ઇમામ હુસૈન (અ.સ.)નો જવાબ મોઆવીયાના નામે

Print Friendly, PDF & Email

اللّھم عجل لولیک الفرج  واجعلنَا من انصارہ و اعوانہ

ઇબ્ને કોતયબા દીનુરી અને કશ્શીના લખાણ મુજબ જ્યારે મરવાન મોઆવીયાની તરફથી મદીનાનો હાકીમ હતો, ત્યારે તેણે મોઆવીય્યાને એક પત્ર મોકલ્યો. ‘‘મને ખબર મળી છે કે ઇરાક અને હિજાઝની ખાસ વ્યક્તિઓ હુસયન બીન અલી (અ.સ.) ની સાથે ઉઠે બેસે છે. અને વિશ્વાસપાત્ર સાધનો દ્વારા જાણવા મળેલ છે કે તેઓ હુકુમતનો વિરોધ કરવાનો ઇરાદો પણ ધરાવે છે. મને આ અંગે તમારા તરફથી જાણ કરવામાં આવે.

મોઆવીયાએ જવાબ લખ્યો : ‘‘પત્ર મળ્યો. તમે જે કાંઇ હુસયન બીન અલી (અ.સ.)ના બારામાં લખ્યું છે તેની જાણ થઇ. પરંતુ ખબરદાર! જ્યાં સુધી તે તમને રોકે નહિ ત્યાં સુધી કોઇ પગલું ન ભરવું. હા, બેદરકારી ન રાખવી તેઓના ઉપર બરાબર નજર રાખતા રહેવી.

તે પછી મોઆવીયાએ એક પત્ર ઇમામ હુસયન (અ.સ.) ને પણ મોકલ્યો. જેમાં લખ્યું હતું : ‘‘મારી પાસે આપના બારામાં થોડી ખબર આવી છે. જો તે સાચી છે તો આપના માટે યોગ્ય નથી કે તે કરો. ખુદાની કસમ જે વાયદો અને વચન આપે છે, તેને પોતાનું વચન પુરૂં કરવું જોઇએ અને લોકોમાં વાયદા અને વચન પુરૂં કરનાર આપનાથી વધીને કોણ હોય શકે? આપનું સ્થાન અને અલ્લાહની ઇજ્જત અને ઉચ્ચતાની માંગણીએ છે કે પોતાના વચન ઉપર અડગ રહે. અને આ વાત યાદ રાખજો કે અગર આપ મારી સાથે ફરેબથી કામ લેશો, દગો કરશો, તો પછી હું પણ પાછો હટવાવાળો નથી. જો મારા હકનો ઇન્કાર કરશો તો હું પણ આપની મહાનતાને નકારીશ. આપ જાણો છો અને જ્ઞાન અને સમજદારી ધરાવો છો તેથી પોતાના નફ્સ, દીન અને મોહમ્મદની ઉમ્મતનો વિચાર કરો અને તેને ઝઘડા-ફીત્ના તરફ ન દોરો બલ્કે જમાઅતમાં ફાટફૂટથી દૂર રહો અને ઓછી અક્કલવાળા અને નાસમજ લોકોથી દૂર રહો.

મોઆવીયાના પત્રનો જડબાતોડ જવાબ નકલ કરતા પહેલા સમયની પરિસ્થિતી અને જરૂરિયાતો ને ધ્યાનમાં રાખીને સૂજ્ઞ વાંચકોનું ધ્યાન તે તરફ દોરવા માંગીએ છીએ, જેના કારણે ઇમામ (અ.સ.) ને પોતાનું મૌન તોડવું પડ્યું.

જો કોઇ વિચારશીલ અને દ્રષ્ટિવાળો શખ્સ  આ પત્રની સાથે ઇમામ (અ.સ.) ના જવાબનો પણ અભ્યાસ કરે તો તેની નજરમાં તે સમયની સમગ્ર પરિસ્થિતિ અને કારણો એકત્રીત થઇને એક પછી એક સામે આવતા જશે. જેના કારણે કરબલા જેવી હૃદયદ્વાવક ઘટના બની. ઇમામ (અ.સ.)એ પત્રમાં હજરે ક્નિદી તેમના ઇબાદત કરનાર સાથીઓ અમરૂ બીન અલ હમક અલ ખુઝાઇ જેવા રસુલ (સ.અ.વ.) ના બુઝુર્ગ અસહાબના દર્દનાક કતલની વાત લખીને માત્ર મોઆવીયા બીન અબુ સુફયાનના જુલમ અને અત્યાચારથી ભરપુર ચારિત્ર્ય જ રજુ નથી કર્યું, બલ્કે શયતાની ચારિત્ર્યવાળા બની ઉમય્યાના આખા ખાનદાનને ઉઘાડા પાડી દીધા છે. મોઆવીયાએ પોતાના ખરાબ અને શરીઅત વિરૂદ્ધના હેતુઓને પાર પાડવા કેવી કેવી મહાન વિભુતિઓને કતલ કરી જેનો તે સમયમાં કોઇ દાખલો  ન હતો. એટલે સુધી કે પોતાનો સ્વાર્થ સાધવા માટે તેણે ઇમામ હસન (અ.સ.) અને અબ્દુલ રહેમાન બીન ખાલીદને ઝેર આપીને હલાક કરી દીધા.

(તારીખે ઇસ્લામ મસઉદી, પા. 35)

આ એટલા માટે કે મોઆવીયાએ યઝીદને પોતાનો વારસદાર બનાવવા સિવાય બીજી કોઇ વસ્તુમાં રસ ન હતો. માત્ર આ કારણના લીધે ઇમામ હસન (અ.સ.) ને ઝેર આપ્યા પછી તેના માર્ગમાં થોડી વ્યક્તિઓ સિવાય તે નિશ્ર્ચિંત હતો. પરંતુ જ્યારે તેઓએ બયઅત ન કરી, ત્યારે તેણે ખોટે ખોટું જાહેર કરી દીધું કે તેમણે (આ થોડીક વ્યક્તિઓ એ) બયઅત કરી લીધી છે.

(તારીખુલ ઇસ્લામ મસઉદી, પા. 35)

તારીખે ઇસ્લામનો મનન પૂર્વકનો ઊંડો અભ્યાસ કરનાર જ્યારે હુસયન બીન અલી (અ.સ.) અને તેમની શહાદતના સંજોગોનો ગંભીરતા પૂર્વક અભ્યાસ કરે છે, તો આશ્ચયત્મિક ઘટનાઓનો ઘટસ્ફોટ થાય છે. સાચી હકીકત એ છે કે હુસયન બીન અલી (અ.સ.) ની શહાદત અને કરબલાની ઘટનાને સમજવા માટે મોઆવીયાના ખાસ શાસનકાળની તરફ નહિ પરંતુ ઇતિહાસના સૌ પ્રથમ પાના ઉપર દ્રષ્ટિ ફેરવવી પડશે જ્યાં બધા પ્રસંગોનો ઘટનાક્રમ અને તેના સંજોગો અને કારણો જોવા મળશે.

આ ટૂંકા લેખમાં ઊંડુ તો ઉતરી શકાય નહિ. પરંતુ આ શિર્ષકોની તરફ એક ઇશારો કરી શકાય. જેથી વિરોધીઓ માટે એક સજ્જડ દલીલ, ઇતિહાસના પ્રસંગો પરથી સામે આવી જાય. ઇબ્ને હજરે મક્કીએ લખ્યું છે :

قال الغزالی وغیرہ  وَیحرم علی الواعظ وَغیرہ روایۃ مقتل الحسنؑ والحسینؑ وَ حکایاتہ وَ ما جریٰ بین الصحابۃ من التشاجر وَ التخاصم فانّہ بھیّج علی بغض الصحابۃ والطعن فیھم ۔

‘‘ઇમામ ગઝાલી વિગેરેએ કહ્યું કે આલીમો અને વાએઝીન ઉપર હરામ છે કે ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસયન (અ.સ.) ની શહાદત અને તેઓના બનાવોને બયાન કરે. અસહાબોની વચ્ચે જે લડાઇ-ઝઘડા થયા તે બધાને પણ બયાન કરવા હરામ છે. કારણ કે આ બનાવોની ચર્ચાથી લોકોના દિલમાં અસહાબોની દુશ્મની પેદા થાય છે.     (સવાએકે મોહર્રેકા, પા. 133)

અહિં એક સવાલ આપ મેળેજ ઊભો થાય છે કે ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસયન (અ.સ.) ની શહાદતને અસહાબોના ઝઘડા સાથે શું સબંધ છે ? તેઓનું બયાન અને ચર્ચા હરામ કેમ થઇ ગઇ ? જ્યારે શયખ અબ્દુલ હક દહેલવીએ લખ્યું છે કે : ‘‘હઝરત અબા અબ્દીલ્લાહલ હુસયન (અ.સ.) ની શહાદતનું બયાન હઝરત રસુલે ખુદા (અ.સ.) ની જીભ ઉપર જીબ્રઇલ થકી આવ્યું છે કે હુસયન (અ.સ.)ને ફુરાતના કિનારે શહીદ કરવામાં આવશે.

(માસેહત – બિસ્સુન્નહ, પાના નં. 10)

ઇમામ ગઝાલી અને અહલેસુન્નતના બીજા ઇમામોએ ઇમામ હુસયન (અ.સ.) ની શહાદતના બયાનને હરમતનો ફતવો આપીને ઇમાનની દુનિયા ઉપર મોટો એહસાન કર્યો છે.

સાચા આલીમોની હજારો કિતાબો એક તરફ અને ઇમામ ગઝાલીનો માત્ર આ ફતવો બીજી તરફ. જૂઠનો પરદો ઉંચકવા માટે અને અસહાબોની છુપી ઇસ્લામીયતનો નકશો દોરવા માટે પૂરતા છે. હવે ઇમામ ગઝાલીના આ જ ફતવાના પ્રકાશમાં હુસયન બીન અલી (અ.સ.) ની શહાદતના કારણોનો ઘટનાક્રમ શોધી શકાય છે.

હુસયન બીન અલી (અ.સ.) ની શહાદતના કારણો:

અમૂક કારણો એવા છે જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના જમાનાથી સબંધ ધરાવે છે અને અમૂક આપની વફાત પછીના. આજે દુનિયાના લોકોને આશ્ર્ચર્ય થાય છે કે રસુલ (સ.અ.વ.)ની ઉમ્મત આપના નવાસાને માત્ર પચાસ વરસ પછી કતલ કરી નાખવા માટે કેવી રીતે તૈયાર થઇ ગઇ? તેઓને આ વિચાર કઇ રીતે આવ્યો? તેઓના દિલમાં આ વાત આવી કેમ? પરંતુ જ્યારે નીચેની હકીકત ઉપર નજર પડે છે ત્યારે આ બધા આશ્ર્ચર્યો શમી જાય છે.

(1) હિ. સન 9 માં હઝુરે અકરમ (સ.અ.વ.) તબુકની લડાઇ માટે મદીનાથી રવાના થતી વખતે હઝરત અલી (અ.સ.) ને મદીનામાં પોતાના ખલીફા તરીકેની નિમણુંક કરીને જાય છે.

(સહીહ બુખારી, કિતાબુલ – મગાઝી, પા. 18)

આ એજ પ્રસંગ છે જ્યારે 12 અથવા 14 મુનાફેકીનના ઘોડે સવારો, આં હઝરત (સ.અ.વ.)ના ઘોડા તરફ આગળ વઘ્યા અને એમ ચાહ્યું કે હઝરત (સ.અ.વ.)ને કત્લ કરે. પણ ખુદાએ આપને એમના ઇરાદાઓની જાણ કરી દીધી અને આપ (સ.અ.વ.) મુનાફીક સહાબીઓના પ્રપંચથી બચી ગયા.

(તારીખે ખમીસ, ભાગ-2, પા.148)

તો જ્યારે મુસલમાનોએ જોઇ લીધું કે અસહાબોએ પોતાના અંગત સ્વાર્થ ખાતર તબુકની લડાઇમાંથી પાછા ફરતી વખતે રાતના સમયે ખુદ રસુલ (સ.અ.વ.)ને કતલ કરી નાંખવાની કોશીશ કરી તો તેઓને દુનિયાની લાલચમાં આં હઝરત (સ.અ.વ.)ના નવાસાને કતલ કરવાથી કોણ રોકી શકતું હતું?

(2) આ જ રીતે હિ. સ. 9 ના અંતમાં જ્યારે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ પહેલા અને બીજા ખલીફાને સુરા-એ-બરાઅત આપીને મક્કાની તરફ રવાના કર્યા અને પછી તરત જ બન્ને બુઝુર્ગોને આ સન્માનથી દૂર કરીને આ કામ હઝરત અલી (અ.સ.) ને સોંપવામાં આવ્યું, તો બન્ને ‘‘બુઝુર્ગોને ઘણું દુ:ખ લાગ્યું.

(કુનુઝુલ ઉમ્માલ,ભાગ-1,પા.246, કુર્રતુલ-અયનૈન, પા.234, સહીહ બુખારી, પા.238)

આ પ્રસંગે પણ બધા મુસલમાનો જોઇ રહ્યા હતા કે હઝરત અબુબક્ર અને ઉમરે સુરા-એ-બરાઅતની તબ્લીગથી હટાવી દેવાથી આં હઝરત (સ.અ.વ.) સામે વિરોધ કરવાના આશયથી સવાલ જવાબ કર્યો કે આપે અમને આ સન્માનથી વંચિત શા માટે કર્યા …? તો ચિંતન અને મનન કરનારાઓ જવાબ આપે કે તેઓને આં હઝરત (સ.અ.વ.) ના નવાસાના માન અને મરબતાનો વિચાર કેવી રીતે આવે?

(3) જ્યારે આં હઝરત (સ.અ.વ.)એ ખુદાના હુકમથી હઝરત અલી (અ.સ.) ને ગદીરે ખુમમાં ઇમામ અને પેશ્ર્વા તરીકે નિમણુક કરીને જાહેરાત કરી દીધી કે જેનો હું મૌલા છું હવે તેના મૌલા, અલી (અ.સ.) છે. તેમ છતાં લોકોએ હકનો ઇન્કાર કર્યો. તો જ્યારે મુસલમાનોએ જોઇ લીધું કે ગદીરે ખુમમાં ખુદ જનાબે જીબ્રઇલે હઝરત ઉમરને કહ્યું કે ક્યાંક તમે આ (વચનની) ગાંઠને ખોલી ન નાખતા પરંતુ તેમણે તે ગાંઠ ખોલીજ નાખી.

(મોવદ્દતુલ કુરબા સૈયદ અલી હમદાની, પા. 16)

જે રસુલ (સ.અ.વ.) ની વફાત પછી હઝરત અલી (અ.સ.) ને ખલીફા માનવાથી અને તેમની તાબેદારી કરવાથી ફરી ગયા, તે હઝરત ઇમામ હુસયન (અ.સ.) ને ત્રીજા ઇમામ માનવાથી ઇન્કાર કરવાની હિમ્મત કેમ ન કરે?

(4) આવી જ રીતે મુસલમાનોએ એ જોઇ લીધું કે સરવરે કાએનાતે, હ. અબુ બક્ર અને ઉમરને ઓસામાની સરદારી હેઠળ મદીનાથી બહાર દૂરના સ્થળે ચાલ્યા જવાનો હુકમ દઇ રહ્યા હતા, જેથી રસુલ (સ.અ.વ.)ની વફાતના સમયે તે બન્ને સાહેબો આ જગ્યાએ હાજર ન રહે, પરંતુ તે લોકો કોઇ પણ રીતે ન ગયા, ન રસુલ (સ.અ.વ.) ના હકુમને માન્યો, ન મદીના છોડ્યું, ન રસુલ (સ.અ.વ.) નું કથન لعن اﷲ من تخلّف عن جیش اسامہનું અનુસરણ કર્યું.

(મેલલ વ નહેલ, ભાગ-1/10, શરહે ઇબ્ને અબીલ હદીદ, ભાગ – 2, પા. 21 વિગેરે.)

આ મુસલમાનોને ઇમામ હુસયન (અ.સ.) ની તાબેદારી કરવાની અને આપને સાથ આપવાની પરવા કેમ થતે? જ્યાં એક તરફ રસુલ (સ.અ.વ.) ઇમામ હુસયન (અ.સ.)ના બારામા ફરમાવતા હતા કે મારો આ ફરઝન્દ હુસયન (અ.સ.) કરબલાની જમીન ઉપર કતલ કરવામાં આવશે. તમારામાંથી જે માણસ તે સમયે હાજર હોય તે તેમની મદદ જરૂર કરે.

(માસબત બાસનત, પા. 11)

ત્યાં બીજી તરફ આજ રસુલ (સ.અ.વ.) ના આ તાકીદી હુકમનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આપ ઓસામાના લશ્કરની સાથે ચાલ્યા જવાનો હુકમ આપી રહ્યા હતા, જ્યારે અસહાબો પયગમ્બર (સ.અ.વ.) ની ખુદ હયાતીમાં રસુલ (સ.અ.વ.) ના હુકમનો અમલ નહોતા કરી રહ્યા. ત્યારે રસુલ (સ.અ.વ.) ના મૃત્યુના પચાસ વરસ પસાર થવા પછી આવનાર મુસલમાન ઇમામ હુસયન (અ.સ.) ના બારામાં રસુલ (સ.અ.વ.) ની ફરમાઇશને શા માટે માનતે?

(5) ‘કિરતાસ’ની હદીસ પણ કાંઇક આ રીતે છે. જ્યારે રસુલ (સ.અ.વ.) પોતાની પવિત્ર જીભથી જીવ નિછાવર કરવાનો દાવો કરનારા અસહાબોને ફરમાવતા રહ્યા કે મને કાગળ અને કલમ આપો કે હું એવો દસ્તાવેજ લખાવી દઉં જેનાથી મારા પછી તમે ગેરમાર્ગે દોરાઇ ન જાવ. પરંતુ તે લોકોએ રસુલ (સ.અ.વ.) ની વાતને જરાપણ ન સાંભળી. પરંતુ આપને આપના મોઢા ઉપર તાવમાં બકવાસ કરનારા કહી દીધા. અને બીજા અસહાબો આ વાતને ખુશીથી સાંભળતા રહ્યા.

(સહીહ બુખારી, ભાગ-1, પા. 106,મિશ્કાત, ભાગ-2,પા. 253,તબરી, ભાગ-3, પા.123, વિગેરે.)

તેઓ ઇમામ હુસયન (અ.સ.) ની મહોબ્બત અને લાગણી રાખવાના હુકમને શા માટે કબુલ કરતે અને આપને ઇમામ અને હિદાયત કરનાર માનવાની તાકીદ ક્યા કાનથી સાંભળતે?

(6) જે સમયે પયગમ્બર અકરમ (સ.અ.વ.) વફાત પામે છે તે સમયે બધા મુસલમાનો નહિ તો પણ મોટાભાગના અસહાબો મદીનામાં હાજર હતા. એક સામાન્ય મુસલમાન મરી જાય છે તો તેના ઓળખીતાઓ પોતાના જરૂરી કામો રોકીને દુ:ખમા ભાગ લેવાને પોતાની ફરજ સમજે છે. પરંતુ સય્યદુલ મુરસલીન (સ.અ.) મુસલમાનોથી કાયમ માટે વિદાય લઇ રહ્યા છે અને આપની ઉપર જાન કુરબાન કરવાનો દાવો કરનારા મોટા અસહાબો આપના પવિત્ર શરીરને કફન અને કબર વગર છોડીને ચાલ્યા જાય છે. અને આ ગેરહાજરી એક, બે કલાકની નહિ બલ્કે અલ્લામા તબરી જેવા વિશ્વાસપાત્ર અને પ્રખર ઇતિહાસકારે લખ્યું છે :

قبض النبی کان ابوبکر غَائبًا فجاء بعد ثلاث وَ لم یجتریٔ احدان یکشف عن وَجھہ

જ્યારે રસુલ (સ.અ.વ.) વફાત પામ્યા ત્યારે હઝરત અબુબક્ર ત્યાંથી અદ્રષ્ય હતા અને ત્રણ દિવસ પછી આવ્યા. તે દરમ્યાન કોઇ માણસની એ હિમ્મત ન થઇ કે હઝરત (સ.અ.વ.) નું મોઢું ખોલી શકે.

(તારીખે તબરી,ભાગ-3,પા.198,સીરતે હલબીયા,ભાગ-2,પા. 366)

અહિં મોલવી શીબ્લી સાહેબનું એક લખાણ નકલ કરવાની ઇચ્છા થાય છે. જે રસપ્રદ છે.

‘‘કોઇ અંદાજ કરી શકે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) વફાત પામે અને જે લોકોને તેમની સાથે પ્રેમ અને મોહબ્બતનો દાવો હોય તેઓ તેમને કફન અને કબર વગર છોડીને ચાલ્યા જાય. આશ્ર્ચર્ય ઉપર આશ્ર્ચર્ય એ છે કે આ કામ તે લોકોનું છે (હ. અબુબક્ર અને ઉમર) જેઓને ઇસ્લામના ઉચ્ચ કક્ષાના અનુયાયી ગણવામાં આવતા હતા. એવી રીતે કે જાણે તેઓની ઉપર કોઇ ઘટના જ ઘટી ન હતી.  (અલ ફારૂક, પા. 66)

જ્યારે ઇસ્લામના આવા પ્રખર અનુયાયીઓ ખુદ રસુલ (સ.અ.વ.) માટે આવું વર્તન કરે, જે એક સામાન્ય માનવી પણ ન કરી શકે ત્યારે હિ. સન 61 ના મુસલમાનો આ દુનિયાની બાદશાહત માટે ઇમામ હુસયન (અ.સ) નું લોહી શા માટે ન વહાવતે? ઇમામ હુસયન (અ.સ.) એ જ રસુલ (સ.અ.વ.) ના નવાસા હતા. જ્યારે નાનાને ન છોડ્યા તો નવાસા કેવી રીતે બચી જાય? તે સય્યદુલ મુરસલીનના જ ત્રીજા હકદાર વારસદાર હતા. જ્યારે સરદારની સાથે જ આ બધુ કરવામાં આવ્યું ત્યારે તેમના વારસદારો સાથે આ બધું થવું તે લગભગ તેનું જ અનુસરણ હતું. આ વર્તનમાં આપ પોતાના નાનાથી જુદા કઇ રીતે પડતે?

(7) પયગમ્બર અકરમ (સ.અ.વ.) એ વારંવાર હઝરત અલી (અ.સ.) ની ખીલાફતની જાહેરાત કરી દીધી હતી. તેમ છતાં પણ રસુલ (સ.અ.વ.) ની આંખ મીંચાતા જ તેમણે બધી જાહેરાતોને અવગણીને બની સાઅદના સકીફામાં પહોંચી ગયા અને પોતે ખિલાફતને પચાવી પાડી. પરંતુ હઝરત અલી (અ.સ.) એ જનાબ અબુબક્ર અને ઉમરને સ્પષ્ટ રીતે જણાવી દીધું :

تاخذوہ منّا اھل البیت غصبًا

તમે લોકો આ ખિલાફતને અમારી, (રસુલ (સ.અ.વ.)ની અહલેબયત) પાસેથી બળજબરીથી પચાવી પાડી તમારા કબ્જામાં રાખવા માગો છો.

(અલ ઇમામત વલ સિયાસત, પા. 19, પ્રકાશન મીસ્ર)

યઝીદ બીન મોઆવીયાએ પણ ઇમામ હુસયન (અ.સ.) ની સામે સકીફા જેવી જ કાર્યવાહી કરી. રસુલ (સ.અ.વ.) એ હ. અલી (અ.સ.), હસન (અ.સ.) અને હુસયન (અ.સ.) ના માટે જે ખિલાફતનો સ્પષ્ટ હુકમ ફરમાવ્યો હતો તે ખિલાફતને હઝરત અબુબક્ર અને ઉમરની જેમ જ હુસયન (અ.સ.) પાસેથી બળજબરીથી પડાવી લેવા ધાર્યું અને તે માટે ઇમામ હુસયન (અ.સ.) ને કતલ કરાવી નાખ્યા. કહેવાય છે કે જ્યારે એક હાશમી કુટુંબની વ્યક્તિને કોઇએ પુછ્યું કે ઇમામ હુસયન (અ.સ.) ને ક્યારે કતલ કરવામાં આવ્યા? ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમને તો બની સાઅદના સકીફાના દિવસે જ ઝબહુ કરી નાખવામાં આવ્યા હતા.

(કિતાબુલ અલ્ફાઝુલ કિતાબીયા, પ્રકાશન બૈરૂત પા. 143)

(8) જ્યારે હઝરત અલી (અ.સ.) એ બયઅત કરવાથી ઇન્કાર કર્યો, ત્યારે હ. ઉમર કેટલાક લોકો સાથે ત્‌યાં ગયા અને કહ્યું કે ખુદાની કસમ હું આ ઘરમાં આગ લગાડી તમો બધાને એમાં ફુંકી મારીશ, નહિ તો  અબુ-બકરની બયઅત કરો.

(તબરી, ભાગ – 3, પા. 198)

ખિલાફતના માટે જ હઝરત અલી (અ.સ.) ને ઉમરે સળગાવી દેવાની ધમકી આપી હતી અને ખિલાફતના કારણે જ યઝીદે પણ ઇમામ હુસયન (અ.સ.) ને કતલ કરવાનો હુકમ કર્યો. જો હિ. સન 61 ના મુસલમાનોએ આ ન જોયું હતે અને સાંભળ્યું હતે  તો તેઓને ક્યારેય ઇમામ હુસયન (અ.સ.) ને કતલ કરી નાખવાની હિમ્મત ન થાત.

(9) દરેક બાપનો વારસો પુત્ર અને પુત્રીને મળે છે. ખુદાએ કુરઆનમાં નબીઓ અને રસુલોને પણ આ સર્વ સામાન્ય હુકમથી આવરી લેવામાં આવ્યા છે. તેમાં કોઇ અપવાદ નથી. આજ કારણથી જનાબ રસુલ (સ.અ.વ.) ના મૃત્યુ પછી જ્યારે જનાબે સય્યદા (સ.અ.)એ જોયું કે ખિલાફતની સાથે રસુલના વારસા ઉપર પણ કબ્જો કરી લેવામાં આવ્યો છે ત્યારે હઝરત અબુ બક્રને  કહેવરાવ્યું કે મદીનામાં હઝરત રસુલ (સ.અ.વ.) ને જે મિલ્કત લડાઇ કર્યા વગર ખુદાએ ચોખ્ખે ચોખ્ખી અર્પણ  કરી છે તે અને ફીદક તથા ખૈબરના ખુમ્સમાંથી મારો વારસો મને આપી દો.

આના જવાબમાં હઝરત અબુબક્રે રસુલ (સ.અ.વ.)ના જે ફરમાનનો હવાલો આપ્યો તેની ઐતિહાસિક સચ્ચાઇ અને હકીકત, જ્ઞાન અને દ્રષ્ટિ ધરાવતા લોકો જાણે છે. પરંતુ એક વાત નક્કી છે કે જ્યારે જનાબે સય્યદા (સ.અ.)ને એક રતી જેટલી પણ કોઇ વસ્તુ ન મળી ત્યારે આપ હઝરત અબુબક્ર ઉપર ગુસ્સે થઇ ગયા અને મૃત્યુની છેલ્લી ઘડી સુધી તેની સાથે વાત ન કરી.

(સહીહ બુખારી, પા. 453, મુસ્લિમ 91, શરહ ઇબ્ને અબી અલ હદીદ, ભાગ-1, પા. 20, મદારજુલ નબુવત, ભાગ – 2, પા. 44)

જનાબે સય્યદા (સ.અ.)ના ફીદકના દાવાને રદ કરી દેવો અને પયગમ્બર (સ.અ.વ.) ના વારસાથી વંચિત કરી દેવા તે મોટા સહાબાઓનું વ્યવસ્થિત રીતે સમજી વિચારીને ઘડી કાઢેલું કાવત્રુ હતું. શરૂઆતથી જ મુસલમાનોમાં એક એવી જમાત ઊભી થઇ ચૂકી હતી જે ખુદા અને રસુલ (સ.અ.વ.) ના બધા નિયમોને વેર વિખેર કરતા રહ્યા. કારણ કે અહેબયત (અ.સ.) પૂરેપૂરી રીતે એ જ મર્યાદામાં રહેતા જેમાં ખુદા અને રસુલ (સ.અ.વ.) એ મર્યાદિત કર્યા હતા પરંતુ આ વાત તે જમાતને પસંદ ન હતી. તે માટે જનાબે સય્યદા (સ.અ.)ને વારસો ન આપ્યો કે જો આ લોકો પાસે આવકનું કોઇપણ સાધન રહેશે તો તેઓ ઇસ્લામની એવી જ રીતે ખીદમત કરશે જે ખીદમત રસુલ (સ.અ.વ.) કરતા હતા. આ બારામાં અસહાબોને ન ખુદાના અઝાબનો ભય હતો ન રસુલ (સ.અ.વ.) ની વસીયતની કોઇ પરવા હતી. ઇમામ હુસયન (અ.સ.) છેવટે તો જનાબે સય્યદા (સ.અ.)ના લાલ હતા. દુનિયાદારીમાં જો તે મોટી અડચણરૂપ હતા, તો તેમને (ઇમામ અ.સ.ને) કેવી રીતે છોડી દેવામાં આવે. અહિં યઝીદે એ જ કર્યું જે તેના પૂર્વજો એ કરી દેખાડ્યું હતું. હિ. સન 11 થી હિ. સન 61 સુધી ઇસ્લામ ઉપર જે રાજકર્તાઓની સત્તા હતી તેના તંત્રને તેણે પણ જોયું અને લોકો પાસેથી સાંભળ્યું અને તેના ઉપર તૈયારી સાથે અમલ કર્યો.

અત્યારે સુધી જે હેતુ રજુ કરવામાં આવ્યા તે પછી વાંચકો અને અભ્યાસ કરનારાઓ ખુદ બતાવો કે શું ઇમામ હુસયન (અ.સ.) ની શહાદતનો સંબંધ માત્ર યઝીદ પૂરતો હતો કે તે બુઝુર્ગોનો હાથ પણ સ્પષ્ટ રીતે દેખાઇ આવે છે, જેઓ રસુલ (સ.અ.વ.) ની આંખ બંધ થતા જ ઇસ્લામ અને મુસલમાનોના કર્તા હર્તા બની ગયા હતા. આપ જીભથી ભલે કાંઇ પણ ન બોલો પરંતુ બનાવો તો બોલશે. પ્રસંગોનો નાશ નથી થઇ શક્તો. આજ બનાવોથી આપની સમજણ આપનું મગજ આપની બુદ્ધિ તેના નતીજાઓને રોકી નથી શક્તા. આજ કારણ હતું કે અહલે સુન્નતના પેશ્ર્વાઓ અને બુઝુર્ગો એ હંમેશા લોકોને તાકીદ કરી હતી કે ખબરદાર, ઇમામ હુસયન (અ.સ.) ની શહાદતના પ્રસંગોને ન બયાન કરો. મુસલમાનોને એ તક જ ન આપો કે તેઓ ઇમામ હુસયન (અ.સ.) ની શહાદતના મૂળ ઘટનાક્રમની તરફ પોતાના મગજને દોરી જાય.

(10) દરમ્યાનમાના બીજા બધા કારણોને બાજુ ઉપર રાખીને વાંચકોનું ધ્યાન એક સૌથી વધુ મહત્વના કારણ તરફ દોરવા માગીએ છીએ. તે એ છે કે જાહેરી ઇસ્લામની સાથે જ બની ઉમય્યાનો ઉદય થયો અને મોઆવીયા બીન અબી સુફયાને સત્તા સંભાળી છે. અત્યાર સુધીના બધા બનાવો કોઇ સૌથી વધુ મહત્વના હેતુ માટે (એક પ્રસ્તાવના રૂપે) હતા કે જેને મેળવવા માટે  મોઆવીયા બીન અબુ સુફયાન  અને તેના પછી યઝીદને લાવવામાં આવ્યો હતો. મોઆવીયા જે ચાલાકી, લુચ્ચાઇ છળકપટ અને દગાથી સત્તા ઉપર ચડી બેઠો હતો તે જગ જાહેર છે. તેણે સત્તા ઉપર કબ્જો મેળવ્યા પછી જે જુલ્મ અને અત્યાચાર ગુજાર્યો છે તેનું ઉદાહરણ ઇતિહાસમાં શોધ્યું નથી જડતું. એવી એવી અજોડ અને મહાન વિભુતીઓના માથા વાઢી નાખ્યા કે જે સાંભળીને દુશ્મન પણ બેબાકળો થઇને ચીખો પાડીને રડવા લાગે છે. ઇમામ હુસયન (અ.સ.) એ પોતાના પત્રમાં આ જ અત્યાચારો તરફ સંકેત કર્યો છે. જો મોઆવીયાના જીવનમાં તેણે કરેલ ઇસ્લામ વિરૂદ્ધના બધા બળવાઓ ઉપર ઢાંક પીછોડો કરવામાં આવે તો પણ હુજર બીન અદી અને અમરૂ બની અલ હમક અલ ખુઝાઇને કતલ કરવાનો સંગીન ગુનો તેના વિનાશ માટે પુરતો થશે. આ બાબત અંગે હસન બસરીનું એક કથન નોંધ કરવા જેવું છે, જેનાથી મોઆવીયાના જીવનની વિગત પણ જાણવા મળશે. “મોઆવીયાએ ચાર બાબતો એવી કરી કે તેમાંની એક પણ તેના વિનાશ અને નાબુદી માટે પુરતી છે.” પહેલું અજ્ઞાન લોકોની મદદથી, ઉમ્મતના મશ્વેરા વગર ખિલાફત ઉપર કબ્જો મેળવી લીધો. જો કે તે જમાનામાં રસુલ (સ.અ.વ.) ના અસહાબો અને નામાકિંત બુઝુર્ગો  હાજર હતા. બીજું પોતાનો પુત્ર જે શરાબી અને નશાબાજ હતો, રેશમના કપડાં પહેરતો હતો અને તંબુરો વગાડતો હતો, તેને પોતાનો વારસદાર બનાવ્યો. ત્રીજું, ઝીયાદને પોતાના પિતા અબુ સુફયાનનો પુત્ર ગણાવ્યો. જો કે રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે પુત્ર તેનો જ ગણી શકાય જે સ્ત્રીને અસલ પતિ હોય, ઝીના કરનારાના માટે માત્ર પથ્થરો છે. ચોથું હુજર અને અસહાબે હુજરને કતલ કરવા.

(કામીલ ઇબ્ને અસીર ભાગ – 2, પા. 45 અને ભાગ – 3,  પા. 24પ, પ્રિન્ટીંગ મીસર સન 1301 અબુલ ફ્રીદા ભાગ – 1,પા. 196 તબરી ભાગ – 6, પા.157)

અલ્લામા તબરી બીજી એક રસપ્રદ બાબત નકલ કરે છે: જ્યારે હસને બસરીને હુજર અને તેમના સાથીઓને કતલ કર્યાની વિગતની જાણ થઇ ત્યારે પુછ્યું, “શું તેઓની નમાઝે જનાઝા પડવામાં આવી હતી? કફન આપવામાં આવ્યું હતું? દફન કરવામાં  આવ્યા હતા? લાશ કિબ્લા તરફ રાખવામાં આવી હતી? તેને જાણ થઇ કે આ બધું કરવામાં આવ્યું હતું તો હસને બસરીએ કહ્યું : “તો પછી ખુદાની કસમ! તેમની હજ્જત પૂરી થઇ ગઇ. ”

(તબરી, ભાગ – 6, પા. 155)

તેનો અર્થ એ થાય છે કે લાશોની સાથે ઇસ્લામી હુકમો બજાવી લાવવા તે તેઓના મુસલમાન હોવાની સાબિતી છે. તો પછી તેઓનું ખૂન કરવું હલાલ કેવી રીતે હોય શકે? તે સમયના ઇસ્લામી વાતાવરણમાં હુજર બીન અદીનું સ્થાન કેટલું ઉચ્ચ હતું તેનો અંદાજ એ વાતથી કરી શકાય છે કે જ્યારે આએશાને આ ઘટનાની ખબર આપવામાં આવી ત્યારે તેમણે કહ્યું “ખુદાની કસમ આ લોકો પોતાની ઇલ્મની શક્તિ અને ફકીહ હોવાને નાતે અરબના મસ્તક અને મગજ (બુદ્ધિશાળી) ગણવામા આવતા હતા.”

(શહીદે ઇન્સાનિયત, પા. 133)

આ સિવાય ખુદ મોઆવીયાને હુજરના નિર્દોષ કતલ કરવાના ગુનાહનો એહસાસ થઇ ચૂક્યો હતો. મોહમ્મદ બીન સીરીનની રિવાયત છે કે જ્યારે મોઆવીયાના મૃત્યુનો સમય નજદિક આવ્યો ત્યારે તેને ભય લાગ્યો અને કહ્યું : ‘‘એ હુજર તમારા કતલથી મને લાંબા દિવસનો સામનો થશે.

(તબરી , ભાગ – 6, પા. 143)

આવી જ રીતે અમરૂ બીન અલહમક અલ ખુઝાઇ એક બુઝુર્ગ સહાબી હતા. તેમને હઝરત પયગમ્બર (સ.અ.વ.) એ સલામ કહેવરાવ્યા હતા. તે કારણથી તેમને ઘણું ઉંચ્ચું સ્થાન ધરાવતા ઇન્સાન ગણવામાં આવતા હતા. મોઆવીયાના હુકમથી આપને પકડીને ભાલાના નવ ઘા કરવામાં આવ્યા હતા. જ્યારે પહેલા કે બીજા ભાલાના ઘા થી જીવ નીકળી ચૂક્યો હતો.

(તબરી, ભાગ – 6, પા. 148)

ઈતિહાસના વર્ણન મુજબ ઇસ્લામમાં સૌથી પહેલું માથું જે ભાલાની અણિ ઉપર ઉંચુ કરવામાં આવ્યું હતું તે તેમનું માથું હતું.

આ એજ પ્રસંગો છે જેનાથી અલી (અ.સ.)ના શીયાઓમાં ઝંઝાવાત ફેલાઇ ગયો અને હઝરત ઇમામ હુસયન (અ.સ.) ઉપર પણ ઊંડી અસર થઇ. તે પછી ભાઇ ઇમામ હસન (અ.સ.) ની શહાદત માત્ર આપના માટે નહિ બલ્કે તમામ શીયા અને બની હાશિમ માટે એક કઠોર બનાવ અને મહાન ઘટના હતી. જેથી બની હાશિમે એક મહિના સુધી સોગ પાળ્યો.

(મુસ્તદરકે હાકીમ, 3/173)

ત્યાં સુધી કે ભાઇની શહાદત પછી ઇરાકના શીયાઓમાં ક્રાન્તિ પેદા થઇ. અને તેઓએ ઇમામ હુસયન (અ.સ.) ને પત્ર લખ્યો કે અમે લોકો મોઆવીયાની બયઅત તોડીને આપની બયઅત કરવા તૈયાર છીએ. પરંતુ આપે ફરમાવ્યું : “નહિ, અમારી અને મોઆવીયાની વચ્ચે સુલેહનો કરાર થઇ ચૂકયો છે તેને તોડવો મારા માટે યોગ્ય નથી. બેશક, જયારે મોઆવીયાનું મૃત્યુ થશે ત્યારે જોયું જશે.”

(ઇરશાદ 206)

બીજી તરફ મોઆવીયા બધી રીતે એવો પ્રયત્નશીલ હતો કે પોતાના તરફથી કોઇ બળજબરીની પહેલ ન કરે. બલ્કે હુસયન બીન અલી (અ.સ.) જુસ્સામાં આવીને એવું પગલું ભરી બેસે કે જેથી જાહેર શાંતિમાં ખલલ પહોંચાડવાની જવાબદારી તેમના શીરે ઠોકી બેસાડાય. પરંતુ ઇમામ હુસયન (અ.સ.) પણ ભવિષ્યની ઘટનાઓથી ન અજ્ઞાત હતા ન અજાણ હતા. બલ્કે હુસયન (અ.સ.) ઇચ્છતા હતા કે હું ચૂપ રહું અને હરીફ કોઇ કાર્યની પહેલ કરે. ખરેખર તો કરબલાની લડાઇ તેના નજદિકના પ્રસંગોના કારણે અહિંથી જ શરૂ થઇ જાય છે. આ એક ધીરજની કસોટી કરનાર નફસેયાતી ખેંચતાણ હતી. જે ન જાણે ક્યાં સુધી ચાલુ રહેત. પરંતુ હુસયન બીન અલી (અ.સ.) પોતાની દૂરઅંદેશી અને અર્થપૂર્ણ ધીરજ અને શાંતિથી શરતોને ભંગ થતા અને શામની હકુમતના રંગરૂપને જોતા રહ્યા. જ્યારે મોઆવીયાને ભય પેદા થયો કે કયાંક આપ વિરોધ કરવા માટે સામે ઉભા ન થાય ત્યારે તેણે આપના નામે એક સલાહ સૂચનથી ભરપુર એક પત્ર લખ્યો. (જે આ પહેલા લેખમાં ઉપર નકલ થઇ ચૂક્યો છે.) જેના જવાબમાં હવે ઇમામ હુસયન (અ.સ.) ચૂપ ન રહી શકયા. આપે શામના અમીરે સુલેહના કરારનો ભંગ કરતી એક પછી એક દરેક બાબતોને ગણાવી દીધી અને સખત શબ્દોમાં તેની ઝાટકણી કરી. અંતમાં આ ઐતેહાસિક લખાણને વાંચકોને હવાલે કરીએ છીએ.

તમારો પત્ર મળ્યો. જેમાં તમે લખ્યું છે કે તમારો વિરોધ કરવા માટે મારા વિશેની અમૂક ખબર મળી છે. જેની તમને આશા ન હતી. તમને જે ખબર મળી છે તે તમારા ખુશમતીયાઓ અને ચાડીચુગલી કરનારાઓ પાસેથી મળી છે. જે આરોપો અને આક્ષેપો સમાન છે. હું હાલમાં તમારી સાથે વિરોધ અને લડાઇનો કોઇ ઇરાદો ધરાવતો નથી અને ચૂપ છું. પરંતુ તમને ખબર હોવી જોઇએ કે હું આ ચૂપકીદીથી ખુશ નથી. મને મારી આ ચૂપકીદીથી એ અંદેશો રહે છે કે કયાંક ખુદા આ કારણે મારાથી નારાજ ન થઇ જાય. મારી આ ચૂપકીદી તમારા માટે કે તમારા ખુશામતીયાઓ માટે કોઇ ખાત્રી નથી બની શકતી. કેમ મોઆવીયા ! શું તમેજ એ વ્યક્તિ નથી જેણે હુજરે કિન્દીને  કતલ કર્યા? શું તમે જ તે નથી જેણે પોતાના નમાઝી અને પરહેઝગારોને કતલ કર્યા, જે જુલ્મ અને બીદઅત પસંદ કરતા ન હતા? અને દીનના અંગે કોઇ વ્યક્તિની ટીકાઓની પરવા કરતા ન હતા. જો કે તમે તેઓની સામે મોટી કસમો ખાઇને પાકું વચન આપી ચૂક્યા હતા. તેઓએ દેશમાં ન કોઇ ફીત્નો પેદા કર્યો હતો ન તમારો વિરોધ કર્યો હતો. તેમ છતાં તમે તેઓને કતલ કર્યા વગર ન છોડયા. શું તમેજ તે વ્યક્તિ નથી કે જેણે રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબી અમરૂ બીન અલ હમક અલ ખુઝાઇને કતલ કર્યા. જે એવા નિખાલસ અને ઇબાદત કરનાર બંદા હતા અને ઇબાદત કરવાથી તેમનું શરીર ગળી ગયું હતું. શરીર ઢળી ગયું હતું. શક્તિઓ ક્ષીણ થઇ ગઇ હતી. અને ચહેરા પર પીળાશ છવાઇ ગઇ હતી. તમે પહેલા તેને રક્ષણ પુરૂં પાડયું હતું અને એવુ મજબુત વચન આપ્યું હતું કે જો એવું વચન કોઇ જાનવરને પણ આપવામાં આવતે તો તે પર્વતની ટોચ ઉપરથી ઉતરીને પાસે આવી જતે. પછી તમે હિમ્મત પૂર્વક તે વચનને તોડ્યું અને કોઇ પણ વાંક ગુનાહ વગર નિર્દોષને મારી નાખ્યા. શું તમે એ જ માણસ નથી, જેણે બની સકીફાના ગુલામ, અબ્દેનામીના પુત્ર, ઝિયાદ બીન સુમાયાને પોતાના બાપ અબુ સુફયાનનો પુત્ર બનાવ્યો. જો કે રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે પુત્ર તેનોજ ગણવામાં આવશે, જે સ્ત્રીનો અસલ પતિ હોય અને વ્યભિચાર કરનારને માત્ર પથ્થરો અને બીજું કાંઇ નહિ. પરંતુ તમે તમારી કપટી ઇચ્છાના કારણે રસુલ (સ.અ.વ.) (ના કથન) ને અવગણી નાખ્યા. તેને તમારા ભાઇ બનાવીને ઇરાકીઓના હાકીમ બનાવી દીધા. જેથી તે મુસલમાનોના હાથ પગ કાપી નાખે અને તેઓની આંખોને લોખંડના ગરમ સળીયાથી ફોડે અને ઝાડોની ડાળીઓ ઉપર લટકાવીને મારે. શું તમે એ જ માણસ નથી, જેણે ઝિયાદબીન સુમાયાને લખ્યું હતું કે જે લોકો અલી (અ.સ.) ના દીન ઉપર છે, તેઓમાંના એકને પણ જીવતા ન છોડો. તેણે બધાને મારી નાખ્યા. અને નાક કાન પણ કાપી નાંખ્યા. જે તમે મને લખ્યું છે કે હું મારા નફસનો મારા દીનનો અને મોહમ્મદની ઉમ્મતનું ધ્યાન રાખું તેમાં ફાટફૂટ ન પડાવું અને લોકોને વેર વિખેર કરવાથી અટકી જાઉં, તો મારા ખ્યાલથી આ ઉમ્મતમાં તમારી ખિલાફત અને હકુમતથી વધીને કોઇ ફાટફૂટ કે ઝઘડો નથી. હું મારા નફસ મારો દીન અને મોહમ્મદની ઉમ્મતના માટે કોઇ લાભને તેનાથી વધુ નથી ગણતો કે હું તેમ કરૂં તો નિ:શંક અલ્લાહની નજદિકી વાજીબ થશે. અને જો ન કરૂં અને ચૂપ રહું તો તે માટે ખુદાની માફી માંગીશ તેની હિદાયત અને માર્ગદર્શનની દોઆ કરીશ. આ જે તમે તમારા પત્રમાં લખ્યું છે.‘‘જો તમે મારી બાબતમાં દગા અને કપટથી દુશ્મની રાખી તો હું પીછે હટ નહિ  કં. જો આપ મારા હકનો ઇન્કાર કરશો તો હું પણ આપની મોટાઇનો ઇન્કાર કરીશ. તું સાંભળી લે! આજથી જ તારી દગાબાજી, કપટ અને ચાલબાજીની શરૂઆત કરી દે. મને ખાત્રી છે કે તારી દગાબાજી અને કપટની ચીનગારી મારી સુધી પહોંચી શકે તેમ નથી. બલ્કે તેનો બધો અઝાબ તારે ભોગવવો પડશે. કારણ કે હું જોઇ રહ્યો છું કે આ તું છે, જે નાદાન ઘોડા ઉપર સવાર થઇને ચારે બાજુએ ફાંફા મારી રહયો છો. આ તું છે જેણે બધા વાયદા અને વચનને અવગણ્યા છે. હું મારી જાનની કસમ ખાઇને કહું છું કે વાયદા અને વચનનો કરાર કર્યા પછી દીનદાર જમાતને કતલ કરીને તે દેખાડી દીધું કે તારા વચન ઉપર તું અડગ નથી. સુલેહની શરતો પૈકી એક પણ શરતને પાળી નથી. તે લોકોએ ન તો તારી સાથે લડાઇ કરી હતી ન ખૂન વહાવ્યું હતું. હા, તેઓની માત્ર એક ભુલ હતી કે તેઓ અમારૂં નામ લેતા હતા.અને અમારા હકનું સન્માન કરતા હતા. તેં તેઓને કતલ કર્યા માત્ર એટલા માટે કે તને ભય હતો તેઓના મરવાની પહેલાં તં દુનિયાથી ચાલ્યો જાય અથવા ધરપકડ થતાં પહેલાં દુનિયાથી ચાલ્યો ન જાય. એ મોઆવીયા ! એક વાત સારી પેઠે જાણી લે કે ખુદાને ત્યાં તારા બધા નાના મોટા ગુનાહોનો હિસાબ મૌજુદ છે. એક એક કણનો હિસાબ કિતાબ થવાનો છે અને બદલો લઇને જ છોડશે. શું તું એમ માને છે કે તેં લોકો ઉપર જે માની ન શકાય તેવા આરોપો મૂકીને કતલ કર્યા, અલ્લાહવાળાઓને દૂર દૂરના શહેરોની તરફ તડીપાર કર્યા, શરાબ પીનારા અને કુતરાઓ સાથે રમનારા અબુધોને મુસલમાનોના હાકીમ બનાવ્યા, તો શું ખુદા આ બધી બાબતોને ભૂલી જશે? ક્યારેય નહીં.

એ મોઆવીયા! હું જોઇ રહ્યો છું કે તેં તારી જાતને હલાક કરી. તારા દીનનો વિનાશ કર્યો તેમજ મુસલમાનોની ઉમ્મતને લાચાર અને હાલ હવાલ કરી નાંખી. જે અમાનતોને તારા ખભા ઉપર ઉપાડીને ફરી રહ્યો છે તેને સુરક્ષિત ન રાખી. જાણી લે કે આ તું તે છે જે નાદાન અને મૂર્ખાઅની સલાહ લે છે અને અલ્લાહનો ભય રાખનારા બુદ્ધિશાળી લોકોથી ભાગતો ફરે છે. વસ્સલામ

(અલ ઇમામ વલ સીયાસહ પા. 179-180)

writing essay

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *