હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને હઝરત ઇમામ મહદી(અ.સ.)

Print Friendly, PDF & Email

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ કરબલાના મૈદાનમાં જે ઇસ્તેગાસહની અવાઝ બુલંદ કરી હતી તે કરબલામાં ખત્મ નથી થઇ પરંતુ તેમાં વધારો થતો રહ્યો છે. આ અવાજ સાંભળીને એ લોકોએ પણ લબ્બૈક કહ્યુ હતુ જેઓ એ સમયે દુનિયામાં ન હતા પરંતુ આલમે અરવાહમાં તે અવાજને સાંભળી રહ્યા હતા.
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત અને હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુર વચ્ચે બહુજ ગાઢ સંબંધ છે. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની હદીસોમાં અને ઝિયારતોમાં હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઉલ્લેખ છે અને હઝરત ઇમામ મહદી(અ.સ.)ના કલેમાતમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના મસાએબનો ઝિક્ર છે. લેખની મર્યાદાને ધ્યાનમાં રાખીને સંક્ષેપમાં અભ્યાસ કરીશું.
(૧) હઝરત ઇમામ હુસૈન(અ.સ.) હઝરત ઇમામ મહદી(અ.સ.)ની નઝરમાં:
સઅદ બિન અબ્દુલ્લાહ કુમ્મીનુ બયાન છે કે મેં ઇમામ મહદી(અ.સ.)ને “કાફ હા યા ઐન ની તાવીલ પુછી. આપ(અ.સ.)એ ફરમાવ્યુ:
“આ ગૈબના અક્ષરો છે, ખુદાવંદે આલમે પોતાના બંદા જનાબે ઝકરીયા(અ.સ.)ને તેની જાણ કરી હતી. પછી તે જ વાત હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને બયાન કરી. જનાબે ઝકરીયા(અ.સ.)એ ખુદાથી દરખાસ્ત કરી હતી કે તેને અસ્માએ ખમ્સા (પાંચ નામો) શીખવાડવામાં આવે. ખુદાએ જીબ્રઇલ વડે આ નામો શીખવાડયા.
જનાબે ઝકરીયા(અ.સ.) જ્યારે મોહમ્મદ(સ.અ.વ.), અલી(અ.સ.), ફાતેમા(સ.અ.) અને હસન(અ.સ.)નું નામ લેતા તો તેમનો રંજો ગમ દૂર થઇ જતો હતો, પંરતુ જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)નું નામ લેતા તો તેમનો ગમ વધી જતો. એક દિવસ તેમણે ખુદાને પુછ્યુ: “ખુદાયા! જ્યારે હું ચાર નામ લઉ છું તો આરામ અને સુકુન મળે છે પરંતુ જ્યારે હુસૈન(અ.સ.)નું નામ લઉ છું તો હું રંજીદા થઇ જઉ છું, આંખોમાંથી આંસુ આવી જાય છે. તે સમયે ખુદાએ આ કલેમાત થકી બનાવ બયાન કર્યો.
‘કાફ’નો મતલબ કરબલા, `હા’નો મતલબ પવિત્ર એહલેબૈત(અ.મુ.સ.)ની હલાકત અને શહાદત, `યા’નો મતલબ યઝીદ ઝાલિમ, `ઐન’નો મતલબ-પ્યાસ, `સ્વાદ’નો મતલબ સબ્રે હુસૈન(અ.સ.).
આ સાંભળીને જનાબે ઝકરીયા(અ.સ.) એટલા બધા ગમગીન થયા કે ત્રણ દિવસ સુધી પોતાના ઇબાદતના મેહરાબમાંથી બહાર ન આવ્યા અને ન તો કોઇને પોતાની પાસે આવવા દીધા અને સતત રોતા રહ્યા કે ખુદાયા! તારી બેહતરીન મખ્લુકના ફરઝંદ પર મુસીબત નાઝિલ થવાવાળી છે, તેના લીધે હું ગમગીન છું.
ખુદાયા! મને એવો ફરઝંદ અતા કર જે ઘડપણમાં મારે સહારો હોય અને મારી આંખોની રોશની હોય તે મારો વારિસ અને મારો વસી હોય પછી તેના ગમમાં મને મુબ્તેલા કર. જેવી રીતે તે પોતાના હબીબ મોહમ્મદે મુસ્તફા(સ.અ.વ.)ને તેમના ફરઝંદના ગમમાં મુબ્તેલા કર્યા.
ખુદાએ જનાબે ઝકરીયા(અ.સ.)ને યહ્યા અતા કર્યા અને તેના ગમમાં મુબ્તેલા કર્યા. જનાબે યહ્યા અને હઝરત ઇમામ હુસૈન(અ.સ.) બન્નેની હમલની મુદ્દત છ મહીના છે.
(કમાલુદ્દીન, ભાગ:૨, પાના:૪૨૦)
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની દ્રષ્ટિએ હઝરત ઇમામ મહદી(અ.સ.):
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ ફરમાવ્યું કે હારિસે અઅવરે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)થી `વશ્શમ્સે વઝ્ ઝોહાહા’ ના વિશે પુછ્યુ તો આપ(અ.સ.)એ ફરમાવ્યું: તેનાથી હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) મુરાદ છે. `વલ્ કમરે એઝા તલાહા’ ના વિશે પુછ્યું તો ફરમાવ્યું: તેનાથી મુરાદ અમીરૂલ મોઅમેનીન(અ.સ.) છે, જે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) પછી છે. `વન્નહારે એઝા જલ્લાહા’ ના વિશે પુછ્યું તો ફરમાવ્યું:
“ઝાલેક કાએમો મિન આલે મોહમ્મદ યમ્લઉલ્ અર્ઝ કિસ્તંવ્ વ અદલા
“તેનાથી મુરાદ કાએમે આલે મોહમ્મદ(અ.સ.) છે, જે ઝમીનને અદ્લો ઇન્સાફથી ભરી દેશે.
(તફસીરે ફુરાતે કુફી, પાના:૨૧૨)
હઝરત ઇમામ મહદી(અ.સ.) મુન્તકીમે ખુને હુસૈન(અ.સ.) છે:
હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના સાથીઓની મઝલુમ શહાદતનો બદલો હઝરત ઇમામ મહદી(અ.સ.) લેશે. હઝરત ઇમામ મોહમ્મદે બાકિર(અ.સ.)એ કુરઆને કરીમની આ આયત…
“વ મન્ કોતેલ મઝલૂમન્ ફકદ્ જઅલ્ના લે વલીય્યેહી સુલ્તાના ફલા યુસ્રીફ ફિલ્ કત્લે ઇન્નહુ કાન મન્સૂરા
“જેને મઝલુમ કત્લ કરવામાં આવ્યા તો અમે તેના વારિસો માટે હક અને હુકુમત આપી છે. તેઓ કત્લમાં ઇસ્રાફ નહી કરે
આ આયતની તાવીલના વિશે ફરમાવ્યું:
“મઝલુમથી મુરાદ હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના વારિસો છે અને જ્યારે અમારા કાએમ(અ.સ.)નો ઝુહુર થશે તેઓ તેના ખુનનો બદલો લેશે અને કત્લ કરશે ત્યાં સુધી કે લોકો કહેશે કે ઇસ્રાફ કર્યો.
(તફસીરે બુરહાન, ભાગ:૨, પાના:૪૧૯)
(બેહારૂલ અન્વાર, ભાગ:૧૦, પાના:૧૫)
ઇસ્રાફ એટલે બેગુનાહોને કત્લ કરવું. ઇમામે ઝમાના(અ.સ.) મઅસુમ છે. તેમના થકી કોઇ બેગુનાહ કત્લ થવાનો સવાલ જ નથી. ઇસ્રાફ કર્યો એવું એ લોકોનું વિચારવુ હશે જેઓ ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો તરીકે ફક્ત એ લોકોને સમજે છે જેઓ કરબલામાં હાજર હતા. દીને ઇસ્લામ એ લોકોને પણ ગુનાહમાં બરાબરના ભાગીદાર સમજે છે જેઓ કોઇ ઝુલ્મ ઉપર રાજી હોય અને ઝાલિમના કાર્યની સ્પષ્ટતા અને અર્થઘટન કરે છે અને તેમને બે ગુનાહ સાબિત કરવાની કોશીશ કરે છે. આજે પણ ઘણા એવા બદબખ્ત છે જેઓ યઝીદ અને ઇમામ હુસૈન(અ.સ.)ના બીજા કાતિલોના વખાણ કરે છે. એ તમામ લોકોથી ઇમામે ઝમાના(અ.સ.) બદલો લેશે.
ઇમામ મહદી(અ.સ.)નો ઝિક્ર-ઇમામ હુસૈન (અ.સ.)ની ઝબાનથી:
હઝરત ઇમામે ઝમાના(અ.સ.)ને ઝિયારતે આશુરામાં `મન્સૂર’ના નામથી યાદ કરવામાં આવ્યા છે. ઇસા અલ-ખશ્શાબે ઇમામ હુસૈન(અ.સ.)ને પુછ્યુ: શું સાહેબુલઅમ્ર આપ છો? તો આપ(અ.સ.)એ ફરમાવ્યુ:
“લા વલાકિન્ સાહેબો હાઝલ અમ્રે અત્તરીદુશ્શદીદુલ મવ્તૂરો બે અબીહે અલ મુક્ધના બે અમ્મેહીયઝઓ સય્ફહુ અલા આતેકેહી સમાનેયત અશ્હોરે
(કમાલુદ્દીન ભાગ: ૧, પાના: ૩૧૮)
“હું સાહેબેઅમ્ર નથી, પરંતુ સાહેબેઅમ્ર એ છે જે લોકોની નજરોથી દૂર છે. વસ્તીઓથી દૂર તેમનું ઠેકાણું છે. જે પોતાના પિતાના ખૂનનો બદલો લેશે. તેમની કુન્નીયત તેમના કાકાની કુન્નીયત હશે. ૧૮ મહીના સુધી તલવાર તેમના ખભા ઉપર રહેશે.
તરીદ અને શરીદ બંને સમાનાર્થી છે. `તરીદ’ અને `શરીદ’ એને કહેવાય છે જે લોકોએ કદર કિંમત ન કરવાથી લોકોથી દૂર થયા હોય. લોકોએ હઝરતના વુજૂદની નેઅમતની કદર ન કરી આ નેઅમતની કદર કરવાના બદલે નાકદરી કરી, તેમના કુટુંબીજનોની કત્લેઆમ કરી, જીભ અને કલમ વડે તેમનો વિરોધ કર્યો, મનમાંથી તેમની યાદ ભૂલવાડી દેવાની શક્ય બધી જ કોશિષ કરી.
‘પોતાના પિતાનો બદલો લેશે’ એનો મતલબ ઇમામ હસન અસ્કરી(અ.સ.) પણ હોઇ શકે છે. કારણકે તેમને ઝહેર થકી શહીદ કરવામાં આવ્યા હતા અને તેમના કહેવાનો મતલબ ઇમામ હુસૈન(અ.સ.) પણ હોઇ શકે છે.
હઝરત ઇમામ મહદી(અ.સ.)અને ઝિક્રે ઇમામ હુસૈન(અ.સ.):
હઝરત ઇમામ મહદી(અ.સ.)એ ઝિયારતે નાહિયામાં ઇમામ હુસૈન(અ.સ.)ને આવી રીતે યાદ કર્યા છે:
“આપ ફરઝંદે રસૂલ(સ.અ.વ.) છો, આપ કુર્આને કરીમની સનદ અને સહારો છો, આપ ઉમ્મતના મદદગાર અને સ્તંભ છો, ઇતાઅતે પરવરદિગાર કરવામાં અત્યંત મશ્ગૂલ, અહદો પયમાનની હિફાઝત કરવાવાળા, ગુનેહગારોની રિતભાતથી દૂર, દર્દમંદ, લાંબા રૂકુઅ અને સજદા કરવાવાળા, દુનિયાની મોહમાયાથી મોઢુ ફેરવેલ, એવી રીતે મોઢુ ફેરવેલ જેવી રીતે કોઇ સફર કરી રહ્યો હોય, દુનિયાને વહશતની દ્રષ્ટીએ જોતા હતા.
(બેહારૂલ અન્વાર, ભાગ:૧૦૧, પાના:૨૩૯)
આવી રીતે ઇમામે ઝમાના(અ.સ.)એ પોતાન જદ્દે બુઝુર્ગવારની ૧૦ સિફતો અને ખાસિયતોનો ઉલ્લેખ કર્યો છે. હકીકત એ છે કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને હઝરત ઇમામ મહદી(અ.સ.) એક બીજાને ખૂબ જ ચાહે છે અને બન્ને એક જ હેતૂને સંપૂર્ણ કરવાવાળા છે, એક દીનની હિફાઝત કરવાવાળા છે તો બીજા દીનને પૂરી દુનિયામાં અમલી રીતે સ્થાપિત કરવાવાળા છે.
હઝરત ઇમામ મહદી(અ.સ.) અને આશૂરાનો દિવસ:
જેવી રીતે `અમીરૂલ મોઅમેનીન’નો લકબ હઝરત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)થી ખાસ મખ્સુસ છે, તેવી રીતે `કાએમ’નો લકબ હઝરત ઇમામ મહદી(અ.સ.)થી મખ્સૂસ છે.
અબુ હમ્ઝા સોમાલીએ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)ને પુછ્યુ: “શું આપ `કાએમ’ નથી? અને શા માટે ફક્ત વલીએ અસ્ર(અ.સ.)ને કાએમ કહેવામાં આવે છે? તો આપ (અ.સ.)એ ફરમાવ્યુ:
“જ્યારે મારા જદ્દ ઇમામ હુસૈન(અ.સ.)ને કત્લ કરવામાં આવ્યા ત્યારે ફરીશ્તાઓએ ઉંચા અવાજે રડવાનું શરૂ કર્યુ અને બારગાહે ખુદાવંદીમાં ફરીયાદ કરી. ખુદાયા શું તુ એ લોકોને છોડી દઇશ જેઓએ તારા ચુંટાયેલાના ફરઝંદ અને તારી ઉત્તમ મખ્લૂકને કત્લ કર્યા છે? ખુદાએ ફરીશ્તાઓ પર વહી કરી. `અય મારા ફરિશ્તાઓ! થોડી ધીરજ અને શાંતી રાખો મને કસમ છે મારી ઈઝ્ઝત અને જલાલની, હું તે લોકોથી ચોક્કસ અને ચોક્કસ બદલો લઇશ, ભલેને થોડા દિવસો પછી કેમ નહી?’ પછી ખુદાવંદે આલમે ઇમામ હુસૈન (અ.સ.)ની નસ્લમાંથી થવાવાળા ઇમામો(અ.મુ.સ.)થી પર્દો ઉઠાવ્યો. આ જોઇને ફરિશ્તાઓ ખુશ થઇ ગયા અને તેઓએ જોયુ કે આ ઇમામો(અ.મુ.સ.)માં એક કયામની હાલતમાં છે. ખુદાવંદે તઆલાએ ફરમાવ્યુ: “બે હાઝલ કાએમે અન્તકેમો મિન્હુમ “હું આ કાએમ થકી તેઓથી બદલો લઇશ
(દલાએલુલ ઇમામત, તબરી, પાના:૨૩૯)
હઝરત ઇમામ મહદી(અ.સ.)અને ઇમામ હુસૈન (અ.સ.)ની નુસ્રત કરવાની તમન્ના:
ઇમામ હુસૈન (અ.સ.) સાથે શહાદતની ખુશનસીબી હાસિલ કરવી એ ખૂબજ મહાન સફળતા અને ઉચ્ચતમ કામિયાબી છે. જેનો ઉલ્લેખ ઝિયારતે વારેસામાં વારંવાર કરવામાં આવે છે. `કાશ! અમે પણ આપની સાથે હોતે અને એ મહાન સફળતા હાસિલ કરતે’. ઇમામે ઝમાના(અ.સ.)એ ઝિયારતે નાહિયામાં આ શબ્દોમાં આ મહાન તમન્નાનો ઉલ્લેખ આ શબ્દોમાં કરેલ છે.
“અય મારા જદ્દે મઝલૂમ! જો કે આ દુનિયામાં હું આપના પછી આવ્યો અને ઇલાહી તકદીરના લીધે હું આપની મદદ ન કરી શક્યો, પરંતુ હું આપના ઉપર સવાર-સાંજ આંસુ વહાવીશ અને આંસુના બદલે ખુનના આંસુ વહાવીશ.
આ બાબત પરથી ખ્યાલ આવે છે કે હઝરત ઇમામ મહદી(અ.સ.)ની દ્રષ્ટીએ હુસૈન(અ.સ.)ની નુસરત અને મદદ કરવામાં કેટલો મહાન દરજ્જો છે. હઝરત ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) જ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના મીશનને સંપૂર્ણ કરશે અને જે દીનની ખાતર ઇમામ હુસૈન(અ.સ.)એ કુરબાની આપી છે તે દીનને પુરી દુનિયામાં સ્થાપિત કરશે ઇન્શાઅલ્લાહ.
આશુરાનો દિવસ અને ઝુહુરનો દિવસ:
હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુરનો કોઇ ખાસ દિવસ એ રીતે નક્કી નથી કે બસ એ જ દિવસે ઝુહુર થશે, પરંતુ રિવાયતોમાં અમુક દિવસોનો ઉલ્લેખ જરૂર છે કે જે દિવસે ઝુહુરની વધારે ઉમ્મીદ છે એટલે કે એ દિવસોમાં ઝુહુરની વધારે અપેક્ષા કરી શકાય. અમુક રિવાયતોમાં જુમ્આના દિવસનો ઉલ્લેખ છે અને અમુક રિવાયતોમાં આશુરાનો અને અમુક રિવાયતોમાં શનિવારનો ઝિક્ર થએલ છે. આ રિવાયતોને આ રીતે ભેગી કરી શકાય કે જુમ્આ અને આશુરા એક જ દિવસે થઇ શકે છે. જુમ્આના દિવસે ઝુહુરનો દિવસ હશે અને શનિવારનો દિવસ ઝુહુરના સ્થાપિત થવાનો દિવસ હશે. આ રીતે શહાદતનો દિવસ જ દીનની સ્થાપના અને અમલીકરણનો દિવસ હશે. શહાદતનો દિવસ જ તમામ બાતિલ તાકતોની નાબુદીનો દિવસ હશે.
હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:
“૨૩ મી માહે રમઝાનુલ્ મુબારકના હઝરત કાએમ(અ.સ.)ના નામથી નીદા દેવામાં આવશે અને આશુરાનો દિવસ તેમના કયામનો દિવસ હશે કે જે દિવસે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરવામાં આવ્યા હતા.
(ગયબતે તુસી, પાના:૪૭૪)
જાણે કે શબે કદ્રમાં હઝરતના ઝુહુરનો ફેંસલો થઇ જશે, તેમને ઝુહુરની જાણ કરી દેવામાં આવશે અને આશુરાનો દિવસ તેમના કયામ અને ઝુહુરનો દિવસ હશે.
હઝરત ઇમામ મહદી(અ.સ.)ની પ્રથમ તકરીર:
ઝુહુર પછી હઝરત ઇમામ મહદી(અ.સ.) પોતાની પ્રથમ તકરીરમાં પોતાનો પરિચય આ રીતે કરાવશે જેનાથી સ્પષ્ટ થઇ જશે કે ઝુહુર અને શહાદતમાં કેટલો ગાઢ સંબંધ છે.
જ્યારે હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઝુહુર થશે ત્યારે તેઓ હજ્રે અસ્વદ અને મકામે ઇબ્રાહીમની વચ્ચે ઉભા રહીને આ રીતે પોતાનો પરિચય કરાવશે.
“અલા યા અહલલ્ આલમ્ અનલ્ ઇમામુલ્ કાએમ
“અય દુનિયાવાળાઓ આગાહ થઇ જાઓ હું જ ઇમામે કાએમ(અ.સ.) છું
“અલા યા અહલલ્ આલમ્ અનસ્ સમસામુલ્ મુન્તકીમ
“અય દુનિયાવાળાઓ જાણી લ્યો હું બદલો લેવાવાળી તલવાર છું
“અલા યા અહલલ્ આલમ્ ઇન્ન જદ્દીલ્ હુસૈન કોતેલુહો અતશાના
“અય દુનિયાવાસીઓ સાંભળી લ્યો, મારા જદ્ ઇમામ હુસૈન(અ.સ.)ને તરસ્યા શહીદ કરવામાં આવ્યા
“અલા યા અહલલ્ આલમ્ ઇન્ન જદ્દીલ્ હુસૈન તોરેહહો ઉર્યાનન્
“અય દુનિયાવાળાઓ મારા જદ્ હુસૈન(અ.સ.)ને કફન દફન વગર જમીન પર છોડી દેવામાં આવ્યા
“અલા યા અહલલ્ આલમ્ ઇન્ન જદ્દીલ્ હુસૈન સોહેકુહો ઉદ્વાનન્
“અય દુનિયાવાળાઓ મારા જદ્ હુસૈન(અ.સ.)ને કત્લ કર્યા પછી પાયમાલ કરવામાં આવ્યા
(મજલએ ઇન્તેઝાર, વર્ષ:૧, અંક:૨, પાના:૧૭૮)
હઝરત ઇમામ મહદી(અ.સ.) પ્રથમ પોતાના કાએમ હોવાનું એલાન કરશે, પછી બદલો લેનાર તલવાર તરીકે ઉલ્લેખ કરશે, પછી હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના મસાએબનું બયાન કરશે. હઝરત પોતાની વાતચીતની શરૂઆત ઇમામ હુસૈન(અ.સ.)ની મજલીસથી કરશે. આ બાબત પરથી ખ્યાલ આવી જશે કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના મસાએબ બયાન કરવા એ કેટલુ મહત્વ ધરાવે છે અને એ પણ સ્પષ્ટ થઇ જાય છે કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતના હેતુઓની સંપૂર્ણતા હઝરત ઇમામ મહદી(અ.સ.)નો પૂર નૂર ઝુહુર છે અને એ પણ સ્પષ્ટ થઇ જાય છે કે જેઓ સય્યદુશ્શોહદા(અ.સ.)ના મસાએબ બયાન કરે છે તેઓ પોતાના ઝમાનાના ઇમામ(અ.સ.)ની સીરત અને સુન્નત ઉપર અમલ કરી રહ્યા છે અને જેઓ આ કાર્યમાં રૂકાવટ પૈદા કરી રહ્યા છે, તેઓ પોતે જ પોતાનો ફેંસલો કરી લે.
હઝરત ઇમામ મહદી(અ.સ.) અને ઇન્તેકામે ખુને હુસૈન(અ.સ.):
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ હઝરત ઇમામ ઝૈનુલ આબેદીન(અ.સ.)ને ફરમાવ્યું:
“ખુદાની કસમ! મારૂ લોહી એ સમય સુધી જોશ મારતુ રહેશે ત્યાં સુધી કે ખુદાવંદે આલમ મહદીને જાહેર કરે, તેઓ મારા ખુનનો બદલો લેશે અને ૭૦,૦૦૦ મુનાફિક, ફાસિક, કાફિરને કત્લ કરશે.
(મનાકીબ ઇબ્ને શહરે આશુબ, ભાગ:૪, પાના:૮૫ / બેહાર, ભાગ:૪૫, પાના:૨૯૯)
હઝરત ઇમામ અલી રેઝા(અ.સ.)ની ખીદમતમાં રાવીએ સવાલ કર્યો, આ રિવાયતના વિશે આપ શું કહો છો કે હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું: “જ્યારેે અમારા કાએમ(અ.સ.) કયામ કરશે, ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોના વારિસોને તેમના બાપ-દાદાઓના ગુનાહને લીધે કત્લ કરશે. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: “હા, આ હદીસ સહીહ છે. રાવીએ કહ્યું : તો પછી કુરઆને કરીમની આ આયતનો અર્થ શું છે? “વલા તઝેરો વાઝેરતુંવ્ વિઝ્ર ઉખરા “કોઇ પણ બીજાઓના ગુનાહોનો ભાર ઉઠાવશે નહી ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: “અલ્લાહે સાચુ કહ્યું છે, પરંતુ કારણ કે આ લોકો પોતાના બાપ-દાદાઓના કાર્ય પર રાજી હતા અને તેના પર ફખ્ર કરતા હતા. અગર કોઇ શખ્સ કોઇ કામ બાબતે રાજી હોય તો તે કાર્ય કરવાવાળા જેવો છે. અગર કોઇને પૂર્વમાં કત્લ કરવામાં આવે અને બીજો પશ્ર્ચિમમાં તે કત્લ ઉપર રાજી હોય, ખુશ હોય તો તે પણ ખુદાની નઝદીક કાતિલની સાથે ગુનાહમાં ભાગીદાર છે અને એ કે કાએમ(અ.સ.) પોતાના ઝુહુરના સમયે ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોની ઔલાદને કત્લ કરશે એ કારણે કે તેઓ પોતાના બાપ-દાદાઓના કાર્યથી રાજી હતા.
(એલલુશ્શરાએઅ ભાગ:૧ પાના:૨૧૯, ઓયુને અખ્બારે રેઝા ભાગ:૧ પાના:૨૭૩, બેહારૂલ અન્વાર ભાગ:૫૨ પાના:૩૧૩)
હઝરત ઇમામ મહદી(અ.સ.) અને ઇમામ હુસૈન(અ.સ.)ની સફરની સંપૂર્ણતા:
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ મક્કએ મુકર્રમાથી કુફાની સફર અપનાવી હતી અને તેઓ કુફામાં કયામ કરવા ચાહતા હતા. પરંતુ ઝાલીમોએ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની આ સફર પૂરી થવા ન દીધી અને તેમને કુફામાં દાખલ થવા ન દીધા પરંતુ કરબલામાં શહીદ કરી દીધા. હઝરત ઇમામ મહદી(અ.સ.) ઝુહુર બાદ કુફાને પોતાનું કેન્દ્ર બનાવશે.
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ ફરમાવ્યુ:
“મહદી જાહેર થશે, તેઓ કુફામાં આવશે અને ત્યાં જ તેમનું ઘર હશે.
(બેહારૂલ અન્વાર, ભાગ:૨૫, પાના:૨૨૫)
એક અન્ય રિવાયતમાં ફરમાવ્યું:
“જ્યારે અમારા કાએમ(અ.સ.) ઝુહુર ફરમાવશે તેઓ કુફામાં જશે, તે સમયે દરેક મોમીન હઝરત ઇમામ મહદી (અ.સ.)ના શહેરમાં જીવન પસાર કરશે અથવા ત્યાં જ રૂર જશે.
(બેહારૂલ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૮૫)
આ રીતે રિવાયત ઉપરથી સ્પષ્ટ થાય છે કે કુફા હઝરત ઇમામ મહદી(અ.સ.)ની રાજધાની હશે, ત્યાં જ તેઓ રહેશે અને ત્યાંથી જ પુરી દુનિયા ઉપર હુકુમત કરશે.
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના મદદગારો હઝરત ઇમામ મહદી(અ.સ.)ના મદદગારો:
હઝરત ઇમામ મહદી(અ.સ.)ના લશ્કરમાં મોઅમીનોની સાથે આસમાની ફરિશ્તાઓ પણ હશે. રય્યાન ઇબ્ને શબીબે હઝરત ઇમામ અલીરેઝા(અ.સ.)થી રિવાયત નક્લ કરી છે:
“હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની નુસ્રત અને મદદ માટે આસમાનમાંથી ૪૦૦૦ ફરિશ્તાઓ નાઝિલ થયા. જ્યારે તેઓ કરબલા પહોંચ્યા ત્યારે હઝરત ઇમામ હુસૈન(અ.સ.) શહીદ થઇ ચુક્યા હતા. એ સમયથી ફરિશ્તાઓ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર કબ્ર પર ગમઝદા અને ધૂળથી લથપથ થઇને રહે છે, ત્યાં સુધી કે હઝરત કાએમ(અ.સ.)નો ઝુહુર થાય. તે સમયે આ ફરિશ્તાઓ તેમના મદદગારો અને અન્સારમાં ગણાશે અને તેમનો નારો અને સુત્ર હશે `યા લેસારાતીલ્ હુસૈન’ `અય ઇમામ હુસૈન(અ.સ.)ના નાહક ખુનનો બદલો લેનાર
(અમાલીએ સદુક, મજલિસ:૨૭ / બેહારૂલ્ અન્વાર, ભાગ:૪૪, પાના:૨૮૫)
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની નુસ્રતની તમન્ના હઝરત ઇમામ મહદી(અ.સ.)ની નુસ્રત કરીને પુરી થઇ શકે છે. આથી દરેક એ શખ્સ જે ઝિયારતે વારેસા પઢતી વખતે આ તમન્ના કરે છે કે “કાશ! હું પણ મૈદાને કરબલામાં હોતે તો આ ઝમાનામાં હઝરત ઇમામે ઝમાના(અ.સ.)ની નુસ્રત અને મદદ કરીને આ મહાન ખુશનસીબી હાસિલ કરી શકે છે. ગયબતના સમયમાં ઇમામે ઝમાના(અ.સ.)ની નુસરત અને મદદ કરીને પણ આ ખુશનસીબી મેળવી શકાય છે. ગયબતના સમયમાં હઝરત ઇમામે ઝમાના(અ.સ.)ના ઝિક્રને ફેલાવવો, લોકોના દિલોમાં તેમના પ્રત્યે મોહબ્બતમાં વધારો કરવો, તેમની યાદ અપાવવી, તેમનાથી સંબંધિત લોકોના દિલમાંથી શક અને શંકાઓને દુર કરવી, ઇમામ(અ.સ.)ના ઝુહુર માટે લોકોને તૈયાર કરવા, તેમના ઝુહુર માટે સંપૂર્ણ ઇન્તેઝાર કરવો……. આ તમામ નુસ્રતના તરીકાઓ છે. જેટલી બને તેટલી આ માર્ગમાં કોશિષ કરીએ અને હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની નુસ્રત અને મદદની તમન્ના પુરી કરીએ.
ઇમામ હુસૈન(અ.સ.)ની વિલાદતનો દિવસ અને ઇમામ મહદી(અ.સ.)ની યાદ:
૩ શાબાનુલ્ મોઅઝ્ઝમ એ સરકારે સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની વિલાદતનો દિવસ છે. આ મુબારક દિવસની મુનાસેબતથી એહલેબૈત(અ.મુ.સ.) અને તેમના શીઆઓ તથા દોસ્તોના માટે ખુબ જ ખુશીનો દિવસ છે. આ દિવસ અલ્લાહ તઆલાની નઝરોમાં એક મહાન દિવસ છે. આ અઝીમ દિવસની મુનાસેબતથી ખુદાવંદે આલમે સરકારે રિસાલત મઆબ(સ.અ.વ.)ની ખિદમતમાં લીલા રંગની એક તખ્તી પર નૂરથી લખેલ હદીસ તોહફામાં મોકલી હતી જેને `હદીસે લવ્હ’ કહેવાય છે. આ હદીસમાં ૧૪ માઅસુમીન(અ.મુ.સ.)ની રિસાલત, વિલાયત અને ઇમામતનો ઉલ્લેખ છે. હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઉલ્લેખ ખાસ કરીને થયેલ છે. અલ્ મુન્તઝરના ઘણા બધા અંકોમાં આ હદીસનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આથી તેનું અહી વર્ણન નથી કરતા. તે દિવસના ખાસ આમાલ અને દુઆઓ છે. આ દુઆઓમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની સાથે હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઝિક્ર થયેલ છે. એક દુઆમાં આ રીતે છે:
“ખુદાયા! આજના દિવસે પૈદા થનાર એ ફરઝંદના હકનો વાસ્તો આપીને તારી બારગાહમાં દુઆ કરૂ છું કે જેની વિલાદતના સાથો સાથ તેની શહાદતની ખબર દેવામાં આવી. જેની શહાદત પર ઝમીન અને આસમાન અને તેમાં મૌજુદ તમામ મખ્લુકાતે ગીર્યા કર્યુ અને જેની શહાદતના બદલા તરીકે તેમના વંશમાં ઇમામત રાખી, તેમની માટીમાં શીફા અને જેની સાથે ખુશનસીબી અને કામ્યાબી રાખી તેમજ તેની ઝુર્રીયતમાં કાએમ(અ.સ.)ને રાખ્યા જેના માટે ગયબત નક્કી કરવામાં આવી છે…..
(મિસ્બાહુલ્ મુતહજ્જીદ, પાના:૭૫૮ /
મફાતિહુલ્ જીનાન, ૩ શાબાનના આમાલ)
ઇમામ મહદી(અ.સ.)ની વિલાદતનો દિવસ અને ઇમામ હુસૈન(અ.સ.)નો ઝિક્ર:
શબે કદ્ર પછી ૧૫મી શાબાનની રાત સૌથી મહાન અને બરકતવાળી રાત છે. એક રાતમાં ખામોશ કુરઆન નાઝિલ થયું તો બીજી રાતમાં બોલતું કુરઆન. એક રાત `કદ્ર’ જે હજાર મહીનાથી બેહતર છે અને બીજી રાત આ `કદ્ર’ની અમલી તફસીર છે. શબે કદ્રની જેમ આ રાતે પણ પુરી રાત ઇબાદત કરવી બેહતરીન અમલ છે. આ ફઝીલતવાળી રાતનો સૌથી બેહતરીન અમલ ઝિયારતે ઇમામ હુસૈન(અ.સ.) છે અને તેની શાન એ છે કે જે શખ્સ ૧,૨૪,૦૦૦ નબીઓની સાથે મુસાફેહો કરવાનું ચાહે તો તેણે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરવી જોઇએ.
જાણે કે આ શબમાં તમામ અંબિયા(અ.મુ.સ.) હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ખિદમતમાં તેમના ફરઝંદે અઝીઝ હઝરત ઇમામ મહદી(અ.સ.)ની વિલાદતની મુબારકબાદી આપવા માટે હાજર થયા હોય. આપના શહાદતના હેતુની સંપૂર્ણતા અને આપના દીનને પુરી દુનિયામાં સ્થાપિત કરવાવાળા અઝીમ ફરઝંદની વિલાદત આપને મુબારક થાય.
શબે કદ્ર અને ઇમામ હુસૈન(અ.સ.)ની યાદ:
વર્ષની સૌથી શ્રેષ્ઠ રાત શબે કદ્ર છે. આ શબ હઝરત ઇમામ મહદી(અ.સ.)થી મખ્સુસ છે. આ રાતે તમામ ફરિશ્તાઓ અને રૂહ આખા વર્ષના કાર્યો અને બાબતો લઇને હઝરત ઇમામ મહદી(અ.સ.)ની ખિદમતે અક્દસમાં નાઝિલ થાય છે. આ રાતનો શ્રેષ્ઠ અમલ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત છે. આ રાતે જે ઝિયારતે હઝરત ઇમામ હુસૈન(અ.સ.) કરે તો તેને ૧,૨૪,૦૦૦ નબીઓથી મુસાફેહો કરવાનો શરફ નસીબ થશે.
ઇમામ મહદી(અ.સ.)ની વિલાદતના દિવસમાં પણ ઝિયારતે ઇમામ હુસૈન(અ.સ.) કરવાવાળાને ૧,૨૪,૦૦૦ નબીઓથી મુસાફેહો કરવાનો શરફ હાસિલ થશે અને શબે કદ્રમાં પણ ઝિયારત કરનારને ૧,૨૪,૦૦૦ અંબિયા (અ.મુ.સ.)થી મુસાફેહાનો શરફ હાસિલ થશે. કદાચ તેનું કારણ એ છે કે ૧૫મી શાબાન ઇમામ મહદી(અ.સ.)ની વિલાદતની રાત છે અને શબે કદ્રમાં આપના ઝુહુરને નક્કી કરવામાં આવશે. એક રાત વિલાદતના લીધે મોહતરમ છે અને એક રાત ઝુહુર નક્કી થવાના લીધે મોહતરમ છે. બન્ને રાતો ઇમામે ઝમાના (અ.સ.)થી મખ્સુસ છે અને બન્ને રાતોમાં ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત છે.
દુઆએ નુદ્બા અને ઇમામ હુસૈન(અ.સ.)નો ઝિક્ર:
ઇમામે ઝમાના(અ.સ.)થી મખ્સુસ દુઆઓમાં એક દુઆ દુઆએ નુદ્બા છે. જેને હઝરત ઇમામ મહદી(અ.સ.)ની મદદ કરવાની તમન્ના રાખવાવાળા દર જુમ્આના દિવસે પઢે છે અને દિલના ઉંડાણથી પોતાના ઇમામ(અ.સ.)ની જુદાઇમાં આંસુ વહાવે છે અને પોતાના દિલને ઇમામ(અ.સ.)ની યાદ થકી તાજુ રાખે છે. આ દુઆ સનદના દ્રષ્ટિકોણથી અને ઓલમાના સતત અમલના લીધે ભરોસાપાત્ર દુઆ છે. આ દુઆમાં ઇમામે ઝમાના(અ.સ.)ના ઝિક્રની સાથે ઇમામ હુસૈન(અ.સ.)નો પણ ઝિક્ર છે. દુઆએ નુદ્બાના આ વાક્યો ઉપર વિચાર કરો અને ઇમામ હુસૈન(અ.સ.)ને યાદ કરો. “અય્નલ્ હસનો અય્નલ્ હુસૈનો અય્ન અબ્નાઉલ્ હુસૈન “ક્યાં છે હસન(અ.સ.)? ક્યાં છે હુસૈન(અ.સ.)? ક્યાં છે હુસૈન(અ.સ.)ના ફરઝંદો? ક્યાં છે એક પછી એક નેકુકાર? કયાં છે સદાકતની એક પછી એક હસ્તી? અને ત્યાર બાદ ખાસ કરીને ઇમામ હુસૈન(અ.સ.)નો ઝિક્ર છે…..
“અય્નત્ તાલેબો બે દમિલ્ મક્તુલે બે કરબલા?
“ક્યાં છે કરબલામાં શહીદ થનારાઓના ખુનનો બદલો લેનાર?
આ રીતે દર જુમ્આના ઇમામે ઝમાના(અ.સ.)ની સાથો સાથ ઇમામ હુસૈન(અ.સ.)ની યાદ તાજી થાય છે.
ઝિયારતે આશુરા અને હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઝિક્ર:
ઝિયારતે આશુરા ખુબ જ ભરોસાપાત્ર અને પ્રમાણિત ઝિયારતોમાંથી છે. અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)એ અને ખાસ કરીને ઇમામે ઝમાના(અ.સ.)એ તેને દરરોજ પઢવાની તાકીદ કરી છે અને રિવાયતોમાં તેનો ખુબ જ સવાબ બયાન થયો છે. આ રિવાયતમાં પણ હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઉલ્લેખ છે.
“અંય યરઝુકની તલબ સારેક મઅ ઇમામિન્ મન્સૂરિન મિન અહલેબૈતે મોહમ્મદિન સલ્લલ્લાહો અલય્હે વ આલેહ
“ખુદાયા! મને તૌફિક અને ખુશનસીબી અતા કર કે હું એહલેબૈત(અ.મુ.સ.)ના મન્સૂર ઇમામની સાથે આપનો બદલો લઇ શકું
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ આ આયત- “વમન કોતેલ મઝ્લૂમન વિશે ફરમાવ્યુ:-
“સુમ્મેયલ મહદી મન્સૂરા
હઝરત ઇમામ મહદી(અ.સ.)ને મન્સૂર કહેવામાં આવે છે. જેવી રીતે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)ને અહમદ(સ.) અને મોહમ્મદ(સ.) કહેવામાં આવે છે અને જનાબે ઇસા(અ.સ.)ને મસીહ કહેવામાં આવે છે.
એટલે કે હઝરત ઇમામ મહદી(અ.સ.)નું એક નામ મન્સૂર પણ છે.
ઝિયારતે આશુરામાં છે:
“અંય યરઝુકની તલબસારી મઅ ઇમામિમ મહદીય્યીન્ ઝાહેરિન્ નાતેકિન્ મિન્કુમ
“ખુદાયા! મને ઇમામ મહદી(અ.સ.)ની સાથે ઇમામ હુસૈન(અ.સ.)ના ખુનનો બદલો લેવાની તૌફિક અતા કર અવી રીતે કે તેઓ ઝાહેર હોય અને વાતચીત કરતા હોય.
આ રીતે આ વાક્યોમાં હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહૂરની પણ દુઆ છે. સાથે સાથે હકની મદદ કરવાની પણ દુઆ છે અને ઇમામ હુસૈન(અ.સ.)ના ખૂનનો બદલો લેવાની પણ દુઆ છે.
આશૂરાનો દિવસ અને ઇમામ મહદી(અ.સ.)ની યાદ:
જેવી રીતે ઝિયારતે આશૂરામાં હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઉલ્લેખ છે તેવી રીતે આશૂરાના દિવસના આમાલમાં એક મહત્વનો અમલ હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની મહાન મુસીબત પર એક બીજાને પુરસો દેવો છે અને પુરસો આપવાનો તરીકો આ મુજબ શિખવાડવામાં આવ્યો છે.
“અઅ્ઝમલ્લાહો ઓજૂરના બે મોસાબેના બિલ હુસૈન(અ.સ.) વ જઅલના વ ઇય્યાકુમ મેનત્તાલેબીન બે સારેહી મઅ વલીય્યેહી અલ્ ઇમામિલ મહદીય્ય મિન આલે મોહમ્મદિન અલયહેમુસ્સલામ
“ખુદાવંદે આલમ હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની મહાન મુસીબત ઉપર અમારા અજ્ર અને સવાબમાં વધારો કરે. અમને અને તમને ઇમામ હુસૈન(અ.સ.)ના વારિસ હઝરત મહદીએ આલે મોહમ્મદની સાથે તેમનો બદલો લેવાવાળામાં શુમાર કરે.
આ રીતે આ મહાન મુસીબતના દિવસે પણ ઇમામ હુસૈન(અ.સ.)ની મુસીબતની સાથે યાદે મહદી(અ.સ.) છે.
ઇમામ હુસૈન(અ.સ.) અને રજઅત:
ઇસ્લામી તાલીમ મુજબ જેવી રીતે હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઝુહુર ચોક્કસ અને યકીની છે, તેવી જ રીતે રજઅત પણ ચોક્કસ અને નિ:સંશય છે. રજઅત એટલે હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુર બાદ જે લોકો આ દુનિયાથી ગુજરી ગયા છે તેઓને ફરીવાર જીવતા કરવામાં આવશે. રજઅતને એ લોકો જ અશક્ય સમજે છે જેઓ કયામતમાં માનતા નથી. જે લોકો કયામતમાં તમામ મુર્દાઓને ફરી જીવંત થવાની બાબતમાં માન્યતા ધરાવે છે તેઓ માટે અમુક લોકોનું કયામત પહેલા હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુર અને તેમની હુકુમતના ઝમાનામાં ફરીવાર જીવંત થવું એ કોઇ આશ્ર્ચર્યની વાત નથી પરંતુ સુન્નતે ખુદા મુજબ છે.
જે લોકોની રજઅત થશે તેમાં એક ઇમામ હુસૈન(અ.સ.) છે. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ની રિવાયત મુજબ સૌથી પહેલા જેના માટે જમીન ફાટશે અને દુનિયામાં પાછા ફરશે તે હઝરત ઇમામ હુસૈન ઇબ્ને અલી(અ.સ.) છે.
(બેહારૂલ્ અન્વાર, ભાગ:૫૩, પાના:૩૯ /
તફસીરે બુરહાન, ભાગ:૨, પાના:૪૦૮)
એક અન્ય રિવાયતમાં હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.) એ ફરમાવ્યું:
“સૌથી પહેલા જે લોકોની રજઅત થશે તે હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબે બાવફા છે. તેમની સાથો સાથ યઝીદ અને તેના લશ્કરીઓની પણ રજઅત થશે અને તેઓ બધાને કત્લ કરી દેવામાં આવશે.
ત્યાર બાદ હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ આ આયતે શરીફાની તિલાવત કરી:
“સુમ્મ રદદ્ના લકોમુલ્ કર્રત અલય્હીમ્ વ અમ્દદ્નાકુમ્ બે અમ્વાલીન્ વ બનીન વજ્અલ્નાકુમ અક્સર નફીરા
(સુ. બની ઇસરાઇલ, આયત:૬)
“પછી અમે તમને તેઓ પર ફરીવાર સત્તા આપીશુ માલ અને ઔલાદથી તમારી મદદ કરીશું અને તમારી ગણતરીમાં વધારો કરીશું.
(બેહારૂલ્ અન્વાર, ભાગ:૫૩, પાના:૭૬ /
નુરૂસ્સકલૈન, ભાગ:૩, પાના:૧૪૦)
હઝરત ઇમામ મોહમ્મદે બાકિર(અ.સ.)ની એક રિવાયતમાં છે:
“શબે આશુર હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાના સાથીઓને ફરમાવ્યું: “……..તમને સૌને જન્નતની ખુશખબરી થાય. ખુદાની કસમ જે કાંઇ આપણી સાથે થવાવાળુ છે તેના પછી આપણે બધા એટલા દિવસ આરામ કરીશું જ્યાં સુધી ખુદા ચાહશે
સુમ્મ યુખ્રેજોનલ્લાહો વ ઇય્યાકુમ્ હત્તા યઝ્હર કાએમોના ફ યન્તકેમો મેનઝ્ઝાલેમીન
“પછી ખુદાવંદે આલમ અમને અને તમને ફરીવાર જીવતા કરશે જ્યારે અમારા કાએમ(અ.સ.)નો ઝુહુર થશે, પછી ઝાલિમોથી બદલો લેવામાં આવશે તમે અને અમે તેઓને રસ્સીઓ અને સાકળોમાં ઝકડાયેલા જોશું તેમજ સૌથી ખરાબ અઝાબમાં જોશું.
(કિફાયતુલ્ મુહ્તદી, પાના:૧૦૫-૧૦૬)
આપે જોયું કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને હઝરત ઇમામ મહદી(અ.સ.)ની વચ્ચે કેટલો ગાઢ સંબંધ છે. દરેક જગ્યાએ એક-બીજાનો ઝિક્ર છે. એક-બીજા માટે ખુશખબરી દેનારા અને મકસદની સંપૂર્ણતા કરવાવાળા ખુદાવંદે આલમ આપણને સૌને હઝરત વલીએ અસ્ર(અ.સ.)ના મુખ્લીસ ખિદમત ગુઝારોમાં શામિલ કરીને હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના વફાદાર સાથીઓની સાથે મહશુર ફરમાવે. આમીન.
યા રબ્બલ્ હુસૈન બે હક્કીલ્ હુસૈન ઇશ્ફે સદ્રલ હુસૈન બે ઝુહુરીલ્ હુજ્જત
(આ લેખ “મેગેઝીન ઇન્તેઝારના પ્રથમ વર્ષના બીજા અંકમાંથી લીધેલ છે.)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *