જો ખુદાની હુજ્જત ન હોય…..?

Print Friendly, PDF & Email

આપણા બધા અકીદાઓને પાયો અક્કલ અને શરીઅત છે. અક્કલ અને શરીઅતનો ફેંસલો છે કે જગતના સંચાલન અને કારભારના માટે એક ‘સંપૂર્ણ ઇન્સાન’, ‘ખુદાની હુજ્જત’, ‘અક્કલથી કામ લેનારો’, ‘અક્કલથી કામ કરનારા’નું અસ્તિત્વ હોવું જરૂરી છે. જેનું અસ્તિત્વ આ સમગ્ર જગતના અસ્તિત્વ ઉપર છવાએલું હોય તે આ જગતનો હાકીમ હોય અને હુકમ આપ નાર હોય. તેનું અસ્તિત્વ બધા લોકોથી પ્રતિષ્ઠિત અને જુદો હોય. તેને બધા અસ્તિત્વો ઉપર શ્રેષ્ઠતા અને મહાનતા પ્રાપ્ત હોય. જો તેનું અસ્તિત્વ ન હોય તો આ જગતનું અસ્તિત્વ અને તેનું બાકી રહેવું મુશ્કેલ-અશક્ય છે.
ખુદાવંદે આલમ તરફથી આ જગતને જે કાઇપણ લાભ મળી રહ્યો છે : જ્ઞાન, જીવન, શક્તિ, રહમત.. બધું તેના કારણે છે. એક ઉદાહરણ આપી આ વાતને સ્પષ્ટ કરીએ છીએ.
સૂર્યના પ્રકાશથી સમગ્ર જગત પ્રકાશિત અને ઉજ્જવળ છે. જમીન, ઘર, પહાડ, દરિયો… સમગ્ર વાતાવરણ આ સૂરજના કારણે પ્રકાશિત અને ઉજ્જવળ છે. દરેક જગ્યાએ તેનો પ્રકાશ ફેલાએલો છે. તેમાંની અમુક વસ્તુઓ એવી છે જેનું અંતર સૂરજથી ઘણું ઓછું છે અને તે તેની ઘણી નજદિક છે અને અમુક વસ્તુઓ એવી છે જે સૂરજથી ઘણી વધારે દૂર છે. ત્યાં જે અજવાળું જોવા મળે છે તે આજ સૂરજનું અજવાળું છે. તેની કિરણો અને તાપ ની અસર છે. શું તેમ બની શકે છે કે સૌથી વધુ દૂર જગ્યા સૂરજના પ્રકાશથી ઉજ્જવળ હોય અને સૌથી નજદિક જગ્યા અંધારી હોય ? શું એ પણ થઇ શકે કે સૂરજનો પ્રકાશ પહેલાં સૌથી દૂરના કેન્દ્રને પ્રકાશિત અને ઉજ્જવળ કરે અને સૌથી નજદિકની જગ્યા સુધી ન પહોંચે. અક્કલ આ વાતનો સ્વિકાર નથી કરતી. અક્કલથી તે અશક્ય છે. જ્યારે સંપૂર્ણ પ્રકાશ સૂરજથી મળી રહ્યો છે અને દરેક તેના કારણે પ્રકાશિત અને ઉજ્જવળ છે તો સૌથી પહેલા તે વસ્તુને પ્રકાશિત થવું જોઇએ જે સૌથી વધુ નજદિક હોય, અને સૌથી વધુ દૂરની જગ્યાઓને પછીથી પ્રકાશિત થવું જોઇએ. બલ્કે આ પ્રકાશ સૌથી વધુ નજદિકની જગ્યાએથી ધીરે ધીરે સૌથી વધુ દૂરની જગ્યા સુધી પહોંચશે અને તબક્કાવાર વસ્તુઓ પ્રકાશિત અને ઉજ્જવળ થતી જશે. આ પ્રકાશ એક સ્થળેથી થઇને બીજા સ્થળ ઉપર પહોંચશે. જે વસ્તુ કેન્દ્રની વધુ નજદિક હશે તે સૌથી વધારે પ્રકાશિત હશે. તેમાં પ્રકાશની વિશેષતાઓ સૌથી વધુ હશે. તે કેન્દ્ર સંપૂર્ણ વિશેષતાઓનો સમૂહ હશે. ફરક માત્ર એટલો છે કે આ છે તો કેન્દ્રની તમામ વિશેષતાઓનો સંગ્રહ અને દરેક સુધી પ્રકાશ તેમાં થઇને પહોંચે છે. પરંતુ આ પ્રકાશ તેનો પોતાનો નથી. બધું આ કેન્દ્રની મહેરબાનીથી છે. બધું આ કેન્દ્રના કારણે છે.
આવી જ રીતે આખી દુનિયાને પ્રકાશિત કરનાર સૂર્ય, દિવ્યતા અને ખુદાઇથી જીવનનો પ્રકાશ, ઇલ્મનો પ્રકાશ, સલ્તનતની શક્તિ, પ્રતિષ્ઠા વિગેરે. … ટૂંકમાં બધી વિશિષ્ટતાઓના સિલસિલાના લાભથી બધા સંભવિત પદાર્થો અને સર્જનોને પ્રકાશિત કરી રહ્યો છે. બધી ખૂબીઓના લાભનો સિલસિલો બધા સંભવિત પદાર્થો અને સર્જનોને પ્રકાશિત કરી રહ્યો છે. દરેકની હકીકત આ જ ઇલાહી નુરથી પ્રકાશિત થઇ રહી છે. જેની પાસે જે પણ ખૂબીઓનો ક્રમ છે તે બધો આજ ઇલાહી નુરની મદદ છે. જ્યારે આ નુર અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે હસ્તી જેનો દરજ્જો સૌથી વધુ ઉંચો છે, જે પાક પરવરદિગારની બારગાહથી સૌથી વધુ નજદિક છે, તે નુરે સૌથી પહેલાં તેને પ્રકાશિત કર્યા. અલ્લાહના નુરની સૌથી વધુ ઉજ્જવળતાઓ આ જ હસ્તીમાં પ્રકાશિત થઇ. પછી તેમાંથી થઇને આ ક્રમ બીજા સુધી પહોંચ્યો. જો આ ન હોત તો બીજા સુધી આ સિલસિલો ન પહોંચતે. આ કારણે જેને જે કાંઇપણ મળી રહ્યું છે તે તેનાજ “વાસ્તાથી મળી રહ્યું છે.
સર્જનોનો ક્રમ :
સર્જનના દરજ્જા મુજબ માનવી પ્રાણી કરતાં ઉચ્ચતર છે. આ પ્રભાવ અને દરજ્જાની ઉચ્ચતા માત્ર સર્જનના કારણે જ નથી બલ્કે તે વિશેષતા અને ખૂબીઓના કારણે છે. જે એક સર્જનમાં છે, બીજામાં નથી. માનવી અક્કલ અને સમજશક્તિના કારણે ઉંચો છે. પ્રાણીઓ લાગણીના કારણે વનસ્પતિથી જુદા છે. એટલે કે સર્જનો પોતાની ખૂબીઓના કારણે એકબીજા ઉપર ઉચ્ચતા અને શ્રેષ્ઠતા ધરાવે છે. અલ્લાહની ભલાઇથી સૌ પ્રથમ માનવી લાભ મેળવશે. તેથી તે ખૂબીઓ સૌથી ઉંચા દરજજ્ા ઉપર રહેલી છે. તે પછી પ્રાણી, પછી વનસ્પતિ અને પછી નિર્જીવ પદાર્થો.
“હુજ્જતે ખુદા સૌથી વધુ ઉચ્ચતર :
જેવી રીતે સર્જનોમાં એકને બીજા ઉપર વિશેષતા અને અગ્રતા મળેલી છે તેવી જ રીતે માનવીઓમાં ખૂબીઓના ધોરણે વિશેષતા અને અગ્રતા છે. તેથી ખુદાવંદે આલમની કૃપા અને કમાલોથી સૌથી પહેલાં તે લાભ મેળવશે જે ખૂબીઓના ઉચ્ચ દરજ્જા ઉપર બિરાજમાન હશે. બીજા શબ્દોમાં જે વ્યક્તિમાં ઇલાહી ખૂબીઓ ભવ્ય, બુલંદ અને સૌથી ઉચ્ચતર હોય દરેકને લાભ આજ વ્યક્તિના લીધે મળશે. આ પવિત્ર વ્યક્તિને રિવાયતોમાં હુજ્જતુલ્લાહ કહેવામાં આવી છે. એક બાબત બિલ્કુલ અસંભવ છે કે સૌથી હલ્કી વ્યક્તિ ખુદાની કૃપાનો લાભ ઉઠાવી રહ્યું હોય અને કોઇ ઉચ્ચ વ્યક્તિ મૌજુદ ન હોય. તેથી દુનિયાનું અસ્તિત્વ એ કારણથી સંપૂર્ણ સ્પષ્ટ, પ્રકાશિત અને ખુલ્લી દલીલ છે. દુનિયાની ઉચ્ચ અને શરીફ વ્યક્તિ મોજુદ છે જેના “વાસ્તાથી દુનિયાની આ વ્યવસ્થા ટકી રહી છે. આ જ ઉચ્ચ અને સંપુર્ણ વ્યક્તિની ઇલ્મી સુધારણાઓમાં “કુળવાન શક્તિ અથવા “સંભવિત અધિકારથી ઓળખવામાં આવે છે.
આ સમયે આ પવિત્ર વ્યક્તિ હઝરત હુજ્જત ઇબ્નીલ-હસન અલ અસ્કરી (અરવાહોના ફીદા)નું પવિત્ર અસ્તિત્વ છે, જેના થકી આ દુનિયાનું અસ્તિત્વ છે અને ટકી રહી છે.
“આપ ના અસ્તિત્વના કારણે દુનિયા બાકી છે.
આપ ની બરકતથી દુનિયાને રોઝી મળી રહી છે. અને
આપ ના અસ્તિત્વના કારણે જમીન અને આસમાન અખંડ અને સ્થાઇ છે.
(દોઆએ અદીલા-મફાતી (ફારસી) પા. 58)
દુનિયાના અણુએ અણુને ખુદાની કૃપાના લાભથી નવાજવામાં આવી રહ્યું હોય અને “સંપૂર્ણ ઇન્સાન, “હુજ્જતે ખુદા મોજુદ ન હોય તે અસભંવ છે. કારણ કે અલ્લાહના ફય્ઝનો લાભ ખુદાની આજ હુજ્જતને લીધે બધાને મળી રહ્યો છે. તેથી ખુદાની આ હુજ્જત, બીજા સર્જનોની પહેલાં, સર્જનોની સાથે અને સર્જનોની પછી પણ મોજુદ છે. રિવાયતમાં છે :
اَلْحُجَّةُ قَبْلَ الْخَلْقِ وَ مَعَ الْخَلْقِ وَ بَعْدَ الْخَلْقِ
“અગર હુજ્જતે ખુદા ન હોય તો આ કાએનાત ફય્ઝે ખુદાવંદીથી વંચિત રહેત. (બેહારૂલ અન્વાર 23 પા. 38 હ :66)
આ રિવાયત ઉપર જરા ધ્યાન આપીએ.
لَوْ بَقِيَتِ الْأَرْضُ يَوْماً بِلَا إِمَامٍ مِنَّا لَسَاخَتْ
“જો આ જમીન એક દિવસ પણ અહલેબયતના ઇમામની વગર રહી જાય તો ધસી પડે. નાશ થઇ જાય. (બેહારૂલ અન્વાર 23 પા. 37 હ :64)
આવી જ રીતે જો જમીન ઉપર એક માણસ પણ મોજુદ હોય તો તે વાતની દલીલ છે કે કોઇ ઇમામ જરૂર છે, જેના કારણે તે જીવતો છે. રિવાયતમાં છે : જો દુનિયામાં માત્ર બે માણસો રહી જાય તો તેમાંથી એક જરૂર ઇમામ હશે.
એહસાનને ઓળખવો અને આભાર માનવો :
દરેક માણસની અક્કલ અને સ્વભાવ એ વાતની સાક્ષી આપે છે કે જો કોઇએ એહસાન કર્યો હોય તો હંમેશા તેના આભારિત રહેવું. આ અહેસાનની ઓળખ અને આભાર માનવો તે માત્ર માણસો પૂરતું મર્યિદિત નથી, આ લાગણી જાનવરોમાં પણ જોવા મળે છે. જો જાનવરના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવો તો તે તમારા તરફ આભારની લાગણીથી જોશે. તેની ખાસ ઢબથી તમારો આદર કરશે. જો કોઇ પોતાના ઉપર એહસાન કરનારાનો આભાર ન માને તો તે માણસ તો બાજુ ઉપર, જાનવરોથી પણ વધુ હલ્કો છે.
ઉપરની દલીલોથી આ હકીકત સ્પષ્ટ થઇ જાય છે. આ સમયે આખી દુનિયા અને તેના અણુએ અણુમાં પોતાનું અસ્તિત્વ, પોતાની રોજી, પોતાની બધી ખૂબીઓ અને પ્રાપ્ત થએલ બધી અસંખ્ય નેઅમતોમાં, હઝરત હુજ્જત ઇબ્નીલ હસન અલ અસ્કરી ઇમામે ઝમાના, જમીન અને આસ્માનના સ્તંભ, પૃથ્વીની ધરી, દુનિયાના જીવનના કેન્દ્રના, મોહતાજ છે. એક નાના એવા જીવનની શરૂઆત કરવા માટે ખુદા માબાપ નો આભાર માનવા માટે અને તેમની સાથે અનેક ગણી નેકી, અનુસરણ અને તાબેદારીનો હુકમ આપ્યો છે. આપ અનુમાન કરી શકો છો કે જમાનાના ઇમામ અંગે આપણી જવાબદારી શું હશે. આપણે બલ્કે આખા જગતે તેનાથી પણ વધીને કેટલા દરજ્જે જમાનાના ઇમામ અલયહિસ્સલામના એહસાનમંદ તાબેદારી અને હુકમનું પાલન કરનાર હોવા જોઇએ. અને કેવી રીતે તેમની સાથે એહસાન અને નેકી કરવી જોઇએ.
મુબારક સુરા ઇબ્રાહીમની સાતમી આયતમાં ઇરશાદ છે :
“તમારા પરવરદિગારનું આ સર્વસામાન્ય એલાન છે કે તમે નેઅમતોનો શુકર કર્યો તો હું જરૂર જરૂર તમારા માટે નેઅમતોમાં વધારો કરીશ અને જો નાશુક્રી કરી, કુફરાને નેઅમતથી કામ લીધું તો પછી યકીનથી (ખરેખર) મારો અઝાબ સખત છે.
જો આ જીવન અને તેને લગતી બધી ચીજો નેઅમત છે તો સૌથી મહાન નેઅમત તે ઉંચી વ્યક્તિની છે જેના કારણે આ બધી નેઅમતો મળી રહી છે. હવે આ મહાન નેઅમતની સૌથી સારી શુકર કરવાની રીત શું છે ? જો આપણે સૌ ઇમામતની નેઅમતની કદર કરતે, સન્માન કરતે, બીજાને તેની ઉપર અગ્રતા ન આપતે, તેમના હોવા પછી પણ બીજા પાસેથી દીન ન મેળવતે, તેમના કહ્યા મુજબ અમલ કરતે તો આજે ઝુહુરની નેઅમત ખુંચવી લેવામાં ન આવતે. જમાનાના ઇમામની ગયબત આપણે કદર ન કરવાનું પરિણામ છે.
આજે પણ આપણે આપણા જમાનાના ઇમામને એ રીતે યાદ નથી કરતા જે રીતે કરવા જોઇએ. આ અકીદો અને તેની તાકીદને આપણા ઇમાની જીવનમાં એવી રીતે વણી લેવી જોઇએ જેવી રીતે લોહી નહિ બલ્કે જેવી રીતે રૂહ આપણા આખા શરીરમાં દોડી રહી હોય. સમગ્ર એહસાસ બલ્કે જીવનનો સંપૂર્ણ આનંદ આ રૂહના લીધે હોય. ઇમાની જીંદગીનો સમગ્ર આનંદ જમાનાના ઇમામના કારણે હોય. જો એહસાસ નથી તો કાંઇપણ નથી. આવો ! આપણે સૌ સાથે મળીને આ ઇમાની એહસાસને એવી રીતે મજબુત કરીએ, એવી રીતે જીવંત કરીએ કે જેથી આપણા જમાનાના ઇમામ અલયહિસ્સલામના ઝુહુરના માર્ગો તૈયાર થઇ જાય. અલ્લાહની રેહમત જોશમાં આવે. દોઆ કબુલ થવાના બધા દરવાજાઓ ખુલી જાય અને ખુદાના તરફથી હમણા આ સમયે ઇમામના ઝુહુરનો હુકમ સાદર થઇ જાય.
يَرَوْنَهُ بَعِيداً وَ نَرَاهُ قَرِيباً
“તેઓ આ ઝુહુરને દુર સમજી રહ્યા છે અને અમે તેને નજદિક જોઇ રહ્યા છીએ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *