દુનિયાની શાંતિનો એક માત્ર માર્ગ

Print Friendly, PDF & Email

દુનિયા ફરી પોતાના કરતૂતોની સજા ભોગવી રહી છે. વર્તમાન સમયમાં ચારે બાજુએ અશાંતિ ફેલાએલી છે. મારા મારી, લૂટફાટ, ગભરાટ, અવિશ્ર્વાસ, રોજીની તંગી….. આ બધું ખુદ માનવીની પોતાની કરણીનું પરિણામ છે. ખુદાવન્દે આલમે કુરઆને કરીમમાં આ હકીકત તરફ અગાઉથી ધ્યાન દોર્યું છે.
“જમીન અને દરિયાની બુરાઇઓ માનવીની પોતાની કરણીનું પરિણામ છે.
(સુરએ રૂમ : 41)
આપણને એક આદત પડી ગઇ છે કે દરેક કામમાં બીજાને જવાબદાર ઠરાવી દઇએ છીએ અને આપણે ખુદ જવાબદારીમાંથી છટકી જઇએ છીએ. સવાલ એ ઊભો થયા છે કે જો બધા જવાબદારીમાંથી છટકી જાય તો જવાબદાર કોણ રહે? ખરેખર તો આપણે બધા જવાબદાર છીએ. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું છે. “તમારામાંથી દરેક જવાબદાર છે. કુરઆને કરીમમાં ફરમાવ્યું છે. “દરેકને બસ એટલી જવાબદારી આપવામાં આવી છે જેટલી તે ઉપાડી શકે છે. બલ્કે ખરેખર તો માનવી જેટલી જવાબદારી ઉપાડી શકે તેના કરતાં ઓછી જવાબદારી સોંપવામાં આવી છે. જો આખી દુનિયાની સુધારણા કરવાની આપણે શક્તિ નથી ધરાવતા તો તે આપણી જવાબદારી પણ નથી. જો એક શહેર, એક ગામ, એક શેરી, એક સોસાયટી કે એક ઘરના માટે આપણે કાંઇક કરી શકીએ છીએ તો જેટલું કરી શકતા હોઇએ બસ એટલી જ આપણી જવાબદારી છે. પરંતુ જો સંપૂર્ણ લાચાર અને મજબુર હોઇએ તો ઓછામાં ઓછુ દરેક જણ પોતાની જાત ઉપર એટલો કાબુ રાખે છે કે તે પોતાની જાત પુરતા સુધારણા માટેના પગલા ભરી શકે. જો આજથી આપણે બીજાને બદલે પોતાની જાત તરફ નજર કરીએ અને પોતાનાજ સંસ્કારો અને પવિત્રતા માટે પાકો ઇરાદો કરી લઇએ તો ધીરે ધીરે તેની અસરો દેખાવા લાગશે. આ રીતે ઘર સુધરી જશે મોહલ્લો શાંતિ અને સલામતિ ભર્યો હશે. ગામની સુધારણા થઇ જશે. શહેરમાં પરિવર્તન આવી જશે. જેમ જેમ આપણે ઝઘડામાંથી સુલેહની તરફ, ગુનાહથી તકવાની તરફ, બુરાઇથી નેકીની તરફ આગળ વધશું તેમ તેમ અસલામતિ સલામતિમાં, કત્લે આમ ભાઇચારમાં લૂટ માર અમાનત દારીમાં, અવિશ્ર્વાસમાંથી વિશ્ર્વાસમાં, તંગ રોજીમાંથી વિશાળ રોજીમાં ફેરવાઇ જશે.
જ્યારે ઝઘડાની ચર્ચા થાય છે ત્યારે સામાન્ય રીતે દિલ ગુનાહની કલ્પનાથી ભરપૂર થઇ જાય છે અને પછી જૂઠ, ગીબત, આરોપ, વાજીબાતોને છોડી દેવી, હરામ કામો કરવા, આ બધું સામે આવે છે. આ બધા સૌથી વધુ ખરાબ ગુનાહ છે. કોઇની પાસે ખુદાના હુકમોની નાફરમાની કરવા માટેનું કોઇ બહાનું નથી. આ માણસોના બનાવેલા કાયદાઓ નથી જેમાં હુશિયાર ગુનેહગાર માટે નાફરમાની કરવા માટેના ચોર દરવાજા ખુલ્લા હોય અને સત્તાધારી પક્ષ સાથેની સાંઠ ગાંઠ ધરાવતા લોકો સરપરસ્તી માટે હાજર હોય. આ તો ઇલાહી કાનૂન છે જેમાં બહાનાબાજીને કોઇ અવકાશ નથી.
જે ખુદાની નાફરમાની અને ગુનાહના કામોની ચર્ચા થઇ છે તે આપણી મુશ્કેલીઓનું કારણ છે. પરંતુ માણસની સૌથી મોટી ખરાબી, સૌથી મોટી નાફરમાની અને સૌથી મોટો ગુનોહ તે પવિત્ર હસ્તીનો ઇન્કાર છે કે જેને અલ્લાહે આ દુનિયામાં પોતાના પ્રતિનિધિ, પોતાના વલી, પોતાના ખલીફા બનાવ્યા છે. અને જેમની મોહબ્બત અને તાબેદારી દરેક ઉપર ફરજ અને વાજીબ કરવામાં આવી છે. અને કોઇપણ વ્યક્તિને પરવાનગી નથી આપવામાં આવી કે તે તેમની તાબેદારી કબુલ ન કરવાનું બહાનું રજુ કરે અને બિન જવાબદાર રહે.
હદીસે કુદસીમાં ખુદાવન્દે આલમ ઇરશાદ ફરમાવે છે :
“સૌથી મહાન તાબેદારી મારા એક હોવાનો (તૌહિદનો) એકરાર, મારા નબીનું સમર્થન કરવું અને તે લોકોને શરણે થવું કે જેમની નબીએ પોતાના પછી નિમણુંક કરી છે અને તે અલી બીન અબી તાલીબ અને તેમના વંશના પવિત્ર ઇમામો (અ.સ.) છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – 27, પાના નં. 96, હ. 59)
એક બીજી હદીસે કુદસીમાં આ રીતે છે :
“એ મોહમ્મદ! જો મારો કોઇ બંદો મારી એવી ઇબાદત કરે કે તેના ચૂરે ચૂરા થઇ જાય અથવા ઝાડની જેમ સુકાઇ જાય અને મારી બારગાહમાં તમારી વિલાયત (ઇમામત) નો ઇન્કાર કરીને આવે તો હું તેને કદાપી માફ નહિ કં સિવાય કે તે તમારી વિલાયતને સ્વિકારે.
(બેહારૂલ અન્વાર, ભાગ – 27, પાના નં. 200)
પહેલી હદીસમાં અહલેબયત (અ.સ.)ની ઇમામતના સ્વિકારને સૌથી શ્રેષ્ઠ ઇબાદત કહેવામાં આવી છે અને બીજી હદીસમાં ઇમામતના અસ્વિકારને માફી આપવાને પાત્ર ગણાવામાં આવી નથી. માત્ર વિલાયતના ઇન્કારને અક્ષમ્ય ગણવામાં આવેલ છે એટલું જ નહી પરંતુ આ ઇન્કાર તમામ આમાલોના વિનાશનું કારણ છે.
કુરઆને કરીમના સુરએ યુનુસ (અ.સ.)ની આયત 98 માં જનાબ યુનુસ (અ.સ.) ની કૌમની દાસ્તાન વર્ણવવામાં આવી છે. આ કૌમે તેના પ્રતિનિધિ જનાબ યુનુસ (અ.સ.)ની સતત અવગણના અને નાફરમાન એટલી હદ સુધી કરી હતી કે બસ તેમની ઉપર ખુદાનો અઝાબ ઉતરવાની તૈયારીમાં હતો. પરંતુ જ્યારે તે લોકોએ ખુદા પાસે સાચા દીલથી ગુનાહની માફી માગી અને નાફરમાનીથી દૂર થઇને તાબેદાર બની ગયા ત્‌યારે આવેલો અઝાબ પાછો ફરી ગયો. આ છેલ્લી ઉમ્મતની પણ બધી તકલીફો ત્યારે જ દૂર થશે જ્યારે પીરને છોડીને અહેબયત (અ.સ). ના દરવાજા ઉપર પાછા ફરશે અને જે દિવસે આ દુનિયા ખુદાવન્દે આલમે નિમણુંક કરેલા અને રસુલે ખુદા (સ.અ.વ.) એ ઓળખાવેલા ઇમામોની ઇમામતનો સ્વિકાર કરશે અને પુરેપુરી રીતે તેમના તાબેદાર બની જશે. તે દિવસે આ દુનિયાનો રંગ જ કાંઇક બીજો હશે. હદીસોની ભાષામાં તે દિવસે દુનિયા ન્યાય અને ઇન્સાફથી એ રીતે ભરાઇ જશે જે રીતે તે અન્યાય અને અત્‌યાચારથી ભરેલી હશે.
અત્યારે આપણી અગત્યની જવાબદારી એ છે કે આપણે પોતે ખુદાવન્દે આલમે નક્કી કરેલા ઇમામોની ઇમામતને સ્વિકારીએ અને તેઓના દુશ્મનો અને દુશ્મનોના કામોથી દૂર રહીએ. બીજા લોકોને આ સાચા ઇમામોની તરફ આમંત્રણ આપીએ. જેમની શરૂઆત હઝરત અલી બીન અબી તાલીબ (અ.સ.) અને જેમની અંતિમ કડી હઝરત હુજ્જત ઇબ્નીલ હસન અલ અસ્કરી (અલ્લાહ તેમના ઝુહુરમાં જલ્દી કરે) ઇમામ મહદી અલયહિસ્સલાતો વસ્સલામ છે.
1પ શઅબાન તેમનો જન્મ દિવસ છે. આ ભરપૂર ખુશીના પ્રસંગે આપ તમામ સદ્ગહસ્થોને મુબારકબાદ પેશ કરીએ છીએ. મોહમ્મદ અને આલે મોહમ્મદ અલયહેમુસ્સલામના વાસ્તાથી ખુદાની બારગાહમાં દોઆ માટે હાથો ફેલાવીને કહીએ છીએ “ખુદા આપણને સૌને જમાનાના ઇમામ અલયહસિસલામના નિખાલસ સાથીદારોમાં અને કુરબાન થનારાઓમાં ગણના કરે.
– આમીન…….

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *