ગયબતના ઝમાનાના આદાબ

Print Friendly, PDF & Email

بِسْمِ ﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ                             صَلَّی اللهُ  عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا

ઈમામ (અ.સ.)ની મઅરેફત

આપણો એ અકીદો અને યકીન છે કે આ સમયે આપણા ઝમાનાના ઈમામ, ખુદાની હુજ્જત, અલ્લાહના વલી, અલ્લાહના ખલીફા, સમગ્ર કાએનાતમાં ખુદાના પ્રતિનિધિ હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી (અ.સ.) છે. આપ (અ.સ.) ઈમામત અને હિદાયતના સિલસિલાની બારમી અને અંતિમ કડી છે. તેઓમાં પ્રથમ ઈમામ અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે. આપ (અ.સ.) હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ના અગીયારમાં અને સય્યદુશશોહદા હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ના નવમાં ફરઝંદ છે. આપ (અ.સ.)ની વાલેદા જનાબે નરજીસ ખાતુન (સ.અ.) છે અને આપના પિતા હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) છે. આપ (અ.સ.)ની વિલાદત 15મી શાબાન હિજરી સન 255માં ઈરાકના સામર્રા શહેરમાં શુક્રવારના દિવસે સવારના સમયે થઈ. આપ (અ.સ.)ના મુબારક કદમોની બરકત થકી કાએનાત નૂરથી પ્રકાશિત થઈ ગઈ.

અત્યારે આપ (અ.સ.) ખુદાના હુકમથી ગયબતમાં ઝિંદગી પસાર કરી રહ્યા છે. ગયબત એ કોઈ જગ્યાનું નામ નથી. બલ્કે ગયબતનો અર્થ એમ થાય છે કે તેઓ એવી રીતે ઝિંદગી પસાર કરી રહ્યા છે કે લોકો તેમને ઓળખી શકે નહીં. ઈમામ (અ.સ.) દર વર્ષે હજમાં તશરીફ લઈ જાય છે, તેઓ લોકોને જુએ છે, ઓળખે છે અને લોકો પણ તેમને જુએ છે પરંતુ ઓળખી શકતા નથી. ઈમામ (અ.સ.) લોકોની મદદ કરે છે, હિદાયત કરે છે, હિફાઝત કરે છે. લોકો ડગલેને પગલે તેમની ઈનાયતો, નવાઝીશો અને મહેરબાનીનો એહસાસ કરે છે પરંતુ તેમને ઓળખી શકતા નથી. ઈમામ (અ.સ.) ઈલાહી સિફતોના મઝહર છે અને ગયબતમાં ઈમામતની જવાબદારીઓ અંજામ આપી રહ્યા છે. ઈમામ (અ.સ.) અલ્લાહના બંદા છે અને સમગ્ર કાએનાતમાં ‘અબ્દે કામીલ’ અને ‘ઈન્સાને કામીલ’(સંપૂર્ણ ઈન્સાન અને બંદા) છે. આ બધી બાબતો એ વાતની સ્પષ્ટ દલીલો છે કે આ સમયે ઈમામ (અ.સ.) જીવંત છે, આપણી દરમ્યાન છે અને આપણા બધી મુશ્કેલીઓ અને પરિસ્થિતિઓથી માહિતગાર છે. આ અકીદો કંઈ ફકત આપણે શીઆ લોકો જ નથી ધરાવતા, બલ્કે એહલે સુન્નત હઝરાતના ઘણા બધા આલિમો પણ આ માન્યતા ધરાવે છે. એહલે સુન્નત હઝરાતના અસંખ્ય આલિમોએ આ વિષય ઉપર કિતાબો લખી છે અને ઈમામ મહદી (અ.સ.)ની વિલાદતનો એકરાર કર્યો છે અને તેમની ઈનાયતોનું વર્ણન કર્યુ છે.

જેમ જેમ દુનિયાની પરિસ્થિતિઓ બદલાતી જાય છે, તેમ તેમ હઝરત વલી એ અસ્ર (અ.સ.)ના ઝુહુરની જરુરતનો એહસાસ પણ વધતો જાય છે. દુનિયાની બધી જ વ્યવસ્થાઓ અને હુકુમતોની નાકામ્યાબી લોકોને ખલ્લાકે કાએનાતના દરવાજા ઉપર લાવી રહી છે.

    ઈન્સાન એમ વિચારી રહ્યો હતો કે આ બધી તકલીફો અને પરેશાનીઓનું કારણ ભૌતિક માધ્યમોની ઓછપ અને કમી છે, પરંતુ દરેકે એ જોઈ લીધુ કે ભૌતિક માધ્યમોની વિપુલતાએ તકલીફો અને પરેશાનીઓમાં વધારો કરી દીધો છે, જે તકલીફોનો કયારેય વિચાર સુધ્ધાં કર્યો ન હતો તે આજે જોવા મળી રહી છે.

    આપણે આતંકવાદથી ભરેલી દુનિયામાં ભલે જીવી રહ્યા છીએ પરંતુ અદ્લ અને ઈન્સાફની હુકુમતનો ઈન્તેઝાર કરી રહ્યા છીએ. અંધકારમાં છીએ પરંતુ નજરો નૂર તરફ છે. તે લોકો કે જેઓ હઝરત ઈમામ મહદી (અ.સ.)માં માન્યતા નથી ધરાવતા અને જેઓ ઈમામ (અ.સ.)ના પૂરનૂર ઝુહુરનો અને અદ્લ-ઈન્સાફની હુકુમતનો ઈન્તેઝાર નથી કરી રહ્યા, તેઓનો વર્તમાનકાળ અને ભવિષ્યકાળ બધું જ અંધકારમય છે. તેઓ ખુદ અંધકારમાં છે અને તેઓની નજરોની સામે પણ ફકત અને ફકત અંધકાર જ અંધકાર છે. આ જ માયુસી અને અંધકારમય નજરોએ આતંકવાદને જન્મ આપ્યો છે.

એહલેબૈત (અ.મુ.સ.)ની ઈમામત અને વિલાયતનો શું આ કંઈ ઓછો ફાયદો છે કે એહલેબૈત (અ.મુ.સ.)ની ઈમામત અને વિલાયતનો અકીદો ધરાવનારા કયારેય માયુસીનો શિકાર થતા નથી.

     અત્યારે આપણે ગયબતના ઝમાનામાં જરુર છીએ પરંતુ ડગલેને પગલે ઈમામે અસ્ર (અ.સ.)ની ઈનાયતોને હાંસીલ કરી રહ્યા છીએ અને અનુભવી રહ્યા છીએ. તે વાતનું સંપૂર્ણ યકીન ધરાવીએ છીએ કે આપ (અ.સ.) જીવંત છે અને આ ઝમીન ઉપર છે.

      આપ (અ.સ.) ખુદાની આખરી હુજ્જત છે. ખુદાવંદે આલમ તેમના થકી પોતાના પસંદીદા દીન, દીને ગદીરે મુર્તઝવીને આ દુનિયાનો એકમાત્ર મઝહબ કરાર દેશે અને એક દિવસ દરેક શખ્સ ફકત તેનો જ કલેમો પઢશે અને ફકત તેની જ બારગાહમાં સજદામાં જુકેલા હશે. જ્યારે તેઓ (અ.સ.) ઝુહુર ફરમાવશે ત્યારે આ ઝમીન ખુદાવંદે આલમની તસ્બીહ અને તેહલીલથી આબાદ થશે. ખુદાના બંદાઓ ઉપર ખુદાના હકીકી એહકામની હુકુમત થશે. દુનિયાનો રંગ બદલાઈ જશે. ઈમામ (અ.સ.) ગયબતમાં છે અને ઝુહુર માટે ખુદાવંદે આલમના હુકમનો ઈન્તેઝાર કરી રહ્યા છે. ઝુહુરમાં મોડું એટલા માટે થઈ રહ્યું છે કે આપણે લોકો હકીકતમાં ઝુહુર માટે સંપૂર્ણ રીતે તૈયાર અને સુસજ્જ નથી. આજે આપણે આપણી ઝીંદગીના અમૂક મસઅલાઓમાં આપણા મરાજેઅ દ્વારા બયાન કરવામાં આવેલા એહકામ (કે જેને તેઓએ એહલેબૈત (અ.મુ.સ.)ની રીવાયતોના આધારે તારવેલા હોય છે, તે કંઈ તેમનું અંગત મંતવ્ય કે પસંદગી નથી હોતી) માં પણ આપણે સંપૂર્ણ અનુસરણ નથી કરતા. તો પછી શું આપણે આપણી ઝીંદગીના બધા જ મસઅલાઓમાં સંપૂર્ણ રીતે આપણા ઈમામનું અનુસરણ કરીશું?

      હાલમાં આલીમો અને મરાજેઅની વિરુધ્ધ જે વાતો થઈ રહી છે, લોકોને તેઓથી દુર કરવામાં આવી રહ્યા છે. શું ખરેખર તેઓને આલીમો અને મરાજેઅથી દુર કરવામાં આવી રહ્યા છે કે પછી તેની આડમાં લોકોને એહલેબૈત (અ.મુ.સ.) અને તેમની તાઅલીમાતથી દુર કરવામાં આવી રહ્યા છે? લોકોને અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવી રહ્યા છે. આ વિચારધારા, અકીદા અને અમલનો વિરોધાભાસ અને અલગ અલગ સમૂહોમાં લોકોનું વહેંચાય જવું તે હઝરત વલીએ અસ્ર (અ.સ.)ના ઝુહુરની તૈયારી છે કે પછી તેમના ઝુહુરમાં મોડું થવાના માધ્યમો પૈદા કરવામાં આવી રહ્યા છે? ચોંકાવનારી બાબત તો એ છે કે આ બધું જ મઝહબના નામ ઉપર થઈ રહ્યું છે. જ્યારે કે મઝહબ તો ઈલ્મ ધરાવનારા લોકો તરફ રજુ થવાનો હુકમ આપે છે અને દરેક પ્રકારના વિરોધાભાસની મનાઈ ફરમાવે છે. એક જ કલેમા અને એક જ સર્વ સામાન્ય માન્યતા અને વિચારધારાની દઅવત આપે છે.

      આવી પરિસ્થિતિમાં આપણી શું જવાબદારી છે? આપણે શું કરવું જોઈએ કે જેથી અગર આપણી ઝીંદગી દરમ્યાન આપ (અ.સ.)નો ઝુહુર થઈ જાય તો આપણે ઈમામે અસ્ર (અ.સ.)ના ગુલામોમાં, ખિદમત ગુઝારોમાં અને અન્સારોમાં શામેલ થઈ શકીએ અને અગર કિસ્મત સાથ ન આપે અને અગર ઝુહુર પહેલા મૌત આવી જાય તેમ છતાં આપણે હઝરત (અ.સ.)ના ગુલામોમાં, ખિદમત ગુઝારોમાં અને અન્સારમાં શામેલ હોઈએ. નીચે અમૂક મહત્વની બાબતો તરફ ઈશારો કરવામાં આવી રહ્યો છે.

આલીમો અને હદીસવેત્તાઓએ રીવાયતોની રોશનીમાં ગયબતના ઝમાનાના આદાબ કંઈક આ પ્રમાણે વર્ણવ્યા છે:

  • મઅરેફત
  • ઈન્તેઝાર
  • તકવા
  • રાબેતો (સંપર્ક)
  • ઈશ્તેયાક (શોખ)
  • દોઆ
  • ઝિયારત
  • અરીઝા
  • વિલાયતના અમ્રને જીવંત રાખવું
  • તેમના દુશ્મનોથી બરાઅત
  • ઈમાની ભાઈઓનો ખ્યાલ રાખવો.

ઉપરોકત આદાબનો મકસદ એ છે કે આપણો સંપર્ક આપણા ઈમામ (અ.સ.)થી સતત જળવાએલો રહે. આજ સતત સંપર્ક આખેરતમાં નજાત અને બલંદતરીન દરજ્જાનું કારણ બનશે.

1) મઅરેફત:

જનાબે શૈખ તુસી (અ.ર.) એ આ રીવાયતની નોંધ કરી છે:

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે કે:

‘જે કોઈ ઈમામની મઅરેફત ધરાવતો હોય અને અગર ઝુહુરની પહેલા તેનો ઈન્તેકાલ થઈ જાય…. તો તેને તે અજ્ર અને સવાબ મળશે જે ઈમામ (અ.સ.)ની સાથે અને તેમના ખૈમામાં રહેવાનો અજ્ર અને સવાબ છે.’

(અલ ગયબત, પાના નં. 459)

તે મઅરેફત જે ઉસુલે દીનમાંથી છે, તે મઅરેફત જે જાહેલીય્યતની મૌતથી બચાવે છે અને આખેરતમાં નજાતનું કારણ બને છે, શું તે મઅરેફત ફકત ઈમામે અસ્ર (અ.સ.)નું નામ, વંશવેલો અને વિલાદતની તારીખ જાણી લેવા પુરતી સીમીત છે? કે પછી તે મઅરેફતથી મુરાદ એ છે કે જે ઈન્સાનોની વિચારધારા, માન્યતા, આમાલ અને અખ્લાક ઉપર અસર અંદાજ થાય. ઈમામ તેને કહેવામાં આવે છે કે જેમની પાછળ પાછળ આપણે ચાલીએ છીએ. અગર આપણે હઝરત વલી એ અસ્ર (અ.સ.)ને હકીકતમાં આપણા ઈમામ કબુલ કર્યા છે અને તેઓ આપણી સમગ્ર ઝીંદગીમાં આપણા ઈમામ છે તો પછી ઈમામ (અ.સ.)ની મઅરેફતનો એ તકાઝો છે કે આપણી ઝીંદગીનું દરેક કદમ ઈમામ (અ.સ.)ના નકશે કદમ ઉપર હોય.

તેઓ આપણા ઈમામ છે એટલે કે આપણી દરેક બાબતોથી માહિતગાર છે. પછી ચાહે તે આપણા જાહેરી આમાલ હોય કે પછી તે આપણા દિલોની ઉંડાણના છુપા ખ્યાલો અને લાગણીઓ હોય. આપણે કોઈ પણ અમલ તેમની નજરોથી દુર રાખી શકતા નથી, ન આપણી ફિક્ર.

      તેઓ ખુદાની હુજ્જત અને અલ્લાહના વલી છે. તેમની ઈતાઅત ખુદા અને રસુલની ઈતાઅત છે. તેમની નાફરમાની ખુદા અને રસુલની નાફરમાની છે. તેમનાથી દોસ્તી ખુદા અને રસુલથી દોસ્તી છે અને તેમનાથી દુશ્મની ખુદા અને રસુલથી દુશ્મની છે. તેમની યાદ ખુદા અને રસુલની યાદ છે અને તેમનાથી ગફલત (બેદરકારી) ખુદા અને રસુલથી ગફલત છે.

તેઓ ફૈઝનું માધ્યમ છે. આ સમયે ફકત આપણને નહીં બલ્કે સમગ્ર કાએનાતને ત્યાં સુધી કે બ્રહમાંડથી લઈને જમીન અને સમુદ્રની ઉંડાઈ સુધી દરેક મખ્લુકને ખુદાવંદે આલમનો જે ફૈઝ પહોંચી રહ્યો છે, જેના આધારે દરેક જીવંત છે, તે બધુ જ હઝરત વલીએ અસ્ર (અ.સ.) દ્વારા મળી રહ્યું છે. તેમાંથી કોઈ એકને પણ સીધે સીધું કંઈ પણ મળતું નથી. આપણો દરેક શ્ર્વાસ તેમના ઉપર આધારિત છે. આપણા દીલની દરેક ધડકન આપના કારણે છે અને આપણી નસો તેમના આધારે ચાલી રહી છે. વરસાદ તેમના લીધે વરસી રહ્યો છે. જમીનની ફળદ્રુપતા તેમના લીધે છે. આ મઅરેફતનો એ તકાઝો છે કે જ્યારે પણ કોઈ નેઅમત પ્રત્યે નજર કરો તો પોતાના વલીએ નેઅમતને યાદ કરો અને તેમના માટે દોઆ કરો.

ફકત ભૌતિક નેઅમતો જ તેમનાં કારણે નથી, બલ્કે તમામ રુહાની નેઅમતો પણ તેમના જ કારણે છે. હિદાયત તેમના થકી છે, નમાઝોનું કબુલ થવુ તેમના થકી છે, આઅમાલનું કબુલ થવું તેમના થકી છે, ગુનાહોની મગ્ફેરત તેમના થકી છે, બરઝખ અને કબ્રના અઝાબથી નજાત તેમના થકી છે, કયામતના મયદાનમાં શફાઅત તેમના થકી છે, જહન્નમના હંમેશાના અઝાબથી નજાત અને જન્નતનો પ્રવેશ પણ તેમના જ થકી છે તથા જન્નતમાં ઉચ્ચ દરજ્જા સુધી પહોંચવાનું અને ખુદા તથા રસુલની નઝદીકી પ્રાપ્ત કરવાનું માધ્યમ પણ તેમના થકી જ છે.

      આ કંઈ મઅરેફતનો સૌથી ઉચ્ચ દરજ્જો નથી. બલ્કે ઈમામ (અ.સ.)ની મઅરેફતનું સૌથી સામાન્ય અને પ્રથમ પગલુ છે. જેને થોડી પણ મઅરેફત હશે તે કયારેય ઈમામે અસ્ર (અ.સ.)થી ગાફીલ નહીં રહે. બલ્કે હંમેશા તેમના માટે દોઆઓ કરતો રહેશે અને તેમનો ઈન્તેઝાર કરતો રહેશે. ઈમામે અસ્ર (અ.સ.)ની મઅરેફત ન ફકત જાહેલીય્યત અને કુફ્રની મૌતથી બચાવે છે, બલ્કે દુન્યવી ઝીંદગીને પણ જાહેલિય્યતની ઝીંદગીથી સુરક્ષિત રાખે છે. આ આધારે ગયબતના ઝમાનામાં અઈમ્મા (અ.મુ.સ.) એ આ દોઆ પઢવાની તાકીદ ફરમાવી છે.

اَللّٰهُمَّ عَرِّفْنِيْ‏ نَفْسَكَ‏ فَإِنَّكَ إِنْ لَمْ تُعَرِّفْنِيْ نَفْسَكَ لَمْ أَعْرِفْ نَبِيَّكَ اَللّٰهُمَّ عَرِّفْنِيْ رَسُوْلَكَ فَإِنَّكَ إِنْ لَمْ تُعَرِّفْنِيْ رَسُولَكَ لَمْ أَعْرِفْ حُجَّتَكَ اَللّٰهُمَّ عَرِّفْنِيْ حُجَّتَكَ فَإِنَّكَ إِنْ لَمْ تُعَرِّفْنِيْ حُجَّتَكَ ضَلَلْتُ عَنْ دِيْنِيْ

‘ખુદાયા! તું મને ખુદ તારી ઝાતની મઅરેફત અતા કર. અગર તે મને તારી ઝાતની મઅરેફત અતા ન કરી, તો હું તારા નબીની મઅરેફત પ્રાપ્ત નહીં કરી શકું.’

  ‘ખુદાયા! તું મને તારા રસુલની મઅરેફત અતા કર. અગર તે મને તારા રસુલની મઅરેફત અતા ન કરી, તો હું તારી હુજ્જતની મઅરેફત પ્રાપ્ત નહીં કરી શકું.

   ‘ખુદાયા! તું મને તારી હુજ્જતની મઅરેફત અતા કર. અગર તે મને તારી હુજ્જતની મઅરેફત અતા ન કરી, તો હું મારા દીનથી ભટકી જઈશ.’

(કમાલુદ્દીન, પાના નં. 342)

દોઆનું છેલ્લુ વાકય ધ્યાન આપવા લાયક છે, કે અગર હુજ્જતે ખુદાની મઅરેફત નથી, તો દીનથી ગુમરાહી છે. ઈમામની મઅરેફત વગર દીન કંઈ નથી.

2) ઈન્તેઝાર:

ગયબતના ઝમાનાનો એક બીજો અદબ ઈમામે અસ્ર (અ.સ.)ના ઝુહુરનો ઈન્તેઝાર કરવો છે. રીવાયતોમાં એ લોકોની ખૂબજ ફઝીલતો બયાન કરવામાં આવી છે કે જેઓ ગયબતના ઝમાનામાં ઈમામે અસ્ર (અ.સ.)ની ઈમામતનો અકીદો ધરાવે છે અને તેના ઉપર સાબિત કદમ રહે છે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

‘તે શખ્સ માટે જન્નતની ખુશખબરી છે કે જે મારા એહલેબૈત (અ.મુ.સ.) માંથી કાએમ (અ.સ.)ના ઝમાનાને પામે, ગયબતમાં તેમની ઈમામત ઉપર સાબિત કદમ રહે, તેમના દોસ્તોને દોસ્ત રાખે અને તેમના દુશ્મનોથી દુશ્મની રાખે. આવો શખ્સ મારા દોસ્તોમાંથી છે, મારો મેહબુબ છે અને કયામતના દિવસે મારી ઉમ્મતના સૌથી ઈઝ્ઝતદાર લોકોમાંથી હશે.’

(કમાલુદ્દીન, પાના નં. 286)

કયામતના મયદાનમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની સમગ્ર ઉમ્મત મૌજુદ હશે. તેમાંથી સૌથી વધારે ઈઝ્ઝતદાર, ખાસ અને મોહતરમ તે શખ્સ હશે, જે ગયબતના ઝમાનામાં ઈમામે અસ્ર (અ.સ.)ની ઈમામત ઉપર સાબિત કદમ હશે.

    બીજી રીવાયતોમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ઈન્તેઝારને પોતાની ઉમ્મતનો સૌથી શ્રેષ્ઠ અમલ (મુન્તખબુલ અસર, પાના નં. 234) અને સૌથી શ્રેષ્ઠ ઈબાદત (કમાલુદ્દીન, પાના નં. 287) કરાર દીધી છે.

     હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ ઈન્તેઝારની ફઝીલત કંઈક આ પ્રમાણે બયાન ફરમાવી છે:

‘શું હું તમોને એ વસ્તુના બારામાં ન જણાવું કે જેના વગર ખુદાની બારગાહમાં બંદાઓના કોઈ અમલને કબુલ કરવામાં નહીં આવે? તે એ છે કે એમ ગવાહી આપવી કે ખુદાની સિવાય બીજો કોઈ મઅબુદ નથી તથા હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) તેમના બંદા અને રસુલ છે. ખુદાના તમામ એહકામ ઉપર ઈમાન લાવવુ, અમારી વિલાયતનો એકરાર કરવો અને અમારા કાએમ (અ.સ.)નો ઈન્તેઝાર કરવો.’

(મુન્તખબુલ અસર, પાના નં. 497)

ઈન્તેઝારની ફઝીલતમાં અસંખ્ય રીવાયતો છે. તે બધી રીવાયતો સ્પષ્ટપણે દશર્વિે છે કે જે ઈન્તેઝારની આટલી બધી ફઝીલત છે, તે નકારાત્મક ઈન્તેઝાર નથી. ઈન્તેઝાર એક સતત સફર છે, તે મકસદ અને હેતુઓની તરફ કે જે હઝરત વલી એ અસ્ર (અ.સ.)ના પૂર નૂર ઝુહુર પછી અમલમાં આવશે.

      આ ઈન્તેઝાર તે પેશ્વા, રેહબર અને ઈમામનો ઈન્તેઝાર છે, જે તમામ અંબિયા, મુરસલીન, અવ્લીયા, અવ્સીયા, શહીદો અને સાલેહીનના બધા જ મકસદોને સંપૂર્ણ રીતે લાગુ કરી દેશે. જેમના ઝુહુરના ઝમાનામાં ખુદાવંદે આલમનો દીન તેના બધાજ પાસાઓની સાથે અમલી હશે. ખુદ ઈમામ (અ.સ.)ની ઝીંદગી અત્યંત સાદી હશે પરંતુ દુનિયા નેઅમતોથી માલા માલ હશે.

    ઈન્તેઝારનું એક કામ પોતાના નફસને, પોતાના જાહેર અને બાતિનને એ તમામ બાબતો બદઅખ્લાક અને બદસિફતોથી પાક કરવું છે, જે ઈમામે અસ્ર (અ.સ.)ને નાપસંદ છે. તે જ રીતે તે તમામ બાબતો, અખ્લાક અને સિફતોથી પોતાની જાતને સુસજ્જ કરવી જે તેમના ખિદમતગુઝારોમાં શામેલ થવા માટે લાઝીમ અને જરુરી છે.

     અગર આપણે આ ગયબતના ઝમાનામાં અને ઈન્તેઝારની હાલતમાં પોતાની જાતને સર્વશ્રેષ્ઠ અખ્લાક અને આદાબથી સુસજ્જ અને તૈયાર ન કરી તો શકય છે કે આપણે તે લોકોમાં શામેલ થઈ જઈએ કે જેના બારામાં હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ આ રીતે બયાન ફરમાવ્યું:

‘જ્યારે કાએમ (અ.સ.)નો ઝુહુર થશે ત્યારે તે લોકો દીનથી ખારીજ થઈ (નીકળી) જશે જેઓ પોતાને દીનદાર સમજતા હશે અને તે લોકોએ દીનમાં દાખલ થઈ જશે, જેઓ સુરજ અને ચાંદની પૂજા કરતા હતા.’

(ગયબતે તુસી, પાના નં. 317)

ઝુહુરના સમયે ઈમ્તેહાનમાં કોણ કામીયાબ થશે? હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ના સહાબીઓમાં ઘણા બધા મદીનાવાસીઓ શામેલ નથી. જ્યારે કે રસ્તામાંથી શામેલ થઈ જનાર જનાબે ઝોહૈર (અ.ર.) અને જનાબે વહબ (અ.ર.)ને આ ખુશબખ્તી પ્રાપ્ત થઈ. હઝરત ઈમામ હુસૈન (અ.સ.) સાથે મુલાકાત થઈ તે પહેલા તેમાંથી એક ઉસ્માની હતા અને એક ઈસાઈ.

3) તકવા:

ઈમામ (અ.સ.)ના ઈન્તેઝારનું એક જરુરી પરિબળ તકવા છે. હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

‘જે કોઈ હઝરત કાએમ (અ.સ.)ના સહાબીઓમાં શામેલ થવાનું પસંદ કરે છે, તેના માટે જરુરી છે કે તે ઈન્તેઝાર કરે. તકવા અને પરહેઝગારી ઈખ્તેયાર કરે અને પોતાની જાતને શ્રેષ્ઠ અખ્લાકથી શણગારે. આ છે સાચો ઈન્તેઝાર કરનાર. અગર કાએમ (અ.સ.)ના ઝુહુર પહેલા તેનો ઈન્તેકાલ થઈ જાય તો તેને તે સવાબ મળશે જે ઝુહુરનો ઝમાનો પામનાર શખ્સને સવાબ મળશે. ગંભીરતાથી કોશિશ કરો અને ઈન્તેઝાર કરો.’

(મુન્તખબુલ અસર, પાના નં. 497)

 આ હદીસથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ગુનાહ અને ઈન્તેઝારમાં કોઈ સંબંધ નથી. તેઓ જ ઈન્તેઝાર કરનારા છે કે જેઓ મુત્ત્ાકી અને પરહેઝગાર લોકો છે. અર્થાત ઈન્તેઝાર, એ તકવા અને પરહેઝગારીનું કારણ છે, ગુનાહો અને ખતાઓનું કારણ નથી. અગર હઝરત વલી એ અસ્ર (અ.સ.)ના લશ્કરમાં શામેલ થવું હોય તો ગુનાહોથી દુર રહેવું જરુરી છે.

     હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ ઈમામે અસ્ર (અ.સ.)ના સહાબીઓની સિફતો આ પ્રમાણે બયાન ફરમાવી છે:

‘તેઓ એવા બહાદુર હશે જાણે કે તેઓના દીલ લોખંડ કરતા વધારે મજબુત હશે, તેઓ અલ્લાહ ઉપર સંપૂર્ણ યકીન રાખતા હશે, તેમનાં દીલોમાં જરા પણ શંકા ઉદભવશે નહિ. તેઓ પથ્થરો કરતા વધારે સખ્ત હશે. જો તેઓ પહાડ ઉપર નઝર કરે તો તેને ઉખેડી નાખે. તેઓ પોતાનો પરચમ લઈને જે શહેરમાં જશે તેને જીતી લેશે. તેઓ ઝડપી શીકારી પક્ષી જેવા ઘોડા ઉપર સવાર હશે. તેઓ બરકત પ્રાપ્ત કરવા માટે ઈમામ (અ.સ.)ની સવારીના ઝીનને સ્પર્શ કરતા હશે. તેઓએ ઈમામ (અ.સ.)ને ઘેરી લીધેલ હશે અને આફત અને બલાથી તેમની હિફાઝત કરતા હશે. ઈમામ (અ.સ.)ની દરેક ઈચ્છા તેઓ દીલો જાનથી પુરી કરશે. તેઓ રાત્રીઓમાં આરામ નહિ કરે. બલ્કે રાત્રી નમાઝમાં અને ઈબાદતમાં એવી રીતે પસાર કરશે જેવી રીતે મધમાખીઓનો ગણગણાટ. તેઓ રાત્રી ઈબાદતમાં પસાર કરશે અને દિવસે ઘોડાઓ પર સવાર થઈને મદદ માટે તૈયાર હશે. તેઓ ઈમામ (અ.સ.) માટે એક કનીઝ કરતા વધારે ફરમાંબરદાર હશે. તેઓનાં દીલો ફાનસની માફક પ્રકાશિત હશે. તેઓ ખુદાનાં ખૌફથી ધ્રુજનારા, વહદાનીયતની સાક્ષી આપનારા હશે. તેઓ અલ્લાહની રાહમાં શહાદતની તમન્ના ધરાવનારા હશે. તેઓનો નારો ‘યા લેસારતીલ હુસૈન (અ.સ.)’ હશે. તેઓ જ્યારે કદમ ઉઠાવશે તો તેમનો રોબ અને દબદબો એક મહીનાનાં અંતરથી તેમની આગળ ચાલશે. તેઓ ખુદાની ખુશ્નુદી મેળવનારા હશે. ખુદા તેઓના દ્વારા ઈમામે હક્કની મદદ કરશે…..’

(બેહારુલ અન્વાર, ભાગ-52, પાના નં. 308, હ. નં. 82)

અગર ઉપરોકત તમામ બાબતો આપણામાં જોવા મળે છે, તો પછી ખુદાવંદે આલમનો શુક્ર અદા કરવો જોઈએ અને ઝીંદગીના આખરી શ્ર્વાસ સુધી તેના ઉપર સાબિત કદમ રહેવાની દોઆઓ કરતા રહેવું જોઈએ અને અગર અલ્લાહ ન કરે કે ઉપરોકત બાબતો અથવા તેમાંથી કોઈ બાબત આપણામાં જોવા ન મળતી હોય તો ખુદાવંદે આલમની બારગાહમાં ખુલુસે દિલથી એહલેબૈત (અ.મુ.સ.)નો વાસ્તો આપીને તે બાબતોને અપનાવવાની સતત દોઆઓ કરતા રહેવી જોઈએ. કારણ કે રીવાયતોમાં છે કે જે શખ્સ કોઈ કૌમની રીતભાત / સંસ્કૃતિ ધારણ કરવાની કોશિશ કરશે તો તેની ગણતરી તે કૌમની સાથે થાય છે.

4) રાબેતા (સંપર્ક):

ઈન્તેઝાર કરનારની એક જવાબદારી ઈમામે અસ્ર (અ.સ.)થી સંપર્ક રાખવો છે. સંપર્કથી મુરાદ ઈમામ (અ.સ.) સાથે ઉઠવું, બેસવું નથી. ગયબતના ઝમાનામાં સંપર્કનો એક ભાવાર્થ ઈમામ (અ.સ.)ના મકસદોની પૂર્ણતાના રસ્તામાં એક ડગલું ભરવું છે. અમ્ર બિલ મઅરુફ અને નહ્ય અનિલ મુન્કર પણ તેનો હિસ્સો છે. આ ગયબતના ઝમાનામાં તેની એક મહત્વની બાબત ઝમાનાના મરજાઅ સાથે સંપર્ક રાખવો છે અને તેમની વાતો ઉપર અમલ કરવો, તેમજ તેમના હુકમોનું અનુસરણ કરવું છે. ખાસ કરીને આ ઝમાનામાં કે જેમાં લોકોને વિવિધ પ્રકારે અને અલગ અલગ અંદાજથી મરજઈય્યતથી દુર કરવાની કોશિશો કરવામાં આવી રહી છે. આ સંપર્કનું એક બીજું માધ્યમ એવા લોકોની તરબીયત કરવી છે કે જેઓ હઝરત વલી એ અસ્ર (અ.સ.)ના ખિદમતગુઝારોમાં અને તેમના સિપાહીઓમાં શામેલ થઈ શકે. અર્થાત જ્યારે ઈમામ (અ.સ.)નો ઝુહુર થાય ત્યારે તેમને લોકોને શોધવાની જરુર ન પડે, બલ્કે લોકો પહેલાથી જ આમાદા અને તૈયાર હોય.

હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

‘જે શખ્સ ઈમામ (અ.સ.)ની સાથે શહીદ થવાની નિય્યત ધરાવે છે તેને શહાદતનો સવાબ મળશે. ભલે પછી તેનું મૌત બિસ્તર ઉપર કેમ ન થયુ હોય.’

(મિકયાલુલ મકારીમ, ભાગ-2, પા. 228)

અગર અત્યારે ગયબતના ઝમાનામાં જેહાદે અસગરની ખુશબખ્તી પ્રાપ્ત થઈ શકતી નથી તો બીજી બાજુ જેહાદે અકબરનું મયદાન તો ખુલ્લુ જ છે અને અત્યારે તેની વધારે જરુરત પણ છે. હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ સુબ્હની નમાઝ પછી દોઆએ અહદ પઢવાની તાકીદ ફરમાવી છે. આ દોઆમાં આ જુમ્લાઓ જોવા મળે છે:

اَللّٰهُمَّ إِنْ حَالَ‏ بَيْنِيْ‏ وَ بَيْنَهُ الْمَوْتُ الَّذِيْ جَعَلْتَهٗ عَلٰى عِبَادِكَ حَتْمًا مَقْضِيًّا فَأَخْرِجْنِيْ مِنْ قَبْرِيْ مُؤْتَزِرًا كَفَنِيْ شَاهِرًا سَيْفِيْ مُجَرِّدًا قَنَاتِيْ مُلَبِّيًا دَعْوَةَ الدَّاعِيْ

‘ખુદાયા! અગર મારા અને તેમના ઝુહુરની દરમ્યાન તે મૌત રુકાવટ બની જાય જે લાઝમી અને જરુરી છે, તો પછી ખુદાયા! જ્યારે તેમનો ઝુહુર થાય તો મને કબ્રમાંથી એવી રીતે ઉઠાવજે કે મેં કફન પહેરેલું હોય, હાથમાં તલ્વાર હોય, અને નેઝો પણ ઉઠાવેલો હોય અને પુકારનારની અવાજ ઉપર લબ્બૈક કહી રહ્યો હોવ.’

જરા ધ્યાન આપવાથી એ હકીકત સ્પષ્ટ થઈ જાય છે, કે ઈન્તેઝારનો અર્થ એકદમ ભોળું અને સીધુ-સાદુ હોવુ નથી. બલ્કે તમામ જરુરી ઈલ્મો અને હુન્નરોથી સજ્જ હોવું છે અને તેમાં નિપુણ હોવું પણ જરુરી છે. બલ્કે બીજાઓથી વધારે તેમાં મહારત હાસિલ હોવી જોઈએ. આ વાત બિલ્કુલ નક્કી છે કે ઝુહુર પછી ફકત તે લોકો જ નજાત પામશે કે જેઓ હઝરત વલી એ અસ્ર (અ.સ.)ની સાથે હશે, તેમના સમૂહમાં હશે અને તેમના સિપાહી હશે. તે સમયે તમાશો જોનારા લોકોનું કોઈ સ્થાન નહીં હોય. તેમજ તેમનાથી રાબેતા ન રાખનારનું પણ કોઈ સ્થાન નહીં હોય, બલ્કે તેઓ ઈમામ (અ.સ.)ની વિરુધ્ધમાં હશે.

નજાત અને કામ્યાબી ફકત અને ફકત તે જ લોકોને મળશે કે જેઓ ઈમામ (અ.સ.)ની સાથે હશે. ઈમામ (અ.સ.)ની સાથે રહેવા માટે તકવા, પરહેઝગારી અને બાતિનની પાકીઝગી અત્યંત જરુરી છે.

ઈમામ (અ.સ.)ની મોહબ્બત

1) મુલાકાત અને દીદારનો શોખ:

મોહબ્બત જેટલી તીવ્ર હશે, મુલાકાત અને દીદારનો શોખ પણ તેટલો જ તીવ્ર હશે. કુરઆને કરીમ ઈરશાદ ફરમાવે છે:

قُلْ إِنْ كَانَ اٰبَآؤُكُمْ وَ أَبْنَآؤُكُمْ وَ إِخْوَانُكُمْ وَ أَزْوَاجُكُمْ وَ عَشِيْرَتُكُمْ وَ أَمْوَالٌ نِاقْتَرَفْتُمُوْهَا وَ تِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَ مَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُمْ مِنَ اللهِ وَ رَسُوْلِهٖ وَ جِهَادٍ فِيْ‏ سَبِيْلِهٖ فَتَرَبَّصُوْا حَتّٰى يَأتِيَ اللهُ بِأَمْرِهٖ وَ اللهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِيْنَ

“અય પયગમ્બર! તમે તે લોકોને કહી દો કે અગર તમારા બાપ-દાદાઓ, તમારી ઔલાદ, તમારા ભાઈ-બહેનો, તમારી પત્નિઓ, તમારા ખાનદાનવાળાઓ અને તે માલ કે જેને જમા કર્યો છે, તે ધંધો કે જેમાં તમને મંદીનો ડર છે, તમારા મનગમતા મકાનો, આ બધુ તમને ખુદા અને તેના રસુલથી અને તેની રાહમાં જેહાદથી વધારે મનગમતુ અને પ્રિય છે તો બસ ઈન્તેઝાર કરો ત્યાં સુધી કે ખુદાનો હુકમ આવી જાય અને ખુદા ફાસીકોની હિદાયત નથી કરતો.

(સુરએ તૌબા-9, આયત નં. 24)

આ ઉપરાંત આ આયએ કરીમા

قُلْ   لَا   أَسْئَلُكُمْ   عَلَيْهِ   أَجْرًا   إِلَّا   الْمَوَدَّةَ   فِيْ   الْقُرْبٰى‏

“અય પયગમ્બર! તમે તે લોકોને કહી દો કે હું રિસાલતનો કોઈ અજ્ર નથી ચાહતો સિવાય એ કે મારા એહલેબૈતથી મોહબ્બત અને મોવદ્દત.

(સુરએ શુરા-42, આયત નં. 23)

ઉપરોકત આયતો ઉપર વિચાર કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ઈમાનનો એ તકાઝો છે, બલ્કે લાઝીમ અને જરુરી છે કે એક મોઅમીન ખુદા અને તેના રસુલ (સ.અ.વ.)ની સાથે સૌથી વધારે મોહબ્બત કરે. તે ન તો પોતાના સગા-સંબંધીઓને અગ્રતા આપે અને ન તો પોતાના માલ, દૌલત અને હુકુમતને અગ્રતા આપે. બસ ફકત ખુદા, તેના રસુલ (સ.અ.વ.) અને એહલેબૈત (અ.મુ.સ.)થી મોહબ્બત હોય અને તે પણ સૌથી વધારે મોહબ્બત હોય.

      આ સમયે સમગ્ર કાએનાતમાં ખુદા અને તેના રસુલ (સ.અ.વ.)ના પ્રતિનિધિ અને એહલેબૈત (અ.મુ.સ.)માંથી હઝરત વલી એ અસ્ર, હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી (અ.સ.)ની સિવાય બીજું કોઈ નથી. આથી ઈમાનનો સૌથી ઓછામાં ઓછો તકાઝો એ છે કે આપણે સૌથી વધારે તેમનાથી મોહબ્બત કરીએ અને સૌથી વધારે તેમનાથી મુલાકાત કરવા અને તેમનો દીદાર કરવા બેચૈન રહીએ. આપ જરા ધ્યાન આપો કે અગર કોઈ શખ્સ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના ઝમાનામાં હોય અને આપ હઝરત (સ.અ.વ.)ની મુલાકાત અને દીદારનો શોખ ન ધરાવતો હોય તો શું તેને મોઅમીન કહી શકાશે? શું તેનું ઈમાન હકીકતમાં ઈમાન કહેવાશે? જેના દિલમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની ઝિયારતનો શોખ ન હોય તેની ખુદા અને તેના રસુલની નજરોમાં શું હૈસીય્યત હશે? આ સમયે હઝરત વલી એ અસ્ર (અ.સ.), રસુલ (સ.અ.વ.)ના ફરઝંદ છે, ખુદાના વલી છે, અલ્લાહની હુજ્જત છે, રસુલ (સ.અ.વ.)ના જાનશીન છે, બધું જ તો તેઓ છે. દોઆએ નુદબામાં ઝમાનાના ઈમામ (અ.સ.)ની મોહબ્બત અને તેમની મુલાકાતના બેપનાહ શોખને આ શબ્દોમાં બયાન કરવામાં આવ્યો છે:

هَلْ إِلَيْكَ يَا ابْنَ أَحْمَدَ سَبِيْلٌ فَتُلْقٰى؟ هَلْ يَتَّصِلُ يَوْمُنَا مِنْكَ بِعِدَةٍ فَنَحْظٰى؟ مَتٰى نَرِدُ مَنَاهِلَكَ الرَّوِيَّةَ فَنَرْوٰى ؟ مَتٰى نَنْتَفِعُ مِنْ عَذْبِ مَائِكَ فَقَدْ طَالَ الصَّدٰى؟  مَتٰى نُغَادِيْكَ وَ نُرَاوِحُكَ  فَنُقِرُّ عَيْنًا؟ مَتٰى تَرَانَا وَ نَرَاكَ وَ قَدْ نَشَرْتَ لِوَاءَ النَّصْرِ تُرٰى؟ أَ تَرَانَا نَحُفُّ بِكَ وَ أَنْتَ تَؤُمُّ الْمَلَأَ؟

‘અય ઈબ્ને એહમદ! શું આપની મુલાકાતનો કોઈ રસ્તો છે ખરો? શું અમારો આ (જુદાઈનો) દિવસ ઝુહુરના દિવસ સાથે જોડાઈ જશે? અને અમે ખુશ થશું? કયારે અમે આપના એ ઝરણા ઉપર હાજર થશું? જેના થકી અમો (તમારા દીદારની) અમારી તરસ બુજાવી શકીશું? કયારે અમે આપના ઝરણાંના મધુર પાણીથી ફાયદો મેળવશું? પ્યાસ તો બહુજ લંબાણી છે. કયારે અમો આપની સાથે સવાર અને સાંજ વીતાવશું અને આપના દીદારથી અમારી આંખોને સુકૂન (ઠંડક) પહોંચશે? કયારે આપ અમને જોશો અને અમે આપને જોઈશું? પછી આપ વિજયનો પરચમ (અલમ) લહેરાવતા નજરે પડશો? આપ અમને આપની ફરતે ભેગા થયેલા જોશો અને આપ બધા લોકોની ઈમામત કરી રહ્યા હશો.’

 ખુદાવંદે આલમે જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.)ને મેઅરાજની રાત્રે તમામ અઈમ્મા (અ.મુ.સ.)ના નૂરની ઝિયારત કરાવી ત્યારે ખુદાવંદે આલમે હઝરત વલી એ અસ્ર (અ.સ.) સંબંધિત પોતાના પ્યારા નબીને ફરમાવ્યું:

‘અય મોહમ્મદ (સ.અ.વ.)! તેમનાથી મોહબ્બત કરો. કારણકે હું તેમનાથી મોહબ્બત કરું છું અને તે લોકોથી પણ મોહબ્બત કરું છું જે તેમનાથી (ઈમામ અ.સ.થી) મોહબ્બત કરે છે.’

(મિકયાલુલ મકારીમ, ભાગ-2, પાના નં. 138)

રીવાયતોમાં મળે છે કે અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને બીજા અઈમ્મા એ મઅસુમીન (અ.મુ.સ.) ખુદાવંદે આલમની બારગાહમાં ઈમામ મહદી (અ.સ.)ના દીદાર અને ખિદમતની દોઆઓ કરતા હતા. આ તે મન્ઝેલત અને મહાનતા ઉપર આધારિત છે કે જે ઈમામ મહદી (અ.સ.)ને ખુદાની બારગાહમાં હાસિલ છે.

 2) દોઆ:

ગયબતના ઝમાનાનો એક અદબ ખુબજ કરગરીને ઈમામે ઝમાના (અ.સ.) માટે દોઆ કરવી. તેમના ઝુહુરની દોઆ, તેમની સલામતીની દોઆ, તે બાબતોના દુર થવાની દોઆ કે જે હઝરતના ઝુહુરમાં રુકાવટ બનેલી છે. ઈમામ (અ.સ.)ના મદદગારો, અન્સાર અને ખિદમતગુઝારો માટે દોઆ.

ગયબતનો ઝમાનો બલાઓ અને કસોટીઓનો ઝમાનો છે. આ ઝમાનામાં દીનથી ગુમરાહ થઈ જવાની શકયતા છે. આ ઝમાનામાં દીન ઉપર સાબિત કદમ રહેવાની દોઆ અને ખાસ કરીને હઝરત વલી એ અસ્ર (અ.સ.)ની ઈમામત અને વિલાયત ઉપર સાબિત કદમ રહેવાની દોઆ, તેમની સમક્ષ સંપૂર્ણ રીતે તસ્લીમ થવાની દોઆ, તેમની ઈતાઅત અને ફરમાંબરદારીની દોઆ, ઝુહુર પહેલાની તૈયારીની દોઆ, આ બાબતે અઈમ્મએ મઅસુમીન (અ.સ.) એ આ ગયબતના ઝમાનામાં પઢવાની અસંખ્ય દોઆઓ તઅલીમ ફરમાવી છે. અહિં ફકત અમૂક દોઆઓનું વર્ણન કરીશું.

1) દોઆએ اَللّٰهُمَّ عَرِّفْنِيْ‏ نَفْسَكَ આ દોઆનું વર્ણન આગળ કરી ચૂકયા છીએ.

2) દોઆએ ગરીક:

یَا   اَللّٰہُ   یَا   رَحْمٰنُ   یَا   رَحِیْمُ   یَا   مُقَلِّبَ   الْقُلُوْبِ   ثَبِّتْ   قَلْبِیْ   عَلٰی دِیْنِکَ

3) દોઆએ اَللّٰهُمَّ اَدْخِلْ عَلٰی اَھْلِ الْقُبُوْرِ السُّرُوْرَ.  જો કે આ દોઆ માહે મુબારકે રમઝાનમાં પઢવામાં આવે છે. પરંતુ આ દોઆના બારામાં ખુદ હઝરત વલી એ અસ્ર (અ.સ.) એ ફરમાવ્યું છે:

‘આ દોઆ મારા ઝુહુરની દોઆ છે કારણકે જે બાબતોનો ઝીક્ર આ દોઆમાં કરવામાં આવ્યો છે, તે બધી બાબતો મારા ઝુહુરના ઝમાનામાં અમલી થશે.’

(આદાબે અસ્ર અલ ગયબહ, કરર્નિી, પા. 62)

4) મુખ્તસર દોઆ એ અહદ:

اَللّٰهُمَّ بَلِّغْ مَوْلَايَ صَاحِبَ الزَّمَانِ صَلَوَاتُ اللهِ عَلَيْهِ عَنْ جَمِيْعِ الْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ فِي مَشَارِقِ الْأَرْضِ وَ مَغَارِبِهَا وَ بَرِّهَا وَ بَحْرِهَا وَ سَهْلِهَا وَ جَبَلِهَا حَيِّهِمْ وَ مَيِّتِهِمْ وَ عَنْ وَالِدَيَّ وَ وُلْدِيْ وَ عَنِّيْ مِنَ الصَّلَوَاتِ وَ التَّحِيَّاتِ زِنَةَ عَرْشِ اللهِ وَ مِدَادَ كَلِمَاتِهِ‏ وَ مُنْتَهَى رِضَاهُ وَ عَدَدَ مَا أَحْصَاهُ كِتَابُهُ وَ أَحَاطَ بِهِ عِلْمُهُ اَللّٰهُمَّ إِنِّيْ أُجَدِّدُ لَهُ فِيْ هَذَا الْيَوْمِ وَ فِي كُلِّ يَوْمٍ عَهْدًا وَ عَقْدًا وَ بَيْعَةً لَهُ فِيْ رَقَبَتِي اللّٰهُمَّ كَمَا شَرَّفْتَنِيْ بِهٰذَا التَّشْرِيْفِ وَ فَضَّلْتَنِيْ بِهٰذِهِ الْفَضِيْلَةِ وَ خَصَصْتَنِيْ بِهٰذِهِ النِّعْمَةِ فَصَلِّ عَلٰى مَوْلَايَ وَ سَيِّدِيْ صَاحِبِ الزَّمَانِ وَ اجْعَلْنِي مِنْ أَنْصَارِهِ وَ أَشْيَاعِهِ وَ الذَّابِّيْنَ عَنْهُ وَ اجْعَلْنِيْ مِنَ الْمُسْتَشْهَدِيْنَ بَيْنَ يَدَيْهِ طَائِعًا غَيْرَ مُكْرَهٍ فِي الصَّفِّ الَّذِيْ نَعَتَّ أَهْلَهُ فِيْ كِتَابِكَ فَقُلْتَ‏ صَفًّا كَاَنَّهُمْ بُنْيَانٌ مَرْصُوْصٌ‏ عَلٰى طَاعَتِكَ وَ طَاعَةِ رَسُوْلِكَ وَ اٰلِهِ عَلَيْهِمُ السَّلَامُ اَللّٰهُمَّ هٰذِهِ بَيْعَةٌ لَهُ فِي عُنُقِي إِلٰى يَوْمِ الْقِيَامَةِ.

(મફાતીહુલ જીનાન)

5) દોઆ એ નુદબાહ:

   દર શુક્રવારે પાબંદીની સાથે દોઆએ નુદબાહનું આયોજન કરવું જોઈએ અને મોઅમીનોએ તેને દર શુક્રવારે પાબંદીની સાથે પઢવી જોઈએ. દોઆ એ નુદબાહ ઈમામ (અ.સ.) માટે દોઆ પણ છે, ઝિયારત પણ છે અને ઈસ્તેગાસાહ પણ છે.

     આ ઉપરાંત પણ ઘણી બધી દોઆઓ છે, જેમકે નમાઝે ઝોહર અને અસ્ર બાદ, શબે કદ્રમાં, ખાસ કરીને 23મી શબે કદ્રમાં, 15મી શાબાનની રાત્રે, માહે મુબારકે રમઝાનની દરેક રાત્રે પઢવાની દોઆઓ, આલીમોએ આ સંબંધમાં કિતાબો લખી છે, તેના તરફ રજુ થવુ જોઈએ અને તે દોઆઓ પઢવી જોઈએ અને દુનિયા તથા આખેરતની ખુશબખ્તી પ્રાપ્ત કરવી જોઈએ. ખાસ કરીને વાજીબ નમાઝોની કુનુતમાં દોઆ اَللّٰهُمَّ کُنْ لِوَلِیِّکَ  જરુર પઢવી જોઈએ. આ ઈમામે અસ્ર (અ.સ.)ની સલામતીની દોઆ છે.

3) ઝિયારત:

ગયબતના ઝમાનાના આદાબમાંથી એક અદબ હઝરત વલી એ અસ્ર (અ.સ.)ની ઝિયારતો પઢવી છે. આ અલગ અલગ ઝિયારતો છે.

     દરરોજ સવારની નમાઝ પછી પઢવાની પણ ઝિયારત છે અને મુખ્તસર દોઆ એ અહદ પણ છે કે જેનું વર્ણન આગળ કરી ચુકયા છીએ.

જુમ્આનો દિવસ:

શુક્રવારનો દિવસ હઝરત વલી એ અસ્ર (અ.સ.)નો દિવસ છે. તે દિવસની હઝરત વલી એ અસ્ર (અ.સ.)ની એક ખાસ ઝિયારત છે.

ઝિયારતે ઈસ્તેગાસાહ:

આ ઝિયારત પણ છે અને હઝરત વલી એ અસ્ર (અ.સ.)ની પવિત્ર બારગાહમાં ઈસ્તેગાસાહ અને ફરિયાદ પણ છે. આ ઈસ્તેગાસાહ મુશ્કેલીઓના ઉકેલ માટે અત્યંત ફાયદારુપ છે.

તેની શરુઆતના શબ્દો છે:

سَلَامُ اللهِ الْکَامِلُ التَّام …

મફાતીહુલ જીનાનના લેખક મોહદ્દીસ શૈખ અબ્બાસે કુમ્મી (અ.ર.)એ પોતાની કિતાબમાં જનાબ સય્યદ અલી ખાનથી આ ઈસ્તેગાસા નકલ કરી છે. જે મુનાજાતે ખમ્સા અશરની પહેલા, પાના  નં. 117 ઉપર જોવા મળે છે.

ઝિયારતે આલે યાસીન:

આ ઝિયારત પણ મફાતીહુલ જીનાનમાં મૌજુદ છે. જનાબે મોહદ્દીસે કુમ્મી (અ.ર.) એ હઝરત વલી એ અસ્ર (અ.સ.)ની ઝિયારતના પ્રકરણમાં આ ઝિયારતને હઝરત (અ.સ.)ની પહેલી ઝિયારત કરાર દીધી છે. ખુદ ઈમામ મહદી (અ.સ.) એ આ ઝિયારત પઢવાનો હુકમ આપ્યો છે અને ફરમાવ્યું છે કે:

‘જ્યારે તમે ખુદાની બારગાહમાં હાજર થવા ચાહો ત્યારે અમારી તરફ તવજ્જોહ કરો અને આ ઝિયારત પઢો.’

વાસ્તવિકતા એ છે કે અત્યારે હઝરત વલી એ અસ્ર (અ.સ.) એક માત્ર દરવાજો છે કે જેમના થકી ખુદાવંદે મોતઆલની બારગાહમાં હાજર થઈ શકાય છે. દરેક તે શખ્સ કે જે પોતે અંજામ આપેલી ઈબાદતોની સાથે ખુદાવંદે આલમની બારગાહમાં હાજર થવા ઈચ્છતો હોય તેના માટે જરુરી અને લાઝીમ છે કે તે હઝરત વલી એ અસ્ર (અ.સ.)ની ઈમામત અને વિલાયતનો એકરાર કરે અને તેમને ખુદાની બારગાહમાં વસીલો કરાર દે.

4) અરીઝા:

લોકો પોતાની પરેશાનીઓ, પોતાના મસઅલાઓ, પોતાની તકલીફોને પોતાના બાદશાહની ખિદમતમાં રજુ કરે છે. પોતાની ફરિયાદો પોતાના રાજાને કરે છે. પ્રજાના મસઅલાઓનો ઉકેલ કરવો અને તેમની તકલીફોને દુર કરવી તે બાદશાહની જવાબદારી છે.

      હઝરત વલી એ અસ્ર (અ.સ.) ઝમાનાના ઈમામ છે, બાદશાહ છે, ઈખ્તેયાર ધરાવનાર છે. તેઓ ગયબતમાં જરુર છે પરંતુ કંઈ મજબુર અને લાચાર નથી. ગયબત તેમના ઈખ્તેયાર ધરાવવાની બાબતમાં કંઈ રુકાવટરુપ નથી. તેઓ એક અત્યંત મજબુત પનાહગાહ છે, સુરક્ષિત કિલ્લો છે, ગરીબોના મદદગાર છે, ફરિયાદીઓના ફરિયાદરસ છે. બેચૈન અને પરેશાનહાલ લોકોના સહારા છે, ભયભીત લોકોની ઉમ્મીદ છે. કિતાબો એ પ્રકારના પ્રસંગોથી ભરપૂર છે કે ગયબતના ઝમાનામાં ઈમામ (અ.સ.)એ કેવી કેવી રીતે લોકોની મદદ ફરમાવી છે. તેઓ આપણા પ્રત્યે આપણા માતા-પિતા અને આપણા ઉપર દરેક મહેરબાન વ્યકિતથી પણ કેટલાય ગણા વધારે મહેરબાન અને કરીમ છે. તેઓ સમગ્ર કાએનાતના ઈમામ છે. બ્રહ્માંડથી લઈને સૃષ્ટિના છેલ્લામાં છેલ્લા કણ સુધી બધું જ તેમના ઈખ્તેયારમાં છે અને તેમના ફરમાંબરદાર છે.

આ ગયબતના ઝમાનાના અદબોમાંથી એક અદબ એ છે કે આપણે આપણી મુશ્કેલીઓને તેમની પવિત્ર ખિદમતમાં રજુ કરવા જોઈએ. તેના માટે કોઈ ખાસ લખાણ, કોઈ ખાસ ભાષા કે અંદાઝની જરુરત નથી. તેઓ કાએનાતના ઈમામ છે આથી સમગ્ર કાએનાતની દરેક ભાષા જાણે છે, તેઓ ફકત ઈન્સાનોની જ નહીં બલ્કે સમસ્ત હૈવાન અને મખ્લુકાતની ભાષાને પણ જાણે છે.

      આથી જ્યારે પણ મૌકો મળે ત્યારે દિલના ઉંડાણથી, ખુલુસે નિય્યતની સાથે પોતાના મસઅલાઓ પોતાની ભાષામાં પોતાના ઈમામને બયાન કરે, જ્યારે કોઈ પુત્ર પોતાના પિતા પાસે કંઈ માગણી કરે છે તો પિતાને ખુશી થાય છે. મુશ્કેલીઓમાં પુત્રને માર્ગદર્શન આપવું તે એક પિતા માટે ખુશી અને આનંદનું કારણ બને છે. ઈમામ (અ.સ.) આપણા દિલોની વાતોથી માહિતગાર છે. તેમની સમક્ષ દર્દમંદ દિલ લઈને જઈએ. આપણા હોંઠોને ફડફડાવીએ, જરુર ઈમામ (અ.સ.) મસઅલાઓ ઉકેલી દેશે. આ બાબત ફરી વર્ણવી રહ્યા છીએ કે ઈમામ (અ.સ.) આપણી દરેક ભાષા અને દરેક લહેજાને જાણે છે. તેમને પોતાના સમજીને પોતાની ભાષામાં વાત કરીએ. અનુભવ કરીને તો જુઓ, દિલને કેટલું સુકુન અને ઈત્મેનાન પ્રાપ્ત થાય છે.

   જો કે આપણે કંઈ વધારે આદાબ અને અખ્લાકથી માહિતગાર નથી. અઈમ્માએ મઅસુમીન (અ.મુ.સ.)એ પોતાના કરમ થકી આપણી આ મુશ્કેલી પણ આસાન કરી દીધી છે. તેમણે ઈમામે ઝમાના (અ.સ.)ની પવિત્ર બારગાહમાં મુશ્કેલીઓ અને મસઅલાઓ રજુ કરવા માટે આપણને ‘અરીઝા’ની તઅલીમ આપી છે. ‘અરીઝા’માં સંપૂર્ણ અરજી તેમણે લખી આપી છે અને નીચે આપણી હાજતો લખવા માટે જગ્યા ખાલી રાખી છે. આ રીતે આપણે ‘અરીઝા’ વડે આપણા મસઅલાઓ આપણા ઈમામ (અ.સ.)ની ખિદમતમાં રજુ કરી શકીએ છીએ. આ ‘અરીઝા’ ફકત પંદરમી શાબાનથી મખ્સુસ નથી. પરંતુ વર્ષ દરમ્યાન ગમે ત્યારે ઈમામ (અ.સ.)ની પવિત્ર ખિદમતમાં ‘અરીઝા’ લખી   શકાય છે.

ઈમામ (અ.સ.)ના અમ્રોને જીવંત રાખવા

1) વિલાયતના અમ્રને જીવંત રાખવા:

રીવાયતોનો અભ્યાસ કરવાથી એ વાત બિલ્કુલ સ્પષ્ટ થઈ જાય છે કે સૌથી વધારે રીવાયતો હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ઈમામત અને વિલાયતના બારામાં આવી છે. તેમના પછી અગર વધારે રીવાયતો જોવા મળતી હોય તો તે આખેરુઝ ઝમાન હઝરત ઈમામ મહદી (અ.સ.)ના બારામાં જોવા મળે છે. તેના ઉપરથી એ અંદાજો લગાવી શકાય છે કે અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) એ અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ઈમામત અને વિલાયત તથા હઝરત ઈમામ મહદી (અ.સ.)ના અકીદા ઉપર અને તેમનાથી સંબંધિત બીજી બાબતો ઉપર કેટલો ભાર મૂકયો છે. આમ કરવું તે તે બાબતની મહત્વતા દશર્વિે છે.

      આજે દુનિયા જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, તેમાં હઝરત વલી એ અસ્ર (અ.સ.)ની ઈમામત અને તેમના ઝુહુરનું વર્ણન જ એકમાત્ર એવો ઝીક્ર છે કે જે દુનિયાની હાલની પરિસ્થિતિથી નજાત અપાવી શકે છે.

      આ સિલસિલામાં આપણે નીચે મુજબના કાર્યો અંજામ આપી શકીએ છીએ.

1) હઝરત વલી એ અસ્ર (અ.સ.)ના નામ ઉપર સતત જશ્ન અને મહેફીલોનું આયોજન કરીએ. જેમાં હઝરત (અ.સ.) સંબંધિત ચર્ચા કરવામાં આવે અને તેમના ઉપર થતા એઅતેરાઝ અને વાંધાઓના જવાબો આપવામાં આવે તથા લોકો ઉપર થતી ઈમામ (અ.સ.)ની ઈનાયતોનું વર્ણન કરવામાં આવે.

2) સેમીનારનું આયોજન કરીએ. તેમાં અલગ અલગ મઝહબના આલિમો અને સંશોધનકર્તાઓને દઅવત આપીએ અને તેમને પુછીએ કે જેવી રીતે અમારી રીવાયતોમાં દુનિયાના ભવિષ્યનું ચિત્ર રજુ કરવામાં આવ્યુ છે તેમ તેમની મઝહબી કિતાબોમાં શું વર્ણવવામાં આવ્યુ છે? શું તમામ મઝહબો અને વિચારધારાઓ એક જ શખ્સથી સંબંધિત ખુશખબરી આપે છે? ફકત દરેકને ત્યાં નામ અલગ અલગ જોવા મળે છે. એક જ શખ્સીય્યતનું વર્ણન જોવા મળે છે, પરંતુ દરેકને ત્યાં અંદાજ અલગ અલગ છે.

3) ઈમામ (અ.સ.) સંબંધિત કિતાબો લખવામાં આવે, અશ્આર લખવામાં આવે અને ઈસ્તેગાસા લખવામાં આવે.

4) પંદરમી શાબાનની મુનાસેબતથી ખાસ આયોજન કરે. પંદરમી શાબાનની રાતને ખાસ પ્રકારે ઈબાદતમાં પસાર કરે. રીવાયતોમાં છે કે શબે કદ્ર પછી અગર કોઈ ફઝીલત ધરાવતી રાત હોય તો તે પંદરમી શાબાનની રાત છે.

5) પંદરમી શાબાનના દિવસે લોકોના ઘરે જઈને મુબારકબાદી અને તોહફાઓ આપે.

6) ઈમામે ઝમાના (અ.સ.)ની વિલાદતના દિવસની મુનાસેબતથી ફકીરો અને મીસ્કીનોને ખાવાનું ખવરાવે અને લિબાસ અતા કરે.

7) આ વિલાદતની મુનાસેબતથી ઘરો, બજારો અને મોહલ્લાઓને શણગારે.

દરેક તે કામ કે જેનાથી લોકોના દિલોમાં ઈમામ મહદી (અ.સ.)ની યાદ તાજી થાય અને લોકોના દિલોમાં તેમના પ્રત્યે મોહબ્બત પૈદા થાય તેવા કામ કરવાની કોશિશ કરે.

2) તેમના દુશ્મનોથી બરાઅત:

પવિત્ર મઝહબ ઈસ્લામ જે અત્યંત પ્રેમ અને મોહબ્બતનો મઝહબ છે. સમાધાન, વફાદારી, પ્યાર, મોહબ્બત, અમ્ન, સુલેહ અને શાંતિ તેની ઓળખ અને નિશાની છે. આથી જ તેનું નામ ‘ઈસ્લામ’ છે. તેની સાથોસાથ તે લોકોથી નફરત અને બેઝારીનો હુકમ આપે છે, જેઓ ખુદા, રસુલ અને તેમના પ્રતિનિધિઓના દુશ્મન છે. કુરઆને કરીમની અસંખ્ય આયતોમાં ખુદા અને રસુલના દુશ્મનોથી બરાઅતનું વર્ણન કરવામાં આવ્યું છે. સુરએ તૌબાની આયત નં. 114માં જનાબે ઈબ્રાહીમ (અ.સ.)નું વર્ણન કરતા ઈરશાદ થાય છે કે:

જનાબે ઈબ્રાહીમ (અ.સ.) એક વાયદા મુજબ પોતાના કાકા માટે ઈસ્તિગ્ફાર કરતા રહ્યા પરંતુ

فَلَمَّا   تَبَيَّنَ   لَهٗ   أَنَّهٗ   عَدُوٌّ   لِلهِ   تَبَرَّأَ   مِنْهُ

“પરંતુ જ્યારે તે સ્પષ્ટ થઈ ગયુ કે તે ખુદાનો દુશ્મન છે તો પછી તેનાથી બરાઅત કરો.

(સુરએ તૌબા-9, આયત નં. 114)

સુરએ મુજાદેલાહની છેલ્લી આયતમાં ખુદાવંદે મોતઆલ ફરમાવે  છે કે:

“તમે તે લોકોને નહીં પામો કે જેઓ ખુદા અને કયામતના દિવસ ઉપર ઈમાન ધરાવે છે, તેઓ તેમનાથી દોસ્તી કરે કે જેઓ ખુદા અને તેના રસુલના દુશ્મન હોય. ભલે પછી તેઓ (ખુદા અને રસુલના દુશ્મન) તેમના બાપ-દાદાઓ, તેમની ઔલાદ, તેમના ભાઈ અને તેમના પરિવારજનો જ કેમ ન હોય.

આ તે લોકો છે કે જેઓના દિલોમાં ઈમાન લખી દેવામાં આવ્યુ છે અને રુહ વડે તેઓનું સમર્થન કરવામાં આવ્યુ છે. તેઓને તે જન્નતમાં દાખલ કરવામાં આવશે જેની નીચેથી નહેરો વહેતી હશે, ખુદા તેઓથી રાજી હશે અને તેઓ ખુદાથી રાજી હશે. આ લોકો જ અલ્લાહનું ટોળું છે અને ચોક્કસ અલ્લાહનું ટોળું જ કામ્યાબ છે.

ઉપરોકત આયત ઉપર ધ્યાન આપો. તે લોકોને ઈમાન ધરાવનારા, સમર્થન પ્રાપ્ત, જન્નતી અને ખુદાના પસંદીદા તેમજ કામ્યાબ ઠેરવવામાં આવ્યા છે, જેઓ તેમનાથી દોસ્તી નથી કરતા કે જેઓ ખુદા અને તેના રસુલના દુશ્મન છે. ભલે પછી તેઓ તેમના બાપ-દાદા, ઔલાદ, ભાઈ, બહેન કે પછી સગા વ્હાલાં જ કેમ ન હોય. આ લોકોનું વર્ણન કદાચ એટલા માટે કરવામાં આવ્યું હોય કારણકે લોહીના સંબંધની મોહબ્બત તેની જગ્યાએ એક ખાસ અસર ધરાવે છે અને તે મોહબ્બત દિલમાંથી જલ્દીથી નિકળતી નથી. ઔલાદના દિલમાં વાલેદૈનની મોહબ્બત એક ફીત્રી બાબત છે. પરંતુ ખુદા અને રસુલની મોહબ્બત એટલી હદે અઝમત ધરાવનારી અને તીવ્ર છે કે તે દરેક મોહબ્બત ઉપર પ્રભુત્વ મેળવી લે છે. તેની સામે બાકીના સંબંધોનું કોઈ મહત્વ નથી. અગાઉ સુરએ તૌબાની એક આયતનું વર્ણન થઈ ચૂકયુ છે.

    આ સમયે હઝરત વલી એ અસ્ર (અ.સ.) ખુદા અને રસુલના એકમાત્ર પ્રતિનિધિ છે, તેમનાથી દોસ્તી ખુદાથી દોસ્તી છે અને તેમનાથી દુશ્મની ખુદાથી દુશ્મની છે. આ આધારે હઝરત વલી એ અસ્ર (અ.સ.)થી મોહબ્બત અને મોવદ્દતનો એ તકાઝો છે કે પોતાના દિલોને એ તમામ લોકોની મોહબ્બતથી પાકો પાકીઝા રાખવામાં આવે કે જેઓ હઝરત વલી એ અસ્ર (અ.સ.)ના દોસ્ત નથી. ખુદા અને રસુલની મોહબ્બત એવી અત્યંત નાજુક અને સંવેદનશીલ છે કે તે રાઈના દાણા બરાબર પણ ખુદા અને રસુલના દુશ્મનોની મોહબ્બતને બરદાશ્ત કરી શકતી નથી.

3) મોઅમીન ભાઈઓની સંભાળ લેવી:

એક પિતાની બધી ઔલાદ એક હૈસિય્યત નથી ધરાવતી અને બધી ઔલાદ એક જેવી નથી હોતી. અમૂક ખુશહાલ હોય છે અને અમૂક પરેશાન હોય છે. કેટલીક આસાનીઓમાં હોય છે અને કેટલીક સખ્તીઓમાં. અમૂક બિમારીઓનો શિકાર હોય છે અને અમૂક તંદુરસ્ત… જ્યારે ખુશહાલ લોકો પરેશાન લોકોની ખબર લે છે અને તેઓની મુશ્કેલીઓને દુર કરે છે ત્યારે સૌથી વધારે ખુશી અને આનંદ પિતાને થાય છે. ઈમામ (અ.સ.) દિલથી તે લોકો માટે દોઆ કરે છે જેઓ પરેશાન હાલ ભાઈઓની દેખરેખ રાખે છે.

રીવાયતોના આધારે ઈમામ આપણા પ્રેમાળ પિતા છે અને આપણે બધા તેમની ઔલાદ છીએ. પરેશાન હાલ લોકોની દેખરેખ રાખતા રહેવી એ ગયબતના ઝમાનાનો એક મહત્વનો અદબ છે. અગર આપણને એ અનુભૂતિ થઈ જાય કે આ દેખરેખ રાખવાનું શું મહત્વ છે અને તે કેટલી મોટી ફઝીલત છે તો આપણે કયારેય તેના પ્રત્યે ગફલતથી કામ નહીં લઈએ.

   હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)ની એક રીવાયત છે:

‘જ્યારે તમારામાંથી કોઈ શખ્સ કોઈપણ મોઅમીનને ખુશ કરે છે, તો તે ફકત તે મોઅમીનને ખુશ નથી કરતો બલ્કે ખુદાની કસમ! તે અમોને ખુશ કરે છે. બલ્કે ખુદાની કસમ! તે અલ્લાહના રસુલ (સ.અ.વ.)ને ખુશ કરે છે.’

(કાફી, ભાગ-2, પાના નં. 189)

એક બીજી રીવાયતમાં હઝરત ઈમામ અલી રેઝા (અ.સ.) ફરમાવે છે:

‘અગર કોઈ શખ્સની પાસે કોઈ મોઅમીન પોતાની હાજત લઈને આવે તો એ અલ્લાહની રહમત છે કે જે તેના તરફ આવી છે. અગર તે શખ્સ તેને કબુલ કરી લે છે તો તે અમારી વિલાયતથી જોડાઈ જાય છે. અમારી વિલાયત ખુદાની વિલાયતથી જોડાએલી છે.

અને અગર તે શખ્સ તેની હાજત પુરી કરવાની શકિત ધરાવતો હોવા છતા રદ કરી દે છે, તો ખુદાવંદે આલમ તેની ઉપર આગનો એક સાંપ નિયુકત કરી દે છે, જે કયામત સુધી કબ્રમાં ડંખ મારતો રહેશે, ચાહે તેને બખ્શી આપવામાં આવ્યો હોય કે બખ્શવામાં ન આવ્યો હોય અને અગર તે કોઈ બહાનું રજુ કરશે તો પરિસ્થિતિ વધારે ખરાબ થઈ જશે.’

(કાફી, ભાગ-2, પાના નં. 196)

હઝરત ઈમામ મુસા કાઝીમ (અ.સ.) ફરમાવે છે:

‘જેમણે અમારા એક દોસ્તની હાજત પુરી કરી, જાણે તેણે અમારા બધાની હાજત પુરી કરી.’

(કામેલુઝ ઝિયારત, પાના નં. 336)

હઝરત ઈમામ અલી રેઝા (અ.સ.) ફરમાવે છે:

‘જેઓ અમારી ઝિયારત કરવા નથી આવી શકતા તેઓએ અમારા નેક દોસ્તોની ઝિયારત કરવી જોઈએ. તેઓને અમારી ઝિયારત કરવાનો સવાબ મળશે.’

(કામેલુઝ ઝિયારત, પાના નં. 319)

હઝરત ઈમામ મુસા કાઝીમ (અ.સ.) ફરમાવે છે:

‘જે અમારી સાથે સારો વર્તાવ ન કરી શકે, અમોને ભેટ-સોગાદો ન આપી શકે, તેને જોઈએ કે અમારા નેક દોસ્તો સાથે સારો વ્યવહાર કરે તો જાણે કે તેણે અમારી સાથે સારો વર્તાવ કર્યો.’

(કામેલુઝ ઝિયારત, પાના નં. 319)

આ ગયબતના ઝમાનામાં મોઅમીનોની પરેશાનીઓને દુર કરવી હઝરત વલી એ અસ્ર (અ.સ.)ની ખુશ્નુદીનું કારણ છે. મદદ કંઈ ફકત માલથી જ નથી થઈ શકતી. ગમગીન વ્યક્તિને સાંત્વના, પરેશાનહાલ ઈન્સાનને બે મીઠા શબ્દો, મુંઝાઈ ગયેલા શખ્સને માર્ગદર્શન, નેક અભિપ્રાય, દરેક તે કામ કે જેના થકી મોઅમીન ભાઈની પરેશાની દુર થઈ જાય અથવા ઓછી થઈ જાય, તેની બેચૈની દુર થઈ જાય તે બધું જ હઝરત વલી એ અસ્ર (અ.સ.)ની ખુશ્નુદીનું કારણ છે.

ખુદા આપણને દરેકને આ ગયબતના ઝમાનામાં તમામ આદાબ ઉપર સર્વ શ્રેષ્ઠ રીતે અમલ કરવાની ભરપૂર તૌફીક અતા ફરમાવે અને આ સિલસિલો કંઈક એવી રીતે જારી રહે કે હઝરત વલી એ અસ્ર (અ.સ.)ના હાથોને ચુમવા અને તેમના કદમોને ચુમવા ઉપર ખત્મ થાય. (ઈલાહી આમીન)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *