નુસ્રતે ઇમામ

Print Friendly, PDF & Email

ઇન્સાનની ઝબાનમાં એટલી તાકત નથી કે તેના ખાલિકની હમ્દ અને પ્રશંસા કરી શકે, આ તેનો ફઝલ અને કરમ છે કે તેણે ઇન્સાનને બધી મખ્લુકાત ઉપર શરફ અતા કર્યો, પરંતુ તેની સાથે સાથે શર્ત પણ રાખેલ છે કે: “અય રસુલ(સ.અ.વ.)! અમારા એ બંદાઓને ખુશખબરી આપી દો કે જે અમારા કૌલને ધ્યાનથી સાંભળે છે અને તેના ઉપર અમલ કરે છે. આ ખુશખબરીની સાથે અલ્લાહે પોતાના એહસાનનો પણ ઝિક્ર કર્યો અને ઇન્સાનના દિલ અને સમજને રોશન કરવા માટે ઇન્સાન પોતાના ખાલિકના એહસાનને ભૂલે નહી અને ગફલતથી ન વર્તે, તે માટે સુરએ રહેમાનમાં ફરી વખત યાદ દહાની આપી.

અર્ રહમાન 0 અલ્લમલ્ કુરઆન 0 ખલકલ ઇન્સાન 0 અલ્લમહુલ્ બયાન 0

તે ખુદા જે ખુબ જ મહેરબાન છે, તેણે કુરઆનની તઅલીમ આપી, ઇન્સાનને પૈદા કર્યો અને તેણે તેને બયાન કરતા શીખવ્યુ.

(સુરએ રહેમાન, આયત નં. 1-4)

આ ઇન્સાનમાં અશરફીયતનો પ્રકાશ ક્યાંથી આવે છે? તે સમજવા માટે અક્લ હંમેશા હૈરાન રહેતે કે અગર ખુદાવંદે આલમે પોતાના તરફથી કોઇ મોઅલ્લીમ (શિખવાડનાર) ન મોકલ્યો હોત જે ઇન્સાનને આ આયતના મતલબ અને અર્થને સમજાવી શકે અને પોતાની સિરતની સાથે આપણી રહેબરી કરી શકે.

ઇન્સાનની ઝિંદગી એક સફર છે, જે ઘોડીયાથી શરૂ થઇ અને કબ્ર સુધી પહોંચે છે અને આ સફરમાં કેટલા બધા હાદસાઓ પેશ આવે છે. ઇન્સાનની ઝિંદગીમાં કોઇ એવી પળ નથી, જ્યાં ગુનાહના તોફાને તેને ઘેરી ન લીધો હોય અને જ્યાં ઇન્સાન પર હંમેશા હુમલાઓ ન થતા રહેતા હોય. શરાફતને પાયમાલ કરવાના મનસુબાઓ ન બનતા રહેતા હોય. ઇબ્લીસે પણ નક્કી કરી લીધેલુ છે કે, અલ્લાહની એ મખ્લુક કે જેને તેણે અશરફીયત આપી છે, તેને ગુમરાહીના ખતરનાક માહોલમાં ધકેલી દે. જેથી કુરઆનની એ આયત કે “શયતાને પાકો ઇરાદો કરી લીધો છે કે, હું બુગ્ઝ અને અદાવત ઇન્સાનની વચ્ચે ફેલાવી દઇશ, નશા અને જુગારના થકી તેને નમાઝથી રોકી લઇશ. અલ્લાહના કલામે ઇન્સાનની અકલ, તેનું ઝહેન, તેની સમજ, તેના ઝમીરને શયતાનના આ ઇરાદાથી સારી રીતે વાકેફ કરી દીધો છે. ફકત આ જ નહી પરંતુ તેની હિદાયત માટે માસુમ ઇમામો (અ.મુ.સ.)નું માર્ગદર્શન પુરૂ પાડ્યુ છે. આ તે લોકો છે જેના પર અલ્લાહે પોતાની નેઅમત નાઝિલ કરી છે.

આ વર્ણનની સામે એક માસુમ રહેબર આ દુનિયામાં જેની રહેબરી કરી રહ્યા છે, તેના માટે કેટલી આફત, મુસીબત, તકલીફ, રૂકાવટ, મુખાલેફત છે, તેનો અંદાજો નથી લગાવી શકતા. પરંતુ રહેબર તો એ જ છે જે આફત, મુસીબત, તકલીફ, રૂકાવટ, મુખાલેફતને તોડીને પોતાની મંઝિલ તરફ હિદાયત કરવા માટે દ્રઢતાથી વળગી રહે. અહીં ઠહેરીને રહેબર અને તેના અનુસરણ કરનાર દરમિયાન સંપર્ક કેટલો મઝબુત હોવો જોઇએ તેના માટે શરૂઆતમાં અલ્લાહના કલામની તરફ વાંચકોને દઅવતે ફિક્ર આપીએ છીએ. આ રાબેતાની જરૂરીયાત એ છે કે આપણે આપણા રહેબરના મુતીઅ / ફરમાબરદાર અને બહેતરીન મદદગાર બનીએ અને આ નુસરતની સ્પષ્ટતા માટે મઅસુમીન(અ.મુ.સ.) ના અમુક કૌલ આપની સમક્ષ પેશ કરવાની ખુશ કિસ્મતી હાસિલ કરીએ છીએ. જેથી આ નુસરતની અઝમત અને બુઝુર્ગીનો થોડો હક અદા થઇ શકે.

કિતાબ મહાસીને બરકીમાં રિવાયત છે કે, હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ફરમાવ્યું:

તમારી મિસાલ ‘કુલ્હોવલ્લાહો અહદ’ જેવી છે. જેણે એક વાર પડ્યુ તેણે એક તૃત્યાંશ કુર્આનની તિલાવત કરી, જેણે બે વખત પડ્યુ તેણે બે તૃત્યાંશ કુર્આનની તિલાવત કરી અને જેણે ત્રણ વખત પડ્યુ તેણે પુરા કુર્આનની તિલાવત કરી. એવી જ રીતે જે શખ્સ આપ(અ.સ.)થી દિલથી મોહબ્બત કરે તો તેને ખુદાના બંદાઓએ કરેલ એક તૃત્યાંશ નેક આમાલનો સવાબ મળશે, જે આપથી દિલથી મોહબ્બત કરશે અને ઝબાન વડે આપની મદદ કરશે તો તેને ખુદાા બંદાઓએ કરેલ બે તૃત્યાંશ નેક આમાલનો સવાબ મળશે, તેમજ જે આપ(અ.સ.)થી દિલથી મોહબ્બત કરશે અને ઝબાન તેમજ હાથ વડે આપની મદદ કરશે તો તેનો સવાબ તમામ બંદગાને ખુદાની નેકીના બરાબર હશે.

(મહાસિન, ભાગ:1, પાના 153)

(બેહારૂલ અન્વાર, ભાગ:27, પાના:94)

કિતાબ મહાસિનમાંથી વધુ એક હદીસ નકલ કરવાની સઆદત મેળવીએ છીએ કે જેમાં હઝરત રસુલે ખુદા(અ.સ.વ.)એ ઇરશાદ ફરમાવ્યું: જન્નતમાં 3 તબક્કાઓ છે અને જહન્નમમાં પણ 3 તબક્કાઓ છે. જન્નતમાં સૌથી ઉંચો દરજ્જો તે લોકો માટે છે કે જે દિલથી અમારાથી મોહબ્બત કરે છે અને પોતાની ઝબાન અને હાથ વડે અમારી મદદ કરે છે. બીજો દરજ્જો તે લોકોનો છે જે દિલથી અમારાથી મોહબ્બત કરે છે અને પોતાની ઝબાન વડે અમારી મદદ કરે છે. ત્રિજો દરજ્જો એ લોકોનો છે જે ફકત દિલથી અમારાથી મોહબ્બત કરે છે. અને જહન્નમમાં સૌથી નીચલો તબક્કો તે લોકો માટે છે જે દિલમાં અમારી દુશ્મની રાખે છે અને પોતાની ઝબાન અને હાથ વડે અમારી ખિલાફ (અમારા દુશ્મનોની) મદદ કરે છે, બીજો તબક્કો એ લોકોનો છે જે પોતાના દિલમાં અમારી દુશ્મની રાખે છે અને પોતાની ઝબાન વડે અમારા ખિલાફ (અમારા દુશ્મનોની) મદદ કરે છે. અને ત્રિજો તબક્કો એ લોકોનો છે જે પોતાના દિલમાં અમારી દુશ્મની રાખે છે.

(મહાસિન ભાગ:1, પાના 153)

(બેહારૂલ અન્વાર, ભાગ:27, પાના:93)

નુસ્રતે ઇમામના રસ્તાઓ:

1 દિલથી નુસરત(મદદ):

સાહેબે ઇમાન ત્યારે પોતાને મોમીન કહેવાનો હક રાખે છે, જ્યારે તેના દિલમાં ઇમામ(અ.સ.)ની મદદનો જઝ્બો જોશ મારતો હોય, દરેક પળે તેના દિલમાં ઇમામ (અ.સ.)ની મદદની તડપ હોય. મોમીનનું દિલ આ એહસાસ ધરાવતુ હોય છે. જ્યારે જઝબએ નુસરત ઇન્સાનનું એટલુ મઝબુત હોય તો શાયર કહે છે:

હો હલ્કએ યારા તો હૈ તો રેશમ કી તરહ નર્મ

રઝ્મે હકકો બાતિલ હો તો ફૌલાદ હૈ મોમિન

2 ઝબાનથી નુસરત:

તકવા, તહારત, એહતિયાત, પરહેઝગારી ઝબાન માં એક અસાધારણ અસર પૈદા કરે છે. તેની વાતો જે ઇમામના નાસીર હોય છે, તેના કાનથી દિલ સુધી પહોંચે છે. ઇમામ હુસૈન(અ.સ.)એ હુર(ર.અ.)ને કહ્યું: જા, તારી માઁ તારા માતમમાં બેસે. ત્યારે હુર(અ.ર.) લડખડાતી ઝબાનમાં કહે છે: અય ફરઝંદે રસુલે ખુદા(સ.અ.વ.)! હું આપ(અ.સ.)ની માતાની શાનમાં એક શબ્દ પણ નથી કહી શકતો. ઝબાનમાં આ તાસીર પૈદા કરવા માટે નુસરતે ઇમામ(અ.સ.)નું માધ્યમ ઇલ્મ અને અમલ છે, જેમકે અગાઉ બયાન કરવામાં આવેલ છે.

3 હાથથી નુસરત(મદદ):

શાયરે અહલેબૈત(અ.મુ.સ.) કહે છે:

તુજે હૈ શૌકત શમશીર પર ઘમંડ બહુત

તુજે શિકવા કલમકા નહી હૈ અંદાઝા

સલ્તનતે જહાંગીરીની તમામ અસરો ખત્મ થઇ ગઇ, પરંતુ શહીદે સાલિસ નુરૂલ્લાહ શુસ્તરીના કલમથી લખવામાં આવેલ કિતાબ એહકાકુલ હક પુરી દુન્યાના બુધ્ધીજીવીને હકની દઅવત આપી રહી છે.

અલ્લાહનો શુક્ર છે કે ઇમામે વકત(અ.સ.)નો મુબારક હાથ આપણા ઉપર છે, જેની તાસીરથી આપણે દુઆએ અહદમાં સવાર સાંજ આ વાક્ય દોહરાવી રહ્યા છીએ: અય અલ્લાહ! જ્યારે અમારા ઝમાનાના ઇમામ (અ.સ.)નો ઝુહૂર થાય અને અમે જીવંત ન હોઇએ તો કબ્રોમાંથી એ રીતે ઉઠાડવામાં આવે કે કફન પહેરેલુ હોય અને નેઝો હાથમાં હોય અને દુશ્મનો ઉપર હુમલો કરીએ.

અલ્લામા મજલીસી રિવાયત કરે છે કે, હશ્શામ ઇમામ સાદિક(અ.સ.) પાસે આવ્યા ત્યારે બુઝુર્ગ અસહાબ પણ મવજુદ હતા અને તેઓ નવજુવાન હતા. છતા ઇમામ(અ.સ.)એ તેમનો એહતેરામ કર્યો અને પોતાની પાસે બેસાડયા. જ્યારે ઇમામ(અ.સ.)એ જોયુ કે આ કાર્ય અમુક અસ્હાબોને પસંદ ન પડયુ તો ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું:

હાઝા નાસેરોના બે કલ્બેહી વ લેસાનેહી વ બે યદેહી

આ અમારો મદદગાર છે, દિલથી, ઝબાનથી અને હાથ વડે

જનાબે હિશામ એટલા માટે આદરને પાત્ર હતા કે તેઓ ઇમામત અને વિલાયતની દિફાઅ કરતા હતા.

  1. અમલ વડે ઇમામ(અ.સ.)ની નુસ્રત(મદદ):

અમલનો સંબંધ યકીન અને મોહબ્બતની સાથે છે. યકીન જેટલુ મજબુત હશે મોહબ્બત તે યકીનના મજબુત હોવાની સાબિતી અમલ દ્વારા આપે છે. અમલ ત્યાં સુધી અમલ નહી ગણવા માટે જ્યાં સુધી તેમાં સાબિત કદમી નહી હોય અને દિમાગમાં દ્વીધા હોય. તેથી અમલ નામ છે તે સાબિત કદમીનું જે ઇલ્મથી જોડાએલ હોય અને તે ઇલ્મ જેના વડે ઇન્સાન પોતાને ઓળખે. અને જેણે પોતાને ઓળખ્યો તેણે ઇમામને ઓળખ્યા અને જેણે ઇમામને ઓળખ્યા તેણે ખુદા અને તેના રસુલને ઓળખ્યા. આ વાક્યો થકી ઇન્સાન પોતાની જીંદગીમાં ફુંકી ફુંકીને કદમ રાખશે કે તેનો કોઇ અમલ એવો ન હોય કે જે તેના ઇમામ(અ.સ.)ની ઇચ્છા વિરૂધ્ધનું હોય.

અમલ વ્યક્તિત્વને નિખારે છે અને શખ્સીયતમાં નૂરનું કિરણ પૈદા કરે છે, એ નુર કે જે નૂરે ઇમામતની પાંખ પણ હોય. ક્યારેક ક્યારેક આપણે અમલના નામ પર ફાયદાકારક પહેલુથી સમજૌતો કરી લઇએ છીએ. અગર આ રવૈયા પર અહેસાસ થઇ જાય કે અલ્લાહે ઇન્સાનને એ સમય આપ્યો છે કે એ માયુસીનો શિકાર ન થાય, પરંતુ તૌબા કરીને પોતાની ભૂલોને દોહરાવે નહી. આ એક વિશ્ર્લેષણ છે જે આપણા માટે જરૂરી છે ‘લા તકનતુમ્ મિર્ રહ્મતિલ્લાહ’ અલ્લાહની રહેમતથી માયુસ ન થાવ. આ એક તકાઝો છે.

અમલથી જ જીંદગી બને છે અને અમલથી જ જન્નત છે તેમજ અમલથી જ જહન્નમ છે. તેથી દરેક સમયે ઇન્સાને જાગૃત રહેવુ જોઇએ અને પોતાના અમલ ઉપર સંપુર્ણ નજર રાખવી જોઇએ. અગર આપણો અમલ આપણા ઇમામ(અ.સ.)ની ઇમામત ઉપર સંપૂર્ણ યકીનની સાથે અને તેમની મોહબ્બતની સાથે જોડાએલ છે તો આપણા ઇમામ આપણા માર્ગદર્શક પોતાની શાનને જાહેર કરે છે, આપણી ભૂલોને માફ કરી દે છે અને આપણને ગુમરાહીથી બચાવી પણ દે છે. અલ્લાહ આપણને સારા અમલ કરવાની તૌફીક આપે.

તો પછી ‘નાસેરોના બે યદેહી’ તેને કહેવામાં આવે છે, જે અમલથી ઇમામ(અ.સ.)ની નુસ્રત કરે. આ સ્પષ્ટતાની સાથે કે ઇમામ(અ.સ.)ની નુસ્રતનો સૌથી મહત્વનો ઝરીયો એ છે કે ઇન્સાન પોતાના અખ્લાક પોતાની વ્યક્તિગત તેમજ સામાજીક બાબતોમાં અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ.)ની પવિત્ર જીંદગીને નઝર સમક્ષ રાખી દીનની તબ્લીગ કરે અને પોતાના અમલ અને અખ્લાક થકી ઇમામ(અ.સ.)ની મદદ કરે.

ઇમામે ઝમાના(અ.સ.)ની સહી તબ્લીગ ફક્ત ઝબાની અને દિલી બાબતો જેમ કે દર્સ આપવો, લખવુ નથી, પરંતુ તે દરેક અમલ જે લોકોને ઇમામે ઝમાન(અ.સ.)ની મઅરેફત કરાવે અને ઇમામ (અ.સ.) જેને પસંદ કરે તેને દીની તબ્લીગ કહેવાય છે. અગર કોઇ તે ચાહે કે તે કલમના વડે તબ્લીગ કરે અને તેનો અમલ તેની કલમથી વિરૂધ્ધ હોય તો તેની કાંઇ અસર નહી થાય. તેથી દીી તબ્લીગના બારામાં ઝબાનથી વધારે અસર અમલની થાય છે. લોકો તમારી વાતો ઉપર ધ્યાન આપશે. જ્યારે આપણું કહેણ આપણા અમલના મુતાબિક હોય.

ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:

કુનુ દોઆતન્ લિન્નાસે બિલ્ ખય્રે બે ગય્રે અલ્સેનતેકુમ્ લે યરવ્ મિન્કોમુલ્ ઇજ્તેહાદ વસ્ સિદ્કલ્ વરઅ

પોતાની ઝબાનને ઉપયોગ કયર્િ વગર, લોકોને ભલાઇની દઅવત દેવાવાળા બનો. જેથી તેઓ તમારામાં મહેનત, સદાકત અને પરહેઝગારી જોવે

(બેહારૂલ અન્વાર, ભાગ:68, પાના:7)

અગર કોઇ સાચો અકીદો રાખે છે અને અહલેબૈત (અ.મુ.સ.)થી જોડાએલ છે અને તે એવો અમલ કરે છે કે જેનાથી અલ્લાહ નારાઝ થાય છે, તો હકીકતમાં ન તો તે એહલેબૈત(અ.મુ.સ.) ઉપર ઇમાન રાખે છે અને ન તો તેની સાથે જોડાએલ છે. કારણકે જે ઇમામ ચાહે છે તે અલ્લાહની ખુશ્નુદી પ્રમાણે હોય છે. ઇમામ અલ્લાહની રઝાને પસંદ કરે છે અને આ જ અપેક્ષા ઇમામ(અ.સ.) તેમના ચાહવાવાળા પાસે રાખે છે.

ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યુ:

ઇય્યાકુમ્ અન્ તઅ્મલુ અમલન્ યોઅય્યેરૂન્ના બેહી ફ ઇન્ન વલદસ્ સુએ યોઅય્યેરો વાલેદોહુ બે અમલેહી કુનુ લેમનિન્ કતઅ્તુમ્ એલય્હે ઝય્નન્ વલા તકુનૂ અલય્હે શયનન્

ખબરદાર! તે અમલ અંજામ નહી આપતા, જેનાથી લોકો અમારી ટીકા કરે, કારણકે ખરાબ અવલાદ પોતાના અમલના કારણે પોતાના પિતાની બદનામીનું કારણ બને છે. તમે જેનાથી સંબંધ રાખો છો, તેના માટે ઝીનતનું સબબ બનો નહી કે તેના માટે ઝિલ્લતનું સબબ

(અલ કાફી, ભાગ:2, પાના:219)

અગર કોઇ ફરઝંદ બુરૂ કામ કરે છે તો લોકો તેનો ઇલ્ઝામ તેના પિતાને આપે છે અને લોકો તેના વાલીની ટીકા કરે છે કે તેના દિકરાની સાચી તરબીયત નથી કરી. ઇમામ તેના શીઆઓને સૌથી કરીબ જાણે છે અને એક મહેરબાન બાપની જેમ તેના દરેક કાર્યો પર નઝર રાખે છે જ્યારે કોઇ શીઆ અયોગ્ય કામ કરે છે, તો તેઓ ગમગીન થાય છે અને તેની ભૂલોને પોતાના માટે ઝિલ્લતનું સબબ ગણે છે અને તેનાથી અપેક્ષા રાખે છે કે તે તેના માટે ફખ્રનો સબબ બને, શરમીંદગીનો સબબ ન બને.

શીઆ પોતાના ઇમામે ઝમાન(અ.સ.)ની ઓળખ પોતાના અખ્લાક વડે કરાવી શકે છે

હઝરત અલી(અ.સ.) ફરમાવે છે:

અલા વ ઇન્ન લે કુલ્લે મઅ્સુમિન ઇમામંય્ યક્તદી બેહી વ યસ્તઝીઓ બેનૂરે ઇલ્મેહી અલા વ ઇન્ન ઇમામકુમ્ કદીક્તફા મિન્ દુન્યાહો બે તુમરય્હે વ મિન  તુઅ્મેહી બે કુરસયહેઅલા વ ઇન્નકુમ લા તક્દેરૂન અલા ઝાલેક વલાકિન્ અઇનુની બે વર્ઇન્ વ ઇજ્તેહાદિન્ વ ઇફ્ફતિન્ વ સદાદિન્

જાણી લ્યો! દરેક પૈરવી કરનારનો એક ઇમામ હોય છે, જેની તે પૈરવી કરે છે અને તેના ઇલ્મથી રૌશની હાસિલ કરે છે. તમારા ઇમામ માટે આ દુનિયાથી બે સામાન્ય લિબાસ અને બે રોટી કાફી છે. યકીનન, તમે આ રીતે નથી રહી શકતા, પરંતુ વર્અ, ઇજ્તેહાદ, પાકદામની અને દ્રઢતા થકી અમારી મદદ કરો.

(બેહારૂલ અન્વાર, ભાગ:33, પાના:474)

જોકે આપણે આપણી જીંદગી ઇમામ (અ.સ.)ની જેમ પસાર નથી કરી શકતા પરંતુ તેની પૈરવી કરી શકીએ છીએ અને આપણે જોઇએ છીએ કે દુનિયા પરસ્તોની જેવા ન બનીએ, દુનિયામાં લગાવ ખુબ જ છે અને ઇન્સાનને તે વ્યસ્ત રાખે છે અને ઇન્સાનને તેના અસ્લી મકસદથી દૂર કરે છે.

સૈયદ ઇબ્ને તાઉસ(અ.ર.) પોતાના ફરઝંદોને ફરમાવે છે:

ઘણા બધા લોકો ઇમામે ઝમાના (અ.સ.) પર ઇમાન તો રાખે છે, પરંતુ તેઓા કાર્યો અને રિતભાત  બરાબર નથી, તેઓનો ઇમામના વુજુદ પર ઇમાન તો છે, અને તેમના ઝુહુર પર યકીન ધરાવે છે, પરંતુ પોતાના અઅમાલ થકી તેમના ઝુહૂર અને ઝિક્રને ભુલાવી દીધો છે.

ઇમામે ઝમાના(અ.સ.) પોતાની તવકીઅમાં ફરમાવે છે:

ઇન્ના ગય્રો મોહ્મેલીન લે મોરાઆતેકુમ્ વલા નાસીન લે ઝિકરેકુમ્ વ લવ્લા ઝાલેક લ નઝલ બેકોમુલ્લઅ્વાઓ વસ્તલમકોમુલ અઅ્દાઓ યત્તકુલ્લાહ જલ્લ જલાલોહૂ વ ઝાહેરૂના અલન્તેયાશેકુમ્ મિન્ ફિત્નતિન્ કદ્ અઝાકત્ અલય્કુમ્

ચોક્કસ! ન તો અમો તમારી સંભાળથી ગાફિલ છીએ અને ન તો તમારા ઝિક્રને ભુલાવીએ છીએ, અગર એમ ન હોત તો પરેશાનીઓ તમને ઘેરી લેતે અને દુશ્મનો તમોને કચડી દેત. તો પછી તકવા ઇખ્તેયાર કરો અને અમારી મદદ કરો કે અમો તમોને ફિત્નાથી બચાવીએ જેણે તમોને ઘેરી     લીધેલ છે.

(અલ એહતેજાજ, ભાગ:2, પાના:49)

હાજ શૈખ હબીબુલ્લાહના એક આલિમ દોસ્તે ફરમાવ્યું: એક વખત હું બસમાં તેહરાનથી મશહદ માટે સફરમાં હતોે, એક યુરોપીયન જેવો જવાન બેહતરીન લિબાસમાં મારી પાસે બેઠો હતો. રસ્તામાં જ્યારે નમાઝનો સમય થયો, તે જવાને ડ્રાઇવરને તાકીદ કરી, જેથી તે નમાઝને અવ્વલે વકત અદા કરી શકે. તેની વાતોથી મને નવાઇ લાગી. કારણકે, તેના પહેરવેશથી તેની આવી વાતોની અપેક્ષા કરી શકાતી નહોતી. મેં તેનાથી માલુમ કર્યુ કે: આટલી તાકીદ કરવાનું કારણ શું છે? તેણે કહ્યું: હું હાલમાં જ યુરોપથી આવ્યો છું અને ત્યાં તઅલીમ હાસિલ કરૂ છું. જ્યારે હું ત્યાં હતો, બહુ જ ટુંક સમયમાં જરૂરી થઇ ગયુ હતું કે હું બે પરિક્ષા આપુ કે જે બંને અલગ શહેરોમાં હતી. હું ગાડીથી એક શહેરથી બીજા શહેર જઇ રહ્યો હતો કે અચાનક જ રસ્તામાં ગાડી ખરાબ થઇ ગઇ અને ખુબ જ કોશીશો પછી પણ તે ઠીક ન થઇ શકી. ધીમે-ધીમે હું નાઉમ્મીદ થતો જઇ રહ્યો હતો કે અગર પરિક્ષા સ્થળ સુધી ન પહોંચી શક્યો તો મારૂ આખુ વર્ષ બરબાદ થઇ જશે. હું આ જ દ્વીધામાં હતો કે મને મારી માઁની વાત યાદ આવી, જે હંમેશા કહેતી હતી: જ્યારે પણ પરેશાની આવી પડે તો ઇમામે ઝમાના(અ.સ.)થી તવસ્સુલ કરજે, ઇમામ (અ.સ.) ઇનાયત ફરમાવશે. તેજ ક્ષણે મેં ઇમામે ઝમાના(અ.સ.)થી તવસ્સુલ કર્યુ, અને મેં પોતાની જાતથીજ અહદ કર્યો કે અગર ઇમામ (અ.સ.)એ ઇનાયત કરી અને હું પરિક્ષા સ્થળ સુધી પહોંચી ગયો તો હું નમાઝને હંમેશા અવ્વલે વકત અદા કરીશ. તરત જ એક શખ્સ આવ્યા અને એણે બોનેટ ખોલ્યુ અને તેના હાથથી કંઇક કર્યુ કે ગાડી તરત જ શરૂ થઇ ગઇ. પછી તે ગાડીની સાથે થોડુ ચાલ્યા અને જ્યારે ગાડી ચાલવા લાગી તો તેણે મારી તરફ જોયુ અને કહેવા લાગ્યા કે જે તે તારા ઇમામથી વાયદો કર્યો છે તેને પુરો કરજે અને પછી તે આંખોથી ગાએબ થઇ ગયા. તેથી હું અવ્વલે વકત નમાઝ પડવાનો પાબંદ થઇ ગયો.

દરેક ઇન્સાન ભલે પછી તે પૂર્વમાં રહે કે પશ્ર્ચિમમાં, ઝમાનાની શિકાયત કરવા પર મજબુર છે, બદઆમાલીએ કાનુનનો પહેરવેશ પહેરી લીધો છે, બુરાઇ અચ્છાઇ ગણાવા લાગી છે, સમાજ શહવતપરસ્તી તરફ દોડી રહ્યો છે, સારા લોકો માટે રસ્તો બંધ નજર આવે છે, બધુ સાચુ છે, પરંતુ આપણા ઇમામ(અ.સ.)ગાએબ છે અને હાજર પણ છે.

અલ્લાહ આપણને તેણે બતાવેલી રાહ પર ચાલવાની તૌફીક અતા કરે કે આપણાથી બદઆમાલી, ખરાબી, ફસાદ, ફિત્નાના તમામ અડચણ ઉભી કરનારાઓ ખુદબખુદ અલગ થઇ જાય, અને આપણો રસ્તો ઇમામ(અ.સ.)ના ખૈમા તરફનો સાફ નઝર આવે.

 

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *