વલ અસ્ર…..

Print Friendly, PDF & Email

સમયના સૌથી નાના ભાગને ક્ષણ કહેવામાં આવે છે. આ ક્ષણ સેકન્ડથી પણ નાની હોય છે. તેનાથી પણ સમયનું એક નાનું માપ હોય છે જેને “કલમહીલ બસર’ કહે છે. એટલે કે પલક ઝપકતા પસાર થઇ જાય. સમગ્ર જગતનું જીવન એજ ક્ષણોની બનેલી સાંકળમાં જકડાએલું છે. માણસ જન્મ પછી ક્ષણે ક્ષણે મોટો થતો જાય છે પછી ક્ષણે ક્ષણે તે ઘટતો જાય છે. ત્યાં સુધી કે તે આ ક્ષણોથી આઝાદ થઇ જાય છે. ક્યારેક દિવસ પસાર થઇ જાય છે પરંતુ રાતની દરેક પળ એવી લાગે છે કે એક પછી બીજી પળ જાણે બહુ દૂરથી આવી રહી હોય. પરંતુ આવું શું કામ બને છે? કેવી રીતે બને છે? ક્યારે બને છે? જ્યારે કે કોઇ એ વાતને નકારી નથી શક્તું કે શરૂઆતથી લઇને આજ સુધી સમયની રફતારમાં જરાપણ ફેરફાર થયો નથી અને ન થશે. છતાં એમ કેમ લાગે છે કે જાણે સમય અટકી અટકીને ચાલે છે? તેનો ખુલાસો ફક્ત એટલો છે કે જ્યારે એક માણસ કોઇ મુશ્કેલી અને સંકટમાં ઘેરાઇ જાય છે અને તેનો ઉકેલ દેખાતો નથી ત્યારે તે ગભરાય જાય છે, અસ્વસ્થ થઇ જાય છે અને ઇચ્છે છે કે તેની બધી મુશ્કેલીઓ આસાન થઇ જાય અને તે આશાના કાલ્પનિક કિરણની રોશનીમાં શ્ર્વાસ લે છે અને વિચારે છે કે આ સમય પસાર થઇ જશે. પરંતુ તે અનુભવે છે કે સમય અને મુશ્કેલીઓ વચ્ચે એક ટકરાવ થઇ રહ્યો છે. ન મુશ્કેલીઓ દૂર થાય છે અને ન સમય તેની જગ્યાએથી ખસી રહ્યો છે. મુસીબતો જેટલી તીવ્ર હોય છે સમય તેટલોજ થોભેલો લાગે છે.

આ ક્યારે બને છે? ક્યાં બને છે? આવું તે જગ્યાએ બને છે જ્યાં ઇન્સાનના કાર્યો અને અમલો સંજોગોથી ઘેરાયેલા હોય છે. માનવી જ્યાં સુધી જીવતો રહે છે ત્યાં સુધી તે કોઇને કોઇ જગ્યાએ કાર્યરત હોય છે. જો એક જગ્યાએ તેની મુશ્કેલી દૂર થઇ શકે તેમ ન હોય તો તે બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. પરંતુ તે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવા દરમ્યાન તે આ મુશ્કેલીઓની સામે ઝઝૂમતો રહે છે અને સમયની બળવત્તાને નિયંત્રણમાં લાવવા માટે સતત સંઘર્ષમાં ડૂબેલો રહે છે.

મે-જુનની સખત ગરમીની મોસમ હતી. માહે રમઝાનુલ મુબારકે આ દિવસોમાં આગમન કર્યું. મજુર સૂર્યના બળબળતા તાપમાં મહેનત કરતો રહ્યો. રોઝા રાખીને મહેનત કરવી અને તાજામાજા થઇને મહેનત કરવી તે બન્નેમાં ફરક છે. રોઝાદાર મજુર ઘરે જલ્દી પાછો આવી જાય છે. ત્રીજો પહોર ઢળી રહ્યો છે. કાળી લીટીનું (સાંજનું) અંતર આશરે ત્રણ કલાકનું છે. સામે માટીના ઘડામાં ઠંડુ પાણી છે. તરસથી કાળજું ભુંજાય રહ્યું છે. પાણી જોઇને પળે પળે તરસની તીવ્રતામાં વધારો થઇ રહ્યો છે. સબ્ર કરવી જરૂરી છે. કારણકે કુરઆની આયત “વસ્તઇનુ બીસ્સબરે’માં “સબ્ર’થી મુરાદ રોઝા છે. આ ત્રીજા પહોરથી સાંજ સુધીની ત્રણ કલાકની સફર ઘણા દિવસોની સફર જેવી લાગવા લાગે છે. જાણે કે એક રોઝાદારની જંગ છે. જો રોઝાદારે રોઝો તોડી નાખ્યો તો તે હારી ગયો અને અગર જો સાંજ સુધી મક્કમતા, અડગતા, સબ્ર અને શુક્ર સાથે અલ્લાહની યાદમાં ધીમા અવાજે ઇબાદત કરતો રહી તે સમય પસાર કરી લીધો તો તે જીતી ગયો. તેનો રોઝો કબુલ થશે અને તેના હિસ્સામાં ઘણો મોટો બદલો આવશે.

આ ઉદાહરણ વડે સમજશક્તિ અને લાગણીની રોશનીમાં તે પસાર થતી પળો જે સમયનું સૌથી નાનુ માપ છે, ચમત્કાર કરનારાઓની જાદુગરી અને માનવીના આવતા – જતા શ્ર્વાસોના સિલસિલામાં પળોના અસ્તિત્વનું વિભિન્ન પ્રકારે વધવું – ઘટવું, તીવ્ર અને હળવા સંબંધોનો અંદાજ આવી ગયો હોય તો આવો જોઇએ કે :

હઝરત ઇમામ હુસૈન (અ.સ.), ફરઝંદે રસુલ (સ.અ.વ.) જેમના માટે રસુલે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું “હું હુસયનથી છું તે ફરઝન્દે રસુલ ઇમામ હુસૈન (અ.સ.) એ ૨૮ રજબથી અસ્રે આશુર સુધી પળે પળે કેટ-કેટલી જગ્યાએ કેટલી લડાઇઓ લડ્યા. અહીં “કેટલી’નો અર્થ, એક અંદાજ એક હિસાબ, એક ઝલક દર્શાવવા ચાહીયે છીએ, જેની શરૂઆત મદીનાથી થઇ અને જે ઘમાસાણ લડાઇ કરબલામાં તેની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યાં પુરી થઇ.

મોઆવીયાના મૃત્યુ પછી યઝીદ સત્તા ઉપર આવ્યો. જે મોઆવીયા અને ઇમામ હસન (અ.સ.)ના સુલેહનામાની વિરૂદ્ધ અને ગલત હતું. આથી યઝીદે મદીનાના ગવર્નરને હુકમ આપ્યો કે હુસૈન (અ.સ.) પાસેથી બયઅત લો નહિં તો પછી તેમનું માથું કાપીને શામમાં ખલીફાના દરબારમાં મોકલી આપો. હુસૈન (અ.સ.)એ બયઅતનો ઇન્કાર કર્યો. દારૂલ અમારામાં મરવાને હુસૈન (અ.સ.)ને કતલ કરી દેવાનો અવાજ બુલંદ કર્યો. ઇમામ હુસૈન (અ.સ.)એ મદીનાના રહેણાંકને અલવીદા કર્યું. કાફલો તૈયાર થયો. અબ્દુલ્લા ઇબ્ને ઉમરે આવીને કહ્યું, “ફરઝન્દે રસુલ, આપ રાતના અંધકારમાં સફર કરત તો વધુ સારૂં થાત.’ જ્યારે અબ્દુલ્લા ઇબ્ને ઉમરની વાત ઉપર ઇમામ હુસૈન (અ.સ.) રાજી ન થયા ત્યારે કહ્યું : છાતીના બટન ખોલી નાખો. હું ઇચ્છું છું કે ત્યાં બોસો લઉં. જ્યાં આપના જદ્દ રસુલે ખુદા (સ.અ.વ.) ખુદ બોસો લેતા હતા. કારણકે આપ (સ.અ.વ.)ની આગાહી છે કે જ્યારે મારો હુસૈન મદીનાને છોડી જશે ત્યારે સમજી લેજો  કે તેને કતલ કરી દેવામાં આવશે.

માનનીય વાંચકો! એક તરફ કાફલામાં બની હાશીમના જવાનો છે, વફાદાર સાથીદારો છે, ઇસ્મત અને પાકીઝગી ભરી ખાતૂનો છે તથા બાળકોની સારી એવી સંખ્યા છે. બીજી તરફ દુશ્મનોએ પાથરેલી જાળો છે. દુશ્મનો સત્તા અને હુકૂમત પર બિરાજમાન છે. જાણે કે આ કાફલો તલવારના સાયા હેઠળ સફર કરતો કરતો મક્કા ની સરઝમીન પર દાખલ થયો. શઅબાન અને રમઝાનના મહિનાઓ પસાર થઇ ગયા, શવ્વાલ અને ઝીકઅદના મહિનાઓ ગયા અને ઝીલ્હજના મહિનામાં હજની મોસમ આવી. હાજીઓની ભીડ મક્કામાં ઉભરાવા લાગી. હાજીઓના વેશમાં યઝીદના નાણાથી ખરીદાએલા કેટલાય દુશ્મનો તલવાર લઇને તક શોધવા લાગ્યા કે ઇમામ હુસૈન (અ.સ.)નું માથું કાપીને યઝીદના દરબારમાં નામના મેળવે અને આ એક ગુમનામ પ્રસંગ બનીને ઇતિહાસમાં લોપાઇ જાય.

ઇમામ હુસૈન (અ.સ.)એ હજને ઉમ્રામાં બદલી નાખી. પહેલી મંઝીલે જનાબ મોહમ્મદ હનફીયાએ આવીને મુલાકાત કરી અને આપને સફરમાં કુફા તરફ ન જવાની દરખાસ્ત કરી. જે આપે સ્વિકારી નહિં. અબ્દુલ્લા બીન જઅફર બિમારીની હાલતમાં અમ્રે આસના ભાઇ યહ્યા સાથે આવ્યા પરંતુ આપે મુસાફરી ચાલુ રાખી. કાફલો આગળ વધ્યો અને આગળ વધતો ગયો. કુફાથી મુસ્લિમની શહાદતના  સમાચાર મળ્યા. આપ રડ્યા પરંતુ કાફલો કુફાની તરફ આગળ વધતો રહ્યો. ઝોહયર બીન કયન સાથે પહેલા જ મુલાકાત થઇ ચૂકી હતી. ઝોહયરે પોતાના કબીલાવાળાને કહી દીધું કે હવે મારી શહાદતનો સમય આવી ગયો છે અને હું ફરઝન્દે રસુલ (સ.અ.વ.) ઇમામ હુસૈન (અ.સ.)ની સાથે જઇ રહ્યો છું. એક સ્થળે અબ્દુલ્લા ઇબ્ને હુર્રે જોઅફીની પાસે આપ રૂબરૂ ગયા. ઇબ્ને હુર્રે જોઅફીને કહ્યું, મારી સાથે ચાલ શહાદતના દરજ્જે પહોંચીશ. ઇબ્ને હુર્રે જોઅફીએ કહ્યું : મેં કુફામાં જ. મુસ્લિમની લાશ સાથે જે બેહુરમતી થતી જોઇ તેનાથી હું ધુ્રજી ઉઠ્યો છું. મારો ઘોડો જે અરબમાં અજોડ છે તે અને લડાઇ માટેની બધી શસ્ત્ર સામગ્રી લઇ જાવ પરંતુ હું આપની સાથે આવવાથી લાચાર છું. ઇમામ હુસૈન (અ.સ.)એ ફરમાવ્યું :

“તો પછી તું એટલો દૂર ચાલ્યો જા કે મારી ઇસ્તેગાસાનો અવાજ તારા કાન સુધી ન પહોંચે. નહિં તો તું હલાક થઇ જઇશ.

હુર્રના લશ્કર સાથે ઇમામ હુસૈન (અ.સ.) નાના-મોટા છમકલાઓ સાથે ૨, મોહર્રમના કરબલામાં દાખલ થયા. ૭ મોહર્રમથી પાણી ઉપર પહેરો લાગી ગયો. ૮ મોહર્રમથી ખૈમામાં એક ટીપું પણ પાણીનું ન હતું. ૯ અને ૧૦ મોહર્રમની તરસની તીવ્રતાની કલ્પના કરવી તે ઇન્સાનની અકલથી દૂર છે જે શહાદતના વખતે સામે આવે છે. પીંજરા રૂપી શરીરમાંથી નીકળતી રૂહને ત્રણ દિવસની તરસની તીવ્રતા જે ઇન્સાન ઉપર છવાઇ જતી હશે તે માત્ર હુસૈનવાળાઓનું કામ હતું. જેની વેદના માત્ર ચાહવાવાળાઓ જ જાણી શકે. એક એક પળ કેવી રીતે તરસ્યા હોઠ ઉપર આવીને રોકાઇ ગઇ હશે અને પહાડ બનીને પસાર થઇ હશે!

હઝરત અનીસે આ દર્દ અને બેચેનીને આ રીતે રજુ કરવાની કોશીશ કરી છે, જ્યારે ઇમામ હુસૈન (અ.સ.) હઝરત અબ્બાસ (અ.સ.) પાસે શહાદતના સમયે જાય છે તે સમયનો ચિતાર રજુ કરે છે

“શેહને કહા સર અપના કદમ પરસે હટાઓ,

હો તાકતે ગુફતાર તો કુછ હાલ સુનાઓ

પછી આગળ વધીને ફરમાવે છે.

“અબ્બાસને કી અર્ઝ કે હય મૌત ગુલુગીર,

કેહને કો બહોત કુછ, પર નહિં તાકતે તકદીર,

અબ તન કી રગેં ખીંચતી હય યા હઝરતે શબ્બીર,

ઉમ્મીદ હય યે રહમ કરે સાહેબે તકદીર

ત્યાર પછી શામે ગરીબાંના ઉમટતા અંધારાઓ અને કરબલાના કેદીઓની રવાનગી. કરબલાથી કુફા અને કુફાથી શામ. ઇમામ હુસૈન (અ.સ.)ના બાળકોના દિવસો કેવી રીતે પસાર થયા હશે. કેવી રીતે તરસી શેહઝાદીઓએ તરસ્યા બાળકો ઉપર તુટી પડેલા ઝુલ્મો ઉપર સબ્ર કરવાનું સાંત્વન આપ્યું હશે. આપણા મા બાપ કુરબાન થાય એ પળો ઉપર જે દુ:ખ અને દર્દની તસ્વીર બનીને ખામોશ થઇ ગયા હતા.

જો ઊંડી દ્રષ્ટિથી જોવામાં આવે અને એક ઇન્સાનના ધડકતા દિલને પૂછવામાં આવે કે પળો પસાર થવાની રફતાર ઉપર અથવા તેની નાડ ઉપર આંગળી રાખીને કોઇ કહે કે ઇમામ હુસૈન (અ.સ.)એ આ પળોથી જે સંઘર્ષ શરૂ કર્યા હતો અથવા જે ઇમ્તેહાનની શરૂઆત કરી તે ક્યારથી પોતાના ચિન્હો છોડતા આવ્યા? તો કોઇ પણ દિલ ઘરાવનાર કહેશે કે તે કરબલાની જંગ આશુરાની સવારથી અસ્રે આશુર સુધી મર્યાદિત નથી. આ તો તેની કમાલ અને પૂર્ણતાના સ્થાન તરફ

ઇશારો છે. ઇમામ હુસૈન (અ.સ.)ની જંગ મદીનાની ગુફતગુથી લઇને કરબલા સુધીની દાસ્તાનને સમેટી લે છે. દરેક પળ, દરેક ક્ષણ ઇમામ હુસૈન (અ.સ.)ની લડાઇ તેમની શહાદતના અંતિમ પળો સુધી બાકી રહી.

આજે આપણે અઝાદારી કરીએ છીએ, કાળા કપડાં પહેરીએ છીએ, અબ્બાસ અલમદારનો અલમ ઉપાડીએ છીએ, બીબી સકીના અને ઇમામ હુસૈન (અ.સ.)ના તાબુત ઉપાડીએ છીએ, જવાનો માતમ કરે છે, બહેનો સોગ મનાવે છે, દરેક ઘરમાંથી “યા હુસૈન’નો અવાજ બુલંદ થાય છે. કોમની ખિદમત કરનારાઓ અને દર્દમન્દો પોતાના અંગત મતભેદોને ભુલી જઇને એક ફર્શે અઝા ઉપર બેસીને એવી રીતે રડે છે કે જાણે તેમનું કોઇ સ્વજન મરી ગયું હોય. આ તડપ, આ બેચેની, આ હૃદય દ્રાવક રૂદન, આ અઝાદારીનો જુસ્સો, ર્માં ના દૂધની અસર છે જે લોહી બનીને રગોમાં દોડી રહ્યું છે. આ મોઅજીઝા દર્શાવતી અસર જે દિલ અને દિમાગને જંઝોડીને સવાલ કરે છે કે આ લાખોનો મજમો જે ફર્શે અઝા ઉપર બેઠો – બેઠો જ્યાં સુધી ફઝાએલ સાંભળે છે ત્યાં સુધી જોશભેર નારએ હૈદરી અને સલવાતો પડે છે. પરંતુ ઝાકીર જેવા દસ મિનિટના મસાએબ શરૂ કરે છે ત્યારે એવું લાગે છે કે જાણે દરેક વ્યક્તિનું કલેજું કપાઇ ગયું હોય. દરેક વ્યક્તિ ધ્રુસકે ધુસકે રોવા લાગે છે. આ ક્યાંથી આવે છે? આ ઇન્સાનની ફીત્રતના ઉંડાણમાંથી ઉભરતા ઇમામ હુસૈન (અ.સ.)ના ગમનું પરિણામ છે. ક્યારેય વિચાર કર્યો? ક્યાં આ ખાલી દુનિયામાં રહેવાવાળાના આંસુઓ અને ક્યાં મઅસુમએ કોનૈનનો રૂમાલ. તેનો જવાબ એ છે કે આપણી માતાઓએ આપણને હુસૈન (અ.સ.)ના મસાએબની અસંખ્ય પળોમાંથી કોઇ એક હૃદયદ્રાવક પળની વાત કરી કરીને આપણા લોહીમાં ઇમામ હુસૈન (અ.સ.)ની તે પળોના કપાળના પસીનાની ખુશ્બુ વસાવી દીધી છે જે હંમેશ અને કાયમ છે. અને જ્યારે એક અઝાદાર જીંદગીનો છેલ્લો શ્ર્વાસ લે છે ત્યારે તે બીજી બધી વસીય્યતોની સાથે અઝાદારી કાયમ રાખવાની વસીય્યત પણ કરીને મરે છે. આ ઇમામ હુસૈન (અ.સ.)ની છ મહિનાની જંગ રોમ અને સીરીયા સુધી ફેલાએલી તાકતવર હુકૂમતો સાથેની એવી જંગ હતી જે જંગને ઇમામ હુસૈન (અ.સ.)ના મુઠ્ઠીભર સાથીદારોએ એવી બહાદુરી અને વીરતાથી લડી કે હુકૂમતના કાંડા કપાઇ ગયા. આ ઇસ્લામનો એ મોઅજીઝો છે જે માનવતાના ઇતિહાસ ઉપર સોનેરી મોહર બનીને ચમકતો રહેશે. જેની દરેક પળ લાએલાહના અકીદાના પાયાને મજબુત કરતી રહેશે. જે અઝાદારીના વિરોધીઓ છે, તેઓ અઝાદારો સાથે મળીને એક મકરૂહ અને નકારાત્મક પાસાથી અઝાદારી ઉપર વાંધાઓ ઉભા કરે છે. તેઓને ખબર નથી કે તે વિરોધી બનીને ખુદ પોતાના અપમાન અને બેઇઝઝતીના સાધનો તૈયાર કરી રહ્યા છે. ઇમામ હુસૈન (અ.સ.) છ મહિનાની જે જંગ લડ્યા છે તેની ભારેખમ પળોનો હિસાબ કરવો તો મુશ્કેલ છે. પરંતુ તેની દરેક પળ અઝાદારોના વહેતા આંસુઓને સલામ કરે છે અને તૌહીદ પરસ્તીની રૂહ તેના ઇમાનની હકીકતો રજુ કરે છે. જો વિશ્ર્વાસ ન હોય તો દરેક સુકા અને લીલાને પોતાના પાલવમાં સમેટ્યા છે તે કુરઆને કરીમને કોઇ ઝમાના અથવા વચનની વાત પૂછો જેની તેણે કસમ ખાધી હોય. તો જરૂર જવાબ મળશે કે “વલઅસ્ર’ ઉપર ચિંતન અને મનન શા માટે નથી કરતા?

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *