ઇમામે ઝમાના અલયહિસ્સલામની સાથે મોહબ્બત

Print Friendly, PDF & Email

મોહબ્બત જાહેરી રીતે એક એવો શબ્દ છે કે જેનો ઉપયોગ ઘણો વધુ થાય છે. દુનિયાની કોઇપણ વ્યક્તિ એવી નથી કે જે આ શબ્દથી, તેના અર્થ અને હેતુથી અજાણ હોય. એવું કોણ છે જેની જીભ ઉપર મોહબ્બત શબ્દ બોલાતો ન હોય. એવું કોઇ નથી. તે સાચું છે, પરંતુ તેના મૂળ અર્થ અને હકીકત ઉપર ઘણાં ઓછા લોકો ચિંતન અને મનન (વિચાર) કરે છે. તેનું કારણ એ છે કે મોહબ્બતનો સમયકાળ જુદો જુદો હોય છે. આ એક એવી વસ્તુ છે કે જે વધે પણ છે અને ઘટે પણ છે. જો તે સંકોચાઇ તો વાળ કરતાં પણ વધુ બારીક અને ફેલાઇ તો ક્ષિતિજમાં છવાઇ જાય. આ કઠણ હોય તો એટલી કે હીરાનું હૃદય બની જાય અને નરમ હોય તો ફુલની પાંદડી. તે ધારે તો હીરાનું હૃદય ચીરી નાખે. તે રડાવે પણ છે અને હસાવે પણ છે. તેનો અવાજ ક્યારેક લડાઇના નગારાની જેમ ધમધમે છે, તલ્વાર અને નેઝાના ખણખણાટથી ગાજે છે તો ક્યારેક સુખ અને શાંતિની લયમાં ગુંજી ઉઠે છે. પથ્થરો તેના ગીત ગાય છે, વનરાજી તેની તરફ લળી પડે છે, બગીચાના પક્ષીઓ તેના માદક કેકારવથી વાતાવરણને ખુબસુરતીનો ઓપ આપે છે. ટૂંકમાં એ પણ કહેવાય કે મોહબ્બતના પરિસ્તાનની નફરતની ગર્જનાથી મુંજીઓની રૂહ પણ ફના થઇ જાય છે. તેના ઉદાહરણ રૂપે “નજમુસ સાકીબ”માંથી એક પ્રસંગનું વર્ણન છે. એક વખત એક વેપારીના કઝાક કુટુંબ સાથે સંબંધ ધરાવનાર સમૂહના લોકો રેગીસ્તાનમાં ભુલા પડી ગયા. તેઓ રસ્તાની શોધખોળમાં થાકીને લોથપોથ થઇ ગયા હતા. તેમણે એક ટેકરીની ટોચ ઉપરથી ધુમાડો નીકળતો જોયો. તે લોકો તે તરફ ગયા તો જોયું કે એક કાફલો તંબુમાં છે. તે કબીલાનો સરદાર ખૂબજ રૂઆબદાર અને મહેરબાન છે. તે લોકોની દરખાસ્ત ઉપર દસ્તરખ્વાન બીછાવવામાં આવ્યું. જ્યારે તે લોકો ભરપેટ જમીને જવા લાગ્યા ત્યારે તેઓની નિય્યત ખરાબ થઇ ગઇ. તે લોકો કાફલાનો માલ સામાન લુંટવા માટે પાછા ફર્યા કાફલાના સરદારે મ્યાનમાંથી તલ્વાર ખેંચીને જમીન ઉપર એક લીટી દોરી અને ધાક પડી જાય તેવા અંદાજથી પડકાર કર્યો કે જો કોઇએ આ લીટીને ઓળંગીને આવવાની હિંમત કરી તો માથા ધડથી જુદા થઇ જશે. તે અવાજમાં એટલી શક્તિ હતી કે કઝાક તેઓની સવારી ઉપરથી પડી ગયા. મારા મા-બાપ કુરબાન આ મહેરબાન મેઝબાન ઉપર જેના પડકારથી કઝાકીઓના દિલો થથરી જાય છે. યા મુન્તકમે ખુને હુસયન! (એ ખૂને હુસયનનો બદલો લેવાવાળા)
ટૂંકમાં મોહબ્બત એક ઘુંઘવતો મહાસાગર છે. તેની પ્રચંડ લહેરોના ઘૂંઘવાટ ઉપર કાદીરે મુત્લકે માનવીને સત્તા અર્પણ કરી છે. ચાહે તો તે આ ઘૂંઘવાટને ગીતની દિલનશી લયમાં ઢાળી દે. પરંતુ આ બધું ત્યારેજ શક્ય છે કે જ્યારે માનવીના અસ્તિત્વની વિશાળ અને પહોળી દુનિયા ઉપર મોહબ્બતની ઓળખનો સૂર્ય ઉદય પામે.
તેનો અર્થ એ છે કે મોહબ્બતના ઘણા પ્રકારો અને દરજ્જાઓ છે. તેના તબક્કાઓ છે. તેનો માર્ગ છે. તેના દરવાજાઓ છે. દરેક દરવાજાથી દાખલ થયા પછી એક ખીણ છે. તેની પોતાની વિશાળતા છે. તેનું પોતાનું વાતાવરણ છે. પોતાનો સમાજ છે. પોતાની રીત છે.અને પોતાનું ચલણ છે. તેથી ઇમામે ઝમાના અલયહિસ્સલામની સાથે મોહબ્બતના માટે એ નક્કી કરવું પડશે કે કઇ રીતે અપનાવવી? આગળ પાછળનો કેવો માહોલ છે. જેના વાતાવરણમાં શ્વાસ લઇએ? મોહબ્બતની યાદીમાં દાખલ થવા માટે ક્યા દરવાજેથી દાખલ થઇએ? તેના માર્ગ ઉપર ચાલવા માટે પોતાની હિંમત અને શક્તિ કેટલી છે ? તેનો કયાસ કાઢે. તેના તબક્કાઓ કેટલા છે, કેટલા કઠણ છે અને કેટલા આરામદાયક છે ? આ બધું જાણી લઇએ તો દાવો કરીએ કે “અમે ઇમામે ઝમાના સાથે મોહબ્બત કરીએ છીએ અને જો ભૂલ કરી તો ખબર નથી કઇ શક્તિ ઇમામે ઝમાના સાથેની મોહબ્બતના વર્તુળમાંથી ફેંકી દે. જેના માટે કાંઇ કહી શકાય નહીં. તેથી જરૂરી છે કે મોહબ્બતને સમજવી પડશે, જાણવી અને ઓળખવી પડશે. તેનું કેન્દ્ર માનવીનું હૃદય છે. તેને સ્વચ્છ અને પ્રકાશિત રાખવું પડશે. એ જોવું પડશે કે ખુદાવંદે આલમ જે ખૂબજ મહેરબાન છે તે કેવી રીતે તેની રાહની હિદાયત ફરમાવે છે. હઝરતે હુજ્જત, સય્યદુલ મુરસલીન અને ખાતેમુન્નબીય્યીનના અંતિમ વારસદાર અને તમામ સર્જન અને અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહ તઆલાના ખલીફા છે. તેથી એ પણ જોવું પડશે કે અમ્બીયા અલયહેમુસ્સલામની બેઅસતની મોહબ્બત સાથે ક્યો સંબંધ છે. તેઓ અલ્લાહની નિશાનીઓ છે. તેઓ કેવી રીતે શિક્ષણ અને નસીહત ફરમાવે છે. કેવી રીતે નફ્સોને પાક કરે છે. કેવી રીતે મોહબ્બતના નુરથી ઇન્સાનના અસ્તિત્વને પ્રકાશિત કરે છે અને તે મહાન હસ્તીઓએ કેવી રીતે આપણી બુદ્ધિને-ચૈતન્યને આ મોહબ્બતના માટે તૈયાર અને જાગૃત કર્યા છે. અને કેવા અંદાઝથી આ મોહબ્બતની પ્રતિતી માટે રીતભાત શીખવાડી છે. જોકે તે એક હકીકત છે કે ઇમામે ઝમાના અલયહિસ્સલામ સાથેનો મોહબ્બતનો હક અદા થઇ શકે નહિ, પરંતુ ઘણો ઓછો. આ હઝરતોની સિવાય, જેનો ઉછેર સંપૂર્ણ પાકીઝગીના માહોલમાં થયો હોય અને ગૈબી મદદનો પણ સાથ હોય એવી મહાન હસ્તીઓના જીવનના પ્રસંગો અને તેઓની ભવ્ય કારકીર્દીની ઇતિહાસ આપણને ઓળખ કરાવે છે. જેઓ ઇશ્કની વિશાળ દ્રષ્ટિના પ્રણેતા હતા. દુનિયાની આ વિષાદભરી પરિસ્થિતિમાં તે માહોલ, તે વાતાવરણ, તે સ્વચ્છતા, તે પાકીઝગી, તે હૃદયની વિશાળતા, તે કાળજુ, તે અલ્લાહની રાહમાં ફના થનારની ઉડાન… એવું લાગે છે કે “કાહ કુન્દન વ શીર આવરદન (“ઘાંસી કાપવું અને દુધ કાઢવું, એક ફારસી કહેવત)ની સચ્ચાઇની જાણ થાય છે. પરંતુ અશક્ય પણ નથી. આવો જોઇએ કે વિદ્વાનો અને મહાન વિભુતીઓએ અભ્યાસપૂર્ણ દ્રષ્ટિપાત કર્યો છે તે શું છે.
મહાન વિદ્વાનોનું કહેવું છે કે મોહબ્બત ફક્ત અનુભવ કરાય એવી એક લાગણી છે. તે પ્રકૃતિના પાલવમાં વસે છે. આ એવી પવિત્ર વસ્તુ છે જેને શબ્દોમાં વ્યક્ત થઇ શકતી નથી. પરંતુ લેખકો અને વિવરણ કરનારાઓ માટે શબ્દકોશમાં મોહબ્બતનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે :-“તે સમજ જે તબીયતને નરમી અને કોમળતા બક્ષે તેને મોહબ્બત કહે છે.” અને જે સમજથી તબીયતમાં સખ્તાઇ આવે છે તેને નફરત-દુશ્મની કહે છે. એમ કહેવાય છે કે મોહબ્બત મઅરેફત અને ઓળખને તાબે હોય છે. તેથી જેટલી મઅરેફત અને ઓળખ વધતી જશે તેટલી મોહબ્બત વધુને વધુ મજબુત બનતી જશે.
મોહબ્બતની આ વ્યાખ્યા મુજબ, સમજ મોહબ્બત અને નફરતનું મૂળ છે. સમજનો સંબંધ માનવીની બુદ્ધિ અને હૃદય સાથે છે. એ વાત નક્કી છે કે મોહબ્બત માનવીના સ્વભાવના મૂળમાં અલ્લાહ તઆલા તરફથી સોંપવામાં આવી છે. અહીં સમજના બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. એક નફરતનું અને બીજું મોહબ્બતનું ઝરણું છે. એટલે કે અમુક વસ્તુથી દૂરી ઇખ્તેયાર કરવી પડશે, તેમજ અમુક વસ્તુથી નઝદીકી હાસીલ કરવી પડશે. એ માટે, મોહબ્બત જાળવી રાખવા માટે પરહેઝગારી અને પરીશ્રમ બંને અમલ જરૂરી છે. જેની સાથે નફરત કરીએ તેનો પડછાયો પણ આપણી મોહબ્બત પર પડવા ન પામે. અને જેની મોહબ્બત અને વખાણ કરવાના છે તેના માટે શક્ય તેટલી દરેક બનતી કોશીષથી કામ લેવું પડશે. વિદ્વાન અને પહેલી હરોળના તત્વજ્ઞાની અને લેખન કળાના નિષ્ણાત શહીદ મુર્તુઝા મોતહ્હર્રીએ પોતાની કિતાબ “જાઝેબા ઔર દાફેઆ”માં આ વિષય ઉપર સંતોષપ્રદ વિવરણ કર્યું છે. જેના વિવેચન માટે આ લેખમાં અવકાશ નથી. મોહબ્બતની જરૂરી બાબતોને જાણવી, ઓળખવી અને તેની ઉપર અમલ કરીને તેની સાથે ન્યાય કરવો, તે મોહબ્બતની પાયાની જરૂરત છે. જેની વગર મોહબ્બત ક્યારે પણ વિકસી શકતી નથી. તેથી તેવા અવરોધી કાર્યોથી સાવચેત રહેવું પડશે અને તેનાથી સખ્તાઇપૂર્વક દૂર રહેવું પડશે કે જે મોહબ્બતના માર્ગમાં વિઘ્નરૂપ બને છે. જેથી મોહબ્બતની સ્વચ્છતા ઉપર કોઇ ડાઘ પડવા ન પામે. તેની તાજગી ઉપર ઝાંખપ ન લાગી જાય અને તે લોહીની સાથે દિલની રગોમાં એકરૂપ થઇને અનંત જીવનનું પોષણ કરે.
સર્વ શ્રેષ્ઠ સર્જન, “ઇન્સાનનો શબ્દ જ તેના મૂળરૂપ મુજબ ‘ઉન્સ’ એટલે “મોહબ્બતથી નીકળેલો છે. તેથી જે ખુદાએ ઇન્સાનને શ્રેષ્ઠતાના દરજ્જા ઉપર મુક્યો છે, તેણે તેની પ્રગતિ અને તેના પર બાકી રહેવાનો માર્ગ પણ દેખાડ્યો છે. તેથી આવો! જોઇએ કે કુરઆને શરીફે આ બારામાં શું કહ્યું છે. અને તેની (મોહબ્બતની) રીતભાત કેવી રીતે શીખવાડી છે.
* ખુદા-તઆલાનું એલાન છે :
“ઇન્નદ્દીન ઇન્દલ્લાહીલ ઇસ્લામ અલ્લાહની નજદીક દીન માત્ર ઇસ્લામ છે. આ પસંદગી પામેલા નુરાની દીનને ખાતર અમ્બીયા અલયહેમુસ્સલામને મોકલ્યા. જેથી તે અલ્લાહના બંદાઓને તેની તરફ આમંત્રણ આપે. અને હિદાયતની ફરજો પૂરી કરે. અંતમાં ખત્મી મરતબત હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વ આલેહીને રીસાલતનો હોદ્દો અર્પણ કર્યો. “હોવલ્લઝી બઅસ ફીલ ઉમ્મીયીન રસુલન મીન્હમ યતલુ અલયહીમ આયાતેહી વ યો ઝક્કીહીમ વ યોઅલ્લેમોહોમુલ કિતાબ વલ હિકમહ” તે ખુદા તે છે જેણે મક્કાવાળાઓમાંથી એકને રસુલ બનાવી મોકલ્યા. જે અલ્લાહની આયતોની તિલાવત કરે છે, નફ્સોને પાક કરે છે અને કિતાબ અને હીકમતની તાલીમ આપે છે. “વ ઇન કાનુ મીન કબ્લો લફી ઝલાલીમ મોબીન.” જ્યારે એ પહેલા તેઓ ખુલ્લી ગુમરાહીમાં હતા.
ઇસ્લામના દીનના માટે અલ્લાહની આયતોની તિલાવત થકી પવિત્રતા અને નફ્સની પાકીઝગી જરૂરી છે. જો નફ્સની પવિત્રતા નહીં હશે તો હીકમત અને અલ્લાહની કિતાબનું શિક્ષણ અસર નહીં કરે. જો હીકમત અને જ્ઞાનની કિરણો ઇન્સાનના હૃદયમાં ફુટવા લાગશે તો જાણે નફ્સ પાક થઇ રહ્યું છે અને શાંતિ અને ઇમાનની આનંદિત લહેરો તમામ કાળાશને પાક અને સાફ કરીને અલ્લાહના ગુણગાન ગાતી પસાર થવા લાગી છે. એક મુસલમાનના દિલમાં એક રાહબરના પગલા થકી અલ્લાહ ઉપર યકીન અને ઇમાનનું નૂર પ્રકાશી ઉઠે છે. આ રીતે અલ્લાહના કલામની સચ્ચાઇ સાથે ઇન્સાનની ફીતરતના શ્વેત પત્ર ઉપર પ્રકાશિત દસ્તાવેજ બનીને ઉભરવા લાગે છે અને પછી અલ્લાહ તઆલા ફરમાવે છે : “અલ્લઝીન આમનુ અશદ્દો હુબ્બન લીલ્લાહ” -તે જેઓ ઇમાન લાવ્યા તેઓની મોહબ્બત અલ્લાહ સાથે મજબુત હોય છે. આ માટેજ ઇમામ હુસયન અલયહિસ્સલામ અલ્લાહની બારગાહમાં કુરબાનીઓ આપી રહ્યા હતા. અને ખુદાવંદે મોતઆલની નજદીકી અને મોહબ્બતના કારણે ચહેરો ગુલાબી થતો જતો હતો. જ્યારે ચર્ચા ઇસ્લામથી ઇમાન અને ઇમાનથી મોહબ્બતની તરફ આગળ વધી રહી છે, ત્યારે જોઇએ કે “મોહબ્બત” શબ્દનો કુરઆનમાં પોતાના સમાનાર્થી મૂળ-શબ્દની સાથે અલ્લાહ તબારક વ તઆલાએ કેટલી વખત ઉપયોગ કર્યો છે. સુજ્ઞ વાંચકો! આ મોહબ્બતનું એટલું મહત્વ છે કે બંને જહાનના સર્જનહારે પોતાની પવિત્ર કિતાબમાં વારંવાર ઉલ્લેખ કર્યો છે. “મોહબ્બત” અને “મોવદ્દત” બે સમાન અર્થ ધરાવે છે. જે “હબ્બ” અને “વુદ્દ” મૂળ શબ્દમાંથી નીકળેલા છે. “હબ્બ” શબ્દ 115 વખત અને “વદ્દ” 28 વખત આવેલા છે. દરેક જગ્યાએ ઇમાનની સાથે મોહબ્બતના અર્થઘટન સ્વરૂપે છે. આ ઉપરાંત શબ્દકોશમાં આ પ્રાસમાં એક વધુ શબ્દ આવ્યો છે. જેને ઇશ્ક કહે છે. આ શબ્દ કે તેનો કોઇ પર્યાય કુરઆને મજીદમાં નથી. પરંતુ હદીસમાં રસુલે ખુદા સ.ની પવિત્ર જીભ ઉપર બોલાએલો છે અને અઇમ્મએ મઅસુમીન અલયહેમુસ્સલામે પણ કોઇ કોઇ જગ્યાએ આ અર્થનો સમવેશ કરેલ છે. જેમકે રસુલે ખુદા સ. ઇરશાદ ફરમાવે છે : “અફઝલુન્નાસે મન અશેકલ ઇબાદત” (હદીસ ત્રીજી, બાબુલ ઇબાદત, ઉસુલે કાફી)
“બહેતરીન શખ્સ એ છે જે ઇબાદતની સાથે ઇશ્ક કરે છે.”
આ શબ્દોની વિસ્તારથી સમજણ આપવાનું કારણ એ કે ઇમામે ઝમાના અ.ની મોહબ્બત આપણા માટે જીવનની પ્રથમ બાબત છે. આપણા જીવનની નિશાની છે ને સૌથી ઉચ્ચ હેતુ છે. આપણે આપણા મહેબુબ રાહબરના આશિક છીએ. તેમને શબ્દો થકી મોહબ્બત દર્શાવી શકીએ છીએ. ક્યારેક મોહબ્બત કહીએ છીએ, ક્યારેક મોવદ્દત કરીએ છીએ અને ક્યારેક ઇશ્ક કહીએ છીએ. અલ્લાહના સૌથી વધુ પ્યારા અને પસંદ કરેલા દીન ઇસ્લામે આપણને તેનું શિક્ષણ અને સંસ્કાર આપ્યા છે. તેનાથી જ આપણી પ્રગતિ થાય છે. તેથી આ જ દિને ઇસ્લામના સૌપ્રથમ સદર જ. રસુલે ખુદા (સ.અ.વ.વ.)ની પાસે જ્યારે મુસલમાનોએ ફરમાંબરદારી અખત્યાર કરી ત્યારે ઉત્તેજક થઇને પોતાની આશકીનો સ્વિકાર કરીને સવાલ કર્યો, “યા રસુલુલ્લાહ (સ.) ! આપે અમને રોશની આપી, અમે ઝલીલ હતા, આપે ઇઝ્ઝત બખ્શી અમે ગુમરાહ હતા, આપે રસ્તો દેખાડ્યો આપની રહમતોથી પરવરદીગારે અમારા ધડકતા બેચેન દિલો ઉપર શાંતિ અને સાંત્વન આપ્યા. અમે આપને આપની રિસાલતની તબ્લીગના માર્ગમાં મહેનત અને પરીશ્રમનું શું વળતર આપીએ ? જાણે કે ખુદાની તરફથી આ બંદોબસ્ત થઇ રહ્યો હતો કે લોકો મહેનતની કદર અને કિમત સમજે. અલ્લાહ તઆલાએ પોતાના હબીબને ફરમાવ્યું : “એ રસુલ ! કહી દો કે મને તમારી પાસેથી રિસાલતનું કોઇ વળતર નથી જોઇતું સિવાય કે મારા કુટુંબીજનો સાથે મોહબ્બત. “કુલ લા અસ્અલોકુમ અલયહે ઇલ્લલ મોવદ્દત ફીલ કુબર્રા. હવે જેની જેવી અનુસરવાની શક્તિ હતી તેટલી હદ સુધી તેને એટલે કે આ જવાબી આયતે કરીમાને અનુસર્યા અને રસુલ સ.ના આશિકો તેઓની સમજણ મુજબ રિસાલતનો હક અદા કરતા રહ્યા. તેથી વિરૂદ્ધ વારંવાર માર્ગમાં મુશ્કેલીઓ અને આવરણો પણ આવતા રહ્યા છે અને આવતા રહેશે. ડગલેને પગલે રાજકારણ પણ હશે, ઝાલીમો પણ આવશે અને મઅસુમીનના વારસદાર હોવાનો દાવો પણ કરશે. દંભનું સામ્રાજ્ય પણ હશે. બગાવત અને નીચતા તેના મધ્યાને હશે. પરંતુ અલ્લામા ઇકબાલના કથન મુજબ “ઇશ્ક ખુદ એક સયલ હૈ, સયલકો લેતા હૈ થામ. (ઇશ્ક ખુદ એક પ્રવાહ છે તે પ્રવાહને રોકી લે છે).
ઇશ્કની સામે આ બધી શક્તિઓ નષ્ટ પામે છે. આવા જ આશીકોનો એક સમુહ કરબલામાં હતો. ફરઝન્દે રસુલે (અ.સ.) એલાન કર્યું, જેવા સાથીદારો અલ્લાહે મને આપ્યા છે તેવા ન તો મારા જદને મળ્યા, ન મારા પિતાને મળ્યા. આ સમુહે જે રીતે રિસાલતનો બદલો અર્પણ કર્યો તેના બલીદાનનો અંદાજ પણ માનવીની બુદ્ધિ માટે અસંભવ દેખાય છે. એટલા માટે કે આ આત્માઓએ “અલ્લઝીન આમનુ અશદ્દો હબ્બન લિલ્લાહ”ની તફસીર પોતાના ખુનથી લખી અને ખુદાએ તેઓના માલિક અને સરદારને “નફ્સે મુત્મઇન્ના” કહીને સંબોધન કર્યું.
ખુદાવંદે મોતઆલનો આ એહસાન અગણિત છે કે તેણે આપણને શીખ આપી કે એહસાનનો બદલો માત્ર એહસાન છે. રસુલે અકરમ સ.ની રીસાલતની તબ્લીગ એક એવો એહસાન છે કે જેનો બદલો અશ્કય છે. મોહબ્બત જ એક એવી વસ્તુ છે જે આપણું ધ્યાન આ એહસાનની તરફ દોરી રાખે છે અને આપણા ચારિત્ર્યને શણગારે છે. જ્યારે કે રાજકારણ અને હુકુમતનો ઇતિહાસ આ જ એહસાનની પકડમાં છે. જેમકે નબીએ કરીમ સ.ની દોઆમાં છે : અલ્લાહમ્મ લા તજઅલ લે ફાજેરીન અલય્ય યદન ……. કલ્બી. “એ ખુદા કોઇ દંભી અને જુઠ્ઠાનો મારી ઉપર એહસાન ન કરાવ જેથી તેની મોહબ્બત મારા દિલમાં ઘર કરી જાય. તેનાથી એક વાત એ પણ જાણી શકાય છે કે એહસાન મોહબ્બતનું માધ્યમ છે. પછી તે કાફરની તરફથી પણ કેમ ન હોય. એહસાન છે ઇમામ હુસયન અલયહિસ્સલામનો માનવતા ઉપર અને દીને ઇસ્લામ ઉપર જો કરબલા ન હતે તો ઇસ્લામ ઉપર એક એવી ભયંકર આફત આવતે કે સાચું સ્વરૂપ ઓળખી ન શકાતે અને ઇમાનના માટે મઆઝલ્લા યઝીદની પ્રણાલી પણ શરત બની જતે અને ઘણા બધા કામો જે અલ્લાહે હરામ કર્યા છે તે હલાલ બની જતે અને ખુદાએ હલાલ કરેલા કાર્યો હરામ બની જતે. ‘ઉલુલ અમ્ર’ના અર્થઘટન ઉપર હજારો પુસ્તકો આવી જતે અને ગારતગીરીના ખબર નહિ કેટલા તોફાનો ફેલાતે. એટલે કે ઇમામ હુસયન અ. સાથેની મોહબ્બત રિસાલતના બદલારૂપે લેખાઇ. એટલા માટે કે આપે આ દીનને બચાવી લીધો. જે ખુદાનો પસંદ કરેલો દીન છે અને જેની આપના નાના મોહમ્મદ મુસ્તુફા સ.એ તબ્લીગ ફરમાવી છે. હુસયનના આશિકો ! મોહબ્બતની અપેક્ષા એ છે કે મેહબુબનું કથન અને કાર્યથી અનુસરણ કરે. તેમની મરજીને પોતાના ચારિત્ર્યના બીબામાં ઢાળે. તેની ખુશ્નુદી ઉપર નજર રાખે. ઇમામે હુસયન અલયહિસ્સલામે પોતાની 9 (નવમી) પેઢીના ફરઝંદ, જે ખુદાની આખરી હુજ્જત છે, તેમના માટે શું ફરમાવ્યું તે ધ્યાનથી વાંચી તેના ઉપર અમલ કરો. વ્યવહાર અને વર્તન તે મુજબ કરો. ખબરદાર રહો કે ઋણ અદા કરવામાંથી પીછેહઠ તો નથી કરતાને. અબ્દુલ રહેમાન બીન સલીતથી રિવાયત છે :
“ઇમામ હુસયન અલયહિસ્સલામે ઇરશાદ ફરમાવ્યું, અમારામાંથી બાર હાદી થશે. જેમાંથી પહેલા જનાબ અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ન અબી તાલીબ અલયહિસ્સલામ અને છેલ્લા મારી નવમી પેઢીમાં મારા ફરઝન્દ હશે. તે ઇમામે કાએમ (અલયહિસ્સલામ) બિલ્હક હશે. અલ્લાહ તેના થકી નિર્જીવ જમીનને સજીવ કરશે. તેના થકી દીને હક બધા દીનો ઉપર જાહેર કરશે. પછી ભલેને મુશ્રીકોને આ વાત અણગમતી કેમ ન હોય. તેમના માટે ગયબત છે જેમાં એક કોમ દીનની બહાર ફેંકાઇ જશે અને બીજી કોમ દીન ઉપર કાયમ રહેશે. તે કોમને તકલીફો આપવામાં આવશે. તેઓને કહેવામાં આવશે કે જો તમે સાચા હો તો ઇમામના ઝહુર થવાનો વાયદો ક્યારે પૂરો થશે. બસ ગયબતના જમાનામાં દુ:ખો અને મુસીબતો ઉપર સબર કરનારાઓ અને જુઠા પાડવામાં આવનારાઓને મુજાહીદનો મરતબો મળશે, જેણે રસુલુલ્લાહ સ.ની સાથે તલવારથી લડાઇ કરી હોય. (કમાલુદ્દીન ભા. 1 પ્ર. 30)
આ રિવાયતથી એ જાહેર થાય છે કે ઇમામ હુસયન અલયહિસ્સલામે આ સંદેશો આપ્યો છે.
પહેલું :- એ કે ખુદાની આખરી હુજ્જત આપની નવમી પેઢીની વ્યક્તિ હશે.
બીજું :- તે કયામ કરશે.
ત્રીજું :- તે દીને હકને તમામ દીનો ઉપર જાહેર કરશે. કોઇ દીન સિવાય દીને હક બાકી ન રહેશે.
ચોથું :- નિર્જીવ જમીનને ફરી સજીવન કરશે.
પાંચમું :- આ બુઝુર્ગવારની ગયબત લાંબી હશે.
છઠ્ઠં :- મિલ્લત બે કોમોમાં વહેંચાઇ જશે. એક અડગ રહેશે. બીજી જુઠલાવશે.
સાતમું :- અડગ રહેનારના માટે બલા અને મુસીબત છે.
આઠમું :- તેનો (અડગ રહેનારાનો) મરતબો તે મહાન હસ્તીઓનો હશે જેમણે રસુલુલ્લાહની સાથે તલ્વારથી કાફરો સામે લડાઇ કરી.
આ હદીસથી આઠ મુદ્દાઓનું એ તારણ નીકળે છે કે હઝરત હુજ્જત (અ.સ.) સાથેની મોહબ્બતનું માધ્યમ ઘણું ઉંચુ હોવું જોઇએ. એવું તો નથીને કે કથનમાં યકીન રાખીએ છીએ અને અમલ ભૂલી જઇએ છીએ ? એવું તો નથીને કે આશા છોડીને બેસી ગયા છીએ કે હવે આ કોમ શું આગળ વધશે. જો આ બધા નિરાશાજનક વિચારોથી બહેકી નથી ગયું તો એવું તો નથીને કે જે રીતે વહેતી નદીમાં ઘાસ અને તણખલા વહી રહ્યા છે તે રીતે આપણે આ જમનામાં જીવનના પ્રવાહમાં વહી રહ્યા છીએ. “માત્ર કલપ્ના છે કે હઝરત હુજ્જત (અ.સ.) આવશે, કયામ ફરમાવશે, દુનિયાનો નક્શો પલ્ટાઇ જશે અને સારા દિવસો આપમેળે આવી જશે. આપણે કાંઇ કરવાનું નથી. આ વિચારવા જેવી બાબત છે.
આ થોભીને વિચાર કરવાનું સ્થાન છે. આ નફ્સનો હિસાબ લેવાનો સમય છે. તે સહાબીઓને નજરની સામે રાખવાના છે જેમણે રસુલે ખુદા સ.ની સાથે લડાઇઓમાં સાથ આપીને કાફરો સામે લડાઇ કરી અને શહીદ થઇ ગયા. તેઓનું ચારિત્ર્ય, હિમ્મત, યકીન, જવાંમર્દી, આત્મવિશ્ર્વાસ, ખુદા સાથે મોહબ્બત, તેના રસુલ સ. સાથે મોહબ્બત, અકીદત તેનો સમજણથી અભ્યાસ કરવો પડશે, ત્યારે માંડ સમજ-બુદ્ધિની આંખ ખુલશે. અને પછી સમજમાં આવશે કે આપણે કદાચ ઇશ્કને બદનામ તો નથી કરી રહ્યાને ? ક્યાંક આપણે મોહબ્બતની અપેક્ષાઓથી બરતરફ તો નથી થઇ રહ્યાને ? ક્યાંક આપણે મોવદ્દતની સાથે અન્યાય તો નથી કરી રહ્યાને ? જો એવું નથી તો હઝરત હુજ્જત અ.ની ગયબત વધુને વધુ શા માટે લંબાતી જાય છે. ઝહુરમાં જલદી થાય એ આ કૌમ ઉપર નિર્ભર છે જેને જુઠલાવવામાં આવી રહી છે. જે સબર કરી રહી છે. જે સાબિત કદમ-અડગ છે. જેની દરેક વ્યક્તિ સવાર સાંજ આ કહે છે, “અશ્હદોઅન્નકલ ઇમામુલ મહદી કવલન વ ફેઅલન. હું ગવાહી આપું છું શબ્દોથી તેમજ કાર્યોથી કે આપ જ ઇમામ મહદી (અ.) છો.
તેના ઉપર દીનની તકલીફો હિમાલયને ઉપાડવા જેવી જવાબદાર છે. આ જમનાના ફસાદ અને ફીત્નાથી નફ્સનો જેહાદ કરવો અને મોહબ્બતને અસ્પર્શ્ય રાખવી તે કોઇ મામુલી કામ નથી. મોલેઅત ઝુલ્મન વ જવરન-ઝુલ્મ અને અત્યાચારનો જમાનો નજદિક છે. શયતાનના કારભારની ગતિ બહુ તેજ છે. દિલોની ઉપર ઝેરની અસરો ઘણી ઉંડી થતી જાય છે. આત્મહત્યા સામાન્ય થઇ ગઇ છે. અસાધ્ય રોગોથી ઇન્સાન પરેશાન છે. નવી નવી હલાક કરનારા પ્રકાશના કિરણો અસ્તિત્વમાં આવી રહી છે. અલ્લાહ તઆલાના રસુલ સ.ની આગાહીઓ સાચી પડી રહી છે. ભાન ભૂલી જવાના હજારો સાધનો છે. સંભાળ લેવા માટે કાંઇપણ દેખાતું નથી. શું કરીએ, શું ન કરીએ. અક્કલ લાચાર છે વિનાશકારી અને અત્યાર ઉપર અત્યાર કરવાના સાધનોના સંશોધનો થઇ રહ્યા છે. આ આફતમાં આખો સમાજ સપડાએલો છે. સ્ત્રી હોય કે પુરૂષ બધા બેહયાઇની સંસ્કૃતિ સમજે છે. શાયરી અને નગ્મામાં ચારિત્ર્ય હીનતાનું જોર છે. તેની ફરેબી જાળ ફેલાતી જાય છે. અધર્મીનું બજાર ગરમ છે. પ્રગતિવાદની હવા સામાન્ય બની ગઇ છે. જો આ બધી બાબતોની તરકીબો એક સાથે ભેગી મળી જાય અને તેને મોહબ્બતનું નામ આપવામાં આવે તો મોહબ્બતનું કેટલું મોટું અપમાન છે અને ઇશ્કની કેવી લાચારી છે?
જરા આજ અને આવતીકાલના પરિવર્તન ઉપર નજર કરો. આ જમાનો બની ઉમય્યા અને બની અબ્બાસના જમનાઓ કરતા ઘણા વધુ સખત છે. તે જમાનામાં અઇમ્મએ મઅસુમીન અ.ની ખીદમતમાં હાજર થવા માટેના સાધનો અને માધ્યમો પ્રાપ્ય હતા. મઅસુમો અ.ના સાનિધ્યમાં બેસીને તેઓના દિલનશીન અવાજથી લાભ મળતો હતો. તેઓની હિદાયતો, વાતો અને ઇશારાઓ હૃદયમાં ઉતરી જતા હતા. એક તરફ મોહબ્બત હતી. બીજી તરફ તેના મુકાબલામાં દોલત હતી. પરંતુ તેઓ ઇમાનના ધણી હતા. ઇમામ સાદિક અલયહિસ્સલામને જ્યારે એક સહાબીએ પોતાની મુફલીસી અને લાચારીની સરખામણી બની અબ્બાસના નમક ખાનારાઓ સાથે કરી તો આપે અશરફીની એક થેલી આપી અને કહ્યું : આ અશરફીની થેલી લઇ જા, શરત એ છે કે મારી મોહબ્બત મને પાછી આપી દે. તેણે થેલી ત્યાંજ રાખી દીધી અને પોતાની મુફલીસીના ઇમ્તેહાનથી દુ:ખી જીંદગી ઉપર શુકર કરવા લાગ્યો. તેની રૂહ મોહબ્બતની ફરજથી આ દુનિયાની લાચારી અને મુફલીસી સરખામણી કરવા લાગી. હુસયન અ.ના અસ્હાબોને ઇમામ હુસયન અલયહિસ્સલામના આ મોહબ્બતભર્યા વાક્યોથી કેટલી અસીમ ખુશી મળતી હશે. તે લખવા માટે કલમ લાચાર છે. જ્યારે આપ કહેતા હતા, “એ અલ્લાહ તબારક વ તઆલા ! જેણે તને ખોઇ નાખ્યો તેને શું મળ્યું ? જેણે તને મેળવી લીધો તેણે શું ખોયું?”
આજના જમાના સાથે તે જમનાની સરખામણી કરો તો જણાશે કે આજે તો નમરૂદ અને નમરૂદીઓની લાઇનોની લાઇનો દુનિયાના દરેક ખુણામાં જોઇ રહ્યા છીએ. તે આગથી અનેકગણા ભયાનક શસ્ત્રો ખડકાએલા છે. ઇબ્રાહીમી યકીન લઇને કેટલી વ્યક્તિઓ સામે આવી રહી છે ?
કૌન હોતા હરીફે મય મર્દે અફગન ઇશ્ક
હૈ મુકર્રર લબે સાકીપે સિલા મેરે બાદ
જેમકે મોહબ્બત સાદ પાડી રહી છે અને બધા સાંભળી રહ્યા છે. દરેક મસ્જીદમાં દરેક નમાઝની પછી કહેવામાં આવે છે, દુરૂદ મોકલો મોહમ્મદ સ. અને આલે મોહમ્મદ સ. ઉપર જેવી રીતે દુરૂદ મોકલો છો આલે ઇબ્રાહીમ અ. ઉપર. બેશક ખુદાની જાત પ્રસંશાને પાત્ર અને સન્માનીય છે. આલે મોહમ્મદ સ.નો સિલસિલો બાકી છે. મારા લખાણ સામું ન જોતાં. ન્યાયપ્રીય વિદ્વાનો, અહલે સુન્નતના પ્રખર અને ઇલ્મના માંધાતાઓએ સેંકડો હદીસો “સલાસતુન નબુવ્વત વ બકીય્યતુલ ઇત્રત ઉપર વિશ્ર્વાસપૂર્વક અને મજબુતીથી પોતાના ગ્રંથોમાં સુરક્ષિત કરી દીધી છે. તેથી આ જમાનાની ભડકતી આગથી બચવા માટે ખુદાવંદે કરીમે વલીનો સલામતિનો દામન સુરક્ષિત રાખ્યો છે. યા વલી અસ્ર કહીને પગ ઉપાડીને તો જુઓ સલામતિ મળે છે કે નહિ ? સંશોધનના માર્ગમાં પક્ષપાતી અને ખોટા અર્થઘનટનના કાંટા ન વાવો. આશિકોનું ધ્યેય નિર્બળ હોવા પછી પણ આ કાંટાળા માર્ગમાંથી પસાર તો થઇ જશે અને પવિત્ર ચોગાનના ઠંડા છાયામાં સલામતિ મેળવશે અને જે કાફરો, જાલીમો, ઘમંડીઓને બદનામ કરનાર છે, તેની પાણીદાર તલ્વારથી માર્ગમાં કાંટા પાથરનારા બચીને ક્યાં જશે ?
મોહબ્બત કસોટી માગે છે. કસોટી કપરી છે. અંધાધુંધીનું બજાર ગરમ છે. ઇમાન લુંટનારાઓના નૃત્ય દરેક ઘરના આંગણામાં થઇ રહ્યા છે. બહાર નીકળીએ તો સામે કાંટાથી ભરેલો માર્ગ છે. સામે મંઝીલ દેખાઇ રહી છે. બચી બચીને ચાલવાનું છે. ફૂંકી ફૂંકીને ડગલું માંડવાનું છે. ત્યાંથી લબ્બયકનો અવાજ સંભળાઇ રહ્યો છે. કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે ? તેના અવાજમાં હિદાયત છે. તે મોહબ્બતની મહત્વની વસ્તુઓને આ માર્ગના દરેક મુસાફરને સંભળાવી રહ્યા છે. મોહબ્બત જીવંત છે તો દરેક મુશ્કીલ આસાન છે. દરેક કાંટો કળી છે. દરેક અંગાર ફૂલ છે. આ મોહબ્બતની કિરણોને અક્કલ અને સમજમાં ઉતારવા માટે તેના થોડા મહત્વના મુદ્દાઓ છે. જેની વિગત નીચે મુજબ છે :
પહેલું : એહસાન :- આપણી સાથે રહેનારાઓ અને બેસનારાઓ સાથે એહસાનની આપ-લે કરવી. પારકાઓના એહસાનથી દૂર રહેવું. જે નિખાલસ મોહબ્બતમાં ભેળસેળ પેદા કરે છે. જેની ચર્ચા અગાઉ થઇ ચૂકી છે.
બીજું : સંપર્ક :- પોતાના કુટુંબીજનો, સગા-સંબંધીઓ, સહ-પ્રવાસીઓ સાથે સંપર્ક જાળવી રાખવો. જેમકે ઇમામ સાદિક અલયહિસ્સલામને એક સહાબીએ પૂછ્યું, “એક મોઅમીન ડુબી રહ્યો છે. તેને બચાવવો કે એક મોઅમીન જેને અમુક લોકો ગુમરાહ કરી રહ્યા છે તેની પાસે જવું. આપે ફરમાવ્યું : “ગુરમાહ થનાર સાથે સંપર્ક રાખો. ખબરઅંતર પૂછો. તેની આખેરતને બચાવો. આજે આ સમયની માગણી છે. દૂર દૂરના મોઅમીનો સાથે સંપર્ક રાખવો અને તેઓને આપણા ઇમાનની તરફ દોરી રાખવા તે આપણા સૌની મુખ્ય ફરજ છે. આ કોઇ મોટું મુશ્કેલ કામ નથી. શરત એટલી છે કે ત્યાગ અને કુરબાની ભાવના હોવી જોઇએ.
ત્રીજું : સબર અને ધીરજ : આશકી સબર અને કસોટીનું નિશાન છે. અહીં મૃત્યુની પણ કોઇ સીમા નથી. તે એક સંવેદના કાર્યરત હોય છે જે પોતાના મહેબુબત તરફ ખેંચી ખેંચીને લઇ જાય છે.
ચોથું : સીલે રહમ : આ ખાનદાનના લોકો ઉપરાંત નીકળીને પોતાના લાભો અને બરકતોથી સમર્ગ સમાજને રાહતની સામગ્રી પૂરી પાડશે. આ ઘણી વિગતો માગી લે તેવો વિષય છે. તેના ઉપર અમલ કરવો હઝરત સાથેની મોહબ્બતની સાબિતી છે.
પાંચમું : જ્ઞાન પ્રાપ્ત કરવું :- હઝરત સાથે મોહબ્બત અને ઇલ્મથી ગફલત ! બંને વિરોધાભાસી છે. જે એકી સાથે ભેગા ન થઇ શકે. હઝરત ઇલ્મના સ્ત્રોત છે. રબ્બાની ઇલ્મ તરફ દઅવત દે છે. હઝરતથી મોહબ્બતના માટે જરૂરી છે કે ઇલ્મ મેળવવા માટે મહેનત કરે. નહિ તો “લા યશ્ફઉન વલા યઅકલુન ‘ન તો કાંઇ જાણતા હતા ન કાંઇ સમજતા હતા’ની મહોર આપણા આમાલ ઉપરથી કુરઆને મજીદની તરફથી લખાઇ જશે અને મોહબ્બતનો બદલો ખતમ થઇ જશે. તાલીમના સિલસિલામાં સચ્ચાઇ અને ઉંડો અભ્યાસ અહલેબયતની દેખરેખમાં રહે નહિ તો મોહબ્બત ક્ષતિગ્રસ્ત થઇ જશે અને તેનું દુ:ખ સહન ન થઇ શકે તેવું હશે.
છઠ્ઠું : અમલ :- આળસ, સુસ્તી, નિષ્ક્રીયતા અને બહાનાબાજી ઇશ્કની નિશાની નથી. મહેબુબના દરવાજા સુધી પહોંચવા માટે હર ઘડી, હર પળે જાગૃત રહેવું જોઇએ. શરઇ તકલીફો ઉપર પાબન્દ રહેવું જોઇએ. એટલુંજ નહીં પરંતુ શયતાની વહેમો અને તરકીબોથી જાતને બચાવી રાખવી જોઇએ. સાએમુન્નહાર વ કાએમલ્લયલ. એટલા જ માટે મોઅમીનની મેઅરાજ છે.
સાતમું : જેહાદ :- કલમ અને નફ્સની જેહાદ માટે તૈયાર રહેવું જોઇએ.
આઠમું : ઝીક્ર :- રીવાયતમાં છે “અઝઝીક્રો મીફ્તાહલ ઉન્સ.” ચર્ચા પ્રેમ અને મોહબ્બતની ચાવી છે. મહેબુબની ચર્ચા એટલી વધુ થાય કે જીભ થાકી જાય. પછી પણ ચર્ચાની સીલસીલો ચાલુ રહે. આ પુનરાવર્તનથી મોહબ્બતને વેગ મળે છે.
નવમું : હદીયો :- મોહબ્બતની મહાનતા અને મહત્તા, તેની શાનોશૌકત, તેનું સ્થાન અને તેજસ્વિતાને અનુરૂપ તેની પસંદગીનો હદીયો મોકલવાથી મોહબ્બત મજબુત બને છે. દાખલા તરીકે હઝરત હુજ્જત અ. આપણા મહેબુબ અને ધ્યેય છે. તેમના માટે નમાઝ પડવી, કુરઆન પડવું, કુરબાની આપવી વિગેરે. દસમું : સદકો અને દોઆ :- આપણે આપણા મહેબુબના રક્ષણ માટે અલ્લાહના તરફથી મદદ મેળવવા માટે દોઆ પણ કરવી જોઇએ. અને તે માટે હઝરતનો સદકો પણ કાઢતા રહેવું જોઇએ. જલ્દી ઝહુર કરવાની દોઆ કરવી, ફરીયાદ કરવી અને વાયદાને દોહરાવતા રહેવું.
અગીયારમું : ઇન્તેઝાર :- તે “વ નાશેરૂલ અદલે ફીત્તવલે વલઅરઝે” છે. તેમના ઇન્તેઝારમાં ઇન્તેઝારનો હક અદા કરીએ. અને હકીકતમાં મુન્તઝેરીન (ઇન્તેઝાર કરનારાઓ)માં ગણતરી થવાની તમન્ના કરીએ. આશાના તંતુને તૂટી જવાથી બચાવીને રાખીએ.
ટૂંકમાં વધુ વિસ્તાર ન કરતા આટલેથી સંતોષ કરી રહ્યા છીએ. ખુદાવંદે આલમ પાસે દોઆ છે કે તે હઝરતની મઅરેફત અતા કરે. આ જ મઅરેફત મોહબ્બતની તાબે છે અને મોહબ્બતની મજબુતીનું મૂળ ઇમાન છે. “અલ્લઝીન આમનુ અશદ્દો હુબ્બન લિલ્લાહ”

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *