અઇમ્મા(અ.મુ.સ.) ની નઝરમાં ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ની હુકૂમત

Print Friendly, PDF & Email

રાજા અને પ્રજાનો ઇતિહાસ શાસકોના જુના સિલસિલાને બયાન કરતો રહ્યો છે અને આ જ ઇતિહાસ હુકુમતોના સમયગાળામાં જે કંઇ બનાવો બન્યા છે, તેનો એક રેકોર્ડ રાખે છે. બહુ ઉંડાણમાં ગયા વગર પણ તારીખનો ટુંકો અભ્યાસ પણ સ્પષ્ટ કરે છે કે જે હુકૂમતોએ મજબુતી કાએમ કરી છે, તેનો ઇતિહાસ ઝુલ્મોજૌરથી ભરેલો છે.

દરેક હુકૂમતના સમયમાં મઝલુમ લોકો ઝુલ્મ બરદાશ્ત કરતા રહ્યા છે અને એવી હુકૂમતોના લોકો આદી બની ગયા છે, જેને ઇતિહાસમાં ત્રીજી દુનિયાના લોકો તરીકે નામ આપવામાં આવ્યુ છે.

સવાલ: તો પછી શું અલ્લાહ તબારક વ તઆલાએ આ ત્રીજી દુનિયાના લોકો માટે અદ્લો ઇન્સાફ અને તેઓની હિદાયત માટે કોઇ સિલસિલો કાયમ નથી કર્યો?

જવાબ: આ બારામાં આપણા માટે અંબીયા (અ.મુ.સ.)નો સિલસિલો આપણી અક્લો અને વિચારોને રોશની આપવા માટે પુરતો છે. જેમાની એક બની ઇસરાઇલની મિસાલ આપણી સામે છે.પરંતુ દુનિયા અત્યારે ઝુલ્મો જૌરથી ભરાઇ ચુકી છે અને તેની સામે અલ્લાહ તબારક વ તઆલાનો વાયદો જે કલામે ઇલાહી કુરઆને મજીદમાં છે, તે બલંદ રીતે અવાજ આપી રહ્યો છે. ત્યાં સુધી કે અલ્લાહના આખરી રસુલ(સ.અ.વ.)એ પણ ફરમાવી દીધુ છે. મારા બાર ખલીફા થશે, જેમાના અંતિમ એ હશે જે આ દુનિયાને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે, જેવી રીતે તે ઝુલ્મો જૌરથી ભરેલી છે.

આ હદીસને પુરા ઇસ્લામી રાજ્યમાં કોઇપણ જાતની શંકા વગર કબુલ કરવામાં આવી છે. આમ છતા ખુદાવંદે આલમની મશીય્યત આ વાયદાને વારંવાર દોહરાવતી રહી, જેથી મહેશરના દિવસે કોઇ પણ આનો ઇન્કાર ન કરી શકે અને બધા ઉપર હુજ્જત તમામ થઇ જાય.

આ બારામાં લેખકો વાંચકોને મઅસુમીન (અ.મુ.સ.)ની હદીસો તરફ દઅવત આપે છે. મુરસલે અઅઝમ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની ભવિષ્યવાણી મૂજબ 11 ઇમામો(અ.મુ.સ.)એ ખુદાના આ વાયદાને જીવંત રાખવા માટે એવી હદીસો બયાન કરી છે, જે દરેક માટે ચેતવણી અને આગાહી છે. મતલબ કે ઇલાહી હુકૂમત કાયમ થઇને રહેશે અને અંતિમ હુકૂમત અદ્લો ઇન્સાફની હુકૂમત હશે. જેના હાકિમ આપણા બારમાં ઇમામ હઝરત મહદી(અ.ત.ફ.શ.) હશે. જેની તમામ નિશાનીઓ ચમકતા દિવસની જેમ પ્રકાશિત છે.

હવે આવો, આપણે એ હદીસોનો અભ્યાસ કરીએ જેમાં આપ(અ.સ.)અને અઇમ્મા(અ.મુ.સ.)એ આ આગાહી ઉપર પોતાની હદીસો વડે સદાકતની મહોર મારી છે, જેથી કરીને કોઇ ગફલતની ઉંઘમાં ન રહે અને હંમેશા જાગતા રહે બેદાર રહે.

સઇદ ઇબ્ને ઝુબૈરે ઇબ્ને અબ્બાસથી રિવાયત કરી છે કે, હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ:

“ચોક્કસ! અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) મારી ઉમ્મતના ઇમામ છે અને મારા બાદ મારી ઉમ્મત પર ખલીફા અને મારા જાનશીન છે, અને તેમની ઔલાદમાંથી કાએમ(અ.ત.ફ.શ.) હશે, જેમનો ઇન્તેઝાર કરવામાં આવશે, તેઓ આ દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરી દેશે જેવી રીતે ઝુલ્મો જૌરથી ભરેલી હશે. એ ઝાતની કસમ! જેણે મને ખુશ ખબરી આપનાર અને ડરાવનાર બનાવીને મોકલ્યો છે કે ચોક્કસ તેમની ગયબતના સમયમાં તેમની ઇમામતના અકીદા ઉપર સાબિત કદમ રહેનાર લોકો લાલ સોા કરતા પણ વધારે કિમતી હશે.

જનાબે જાબિર બિન અબ્દુલ્લાહ અન્સારીએ આપ (સ.અ.વ.)ને પુછ્યુ: આપની નસ્લમાં જે કાએમ (અ.સ.) છે, શું તેમના માટે ગયબત હશે? ત્યારે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: હાં! અલ્લાહની કસમ! જેથી અલ્લાહ સાહેબે ઇમાનને ચુંટીને, ચાળીને અલગ કરે અને કાફીરોનો નાશ કરે. પછી આપ(સ.અ.વ.)એ ફરમાવ્યું: અય જાબિર! ચોક્કસ આ અલ્લાહના ભેદોમાંથી એક ભેદ છે. ખબરદાર! તેમાં શંકા ન કરતા, કારણકે અલ્લાહના અમ્રમાં શંકા કરવી એ કુફ્ર છે.

(ઇસ્બાતુલ હોદા, ભાગ:5, પાના: 272)

અગર આપણે હઝરત રસુલુલ્લાહ(સ.અ.વ.)ના શબ્દો તરફ વિચાર કરીએ તો આપ(સ.અ.વ.)એ પોતાની આ હદીસમાં ઘણી બાબતો તરફ ઇશારો કર્યો છે, જેમકે….

હઝરત અલી બિન અબી તાલિબ(અ.સ.) હઝરત રસુલુલ્લાહ(સ.અ.વ.)ના બાદ તેમના ખલીફા છે અને હક ઇમામ છે. માટે અગર કોઇ હઝરત અલી (અ.સ.)ને રસુલુલ્લાહ(સ.અ.વ.)ના બિલા ફસ્લ જાનશીન ન માને તો તેણે આપ(સ.અ.વ.)ના ફરમાનનો ઇન્કાર કર્યો ગણાશે. એટલુ જ નહી બલ્કે અલ્લાહના હુકમની નાફરમાની કરી ગણાશે. કારણકે હઝરત અલી (અ.સ.)ની વિલાયતની તબ્લીગ કરવાનો હુકમ ખુદ અલ્લાહે રસુલ(સ.અ.વ.)ને આપ્યો હતો.

ઇમામ મહદી(અ.ત.ફ.શ.) હઝરત અલી (અ.સ.) ની નસ્લમાંથી છે. જેમના માટે ગયબત હશે અને એમની ગયબતના સમયમાં એમનો ઇન્તેઝાર કરવામાં આવશે. જેમકે આજે આપણે શીઆને અલી (અ.સ.) એમના ફરઝંદ હઝરત ઇમામ મહદી (અ.સ.)ની ગયબતનો અકીદો રાખીએ છીએ અને એમના ઝુહૂરના મુન્તઝિર છીએ.

ઇમામ મહદી(અ.સ.)ની ગયબતના ઝમાનામાં જે લોકો તેમની ઇમામતના અકીદા ઉપર સાબિત કદમ રહેશે, તેઓ અમુલ્ય હશે.

ઇમામ મહદી(અ.સ.)ની ગયબતમાં લોકોની સખ્ત પરિક્ષા થશે, જેમાં ફક્ત એ જ લોકો સફળ થશે, જેઓ ઇમામ મહદી(અ.સ.)ની ઇમામતના અકીદા ઉપર સાબિત કદમ રહેશે.

ઇમામ મહદી(અ.સ.)ની ગયબત અલ્લાહનો અમ્ર છે અને અલ્લાહના ભેદોમાંથી એક ભેદ છે, માટે જો કોઇ શખ્સ તેનો ઇન્કાર કરે તો તે કાફિર છે.

મુરસલે અઅઝમ(સ.અ.વ.)એ આ બાબત પર ખૂબ જ ભાર આપતા ફરમાવ્યું:

“હું તમને હઝરત ઇમામ મહદી(અ.સ.)ની ખુશખબરી આપુ છુ, તેઓ મારી ઉમ્મતમાં એ સમયે જાહેર થશે, જ્યારે લોકોમાં વિરોધાભાસ અને અસુરક્ષા હશે. તેઓ જમીનને અદ્લો ઇન્સાફથી ભરી દેશે જેવી રીતે જમીન ઝુલ્મો જોરથી ભરેલી હશે

(ગયબતે તુસી, પાના:178)

આજનો સમય આ બાબતોને આપણી નજરો સમક્ષ પેશ કરી રહ્યો છે. લોકોમાં ઇખ્તેલાફ તેની ચરમ સીમાએ પહોંચેલા છે. આ હાલતને ફરાઝના શેર આ રીતે બયાન કરે છે.

બસ ઉસ કદર કે દરબારમેં બુલાવા હય

ગદા ગિરાન સુખન હુજૂમ સામને હય

એવી રીતે દરબારમાં હાજર કરવામાં આવ્યા કે પદર્ફિાશ કરનાર લોકોનું ટોળુ સામે મવજુદ છે.

રસુલે ખુદા(સ.અ.વ.)ના અંતિમ જાનશીન  હઝરત ઇમામ મહદી(અ.સ.) દરેકના દિલની ધડકનમાં ઉભરતા જવાબથી માહિતગાર છે, માટે સાવચેત રહેવુ જરૂરી છે. દરેક ક્ષણ એ વાતની સાવચેતી રાખવી કે ક્યાંક કોઇ એવી ખરાબ અને ખોટી વાત આપણી ઝબાનથી જારી તો નથી થતીને કે જે ઇમામ(અ.સ.)ની નારાઝગીનું કારણ બની જાય.

  • સંક્ષિપ્તતાને નજર સમક્ષ રાખીને દીગર અઇમ્મા(અ.મુ.સ.)ની અહાદીસ તરફ વાંચકોની તવજ્જોહ દેવરાવીએ:
  • હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ને ફરમાવ્યુ:

“અય હુસૈન! આપની નસ્લમાંથી નવમાં હક સાથે કયામ કરશે, જે દીનને સર્વોપરીતા  અપાવશે અને ઇન્સાફને ફેલાવી દેશે

ઇમામ હુસૈન(અ.સ.)એ પુછ્યુ: અય અમીરૂલ મોઅમેનીન(અ.સ.)! શું ચોક્કસ આવુ બનશે?

હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ જવાબ આપ્યો:

“હા! એ ઝાતની કસમ જેણે હઝરત મોહંમદે મુસ્તફા(સ.અ.વ.)ને નબુવ્વત સાથે મબ્ઉસ કયર્િ અને તેમને પોતાની તમામ મખ્લુકાતમાંથી ચુંટી લીધા, પરંતુ એમની ગયબતમાં લોકો હેરાન પરેશાન હશે, એમની ગયબતના સમયમાં કોઇપણ દીન પર સાબિત કદમ નહી રહે સિવાય એ કે મુખ્લીસ બંદાઓ જે રૂહે ઇમાન સુધી પહોંચી ગયા હોય, જેનાથી અલ્લાહે અમારી વિલાયતનો વાયદો લઇ લીધો છે અને તેઓના દિલો ઉપર ઇમાન લખી દીધુ છે અને પોતાની ખાસ રૂહ વડે તેઓની મદદ કરી છે.

(કશફુલ ગુમ્માહ, ભાગ:2, પાના:521)

  • જયારે હઝરત ઇમામ હસન(અ.સ.)એ મોઆવીયાથી સુલેહ કરી તો લોકો ઇમામ હસન (અ.સ.) પાસે આવ્યા ને તેમાંથી અમુક લોકો સુલેહ કરવા બદલ ઇમામ(અ.સ.)ને ઠપકો આપવા લાગ્યા, ત્યારે ઇમામ હસન(અ.સ.)એ ફરમાવ્યુ:

તમે લોકો શું જાણો કે મેં કેવો અમલ અંજામ આપ્યો છે? અલ્લાહની કસમ! જે કંઇ મેં કર્યુ છે તે મારા શીઆઓના હકમાં બહેતર છે, એના કરતા કે જેટલી ચીજો પર સુરજ ચમકે છે અને આથમે છે. શું તમે નથી જાણતા કે હું તમારો ઇમામ છુ. મારી ઇતાઅત તમારા ઉપર વાજીબ છે. રસુલુલ્લાહ(સ.અ.વ.)ની નસ મૂજબ જન્નતના બે જવાનોના સરદારોમાંથી એક હું છુ. ત્યારે બધાએ કહ્યું: હાં!

પછી ઇમામ(અ.સ.)એ જનાબે ખિઝર (અ.સ.) અને જનાબે મુસા(અ.સ.)નો વાકેઓ વર્ણવ્યો કેમ કે જાબે મુસા (અ.સ.) ના માટે જનાબે ખિઝર(અ.સ.)ના અમલનું કારણ છુપુ હતુ, તેથી જનાબે મુસા(અ.સ.), જનાબે ખિઝર(અ.સ.)ના અમલથી સંતુષ્ટ ન થયા, પછી ઇમામ હસન(અ.સ.)એ ઇમામ મહદી (અ.સ.)નું વર્ણન કરતા કહ્યું: તેઓ કોઇ સરકશ(ઝાલિમ હુકૂમત)ની બયઅતમાં નહી હોય, તેમની પાછળ હઝરત ઇસા (અ.સ.) નમાઝ પડશે. તેમની વિલાદત છુપી રીતે થશે. તેમના માટે ગયબત હશે. તેને લાંબી ઉમ્ર અતા કરશે અને જ્યારે અલ્લાહ તેમને ઝુહૂરનો હુકમ આપશે તો તેઓ એક 40 વર્ષના જવાનની શક્લમાં જાહેર થશે.

(કિફાયતુલ અસર, પાના:225)

  • આજ પ્રકારની બીજી હદીસ ઇમામ હુસૈન (અ.સ.)થી પણ આ રીતે નક્લ કરવામાં આવી છે, જેને શૈખે સદુક(અ.ર.)એ પોતાની અમુલ્ય કિતાબ કમાલુદ્દીન, ભાગ:1, પાના:318 ઉપર નક્લ કરી છે. ઇમામ હુસૈન(અ.સ.) ફરમાવે છે:

“અગર આ દુનિયા ખત્મ થવામાં એક દિવસ પણ બાકી રહી જાય તો અલ્લાહ એ દિવસને એટલો લંબાવી દેશે કે મારી નસ્લમાંથી એક વ્યક્તિનો ઝુહૂર થાશે, જે આ ઝમીનને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે આ ઝમીન ઝુલ્મો જોરથી ભરેલી હશે. હઝરત ઇમામ હુસૈન(અ.સ.) કહે છે: “મેં રસુલુલ્લાહ(સ.અ.વ.)ને આ જ રીતે કહેતા સાંભળ્યા છે.

ઉપરની હદીસ આ વાતને સ્પષ્ટ કરે છે કે ઇમામ(અ.સ.)નો ઝુહૂર અને એમના ઝુહૂર બાદ એમનું આ દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરી દેવુ એ એક ચોક્કસ અમ્ર છે. “આ દુનિયા ખત્મ થવામાં એક દિવસ બાકી રહે તેનાથી મતલબ એ છે કે અગર કયામત આવવામાં એક દિવસ પણ બાકી રહેશે તો પણ ત્યાં સુધી કયામત નહી આવે, જ્યાં સુધી કે ઇમામે ઝમાના (અ.સ.)નો ઝુહૂર ન થઇ જાય અને આ દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરી ન દે.

હઝરત ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ આ શબ્દોમાં ઇમામ(અ.સ.)ના ઝુહૂરના બારામાં બયાન કર્યુ છે:

“જ્યારે અમારા કાએમ(અ.સ.)નો ઝુહૂર થશે, તો અલ્લાહ તેમની બરકતથી લોકો ઉપરથી બલાઓને દુર કરી દેશે અને તેઓના દિલોને લોખંડ જેવા મજબુત કરી દેશે અને તેઓમાંથી દરેક વ્યક્તિની પાસે 40 લોકો જેટલી શક્તિ હશે.

અહીં આ વિષયને ઇમામ સાદિક(અ.સ.)ની એક હદીસ થકી પુર્ણ કરીએ છીએ. ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:

“જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરી દેવામાં આવ્યા ત્યારે મલાએકાઓએ અલ્લાહની બારગાહમાં રડી-રડીને ફરીયાદ કરી: અય અલ્લાહ! ઇમામ હુસૈન(અ.સ.)ને આ રીતે શહીદ કરી દેવામાં આાવ્યા, જે તારા ચુંટી કાઢેલા હબીબ રસુલે ખુદા(સ.અ.વ.)ના ફરઝંદ છે. ત્યારે અલ્લાહે મલાએકાઓને હઝરત ઇમામ મહદી(અ.સ.)નું નૂર બતાવ્યુ અને કહ્યું: હું આના થકી ઇમામ હુસૈન (અ.સ.) પર ઝુલ્મ કરવાવાળાઓથી બદલો લઇશ.

(બેહારૂલ અન્વાર, ભાગ:45, પાના:221)

જ્યારે ફાતેમા(સ.અ.)ના ફરઝંદ ગયબતના પરદા હટાવીને ઝુહૂર ફરમાવશે, ત્યારે પોતાના અજદાદના ખુનનો બદલો લેશે, જેઓએ ઇમામ હુસૈન(અ.સ.)ને કત્લ કયર્િ અને એ મલઉનોને કબ્રમાંથી બહાર કાઢીને સળગાવશે, જેઓએ સય્યદતુન નિસાઇલ આલમીનના ઘરના દરવાનજાને સળગાવ્યો હતો અને આપના ઉપર ઝુલ્મ કયર્,િ જેના લીધે આપ(સ.અ.)ની શહાદત થઇ.

પરવરદિગાર! અમે તારી બારગાહમાં મોહમ્મદ વ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના હકનો વાસ્તો આપીને દુઆ કરીએ છીએ કે તુ તારી આખરી હુજ્જતના ઝુહૂરમાં જલ્દી કર અને અમને તેમના ખાદીમોમાં શુમાર કર….આમીન…

 

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *