કમરે બની હાશિમ હ. અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.) માસૂમીન(અ.સ.)ની નજરમાં

Print Friendly, PDF & Email

કમરે બની હાશિમ હ. અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.) માસૂમીન(અ.સ.)ની નજરમાં

રસુલ(સ.અ.વ.)ની વફાત પછી અહલેબૈત(અ.સ.) ઉપર મુસીબતો અને તકલીફોનો દૌર શરૂ થઇ ગયો. હઝરત અલી(અ.સ.)નો ખિલાફતનો હક ગસબ કરી લેવામાં આવ્યો. તેમના ગળામાં દોરડું નાખીને મદીનાની ગલીઓમાં ખેંચીને લઇ જવામાં આવ્યા! રસુલ(સ.અ.વ.)ની દુખ્તરના વારસાને હડપ કરી લેવામાં આવ્યો અને તેમને દરબારે ખિલાફતમાં આવવું પડ્યું. તેમની ઉપર સળગતો દરવાજો નાખવામાં આવ્યો. જેના કારણે તેમની શહાદત થઇ. જનાબે ફાતેમા(સ.અ.)ની ચીર વિદાયથી અહલેબૈત(અ.સ.)ના ગમમાં ઘણો વધારો થઇ ગયો.

હઝરત અલી(અ.સ.)ના ઘરમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ સ્થિતિમાં અલ્લાહે આ ઘરમાં એક ખુશી મોકલી. આ ખુશીએ હસન(અ.સ.)ના હૃદયને પ્રફુલ્લીત કરી દીધું, કારણકે તેમને બાજુબળ મળ્યું. હુસૈન (અ.સ.) ખુશ થયા તેમને મદદગાર, સહાયક અને અલમદાર મળ્યો, ઝયનબ(અ.સ.) ખુશ થયા તેમને એક નાનો ભાઇ મળ્યો. હઝરત અલી(અ.સ.)એ પોતાના દિલના ચૈનને ખોળામાં લઇ તેનો ચહેરો જોઇને નામ પાડ્યું : ‘અબ્બાસ’ અબ્બાસનો અર્થ થાય છે, ‘સિંહ’.

હઝરત અબ્બાસ(અ.સ.)નું વ્યક્તિત્વ :

ઇતિહાસમાં હઝરત અબ્બાસ(અ.સ.) જ એક એવા વ્યક્તિ છે કે જેમના ઉપર અહલેબૈતે અત્હાર(અ.સ.) નાઝ કરે છે.

આપના જન્મની તમન્ના હઝરત અલી(અ.સ.) કરે છે, આપની બહાદુરી અને શૌર્યની ખુશખબરી રસુલે ખુદા(સ.અ.વ.) આપે છે, જેમને જનાબે ફાતેમા ઝહેરા(સ.અ.) પોતના ‘ફરઝંદ’ કહી રહ્યા છે, ઇમામે હસન(અ.સ.) પોતાના મદદગાર કહે છે, અને ઇમામે હુસૈન(અ.સ.) આપને ‘બેનફ્સી અન્ત’ (મારી જાન કુરબાન) કહી રહ્યા છે.

આ પાંચ પંજેતન(અ.સ.) ઉપરાંત હઝરત ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.) એમના ઉચ્ચ મરતબાની સાક્ષી આપે છે, ઇમામે જાફરે સાદિક(અ.સ.) “નાફેઝુલ બસીરત” અને “અબ્દુસ્‡સાલેહ” કહીને બોલાવે છે અને ઇમામે ઝમાના(અ.સ.) આપ ઉપર સલામ મોકલી રહ્યા છે.

હઝરતઅલી(અ.સ.)ની તમન્ના : હઝરત “અબુલ ફઝ્લ(અ.સ.)”

હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.) સારી રીતે જાણતા હતા કે હ. રસુલે ખુદા(સ.અ.વ.)ના નાના નવાસા હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ઉપર કરબલામાં ભારે આપદા અને મુસીબત પડવાની છે. અને તે નાજુક સમયમાં એમનો કોઇ મદદગાર નહિ હોય. તેમને આવા વખતે પોતાના હાજર ન હોવાનો રંજ અને પોતાના ફરઝંદની મુસીબતમાં વ્યક્તિગત રીતે શરીક ન થઇ શકવાનો અફસોસ હતો. આજ વિચારમાં હતા ત્યાં એમના દિલમાં એક ઇચ્છા થઇ કે કાશ કે! મારી કોઇ અવલાદ હોતે જે હુસૈન (અ.સ.)ને કામ આવતે. આ તમન્ના પુરી કરવાના ઉદ્દેશે આપે પોતાના ભાઇ અકીલને બોલાવ્યા અને તેમને કહ્યું :

اُنْظُرْ اِلٰي اِمْرَاۃٍ قَدْ وَلَدَتْھَا الْفَخُوْلَۃُ مِنَ الْعَرَبِ لِاَ تَزَوَّجَھَا فَتَلِدْ لِيْ غُلاَمًا فَارَسًا يَکُوْنَ عَوْنًا لِوَلَدِي الْحُسَيْنِ فِيْ کَرْبَلاَئَ

“તમે અરબ કબીલાઓમાંથી કોઇ એવી સ્ત્રીની તપાસ  કરો કે, જે બહાદૂરોના વંશમાંથી હોય જેની સાથે હું લગ્ન કરૂં અને તેના પેટે એવો બહાદુર પુત્ર અવતરે જે કરબલામાં મારા ફરઝંદ હુસૈન (અ.સ.)ની મદદ કરે.”

(તન્કીહલ મકામ – મામકાની, બાબુલ અબ્બાસ, પા. 28, અસ્રાશ – શહાદત, પા. 319, ઉમ્દતુલ મતાલિબ, પા. 352)

આ સવાલના જવાબમાં જનાબે અકીલે જનાબે ફાતેમા કલાબિયા (ઉમ્મુલ બનીન)નો ઉલ્લેખ કર્યો જેમની સાથે હઝરત અલી(અ.સ.)એ નિકાહ કર્યા અને મશ્હુર રિવાયત પ્રમાણે 7મી રજબ હિ. 25ના કમરે બની હાશિમ અબ્બાસ(અ.સ.)નો જન્મ થયો.

અલ્લાહે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને બે અજોડ પુત્રો આપ્યા હતા તેમના હોવા છતાં પણ એક ફરઝંદની તમન્ના કરવી, એ તે ફરઝંદના વ્યક્તિત્વ અને તેની મહત્તા દર્શાવે છે. હઝરત અલી(અ.સ.)ના ઉપરોક્ત શબ્દો બતાવે છે કે અબુલ ફઝ્લ હઝરત અબ્બાસ(અ.સ.) તેમના માત્ર પુત્ર જ ન હતા બલ્કે આપની તમન્ના અને કરબલામાં આપની નયાબતમાં તે સમયના ઇમામ હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની મદદ કરનાર હતા. હઝરત અલી(અ.સ.)એ અલ્લાહ પાસેથી હઝરત અબ્બાસ(અ.સ.)ને એટલા માટે માગ્યા હતા કે તેઓ આપની તરફથી રસુલ(સ.અ.વ.)ના ફરઝંદ ઉપર પોતાની જાન કુરબાન કરે. એટલે જ હઝરત અલી(અ.સ.)એ પોતાના મરણ વખતે ઘરના અને દીનના બધા ઉમૂર (કામો) હઝરત ઇમામ હસન(અ.સ.)ને સોંપ્યા, પણ હઝરત અબ્બાસ(અ.સ.)નો હાથ હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ને સોંપ્યો, જાણે કે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ને હિબા કર્યા. (ભેટ તરીકે આપ્યા)

ઇમામ હુસૈન (અ.સ.) અને હઝરત અબ્બાસ (અ.સ.) :

હઝરત ઇમામ હુસૈન (અ.સ.)એ પોતાના પિતાએ આપેલ અમૂલ્ય ભેટને સ્વિકારી લીધી, અને તેમના પોતાના પ્રાણ સાથે લગાડીને સંભાળી રાખી. તેઓ ઘણીવાર હઝરત અબ્બાસ(અ.સ.)ને પોતાની સાથે રાખતા અને તેમને ખૂબજ ચાહતા. એટલે જ રિવાયતમાં છે કે નવમી મોહર્રમની રાત્રે જ્યારે દુશ્મન આપની ખૈમાગાહની નઝદીક પહોંચ્યો ત્યારે ઇમામે, હઝરત અબ્બાસ(અ.સ.)ને કહ્યું:

اِرْکَبْ بِنَفْسِيْ اَنْتَ يَا اَخِيْ حَتّٰي تَسْئَلَهُمْ عَمَّا جَائَھُمْ

“તમારા ઉપર મારી જાન કુરબાન થાય, મારા ભાઇ! જરા જઇને પુછો કે તેઓ શા માટે આવ્યા છે?”

(તારીખે તબરી, જી. 6, પા. 237)

આ વાક્યમાં કેટલો બધો પ્રેમ અને મોહબ્બત છલકાઇ રહ્યા છે. જ્યારે દુશ્મન ખૈમા પાસે આવી ગયો અને સંભવિત હતું કે તુરંત હુમલો કરી નાખે; આવા કટોકટી ભર્યા વાતાવરણમાં ઇમામ(અ.સ.) કહી રહ્યા છે:

“તમારા ઉપર મારી જાન કુરબાન થાય, મારા ભાઇ!.. આ શબ્દો ફક્ત એક ભાઇએ બીજા ભાઇને જ કહ્યા નથી, પરંતુ એક ઇમામે ઉચ્ચારેલા શબ્દો છે. આ શબ્દો હઝરત અબ્બાસ(અ.સ.) પ્રત્યેની હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની ઉત્કૃષ્ઠ દરજ્જાની મોહબ્બતને જાહેર કરવા સાથે આપની નજરમાં એમનું કેટલું ઉંચું સ્થાન હતું, એ પણ બતાવે છે.

આશૂરાના દિવસે હઝરત અબ્બાસ(અ.સ.)ને રણમેદાનમાં જવા માટે ઘણી મુશ્કેલીથી રજા મળી હતી. જ્યારે ઇમામ(અ.સ.)એ પોતાના ભાઇની દર્દભરી અવાજ સાંભળી “અસ્સલામો અલયક, યા અબા અબ્દિલ્લાહ! ત્યારે આપે પોતાની કમર પકડી લીધી અને આહ ભરીને કહ્યું:

اَلْآنَ اِنْکَسَرَ ظَھَرِيْ يَا اَخِيْ

“હવે મારી કમર તુટી ગઇ. અય મારા ભાઇ!”

અને ઇમામની વાતો લાગણી અને આવેગમાં આવીને ઉચ્ચારેલી નથી હોતી.

હઝરત અબ્બાસ(અ.સ.) હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના કુવ્વતે બાઝુ હતા અને એવા મદદગાર હતા કે જેમને મુસીબતના સમયે યાદ કરતા હતા. એટલે જ મકતલમાં લખાયેલું મળે છે કે જ્યારે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના શરીરનો કોઇ અવયવ કપાતો ત્યારે આપ હઝરત અબ્બાસ(અ.સ.)ને પોકારીને કહેતા, અય અબ્બાસ, ખબર લ્યો, હુસૈન (અ.સ.) મુસીબતમાં છે.

(મકતલે અબી મખ્નફ, પા. 377)

ઝિયારતે નાહિયામાં હ. અબ્બાસ(અ.સ.) :

આજ કારણ છે કે ઇમામે અસ્ર (અજ.) ઝિયારતે નાહિયામાં હઝરત અબ્બાસ(અ.સ.) ને આ શબ્દોમાં સલામ કરી રહ્યા છે.

اَلسَّلَامُ عَلَى أَبِي الْفَضْلِ الْعَبَّاسِ بْنِ أَمِيرِ الْمُؤْمِنِينَ الْمُوَاسِي أَخَاهُ بِنَفْسِهِ الْآخِذِ لِغَدِهِ مِنْ أَمْسِهِ الْفَادِي لَهُ الْوَاقِي السَّاعِي إِلَيْهِ بِمَائِهِ الْمَقْطُوعَةِ يَدَاهُ لَعَنَ اللَّهُ قَاتِلَهُ يَزِيدَ بْنَ الرُّقَادِ الْجُهَنِيَّ وَ حَكِيمَ بْنَ الطُّفَيْلِ الطَّائِيَّ

“સલામ હોજો, હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના ફરઝંદ અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.) પર, જેમણે પોતાના પ્રાણ પોતાના ભાઇ ઉપર કુરબાન કરી દીધા. તેમને પોતાના પ્રાણ વડે બચાવનારા અને પાણી માગવા જતાં પોતાના હાથ કપાવનારા હતા. ખુદા એમના કાતિલો યઝીદ બિન રકાદ અને હકીમ ઇબ્ને તુફૈલ ઉપર લાનત કરે.”

સાદિકે આલે મોહમ્મદ (અ.સ.)અને હઝરત અબ્બાસ(અ.સ.) :

‘ઉમ્દતુલ મતાલિબ’ કિતાબમાં અબી નસ્ર બુખારી હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)થી રિવાયત કરે છે.

کَانَ عَمُّنَا الْعَبَّاسُ بْنُ عَلِيٍّ نَافِذَ الْبَصِيْرَۃِ صُلْبَ الْاِيْمَانِ جَاھَدَ مَعَ اَبِيْ عَبْدِ اللّٰهِ وَ  اُبْلِيَ بَلاَئً حَسَنًا وَ مَضٰي شَھِيْدًا

“અમારા કાકા હઝરત અબ્બાસ ઇબ્ને અલી(અ.સ.) તેજ દીર્ધદ્રષ્ટિ ધરાવનારા અને દ્રઢ ઇમાન ધરાવનાર વ્યક્તિ હતા. તેમણે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની સાથે રહી જંગ કરી અને પોતાની બહાદુરીનો પુરાવો આપ્યો અને શહાદતને વર્યા.”

(ઉમ્દતુલ મતાલિબ, પા. 323, મકાતેલુત તાલેબીન)

અલ્લામા કિન્તુરી લખે છે કે બસીરત ધરાવનારનો અર્થ છે : દીની મસાએલ અને એઅતેકાદમાં ચિંતન- મનન કરવું. અને نافذ નો અર્થ થાય છે સત્ય અને અસત્યની વચ્ચે ભેદ પારખનાર. હઝરત અબ્બાસ(અ.સ.)ના માટે نافذ البصيرۃ હોવાનો અર્થ થાય છે કે તેઓ અકીદાની બાબતમાં સાચા અને ખોટાની દરમ્યાન સંપૂર્ણપણે ભેદ પારખતા હતા. અને ઇમાનના બધાજ દરજ્જા ઉપર ફાએઝ હતા. એટલે જ ઇમામ(અ.સ.)એ صلب الايمان”મજબુત ઇમાન ધરાવનાર કહ્યા છે.

(મેઅતયન ફી મકતલુલ હુસૈન (અ.સ.) પા. 40-44)

આગળ જતાં અલ્લામા સાહેબ લખે છે કે صلب الايمان અને نافذ البصيرۃ કહેવાથી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે હઝરત અબ્બાસ(અ.સ.) ‘મારેફત’ અને ‘અમલ’ના ઉચ્ચતમ સ્થાને પહોંચલા હતા.

(મેઅતયન ફી મકતલુલ હુસૈન , પા. 463)

ઇમાનના આજ ઉચ્ચ દરજ્જાઓ હતા જે હ. અબ્બાસ(અ.સ.)ને પોતાના ઝમાનના ઇમામ, ઇમામ હુસૈન (અ.સ.)થી આટલા નઝદીક કરી દીધા હતા અને જીવનભર તેમની ઇતાઅત કરી અંતમાં તેમની જ મદદ કરતાં પોતાની જાન નિસાર કરી દીધી.

અબ્દુસ – સાલેહ :

જનાબે અબુ હમઝા સુમાલી એ નકલ કરેલ છે તે ખાસ ઝિયારતમાં હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ હ. અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.)ની બારગાહમાં આ રીતે સલામ ફરમાવે છે.

اَلسَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْعَبْدُ الصَّالِحُ الْمُطِيعُ لِلَّهِ وَ لِرَسُولِهِ وَ لِأَمِيرِ الْمُؤْمِنِينَ وَ الْحَسَنِ وَ الْحُسَيْنِ صَلَّى اللَّهُ عَلَيْهِمْ وَ سَلَّم‏

“સલામ થાય આપના ઉપર હે બંદએ સાલેહ, અલ્લાહ, રસુલ, અમીરૂલ મોઅમેનીન, હસન અને હુસૈન (અ.સ.)ની ઇતાઅત કરનાર.”

“અબ્દ” શબ્દનો અર્થ થાય છે : “ગુલામ” અથવા “નિ:સ્વાર્થ ગુલામ”

لَزَمَهُ وَ لَمْ يُفَارِقَه

“એવો ગુલામ જે જીંદગીભર પોતાના આકાની ગુલામી કરે, ક્યારેય તેને છોડે નહિ.

(અલ ‡ મુન્જીદ ‡ 316)

અહિં શબ્દ ‘અબ્દ’નો અર્થ ‘અલ્લાહનો બંદો’ થાય છે, તેની ઇબાદત કરનાર થાય છે. આમ તો દરેક ઇન્સાનના સર્જનનો હેતુ અલ્લાહની ઇબાદત છે, (સુરએ ઝારેયાત, 56)પણ કેટલાંક એવા બંદાઓ છે કે જેમની ઇબાદત – ઇતાઅત એટલી મહાન છે કે તેની “અબ્દીયત (બંદગી/ગુલામી) ઉપર અલ્લાહ પોતે ગર્વ કરે છે. અને તેમની બંદગીને અલ્લાહ (ત.વ.ત.) કબુલ કરી લે છે.

આમ તો કુરઆને મજીદમાં કેટલાંય નબીઓના નામનો ઉલ્લેખ મળે છે, પરંતુ બધાના નામની સાથે ‘અબ્દ’ (બંદો) કહીને યાદ કરવામાં નથી આવ્યા. એવા બહુ ઓછા નબીઓ છે, જેમના નામની સાથે અલ્લાહે અબ્દ શબ્દને વાપર્યો છે. જેમ કે હ. નૂહ(અ.સ.) (સુરએ ઇસરા, આ. 3), જનાબે દાઉદ(અ.સ.)(સુરએ સાદ, આ. 17), જનાબે ઝકરિયા(અ.સ.), (સુરએ મરયમ, આ. 2), જનાબે ઇસા(અ.સ.) (સુરએ નિસા, આ. 20), જનાબે અય્યુબ(અ.સ.) (સુરએ સાદ, આ. 41) અને આપણા પયગમ્બર(સ.અ.વ.) (સુરએ ઇસરા, આ. 1) માટે કુરઆનમાં આ શબ્દ ઘણીવાર આવ્યો છે.

આ ‘અબ્દીયત’નો દરજ્જો અને સ્થાન મેળવવા માટે અલ્લાહના ખાસ બંદાઓ ઘણાજ ઉત્સુક હોય છે અને આ દરજ્જો અને સ્થાન અલ્લાહની બારગાહમાં ઉલુલ અઝ્મ પયગમ્બર કરતાં પણ ઊંચુ છે. એટલા જ માટે જનાબે જીબ્રઇલ(અ.સ.) આં હઝરત(સ.અ.વ.)ની સેવામાં હાજર થયા અને કહ્યું કે અલ્લાહે દુરૂદ – સલામ સાથે આપને પયગામ મોકલ્યો છે કે આપ બે ભેટોમાંથી એકનો સ્વિકાર કરો : પહેલું અલ્લાહના અબ્દ (બંદા) હોવું અને બીજું આખી દુનિયા ઉપર હકૂમત. હઝરતે ‘અબ્દ’ થવું પસંદ કર્યું. આપણે પણ દરેક નમાઝના તશહહુદમાં પહેલાં રસુલ(સ.અ.વ.)ના ‘અબ્દ’ હોવાની અને પછી અલ્લાહના રસુલ હોવાની સાક્ષી આપીએ છીએ.

હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ પણ પોતે અલ્લાહના અબ્દ હોવા માટે ગર્વ કર્યો છે.

હઝરત અબ્બાસ(અ.સ.)ને હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)ના કથન મુજબ પંજેતન(અ.સ.)ની ગુલામી સાથે અલ્લાહની અબ્દીયત મળી હતી. આ શબ્દો તેમના ઉચ્ચતમ સ્થાનની જાહેરાત કરે છે.

‘સલામ’ નમાઝના વાજીબાતોમાંથી એક વાજીબ છે, નમાઝ પુરી કર્યા પહેલા દરેક નમાઝી ત્રણ સલામ પડે છે, તેમાંની બીજી અને છેલ્લી (ત્રીજી) સલામ ન પડવામાં આવે, તો તેની નમાઝ અધુરી ગણાશે અને આ ત્રુટિ તેની નમાઝની કબુલીયતમાં અવરોધપ બનશે. આ બે સલામોમાં પહેલી સલામ છે :

اَلسَّلاَمُ عَلَيْنَا وَ عَليٰ عِبَادِ اللّٰهِ الصَّالِحِيْنَ

“સલામ હજો અમારા પર અને અલ્લાહના નેક બંદાઓ ઉપર.”

અહિં પણ ‘એબાદિલ્લાહિસ્-સાલેહીન’ શબ્દ વપરાય રહ્યો છે, જે ‘અબ્દે સાલેહ’નું બહવચન છે. જો ઝિયારતમાંના વાક્યો અને આ સલામની સરખામણી કરવામાં આવે, તો સ્પષ્ટપણે સમજાશે કે હ. અબ્બાસ (અ.સ.)ની ગણત્રી એ લોકોમાં છે કે જેના ઉપર નમાઝમાં સલામ ન મોકલવામાં આવે, તો નમાઝીની નમાઝ અલ્લાહની બારગાહમાં કબુલ થવાને પાત્ર નથી.

ઇસ્લામના રક્ષક : હઝરત અબ્બાસ(અ.સ.)

હ. અબ્બાસ(અ.સ.)ના હરમમાં દાખલ થતી વખતે પડવામાં આવતી ઝિયારતમાં હ.ઇ. જાફરે સાદિક(અ.સ.) ફરમાવે છે :

اَشْھَدُ وَ اُشْھِدُ اللّٰهَ اَنَّکَ مَضَيْتَ عَليٰ مَا مَضٰي بِهِ الْبَدْرِّيُوْنَ

“હું ગવાહી આપું છું અને અલ્લાહને ગવાહ રાખું છું કે આપે એ જ રાહ લીધી, જેના ઉપર એહલે બદ્ર ચાલ્યા હતા.”

જંગે બદ્ર ઇસ્લામની પહેલી જંગ હતી, જે રસુલ(સ.અ.વ.)ની રાહબરીની હેઠળ લડવામાં આવી હતી. હજુ ઇસ્લામ ઘોડીયામાંથી નીકળી પા પા પગલી ચાલી રહ્યો હતો એવા સમયે આ જંગ આવી પડી હતી. જો આ જંગમાં મુસલમાનો હારી જતે અથવા રસુલ(સ.અ.વ.)ને શહીદ કરી નાખવામાં આવતે તો દુન્યામાંથી ઇસ્લામનું નામો નિશાન મટી જાત. અને કદાચ ઇતિહાસના પાના ઉપર ‘ઇસ્લામ’ અને ‘મોહમ્મદ’(સ.અ.વ.) શબ્દો જોવા પણ ન મળત. આ જંગ માટે રસુલ(સ.અ.વ.) તૈયાર નહોતા, પણ કાફિરોએ એવી પરિસ્થિતિ ઉભી કરી દીધી હતી કે તેમને હુકમે ખુદાથી જંગ માટે હથિયાર ઉપાડવા પડ્યા. મક્કાના કાફિરોના લશ્કરમાં એક હજારથી વધારે લોકો હથિયારબદ્ધ હતા. ઉપરાંત તેઓ પાસે ઘોડા, ઊંટો, હથિયાર વગેરે – જે એક યુદ્ધ માટે જરૂરી છે તે બધો સરંજામ હતો. જ્યારે મુસલમાનો પાસે માત્ર ત્રણસો જેટલાં સૈનિકો, જે શત્રુના સૈન્યના ત્રીજા ભાગ કરતાંય ઓછા હતા. માત્ર બે ઘોડા – એક મરતદ બિન મરતદ ગનવી પાસે અને એક મિકદાદ પાસે હતા. સાત ઊંટ હતાં. આ નાનકડું લશ્કર – અધુરી તૈયારી પછી પણ તેમની પાસે ઇમાની જોશ ભારે હતો. ઇસ્લામની મદદ માટે તેઓ તત્પર હતાં. આવા ઉચ્ચ કક્ષાના જુસ્સા વડે તેઓ મેદાનમાં ઉતર્યા હતા. કુરઆન કહે છે કે તેમની મદદ માટે અલ્લાહે પાંચ હજાર મલાએકા મોકલ્યા હતા.

(સુરએ આલે ઇમરાન, આ. 124)

આવા જુસ્સા અને અલ્લાહની મદદ વડે લડાઇ થઇ અને ઓછી સંખ્યામાં હોવા છતાં મક્કાના કાફિરોના વિશાળ લશ્કરને હાર આપી અને ઇસ્લામને નાબુદ થવાના ભયથી બચાવી લીધો અને મુસલમાનો મજબુત થઇ ગયા.

સન 60 હિજરીમાં ઇસ્લામની સ્થિતિ ફરી પાછી એવી જ થઇ ગઇ, બલ્કે એનાથીય વધારે ખરાબ થઇ ગઇ. લોકોમાં માત્ર ‘ઇસ્લામ’ શબ્દ જ બોલાતો હતો., ઇસ્લામની રૂહાનીયત ધીમે ધીમે નષ્ટ થઇ રહી હતી. કેટલાક લોકો કહેવા ખાતર નામનાંજ ખલીફા થઇ બેઠા હતા અને બાતિલની પૈરવી કરતા હતા અને ઇસ્લામને આવી જ રીતે બલ્કે તેનાથી પણ વધારે નુકશાન પહોંચાડી રહ્યા હતા. આવા વાતાવરણે જાનશીને રસુલ(સ.અ.વ.) હ. ઇમામ હુસૈન (અ.સ.)ને મજબુર કર્યા કે તેઓ ઇસ્લામને જીવંત રાખવા માટે ઊભા થાય. આપ ઉપર આ જંગની ફરજ આવી પડી. સામી બાજુએ શાહી લશ્કર પુરતી તૈયારી અને શસ્ત્ર સરંજામ સાથે આવી ઊભું. કરબલામાં માત્ર ઇમામ હુસૈન (અ.સ.) તેમના સગાવહાલા અને થોડાંક ચાહકો હતા. વાતાવરણ જંગે બદ્ર, બલ્કે એના કરતાંય વધારે ખરાબ થઇ ગયું. ઇસ્લામ ડચકાં ભરી રહ્યો હતો. લોકોના નામ મુસલમાનો જેવા પણ કરતુત એવા કે જેને ઇસ્લામ સાથે દુરનો પણ સંબંધ નહિ. ફરી પાછા બે વિરોધી સમૂહ : શજરે તય્યબા બની હાશિમ(અ.સ.) અને શજરે મલઉના બની ઉમય્યા(લઅ.) પણ સંખ્યા બળમાં ભારે ફરક. કાફિરો હજારથી વધીને લાખ સુધી પહોંચી ગયા અને મુસ્લિમો ત્રણસોથી ઘટીને ઓછા થઇ ગયા!!! આ નાનકડા સૈન્યનો મુકાબલો એક ભારે ભરખમ સૈન્ય સામે. પણ જુસ્સો અને ઇમાન બદ્રવાળા જેવા. પરંતુ આ વખતે તો ઇમામની મદદ માટેનો જોશ પહેલાં કરતાંય બળવતર હતો. જાંનીસારીનો ઉત્સાહ – ઉમંગ તેના શિખર પર હતો. ન મલાએકાની મદદ સ્વિકારવામાં આવી ન એવી કોઇ મદદની રાહ જોવામાં આવી. પરિણામે બદ્રમાં શત્રુઓના ગળા કાપીને ઇસ્લામને કામચલાઉ જીવન આપવામાં આવ્યું અને કરબલામાં પોતાના ગળા કપાવીને ઇસ્લામને અમર જીવન બક્ષ્યું. એટલે જ કયામત સુધી ઇસ્લામ જીવંત રહેશે.

આ નાનકડા લશ્કરને આવી કુરબાની માટે તૈયાર કરવા અને તત્પર રાખવાનો યશ લશ્કરના સરદારને જ જાય છે. આ કારણે જ કદાચ હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ હરમમાં દાખલ થતી વખતની ઝિયારતમાં આ શબ્દોમાં હઝરત અબ્બાસ(અ.સ.)ને સંબોધન કર્યું છે :

……… أَنَّكَ مَضَيْتَ عَلَى مَا مَضَى بِهِ الْبَدْرِيُّونَ

“હું ગવાહી આપું છું અને અલ્લાહને ગવાહ માનું છું કે આપે એ જ રાહ લીધી, જેના ઉપર એહલે બદ્ર ચાલ્યા હતા.

ઝમાનાના ઇમામ(અ.સ.)ની ઇતાઅત અને હઝરત અબ્બાસ(અ.સ.) :

ઉપરોક્ત ઝિયારતમાં આગળ જતાં હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.) ફરમાવે છે :

“અલ્લાહ આપને સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ એવી જઝા (બદલો) આપે કે જે કોઇ (મુજાહિદ અથવા શહીદે રાહેખુદા)ને મળી હોય. આપે પોતાના ઇમામે વક્તના સાદ ઉપર ‘લબ્બૈક’ કહી અને તેમના હકમની ઇતાઅત કરતા રહ્યા.”

હઝરત અબ્બાસ(અ.સ.) જીવનભર હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના હકમોની તાબેદારી કરતા રહ્યા અને ઇમામ(અ.સ.)ની ખિદમત કરવાનો શરફ (માન) મેળવતા રહ્યા. ઇમામ(અ.સ.)ની નાનામાં નાની જરૂરત પુરી કરવા માટે પણ આપ તત્પર રહેતા. એક વખતે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)એ મસ્જીદમાં પાણી માંગ્યું, ત્યારે આપ દોડીને ગયા અને પાણી લઇ આવ્યા, આ રીતે ઇમામની ઇતાઅત કરી.

(ચહલ મજલિસ, પા. 282)

હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની ખિદમત પોતાના સિવાય કોઇ બીજો બજાવી લાવે તે હઝરત અબ્બાસ(અ.સ.)ને પસંદ નહોતું. સાંભળ્યું છે કે હઝરત અબ્બાસ(અ.સ.) મોહબ્બતના જોશમાં હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના પગની ધૂળ લઇને પોતાની આંખમાં આંજતા હતા.

(ઝિક્રુલ અબ્બાસ, પા. 24)

આવાજ પ્રેમ અને ઉમળકા સાથે કમરે બની હાશિમ(અ.સ.)એ કરબલા સુધી પ્રવાસ કર્યો, અને કરબલામાં ઇમામ(અ.સ.)ની ખિદમત બીજા ખાદિમો કરે એવી રીતે કરી. તેઓ આ વાત ઉપર ગર્વ લેતા હતા. કરબલાના દુ:ખ ભર્યા વાતાવરણમાં જ્યારે પોતાના બાળકો પણ ભુખ અને તરસથી ટળવળતા હતા. ત્યારે પણ તેઓ ઇમામ(અ.સ.)ની તાબેદારીમાં માથું નમાવતા રહ્યા.

બહાદુરી અને શૌર્ય એવી વસ્તુ છે કે જે માણસને પોતાના સ્વભાવથી વિપરીત કોઇ વાત સ્વિકારવા માટે જલ્દી તૈયાર થવા નથી દેતી, કોઇની આજ્ઞા – હકમને તાબે થવા નથી દેતી. આ ઉપરાંત ઇમામ હુસૈન (અ.સ.) અને એમની એહલેબૈત ઉપર થતાં ઝુલ્મને જોતા રહેવું અને સબ્ર કરવી, એ ઇમામ(અ.સ.)ની ઇતાઅતને જાહેર કરે છે. ઇમામનો હકમ નહોતો, નહિ તો કોની મજાલ છે કે હઝરત અબ્બાસ(અ.સ.)ની મૌજુદગીમાં હઝરત ઇમામ હુસૈન (અ.સ.) તરફ આંખ ઉંચી કરીને જુએ. તેમનું આવા દુ:ખ અને ઝુલ્મનું જોવું, તેને સહન કરવું, હાથ કપાવવા અને શહીદ થવા કરતાંય વધારે કઠીન હતું. આવા બહાદુર અને શક્તિશાળી હોવા છતાં ઇમામ(અ.સ.)ની આજ્ઞાને આધીન રહેવું, દુશ્મન પાસેથી પણ પ્રસંશા કરાવી લે છે.

અલ્લાહે ઇમામ(અ.સ.)ની ઇતાઅત! આપ ખામોશ રહ્યા. ઇમામ(અ.સ.)ના હકમ સામે પોતાનું માથું નમાવી રહ્યા અને તલવાર અને ઢાલ વગર મેદાનમાં જઇને શહાદતને વર્યા. આજ કારણે બધા શહીદો અને મુજાહિદોમાં આપનું સ્થાન અનોખું છે.

ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.) ફરમાવે છે :

“અલ્લાહ રહેમ કરે અમારા કાકા અબ્બાસ ઇબ્ને અલી(અ.સ.) ઉપર, તેમણે સ્વાર્પણ અને બહાદૂરી સાથે જંગ કરી અને પોતાનો પ્રાણ પોતાના ભાઇ ઉપર નિછાવર કરી દીધો. તેમણે પોતાના બે હાથ રાહે ખુદામાં કપાવી નાખ્યા, જેના બદલામાં અલ્લાહે તેમને બે પાંખો આપી જેના વડે જન્નતમાં મલાએકાઓ સાથે ઉડે છે, જે રીતે અલ્લાહે હઝરતે જાફર ઇબ્ને અબી તાલિબ(અ.સ.)ને બે પાંખો આપી છે.

(અલ ખેસાલ, ભાગ ‡ 1, પાના નં. 35)

યકીનન હઝરત અબ્બાસ(અ.સ.)નું સ્થાન અલ્લાહ પાસે એવું છે કે કયામતના દિવસે શહીદો એમના ઉપર મીઠી ઇર્ષા કરશે.

હઝરત અબ્બાસ(અ.સ.)ની શહાદત અને ઉમ્મતની શફાઅત :

આકાએ દરબંદી લખે છે કે કયામતના દિવસે મેહશરવાળાઓ હેરાન-પરેશાન હશે. એ દિવસે હઝરત  અલી(અ.સ.)ને જ. રસુલે ખુદા(સ.અ.વ.) જનાબે ફાતેમા (સલા.) પાસે મોકલીને પુછાવશે કે આજના દિવસે ઉમ્મતની બક્ષીસ માટે તમે શું તૈયારી રાખી છે? જનાબે ફાતેમા(સલા.) જવાબ આપશે : “આજના દિવસે મારા ફરઝંદ અબ્બાસ(અ.સ.)ના કપાયેલા હાથ પુરતા છે.

(અસ્રાશ્શહાદત, પા. 325, જવાહેલ ઇકાન, પા. 194, કમરે બની હાશિમ, પા. 51)

જનાબે ફાતેમા(સલા.) આટલા શબ્દોમાં હઝરત અબ્બાસ(અ.સ.)ના મરતબા અને મહાનતા વિશે વાત કરી રહ્યા છે પહેલા તો તેમના કપાયેલા બે હાથોને ઉમ્મતની શફાઅત માટે પૂરતા હોવાનું કહી રહ્યા છે અને બીજું હઝરત અબ્બાસ(અ.સ.)ને પોતાના ફરઝંદ કહી અલ્લાહની બારગાહમાં તેમનું શું સ્થાન છે તે દર્શાવી રહ્યા છે.

હ. અબ્બાસ(અ.સ)એ જીવનભર ઇમામ હુસૈન (અ.સ.)ની ખિદમત કરી અને દુ:ખદ માહોલમાં પણ આપની ઇતાઅત કરી; તેઓ પોતાના ખુદા માટે ‘અબ્દે કામિલ’ અને અલ્લાહના રસુલ(સ.અ.વ.)ના ફરમાંબરદાર હતા. પોતાના સમયના ઇમામની નુસરત કરતાં શહીદ થયા. એમના ઇમામ તેમનાથી રાઝી હતા આજ કારણે ઇમામો(અ.સ.)ની બારગાહમાં એમને બહજ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે.

દરેક મોહિબ્બે અબ્બાસ(અ..સ.) દરેકગુલામે અબ્બાસ(અ.સ.)નો દાવેદાર એમની પયરવી કરે. અને પોતાના ઝમાનાના ઇમામ(અ.સ.)ની એમની જેમજ તાબેદારી કરે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *