ઇમામ મહદી (અ.સ.)ની ઇમામતમાં તૌહીદની ઝલક

Print Friendly, PDF & Email

તૌહિદની માન્યતામાં એ વાત છુપાએલી (સુષુપ્ત) છે કે ખુદાની સિવાય કોઇને બીજા માણસ ઉપર હુકુમત કરવાનો હક નથી. એક બાપને પણ પોતાના સંતાનો અને નાના બાળકો ઉપર હુકુમત કરવાનો હક નથી. તેથી જો એક બાપને આ હક નથી તો બીજા કોઇ પણ માણસને હુકુમત, હુકમ કરવાનો અને મના કરવાનો, કોઇપણ હોદ્દા ઉપર નિમણુંક કરવાનો કે હોદ્દા ઉપરથી ઉતારી પાડવાનો હક નહિ રહે. ત્યાં સુધી કે માનવી પોતાની રૂહ ઉપર પણ અધિકાર નથી ધરાવતો. તેથી દરેક હુકુમત અને રાજ્ય જે ખુદાની પરવાનગી વગર અસ્તિત્વમાં આવે તે જાલીમ હુકુમત હશે. અને ખુદાના કામમાં દખલગીરી કરી જણાશે. પરિણામે જો કોઇ માણસ કે કૌમ તે હુકુમતની વાતને માનશે તો જાણે કે તેણે જાલીમની તાબેદારી કરી અને અલ્લાહના આમંત્રણનો સ્વિકાર કરવાને બદલે તે માણસે એ માર્ગ પસંદ કર્યો જે ખુદાના માર્ગથી જુદો છે.
આથી જે લોકો ખુદાને એક હોવાને માને છે તેમણે એવું રાજ્ય અથવા એવા રાહબરને સ્વિકારવા જોઇએ કે જે ખુદાની તરફથી હોય અને તેની હુકુમત અને તેના રાજ્યમાં ખુદાની મરજી પણ હોય. જોઇએ તો આ સરપરસ્તી અને વિલાયત એક બાપની તેના નાના બાળક ઉપર હોય, અથવા એક માણસની પોતાની રૂહ અને માલ ઉપરની સત્તાની બાબત હોય. જો ખુદાએ બાપને પોતાના નાના બાળકો ઉપર સત્તા ભોગવવાની અને સરપરસ્તીની પરવાનગી ન આપી હોત તો બાપનો એ અધિકાર નહતો કે તે બાળક ઉપર સત્તા ચલાવે. તેવીજ રીતે જો અલ્લાહે એક માણસને ખુદ પોતાના જીવન અને રૂહનો માલિક ન બનાવ્યો હોત તો માણસ પણ પોતાની જાત અને રૂહ ઉપર સત્તા ચલાવવાનો અને પોતાના નિર્ણયો પોતાની જાત ઉપર ઠોકી બેસાડવાનો હક ન ધરાવત. જો ખુદાએ કોઇ માણસને દુનિયાનો માલિક દુનિયાનો કબજો ધરાવવા માટે ન બનાવ્યો હોત તો તે માણસ આ દુનિયાનો માલિક નથી બની શકતો. હવે જો તે માલિક હોવાનો દાવો કરે તો તેનો તે દાવો રદ થશે. કારણકે તેણે ખુદાના રાજ્યમાં પરવાનગી વગર તેના માલિક હોવાનો દાવો કર્યો છે.
ઇસ્લામની પવિત્ર શરીઅતમાં જેટલી પણ સત્તાની – વિલાયતની ચર્ચા થઇ છે તે બધાનો સંબંધ કોઇ ન કોઇ પ્રકૃતિ – ફીતરત સાથે છે અને ફીતરત શરીઅત મુજબ છે. પરંતુ આ ફીતરતની સત્તા પણ ખુદાની પરવાનગી વગર, કાયદા મુજબ શરીઅતના ક્ષેત્રમાં નથી આવી શકતી કારણ કે રાજ્ય અને સત્તા ખુદાનો મૂખ્ય અધિકાર છે. તેથી ખુદાની સિવાય કોઇ બીજી વ્યક્તિ તેમાં દખલગીરી નથી કરી શકતી. તેથી એ વાત જાહેર થાય છે કે ખુદાએ પોતાના ખાસ બંદાઓને રાજ્ય અને સત્તાની પરવાનગી આપીને તે હુકુમતને માન્યતા આપી છે. ઉપરની ચર્ચાથી એ જાણવા મળે છે કે ઇસ્લામમાં ઇમામત અને રહબરીની વ્યવસ્થા ખુદાના તરફથી છે અને ખુદાના આમંત્રણથી ખુદાના ખાસ બંદાઓને રાજ્ય અને સત્તા ચલાવવાનો અધિકાર મળે છે અને તેથી તેઓના હુકમોનું પાલન કરવું વાજીબ છે. જો તેઓના હુકમનું પાલન ન કર્યું તો તે ખુદાના હુકમનો અનાદર ગણવામાં આવશે. ઇમામ, નાએબે ઇમામ અને ફકીહોના હુકમમાં એક મૂળભૂત ફરક છે. તે એ કે જો ખુદા ન કરે ને કોઇ ફકીહે ખુદાના હુકમની વિરૂદ્ધ હુકમ કર્યો તો તેવા સંજોગોમાં ફકીહના આ હુકમને ખુદા અને તેના રસુલનો વિરોધ ગણવામાં નહિ આવે પરંતુ
لَا طَاعَةَ لِمَخْلُوقٍ فِي مَعْصِيَةِ الْخَالِقِ
આ કથનની અનુસાર ગણાશે. ઇલાહી રાજ્યમાં ઉપરથી નીચે અથવા તેથી વિરૂદ્ધ નીચેથી ઉપર હાકીમ નથી હોતા. બલ્કે ઇલાહી રાજ્યમાં માત્ર અલ્લાહનો હુકમ ચાલે છે. જેમ કે હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ ઇબ્ને અબ્બાસના જવાબમાં કહ્યું કે અલ્લાહની હુકુમતનો અર્થ એ થાય છે કે આ હુકુમત થકી સત્ય સ્થાપિત કરી શકાય અને અસત્યને દૂર કરી શકાય. જો આ બન્ને વસ્તુઓ ન હોય તો શરીઅતની હુકુમત બની શકતી નથી અને ન તો તે હુકુમતની તાબેદારી વાજીબ થશે. આ વ્યવસ્થામાં જવાબદાર વ્યક્તિ ખુદાની હુકુમતના નિયમોના અમલીકરણ માટે જવાબદાર છે. કોઇપણ હાકીમ અથવા નિચલા સ્તરના અધિકારીઓ કાયદો અને ખુદાના હુકમનો વિરોધ કરવાની સત્તા નથી ધરાવતા. હુકુમતનો કોઇપણ માણસ ત્યાં સુધી કે ઇમામને પણ એ સત્તા પ્રાપ્ત નથી કે તે લોકો પાસે અલ્લાહના હુકમો સિવાય કોઇ અમલની ઇચ્છા કરે અથવા અપેક્ષા રાખે. આ હુકુમતની એક ઓળખ એ પણ છે કે તેમાં કોઇ નિર્ણય લેવા માટે લોકોની વચ્ચે વાદ વિવાદ અથવા એક બીજાની વિરૂદ્ધ લડાઇ કરવાનો વિચાર જોવા નથી મળતો. જો કોઇ માણસ કે પક્ષ ઉચ્ચ સ્થાન મેળવવા માટે એવું વિચારે અથવા કરે તો તે યકીનથી તે સ્થાન કે હોદ્દાને લાયક નથી.
આ વહીવટમાં હોદ્દો મુશ્કેલીઓ અગવડતા અને નિયંત્રણોનું નામ છે. હોદ્દો જેટલો ઉંચો હશે તેટલી જવાબદારીઓ વધશે. જ્યારે હોદ્દો ધારણ કરનારનું મૂલ્ય અને કદર તેના નિખાલસ અને સારા કાર્યો ઉપર આદ્યારિત હશે. શક્ય છે કે એક કાર્યકર્તા પોતાના કામમાં ખુલુસ અને નિર્મળતાના કારણે જે ખુદા માટે છે અથવા પોતાના કામમાં લગન, ઉત્સાહ અને જવાબદારીના એહસાસના કારણે એક શહેરના હાકીમ અને ગવર્નરથી વધુ ખુદાની નજદિક અને પ્રિય પાત્ર હોય શકે.
અદી બીન હાતીમે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) વિષે મોઆવીયાને કહ્યું :
لَا يَطْمَعُ الْقَوِيُّ فِي بَاطِلِهِ وَ لَا يَيْأَسُ الضَّعِيفَ مِنْ عَدْلِهِ
“એ મોઆવીયા! અલી (અ.સ.) ની હુકુમતમાં કોઇ શક્તિશાળી તેમના જુલમથી ન ડરતા (કે ગુસ્સાના કારણે અથવા કોઇ લાગણીના કારણે તેના નિયમથી તેને વધુ સજા મળશે) તેમજ કોઇ વૃદ્ધ કે નિર્બળ તેમના ન્યાયથી નિરાશ ન થતા (કે કદાચ વૃદ્ધનો હક આંચકી લેવામાં ન આવે) એટલે સુધી કે ખુદ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ ફરમાવ્યું કે “મારી દ્રષ્ટિએ નિર્બળ અને હલ્કો, ઇઝઝતવાળો છે, ત્યાં સુધી કે તેનો હક તેને અપાવી દઉં. અને મારી દ્રષ્ટિએ તાકતવર નબળો અને વૃઘ્ધ છે, ત્યાં સુધી કે હું તેની પાસેથી બીજાનો હક લઇ લઉં.
અર્થાંત : આ વ્યવસ્થામાં તૌહિદની માન્યતાનો પ્રકાશ (નુર) સોળે કળાએ ખીલી ઉઠશે. આ સમાજમાં કોઇ ભેદભાવ નહિ રહે (વહદત) અલ્લાહના એક જ હોવાની માન્યતા બાકી રહેશે, એક જ દીન હશે કાયદાઓ અને હુકુમત પણ એક જ હશે. આ હુકુમત હંમેશ અને કાયમી ધોરણે સુધારણા અને પ્રગતિનું કેન્દ્ર હશે. નમૂનારૂપે અમૂક રિવાયતોમાં આ આયતનું અર્થઘટન કરવામાં આવ્યું છે.
فَمَنْ کَانَ یَرْجُوْا لِقَاۗءَ رَبِّہٖ فَلْیَعْمَلْ عَمَلًا صَالِحًا وَّلَا یُشْرِکْ بِعِبَادَۃِ رَبِّہٖٓ اَحَدًا۝۱۱۰ۧ
“માટે જે કોઇ પોતાના પરવરદિગારની હુઝુરમાં જવાની ઉમ્મેદ રાખતો હોય તો તેને જોઇએ કે સત્કાર્યો કરે, અને પોતાના પરવરદિગારની ઇબાદતમાં (બીજા) કોઇને શરીક કરે નહિ.
(સુરએ કહફ : 110)
આ આયતથી જાણી શકાય છે કે ખુદાની બંદગીમાં કોઇને શામેલ ન કરવાનો અર્થ ઇમામની હુકુમતની આ વ્યવસ્થામાં એ છે કે માનવીના માટે આ હુકુમત સિવાય બીજી કોઇ હુકુમત સ્વિકાર્ય ન હોય. ઇમામો (અ.સ.) માટે જ આ વિલાયત છે, બીજા લોકોને તેમાં શામેલ ન કરાય. અય્યાશીની તફસીરમાં આ આયત વિષે ઇમામ સાદિક (અ.સ.) ને કોઇએ સવાલ કર્યો. ઇમામે (અ.સ.) કહ્યું : ઇમામો (અ.સ.) ની મઅરેફત તે સૌથી શ્રેષ્ઠ અમલ છે. (الي آخر) ولا يشرکનો અર્થ એ છે કે અલી (અ.સ.)ને માનવું અને બીજાઓને તેમની ખિલાફતમાં શામેલ ન કરવા, બીજાઓને ખીલાફતની લાયક ન ગણવા. હવે આ ઇમામતની અંતિમ કડી અને વ્યક્તિ, જેના જમાનામાં આપણે જીવન પસાર કરી રહ્યા છીએ અને જેમની બરકતોથી આપણે ખુદાની નેઅમતોને માણી રહ્યા છીએ, તે હઝરત હુજ્જતિબ્નીલ હસન (અ.સ.) છે. જે રીતે બીજા બધા ઇમામો (અ.સ.) ને પોતાના જમાનામાં વહીવટ કરવા, કામ શરૂ કરવા, પુરૂં કરવા કે મોકુફ કરવાની સત્તા છે તેવી જ રીતે આ ઇમામ (અ.સ.) ને પણ આવી સત્તા મળેલી છે. તેમાં તેમનો કોઇ ભાગીદાર પણ નથી. ઇમામ (અ.સ.)ના ઝુહુરના સમયે ઇમામ (અ.સ.) ની હાજરીનો વધુ લાભ ઉઠાવવા માટે એવી પરિસ્થિતિ સર્જાઇ જશે કે બધી અડચણો દૂર થઇ જશે જે બીજા ઇમામો (અ.સ.)ના જમાનામાં હતી. તેમજ આ ઇમામ (અ.સ.) ના ગયબતના જમાનામાં હતી. તે સમયે અલ્લાહના બધા નામો જેવા કે અલ વલી, અલ આદીલ, હાકીમ, સુલ્તાન, મુન્તકીમ, મોબીર, કાહેર, ઝાહેર વિગેરેનો સાચો અર્થ જાહેર થઇ જશે. બીજા શબ્દોમાં હઝરત હુજ્જત (અ.સ.) આ નામો જાહેર કરશે અને ખુદાની તરફથી હાકીમ અને વલી હશે. ખુદાની ખિલાફતનું સ્થાન ખુદાની હુજ્જતની હાજરીથી પ્રકાશિત અને ઝળહળતું થશે. તે બધા કામો, જેની ગણતરી પરવરદિગારના હુકમોમાં થાય છે, તે ખુદ ઇમામ (અ.સ.) આ બધા હુકમોને જાહેર કરવાનું કેન્દ્ર હશે.
ખુદાવન્દે આલમે પોતાની પરિપૂર્ણ હિકમતથી હઝરત (અ.સ.) ના વસીલાથી બધી વસ્તુઓને અસ્તિત્વ આપશે. આ બધા કામોનું મૂળ ખુદાનું એક હોવું -તૌહિદ હશે. અને ખુદાની પરવાનગી અને હુકમથી દરેક કામ કરવામાં આવશે.
હદીસમાં હઝરત (અ.સ.)ના ઝુહુરને વહદત (અલ્લાહના એક હોવા) ના હેતુને જાહેર થવાનું માધ્યમ ગણવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે હુકુમતનું એક હોવું કાયદાઓનું એક હોવું, દીનનું એક હોવું, સમાજનું એક હોવું-અલ્લાહ આખી દુનિયાને હઝરત (અ.સ.) ના હાથે વિજયી બનાવશે. જનાબે જાબીર (અ.ર.) ની જાણીતી હદીસમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)થી નકલ કરતા ફરમાવે છે.
ذٰلِکَ الَّذِيْ يُفْتَحُ عَلٰي يَدَيْهِ مَشَارِقُ الْاَرْضِ وَ مَغَارِبِهَا
“આ એ જ છે જેના થકી અલ્લાહ પૂર્વ અને પશ્ર્ચિમને જીતશે.
વિજયનો તે દિવસ જે એક મહાન દિવસ હશે તે દિવસ કુરઆનની અમૂક તફસીર મુજબ હઝરત (અ.સ.) ના ઝુહુરનો દિવસ અને વિજયનો દિવસ છે. આ તે દિવસ છે જે દિવસે કાફીર ઇમાન લાવશે તે તેને લાભદાયક નહિ હોય અને તેઓને મોહલત આપવામાં નહિ આવે. જેમકે હદીસમાં છે કે કોઇ શહેર કે ગામડું એવું નહિ હોય જેમાં لا اِلٰه اِلاَّ اللّٰه નો અવાજ સંભળાતો ન હોય. ઇસ્લામ જગતનો ધર્મ હશે. રાજ્યો અને દેશોની વાડાબંધીનો અંત આવી ગયો હશે. સમગ્ર જગત એક હશે. કોઇ દેશમાં જવા માટે પરવાનગીની (પાસપોર્ટ – વિઝા) ની જરૂર નહિ રહે. આજે જે દેશના નામ ઉપર લોકોને વહેંચી દેવામાં આવ્યા છે, લોકો જુદા જુદા દેશના નામે ઓળખવામાં આવે છે તે બધાનો અંત આવી જશે.
તે જમાનામાં અકીદાની અસરો અને બરકતો હશે. ખુદાના બારામાં ઇમાન જાહેર થઇ જશે. જે આ આયતથી જાણી શકાય છે.
وَلَوْ اَنَّ اَہْلَ الْقُرٰٓی اٰمَنُوْا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَیْہِمْ بَرَکٰتٍ مِّنَ السَّمَاۗءِ وَالْاَرْضِ
“અને જો તે વસ્તીવાળાઓ ઇમાન લઇ આવતે તથા ડરતા રહેતે તો અમે તેમના પર આકાશ તથા જમીનની બરકતો (ના દરવાજા) ખોલી નાખતે.
(સુરએ અઅરાફ : 96)
જમીન અને આસમાનની બરકતોના દરવાજા લોકોને માટે ખોલી નાખવામાં આવશે. લડાઇ અને ઝઘડા – દોસ્તી અને બિરાદરીમાં, વેર અને ઇર્ષ્યા – સંપ અને સુલેહમાં અને પશ્ર્ચિમી સંસ્કૃતિ – ખરેખરા પાક દીન અલ્લાહના નીઝામ – ઇસ્લામમાં બદલાઇ જશે.
ઉપરની બાબતોની દલીલ ઇમામની તે હદીસ છે જે અય્યાશીએ ઇબ્ને બકીરથી રિવાયત કરી છે : ઇબ્ને બકીર કહે છે કે મેં ઇમામ મુસા ઇબ્ને જઅફર (અ.સ.) ને આ આયતના બારામાં સવાલ કર્યો.
وَلَہٗٓ اَسْلَمَ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ طَوْعًا وَّکَرْھًا وَّاِلَیْہِ یُرْجَعُوْنَ
“જ્યારે આકાશો અને જમીનમાં જે કાંઇ છે તે સ્વેચ્છા કે અનિચ્છાએ તેને તાબે થાય છે અને તેનીજ તરફ પાછા ફેરવવામાં આવશે.
(સુરએ આલે ઇમરાન : 83)
ઇમામે (અ.સ.) જવાબ આપ્યો : “આ આયત અમારા કાએમ (અ.સ.) ના અનુસંધાનમાં ઉતરી છે. જ્યારે તે જાહેર થશે ત્યારે ઇસ્લામને પૂર્વથી પશ્ર્ચિમ સુધીના કાફીરોની સામે રજુ કરશે. પછી જેણે તાબેદાર બનીને ઇસ્લામને સ્વિકારી લીધો હશે, તેને એ બાબતોનો હુકમ આપશે, જે બાબતોનો હુકમ મુસલમાનોને આપવામાં આવ્યો છે. રોઝા, નમાઝ, હજ, ઝકાત વિગેરે. પરંતુ જો કોઇએ ઇસ્લામ ન સ્વિકાર્યો તો તેઓને ઇમામ (અ.સ.) કતલ કરી નાખશે ત્યાં સુધી કે પૂર્વ અને પશ્ર્ચિમમાં અલ્લાહની વહદાનિય્યતનો સ્વિકાર કરનારા સિવાય કોઇ બાકી નહિ હોય. ઇબ્ન બકીર કહે છે કે મેં ઇમામ (અ.સ.) ને કહ્યું કે “મારી જાન આપ ઉપર ફીદા થાય (મખ્લૂક) લોકો એટલા બધા વધુ છે કે શું તેઓને યા તો કતલ કરી દેવામાં આવશે અથવા મોઅમીન બનાવી દેવામાં આવશે? ઇમામે જવાબમાં કહ્યું કે “બેશક, અલ્લાહ જ્યારે ઇરાદો કરે છે તો થોડાનું વધુ અને વધારેનું થોડું કરી દે છે. એક બીજી રિવાયત ઇમામ બાકીર (અ.સ.) થી આવેલી છે જે આ આયતના બારામાં છે.
اَلَّذِیْنَ اِنْ مَّکَّنّٰہُمْ فِی الْاَرْضِ اَقَامُوا الصَّلٰوۃَ وَاٰتَوُا الزَّکٰوۃَ وَاَمَرُوْا بِالْمَعْرُوْفِ وَنَہَوْا عَنِ الْمُنْکَرِ۝۰ۭ وَلِلہِ عَاقِبَۃُ الْاُمُوْرِ
“તેઓ એવા લોકો છે કે જો તેમને અમે જમીનમાં સત્તા આપીએ તો પણ તેઓ (રીતસર) નમાઝ પડશે તથા ઝકાત આપશે અને સત્કાર્યોના હુકમ કરશે તથા બદીની મનાઇ કરશે; અને સઘળા કામોનું પરિણામ અલ્લાહનાજ અધિકારમાં છે.
(સુરએ હજ્જ : 41)
ઇમામ (અ.સ.) ફરમાવે છે કે “આ આલે મોહમ્મદ (અ.સ.) ના માટે છે. ઇમામ મદહી (અ.સ.) અને તેમના સાથીદારોના માટે અલ્લાહ પૂર્વથી પશ્ર્ચિમ સુધીની સત્તા તેઓને આપશે. દીનને વ્યાપક-અતિપ્રબળ બનાવી દેશે.
“ખુદાવન્દે મોતઆલ તેમના અને તેમના અસહાબો મારફતે બિદઅતોનો નાશ કરી નાખશે. બિલ્કુલ તેવી જ રીતે જેવી રીતે મૂર્ખ, જુલમની અસર ન દેખાય તે માટે સત્યનો નાશ કરે છે. તે લોકો ‘અમ્ર બીલ મઅરૂફ’ અને ‘નહિ અનીલ મુન્કર’ બજાવી લાવશે. બધા હુકમો અલ્લાહના હાથમાં હશે.
આ ઉપરાંત સીલસીલાબંધ અસંખ્ય હદીસો છે જે આ હેતુને જાહેર કરે છે. જેમાં માણસની કુદરતી ઇચ્છાઓની ચર્ચા કરવામાં આવી છે, જેના કારણે આજે દુષ્ટ લોકો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. જેવી રીતે “યુનાઇટેડ નેશન્સ કુદરતી ઇચ્છાઓ (લાગણીઓ) અથવા માનવ હકો, ન્યાય અને સમાનતાના નારાઓ બુલંદ કરીને લોકોને નિર્બળ અને પાંગળા બનાવી રહ્યા છે. માનવ સ્વભાવ એવો છે જે એવી હુકુમતને પસંદ કરે છે જેમાં ન્યાય અને સમાનતા હોય, શાંતિ અને સલામતિ હોય, લોકોના હકોનો આદર હોય. આ એ હુકુમત અને દીન છે જે અંતિમ જમાનામાં એક મહાન માર્ગદર્શકની તાબેદારીથી સ્થાપિત થશે. એ માર્ગદર્શક જે નબીઓ અને વલીઓના પ્રિય હશે અને બધા નેક બંદાઓને પસંદ હશે. તેમની હુકુમત સમગ્ર દુનિયા ઉપર હશે. દુનિયા તેમની હુકુમત અને તેમના પવિત્ર હેતુઓને સ્વિકારીને તેમના અવાજને (“હાજર છીએનો) પ્રતિસાદ આપીને આગળ વધશે. જેને રસુલ (સ.અ.વ.)ના પુત્ર, અને અલી (અ.સ.) અને ફાતેમા (સ.અ.) ના નૂર હઝરત વલી અસ્ર (અજ.) ખાનએ કાઅબાથી બુલુન્દ કરશે.
તે દિવસની આશામાં જે દીન ઇન્તેઝાર કરનારાઓ, કમજોરો અને નિર્બળ લોકોનો દીન હશે. તે આં હઝરત (અ.સ.) ના જાહેર થવાનો દિવસ હશે જે દિવસ સંપ, સુલેહ અને શાંતિનો સંદેશો લઇને ઉગશે. તે દિવસે ભરપૂર પરેશાની અને ફીત્ના ફસાદથી ભરેલી દુનિયાને તેમના ઝુહુરની બરકતથી શાંતિ, સલામતિ ન્‌યાય અને ઇન્સાફથી ભરી દેવામાં આવશે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *