આપણા મૌલાના ગયબતના જમાનામાં શીયાઓની ફરજો.

Print Friendly, PDF & Email

અત્રે ઇમામે ઝમાના (અ.સ.) ના ગયબતના જમાનામાં શીયાઓની તમામ ફરજો બયાન કરવાનો અમારો આશય નથી પણ થોડીક જ ફરજોનું બયાન કરવું મકસુદ છે. જેનો ઇમામ (અ.સ.)ની સાથે સંબંધ આપવામાં આવ્યો છે.
1. માઅરેફત
(ઇમામની ઓળખ)
શીયાઓની મહત્વની ફરજોમાંથ એક ફરજ ઇમામ (અ.સ.)ની મારેફત છે. ઇસ્લામમાં ઇમામ (અ.સ.) ની મારેફત એટલી બધી મહત્વની છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું છે :
‘મન માતા વ લમ યાઅરિફ ઇમામે ઝમાનેહી માતા મીતતલ જાહેલિયાહ’
અર્થાંત:
જે શખ્સ એવી હાલતમાં દુનિયામાંથી ઉઠી જાય. (મરણ પામે) કે પોતાના (ઇમામે વક્ત) જમાનાના ઇમામને ન જાણતો હોય તો એની મૌત ઝમાનાએ જાહેલિયત (કુફ્ર)ની મૌત હશે. – ઝમાને જાહેલિયતમાં મરવું એટલે ઇસ્લામ અને ઇમામ વગર મરવું એવો અર્થ થાય છે એટલે જે શખ્સ ઇમામે ઝમાના (અ.સ.) ને નહિ ઓળખે તો ઇસ્લામ અને કુરઆનની સુંગધ પણ એની પાસે નહિ પહોંચે. તેથી જ અમારી ફરજ થઇ જાય છે કે ઇમામે ઝમાના (અ.સ.) ની માઅરેફતની રાહમાં જુદ્દો જહેદ (કાર્યરત રહીએ) અને ખુદ એ હઝરત અજ્જલ્લ્લાહો તઆલા ફરજહને ઓળખવાની કોશિશ કરીએ.
2. પયરવી
(એમના પગલે પગલે ચાલવું)
જે શખ્સ પોતાને શીયા જાણતો હોય તો એની પર વાજીબ છે કે પોતાના ઇમામ અને રહેબર પર નજર જમાવીને રાખે અને જુવે કે એના અમલનો મકસદ અને તરીકાઓ શું છે કેવા કામો કરવાથી ઇમામ (અ.સ.) ખુશ છે અને કેવા કામો કરવાથી ઇમામ (અ.સ.) મુખ ફેરવી લે છે. એજ કામ અંજામ આપે જે એમને પસંદ હોય અને એની આરઝુ અને એમના મકસદને (હેતુને) હાસીલ કરવામાં પુરી રીતે ઇમાન અને તૌહીદના બીજ પુરી પૃથ્વી પરનાં લોકોનાં દિલોમાં વાવી શકે. આસ્માની કાનુનની (કાયદાની) તબલીગ અને પ્રચાર અને કલેમએ તૌહીદને બુલંદીને માટે તનતોડ મહેનચ અને કોશિશ કરે અને ઇસ્લામી એહકામ અને ઇસ્લામી તાલીમાતને બહુજ ખૂબ સુરત રીતે અને આસાનીથી જૂઠા અને ખરાબ અકીદાવાળા લોકો અને નાસ્તિકોના કાનો સુધી પહોંચાડે.
ઇમામે જાફરે સાદિક (અ.સ.) ફરમાવ છે કે ‘જે શખ્સ અમને દોસ્ત રાખે છે એની ફરજ છે કે અમારા અમલ અને રીતભાતને પોતાના માટે નમૂનો બનાવે અને પોતાની રીતભાતને અમારી રીતભાત પ્રમાણે ઢાળે’
3. આમ નાએબીને ઇમામની ઇતાઅત અને પયરવી
(ઇમામના ‘નાએબે – આમ’ ના હુકમનું પાલન અને તેના આજ્ઞાકીત રહેવા વિષે) ગયબતે કુબ્રાના જમાનામાં એ હઝરત અજ્જલ્લ્લાહો તઆલા ફરજાહનો કોઇ પણ શખ્સ ‘નાએબે ખાસ’ ફક્ત ‘આમ નાએબીન’ અથવા ‘ફુકહાએ જામએઉશ્રાએત’ (ફકીહ – આલીમોમાં સૌથી ઉચ્ચ દરજ્જાવાળા શખ્સ) જે હઝરત (અ.ત.ફ.) ના આમ પ્રતિનિધી હોય છે. શીયાઓની ફરજ છે કે ગયબતે કુબ્રાના જમાનામાં એ હઝરતના સૂચનો અને સલાહ પ્રમાણે શરીઅત અને ઇસ્લામના મસાઇલ પર (પ્રશ્ર્નો પર) નજર રાખે અને એમની પયરવી અને ઇતાઅત કરે.
ઇમામે જાફર સાદિક (અ.સ.) આ બાબતમાં ફરમાવે છે કે : તો પછી લોકોની ફરજ છે કે જે ફુકહાઓ એ ખુસુસીયાત અને અવસાફવાળા (ગુણોવાળા) હોય એમની તકલીદ કરે અને ઇતાઅત (આજ્ઞાનું પાલન) કરે જેઓ પોતાના નફસને સલામત અને મહેફૂઝ રાખે. પોતાના દીનને હીફાજતથી રાખે. પોતાના નફસની ખ્વાહીશોની મુખાલેફત કરે. અને ખુદા રસુલ અને ઇમામની પયરવી કરે.
4. દૂઆ
ગયબતે કુબ્રાના જમાનામાં શીયાઓની ફરજોમાંથી એક ફરજ એ પણ છે કે પુરા ધ્યાન સાથે ઇમામના ઝહુરમાં જલ્દી અને એ હઝરત (અ.સ.) ની સલામતી માટે દૂઆ કરે. ધ્યાન અને દૂઆ અને બારગાહે ખુદાવન્દીમાં આજીજી માટે બે રીતો છે. એક તો એ કે દૂઆ ખુદાવન્દે આલમ તરફથી મુકદ્દર શુદા (મુકદ્દર થયેલી) વાતોમાં અસર રાખે છે. અને બીજી એ કે ફરજોની અદાએગીમાં જે એક મુન્તઝીર શીયા પર લાગુ પડે છે તો એ ફરજ આખર કેવી રીતે શક્ય છે કે દૂઆ એ કુનુત અને પોતાની નમાઝમાં દુનિયામાં સલામતી પોતાની રોજી-રોજગારમાં તરક્કી અને વધારો થવા માટે દુનિયા અને આખેરતમાં નેકી માટે દરખાસ્ત કરે પણ પોતાના ઇમામે ઝમાના (અ.સ.) ના જલ્દી ઝહુર માટે અને સલામતી નો ખ્વાહીશમંદ ન હોય? કેવી રીતે મુમ્કીન છે કે એક ઇમાનવાળો પોતાના દોસ્તો અને સગા-સંબંધીઓની સલામતી માટે ‘આયતલ કુરસી’ જે ખુદાએ મુત્તઆલની કુદરતે લાઝવાલ (જે હંમેશા રહેવાવાળી છે.) ને બયાન કરવાવાળી અને મોમિનીને દુનિયા અને એમાં સમાએલા દરેક ફિતના ફસાદોથી હિફાજતમાં અને નિગેહબાની કરવાવાળી છે તે પઢે, પણ એ મુસાફિરની સલામતીના માટે કે જેની સાથે સેંકડો દિલના કાફલા ચાલી રહ્યા છે, દૂઆ ન કરે?
સદકો આપવો :
એક વધુ પસંદ કરવા લાયક ફરજ જેની તાકીદ અમારા દીન પેશ્વાઓ એ કરી છે તો મોહતાજો અને ગરીબોને સદકો આપવો. માસુમીન (અ.સ.) એ ફરમાવ્યું છે કે સદકો બલાઓને દૂર અને મૌતને ટાળી દે છે અને ગયબતે કુબ્રાના જમાનામાં બહુ જ સારૂ કામ છે. હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.) ની સલામતી માટે મિન્નતથી સદકો આપવો. આ અમલ પણ ‘દૂઆ’ ની જેમ સિવાય એ કે ન ફક્તે ખુદાની મુકર્રર કરેલી તકદીર પર પણ અસર કરે છે. બલ્કે ફરજોની અદાએગીમાંથી એક માનવામાં આવે છે (એટલે આ સદકો કાઢવો એ એક શિયા ને માટે કર્તવ્ય બજાવી લાવવા બરાબર છે.) આ ફરજ એ શિયાની તરફ અંગુલી નીર્દેશ કરે છે. જે પોતાના ઇમામ રહેબર અને પ્યારા માર્ગદર્શકની સલામતીનો હંમેશા ખ્વાસ્તગાર (ઇચ્છુક) છે.
એ હઝરત (અ.ત.ફ.)ની નિયાબતમાં મુસ્તહબ અમલ બજાવી લાવવાં વિષે:
ગયબતે કુબ્રાના જમાનામાં પરહેઝગાર શીયાઓની ફરજોમાંથી એક ફરજ એ પણ છે કે જેને અમારા બુઝુર્ગો અંજામ આપવામાં બહુ જ તકેદારી રાખતા કે શીયા દરેક મુસ્તહબ અમલ અને કામ, ખાસ કરીને નવાફિલને (નાફેલા) એ હઝરત (અ.ત.ફ.) ની નિયાબતની નિય્યત કરીને અંજામ આપે. એ વસ્તુ પ્રત્યે ધ્યાન ન આપતા કે કીડીને આ અલ્પ હદીઓ સુલેમાને ઝમાનાની ખિદમતનાં પેશ કરવામાં આવે છે. ખુદાની બારગાહમાં બેશક એ મુસ્તહબ અમલ શરફે કબુલિયત હાસીલ કરે છે. અને સ્વાભાવિક રીતે અમારી તરફ હઝરત (અ.ત.ફ.) ની મોહબ્બત અને ભાવનાને ધ્યાન આપવાનું કારણ બની જશે.
‘બયઅત’ નું પુનરાવર્તન
તમામ ઇસ્લામી ઇતિહાસમાં શીયાઓએ કદાપી કોઇ પણ જમાનામાં જાલીમ હુકમો આપનારા અને જાલીમ હાકીમ અને બાદશાહોઓની બયઅત નથી કરી શીયાઓના અકીદા પ્રમાણે બાદશાહઓનો બાદશાહ અને હકીકી હાકેમ અને ઇમામ છે જે જીવતો છે અને માસુમ છે એ વિશ્ર્વાસથી તેઓ ફક્ત એ હઝરત (અ.ત.ફ.)ની જ તરફ બયઅત કરવા માટે હાથ લંબાવે છે અને એમનાથી શપથ અને કૌલ કરાર કરે છે. આવો દરેક સવારની નમાઝ પછી દૂઆએ અહદ પઢીને ઇમામે ઝમાના (અ.સ.)ના હાથ પર આપણી બયઅત ને મજબૂત અને વધુ મજબૂત બનાવીએ.
ઇન્તેઝાર :-
અમારી ફરજોમાંથી સૌથી વધુ મહત્વની એક ફરજ ‘ઇન્તેઝાર’ છે. આ ઇન્તેઝાર એવી હોવી જોઇએ કે અમારી જીંદગીની એક ક્ષણ પણ એવી જ ગુજરે જેમાં એ હઝરત (અ.ત.ફ.) થી અને એમના હકમથી ગાફીલ થઇને મોઢું ફેરવી લઇએ. અમારી આંખોને હઝરત યાકુબ (અ.સ.) ની આંખોની જેમ બેનૂર અને યુસુફે ફાતેમા ઝેહરા (સ.અ.)ની તલાશમાં રહેવી જોઇએ. દરેક સમયે મગજમાં એક જ ધૂન અને બેકરાર દિલમાં એમના દીદારની તડપ રહેવી જોઇએ. અમારા અઇમ્મે માસુમીન (અ.સ.) એ ગયબતના જમાનામાં તેઓ પોતે પણ ઝહુરના ઇન્તેઝારને સૌથી મોટો ઝહુર કરાર આપ્યો હતો અને આ પ્રમાણે ફરમાવ્યું : ‘જે શખ્સ અમારા અમ્ર (હકુમત) નો મુન્તઝીર છે એ તે શખ્સની જેમ છે જે ખુદાની રાહમાં પોતાના લોહીમાં નાહ્યો હોય.’
બેશક, જે શખ્સ ઇમામે ઝમાના (અ.સ.) નો જ સાચો મુન્તઝીર હોય છે. એની ઓળખ ખુદાની રાહમાં શહીદ થવાવાળામાં કરવામાં આવે છે. એક બીજી હદીસમાં ઇમામે ઝમાના (અ.સ.) ના મુન્તઝીરના વખાણમાં ફરમાવે છે : ‘જે લોકો કાએમ (અ.સ.) ની હકુમતના ઇન્તેઝારમાં આ દુનિયાથી કૂચ કરી જાય છે. તેઓ એ લોકોની જેમ છે જે કાએમ (અ.સ.) ની ખિદમતમાં હાજર હોય.’ (બેહારૂલ અનવાર જી. 25) પછી થોડીવાર થોભીને ફરમાવ્યું : ‘બલ્કે એ લોકોની જેમ છે જેઓએ મેહદી (અ.ત.ફ.) ની સાથે જેહાદ કર્યો હોય.’ પછી થોડીવાર થોભીને ફરમાવ્યું : ‘ખુદાની કસમ! આ લોકો એ લોકોની જેમ છે જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની ખિદમતમાં રહીને શહાદતના દરજ્જા પર કામ્યાબ થયા હોય.’
તેથી ઓ પરવરદિગાર! અમને એ હઝરત (અ.ત.ફ.શ.) ના હકીકી મુન્તઝીરમાં શામીલ કર અને તૌફીક આપ કે એમની ખિદમતમાં સ્હીને એમના દોસ્તમાં અમારો શુમાર થાય. – આમીન..

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *