આકા! અમારા દિલોને સાંત્વન આપો

Print Friendly, PDF & Email

‘બારે ઇલાહા! ઇમામ ઝમાના (અ.સ.)ના તુફૈલમાં અમારા દિલોને સાંત્વન આપ.’- દોઆએ ઇફતેતાહ
એ ધર્મ કે જેનો ઉદય જ એ માટે થયો કે તે માનવીના ચારિત્ર્યને ઉચ્ચતાના શિખર સુધી પહોંચાડી દે. પ્રેમ અને મોહબ્બત ભાઇચારા અને સરખાપણાની લાગણીને દરેક માનવીના દિલના ઉંડાણ સુધી ભરપુર કરી દે. તિરસ્કાર, અત્યાચાર અને અસમાનતાનો અંત આવે. અરસ પરસ દુશ્મની, કિન્નાખોરી, અદાવત બૂગ્ઝ અને ઇષ્ર્યા જેવી આત્માની બિમારીઓ દૂર થઇ જાય. તો પછી લોકો એમ કેમ કહે છે કે ‘ઇસ્લામ શ્રેષ્ઠ ધર્મ છે પરંતુ મુસલમાનો સૌથી ખરાબ કૌમ છે.’ શા માટે ઇસ્લામવાળા વેરવિખેર થઇને ઉમ્મતની એકતામાં ફાટફૂટ પાડી રહ્યા છે? શા માટે અસર પરસ વેર, કિન્નાખોરી અને ઇષ્યાળાની ભાવના સેવે છે? શા માટે એકબીજાના દિલ પરસ્પર મળતા નથી? શા માટે એકબીજાનો તિરસ્કાર કરે છે? આ બધા પ્રશ્ર્નોનો એક માત્ર ઉત્તર છે. આપણને આપણાં રેહબરોની – માર્ગદર્શકોની અમલી જીંદગી અને તેમના હુકમોની – સૂચનોની જાણ સુદ્ધાં નથી. જે કાંઇ આપણે અમૂક અંશે જાણીએ છીએ તેનું પણ આપણે અનુસરણ કરવા ઇચ્છતા નથી. જેનું સીધું પરિણામ વેરવિખેર અને વિરોધ છે.
આવો! આપણે આપણા જમાનાના ઇમામ, હઝરતે હુજ્જત, મોહમ્મદ બીન અલ હસન અલ અસ્કરી (અ.સ.)ના આદેશોના પ્રકાશમાં આપણી આદતો, સંસ્કાર અને ચારિત્ર્યનું પૃથ્થકરણ કરીએ, તપાસીએ અને વિચાર કરીએ કે આપણે તેમના આદેશોનું – હુકમોનું કેટલું અનુસરણ કરીએ છીએ? શું આપણે તેમની સમિપતા પ્રાપ્ત કરવાને બદલે (નઝદીક જવાને બદલે) અલિપ્ત તો નથી થઇ રહ્યાને (દૂર તો નથી જઇ રહ્યાને?) શું આપણે તે લોકોમાંથી હોઇએ જેના માટે હઝરત (અ.સ.) એ ફરમાવ્યું :
‘ફમા યહબેસોના અનહુમ ઇલ્લા મા યત્તસેલો બેના મીમ્મા નોકેરહોહુ વલા નોવસેરોહો મીનહુમ’
‘ …… બસ અમને કોઇ વસ્તુ તેમનાથી દૂર નથી કરતી સિવાય એ કે તેમના એ ચાલ-ચલણની ચારિત્ર્યની ખબર જે અમને પસંદ નથી અને જેને અમે જાએઝ નથી ગણતા.’
(બેહાર 176/53)
શું એવું તો નથીને કે આપણે ઇમામ ઝમાના (અ.સ.) ના એ કથન અન્વયે માથું ઉંચકનાર અને વિરોધી ગણાઇએ.
‘જો અમારા શીયા – ખુદા તેઓને અનુસરણ કરવાની તૌફીક આપે – તેમના વાયદા અને સ્થાન ઉપર હોળી મળીને હૃદયપૂર્વક અટલ રહેત તો અમારી લાભદાયી મુલાકાતમાં વિલંબ ન થાત.’
શું આપણે ક્યારે ઇમામ ઝમાના (અ.સ. )એ કથન ઉપર ચિંતન કર્યું છે કે તકવા – પરહેઝગારી ઇખ્તેયાર કરવાથી આપણી પરેશાનીઓ – તકલીફો દૂર થાય છે.
‘(એ મુફીદ (રહ)! તમારા દીની બીરાદરોમાંથી જે પોતાના ખુદાથી ડરતા હશે (તકવા ઇખ્તેયાર કરશે.) અને જે કાંઇ (બીજાઓની) તેના ઉપર હક છે તે હકદારોને પહોંચાડી દેશે, તે બાતીલ ફીત્ના-ફસાદોથી, ઝઘડાઓ અને ઘટાટોપ અંધારી આફતોથી અને પરેશાનીઓથી સુરક્ષિત રહેશે.’ (ઇમામે ઝમાના (અ.સ.) એ એક પત્રમાં શેખ મુફીદ (ર.અ.) ને લખ્યું છે.)
શું આપણે તેની ઉપર ક્યારેય વિચાર કર્યો? ઇમામે ઝમાના (અ.સ.) એ આપણને બીન-જરૂરી અને અર્થહીન સવાલો કરવાથી રોક્યા છે,
‘ફ-અગલેકુ અબ્વાબસ્સવાલે અમ્મા લા યગનેયકુમ’
‘તે બાબતો વિષે સવાલ ન કરો જે તમારા માટે ફાયદાકારક નથી.’
જો માનવી ધૈર્યવાન હોય તો સખતમાં સખત મુશ્કેલી પણ તેના માટે સહેલી થઇ જાય છે. ધૈર્યના ગુણ અલ્લાહ પાસેથી મળે છે. એટલા માટે ઇમામે ઝમાના (અ.સ.) ફરમાવે છે કે આપણે ખુદાનો એ ગુણ પ્રાપ્ત કરવો જોઇએ.
‘ઇન્નલ્લાહ દવાનાતીન વ અન્તુમ તસતઅજેલુન’
‘ખુદાવંદે આલમ ધૈર્યવાન છે જ્યારે તમે ઉતાવળ કરો છો (ઉતાવળા છો).’
શું આપણે અહલે-બૈત (અ.સ.)ના શીયાઓની સેવા કરવા માટે સમય ફાળવીએ છીએ? ક્યારેય દોસ્તો, સંબંધીઓ અને દીની ભાઇઓની મુશ્કેલીઓને હલ કરવાના પ્રયત્નો કરીએ છીએ? શું તેમની જરૂરિયાતો પુરી કરવા માટેનો વિચાર આપણા દિલમાં ક્યારેય આવે છે? કદાચ ના! પરંતુ હઝરત મહદી (અ.સ.) ફરમાવે છે :
‘અરખીસ નફસક’
‘તમારી જાતને લોકો માટે ફાળવો’(જેથી લોકો સહેલાથી તમારા સુધી પહોંચી શકે. એટલા માટા ન બનો કે સામાન્ય માનવી તમારા સુધી ન પહોંચી શકે અથવા તમે સામાન્ય માનવીને મળવાનું પસંદ ન કરો.)
‘વકઝે હવાએજન્નાસે, નહનો નનસોરોક’
‘લોકોની જરૂરિયાતોને પુરી કરો. અમે તમારી મદદ કરીશું.’ શું આપ જાણો છો કે ઇમામ ઝમાના (અ.સ.) ને તકવા પસંદ છે. અને મુત્તકી લોકોના મુશ્કેલ કાર્યોને ઇમામ (અ.સ.) સહેલા કરી દે છે, તેથી આપ ફરમાવે છે :
‘ફત્તકુલ્લાહ વ સલ્લેમુ લના વરૂદુલ અમ્ર એલયના ફઅલયનલ ઇસદાર’
‘તમે ખુદાથી ડરો. (તકવા ઇખ્તેયાર કરો) અને અમારી તરફ ફરમાંબરદાર થઇ જાવ. (દરિક રીતે અમારા થઇ જાવ.)તમારા દરેક કાર્યોને અમારી ઉપર છોડી દો (અમારા ઉપર વિશ્ર્વાસ રાખો.) તો પછી અમારા જવાબદારી છે કે તમને (દરેક પ્રકારની) પરેશાનીઓથી મુક્ત કરીએ.’ (કલેમતુલ ઇમામ અલ મહદી ભાગ – 1, પાના નં. 302)
હઝરત મહદી (અ.સ.) જનાબ ઉસ્માન બની સઇદ ઉમરવી અને તેમના પુત્ર મોહમ્મદ બીન ઉસ્માન દ્વારા પોતાન ચાહકોને હુકમ આપે છે કે :
‘ફલ – યદઉ અન્હમ ઇત્તેબાઅલ હવા’
‘તેઓને માટે જરૂરી છે કે ભૌતિક અને શારીરિક વાસનાઓને તજી દે.’ શું આપણે ક્યારેય એ વાતનો વિચાર કર્યો છે કે આપણામાં ભૌતિક અને શારિરીક વાસનાઓનું પ્રમાણ કેટલું વિશેષ છે? શું તમે જાણો છો કે અમૂક લોકો શરાબ પીવો સંસ્કારિક્તાનો એક ભાગ સમજે છે. જ્યારે ઇમામે ઝમાના (અ.સ.) ફરમાવે છે :
‘અલ – ફુકકાઓ ફસુરબોહો હરામુન’
‘જવનો શરાબ (બીયર) પીવો હરામ છે.’(કલેમતુલ ઇમામ મહદી 1/286)
વાંચકો બિરાદરો! આપણી ફરજ છે કે આપણે ઇમામ ઝમાના (અ.સ.) ની આ હદીસોના પ્રકાશમાં આપણા આત્માનો હિસાબ કરીએ. વિચારીએ કે ક્યાંક કદાચ આપણે હલાકત-બરબાદી તરફ તો નથી જઇ રહ્યાને?
કારણકે ઇ. ઝમાના અ.સ. ના હુકમને ન અનુસરવું તે નિશંક હલાકત-બરબાદી છે. પયગમ્બરે ઇસ્લામ સ. ફરમાવે છે:
‘વલા તો કદ્દેમુહમ ફતહલેકુ.’ (સવાએકે મોહરેકા,પા. 89)
‘તમે તેમનાથી (અઇમ્મા અ.સ.થી) આગળ વધવાની કોશીષ ન કરો કે જેથી તમે હલાક થઇ જાવ.’
અંતમાં ખુલાસા રૂપે ઇમામે ઝમાના (અ.સ.) નો હુકમ અને તે હુકમની સ્પષ્ટતા માટે એક દોઆ જે ખુદ ઇમામ (અ.સ.) એ શીખવી છે તેની નકલ કરી રહ્યા છીએ.
‘ફલ – યઅમલ કુલ્લો ઇમરીન – મીન્કુમ યોકરેરેબો બેહી મીન મહબ્બતેના વલ – યતજન્નબ મા યુદબીનીહે મીન કરાહતેના વ સખતેના.’
‘તમારે સૌએ એવા કાર્યો કરવા જોઇએ જે અમારા મોહબ્બતથી નજદિક કરી દે. અને તેવા કાર્યોથી દુર રહેવું જોઇએ જે અમને પસંદ નથી અને અમારી નારાજીનું કારણ છે.’
નીચેની દોઆના શબ્દો ઉપર વિચાર કરીએ :
‘તરજુમો : એ ખુદા! અમને તૌફીક અતા કર, (1) ઇતાઅત કરવાની (2) ગુનાહોથી દૂર રહેવાની (3) નિય્યતની સચ્ચાઇની (4) જવાબદારીઓની ઓળખની (5) માર્ગદર્શન અને સાબીત-કદમ દ્વારા મહાનતા અને કરામતની (6) અમારા પેટને હરામ અને શંકાવાળા ખોરાકથી પાક કર. (7) અમારા હાથોને ચોરી અને ઝુલ્મથી દૂર રાખ. (8) અમારી દ્રષ્ટિને નાપાકી અને ખયાનતથી દૂર રાખ. (9) અમારા કાનોને બેહદી વાતો અને ગીબત સાંભળવાથી રોકી દે. એ ખુદા અમારા ઉપર ફઝલ અને કરમ ફરમાવ. (10) સ્ત્રીઓ ઉપર લાજ, શરમ અને પાક – દામની થકી (11) શ્રીમંતો ઉપર નમ્રતા અને ઉદારતા થકી (12) ગરીબો અને મોહતાઝો ઉપર ધૈર્ય અને સંતોષ દ્વારા’
‘ઇશાફે બેહી સોદુરના’
– અમારા દિલોને સાંત્વાન આપો

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *