અલમ અને અલમબરદારના નવા દ્રષ્ટિકોણ

Print Friendly, PDF & Email

“હઝરત અબ્બાસ(અ.સ.)” અને “અલમ કરબલા”ની લોહીભીની દાસ્તાનના એવા બે શબ્દો છે કે જે દરેક ઇમાન અને મઅરેફત ધરાવનાર શખ્સને ચિંતન અને મનન કરવાની પ્રેરણા આપે છે. જેવી આ અલમદારની કલ્પના આવે છે કે જેના ખભા ઉપર ઇસ્લામનો ધ્વજ લહેરાતો હતો કે તરતજ કેટલાય કાવાદાવા અને ષડયંત્રો ઉઘાડા પડી જાય છે. એ કાવત્રાઓ કે જે ઇસ્લામના ઉદયકાળમાં કરબલાની ઘટનાના વર્ષો અગાઉ ઘડવામાં આવ્યા હતા. મુસલમાન (એટલે કે મુનાફીકો) અને ગૈર મુસલમાન લોકોના કાવત્રાઓ, ઇસ્લામની ભવ્ય અને પવિત્ર ઇલાહી હકુમતના મૂળને ઉખાડીને ઉથલાવી નાંખવા માટે રમાયેલી હજારો રાજકીય રમતો, આ કાવત્રાઓ અને ષડયંત્રોમાં મક્કા અને મદીના વચ્ચે યહુદીઓની આવનજાવનમાં આવેલી તેજી, તેમજ 11 વર્ષના ટૂંકા ગાળામાં લડાયેલી 80 જેટલી મોટી લડાઇઓ વિગેરે… એવા કેટલાય પ્રકરણો ખુલ્યા જેના લીધે આ દુનિયા અને આખેરત વચ્ચેના માર્ગ ઉપર પસાર થતા દરેક માઇલ સ્ટોન ઉપર પ્રશ્ર્નો દેખાવા લાગ્યા. જેમ કે,

ભૂતકાળની લડાઇઓમાં શું દુશ્મનોના શક્તિશાળી અને વિશાળ લશ્કરની સામે મુસલમાનો હંમેશા લઘુમતીમાંજ હતા? શું કરબલા તેની અંતિમ છબી હતી?

પ્રારંભીક તબક્કાની ઇસ્લામની લડાઇઓમાં શું છુપા કાવત્રાખોરો, ફીત્નાખોરો અને યહુદીઓનો દોરીસંચાર પોતાની પુરી તાકતની સાથે સામે આવી રહ્યો હતો?

જો એમજ હતું તો ઇસ્લામનો બચાવ કરનારા કે જેઓ ખરેખરા બચાવનારા હતા તેમણે તેના જવાબ રુપે શું ભાગ ભજવ્યો?

જેમ અલ્લાહના રસુલ(સ.અ.વ.)નો અંતિમ કાળ નઝદીક આવતો ગયો તેમ શું કોઇ નવો ધ્વજ, નવા ષડયંત્રની હેઠળ બહાર આવ્યો હતો કે જેને સકીફામાં લહેરાવવામાં આવ્યો હતો?

શું હઝરતે અબ્બાસ(અ.સ.)એ આ શક્તિશાળી કાવત્રાઓ અને શૈતાની ષડયંત્રોને ઉઘાડા પાડી દીધા કે જેને નઝદીકના ભૂતકાળમાં ઘડવામાં આવ્યા હતા?

શું આ બધા પ્રશ્ર્નોનો સંબંધ ઇમામ હુસૈન (અ.સ.)ના અલમદારની સાથે છે કે નહી?

પહેલા પ્રશ્ર્નનું મુલ્યાંકન કરતા જે હકીકત આપણી નજર સમક્ષ આવે છે તે બદ્રની લડાઇ છે. આ લડાઇમાં એક તરફ કુફ્ફારે મક્કાનું એક હજારનું મજબુત લશ્કર હતું જે આધુનિક શસ્ત્રો, ઘોડે સવારો, તીર અંદાજો અને પાયદળવાળુ લશ્કર હતું. જ્યારે બીજી તરફ માત્ર 313 લોકો ઇસ્લામની મદદ અને ઇસ્લામના રક્ષણ માટે બહાર આવ્યા હતા.

આ લડાઇની જીત હઝરત અલી(અ.સ.)ના હાથે થઇ અને ઉતબા, શયબા અને વલીદ જેવા અરબના પ્રખ્યાત લડવૈયાઓ હઝરત અલી(અ.સ.)ના હાથે કત્લ થઇ ગયા. આમ જ્યારે ઇસ્લામે પોતાના રક્ષણ અને પ્રતિકારની શરૂઆત કરી ત્યારે થોડા મુસલમાનો ઉપર કાફીરોએ પોતાની સંપૂર્ણ તાકત અને વિપુલ સંખ્યાની સાથે હુમલો કર્યો હતો. તેઓએ પોતાના સંપૂર્ણ સામર્થયને ઇસ્લામના બહાદુર લડવૈયાઓની સામે ઠાલવી દીધું હતું અને તેમનો પાંચનો મુકાબલો એક (મુસલમાન)ની સામે હતો. તેમ છતાં બદ્રના મેદાનમાં મુસલમાનોનો વિજય થયો. મુશ્રીકો હારીને નામોશીની સાથે ભાગી ગયા.

એક નજર હવે કરબલાની લડાઇ ઉપર નાંખો. એક તરફ હઝરત અબ્બાસ(અ.સ.) છે અને બીજી તરફ ત્રીસ હજારનું નિષ્ઠુર લશ્કર. અગાઉની લડાઇમાં ઇસ્લામના બહાદૂર લડવૈ્યા હઝરત અલી(અ.સ.)ની સામે ત્રણસો ઇસ્લામના દુશ્મનો આવ્યા હતા જ્યારે હવે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના નાના એવા લશ્કરના અલમદાર હઝરત અબ્બાસ(અ.સ.) પોતાના તરસ્યા ભત્રીજાઓ અને ભત્રીજીઓ માટે ફુરાતના કીનારે પાણી લેવા માટે ગયા, ત્યારે ત્રીસ હજારના દંભી, મુનાફીક અને કહેવાતા મુસલમાનોના લશ્કરે તેમનો રસ્તો રોક્યો. જો કે અગાઉની જપાજપીમાં અમૂક હજાર લોકોને જહન્નમ ભેગા કરી ચૂક્યા હતા છતાં હજારો લોકો હઝરત અબ્બાસ(અ.સ.) અને નહેરની દરમ્યાન રાહ જોતા ઊભા હતા. તેઓ પાણી ન લાવી શક્યા તે બીજી લડાઇ હતી. પરંતુ પહેલી લડાઇમાં આપ(અ.સ.)એ ફુરાતનો કબજો મેળવી લીધો. જરૂરત છે વિચાર કરવાની, જરૂર છે અલી(અ.સ.)ના લાલની શક્તિને જાણવાની અને પૃથ્થકરણ કરવાની, કરબલાની લડાઇ અને બદ્રની લડાઇની સરખામણી અને તુલના કરવાની, અલી(અ.સ.)ની તમન્ના ઉપર ચિંતન અને મનન કરવાની કે અલ્લાહે કેવી રીતે અલી(અ.સ.)ની તમન્નાને પુરી કરી. ઇસ્લામની કેવી દશા કરવામાં આવી હતી. તુલનાત્મક દ્રષ્ટિથી જોઇએ તો ઇસ્લામ બદ્રની લડાઇ પહેલા બહજ સારી હાલતમાં હતો અને હિજરી સન 61માં તેની હાલત ઘણી જ કફોડી બની ગઇ હતી. જંગે બદ્રમાં 313 સીપાહીઓ આગળ આવ્યા હતા અને હવે ફક્ત 72 વ્યક્તિઓ જ હતા. જંગે બદ્ર  પહેલા કાફીરો અને મુશ્રીકોની સંખ્યા 1500ની હતી અને હવે મુનાફીકોની સંખ્યા 30,000થી પણ વધારે હતી. તે વખતે કુફ્ર અને શીર્ક હતું. અહીંયા તો મુનાફીકો હતા. આ મુનાફીકો સાથેની લડાઇમાં દગાબાજી અને છળકપટના હજારો ઉસ્તાદો ઇસ્લામના પહેરવેશમાં દેખાતા હતા જે આજ સુધી બાકી છે. અને તે સમયથી છે કે જ્યારથી અલ્લાહે અલી(અ.સ.) અને અવલાદે અલી (અ.સ.)ને ઇસ્લામની દેખરેખનું કામ સોંપ્યું હતું. જેમ જેમ સાજીશો ઊંડી ઉતરતી ગઇ તેમ તેમ આ અલમદારી અતીશય મુશ્કેલીઓમાં પણ બહુજ શાનની સાથે ઇસ્લામની ઓળખ બાકી રાખવામાં અને ઇસ્લામની હિફાઝત કરવામાં સફળ રહી.

બીજા સવાલ ઉપર વિચાર કરીએ તો થોડી વધુ હકીકતો ખુલ્લી પડશે કે જંગે ઓહદ એક એવી જંગ છે જેમાં યહુદીઓના એક બહુ મોટા ષડયંત્ર ઉપરથી પડદો ઉચકાયો. થોડા દિવસો પહેલા મસ્જીદે ઝેરારને તોડી પાડવામાં આવી હતી જે મુનાફીક અબ્દુલ્લાહ બીન ઓબયએ મુનાફેકતના કેન્દ્ર તરીકે બનાવી હતી. અબ્દુલ્લાહ બીન ઓબય અને રાહીલ આમીર બન્ને ગાઢ મિત્રો હતા. આમીરના દિકરા હન્ઝલા અને અબ્દુલ્લા બીન ઓબેયની દિકરી જમીલહના લગ્નના બીજા દિવસની સવારમાં ઇસ્લામી લશ્કર ઓહદના મેદાન તરફ કુચ કરી રહ્યું હતું. હન્ઝલા અને જમીલહ પહેલેથી જ ઇમાન લાવી ચુક્યા હતા. અને બન્નેના પિતા અબુ સુફયાન તરફથી લડી રહ્યા હતા જ્યારે કે હન્ઝલા ઇસ્લામી લશ્કર તરફથી લડી રહ્યા હતા. ઇતિહાસમાં છે કે જ્યારે હન્ઝલા  અબુ સુફયાનની તરફ ભાલા સાથે ઝપટ્યો તો અબુ સુફયાન આમીરની પાછળ સંતાઇ ગયો અને બુમ પાડી કે તારો દીકરો મને મારી નાખવા માંગે છે. “ગસીલુલ મલાએકા (જેને ફરીશ્તાઓએ ગુસ્લ આપ્યું હોય) હન્ઝલા  આ જંગમાં શહીદ થયા. આ મુસલમાન અને મુનાફીક વચ્ચેની ભેદરેખા છે. એક બાજુ હન્ઝલા છે અને બીજી બાજુ આમીર અને અબુ સુફયાન છે. ઇતિહાસ ગવાહ છે કે આ જંગમાં એવો સમય પણ આવ્યો કે અલી(અ.સ.) એકલા આટલા મોટા લશ્કર સામે લડ્યા કે જેનો સેનાપતી ખાલીદ બીન વલીદ હતો. અલી(અ.સ.)એ આ જંગ જીતી લીધી. ઉપરાંત ખૈબરની લડાઇ જીતી અને આ બન્ને લડાઇઓ યહુદીઓના ષડયંત્રોનું પરિણામ હતી. અબુસુફયાનનું ષડયંત્ર મુશ્રીકો અને યહુદીઓના ષડયંત્રોની સાથે દોરીની જેમ બંધાએલું હતું. જેને હ. અલી(અ.સ.)ની તલવારે કાપી નાખ્યું હતું. આજ ષડયંત્ર વધારે અને વધારે મજબુત અને ન તૂટી શકે તેવા દોરડાની જેમ કરબલામાં આવ્યું હતું અને ઇસ્લામી લશ્કરની સામે અબુ સુફીયાનના પૌત્ર યઝીદનું તાકતવાન લશ્કર ત્રીસ હજાર સીપાહી સાથે લડવા માટે તૈયાર હતું. આજે ફરી વખત ષડયંત્રને તોડી પાડવા અને તૌહીદના ધ્વજને લહેરાવવા માટે એવો સમય આવી પડ્યો હતો કે જ્યાં હજારો ખાલીદ બીન વલીદ સામે અલી(અ.સ.)ના લાલ અબ્બાસ અલમદાર(અ.સ.) એકલા ઊભા હતા. નહેરનો કબ્જો મેળવવાનો પડકાર છે. ઇતિહાસકારના હાથમાં કલમ છે. યઝીદ ઉપર મુનાફેક્ત અને યઝિદીયત સવાર છે. જોવાનું છે કે ફોજનો હુમલો આ સિંહ ‡ અબ્બાસ નામદાર(અ.સ.)ને નહેર સુધી પહોંચવા દે છે કે નહી? ઇતિહાસકારે આ લખી કલમ મૂકી દીધી હશે કે અબ્બાસ(અ.સ.)એ બદ્ર, હુનૈન, ખંદક અને ખૈબરના ઇતિહાસનું પુનરાવર્તન એવી શાનથી કર્યું કે ઇસ્લામની લાજ બાકી રહી ગઇ. અને યહુદીઓની સાજીશના અબ્બાસ(અ.સ.)ની તલવારે ચીથરા ઉડાડી નાખ્યા. પયગમ્બરે ઇસ્લામ(સ.અ.વ.)ની વફાત પહેલાથી જ એક ગુપ્ત ષડયંત્ર “અરબાબે હલ્લો અક્દ” (ગુંચવણોનો નીકાલ કરનારૂં પંચ) જેમાં હોઝયફાનો ગુલામ અબ્દુલ્લા ઇબ્ને જર્રાહ, અબ્દુરરહેમાન ઇબ્ને ઔફ, ઉસ્માન, અબુબકર અને ઉમરનું એક કરારનામું જેમાં ખીલાફત બની હાશીમના ખાનદાનમાં ન જાય તે માટે અસ્તિત્વમાં આવ્યું હતું અને જેનો વિદ્રોહ સકીફામાં ખુલ્યો. આ અબુ સુફીયાનનું હુકુમતપણું અને રાજનીતીની છળકપટો ઇસ્લામના નામથી, ઇસ્લામની હદોમાં અને ઇસ્લામની બરબાદી માટે ઉછરવા લાગી અને મુસલમાનોના મગજો આ ષડયંત્રોના લીધે મૂળ ઇસ્લામથી હટ્યા અને મકસદોથી દૂર થઇ ઇસ્લામના નવા મહોરાનું અનુસરણ કરવા લાગ્યા અને સમગ્ર અરબસ્તાન બની ઉમય્યાના બાદશાહોને ‘ખલીફએ રસુલ’ અને ‘ઝીલ્લે ઇલાહી’ ના નામથી બોલાવવા લાગ્યા અને હદ તો ત્યાં થઇ ગઇ કે મોગીરાએ જ્યારે ચાલીસ કુફાવાસીઓને લાવીને કહ્યું કે ફક્ત ચારસો દીરહમમાં આ લોકો યઝીદના હાથ ઉપર બયઅત કરવા તૈયાર થયા છે ત્યારે મોઆવીયાએ કહ્યું કે “આ લોકો આટલા સસ્તા છે. આ તો સાવ સસ્તો સોદો છે. આ કુફીઓ, રૂમીઓ અને શામીઓ એક કેન્દ્ર ઉપર ભેગા થઇ ગયા. હ. રસુલે ખુદા(સ.અ.વ.)ના નવાસા, ઇસ્લામના સિદ્ધાંતો અને સત્તાના અમીન એવા ઇમામ હુસૈન (અ.સ.) આ કાવત્રાખોરોની આંખોમાં ખૂંચી રહ્યા હતા. હકુમત કરવાવાળાઓ સામે ઇસ્લામના રક્ષક પોતાના કેન્દ્ર પર પ્રકાશીત હતા. હુકૂમત અને સીયાસતની ઇચ્છા એ હતી કે ઇસ્લામની આ રૂકાવટ સામેથી દૂર થઇ જાય. તેથી જરૂરી હતું કે એક મોટી જંગ થાય અને એ જંગ થઇ. એ લડાઇ કરબલામાં થઇ અને આ જંગમાં ઇમામ હુસૈન (અ.સ.)ના લશ્કરના સેનાપતી અબ્બાસે અલમબરદાર(અ.સ.) હતા. અગર ગણતરી કરવામાં આવે તો ઓહદની કરતા ઇસ્લામના લશ્કર માટે અહીં ઘણી વધારે મુશ્કેલી હતી. અને તે સમય કરતા આ વખતે ઘણુ વધારે મોટું કાવત્રુ હતું.

આ લોકો ખુદાવંદે તઆલાની કુદરતથી અજાણ હતા. ખુદાએ પહેલાની જેમજ આ કાવત્રા ઉપરથી પરદો ઉચકી લીધો અને અબ્બાસે નામદાર(અ.સ.)ના ખભા ઉપર એક અલમ લહેરાવ્યો, જેની નીચે ઇસ્લામને આશ્રય આપ્યો. અને આ અલમદારે એકલાજ ત્રીસ હજારના લશ્કરના મનોબળને તોડી પાડ્યું અને આજે પણ તેમનો અલમ હવામાં લહેરાઇને “લાએલાહ ઇલ્લલ્લાહ” પોકારી રહ્યો છે અને ઇસ્લામની ઉચ્ચતાનું એલાન કરે છે. કાવત્રાખોરોએ સમજ્યું કે લડાઇ પુરી થઇ ગઇ છે. ફેંસલો થઇ ગયો છે. પણ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ હકીકતોના પાનાઓ ખુલતા ગયા અને સમજણમાં આવી ગયું કે હજી લડાઇ પુરી નથી થઇ. હજુ પણ આલે યાસીનની એક વ્યક્તિ પરદએ ગયબતમાં મૌજુદ છે. હજુ અમારી ઝબાન પર “અસ્સલામો અલય્ક યા અલમલ મન્સુબ મૌજુદ છે. હજુ હઝરત અબ્બાસ(અ.સ.)ના વારીસ, આપના અલમના વારીસ પરદએ ગયબતમાં છે અને ઝુહર થવાની રાહ જોઇ રહ્યા છે. જ્યારે એ સમય આવશે ત્યારે તેઓ આ અબ્બાસ(અ.સ.)ના પરચમને ખોલશે ત્યારે આખી દુનિયાને ખબર પડી જશે કે કરબલાના અલમદારના વારસે આ અલમની ઉચ્ચતા અને મહાનતા જે અર્શની નિશાની હતી તેને બાકી રાખેલ છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *