે એ વાત ધ્યાનમાં રહે કે અમૂક ખાસ અને જુદી પડી આવતી પરિસ્થિતિઓમાં આ ટેસ્ટ ૧૦૦ ટકા સાચા નથી હોતા પરંતુ ઘણાખરા અંશે આવડતોનું ક્ષેત્ર નક્કી કરી દે છે.

(ચેમી દાનમ બુલુગ : પાના નં. ૧૦૪)

આ કારણે જો મા-બાપ અથવા યુવાન પોતે કોલેજમાં કોઇ ખાસ કોર્ષમાં એડમીશન લેતા પહેલા જ પોતાની આવડતો અને શક્તિ નો ટેસ્ટ કરાવી લે અને પછી તે ટેસ્ટના પરિણામોના આધારે પોતાના માટે કોર્ષની પસંદગી કરે તો ખૂબજ ઝડપથી સફળતાના શિખર સુધી પહોંચી શકશે અને તેઓને ખૂબજ ઝડપથી કામ ધંધો પણ મળી જશે. તેની સાથો સાથ બેકાર રહેવાથી અને કામકાજની શોધખોળ માટે જે સમય લાગી જાય છે તેનાથી પણ મહ્દઅંશે નજાત મળી જશે.

આ એક સ્પષ્ટ હકીકત છે કે દરેક વ્યક્તિ ડોક્ટર કે એન્જીનીયર નથી બની શકતો. જો બધાજ ડોક્ટર, એન્જીનીયર કે સી.એ. બની જાય તો આ દુનિયાની વ્યવસ્થા ઠપ્પ થઇ જશે. આ દુનીયામાં જ્યાં ડોક્ટર, એન્જીનીયર અને સી.એ.ની જરૂરત છે ત્યાં સામાન્ય મજૂરો અને મીકેનીકની પણ જરૂર છે.

હઝરત અલી (અ.સ.) ફરમાવે છે કે :

لاَ یَزَالُ النَّاسُ بِخَیْرٍ مَا تَفَاوَتُوْا فَاِذَا اسْتَؤُوْا ہَلَکُوْا

“લોકો ત્યાં સુધી ખૈર અને ખુશહાલીનું જીવન વિતાવશે જ્યાં સુધી તેઓની દરમ્યાન તફાવતો રહેશે અને એક જેવા નહીં રહે અને જ્યારે બધાજ લોકો એક સરખા થઇ જશે તો હલાક થઇ જશે.

(બેહાર, ભાગ – ૭૭, પાના નં. ૩૮૫)

ઇઝઝતનું માપદંડ :

અત્રે એ હકીકતની તરફ ધ્યાન આપવું જરૂરી છે કે પવિત્ર દીન ઇસ્લામમાં ઇઝઝત, માન, સન્માન, અને મોભો આ દુનિયા નથી, કે તેના દરજ્જાઓ, હોદ્દાઓ કે પદવીઓ નથી કે જેના લીધે કોઇ ઉપરી અધિકારી પોતાનાથી નીચલા દરજ્જાના કર્મચારી કરતા પોતાને ઉંચા દરજ્જાનો સમજે. ઇસ્લામમાં માન અને મર્તબાનો આધાર ઇમાન અને તકવા પર છે.

اِنَّ اَکْرَمَکُمْ عِنْدَ اﷲِ اَتْقَاکُمْ

“બેશક અલ્લાહની નજદીક તમારામાંથી વધારે માનવંત એજ છે કે જે વધારે પરહેઝગાર છે.

(સુરએ હોજરાત : ૧૩)

આથી શક્ય છે કે મજુર વર્ગનો કોઇ સામાન્ય માણસ તકવા અને પરહેઝગારીના ઉંચા દરજ્જા ઉપર પહોંચીને અલ્લાહની નઝદીક ઘણો જ મહાન અને માનવંતો હોય અને ઉંચા દરજ્જાનો કોઇ અધિકારી આ ખુશનસીબીથી મેહરૂમ હોય.

આવડતોમાં વિવિધતા :

દરેક માણસ જુદા જુદા કાર્યો અંજામ આપી શકે છે. પરંતુ દરેક કાર્યમાં તેની આવડત અને શક્તિ એક સરખી હોતી નથી. અહીંયા એક બીજાની સરખામણી અને હરીફાઇનો પ્રશ્ર્ન નથી. સગા ભાઇઓની આવડતો પણ એક સરખી નથી હોતી. અગર કોઇ ફરઝંદ શિક્ષણના ક્ષેત્રમાં નબળો હોય તો તેનો અર્થ એમ નથી થતો કે જીંદગીના બીજા ક્ષેત્રોમાં પણ તે નબળો હશે.

હવે જો મા-બાપ પોતાના આ દિકરાના અભ્યાસ ઉપર વધારે ભાર મૂકે તો તેમાં તેઓને વધારે સફળતા નહીં મળે. તેની સાચી અને યોગ્ય રીત એ છે કે આવા સંજોગોમાં જ્યારે તે શિક્ષણના એક સ્તર પર પહોંચીને આગળ વધારે અભ્યાસ કરવા માટે સક્ષમ ન હોય તો તેની આવડતો અને શક્તિને ઓળખી કાઢીને તેનું ધ્યાન ઝીંદગીના એ ક્ષેત્રની તરફ દોરે જે તેની આવડતો અને તેના આંતરિક વલણને અનુરૂપ હોય. આવા સંજોગોમાં બાળક ખૂબજ ઝડપથી પ્રગતિના શિખરો સર કરી લેશે. તે પોતાની આવડતના જોરે નવા નવા ક્ષેત્રો શોધી કાઢશે. દુનિયાની વ્યવસ્થાને ચલાવવા માટે દરેક પ્રકારના માણસોની જરૂરત છે. અલ્લાહે દરેક કામના માટે ખાસ વ્યક્તિઓને પૈદા કરી છે. આપણી જવાબદારી એ છે કે આપણે તેને શોધી કાઢીએ અને આપણે પોતે અવલોકન કરવું જોઇએ કે આપણું વલણ કઇ ચીઝો તરફ વધારે છે. તેજ રસ્તાને ચુંટીને આગળ વધતા જવું જોઇએ.

હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે કે :

کُلُّ ذِیْ صَنَاعَۃٍ مُضْطَرٌّ اِلیٰ ثَلاَثِ خِصَالٍ یَجْتَلِبُ بِہَا الْمَکْسَبُ وَہُوَ اَنْ یَکُوْنَ حَاذِقًا بِعَمَلِہٖ مُؤَدِّیًا لِاَمَانَۃٍ فِیْہِ مُسْتَمِیْلاً لِمَنِ اسْتَعْمَلَہُ ـ

“દરેક ઉદ્યોગી માણસની સફળતા માટે ત્રણ વસ્તુઓની જરૂરત છે. (૧) પોતાના જ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ણાંત હોય. (૨) પોતાના કાર્યોમાં અમાનતદાર હોય. (૩) તે કામના માટે સ્વભાવગત વલણ ધરાવતો હોય.’

(બેહાર, ભાગ – ૭૮, પાના નં. ૪૩૫)

ખેતીવાડી અને બાગાયતનું મહત્ત્વ :

આજના ઝમાનામાં જે પ્રવૃત્તિથી ધ્યાન હટાવી લેવામાં આવ્યું છે તે ખેતીવાડી અને બાગાયતનું કામકાજ છે. આજકાલનો યુવાન પોતાનું રિઝ્ક ધંધા અથવા નોકરીમાં શોધે છે. તે ખેતી અને બાગાયતને  પોતાની શાનની વિરૂદ્ધ ગણે છે. તેને હલકું કામ ગણે છે. તેનું એક મહત્ત્વનું કારણ આપણી સમાજ વ્યવસ્થા છે. જેમાં ડોક્ટરો અને એન્જીનીયરોની તો કદર છે પરંતુ એક ખેડૂત અને માળીની કદર નથી. અગર યુવાન પોતાનું શિક્ષણ પુરૂં કર્યા પછી અહીં તહીં નોકરી શોધવાની બદલે ખેતીવાડી ક્ષેત્રમાં આધુનિક પદ્ધતિ અને સાધનોનો ઉપયોગ કરીને ખેતી કરે તો અલ્લાહ જરૂર રિઝ્ક અતા કરશે. ઉપરાંત ખેતીવાડી અથવા બાગાયત કરવી શાનની વિરૂદ્ધ નથી. આ કાર્ય એટલું બધું સન્માનનીય અને પવિત્ર છે કે આપણા અઇમ્મા (અ.સ.) પોતે આ કાર્ય અંજામ આપતા હતા. હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું :

کُنُوْزُ اللّٰہِ فِیْ اَرْضِہِ وَ مَا فِیْ الْاَعْمَالِ شَیْیٌٔ اَحَبُّ اِلٰی اللّٰہِ مِنْ الزِّرَاعَۃِ وَمَا  بَعَثَ اللّٰہُ نَبِیًّا اِلاَّ زَرَّاعًا اِلاَّ اِدْرِیْسَ فَاِنَّہُ کَانَ خَیَّاطًا

“અલ્લાહ (ત.વ.ત.)ના ખઝાનાઓ જમીનની નીચે છુપાએલા છે. અલ્લાહ (ત.વ.ત.)ની નઝદીક ખેતી સૌથી વધારે પસંદગીપાત્ર કાર્ય છે. કોઇ નબી એવા નથી થયા કે જેમણે ખેતી ન કરી હોય સિવાય કે ઇદરીસ (અ.સ.) કારણકે તેઓ દરજી હતા.

(વસાએલુશ્શીયા, ભાગ – ૧૭, પાના નં. ૪૧)

બીજી એક હદીસમાં ઇમામ સાદિક (અ.સ.)એ ખેતી અને બાગાયાત નું મહત્ત્વ આ પ્રમાણે વર્ણવ્યું છે :

اِزْرَعُوْا وَ اغْرِسُوْا وَاللّٰہِ مَا عَمِلَ النَّاسُ عَمَلاً اَحَلُّ وَ لَا اَطْیَبُ مِنْہٗ وَاللّٰہِ لَیَزْرَعُنَّ الزَّرْعُ وَلَیَغْرِسُنَّ الْغَرَسُ بَعْدَ خُرُوْجِ الدَّجَّالِ

“ખેતી કરો અને વાડીઓ બનાવો. અલ્લાહની કસમ! તમામ કામોમાં ખેતીવાડી અને બાગબાનીથી વધારે હલાલ અને પાકો પાકીઝા બીજું કોઇ કામ નથી. તમારે જરૂર ખેતી કરવી જોઇએ અને બાગ લગાવવા જોઇએ. આ તે કામ છે જેનો સિલસિલો દજ્જાલના જાહેર થવા પછી પણ ચાલુ રહેશે.

(બેહારૂલ અન્વાર, ભાગ – ૧૦૩, પાના નં. ૬૮)

આજના યુગમાં યુવાનોની બેકારીનું એક કારણ એ પણ છે કે તેમણે પોતાની રોજીને ફક્ત થોડીક ચીઝોમાં મર્યાદિત કરી દીધી છે. અને તેમાં પણ તે તમામ કામો મોટા મોટા શહેરોમાં જ શોધે છે.

ખેતીવાડી અને બાગાયત અને ન જાણે તેની જેવા કેટલાય કામો એવા હશે કે જે શિક્ષીત યુવાનોના ધ્યાનાકર્ષણની રાહ જોઇ રહ્યા છે. પરંતુ ખૂબજ ઝડપથી પૈસા કમાવવાની ખ્વાહીશે યુવાનોને એવા રસ્તા પર લગાડી દીધા છે જ્યાં તેમની ઝીંદગીનું સુખ ચૈન જોખમાઇ ગયું છે. ખ્વાહીશો અને જરૂરીયાતોની યાદી એટલી લાંબી થઇ ગઇ છે કે સામાન્ય પગારમાં પહોંચી વળવાના કોઇ સંજોગો નથી. આ ઉપરાંત રોજબરોજ મોંઘું થતું જતું શિક્ષણ ફરઝંદને ઇચ્છા મુજબનું શિક્ષણ અપાવવા માટે લોન લેવા માટે મજબુર કરી દે છે અને તે પણ વ્યાજવાળી લોન કે જેમાં સમયની સાથોસાથ લોનની રકમમાં વધારો થતો રહે છે. આવા સંજોગોમાં શિક્ષણ પુરૂ કર્યા પછી દરેક વ્યક્તિની એજ તમન્ના હોય છે કે વહેલામાં વહેલી સારી (એટલે કે જ્યાં પગાર વધારે હોય ભલે પછી કામ ગમે તે હોય) નોકરી મળી જાય અને લોન ભરપાઇ થઇ જાય, ઘરનું ઘર થઇ જાય અને પછી લગ્ન થઇ જાય અને પછી સુકુનની ઝિંદગી શરૂ થાય. પરંતુ હાલના સંજોગોમાં આ કામ એટલું સરળ નથી. આજ કારણે દરરોજ એક નવું ટેન્શન સામે આવી જાય છે. ઘરનું વાતાવરણ બગડી જાય છે. બિમારીનો સીલસીલો શરૂ થઇ જાય છે. અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) પર શરૂઆતમાં વિશ્ર્વાસ ઘટી જાય છે. પછી ધીમે ધીમે ઇમાન, અલ્લાહ અને તેના નિઝામ, અલ્લાહ અને તેની અદાલતની સામે વાંધાઓ ઉઠવા લાગે છે. અંતમાં માણસ દરેક વસ્તુથી કંટાળી જાય છે.

આવો આપણે જોઇએ કે રોજગારની તલાશ એટલે કે રોજી બાબતે આપણી જવાબદારી શું છે? શું બધુ જ આપણા હાથોમાં છે? રોજીની વિપુલતા અને તંગી આપણા ઇખ્તેયારમાં છે?

રોજીની શોધખોળ :

પવિત્ર દીને ઇસ્લામ મુજબ બીજાઓ ઉપર બોજારૂપ બનવું સારી વાત નથી. ઇસ્લામ એ શિખવે છે કે દરેક માણસ મહેનત કરીને પોતાના ખર્ચાઓ પૂરા કરે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું છે :

مَنْ اَکَلَ مِنْ کَدِّ یَدِہِ مَرَّ عَلٰی الصِّراطِ کَالْبَرْقِ الْخَاطِفِ

“જે માણસ પોતે મહેનત કરીને ખાશે તે કયામતના મેદાનમાં પુલે સેરાત પરથી એવી રીતે પસાર થઇ જશે જેવી રીતે કે વિજળી ચમકે છે.

(જામેઉલ અખ્બાર, ૧૩૯)

એક બીજી હદીસમાં આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું :

مَنْ اَکَلَ مِنْ کَدِّ یَدِہِ نَظَرَ اللّٰہُ اِلَیْہِ بِالرَّحْمَۃِ ثُمَّ لاَ یُعَذِّبُہُ اَبَدًا

“જે માણસ પોતે મહેનત કરીને પોતાનો ખર્ચ ઉપાડે છે તો અલ્લાહ તેની સામે રહેમતની નઝરથી જોશે અને પછી તેની ઉપર ક્યારેય અઝાબ નહીં ઉતારે.

(જામેઉલ અખ્બાર, ૧૩૯)

એક ત્રીજી હદીસમાં પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું :

اَلْکٰادُّ عَلٰی عَیَالِہِ کَالْمُجَاہِدِ فِیْ سَبِیْلِ اللّٰہِ

“પોતાના પરિવારનો ખર્ચ ઉપાડવા માટે મહેનત અને કોશિષ કરનાર અલ્લાહની રાહમાં જેહાદ કરનારની જેવો છે.

(બેહારૂલ અન્વાર, ભાગ – ૯૬, પાના નં. ૩૨૪)

હઝરત ઇમામ રેઝા (અ.સ.)ની રિવાયતમાં આવા માણસને અલ્લાહની રાહમાં જેહાદ કરનારા કરતા વધારે સારો ઠરાવેલ છે.

اِنَّ الَّذِیْ یَطَلُبُ مِنْ فَضْلٍ یَکُفُّ بِہِ عِیَالَہٗ اَعْظَمُ اَجْرًا مِنَ الْمُجَاہِدِ فِیْ سَبِیْلِ اللّٰہِ

“જે માણસ પોતાના પરિવારની જરૂરિયાતો પુરી કરવા માટે મહેનત અને કોશિષ કરે છે તેનો બદલો અલ્લાહની રાહમાં જેહાદ કરનાર કરતા વધારે છે.

(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૮, પાના નં. ૩૩૯)

આવી અસંખ્ય રિવાયતો છે. આવી રિવાયતો ઉપરથી એ બાબત એકદમ સ્પષ્ટ થઇ જાય છે કે પવિત્ર દિન ઇસ્લામમાં રોજી પ્રાપ્તિને ઇબાદતનું સ્થાન આપવામાં આવ્યું છે અને તે પણ જેહાદ જેવી મહાન ઇબાદતનું સ્થાન. આમ ઇસ્લામમાં માત્ર લડાઇના મેદાનમાં મહેનત અને કોશિષ કરવી એજ જેહાદ નથી પરંતુ પોતાના સંતાનો અને પરિવારની જરૂરીયાતોને પુરી પાડવા માટેની મહેનતને પણ જેહાદનો દરજ્જો આપવામાં આવ્યો છે.

બેકારીની ટીકા :

જ્યાં પવિત્ર દીન ઇસ્લામમાં રોજી પ્રાપ્ત કરવાને જેહાદનું સ્થાન આપવામાં આવ્યું છે ત્યાં બેકારી અને આળસની સખત ટીકા પણ કરવામાં આવી છે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

مَلْعُوْنٌ مَنْ اَلْقٰی کَلَّہٗ عَلٰی النَّاسِ

“જે માણસ બીજાની ઉપર બોજ બનીને રહે છે તેની ઉપર અલ્લાહની લઅનત છે.

(તોહફુલ ઓકુલ, પાના નં. ૩૭)

અર્થાત જેનો ખર્ચ બીજા લોકો ઉપાડી રહ્યા છે અને તે પોતે બેકાર ફરી રહ્યો છે. જરા આ રિવાયત ઉપર થોડો વિચાર કરીએ.

જ્યારે કોઇ માણસ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થતો અને આપ (સ.અ.વ.) તેની ખૂબીઓને જોઇને ખુશ થતા તો તેને પુછતા હતા કે શું કામ કરો છો. જો તે કહેતો કે કોઇ કામ નથી કરતો તો આપ (સ.અ.વ.) ફરમાવતા: “આ માણસ મારી નજરમાં હલકો પડી ગયો.

(બેહાર, ભાગ – ૧૦૩, પાના નં. ૯)

જનાબે ઝોરારા હઝરત ઇમામ સાદિક (અ.સ.)થી રિવાયત વર્ણવે છે.

એક માણસ હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)ની ખિદમતમાં આવ્યો અને વિનંતી કરી.

મારા હાથ સલામત નથી કે જેથી હું કોઇ કામ કરી શકું અને ન તો મારી પાસે મૂડી છે કે જેનાથી હું વેપાર કરી શકું. હું મજબુર અને મોહતાજ છું હું આ સંજોગોમાં શું કરૂં? (શું આ સંજોગોમાં મને એ રજા છે કે હું ભીખ માંગીને મારી જરૂરતો પુરી કરૂ, બીજા લોકોની સામે હાથ ફેલાવું?)

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

اِعْمَلْ فَاحْمِلْ عَلٰی رَأْسِکَ وَاسْتَغْنِ عَنِ النَّاسِ

“કામ કરો પોતાના માથા ઉપર બોજ ઉપાડો અને લોકોથી બેનીયાઝ બનો.

(કાફી, ભાગ – ૫, પાના નં. ૭૬)

આનાથી ઇસ્લામની ગયરતનો અંદાજ આવે છે કે ઇસ્લામની દ્રષ્ટિએ માથા ઉપર બોજ ઉપાડવો અને મજુરી કરવી એ ભીખ માંગવા અને સવાલ કરવા કરતા ઘણું વધારે સારૂં છે.

રિઝ્કની બાહેંધરી :

આજના યુગમાં રિઝ્ક બાબતની આપણી મુશ્કેલીઓનું એક મહત્ત્વનું કારણ આપણો એ વિચાર છે કે બધુ જ આપણા હાથમાં છે. જો આપણી ઔલાદે આ ક્ષેત્રમાં સફળતા ન મેળવી તો તે બધી જ વસ્તુઓથી વંચિત રહી જશે, જ્યારે કે એવું નથી. અલ્લાહ તબારક વ તઆલા એ જેટલી પણ મખ્લુક પેદા કરી છે તેમના રિઝ્કની જવાબદારી તેણે પોતે લીધી છે.

સુરએ મુબારકે હુદની ૬ઠી આયતમાં અલ્લાહ (ત.વ.ત.) ફરમાવે છે.

وَ مَا مِنْ دَآبَّۃٍ فِی الْاَرْضِ اِلاَّ عَلَی اللّٰہِ رِزْقُہَا وَ یَعْلَمُ مُسْتَقَرَّہَا وَ مُسْتَوْ دَعَہَا کُلٌّ فِی کِتٰبٍ مُّبِیْنٍ

“અને પૃથ્વી પર કોઇ એવું ચાલનાર પ્રાણી નથી કે જેની રોજી અલ્લાહના શીરે ન હોય અને એજ (અલ્લાહ) તે (પ્રાણી)ના (દુનિયામાં) રહેવાનું સ્થાન તથા (મરણ પછી) તેને (ભૂમિમાં) સોંપવાનું (સ્થાન) જાણે છે, લવ્હે મહફુઝમાં દરેક બાબતનું વર્ણન મૌજુદ છે.

આના ઉપરથી એકદમ સ્પષ્ટ થઇ જાય છે કે રિઝ્કની જવાબદારી અલ્લાહ તઆલાએ લઇ લીધી છે. તેને દરેક મખ્લુકના ઠેકાણાની ખબર છે. તેથી તે જાણે છે કે કોનું રિઝ્ક ક્યાં પહોંચાડવાનું છે. કુરઆને કરીમમાં આવી અનેક આયતો છે.

હવે આ હદીસ ઉપર થોડું ધ્યાન આપીએ.

અબુ હમ્ઝા સોમાલીએ ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)થી આ રિવાયત વર્ણવી છે. હજ્જતુલ વિદાના પ્રસંગ ઉપર હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :

“યકીનન! જીબ્રઇલે અમીને આ વાત મારા દીલમાં નાખી છે કે જ્યાં સુધી આ દુનિયામાં માણસનું રિઝ્ક સંપૂર્ણ ન થઇ જાય ત્યાં સુધી તે આ દુનિયામાંથી વિદાય નહીં લે. અલ્લાહનો તકવા ઇખ્તેયાર કરો અને યોગ્ય રીતે રિઝ્ક હાસીલ કરો. જાણી લ્યો કે રિઝ્કનું મોડું મળવું તમને ગુનાહના રસ્તા તરફ ન ખેંચી જાય કે તમે હરામ રોજી કમાવા લાગો. અલ્લાહ તઆલાએ પોતાની મખ્લુકની દરમ્યાન હલાલ રોજીની વહેંચણી કરી છે નહીં કે હરામ રિઝ્ક. જે અલ્લાહનો તકવા ઇખ્તેયાર કરશે અને સબ્ર કરશે તો અલ્લાહ તઆલા તેને જરૂર હલાલ રોજી આપશે અને જે કોઇ અલ્લાહ તબારક વ તઆલાના પર્દાને અને હદોને ઓળંગશે તથા હલાલ સિવાયના રસ્તાથી રોજી હાસીલ કરવાની કોશિશ કરશે તો તેટલા પ્રમાણમાં તેની હલાલ રોજી ઓછી થઇ જશે.

(મિઝાનુલ હિકમત, ભાગ – ૩, પાના નં. ૧૪૪)

આ હદીસ ઉપરથી અમૂક વાતો સામે આવે છે.

૧.      દરેક માણસની રોજી નિશ્ર્ચિત છે અને તેને લખી નાખવામાં આવેલી છે.

૨.      જ્યાં સુધી તે પોતાના હિસ્સાની પુરેપુરી રોજી મેળવી નહીં લે તે પહેલા તેને મૌત નહીં આવે.

૩.      માણસે હલાલ રિઝ્ક યોગ્ય રીતે પ્રાપ્ત કરવું જોઇએ અર્થાત હલાલ રસ્તાથી.

૪.      રિઝ્ક મળવામાં મોડું થાય તો નાજાએઝ રસ્તાથી રિઝ્ક ન મેળવવું જોઇએ.

૫.      જે તકવા અને સબ્રથી કામ લેશે તેને તે રોજી જરૂર મળશે.

૬.      જે બેસબ્રી કરશે અને નાજાએઝ રસ્તાથી રોજી હાસીલ કરશે તેને જેટલી રોજી મુકર્રર થઇ છે તેના કરતા વધારે નહીં મળે બલ્કે તેટલું જ હલાલ રિઝ્કમાંથી ઓછું કરી દેવામાં આવશે.

એક કિસ્સો :

આ મોકા ઉપર આ પ્રસંગનો ઉલ્લેખ કરવો અસ્થાને નહીં ગણાય.

હઝરત અલી (અ.સ.) મસ્જીદમાં આવ્યા અને એક માણસને કહ્યું કે મારા આ ખચ્ચરનું ધ્યાન રાખજે. તે માણસ ખચ્ચરની લગામ કાઢીને જતો રહ્યો. જ્યારે હઝરત અલી (અ.સ.) નમાઝ પઢીને મસ્જીદની બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં બે દિરહમ હતા જે પેલા માણસને આપવા માંગતા હતા.

ઇમામ (અ.સ.)એ જોયું કે ખચ્ચર તો છે પણ તેની લગામ નથી. હઝરત અલી (અ.સ.)એ તે બે દિરહમ પોતાના ગુલામને આપી બજારમાં લગામ ખરીદવા મોકલ્યો. તે ગુલામે ચોરાયેલી લગામને બજારમાં જોઇ અને બે દિરહમમાં ખરીદીને ઇમામ (અ.સ.)ની ખિદમતમાં હાજર થયો. ત્યારે ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું:

“તે માણસની બેસબ્રીએ તેને હલાલ રોજીથી વંચીત કરી દીધો. પરંતુ તેને નક્કી થએલી રોજી કરતા વધારે કાંઇ ન મળ્યું.

(નુલ હિકમત પ્રકરણ : રિઝ્ક, હદીસ નં. ૭૨૨૭)

આપે વિચાર્યુ :

અગર તે માણસે થોડી સબર કરી હોત તો તેજ બે દિરહમ મળત પણ હલાલના મળત જાએઝ મળત. તેની બેસબ્રી એ તેને હલાલ રિઝ્કથી વંચિત કરી દીધો. તેને મળ્યા તો તેજ બે દિરહમ પરંતુ નાજાએઝ રસ્તાથી. તેણે આ બે દિરહમ ચોરેલો માલ વેચીને પ્રાપ્ત કર્યા અને આ બે દિરહમ તેજ નિશ્ર્ચિત સમયે મળ્યા બલ્કે થોડા મોડા મળ્યા. અગર તે માણસ મૌજુદ હોત તો જ્યારે મૌલા મસ્જીદમાંથી બહાર નિકળ્યા હતા ત્યારે તુરતજ મળી જાત. હવે તેને તે બેદિરહમ જ્યારે ગુલામ બજારમાં ગયો ત્યારે મળ્યા તથા થોડા મોડા મળ્યા.

રિઝ્કની ખાત્રી વિષે હઝરત અલી (અ.સ.)એ ફરમાવ્યું: જરા આ કીડીની તરફ જુઓ કે તે કેટલી બધી નાની છે કે તેની સાઇઝના કારણે નજરે પડતી નથી. પરંતુ તેના રિઝ્કની જવાબદારી લઇ લેવામાં આવી છે. તેને લાયક રોજી તેના સુધી પહોંચી જાય છે.

મહેરબાન અલ્લાહ તેનાથી ગાફીલ નથી અને જઝા આપનારો અલ્લાહ તેને વંચિત નથી રાખતો. ભલે પછી તે સુકા કાળા પથ્થર પર હોય અથવા રણના મેદાનમાં કેમ ન હોય.

(નહજુલ બલાગાહ : ૧૮૫)

એ અલ્લાહ કે જે રણના મેદાનના અંધારામાં કાળા પથ્થર ઉપર એકદમ નાની કીડીને રોજીથી મેહરૂમ નથી રાખતો અને તેના માટે જરૂરી રિઝ્ક તેના સુધી પહોંચાડી દે છે તે અલ્લાહ અશ્રફુલ મખ્લુકાત ઇન્સાનને તેના રિઝ્કથી કેવી રીતે મેહરૂમ રાખી શકે?

રોજી હાસીલ કરવા માટે કેટલો પ્રયત્ન કરવો જોઇએ?

રિઝ્ક ઉપરની આવી આયતો અને રિવાયતોની રોશનીમાં એક વાત આપણા મગજમાં ઉપસ્થિત થાય છે કે જ્યારે અલ્લાહે આપણા રિઝ્કની જવાબદારી લઇ લીધી છે અને આપણને માત્ર એ જ અને એટલું જ રિઝ્ક મળવાનું છે કે જેટલું તેણે આપણા નસીબમાં લખી દીધું છે તો પછી આપણે પ્રયત્નો શા માટે કરવા જોઇએ? હાથ ઉપર હાથ રાખીને ઘરમાં બેસી રહીએ, રિઝ્ક તો પહોંચી જ જશે અને જો કોશીષ કરીએ તો કેટલી હદે કોશીષ કરવી જોઇએ?

આનો જવાબ એ છે કે આ દુનિયાની વ્યવસ્થા માધ્યમો ઉપર ચાલે છે. અલ્લાહે દરેક વસ્તુ માટે એક માધ્યમ રાખ્યું છે. ઝાડના ફળદાર થવા માટે જરૂરી છે કે આપણે યોગ્ય જગ્યાએ તેનું બીજ રોપીએ, પાણી પાઇએ, દેખરેખ રાખીએ, એક નિશ્ર્ચિત મુદ્દત વિત્યા પછી ઝાડ ઉપર ફળો પાકશે. અલ્લાહ સર્વશક્તિશાળી છે અને તે એ કુદરત ધરાવે છે કે તે ઝાડની વગર પણ ફળો પહોંચાડી શકે છે. આમ અલ્લાહની કુદરત એક અલગ બાબત છે અને તેનો નિઝામ એક જુદી બાબત છે. બેશક અલ્લાહ તઆલાએ દરેક વ્યક્તિ માટે રિઝ્ક મુકર્રર કરી દીધું છે અને તેનું પ્રમાણ પણ નક્કી કરી દીધું છે. પરંતુ તેના હાસિલ કરવા માટે પ્રયત્નો અને કોશીષોને જરૂરી ઠરાવી છે. તેના નિઝામનો આ તકાદો છે કે માણસે રોજી પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો અને કોશીષો કરવી પડશે. આપણે કીડીની તરફ થોડું ધ્યાન આપીએ. અલ્લાહે તેની રોજીને નક્કી કરી દીધી છે અને તેની જવાબદારી પણ લીધી છે. પરંતુ આ નાનકડો જીવ પોતાના રિઝ્કની માટે કેટલા પ્રયત્નો કરે છે? આમ માણસોએ પણ રિઝ્ક પ્રાપ્ત કરવા માટે મહેનત તો કરવી જ પડશે.

ઇમામ હસન (અ.સ.)એ આ વાતને કેટલી સુંદર રીતે બયાન ફરમાવી છે.

“જુઓ રિઝ્ક હાસીલ કરવા માટે એટલી વધારે મહેનત અને તકલીફ ન ઉપાડો જેવી રીતે એક માણસ પોતાના દુશ્મન ઉપર કાબુ મેળવવા માટે કોશીષ કરતો હોય છે અને તકદીરની ઉપર એટલો વધારે ભરોસો ન રાખો કે હાથ ઉપર હાથ રાખીને બેસી રહો. કારણકે અલ્લાહના ફઝલ અને રોજીની તલાશ કરવી તે ચારિત્રતા છે અને મધ્યમ માર્ગથી શોધવી તે પણ ચારિત્રતા છે. ચારિત્રતાના કારણે ન તો રોજી ઘટી જાય છે અને ન તો લાલચ કરવાથી વધારે રોજી મળી જાય છે. કારણકે રોજીની વહેંચણી કરી દેવામાં આવી છે અને લાલચ માણસને ગુનાહોમાં જકડી લે છે.

(મિઝાનુલ હિકમત, પ્રકરણ : રિઝ્ક, હદીસ નં. ૭૧૫૦)

ઇમામ હસન (અ.સ.)એ સ્પષ્ટ કરી દીધું છે કે રિઝ્ક હાસીલ કરવાની બાબતે મધ્યમ માર્ગ અપનાવવો જોઇએ ન તો એવી રીતે હોય કે રિઝ્ક ન મેળવી રહ્યા હોઇએ બલ્કે લડાઇના મેદાનમાં દુશ્મનોનો મુકાબલો કરી રહ્યા હોઇએ અને પુરેપુરી તાકાત અને જોર લગાડી રહ્યા હોઇએ તેમજ એવું પણ ન હોવું જોઇએ કે કામકાજ જ ન કરીએ. રસુલુલ્લાહ (સ.અ.વ.)ની એક હદીસથી આ વાત વધારે સ્પષ્ટ થઇ જાય છે કે રોજી હાસીલ કરવામાં માટે આપણે કેટલી હદે મહેનત કરવી જોઇએ અને કેટલો સમય ફાળવવો જોઇએ.

“જુઓ જે ચીઝની બાહેંધરી આપવામાં આવી છે તે વસ્તુને હાસીલ કરવું તમને તે ચીઝથી દૂર ન કરી દે જેને તમારા ઉપર વાજીબ ઠરાવવામાં આવી છે. કારણકે જે ચીઝની વહેંચણી કરી દેવામાં આવી છે તે તમને જરૂર મળશે અને જે ચીઝને તમારાથી દૂર કરી નાખવામાં આવી છે તે તમને નહીં મળે.

(મિઝાનુલ હિકમત, પ્રકરણ : રોજી, હ. નં. ૭૧૩૦)

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે રિઝ્કની પાછળ માણસ એટલો ગાંડો થઇ જાય છે કે સવાર સાંજ માત્ર કમાવાની ફીકરમાં રહે છે. પોતાની જાતને એટલી વ્યસ્ત બનાવી દે છે કે તેને વાજીબાતો અદા કરવાની ફિકર જ નથી રહેતી અને જો વાજીબાતના માટે સમય કાઢી પણ લે તો બે રકાત નમાઝ પણ એવી રીતે અદા થતી હોય છે કે ઝબાન ઉપર કુરઆને કરીમની પાક અને નુરાની આયતો હોય છે અને મગજસંપૂર્ણ પણે વેપાર અને ધંધાના કામોમાં પરોવાયેલું રહે છે. ખબર નથી હોતી કે નમાઝ ક્યારે શરૂ કરી અને ક્યારે પુરી થઇ ગઇ. નમાઝનો હેતુ અલ્લાહની યાદ છે.

અલ્લાહ તઆલાએ હઝરત મુસા (અ.સ.)ને ફરમાવ્યું :

اَقِمِ الصَّلٰوۃَ لِذِکْرِیْ

“મારી યાદને માટે નમાઝ કાયમ કરો.

(સુરએ તાહા : ૧૪)

આપણી નમાઝોમાં અલ્લાહની યાદ સિવાય બધુ જ હોય છે. આ રિવાયતોની રોશનીમાં માણસે રિઝ્ક હાસીલ કરવા માટે માત્ર એટલી મહેનત અને એટલો સમય ફાળવવો જોઇએ જે તેની વાજીબાતોની અદાએગીને અસર ન કરે. અલ્લાહ તઆલાએ કેટલી સુંદર રીતે આ હકીકત તરફ લોકોનું ધ્યાન દોર્યુ છે. અમે જીન્નાતો અને ઇન્સાનોને માત્ર ઇબાદતના માટે પેદા કર્યા છે (સુરએ ઝારીયાત, આયત : ૫૬) તેની પછીની આયત તરફ ધ્યાન આપો.

مَآ اُرِیْدُ مِنْہُمْ مِّنْ رِّزْقٍ وَ مَآ اُرِیْدُ اَنْ یُّطِیعُوْنِ ـ اِنَّ اللّٰہَ ہُوَ الرَّزَّاقُ ذُوْ الْقُوَّۃِ الْمَتِیْنُ ـ

“તેમની પાસે ન હું રોજી માંગું છું, અને ન હું એ ચાહું છું કે તેઓ મને ખવડાવે. નિસંશય અલ્લાહ એજ મહાન રોજી આપનાર, શક્તિવાન (અને) બળવાન છે.

(સુરએ ઝારીયાત, આયત નં. ૫૭-૫૮)

ઇબાદતની પછી તરતજ અલ્લાહની રઝઝાકીય્યતનો ઉલ્લેખ અને તે પણ શ્રેષ્ઠતા વાચકરૂપમાં આવવું તે એ બાબતની તરફ ધ્યાન દોરે છે કે રિઝ્ક હાસીલ કરવું ઇબાદતના રસ્તામાં અડચણરૂપ ન બનવું જોઇએ. ઇબાદત કરવી માણસની જવાબદારી છે. રિઝ્ક પહોંચાડવાની જવાબદારી અલ્લાહે લીધી છે. વાજીબાતની અદાએગી રિઝ્કના  વધારાનું કારણ બનશે ઘટાડાનું નહીં.

રિઝ્કની વિશાળતા અને તંગી :

આપણે સૌ ચાહીએ છીએ કે આપણને પુષ્કળ રિઝ્ક મળે, ખૂબ વધારે દૌલત હોય, જીવનના બધાજ સાધનો ખૂબજ મોટા પ્રમાણમાં હોય અને કોઇપણ વસ્તુની ઉણપ ન હોય. દરેક વસ્તુ ખૂબજ સરળતાથી ઉપલબ્ધ થઇ જાય. આજ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આપણે દિવસ રાત કામમાં વ્યસ્ત રહીએ છીએ. એકના પછી બીજો ધંધો શરૂ કરીએ છીએ. એક કામની પછી બીજું કામ શોધીએ છીએ. એક નોકરીની પછી બીજી નોકરીની ફીકર હોય છે. દેશ કરતા વિદેશની ઉપર વધારે ધ્યાન હોય છે. વિદેશમાં મળનારી રકમની ભારતીય ચલણમાં ગણતરી કરીને તેના સરવાળા ઉપર વિચાર કરીએ છીએ અને એ નિર્ણય કરી નાખીએ છીએ કે પરદેશમાં રોજીની વિશાળતા વધારે છે, ત્યાંની ઝીંદગી અને ત્યાં જઇને પોતાની જરૂરીયાતો ખૂબજ સરળતાથી પુરી થઇ શકે છે. એકાદ બે માણસની ઝીંદગીના ઉદાહરણો રજૂ કરીએ છીએ. જુઓ તેઓ અહીં હતા તો શું હતા? જ્યારથી ફોરેન ગયા છે શું ના શું થઇ ગયા?! અહીં હતા તો કેટલા પરેશાન હાલ હતા? હવે એવી કઇ ચીઝ છે જે તેમની પાસે નથી? ફોરેન જવાનો વિચાર કરવા લાગે છે અને બસ આજ વાત મગજમાં બેસી જાય છે. અગર કંઇક કરવું છે અને જીવનની મુશ્કેલીઓથી છુટકારો મેળવવો હોય તો બસ માત્ર એક જ રસ્તો છે. ફોરેન જવું અને કોઇ સારી નોકરી શોધી લેવી. આનો અર્થ એમ નથી કે ફોરેન જવું જાએઝ નથી અને લોકોને ફોરેનની સારી અને ઉમદા તથા ભરપુર આવકવાળી સર્વિસ કે બીઝનેસથી અટકાવવા માંગીએ છીએ પણ માત્ર એ બાબતની તરફ આપણું ધ્યાન દોરવું છે કે રોજીની વિશાળતાની સાથે સાથે મઝહબ પણ સલામત રહે. ખાસ કરીને આપણી નવી પેઢીના દીન અને ઇમાન. ક્યાંક એવું ન બને કે જે મહાન દીન અને ઇમાનની અમાનતના આપણે જવાબદાર છીએ તે કિંમતી ખજાનો આપણે આપણા સંતાનોના હવાલે ન કરી શકીએ. અથવા તો આપણી નસ્લ દુનિયાની રંગીનીઓ અને નત નવા પ્રશ્ર્નો  અને જીવનના સાધનોમાં એવા ડૂબી જાય કે તેઓને દીનનો ખ્યાલ જ ન રહે. આથી ફોરેનમાં સારી સર્વિસ અને બીઝનેસ શોધવાની સાથો સાથ પોતાના બાળકો માટે ઇમાનની સલામતીના સ્થળો પણ શોધે જેથી રોજીમાં વિશાળતાની સાથો સાથે ઇમાન અને અમલમા પણ વધારો થતો રહે. આ મૌકા ઉપર આયતુલ્લાહ અલ ઉઝમા સૈયદ અલી સીસ્તાની સાહેબના એ મસઅલા રજુ કરવા જરૂરી સમજીએ છીએ જે આપે ફરમાવ્યા છે :

મસઅલો : ૨ મોમીનના માટે ગૈરમુસ્લીમ દેશોની સફર કરવી જાએઝ છે એ શરત સાથે કે આ સફરને લીધે તેના અને તેના ઘરના લોકોના દીન ઉપર કોઇ નકારાત્મક અસર ન પઢવાનું યકીન હોય.

મસઅલો : ૩ મુસલમાન માટે ગૈર મુસ્લીમ દેશમાં રહેવું જાએઝ છે. એ શર્તે કે વર્તમાન અને ભવષ્યિમાં તેના અને તેના ઘરના લોકોના શરઇ ફરાએઝ અદા કરવામાં કોઇ અવરોધ ન બને.

મસઅલો : ૪ જો ગૈર મુસ્લીમ દેશોની સફરના કારણે મુસલમાનના દીનને નુકશાન પહોંચતું હોય તો તે મુસાફરી હરામ છે. ભલે પછી તે મુસાફરી પૂર્વ તરફની હોય કે પશ્ર્ચીમ તરફની ચાહે પછી તે સફર પ્રવાસ અર્થે, વેપાર અથવા ભણવા માટે હોય અથવા તે દેશમાં રહેવાનું હંગામી હોય કે કાયમી (દરેકનો એકજ હુકમ છે).

(જદીદ ફીકહી મસાએલ, ૪૪ અને ૪૫)

એ ચર્ચા કરી ચુક્યા છીએ કે રિઝ્કની જવાબદારી અલ્લાહે લીધી છે. કુરઆને કરીમે પણ આ બાબતે જુદી જુદી જગ્યાએ  આ હકીકતની તરફ ધ્યાન દોર્યંુ છે. અલ્લાહ જેને ચાહે છે વિશાળ રિઝ્ક અતા કરે છે અને જેનું પણ ચાહે છે તેનું રિઝ્ક તંગ કરી દે છે.

اَللّٰهُ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآئُ وَ یَقْدِرُ

“અલ્લાહ જેના માટે ચાહે છે રોજી વિશાળ કરી દે છે અને (જેના માટે ચાહે છે) સંકોચી લે છે;

(સુરએ રઅદ : ૨૬)

અર્થાત રોજીને વિશાળ કરવી કે તંગ કરવી અલ્લાહના હાથમાં છે. તેથી રિઝ્કની વિશાળતા માટે આપણે કોશિષો કરવાથી પણ વધારે અલ્લાહની  પાસે માંગવું જોઇએ. જો માણસ અલ્લાહને રઝઝાક માનશે અને દરેક પળે રોજીની વિશાળતા માટે અલ્લાહની પાસે દોઆ કરતો હશે તો વિશાળ રોજી તેના અભિમાન અને ઘમંડનું કારણ નહીં બને.

હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) ઇરશાદ ફરમાવે છે કે :

لاَ یَمْلِکُ اِمْسَاکَ الْاَرْزَاقِ وَ اِدْرَارَہَا اِلاَّ الرَّزَّاقُ

“રિઝ્કનું વધવુ અને ઘટવું રઝઝાક (અલ્લાહ)ના હાથની વાત છે.

(મિઝાનુલ હિકમત : પ્રકરણ : રોજી, હ. નં. ૧૧૮)

જ્યારે રિઝ્કમાં વધારો કે ઘટાડો અલ્લાહના ઇખ્તેયારની વાત છે તો પછી એમ કહેવું કે અમારી રોજી ફલાણા માણસે બાંધી દીધી છે, અમારા બીઝનેસમાં કંઇક કરી દીધું છે, વિગેરે શૈતાની વિચારો છે. આનો ઇલાજ બાબા અને આમિલ નથી. આનો ઇલાજ રઝઝાક, રહીમ અને ગફુર અલ્લાહની બારગાહમાં આજેઝી સાથે દોઆ કરવામાં, ગુનાહોથી પરહેઝ કરવામાં, વલીય્યે અસ્ર (અ.સ.)ના ફૈઝના વાસ્તા સાથે રોજીની વિશાળતા માટે ગંભીરતાથી અને ખાલિસ દિલની સાથે દોઆ કરવામાં છે.

બહોળી રોજીની આફતો :

અલ્લાહ તઆલાથી વધીને માણસના સ્વભાવને કોણ વધારે ઓળખી શકે છે? તે આપણો ખાલિક છે. તે આપણી રગે રગથી માહિતગાર છે. તેને આપણી ક્ષમતાનો અંદાજ છે. તે જાણે છે કે કોને કેટલું રિઝ્ક આપવું જોઇએ. અગર અલ્લાહ તબારક વ તઆલા આપણને આપણી ઇચ્છા પ્રમાણે આપણને વિશાળ અને બેહિસાબ રિઝ્ક અતા કરી દે તો માણસ સરકશી અને બગાવત કરવા માંડશે. સુરએ શુરાની આયત ૨૭માં ઇરશાદ છે:

وَ لَوْ بَسَطَ اﷲُ الرِّزْقَ لِعِبَادِہٖ لَبَغَوْا فِی الْاَرْضِ وَ ٰلکِنْ یُّنَزِّلُ بِقَدَرٍ مَّا یَشَآئُ ط اِنَّہٗ بِعِبَادِہٖ خَبِیْرٌم بَصِیْرٌ

“અને અગર અલ્લાહ પોતાના (સર્વે) બંદાઓ માટે રોજી વિશાળ કરી દેતે તો તેઓ પૃથ્વી પર જરુર બળવો કરતે, પરંતુ તે જે કાંઇ ચાહે છે તેજ પ્રમાણસર ઉતારતો રહે છે, ખરેજ તે પોતાના બંદાઓની સ્થિતિથી સંપૂર્ણ વાકેફ (અને) દેખનારો છે.

(સુરએ શુરા : ૨૭)

અહીં خبیر بصیرનો ઉલ્લેખ દેખાડે છે કે રિઝ્કમાં જોવા મળતો તફાવત બંદાઓની હાલતના કારણે છે.

“માણસનો સ્વભાવ એવો છે કે જ્યારે તે પોતાની જાતને જરૂરીયાતોથી પર અને ગની અનુભવે છે તો બગાવત કરે છે અને માથું ઉંચકે છે.

(સુરએ અલક, આયત : ૬-૭)

જો અલ્લાહ તબારક વ તઆલા આપણી સતત દોઆઓ છતાં આપણા રિઝ્કમાં આપણી ઇચ્છાના પ્રમાણે વધારો નથી કરી રહ્યો તો આપણે ભરોસો રાખવો જોઇએ કે આમાં આપણી ભલાઇ છે. કુરઆને કરીમના આ પ્રસંગ ઉપર આપણે ધ્યાન દઇએ.

“નિસંશય કારૂન મુસાની કૌમમાંથી હતો, પણ તે સ્વકોમની વિરૂદ્ધ બંડખોર થઇ ગયો હતો, અને અમોએ તેને એટલા બધા ખજાના આપ્યા હતા કે તેની ચાવીઓ શક્તિવાળા લોકો પણ મહા મુશ્કેલીએ ઉપાડી શકતા હતા. જ્યારે એક વાર કારૂનને તેની કૌમે કહ્યું કે તું (પોતાની અઢળક સંપતિ માટે) હરખા નહીં, નિસંશય અલ્લાહ હરખાનારાઓને દોસ્ત નથી રાખતો.

અને અલ્લાહે તને જે કાંઇ આપી રાખ્યું છે તેના પ્રતાપે તું આખેરતના ઘરનો ચાહનારો થા, અને દુનિયા માંહોની તારી ફરજ વીસરી ન જા, અને જેવી રીતે અલ્લાહે તારા ઉપર ઉપકાર કર્યો છે તું પણ (અલ્લાહના બંદાઓ પર) ઉપકાર કર, અને પૃથ્વી પર ફસાદ ન ફેલાવ. નિસંશય અલ્લાહ ફસાદ કરનારાઓને દોસ્ત નથી રાખતો.

તેણે કહ્યું કે મેં જે કાંઇ મેળવ્યું છે તે તો મારા જ્ઞાન (અક્કલ હુશ્યારી)થી મેળવ્યું છે : (પરંતુ) શું તે આ જાણતો ન હતો કે અલ્લાહે તેની પૂર્વે ઘણાંય ટોળાં કે જે તેના કરતાં શક્તિમાં વધારે હતા અને જેમના અનુયાયીઓ પણ વધારે હતા તેમનો નાશ કરી નાખ્યો હતો? અને ગુન્હેગારોને તેમના ગુન્હાઓની બાબત સવાલ કરવાની જરૂર પડશે નહિં.

એક દિવસ તે પોતાની કૌમ સામે બની ઠની (પૂર ભપકાથી) નીકળ્યો ત્યારે તે લોકો કે જેઓ સંસારી જીંદગીના ચાહનારા હતા કહેવા લાગ્યા કે અમારા માટે પણ આવું કાંઇ હતે જેવું કે કારૂનને આપવામાં આવ્યું છે તો કેવું સારૂં થતે! નિસંશય તે મહા ભાગ્યશાળી છે.

અને તે લોકોએ કે જેમને જ્ઞાન આપવામાં આવ્યું હતું કહ્યું કે અફસોસ તમારા ઉપર! જે શખ્સ ઇમાન લાવ્યો તથા સત્કાર્યો કર્યા તેને અલ્લાહ તરફથી જે બદલો મળશે તે આનાથી ઘણો બહેતર હશે, અને આ સવાબ ધીરજ ધરનારાઓ સિવાય બીજા કોઇને મળશે નહીં.

પછી અમોએ તે (કારૂન)ને તથા તેના ઘરને જમીનમાં ધસાવી દીધાં, પછી ન તેનું કોઇ એવું ટોળું હતું કે જે અલ્લાહ (ના અઝાબ)થી બચાવવા માટે તેની સહાય કરે, અને ન તે પંડે પોતાને બચાવી શક્યો.

અને તે લોકો કે જેઓ આગલે દિવસે તેના જેવા જ દરજ્જાની ઇચ્છા કરી રહ્યા હતા કહેવા લાગ્યા કે આ તો અલ્લાહજ છે જે પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે છે રોજીમાં વિશાળતા આપે છે, અને જેના માટે ચાહે છે તંગ કરી નાખે; અગર અમારા પર અલ્લાહે દયા કરી ન હોત તો અમને પણ (તેની માફક જમીનમાં) ધસાવી દેતે; અરે ગઝબ! અનુપકારીઓ તો હરગીઝ સફળતા પામી શકતા નથી.

(સુરએ કસસ : ૭૬ – ૮૨)

આ આયતોને ફરી એક વખત ધ્યાન દઇને પઢો અને પછી એ ફેંસલો કરો કે દુનિયાની અઢળક દૌલત વધુ સારી છે કે આખરેતમાં અલ્લાહનો સવાબ અને તેની રહેમત.

નેઅમતોની વિપુલતા અલ્લાહની ખુશ્નુદીની દલીલ નથી :

સામાન્ય માન્યતા એવી છે કે જેની પાસે વધારે નેઅમતો હોય છે અલ્લાહ તેનાથી વધારે રાજી છે અને જે માણસ મુસીબતોમાં સપડાએલો હોય છે અલ્લાહ તેનાથી નારાજ છે. જ્યારે કે ઇસ્લામની તઅલીમમાં આવું ક્યાંય પણ નથી. એક વાત તો બધાજ લોકો જાણે છે કે અલ્લાહ કુફ્ર અને કાફિરથી જરાપણ ખુશ નથી.

لاَ یَرْضٰی لِعِبَادِہِ الْکُفْرَ

“તે પોતાના બંદાઓ માટે નેઅમતોની કૃતધ્નતા પસંદ કરતો નથી.

(સુરએ ઝુમર : ૭)

હવે સુરે ઝુખ્રૂફની ૩૩, ૩૪ અને ૩૫મી આયત ઉપર ધ્યાન આપો.

“અને જો એમ ન હોત કે (સઘળા) લોકો એક જ પંથના બની જતે, તો અમે તેમના માટે કે જેઓ દયાળુ (અલ્લાહ)નો ઇન્કાર કરે છે તેમના મકાનોના છાપરાં ચાંદીના બનાવી દેતે, અને સીડીઓ પણ કે જેના ઉપર તેઓ ચઢે (ઉતરે) છે.

અને તેમના મકાનો માટેના બારણાં, અને તે સિંહાસનો પણ કે જેમના પર તેઓ અઢેલીને બેસે છે

અને (ચાંદીના જ નહિં બલ્કે) સોનાના પણ; પરંતુ આ (સઘળુ કેવળ) સંસારી જીવનની પૂંજી છે; અને તારા પરવરદિગાર પાસે તો પરહેઝગારો માટે આખેરત જ (લાભદાયી) છે.

(ઝુખ્રૂફ : ૩૩-૩૫)

બની શકે છે કે અલ્લાહ કાફિરને એટલી નેઅમતો આપે કે તેના ઘરની દિવાલો, છતો, ફર્શ અને ફર્નીચર બધુજ સોના – ચાંદીનું હોય પરંતુ નેઅમતોની આ વિપુલતા અલ્લાહની ખુશ્નુદીની નિશાની નથી અને આખેરત તો માત્ર તકવા ઇખ્તેયાર કરવાવાળા માટે છે. એટલે કે ખુદા દુનિયા તો કોઇને પણ આપી શકે છે. અગર કોઇને દુનિયાની સઘળી  નેઅમતો મળી જાય તો પણ શું. આ તો ફક્ત થોડા દિવસની ઝિંદગીનો આનંદ પ્રમોદનો સામાન છે. એક દીવસ તેને છોડીને જવાનું જ છે. આખેરત કે જ્યાં હંમેશના માટે રહેવાનું છે તે માત્ર મુત્તકી લોકો માટે જ છે. આના કારણે અલ્લાહ તઆલા જે લોકોને ચાહે છે અને જેમની આખેરતને આબાદ કરવા ચાહે છે તેને એેટલું રિઝ્ક આપે છે કે જેના થકી તેની દુન્યવી જરૂરતો અમૂક હદ સુધી પુરી થઇ જાય અને આખેરત ખરાબ ન થાય. અને જ્યારે ઇમાન ધરાવનારાઓને એ યકીન હોય છે કે રિઝ્કની વહેંચણી કરનાર ઝાલીમ, જાહીલ કે ગાફિલ નથી બલ્કે તે રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનારો છે. તેણે આપણા પ્રયત્નો અને દોઆઓ બાદ જે કાંઇ રિઝ્ક આપણને આપ્યું છે તે આપણા માટે ઉત્તમ અને યોગ્ય છે.

હઝરત અલી (અ.સ.) ફરમાવે છે કે :

“આસમાન પરથી બધી બાબતો એવી રીતે ઉતરે છે જેવી રીતે વરસાદના ટીપાંઓ વરસે છે. દરેક માણસને તેનું ઓછું અથવા વધારે પ્રમાણ જરૂર મળીને રહેશે. જ્યારે તમે જુઓ કે કોઇ કુટુંબને માલ અને દૌલત ખૂબ વધારે મળ્યા છે તો તેના માટે આ બાબત ફિત્ના અને ફસાદનું કારણ ન બનવી જોઇએ.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૧૭)

એક બીજી હદીસમાં હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ફરમાવે છે :

“અલ્લાહે રોજી અને રિઝ્કને નક્કી કરી દીધેલ છે. તેણે કોઇકને ઓછું અને કોઇને વધારે આપ્યું છે અને તેણે આ વહેંચણી ન્યાયી રીતે કરેલ છે. જેથી અલ્લાહ રોજીની આ વિપુલતા અને તંગીની બીના પર લોકોને અજમાવે અને જુએ કે માલદાર અને ફકીર કેવી રીતે શુક્ર અને સબ્ર કરે છે.

(નહજુલ બલાગાહ, ખુત્બા નં. ૯૧)

દુનિયાનું આ રિઝ્ક તો માત્ર અજમાઇશના માટે છે. રોજીની વિશાળતા પણ કસોટી છે અને તંગી પણ કસોટી છે, પરંતુ મહત્ત્વની બાબત આ કસોટીમાં સફળ થવું તે છે અને આજ સફળતા પર આખરેતના દરજ્જાઓનો આધાર છે. એવું શક્ય છે કે એક માલદાર માણસ નાશુક્રી કરવાના કારણે આ કસોટીમાં નિષ્ફળ થાય અને એક ફકીર અને નાદાર માણસ સબ્ર કરે અને કામ્યાબ થઇ જાય.

રોજી વધારવાના માધ્યમો :

ઉપરની વાતો પરથી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે અલ્લાહે પોતાની મસ્હેલત અને અદાલતની બુનિયાદ ઉપર પોતાના બંદાઓમાં રોજીની વહેંચણી કરેલી છે. રોજીમાં તફાવત બંદાઓના ઇમ્તેહાન માટે છે. પરંતુ આપણે આપણા આમાલો થકી તેમાં ફેરફાર કરાવી શકીએ છીએ. જેવી રીતે અલ્લાહ તઆલાએ દરેકની વય નક્કી કરેલી છે. દરેકની માટે એક મુદ્દત છે. પરંતુ આપણા નેક આમાલ અને આપણા ગુનાહ આપણી વયમાં વધારા કે ઘટાડાનું કારણ બની શકે છે. તેજ પ્રમાણે રોજી નક્કી થયેલી છે. આપણા આમાલ આ નક્કી થઇ ગયેલી રોજીમાં વધારો કે ઘટાડો કરી શકે છે.

અહિં ખૂબજ ટૂંકમાં રોજી વધારવાના માધ્યમો દર્શાવીએ છીએ:

૧. ઇસ્તિગફાર :

“અને કહ્યું કે તમે તમારા પરવરદિગારથી ક્ષમા માંગો, બેશક તે મહા ક્ષમાવાન છે : તે તમારા માટે આકાશ પરથી પુષ્કળ પાણી વરસાવશે : અને માલ તથા ઔલાદથી પણ તમારી સહાય કરશે, અને તમારા માટે બગીચા ઉત્પ્ન્ન કરશે, અને તમારા માટે નદીઓ વહાવશે.

(સુરહે નુહ : ૧૦થી ૧૨)

. તકવા :

“અને જે શખ્સ અલ્લાહથી ડરશે તેના માટે અલ્લાહ છુટકારાનો માર્ગ કરી દેશે, અને તેને એવા સ્થળેથી રોજી પહોંચાડશે કે જ્યાંથી તેને ગુમાન પણ નહિં હોય; અને જે કોઇ અલ્લાહ પર ભરોસો રાખશે તો તેજ તેના માટે બસ છે;

(સુરએ તલાક : ૨-૩)

. સારી વર્તણુંક :

હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું :

“જે પોતાના કુટુંબીજનો અને સંતાનોની સાથે સારી વર્તણુંક રાખશે તેની રોજીમાં વધારો થશે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૮૫)

. નેક આમાલ :

હઝરત ઇમામ જઅફર સાદિક(અ.સ.) ફરમાવે છે કે :

“નેક આમાલ રોજીમાં વધારો કરે છે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૮૬)

. સારા અખ્લાક :

હઝરત ઇમામ જઅફર સાદિક(અ.સ.) ફરમાવે છે કે :

“સારા અને નેક અખ્લાક રોજીમાં વધારો કરે છે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૮૭)

. સરળ હિસાબ કિતાબ :

હઝરત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) ફરમાવે છે કે :

“સખ્તાઇથી વર્તવું અખ્લાકને બરબાદ કરે છે અને ઘરવાળા અને સંતાનોની સાથે સરળ હિસાબ – કીતાબથી રોજી નાઝીલ થાય છે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૮૯)

. જમાડવા :

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :

“જે શખ્સ બીજાને ખાવાનું ખવડાવે તેના તરફ રિઝ્ક એટલું ઝડપથી નાઝિલ થાય છે છરી પણ તેટલી જલ્દી મરઘાના ગોશ્તમાં દાખલ થતી નથી.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૯૦)

. મોઅમીનની મદદ કરવી :

હઝરત અલી (અ.સ.)એ ફરમાવ્યું :

“દિની ભાઇઓની આર્થિક મદદ કરવાથી રોજીમાં વધારો થાય છે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૯૧)

. અમાનતદારી :

હઝરત અલી (અ.સ.)એ ફરમાવ્યું :

“અમાનતદારીથી રોજીમાં વધારો થાય છે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૯૨)

૧૦. દીની ભાઇઓ માટે દોઆ કરવી :

હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)એ ફરમાવ્યું :

“પોતાના દીની ભાઇ માટે  તેમની ગેરહાજરીમાં દોઆ કરો તેનાથી રોજી સરળતાથી નાઝીલ થાય છે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં.  ૭૧૯૩)

૧૧. હંમેશા વુઝુની હાલતમાં રહેવું :

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું છે કે :

જ્યારે એક શખ્સે આં હઝરત(સ.અ.વ.)ની ખિદમતમાં અરજ કરી: “હું મારી રોજીમાં વધારો ચાહું છું. તો આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું : “હંમેશા પાક (બાવુઝુ) રહો. તેનાથી તમારી રોજીમાં વધારો થશે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૯૪)

૧૨. સદકો આપવો :

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :

“વધારેમાં વધારે સદકો આપો જેથી અલ્લાહ તમને રોજી આપે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૯૫)

૧૩. ઝકાત આપવી :

હઝરત ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.)એ ફરમાવ્યું કે :

“ઝકાત આપવાથી રોજીમાં વધારો થાય છે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૯૬)

૧૪. નેક નિય્યત :

હઝરત અલી (અ.સ.)એ ફરમાવ્યું :

“જેની નિય્યત સાફ અને નેક હશે તેની રોજીમાં વધારો થશે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૯૭)

રોજી ઘટાડનારા પરિબળો :

જેવી રીત અગાઉ દર્શાવેલ કારણોને લીધે રોજીમાં વધારો થાય છે તેવીજ રીતે અમૂક ચીઝોને કારણે રોજીમાં ઘટાડો થાય છે.

. ગુનાહ :

હઝરત ઇમામ મોહમ્મદ બાકીર(અ.સ.)એ ફરમાવ્યું કે :

“જ્યારે બંદો કોઇ ગુનાહ કરે છે તેનાથી તેની રોજી દૂર કરી દેવામાં આવે છે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૧૯૮)

. દીની બિરાદરોના હક અદા કરવા :

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું કે :

“અગર કોઇ પોતાના દીની બિરાદરોના હક્કને પાયમાલ કરશે અને અદા નહીં કરે તો અલ્લાહ તેની રોજીમાં બરકત હરામ કરી દે છે સિવાય કે તે તૌબા કરી લે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૨૦૦)

. હરામ ખોરાક ખાવો :

હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું કે :

“વધારે પડતા હરામ ખોરાક ખાવાથી રોજી રોકી લેવામાં આવે છે.

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૭૨૦૧)

. રોજી વધારનારા જે પરિબળો વર્ણવવામાં આવ્યા છે તેનાથી વિરૂદ્ધ કામ કરવું :

દા.ત. ખરાબ નિય્યત, ઝકાત અદા ન કરવી, હક્કે ઇલાહી અદા ન કરવા, સદકો ન આપવો, બદ અખ્લાકી, ખરાબ સ્વભાવ વિગેરે વિગેરે.

કિતાબનું નામ           :      આજનો યુવાન અને રોજીની તલાશ

પ્રકાશન                  :      એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)

પો.બોક્સ નં. ૧૯૮૨૨

મુંબઇ – ૪૦૦ ૦૫૦

પ્રકાશનનું વર્ષ           :      ડીસેમ્બર – ૨૦૦૬

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *