ઇમામત હઝરત અલી (અ.સ.)ની નજરમાં

Print Friendly, PDF & Email

હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેની એક મશહુર અને જાણીતી હદીસ છે જે શીયા અને સુન્ની હદીસકારોએ નક્લ કરી છે. “મન માનત વલમ યઅરફો ઇમામે ઝમનેહી માત મીતતલ જાહેલીય્યત
જે પોતાના જમનાના ઇમામને ઓળખ્યા વગર તેમની મઅરેફત મેળવ્યા વગર આ દુનિયામાંથી ચાલ્યો જાય તેનું મૃત્યુ અજ્ઞાનતાનું મૃત્યુ હશે. એટલે જો કોઇ માણસ ઇસ્લામના બધા અકીદાઓ અને હુકમોને સ્વિકારતો હોય અને તેના ઉપર અમલ કરતો હોય, પરંતુ પોતાના જમાનાના ઇમામને ઓળખતો ન હોય તો તેનું મોત કુફ્રનું મોત હશે અને જે માણસ દુનિયામાંથી કાફર જશે તે આખેરતમાં હંમેશા માટે જહન્નમમાં રહેશે. કારણ કે નેક આમાલ ત્યારેજ લાભદાયી હશે જ્યારે ઇમાનની સાથે કરવામાં આવ્યા હોય. તે માટે દરેક એ માણસ જે જહન્નમની આગથી બચવા માગતો હોય તેના માટે પોતાના જમનાના ઇમામની મઅરેફત ફરજિયાત છે.
બે પ્રકારના ઇમામ :-
કુરઆને કરીમમાં બે પ્રકારના ઇમામોની ચર્ચા કરવામાં આવી છે. એક તે ઇમામ જે લોકોને જહન્નમ તરફ લઇ જાય છે. સુરા કસસ આયત નંબર 41માં છે કે “તે એવા ઇમામ છે જે લોકોને આગની તરફ દઅવત આપે છે. એટલે જે કોઇ પણ તેને માનશે, તેની પેરવી કરશે તેનો અંત જહન્નમ હશે.
બીજા તે ઇમામ છે જે ખુદાના હુકમથી લોકોની હિદાયત કરે છે. સુરા સજદહની આયત નંબર 24માં છે કે “અને અમે તેને ઇમામ નીમ્યા, જે અમારા હુકમથી લોકોની હિદાયત કરે છે. “અને જે હકની તરફ હિદાયત કરે, તેઓ તે વાતના વધુ હકદાર છે કે તેમની પેરવી કરવામાં આવે. (સુરા યાસીન આ. 35)
હઝરત અલી અલયહિસ્સલામે પોતાના ખુત્બાઓમાં બંને તરફના ઇમામોના ગુણો અને વિશેષતાઓની ચર્ચા કરી છે. લોકોની હકીકત તેઓના નામથી નથી ઓળખી શકાતી. પરંતુ તેઓના ગુણો અને વિશેષતા ઉપરથી તેનો અંદાજ કરી શકાય છે. જેવી રીતે કપડા શરીરના ડાઘાઓને છુપાવે છે તેવી રીતે જાહેરી અખ્લાક રૂહના ઐબ ઉપર પરદો નાખી દે છે. ઇમામ અને મામુનમાં રૂહાની સંપર્ક હોવો જરૂરી છે. અગર કોઇ માણસ અંદરથી મુત્તકી અને પરહેઝગાર નહીં હોય તો તે પોતાના અનુયાયીઓને તકવા અને પરહેઝગારી તરફ દોરી નહીં શકે. તેથી જો આપણે જન્નતમાં જવા ઇચ્છતા હોઇએ તો આખેરતની વાસ્તવિક જીંદગીને જહન્નમના અઝાબથી સલામત રહે તો આપણે એવા ઇમામની શોધ કરવી જોઇએ જેનું જાહેર અને છુપું દીનના અહેકામની સંપૂર્ણ તસ્વીર હોય, જે માથાથી પગ સુધી મુત્તકી અને પરહેઝગાર હોય. એટલે મઅસુમ હોય.
હઝરત અલી અલયહિસ્સલામના નુરાની કલામોની રોશનીમાં આગના ઇમામ અને હિદાયતના ઇમામ બંનેની વિશેષતાની ચર્ચા કરી રહ્યા છે. જેથી આપણા માટે ફેંસલો કરવો સહેલો પડે.
આગના ઇમામ :-
“….. અને યકીનથી ખુદાવંદે આલમની નજદીક સૌથી વધુ બદતર અને હલ્કો તે જાલીમ અને અત્યાચારી રેહનુમા ઇમામ છે જે ખુદ પણ ગુમરાહીમાં છે અને બીજા પણ તેના કારણે ગુમરાહ થઇ રહ્યા છે. તે કે જેણે રસુલે ખુદા સ.ની સુન્નતોને ખતમ કરી દીધી છે અને ભૂલાએલી બીદઅતોને વધારી દીધી છે. મેં રસુલે ખુદા સ.ને ફરમાવતા સાંભળ્યા છે કે કયામતના દિવસે જાલીમ અને અત્યાચારી ઇમામને એ રીતે લાવવામાં આવશે કે ન તેનો કોઇ મદદગાર હશે અને ન તો કોઇ તેની તરફથી માફી માગનારૂં હશે. તેને સીધો જહન્નમમાં નાખી દેવામાં આવશે. પછી તે જહન્નમમાં એવી રીતે ચક્કર લગાવશે જે રીતે ઘંટી ફરે છે. પછી જહન્નમના ખાડામાં તેને જકડી દેવામાં આવશે.
(નહજુલ બલાગાહ, ખુત્બો 164, પાના નં. 235)
જાલીમ માત્ર તે માણસ જ નથી જે બીજાના હક મારી ખાય કે બીજાને સતાવે. કુરઆને કરીમના અર્થઘટનમાં “જે અલ્લાહની હદોથી આગળ વધી જાય તે પણ જાલીમ છે. (સુરા બકરહ : 229)
ખુદાએ ઉતારેલા હકમોની નાફરમાની, હરામ ચીજોનો અમલ કરવો અને ખુદાની હદ ઓળંગી જવી. કુરઆનનો આ પણ ઇરશાદ છે, “જે ખુદાએ મોકલેલા હકમો મુજબ ફેંસલો ન કરે તે જાલીમ છે. (સુરા માએદહ આ.45) જો કોઇ ખુદાના દીનમાં પોતાના તરફથી કોઇ ચીજ દાખલ કરી દે અથવા કોઇ વાજીબને કાઢી નાખે તે ખુદાના હુકમની વિરૂદ્ધ ફેંસલો કરવા બરાબર છે, જે ઝુલ્મ છે.
તેથી દરેક તે માણસ જેને ખુદાએ ઇમામ ન બનાવ્યો હોય અને તે લોકોની ઇમામતનો દાવો કરે તો તે ખુદાની હદોથી આગળ વધી જાય છે અને અલ્લાહના હુકમની વિરૂદ્ધ ફેંસલો કરે છે, તે યકીનથી જાલીમ અને અત્યાચારી રેહનુમા છે. જેનો અંત હઝરત અલી અલયહિસ્સલામના કથન મુજબ ઉપર આવી ગયો છે. કુરઆન તો એ લોકોને પણ જાલીમ કહે છે કે જે આ પ્રકારના લોકોની દોસ્તી કરે છે. “અને જે તેઓને પોતાના દોસ્ત અને સરપરસ્ત ગણે છે તે જાલીમ છે. (સુરા મુમતહના આયત 9)
નૂર અને હિદાયતના ઇમામ :-
હઝરત અલી અલયહિસ્સલામ હિદાયતના ઇમામ અને ન્યાયી ઇમામની વિશેષતાઓ આ રીતે બયાન ફરમાવે છે:-
“ખુદાની યાદની નજદિક ખુદાના બંદાઓમાં સૌથી વધુ શ્રેષ્ઠ અને ગુણવાન એ ઇમામ છે જે ન્યાયી છે. જે ખુદ હિદાયત ધરાવતો હોય અને બીજાને હિદાયત કરે. સુન્નતોને અમલી બનાવે, અજાણી બિદઅતોને નાબુદ કરે, સુન્નતોની નિશાનીઓ જગમગી રહી છે અને બિદઅતોના ધ્વજ પણ જાહેર છે. (નહજુલ બલાગાહ ખુત્બો 164, પા. 234)
એક બીજા ખુત્બામાં આ રીતે ફરમાવે છે :
“બેશક ઇમામો ખુદાના નક્કી કરેલા હાકીમ છે. બંદાઓને ખુદાની મઅરેફત આપનારા છે. જન્નતમાં માત્ર એજ જશે જે તેઓની મઅરેફત ધરાવતા હોય, અને જેને આ ઇમામો ઓળખતા હોય અને દોઝખમાં એ લોકો જશે જે તેઓને ન ઓળખતા હોય. ઇમામો તેઓને ન ઓળખતા હોય. (નહજુલ બલાગાહ ખુત્બો 153, પા. 212, સજી સાલેહ)
એક બીજા ખુત્બામાં આ પ્રમાણે ફરમાવે છે :- “એ ખુદા ! તું ખૂબ જાણે છે કે જે કાંઇ અમારાથી (અહલેબયત અ.) જાહેર થયું છે તે એટલા માટે હરગીજ ન હતું કે અમને હુકુમત અને સત્તાની ઇચ્છા હતી. અથવા દુનિયાના માલની તલપ હતી. (આ બધો સંઘર્ષ એટલા માટે હતો કે) અમે તારા દીનની નિશાનીઓને ફરીથી તેની સાચી જગ્યા ઉપર સ્થાપિત કરીએ. તારા શહેરોમાં શાંતિ અને સલામતિ ફેલાવીએ. જેથી તારા મઝલુમ બંદાઓ શાંતિ અને સ્વસ્થતાથી જીવન જીવી શકે. તારા બરતરફ થએલા હ઼કમોને અમલમાં લાવી શકીએ.
બારે ઇલાહા ! હું પહેલો માણસ છું કે જે તારી તરફ રજૂ થયો અને તારા હુકમને સાંભળી સૌથી પહેલાં લબ્બયક કહ્યું. હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેની સિવાય કોઇ બીજાએ નમાઝ પડવામાં મારાથી વિશેષતા નથી મેળવી.
એ લોકો ! તમને ખબર છે કે જાન, માલ, ઇઝ્ઝત અને શરમ, હુકમ અને કાયદાઓ ઉપર તે માણસ હાકીમ નથી થઇ શકતો જે કંજુસ હોય. કારણ કે તેની દાઢ મુસલમાનોના માલ ઉપર લાગેલી રહેશે. કોઇ જાલીમ પણ હાકીમ નથી બની શકતો કારણ કે તે પોતાની અજ્ઞાનતાના કારણે બીજાને ગુમરાહ કરશે, ન કોઇ ખરાબ ચારિત્ર્યવાળો કે ખરાબ સ્વભાવવાળો. કારણ કે તે પોતાના ખરાબ સ્વભાવ અને ખરાબ ચારિત્ર્યના કારણે લોકો સાથે ટક્કર લેતો રહેશે. ન કોઇ ડરપોક, કારણ કે તે કોઇને આપશે અને કોઇને નહીં આપે. ન કોઇ રૂશ્વતખોર કારણ કે તે બીજાના હક્કોને વેડફી નાખશે અને ન કોઇ સુન્નતને બરબાદ કરનારો, કારણ કે તે રીતે તો ઉમ્મત હલાક થઇ જશે. (નહજુલ બલાગાહ ખુત્બો 131, પા. 188-89, સજી સાલેહ)
આ ખુત્બાઓ ઉપર નજર કરવાથી આ વાત સ્પષ્ટ થઇ જાય છે કે એજ રેહનુમા અને ઇમામ લોકોને હકીકતની તરફ હિદાયત કરી શકે છે જે….
1. હિદાયત મેળવેલા હોય,
2. બીજાને સાચા માર્ગ ઉપર હિદાયત કરનારા હોય,
3. સુન્નતોને જીવંત કરનાર હોય,
4. બિદઅતોનો નાશ કરનાર હોય,
5. જેની મઅરેફત જન્નતમાં જવાનું કારણ બને.
6. જેનો ઇન્કાર અલ્લાહના અઝાબનું કારણ બને.
7. જેની નજર દુનિયાની સલ્તનત અને સત્તા ઉપર ન હોય.
8. જે દુનિયાના માલનો ઇચ્છુક ન હોય.
9. જે દીનની નિશાનીઓને જાહેર કરનારા હોય.
10. ખુદાના શહેરોમાં શાંતિ અને સલામતિ સ્થાપિત કરનારા હોય,
11. ખુદાના મઝલુમ બંદાઓને રક્ષણ આપનારા હોય,
12. ભુલાઇ ગએલા હકમોનું અમલીકરણ કરનારા હોય,
13. કંજુસ ન હોય,
14. ખરાબ ચારિત્ર્ય કે ખરાબ સ્વભાવના ન હોય,
15. અજ્ઞાન ન હોય,
16. ડરપોક ન હોય,
17. રૂશ્વતખોર ન હોય,
18. સુન્નતોને બરબાદ કરનારા ન હોય.
આ જ વાતોને એક બીજા ખુત્બામાં આ રીતે બયાન ફરમાવે છે :-
“ઇમામની બસ આ જવાબદારી છે કે ખુદાની તરફથી જે હુકમ તેના સુધી પહોંચ્યો છે તે લોકો સુધી પહોંચાડી દે અને ભરપૂર નસીહત અને હિદાયત કરે. સુન્નતોને જીવંત કરે. જે હદના મુસ્તહક છે તેના ઉપર હદ જારી કરે. ગસબ કરેલા માલને પાછો મેળવી તેના મૂળ માલિકને પહોંચાડી દે. (નહજુલ બલાગાહ ખુત્બો 105, પા. 153, સજી સાલેહ)
પયગમ્બર સ.ની અહલેબયત
જો આપણે તે વિશેષતાઓની શોધ કરીએ તો આ વિશેષતાઓ માત્ર અહલેબયત અલયહેમુસ્સલામમાં જ જોવા મળશે. હઝરત અલી અલયહિસ્સલામ ફરમાવે છે :-
“પોતાના નબીની અહલેબયતને જુઓ. તેઓની સીરત ઉપર ચાલો. તેમના પગલાંઓનું અનુકરણ કરો. તેઓ તમને હિદાયતની બહાર થવા નહીં દે અને ન તો ગુમરાહી કે હલાકત તરફ લઇ જશે. જો તેઓ રોકાય તો તમે પણ રોકાઇ જાવ. જો તે ઉભા થાય તો તમે પણ ઉભા થાવ. તેમનાથી આગળ ન વધો નહીં તો ભટકી જશો. તેઓને છોડીને પાછળ પણ ન રહો. નહીં તો તબાહ થઇ જશો. (નહજુલ બલાગાહ ખુત્બો 88, પા. 143, સજી સાલેહ)
“ક્યાં છે તે લોકો જે જુઠ બોલીને અને અમારા ઉપર અત્યાચાર ચાલુ રાખીને એ દાવો કરે છે કે તેઓ રાસેખુન ફીલ ઇલ્મ છે અને અમે નથી. ખુદાએ અમને બુલંદ કર્યા, અમને ઇજ્જત આપી અને તેઓને હલ્કા પાડ્યા, અમને (ઇમામતનો) હોદ્દો આપ્યો અને તેઓને વંચીત રાખ્યા. અમને ઉચ્ચ કક્ષામાં દાખલ કર્યા અને તેઓને તેનાથી દૂર રાખ્યા.
અમારી પાસેથી જ હિદાયત મેળવી શકાય છે અને અજ્ઞાનતાના અંધકારમાંથી દૂર કરવાની દરખાસ્ત કરી શકાય છે.
યકીનથી ઇમામ તો બસ કુરયશમાંથી થશે જે આ જ કુટુંબની પેઢી બની હાશમના ઘરાનામાંથી હશે. તે સિવાય ઇમામત બીજા કોઇને શોભતી નથી. અને ન તો તેઓની સિવાય બીજું કોઇ તેને લાયક છે. (નહજુલ બલાગાહ ખુત્બો 144, પા. 200-201, સજી સાલેહ)
આ લખાણોથી એ વાત પૂરેપૂરી સ્પષ્ટ છે કે ઇમામત અને ખિલાફતના સાચા અને ખરેખરા હકદાર માત્ર અહલેબયત અલયહેમુસ્સલામ છે. જે લોકોને હિદાયતનો માર્ગ દેખાડી શકે છે અને જન્નત સુધી પહોંચાડી શકે છે. જો કોઇ તેઓની સિવાય કોઇ બીજાને પોતાના માર્ગદર્શક, ઇમામ અને હિદાયત કરનારા માનશે તો તે યકીનથી મુક્તિ મેળવવાને પાત્ર નહીં રહે.
હઝરત અલી અલયહિસ્સલામે જ્યારે મોહમ્મદ બીન અબુબક્રને મીસરના હાકીમ બનાવ્યા ત્યારે તેમના નામે એક પત્ર લખ્યો. જેમાં આ વાક્ય હતું,
“હિદાયતની તરફ માર્ગદર્શન આપનારા અને હિદાયતની તરફ લઇ જનારા – નબીના દોસ્ત અને નબીના દુશ્મન બંને એક સમાન ન હોઇ શકે.” (નહજુલ બલાગાહ પત્ર-27, પાના 385)
આ વાક્યમાં હઝરત અલી અલયહિસ્સલામ લોકોના અંતર આત્માને જાગૃત કરી રહ્યા છે. તેઓના દિલ અને દિમાગને અપીલ કરી રહ્યા છે. જરા આંખો ખોલો અને અક્કલની નજરથી જુઓ. ઠંડા દિલ અને દિમાગથી ફેંસલો કરો. શું હિદાયત અને જન્નતની તરફ દાવત દેનારા અને ગુમરાહી અને જહન્નમની તરફ બોલાવનારા સમાન હોય શકે ? ક્યારે પણ નથી હોઇ શકતા. જાગૃત થાઓ અને ખુદ પોતાનો ફેંસલો કરો.
હિદાયતનો સિલસિલો :-
જ્યારે આ વાત સ્પષ્ટ થઇ ગઇ કે ઇમામત અહલેબયત અલયહેમુસ્સલામનો હક છે. જો તેઓની સિવાય બીજું કોઇ તેનો દાવો કરે તો તે જાલીમ અને જુઠ્ઠો છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેની એક હદીસ છે. જે તમામ આલીમો અને હદીસકારોએ જુદાજુદા અંદાજથી પોતપોતાની વિશ્ર્વસનીય કિતાબોમાં નકલ કરી છે. હદીસના લખાણો જરૂર જુદા જુદા છે. પરંતુ તેનો હેતુ એક સમાન છે. હદીસ આ છે :-
“આ ઉમ્મતના બાર સરપરસ્ત અને રહનુમા હશે અને તે બધાજ કુરૈશથી હશે. જે તેઓને છોડી દેશે તે તેઓને કોઇ નુકસાન નહીં પહોંચાડે. (એટલે છોડી દેનાર ખુદ નુકસાન ઉઠાવનારાઓમાંથી હશે. કારણ કે તેનું મોત જાહેલિય્યતનું મોત હશે.)
આ બધી રિવાયતોનો હેતુ એ છે કે રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસ્સલમની પછી કયામતની સવાર સુધી આ ઉમ્મતના માત્ર બાર ઇમામ અને રેહનુમા હશે અને તે બધાજ કુરૈશથી હશે. હઝરત અલી અલયહિસ્સલામનું એ કથન આવી ગયું કે આ ઇમામો કુરેશ કબીલાની પેઢી, બની હાશમના કુટુંબમાંથી હશે. એટલે હઝરત રસુલે ખુદા સ.અ.વ.ની વફાત પછી કયામતની સવાર સુધી આ ઉમ્મતના માત્ર બાર ઇમામ હશે અને તે બધાજ બની હાશીમના વંશમાંથી હશે.
હઝરત અલી અલયહિસ્સલામને પુછવામાં આવ્યું કે હઝરત રસુલે ખુદા સ.અ.વ.વ.ની હદીસ છે કે, “હું તમારી દરમ્યાન બે અમુલ્ય વસ્તુઓને મુકીને જઇ રહ્યો છું. ખુદાની કિતાબ અને મારી ઇતરત. ઇતરતનો શું અર્થ છે ? હઝરત અલી (અ.)એ ફરમાવ્યું, “હું, હસન, હુસયન અને હુસયનના વંશમાંથી નવ ઇમામ. તેઓમાના નવમા તેમના મહદી અને તેમના કાએમ હશે. ન તે ખુદાની કિતાબથી જુદા હશે અને ખુદાની કિતાબ તેમનાથી જુદી હશે. ત્યાં સુધી કે આ બધા હવ્ઝે કવસર ઉપર હઝરત રસુલે ખુદા સ.અ.વ.વ.ની મુલાકાત કરશે.” (કમાલુદ્દીન ભાગ-1, પા. 240-41)
હઝરત અલી અલયહિસ્સલામને આમીર બીન કસીરે પૂછ્યું, “એ અમીરૂલ મોઅમેનીન ! આપે અમને કુફ્રના રેહનુમાઓ અને બાતીલના ખલીફાઓથી ખરબરદાર કર્યા. આપ અમને હકના રેહનુમા અને આપના પછી સાચા રેહનુમાઓથી ખબરદાર ફરમાવો.
હઝરત અલી અલયહિસ્સલામે ફરમાવ્યું :
“હા, યકીનથી – હઝરત રસુલે ખુદા સ.અ.વ.વ. મારી સાથેનો વાયદો અને વચન છે કે આ દીનના બાર ઇમામ અને અમીર હશે. નવ હુસયનના વંશમાંથી હશે. હઝરત રસુલે ખુદા સ.અ.વ.વ.એ ફરમાવ્યું, “જ્યારે હું મેઅરાજની સફરમાં આસમન ઉપર ગયો ત્યારે મેં અર્શના પાયાની તરફ જોયું. તેમાં લખ્યું હતું. લાએલાહ ઇલ્લલ્લાહ મોહમ્મદુન રસુલુલ્લાહ અય્યદતહ બઅલી વ નુસરતહ બઅલી.” (ખુદાની સિવાય બીજો કોઇ મઅબુદ નથી. મોહમ્મદ અલ્લાહના રસુલ છે. અલીની જ થકી તેમને ટેકો મળ્યો અને અલીની થકી તેમની મદદ કરી) અને મેં બાર નૂર જોયા. મેં કહ્યું, પરવરદીગાર આ કોના નૂર છે. મને જવાબ આપવામાં આવ્યો, એ મોહમ્મદ આ આપના વંશના ઇમામોના નૂર છે. મેં કહ્યું, એ ખુદાના રસુલ, શું આપ મને તેઓના નામ નહીં જણાવો ? રસુલે ખુદા સ.એ ફરમાવ્યું, હા, જરૂર. તમે મારી પછી ઇમામ અને ખલીફા છો. તમે મારા કરજને અદા કરશો. મારા વાયદાઓને પૂરા કરશો. તમારી પછી તમારા બે ફરજન્દ હસન અને હુસયન. હુસયનની પછી તેમના ફરજન્દ અલી ઝયનુલ આબેદીન – અલીની પછી તેમના ફરજન્દ મોહમ્મદ, જેનું લકબ બાકીર છે – મોહમ્મદની પછી તેમના ફરજન્દ જાફર જેનું લકબ સાદિક છે. જઅફરની પછી તેમના ફરજન્દ મુસા, જેનું લકબ કાઝીમ છે. મુસાની પછી તેમના ફરજન્દ અલી, જેનું લકબ રઝા છે. અલીની પછી તેમના ફરજન્દ મોહમ્મદ, જેનું લકબ ઝકી છે. મોહમ્મદની પછી તેમના ફરજન્દ અલી, જેનું લકબ નકી છે. અલીના પછી તેમના ફરજન્દ હસન, જેનું લકબ અસ્કરી છે અને તેમના પછી હસનના ફરઝન્દ કાએમ છે જેનું નામ મારૂં નામ છે. જે મારી સાથે સૌથી વધુ મળતા આવે છે. તે દુનિયાને ન્યાય અને ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરેલી હશે. (અલી ઇબ્ને અબી તાલીબ અ. મારવી અનહો હવ્વલ ઇમામલ મહદી અલયહિસ્સલામ ભા. 1, પા. 138)
આવી રીતે એક બે નહીં બલ્કે 20 રિવાયતો હઝરત અલી અ.થી નક્લ થઇ છે. જેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે હઝરત રસુલે ખુદા સ.અ.વ.વ.ની વફાતથી કયામતની સવાર સુધી પવિત્ર દીન ઇસ્લામમાં માત્ર બાર ઇમામો હશે. પછી એક એક નામ લઇને કહેવામાં આવ્યું (આ બધી હદીસો એ વખતે બયાન કરવામાં આવી છે જ્યારે જનાબે ઇસ્માઇલની વિલાદત પણ નહોતી થઇ. જેથી જાણવા મળે છે કે બાર ઇમામની યાદી જે રસુલે ખુદા અને હઝરત અલી અ.એ બયાન કરી તેમાં ક્યાંય પણ જનાબે ઇસ્માઇલનું નામ નથી. જ્યારે તે ઇમામ થનાર જ ન હતા ત્યારે તેમની પાસેથી ઇમામત છીનવી લેવાનો સવાલ જ નથી.
એક વાત એ પણ સ્પષ્ટ થઇ જાય છે કે જે બાર ઇમામની વાત રસુલે ખુદા સ.અ.વ.વ.એ હદીસમાં કરી છે તેમાં સૌથી પહેલાં અને પ્રથમ ઇમામ હઝરત અલી અ. છે. બારમા અને છેલ્લા હઝરત ઇમામ અસ્ર અલયહિસ્સલામ છે. જે હાલમાં આપણા જમનાના ઇમામ છે, જીવંત છે, આ દુનિયામાં જ છે, આપણી વચ્ચે છે. આપણે આપણા ગુનાહો અને નાફરમાનીઓના કારણે તેમના દિદારથી વંચીત રહીએ છીએ.
હઝરત અલી અલયહિસ્સલામના ખૂબજ વિશ્ર્વાસુ સહાબી “જનાબ અસબગ બીન નોબાતની રિવાયત છે : “હું હઝરત અલી અ.ની ખીદમતમાં હાજર થયો. મેં જોયું તો હઝરત વિચારમાં ડૂબેલા છે અને મુબારક આંગળીથી જમીન ઉપર કોઇ નિશાન બનાવી રહ્યા છે. મેં અરજ કરી, એ અમીરૂલ મોઅમેનીન શું વાત છે. હું આજે આપને બહુ વિચારમાં જોઇ રહ્યો છું કે આપ જમીન ઉપર નિશાનો બનાવો છો. શું આપ આ જમીનને જાણો છો?
આપે ફરમાવ્યું, “ખુદાની કસમ એવું નથી. હું દુનિયાને ક્યારે પણ દોસ્ત નથી બનાવતો. પરંતુ હું એ ફરજન્દના બારામાં વિચારી રહ્યો છું જે મારી નસલમાંથી અગીયારમો પુત્ર હશે અને તે મહદી છે. તે જમીનને અદલ અને ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરી હશે. તેમના માટે એક ગયબત છે. જેમાં અમુક લોકો ગુમરાહ થઇ જશે અને અમુક લોકો હિદાયત મેળવશે. (કમાલુદ્દીન ભા. 1, પા. 288 થી 97, અઅલામુલ વરા પા. 400)
હઝરત અલી અલયહિસ્સલામે હિદાયત અને ઇમામતના સિલસિલાને કેવી રીતે સ્પષ્ટ અને પ્રકાશિત કરી દીધો છે. તેનાથી મોટી ખરાબી અને દુશ્મનાવટ કઇ હશે કે ઇન્સાન આટલા સ્પષ્ટ અને પ્રકાશિત હિદાયત અને ઇમામતના સીલસીલાને છોડીને તે લોકોને પોતાના માર્ગદર્શક સ્વિકારે. જેમણે હઝરત અલી અ.નો હક છીનવી લીધો. જેમણે હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહે અલયહાને બેહદ સતાવ્યા, તેમનો દરવાજો સળગાવી દીધો, જેમણે હઝરત અલી અ.ની વિરૂદ્ધ લડાઇ કરી, જેમણે હઝરત અલી અ.ની શહાદતની ખુશીઓ મનાવી, જેના કારણે કરબલાની ઘટના બની, જેના દીકરાઓએ હઝરત ઇમામ હુસયન અ.ને કરબલામાં કત્લ કર્યા, જેમણે અહલેબયત અ.ને બંદીવાન બનાવ્યા, જેમણે એક પછી એક પવિત્ર અહલેબયત અ.ને શહીદ કર્યા, જેની જીંદગી ઇસ્લામી તાલીમોથી ખાલી હોય, જે જાહેરમાં કુરઆનના હુકમોનો વિરોધ કરતા હોય, જે હરામ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય, જે વાજીબાત છોડી દેતા હોય, જે વાસનાના ગુલામ હોય જે આખેરતને સંપૂર્ણ રીતે ભૂલી ગયા હોય, જે લોકો ખુદ હિદાયત વગરના હોય તે બીજાને શું હિદાયત આપી શકશે.
હિદાયતનો માત્ર એક માર્ગ છે અને તે માર્ગ છે હઝરત અલી ઇબ્ને અબી તાલીબ અલયહિસ્સલામનો માર્ગ છે. હઝરત રસુલે ખુદા સ.અ.વ.વ.ની પછી બાર ઇમામો જેના પહેલાં હઝરત અલી અલયહિસ્સલામ અને છેલ્લા હઝરત ઇમામ મહદી અલયહિસ્સલામ છે. જે આપણા ઇમામ છે તે સિવાયના જેટલા સીલસીલા છે તેમાંથી કોઇપણ સાચો અને હિદાયતનો માર્ગ નથી. તેમાંનો એક પણ જન્નત અને આખેરતની ખુશનસીબી અને સફળતાનો જામીન નથી.
મારી આ ચર્ચાને હઝરત અલી અલયહિસ્સલામના આ બયાન ઉપર પૂરી કરતા દરેકને આ દાવત આપું છું કે પક્ષપાતી વલણ છોડી દઇને, વ્યક્તિગત લાભથી પર થઇને, પોતાની અક્કલ અને સમજ શક્તિને બાપદાદાના રીવાજોથી પાક-સાફ કરીને પોતાના અંતના બારામાં ખુદ ફેંસલો કરે. એવું ન થાય કે મોતનો ફરીશ્તો આવી જાય અને આપણે આપણા બારામાં કોઇ ફેંસલો ન કરી શકીએ. હજી સમય છે. કાલે મોડું થઇ જશે. આપણો ફેંસલો આપણને જન્નત અથવા જહન્નમની તરફ લઇ જશે. આપણે દુનિયાને ખાતર આખેરતને બરબાદ ન કરીએ.
“જુઓ, આ દુનિયા જેની તમે તમન્ના કરો છો, જેની તરફ ઇચ્છા અને અપેક્ષાથી આગળ વધો છો. તે ક્યારેક તમને ગુસ્સે કરે છે તો ક્યારેક તમને ખુશ કરી દે છે. આ તમાં અસલ ઘર નથી અને ન તો તમાં અંતિમ સ્થળ છે. જેના માટે તમને પૈદા કરવામાં આવ્યા છે. ન તે જગ્યા છે જેની તરફ તમને દાવત આપવામાં આવી છે.”
“જુઓ, જો તમે દીનના ઉસુલ સુરક્ષિત રાખ્યા તો પછી દુનિયાની કોઇ ચીજ ખોઇ દેવી તમને નુકસાન નહીં પહોંચાડી શકે અને દીનને છોડી દેવા અને બરબાદ કર્યા પછી તમને દુનિયાની કોઇ ચીજ નફો નહીં પહોંચાડે. જેને તમે સાચવી રાખી હોય.”
ખુદાવંદે આલમ અમારા અને તમારા દિલોના હકની તરફ ધ્યાન આપે, અમને અને તમને સબરની તૌફીક અતા કરે. (નહજુલ બલાગાહ ખુત્બો 73, પા. 248-49)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *