ઝીયારતે આલે યાસીનના ભાવાર્થ

Print Friendly, PDF & Email

ઝીયારતે આલે યાસીનના ભાવાર્થની શરૂઆત અમે ગયા વરસે કરી હતી તેમાંના થોડા વાક્યોના અર્થની સમજણ આપી હતી. સ્થળ સંકોચના કારણે એવી કોશીશ કરવામાં આવી છે કે શક્ય તેટલા ટૂકાંણમાં અમારો હેતુ સ્પષ્ટ કરી શકીએ. ગયા વરસે અમે આ ઝીયારતની સનદ અને તેનું મહત્વ કેટલુ છે તે દર્શાવ્યું હતું. આ અંકમાં તેના બીજા હેતુઓ રજુ કરશું.
(11) السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْعَلَمُ الْمَنْصُوبُ
‘સલામ થાય આપ ઉપર એ ઊંચે ફરકતા ધ્વજ.’ અહિં હઝરત બકીયતુલ્લાહ (અ.સ.) ને ઊંચા કરવામાં આવેલ ધ્વજ કહીને સંબોધન કરવામાં આવેલ છે. ઊંચા કરવામાં આવેલ ધ્વજનો આપણે શું અર્થ કરશું ? શક્ય છે કે આ વાક્યનો તેના મૂળ અર્થમાં ઉપયોગ ન કરવામાં આવ્યો હોય. બલ્કે એક શબ્દ ‘સાહબ’ તેમાં છુપાએલો હોય. એટલે આ વાક્ય મૂળ આ રીતે હોય :
السَّلَامُ عَلَيْكَ يا صاحب الْعَلَمِ الْمَنْصُوبُ
પછી આ શબ્દ ‘સાહબ’ ને કાઢી નાખવામાં આવ્યો હોય. તેથી આ વાક્યનો તરજુમો આ રીતે પણ થઇ શકે. “સલામ થાય આપ ઉપર એ ઊંચા કરવામાં આવેલા ધ્વજના માલિક. આ વાક્ય ઇમામે ઝમાના (અ.સ.) નો ખાસ અલમ અને ધ્વજનો ભાવાર્થ દર્શાવે છે. જે ધ્વજનું લહેરાવું હઝરતની ઝુહુરની નિશાનીમાંની એક નિશાની છે.
અલ – અબકરીઉલ હેસાનના લેખક લખે છે હઝરતની ઝુહુરની નિશાનીઓમાંની એક આપનો અલમ (ધ્વજ) છે. કારણ કે આપના ઝુહુરનો સમય નજદિક હશે, ત્યારે આપનો અલમ પોતાની મેળે ફરકવા લાગશે. તે વખતે ખુદાવન્દે આલમ તે અલમને બોલવાની શક્તિ આપશે અને તે પોકારશે : “એ અલ્લાહના વલી ઝુહુર ફરમાવો અને ખુદાના દુશ્મનોનો નાશ કરો.
(અલ-અબકરીઉલ હેસાન, ભાગ-2, અન-નજમુઝ-ઝાહેર, પા-52)
ઇમામે ઝમાના (અ.સ.) પાસે ત્રણ અલમ હશે. એક ઉપર લખેલું હશે :
اَلْیَوْمَ اَکْمَلْتُ لَکُمْ دِیْنَکُمْ وَاَتْمَمْتُ عَلَیْکُمْ نِعْمَتِیْ وَرَضِیْتُ لَکُمُ الْاِسْلَامَ دِیْنًا۝۰ۭ
(સુરએ માએદહ, આયત : 03)
બીજા ઉપર લખેલું હશે :
یُوْفُوْنَ بِالنَّذْرِ وَیَخَافُوْنَ یَوْمًا کَانَ شَرُّہٗ مُسْـتَطِیْرًا۝۷
(સુરએ દહર, આયત : 07)
ત્રીજા ઉપર લખેલું હશે
لاَ اِلهُ اِلاَّ اللّٰهُ مُحَمَّدٌ رَسُوْلُ اللّٰه عَلِيُّ وَلِيُّ اللّٰهِ وَ خَلِيْفَتُه الْحَسَنُ وَالحُسَين وَ التسعۃ مِنْ وُلَدِ الْحُسَيْنِ اَوصيائهٗ
(બગયતુત તાલીબી ફીમન રાઇલ ઇમામુલ ગાએબ, પા. 39)
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે ઇમામે ઝમાના (અ.સ.)નો અલમ તે ખાસ અલમ હશે જે હઝરત જીબ્રઇલ બદરની લડાઇમાં જન્નતમાંથી લાવ્યા હતા અને રસુલે અકરમ (સ.અ.વ.) ને હવાલે કર્યો હતો. આ એજ અલમ હતો જે હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ જમલની લડાઇમાં લહેરાવ્યો હતો અને વિજય અને સફળતા આપના ચરણોમાં ઢળી પડ્યા હતા. તે પછી આપે તે સંકેલીને પોતાના પુત્ર ઇમામે હસને મુજતબા (અ.સ.) ને હવાલે કર્યો અને આપના એક પછી એક દરેક ઇમામે હકે તેમના વારસદારને વારસા અને ખજાના તરીકે સોંપ્યો. પરંતુ કોઇએ તેને ફરકાવ્યો નહિ. હવે અલમ માત્ર અને માત્ર આ પવિત્ર ખાનદાનના કાએમ, મહદીએ આલે મોહમ્મદ અજ્જલલ્લાહો તઆલા ફરજહના હાથે ફરકાવવામાં આવશે.
(કમાલુદ્દીન, પા. 672, ગયબતે નોમાની, પા. 307)
(12) وَالْعِلْمُ الْمَصْبُوْبُ
સલામ થાય આપ ઉપર એ તે ઇલ્મ જેને વેડફી નાખવામાં આવ્યું હોય. અથવા વહાવી દેવામાં આવ્યું હોય.
مَصْبوب શબ્દ કર્તા છે. તેને صبّથી જોડવામાં આવ્યો છે. જેનો અર્થ વહેડાવવું અથવા ઉલાળવું.
આ વાક્ય પણ અગાઉના વાક્યની જેમ બે શક્યતાઓ ધરાવે છે. એક તો એ કે ઇમામે ઝમાના (અ.સ.) ઇલ્મે મસ્બુબ ધરાવે છે. અને બીજુ એ કે આપ ખુદ પોતાની જાતે ‘ઇલ્મે મસ્બુબ’ છે. હવે અહિં આવીને કલમ પોતાની પરવશતા દર્શાવે છે. હાથમાંથી પડી જાય છે અને પોતાની મેળે પોકારવા લાગે છે, એ જહલે મસબુબ ! તારી આ હિમ્મત કે ઇલ્મે મસ્બુબની હકીકત લખે ! તરતજ અલ્લાહની બારગાહમાં હાથ ઊંચા કરીને માફી માગી અને કલમ સાથે વાયદો કર્યો કે ઇલ્મે મસબુબ માટે એ જ લખાશે જે પવિત્ર ઇમામો એ કહ્યું છે. આવો ! જોઇએ કે હઝરત વલી અસ્ર (અ.સ.) ના ઇલ્મને ઝીયારતોમાં હદીસોમાં અને દોઆઓમાં કેવી રીતે યાદ કરવામાં આવ્યું છે. (વાંચકોને વિનંતી છે કે ખૂબ ધ્યાનપૂર્વક વાંચો)
السَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ كَنْزِ الْعُلُومِ الْإِلَهِيَّة
સલામ થાય આપ ઉપર હે ખુદાના ઇલ્મોના ખજાના
(મિસ્બાહુલ ઝાએર પા. 437, બેહાર, 102/226)
السَّلَامُ عَلَيْكَ يَا مَعْدِنَ الْعُلُومِ النَّبَوِيَّةِ
સલામ થાય આપ ઉપર પયગમ્બરના ઇલ્મોનાં ખજાના અને ખાણ.
(બેહાર, 102/117)
اِنَّکَ حَائزُ کُلِّ علمٍ
ખરેખર આપ દરેક ઇલ્મ અને બુદ્ધિના સંગ્રહ છો.
(બેહાર, 99/102, મીસ્બાહુઝ ઝાએર, પા. 437)
اِنَّکَ خَارِنُ کُلِّ عِلْمِ وَ فَاتِقُ کُلِّ رَتقٍ
યકીનથી આપ દરે ઇલ્મ અને બુદ્ધિના ખઝાનેદાર છો અને દરેક બંધન (અર્થાત ઇલ્મની ગાંઠ) ને ખોલનારા છે.
(મફાતીહુલ જીનાન, ઝીયારતે સાહેબુલ અમ્ર, બીજી ઝીયારત, પા. 961)
السَّلَامُ عَلَى الْحَقِّ الْجَدِيدِ وَ الْعَالِمِ الَّذِي عِلْمُهٗ لَا يَبِيدُ
સલામ થાય નવા હક ઉપર (નવા હકનો અર્થ એ છે કે ઇમામે ઝમાના (અ.સ.) હકની કાયાપલટ કરશે અને નવેસરથી રચના કરશે કારણ કે આપના ઝુહુરની પહેલા હક કહેવું ઓળખવાને પાત્ર ન હશે.) અને (સલામ થાય) તે આલીમ ઉપર જેનું ઇલ્મ કદી પણ નાશ નહિ પામે.
(બેહાર, 102/228)
દોઆએ નુદબામાં આપણે પડીએ છીએ اَيْنَ اعلاَم الدِّين وَ قَوَاعِدُ العِلْمِ ક્યાં છે દીનના પરચમ અને ઇલ્મની બુનિયાદ. અને આ દોઆમાં ખુદ હઝરતને આ રીતે સંબોધન કરીએ છીએ. يَابْنَ العُلُومِ الْکَامِلۃ એ પરિપૂર્ણ ઇલ્મ અને હિકમતના ફરઝન્દ.
ઇમામ બાકિર (અ.સ.) ફરમાવે છે :
إِنَّ الْعِلْمَ بِكِتَابِ اللَّهِ عَزَّ وَ جَلَّ وَ سُنَّةِ نَبِيِّهِ ص يَنْبُتُ فِي قَلْبِ مَهْدِيِّنَا كَمَا يَنْبُتُ الزَّرْعُ عَنْ أَحْسَنِ نَبَاتِه‏
જે રિવાયતો અમે અહિં રજુ કરી છે તે માત્ર થોડાં નૂમનાઓ છે, ઇલ્મે મસબુબના બારામાં, અને એ એવી રીતે છે, જેવી રીતે કોઇ કાંઠે ઊભો રહીને દરિયાની વિશાળતા જોઇને મુગ્ઘ બની જાય. હજી આ માટીની જમીનને નવજીવનનો સંદેશો નથી મળ્યો. હજી પ્રકાશમય પ્રભાતનો ઉદય નથી થયો. હજી ઇલ્મે મસબુબના માલિકની સામે તેમના એ ખાસ અસહાબો નથી આવ્યા જે આપની હકુમતની વ્યવસ્થા ગોઠવનાર હશે. જેની ઉપર આપનું ખાસ ધ્યાન હશે. તેથી આ ઇલ્મના ઝરણાઓ આપની પાક અને પવિત્ર ગુણો ઘરાવતી હસ્તીમાં મોહર બંધ છે. એ ઇલ્મ જે ઝાતમાંજ નૂર હોય એ એની (ઝાતની) સમજની બહાર છે જે ઝાતમાંજ અંધકાર હોય. અને એટલું ઉચ્ચસ્થાન ધરાવે છે કે વિચાર શક્તિનાં અશ્ર્વો પણ ત્યાં સુધી ઉડી નથી શકતા. ખરેખર આપના ઇલ્મની કલ્પના કરવી પણ આપણા માટે અશક્ય છે. જરા વિચાર કરો એક લાખ ચોવીસ હજાર નબીઓ અને રસુલો આવ્યા અને તે સૌએ અલ્લાહના ઇલ્મના માત્ર બે અક્ષરોને ખોલી શક્યા અને જ્યારે હઝરત વલી અસ્ર (અ.સ.) આવશે ત્યારે બીજા 25 અક્ષરો વધુ રજુ કરશે. સુબ્હાનલ્લાહુલ અઝીઝુલ જબ્બાર ! સર્વ પ્રસંશા તે મહાન સર્જનહારની છે. તે સર્વશક્તિમાન અલ્લાહની છે. તે પેદા કરનારની છે જેણે પોતાના નૂરથી પોતાના વલીને પેદા કર્યા અને જેની નુરાની જાતથી જમીન અને આસમાનમાં પ્રકાશ ફેલાએલા છે. આપણે તો તેમના વ્યક્તિગત ગુણ અને વિશેષતાઓના વિચાર અને એહસાસ કરવાથી પણ લાચાર છીએ. તેથી નિખાલસ દિલથી પોતાના અસ્તિત્વના તમામ વિચારો, દ્રષ્ટિ અને શક્તિને સમેટીને આ અવાજ આપી રહ્યા છીએ:
السلام عليک اَيُّھَا الْعَلَمُ الْمَنصُوبُ وَ الْعِلْمُ الْمَصْبُوبُ
ધ્યાન આપવાને પાત્ર એ છે કે જે ઇલ્મ અગાઉના નબીઓ લાવ્યા હતા, તેમણે પોતાના પૂરા ઇલ્મની પણ પોતાની ઉમ્મતના સામે જાહેરાત કરી ન હતી અને ઘણું છુપું રાખ્યું જેને જાહેર કરવાનું માત્ર ખાસ વ્યક્તિઓ માટે નક્કી કરેલું હતું. તેથી રિવાયતોમાં મળે છે કે રસુલે અકરમ (સ.અ.વ.) એ ક્યારે પણ અસહાબોની સાથે પોતાની દિર્ધ અક્કલથી વાતચીત નથી કરી. આ દીર્ધ અને ઉંડાણ માત્ર મઅસુમ ઇમામો (અ.સ.) ની પવિત્ર જાતની પાસે મૌજુદ છે. આને જ કહે છે ઉચ્ચ મરતબો ધરાવતા ઇસ્લામના પયગમ્બરની છાતીમાં અલ્લાહના જે ભેદો અને રહસ્યો હતા, તે એક છાતીથી બીજી છાતી થકી અંતિમ વારસદાર સુધી તબદીલ થતા રહ્યા. પરંતુ ઇમામે ઝમાના (અ.સ.) ની ગયબતે કુબરામાં બાતીલ ઇલ્મનું જોર વધતુ ગયું. ઇમામ પોતાની જવાબદારીઓને એ જ બે અક્ષરોના ઇલ્મથી પૂરી કરી રહ્યા છે. આ જ કારણ છે કે જ્યારે એક ટીપાં ઇલ્મથી મોહમ્મદ બીન મોહમ્મદ બીન નોઅમાનને નવાજે છે, ત્યારે તે તેનાથી લાભ ઉપાડે છે. શરીઅતનો લાભકર્તા, એક જાં-બાઝ, ક્યારેક એક બિન્દુ સય્યદ રઝીયુદ્દીન બીન તાઉસ ઉપર નાખે છે, તો તે દોઆ અને ઝીયારતના રક્ષણહાર બની જાય છે. ક્યારેક હસન બીન યુસુફ બીન મોતહહરને તૃપ્ત કરે છે, તો તે અલ્લામા હિલ્લી થઇ જાય છે. ક્યારેક અહમદ બની મોહમ્મદ અલફીના મુબારક કાનમાં કાંઇક કહે છે તો તે આયતે ફીકહ વ બસીરતે મુકદ્દસે અરદેબેલી બની જાય છે. તેવી જ રીતે દરેક યુગમાં થોડી એવી વ્યક્તિઓ છે, જેઓને ઇલ્મે મસબુબના માલીકે એક મામુલી બિન્દુથી નવાજ્યા અને તેઓએ ઉચ્ચસ્થાનોથી ઇલ્મના તારાઓને તોડી લીધા. તેથી, હક તઆલા તેની હુજ્જતને ઇલ્મથી નવાજે છે. એટલે કે અલ્લાહ = સાબ્બ صابّ (ઇલ્મના ધોધ વરસાવવાવાળો છે) અને ઇમામ = મસબુબ છે. ખુદ ઇમામે ઝમાના (અ.સ.) લોકોને આ ઇલ્મમાંથી જ્યારે થોડાં બિન્દુ આપે છે અને આપશે ત્યારે ઇન્શાઅલ્લાહ તે સમયે ઇમામ = સાબ્બ ઇલ્મનો ધોધ વરસાવવાવાળા હશે. અને આલીમો = મસબુબ. કદાચ ઇલ્મુલ મસબુબનો અર્થ અને મતલબની થોડી સમજણ થઇ ગઇ હશે.
અહિં ત્રીજો મહત્વનો મુદ્દો એ છે કે આ ઈલ્મ પ્રત્યેની આપણી ફરજ એ છે કે આપણે હંમેશા અહલેબય્તના દરવાજા ઉપર સંપૂર્ણ નમ્રતાની સાથે દોઆ માટે હાથ ઉંચા કરીએ અને જીભ ઉપર આ વાક્ય સતત બોલતા રહીએ. “મવલા અમે ઇલ્મ અને હિકમત માત્ર આપના પાસે જ માગીએ છીએ. બીજા કોઇ પાસે નહિ. આ ઉપરાંત આપણા અમલથી પણ પુરી કોશીશ કરવી જોઇએ કે બીજા કોઇની સામે હાથ લાંબો ન કરીએ.
(13) وَالْعوْثُ
અરબી ભાષામાં غوث મૂળરૂપ છે. અને તેનો અર્થ મદદ કરવી, રક્ષણ આપવુ, સહારો આપવો, ફરિયાદ દૂર કરવી થાય છે. દોઆઓ અને ઝીયારતોમાં غوث અને غياث શબ્દ ખુદા તઆલાના એક સાથે લેવાતા નામ તરીકે ઘણી જગ્યાઓએ ઉપયોગ કર્યો છે. દા.ત.

يَا عياث الْمُسْتَغِيْثِيْنَ
يَا غياث مَنْ لَا غَيَاثَ لَهٗ يَا غِيَاثِيْ عِنْدَ کُرْبَتِيْ
(જવશને કબીર, 11,14 અને 28)
પહેલા તબક્કામાં મૂળ અને સાચી عوث (રક્ષણની જગ્યા) ખુદ અલ્લાહ તઆલા છે. પરંતુ તેના વલીઓ, જેવી રીતે બીજા ગુણોમાં તેના સંપૂર્ણતા ગુણોની જાહેર થવાની જગ્યા અને પ્રતિબિંબ છે, તેવી જ રીતે રક્ષણ આપવામાં અને ફરિયાદ દૂર કરવામાં પણ તેમનું પૂરેપુરૂં પ્રતિબિંબ છે. તેથી આપણે તે જોઇએ છીએ કે દોઆઓમાં અને ઝીયારતોમાં આપણા મઅસુમ ઇમામો (અ.સ.) ને રક્ષણ આપનારના લકબથી યાદ કરવામાં આવ્યા છે.
દાખલા તરીકે 17 રબીઉલ અવ્વલની ઝીયારત અમીરૂલ મોઅમેનીનની ઝીયારત જે સાદિકે આલે મોહમ્મદ ઇમામ સાદિક (અ.સ.) એ નકલ કરી છે. આ ઝીયારતમાં આપણે હઝરત અલી (અ.સ.) ને આ રીતે સલામ કરીએ છીએ.
السلام عليک يَا غِياثَ الْمَکْرُوْبِيْنَ
(બેહાર, ભાગ – 100, પા. 375, મફાતી (ઉર્દૂ) પા. 537)
આ તે ઝીયારત છે જેની તાલીમ ઇમામ સાદિક (અ.સ.) એ પોતાના વિશ્ર્વાસપાત્ર સહાબી મોહમ્મદ બીન મુસ્લિમને આપી હતી.
સય્યદુશ્શોહદા ઇમામ હુસયન (અ.સ.) માટે પણ આ ગુણ દર્શાવી શકાય. શહાદત પછી આપની અહલેબયત ઉપર ગુજરનાર અત્યાચારો વિષે રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું :
وَ أَمَّا الْحُسَيْنُ ع فَإِنَّهُ مِنِّي وَ هُوَ ابْنِي وَ وَلَدِي
(અને હુસયન મોહમ્મદથી છે. અને તે મારો પુત્ર છે. અને ફરિયાદ કરનારાની ફરિયાદને દૂર કરનાર છે.)
(બેહાર, ભાગ – 28, પા. 39, આ’માલી સદ્દુક, પા. 101- મજલીસ -24)
આવી જ રીતે બીજા ઇમામો માટે પણ આ ગુણને દર્શાવવામાં આવેલ છે. ઇમામ સાદિક (અ.સ.) પોતાના પૌત્ર તખ્ત નશીન સુલ્તાન હઝરત ઇમામ અબુલ હસન અરરેઝા (અ.સ.) ના બારામાં ફરમાવે છે.
يُخْرِجُ اللّٰهُ مِنْهٗ غَوْثَ ھٰذِهٖ الْاُمَّۃِ وَ غِيَاثَھَا
એટલે ખુદાવન્દે આલમ મારા આ પુત્ર મુસા અલકાઝીમથી આ ઉમ્મતની ફરિયાદને દૂર કરનારાને જાહેર કરશે.
(ઓયુનીલ અખબાર અરરઝ, ભાગ – 1, પા. 23)
ઝીયારતે જવાદીયામાં પણ આપણને મળે છે
اَلسَّلاَم عَليٰ غَوْثِ اللَّھْفَانِ
સલામ થાય. દુ:ખી લોકોના રક્ષણની જગ્યા.
(બેહાર, ભાગ – 102, પા. 53)
આવી જ રીતે આપણા ઇમામ, હઝરત અબા સાલેહ અલ મહદી (અ.સ.) ને આપના માનનીય દાદા હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) એ આ પ્રકારના ગુણથી શણગાર્યા છે. અહિં આપણી ધાર્મિક ફરજ એ થાય છે કે આપણી પરેશાની ગમે તે પ્રકારની હોય, નાની હોય કે મોટી, દીની હોય કે દુન્યવી, વ્યક્તિગત હોય કે સામૂહિક, આપણે માત્ર અને માત્ર ઇમામે ઝમાના (અ.સ.) પાસેથી માગવું જોઇએ. અને દુનિયાના બાકીના પીરો અને બાબાઓ ઉપર ધ્યાન આપવું ન જોઇએ. ખુદાની તરફથી આટલી મહાન શરણ મેળવવાની જગ્યા હોવા પછી બીજા કોઇના દરવાજે હાજત માગવી તે મોહબ્બત અને વિલાયતની વિરૂદ્ધ છે.
માંગણીનું સ્વરૂપ
જો આપણે ઇમામ (અ.સ) પાસેથી મદદ માંગવી હોય તો કેવી રીતે માંગવી તેવો પ્રશ્ર્ન મોટા ભાગના લોકોના મનમાં પેદા થાય છે.
પ્રથમ :
જો આપણે દિલના ઉંડાણમાંથી આપણા ઇમામને પોકારીએ, તો પછી ગમે તે ભાષામાં પોકારીએ, તો તે વિશ્ર્વાસપૂર્વક આપણી ફરિયાદને સાંભળશે.
બીજું :
મઅસુમોએ દોઆઓ અને ઝીયારતોમાં માગવાની રીત શીખવાડી છે. અહિં ટૂંકાણમાં થોડા વાક્યો રજુ કરીએ છીએ. જે માનનીય વાંચકો યાદ કરી શકે છે. અને પોતાની દોઆઓમાં ઉમેરી શકે છે.
يَا صَاحِبَ الزَّمَانِ اَغْثْنِيْ يَا صَاحِبَ الزَّمَانِ اَدْرِکْنِي يَا مُحَمَّدُ يَا عَلِيُّ يَا فَاطِمَۃُ يَا صَاحِبَ الزَّمَان اَدْرکْنِي وَ لاَ تُھْلِکْنِي يَا اَبَا القَاسِمِ اَغِثْنِي بَا اَبَا صَالِحِ الْمَھْدِي اَدْرِکْنِي ادْرِکْنِيْ وَلاَ تَدَعْنِي فَاِنِّيْ ذَلِيْلٌ عَاجِزٌ يَا مَوْعُوْدَ الْمُنْتظَرُ اُنْظُرْ اِلٰي الْمُحْتَضَرِ- الْمُسْتَغَاثُ بِکَ يَا صَاحب الزَّمَانِ-
ત્રીજું
ઇમામે ઝમાના (અ.સ.) અલયહિસ્સલામ પાસે માગણી કરવા માટે કોઇ ખાસ સમય કે સંખ્યા નક્કી કરવામાં નથી આવી. તેથી જ્યારે પણ આપણું દિલ ચાહે અથવા જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે આ વાક્યોથી માગણી કરી શકીએ છીએ. દરેક સમય યોગ્ય છે. દિવસ, રાત, દરરોજ, દર મહિને, વિગેરે
(14) وَ الرَّحْمَۃُ الْوَاسِعَۃُ
(સલામ થાય આપ ઉપર એ વિશાળ રહેમતવાળા)
આયતો અને રિવાયતો ઉપર એક ઉડતી નજર નાખવાથી જણાઇ આવે છે કે આ વિશાળ રહેમતની આ ઇબાદતનો ઉપયોગ માત્ર અલ્લાહ માટે જ કરવામાં આવ્યો છે.
فَقُلْ رَّبُّکُمْ ذُوْ رَحْمَۃٍ وَّاسِعَۃٍ۰
(સુરએ અન્આમ : 127)
અને (એ રસુલ !) કહી દો કે તમારો પરવરદિગાર વિશાળ રહેમતનો માલિક છે.
અસ્રની નમાઝની તઅકીબાત, જે હઝરત ફાતેમા સલામુલ્લાહે અલયહાએ સૂચવી છે, તેમાં આપણે પઢીએ છીએ :
اَللَّهُمَّ ذَا الرَّحْمَةِ الْوَاسِعَةِ
અને દોઆએ કોમૈલની શરૂઆતમાં આ રીતે સવાલ કરીએ છીએ.
اَللّٰھُمَّ اِنّي اَسْئَلُکَ بَرَحْمَتِکَ الَّتِيْ وَ سِعَتْ کُلَّ شَئيٍ
હક તઆલાની જાત પછી આ પ્રસંશા માત્ર ઇમામે ઝમાના અજ્જલલ્લાહો તઆલા ફરજહના માટે છે.
તદુપરાંત, પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) ના માટે કુરઆને મજીદે એલાન કર્યું છે.
وَ مَا اَرْسَلْنٰکَ اِلاَّ رَحْمَۃً لِلْعَالَمِيْنَ
અને બિલ્કુલ આવું જ લખાણ આપના છેલ્લા ફરઝન્દ હઝરત મહદી (અ.સ.) ના માટે હદીસે લવ્હમાં છે.
وَ اُکْمِّلُ ذٰلِکَ بِابْنِهٖ م – ح – م – د رَحْمَۃً لِلْعَالَمِيْنَ
(કમાલુદ્દીન, પ્ર. 28, હ. – 1, પા. 31)
અને હું (એટલે ખુદાવન્દે આલમ) ઇમામતના સિલસિલાને તેમની (એટલે ઇમામ હસન અસ્કરી અ.સ.) ના ફરઝન્દ ‘મ-હ-મ-દ’ થી પુરૂં કરીશ જે દુનિયાઓને માટે રહેમત છે.
આપને ‘વિશાળ રહેમત’ કહેવામાં આવ્યા છે, કારણ કે જ્યારે આપ પધારશે ત્યારે દુનિયામાં કોઇ એવી વ્યક્તિ બાકી રહી નહિ હોય કે જે ઇમાન ન લાવી હોય. આ અર્થનો વિસ્તાર કરતાં ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે ઝુહુરની પછી જ્યારે મક્કાવાસીઓ ઇમામે ઝમાના (અ.સ.) એ નિમણુંક કરેલ બે પ્રતિનિધિઓને એક પછી એક કતલ કરશે ત્યારે ત્રીજી વખત ઇમામ (અ.સ.) પોતાની ફોજને આ સંદેશા સાથે રવાના કરશે, જાવ અને તેઓમાંના કોઇ એકને પણ બાકી ન રાખતા, સિવાય એ કે તેઓ ઇમાન લાવે કારણ કે જો તમારા પરવરદિગારની રહેમત દરેક વસ્તુને ઘેરેલી છે તો હું તે રહેમત છું. યકીનથી હું પણ તમારી સાથે તેઓની તરફ પાછો ફરતે જેથી તેઓની અને અલ્લાહની વચ્ચે અને મારી અને તેઓની વચ્ચે કોઇપણ બહાનું બાકી ન રહે. (બેહાર, ભાગ – 53, પા. 11)
આપે જોયું ઇમામ (અ.સ.) એ પોતાની ઓળખ આ રીતે અલ્લાહ ની રહેમતથી ઘેરાએલાની હયસીયતથી કરાવી અને તેનું કારણ પણ કહ્યું.
(15) وَعْدًا غَيْرَ مَکْذُوْبٍ
આ લખાણનો અર્થ અહિં નથી લખતાં કારણ કે તેની પહેલાં
السلام عليک يا وَعد اللّٰه الَّذِي ضَمِنَه
માં જે કાંઇ અમે લખ્યું છે પુરતું ગણીએ છીએ.
હવે તેની પછી આ ઝીયારતમાં સલામના આઠ વાક્યો છે. જે એક બીજા સાથે જોડાએલા અને સંલગ્ન છે. અને જે શબ્દ તેને જોડે છે તે છે حِيْنَ અરબી ભાષામાં حِيْنَ શબ્દ કાળની (સમય) નિશાની છે એટલે ‘જે તે સમયે’ તેથી આ વાક્યોમાં જ્યારે આપણે ઇમામે ઝમાના (અ.સ.) ને સલામ કરીએ છીએ ત્યારે તે સમયને નજરમાં રાખીને સંબોધન કરીએ છીએ કે જેમાં આપ જીવન પસાર કરી રહ્યા છે.
(16) السلام عليک حين تَقُوْمُ
(17) السلام عليک حين تَقْعُدُ
સલામ થાય આપ ઉપર જ્યારે આપ ઊભા થાઓ છો અથવા ઊભા રહો છો. સલામ થાય આપ ઉપર જે સમયે આપ બેસો છો. (આ વાક્યમાં અને બાકીના છ વાક્યોમાં જે અગત્યની વાત છે તે એ છે કે તેમાં જેટલા કાર્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે બધા વર્તમાન અને ભવિષ્યના મૂળરૂપમાં છે.) تَقُوْمُ એટલે ઊભું થવું અને تَقْعُدُ એટલે બેસવું. શક્ય છે કે અહિં قيام અને قعود (ઊભું થવું અને બેસવુંનો સાંકેતીક સૂચન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોય. જેવી રીત નબી (સ.અ.વ.) ની આ હદીસમાં કહેવામાં આવ્યું છે :
الْحَسَنُ وَ الْحُسَيْنُ إِمَامَانِ قَامَا أَوْ قَعَدَا
એટલે હસન અને હુસયન (અ.સ.) બન્ને ઇમામ અને પેશ્ર્વા છે જુએ તો તેઓ ઊભા રહે કે બેસી રહે.
(એલલુશ્શરાએઅ,હ. – 2,પ્ર. 159, પા. 211)
અહિ قيام નો અર્થ પોતાના હકો મેળવવા માટે જંગ કરવાનો છે. અને قعود નો અર્થ થાય છે કે સંજોગોને આધિન સુલેહ કરવી અને પોતાના હકો માટે આગ્રહ ન સેવવો. આ માત્ર એટલા માટે કે આવા સંજોગોમાં લડાઇ ઝઘડા ઇસ્લામ અને મુસલમાનોના પક્ષે ફાયદાકારક નથી. આ અર્થોને ધ્યાનમાં રાખીને અમે ઉપરોક્ત દર્શાવેલ વાક્યોનો તરજુમો આ રીતે કરી શકીએ છીએ. “સલામ થાય આપ ઉપર એ ઇમામે અસ્ર (અ.સ.) જ્યારે આપ ઝુહુરના માટે ઊભા થશો (અને) સલામ થાય આપ ઉપર જે સમયે આપ ગયબતના પરદામાં બેઠા છો અને ધીરજની કસોટીમાંથી પસાર થઇને પોતાના ઝુહુરમાં ઝડપ કરવા માટે દોઆ કરો છો.
(18) السلام عليک حين تَقْرئُ وَ تُبَيِّنُ
સલામ થાય આપ ઉપર જે સમયે આપ (કુરઆને પાકની) કીરઅત કરી રહ્યા છો અને (તેની તફસીર) બયાન ફરમાવી રહ્યા છો.
અરબી ભાષાના નિયમ મુજબ قَرَئَ يَقْرَئُ ક્રિયાપદ છે, એટલે જે તે ક્રિયા કરવામાં આવી રહી હોય. જ્યારે તમે કહો, તે વાંચી રહ્યો છે તો એ સવાલ પણ થશે કે શું વાંચી રહ્યો છે? સામાન્ય રીતે આલીમોએ આ વાક્યમાં ‘તકરઓ’નો અર્થ કુરઆને કરીમની કિરઅત લીધો છે. પરંતુ આ માત્ર એક ધારણા છે. શક્ય છે કે ઇમામે ઝમાના (અ.સ.) પોતાના માનનીય દાદા અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની કિતાબે જામેઆની કિરઅત કરી રહ્યા હોય. અથવા શક્ય છે આપ પોતાના મઝલુમા વાલેદાહ, હઝરતે ઝહરા સલામુલ્લાહે અલયહાના સહીફાઓ ઉપર નજર ફેરવી રહ્યા હોય અથવા શક્ય છે કે આપ જફરની કિતાબને જોઇ રહ્યા હોય.
ટૂંકમાં આ લખાણ અને તેના ખુલાસઓને ધ્યાન રાખીને આપણા ઇમામે ઝમાના (અ.સ.) ઉપર તે સમયે સલામ થાય જ્યારે આપ કિતાબ વાંચી રહ્યા હોય અને આપની મુબારક જીભ ઉપર તેનું બયાન ચાલુ હોય.
હવે અહિં એક બીજો સવાલએ પેદા થાય છે કે કોની સાથે ચર્ચા કરી રહ્યા છે ? કોણ છે તે ખુશનસીબ વ્યક્તિઓ જેઓને ઇમામે ઝમાના (અ.સ.) કિતાબોની સમજણ અને અર્થ સમજાવી રહ્યા છે ?
માનનીય વિદ્વાન મરહુબ ઇબ્ને અબી ઝયનબ મોહમ્મદ બીન ઇબ્રાહીમ નોઅમાનીએ પોતાની અમુલ્ય કિતાબ ‘ગયબત’માં ઇમામ સાદિક (અ.સ.) થી એક હદીસ નકલ કરી છે જે કેટલાક અંશે આ સવાલનો જવાબ આપે છે.
لَا بُدَّ لِصَاحِبِ هَذَا الْأَمْرِ مِنْ غَيْبَةٍ وَ لَا بُدَّ لَهُ فِي غَيْبَتِهِ مِنْ عُزْلَةٍ وَ نِعْمَ الْمَنْزِلُ طَيْبَةُ وَ مَا بِثَلَاثِينَ مِنْ وَحْشَةٍ
(ગયબતે નોઅમાની,પા.188, કાફી, ભા.1, પા.340, બેહાર, 52/153)
આ હુકમના માલિક (એટલે ઇમામે ઝમાના અ.સ.) ના માટે ગયબત ફરજિયાત છે. અને આ ગયબત દરમ્યાન આપનું એકાંત અને જુદાઇ પણ ફરજિયત અને જરૂરી છે. (ગયબતના આ સમય દરમિયાન) કેટલું સુંદર સ્થાન છે મદીના, અને આપ 30 વ્યક્તિઓના કારણે ગભરામણ અન એકાકીપણાનો શિકાર નથી થતાં (આ 30 વ્યક્તિઓ ખાસ વ્યક્તિઓ છે, જે હર ઘડી અને હરપળે આપના દરવાજા ઉપર રોકાએલા છે અને આપના પવિત્ર અસ્તિત્વના પરવાના છે.) શક્ય છે કે ગયબતના આ ફિત્ના ફસાદથી ભરપૂર સમયગાળામાં ઇમામે અસ્ર (અ.સ.) પોતાના ખાસ અસહાબોના માટે કોઇ કલાસની ગોઠવણ કરતા હોય અને તેમના કાર્યક્રમાં આપ તેઓને દીનના નવા નવા ઝીણવટભર્યા મસઅલાઓથી માહિતગાર કરી રહ્યા હોય ? કાશ…. !
માત્ર ચિત્ર જ પુરતુ છે કે આંખો ભરાઇ આવે છે દોઆ માટે હાથ ઉંચા થાય છે. દિલ ભરાઇ આવે છે. આંસુ વહેવા લાગે છે. આક્રંદ અને રૂદન શરૂ થઇ જાય છે. “ક્યાં છે, ક્યાં છે, ના અવાજો બુલંદ થાય છે. દિલ પણ ખુનના આંસુથી રડવા લાગે છે અને પોતાના ઉંડાણમાંથી પોતાના ઇમામ (અ.સ.) તરફ ધ્યાન આપે છે. અને દોઆએ અરફાના આ વાક્યને દોહરાવે છે.
أَنَا الْجَاهِلُ فِي عِلْمِي فَكَيْفَ لَا أَكُونُ جَهُولًا فِي جَهْلِي
(બેહાર 98/225, મફાતી અઅમાલે રોઝે અરફા દોઆએ ઇ. હુસયન અ.સ.)
જ્યારે હું મારા જ્ઞાનમા અજ્ઞાત છું પછી મારી અજ્ઞાનતામાં કેવી રીતે જાહીલ ન હોઉ ? મવલા ! જો એક મોઅલ્લીમ પોતાના ક્લાસમાં પોતાના વિદ્યાર્થીને એક વખત આવવાથી રોકી લે છે તો વિદ્યાર્થી બેચેન બની જાય છે તડપવા લાગે છે. મવલા ! અમે એ કારણે તડપી રહ્યા છીએ કે આપ એક વખત આપના ક્લાસમાં અમને આમંત્રણ આપો ! બારે ઇલાહા ! ઇમામે ઝમાના (અ.સ.) ના ઝુહુરમાં ઝડપ કર કે અમને એ લાભ મળે કે આપના દર્સમાં હાજરી આપી આપના વિશાળ ઇલ્મનાં દરીયાનાં થોડાક ટીપાઓ તો નહી પણ થોડીક એ દરીયાના ફીણની નમી (તરી) નો લાભ લઇ શકીએ.
(19) السلام عليک حين تُصَلِّي وَ تَقْنُتْ
સલામ થાય આપ ઉપર જ્યારે આપનમાઝ પડી રહ્યા હો અને કુનુતમાં દોઆ માગી રહ્યા હો.
صلوۃ નો ડીક્ષનરીમાં અર્થ છે, દોઆ અને તસ્બીહ. પરંતુ ખાસ અર્થમાં વાસ્તવમાં તેનો મતલબ નમાઝ છે, જે શરીઅતે આપણા ઉપર વાજીબ કરી છે. (અથવા મુસ્તહબ છે.) તેવી જ રીતે કુનુતનો ડીક્ષનરીનો અર્થ છે ખુદાની બારગાહમાં તાબેદારી અને બંદગી કરવી પરંતુ વાસ્તવિક અર્થમાં નમાઝમાં દોઆ માગવાને કુનુત કહે છે.
આ સલામમાં આપણે વલી અસ્ર અજલલ્લાહો તઆલા ફરજહુના પવિત્ર અસ્તિત્વને બે શિર્ષકથી સલામ કરીએ છીએ. એક નમાઝ અને બીજુ કુનુત. ખરેખર આપણને શું ખબર કે આપની નમાઝ કેવી છે અને કુનુત કેવું છે. બસ આટલું કહેવું પુરતું થઇ પડશે કે અલી (અ.સ.) ના સંતાનની નમાઝ અને કુનુત અલી (અ.સ.) ના જેવા જ હશે. બીજા શબ્દોમાં કહીએ તો આપની નમાઝ અને ઇબાદત બન્ને પરવરદિગારે આલમની મરજી મુજબ હશે.
આપણી બધી આશાઓ એ દિવસ સાથે સંકળાએલી છે, જ્યારે આપ ઝુહુર ફરમાવશે અને આ નમાઝ અને કુનુતની હકીકત અને રૂહાનિય્યત પ્રકાશમાં આવશે ! માત્ર આપણે જ નથી જે આ દિવસની બેચેનીથી રાહ જોઇ રહ્યા છીએ, બલ્કે ઇસા બીન મરયમ (અ.સ.) પણ બેહદ આતુરતાની સાથે આ દિવસની રાહ જોનારામાંથી છે, જ્યારે તેમને આ સન્માન પ્રાપ્ત થશે કે ઝહેરા (અ.સ.) ના લાડકવાયાની સરદારી અને ઇમામતમાં નમાઝ અદા કરે.
મશહુર સુન્ની હદીસકાર અલ્લામા મુત્તકી હિન્દીએ એક હદીસ નકલ કરી છે કે રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું કે ઝુહુરની પછી મહદી (અ.સ.) ઇસા (અ.સ.)ની તરફ ધ્યાન આપીને કહેશે આગળ આવીને ઇમામત કરો. ઇસા (અ.સ.) જવાબ આપશે, આ નમાઝ માત્ર આપના જ માટે યોજવામાં આવી છે. પછી ઇસા (અ.સ.) મારા પુત્રની ઇમામતમાં નમાઝ પડશે.
(અલ બુરહાન ફી અલામતે મહદી આખેરૂઝઝમાન, પા. 160)
કુરઆને કરીમની આ આયતે શરીફા :
اَمَّنْ یُّجِیْبُ الْمُضْطَرَّ اِذَا دَعَاہٗ وَیَکْشِفُ السُّوْۗءَ
(સુરએ નમ્લ : આયત -62)
ની હેઠળ ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે : “આ આયત આલે મોહમ્મદ (સ.અ.વ.) ના કાએમ (અ.સ.) ની શાનમાં નાઝીલ થઇ છે. ખુદાની કસમ આપ જ તે તકલીફમાં આવી પડેલી વ્યક્તિ مضطر છો કે જયારે આપ મકામે ઇબ્રાહીમ ઉપર બે રકાત નમાઝ અદા કરશો અને અલ્લાહ તઆલા પાસે માગશો ખુદાવન્દ આપની દોઆને સ્વિકારી લેશે અને આપની તકલીફોને દૂર કરશે અને આપની દુનિયામાં ખલીફા તરીકે નિમણૂંક કરશે.
(તફસીર અલી બીન ઇબ્રાહીમે કુમ્મી, ભાગ – 2, પા. 129)
આ નમાઝ, મજબુરીની નમાઝ હશે જે તે મજબુર અદા કરશે અને જેના પછી આપને લડાઇ કરવાનો હુકમ આપવામાં આવશે અને ફરમાન આ રીતે જાહેર થશે. “એ અલ્લાહના વલી! કયામ કરો (ઊભા થાવ) અને અલ્લાહના દુશ્મનોથી બદલો લો.
જ્યાં સુધી આપની કુનુતનો સંબંધ છે, ત્યાં સુધી તો દોઆઓની કિતાબોમાં આપને લગતી કુનુતની એક ખાસ દોઆ આવેલી છે. જે લોકોએ આ દોઆને જોવી હોય તેઓએ નીચે દર્શાવેલ કિતાબોની તરફ રજુ કરી શકે છે.
(1) મહજુદ્દઅવાત, પા. 67
(2) અલ – બલદુલ અમીન, પા. 569
(3) બેહારૂલ અન્વાર, ભાગ – 85, પા. 2333
(ક્રમશ 🙂

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *