હઝરતે હુજ્જત (અજ.) ની ગયબત ના કારણો

Print Friendly, PDF & Email

ખુદાવન્દે મુતઆલે ઇન્સાનને શ્રેષ્ઠતાનો ઉચ્ચ દરજ્જો આપ્યો અને વિશ્ર્વની તમામ નેઅમતો સોંપીને બીજી વસતુઓ પર કાબુ અને ફઝીલત આપી. ખુદાવન્દે આલમે ફરમાવ્યું કે : મેં ઇન્સાને સૌથી સારા અવયવો સાથે પૈદા કર્યા છે. જમીન હોય કે પર્યાવરણ, સમુદ્ર હોય કે પહાડ, જંગલ હોય કે રણ આ બધી કુદરતી સંપતિઓ ઉપર માત્ર શ્રેષ્ઠતા જ નહીં પણ કબજો અને કાબુ આપી તેની ઉપર પ્રભુત્વ આપ્યું પરંતુ તેની સાથે એ પણ ઇરશાદ ફરમાવ્યું કે : જ્યારે મેં ઇન્સાનને પાછો ફેરવ્યો ત્યારે તેને સૌથી ઝલીલ અને હલકી મખ્લૂકમાંથી ગણ્યો. ઇન્સાનની ફઝલીત અને શ્રેષ્ઠતા વ્યક્ત થઇ શકે તે માટે તેને જે કાંઇ કરવું હોય તે કરવાની શક્તિ પણ આપવામાં આવી તેને બધી બાબતો કરવાની શક્તિ અને છૂટ આપવાની સાથે તેની હીદાયતનો સંપૂર્ણ પ્રબંધ પણ કરવામાં આવ્યો. અને તેની રીત અને પદ્ધતિ પણ નક્કીકરી દેવામાં આવી. જેથી તે પોતાના અધિકારનો ખોઠો ઉપયોગ ન કરી બેસે અને શયાતાનની ચુંગલમાં ફસાઇ ન જાય. ઇન્સાને અકલ આપીને સારી અને ખરાબ વસ્તુઓ વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ આપવામાં આવી તેમજ એક લાખ ચોવીસ હજાર અંબિયાનો એક ક્રમ નિશ્ર્ચિત કરવામાં આવ્યો જે માનવવંશને બુરાઇથી બચવા માટે એક જીવનશૈલી આપે અંબિયાઓના માર્ગદર્શનનું એક કારણ માનવને તેના છુપા દુશ્મનથી ચેતવવાનું હતું. જેથી તેની રૂહાની પ્રગતિમાં દુનિયાની ભૌતિક અગવડો અને એશોઆરામ રૂકાવટ પૈદા ન કરી શકે. એ અંબિયા પૈકી અમૂકને સરેરાશ જેટલી (માધ્યમ દરની) વય મર્યાદા આપવામાં આવી, કેટલાકોને લાંબી વય આપવામાં આવી, તો અમૂકને નાની ઉમરમાંજ ઉપાડી લેવામાં આવ્યા. કેટલાક અંબિયા એવા છે જેને પહેલા તો જાહેર કરવામાં આવ્યા, પરંતુ પછી તેમની ઉપર ગયબતનો પરદો નથી દેવામાં આવ્યો. કેટલાક નબી એવા હતા જેઓને ખાસ સાલેહ બંદાઓ માટે જાહેર કરવામાં આવ્યા પરંતુ જન સમાજ માટે ગુપ્ત રાખવામાં આવ્યા. જેમ કે હઝરત ખિઝર હઝરત ઇદરીસ વગેરે તે (અલ્લાહ) કાદીરે મુત્લક અને આલમુલ ગોયુબ છે તે પોતાની અદાલતના કારપણે વિશે પોતે જ વિશેષ જાણકારી ધરાવે છે. અલ્લાહ તઆલાએ જ પોતાની અદના મખ્લુક – ઇન્સાનને પોતાની અબુબીયતના ભદ અને રહસ્યોનું થોડું ઇલ્મ આપ્યું અને પોતાની સિફતોથી વાકેફ કર્યો.
જ્યારે નબીઓનો સીસીલો ખતમુલ મુરસલીન, અશરફુલ અંબિયા મોહમ્મદે મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ ઉપર પૂરો થયો ત્યારે તેઓની સીરત, શરીયત અને કિતાબના રક્ષણ માટે આં હઝરત (સ.અ.વ.) ના અવસીયા (અઇમ્મએ માસુમીન અ.સ.) નો સલસીલો શરૂ થયો. જે સીલસીલો કયામતના પ્રભાત સુધી ચાલુ રહેશે. અને તે સીલસીલો ચાલુ રાખવાની જવાબદારી ખુદ ઝાતે અહદીયત (ખુદાવન્દે કરીમ) ઉપર છે. અલબત વિલાયતનો હોદ્દો મન્સુસ મેનલ્લાહ (અલ્લાહ તરફથી નક્કી કરાએલો) છે. તેથી સુન્નતે ઇલાહીનો જે સીલસીલો અંબિયા માટે ચાલુ હતો તેજ સીલસીલો ઇમામતના હોદાને પાત્ર લોકો માટે ચાલુ રહેશે. ઇસ્લામનો ઇતિહાસ એ વાતની સાક્ષી આપે છે કે અમૂક અંબિયાને લાંબી ઉમર આપવામાં આવી હતી. તો કેટલાક નબીઓની વય મર્યાદા ઓછી હતી. કેટલાક અંબિયા જાહેર (માં દેખાતા) હતા તો કેટલાક નબીઓ લોકોની નજરથી છુપાઉતા, અને આજે પણ લોકોની નજરથી છુપા છે. એક લાખ ચોવીસ હજાર પયગમ્બરો પૈકી જે પયગમ્બરોના નામોનો ઉલ્લેખ ઇતિહાસ અને આસમાની કિતાબોમાં જોવા મળે છે, તેની ટકાવારી કાઢવામાં આવે તો ગાયેબ પયગમ્મબરોની સંખ્યા ઘણી ઓછી છે. તેવી જ રીતે ખતમુલ મુસલ્લીન (સ.અ.વ.) ના જાનશીનો પૈકી ગાયબની સંખ્યા માત્ર એક છે. પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) ન આગાહી મુજબ 12 ની સંખ્યા પૈકી 11 અઇમ્મએ માસુમીન (અ.સ.) દુનિયાના લોકોની સમક્ષ આવ્યા અને પોત – પોતાના યુગમાં રક્ષણ કરતા રહ્યા એટલે કે ઇમામતના હોદ્દાની ફરજ આગથી વધુ ગરમ, પ્રતિકૂળ અને કાતિલ વાતાવરણમાં બજાવતતા રહ્યા. અને એ ફરજ બજાવીને પોતાની પવિત્ર પ્રતિમા વડે નૂરના મિનારા સ્થાપિત કર્યા એ નૂરના મિનારા ઇતિહાસના અંધકારમાં હકને કયામતના દિવસ સુધી ચમકાવતા રહશે. એ અઇમ્મએ માસુમીન (અ.સ.) માં પણ અગાઉના નબીઓની જેમ વય અને ઇમામતની મુદ્દત વધારે કે ઓછી જોવા મળે છે. ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની વય 28 વર્ષની હતી. તેઓનો ઇમામતનો યુગ હી. 254 થી 260 નો એટલે કે 6 વર્ષ સુધી રહ્યો. આપના ફરઝંદે અરજુમંદની વિલાદત હીજરી 255 માં થઇ હતી. એટલે કે આખરી ઇમામતનો હોદ્દો શરૂ થયો હતો. તે વખતે આપ (સ.અ.વ.) ની વય પાંચ વર્ષની હતી અને આપની વય કેટલી લાંબી છે તે ખુદાવન્દે અઝઝ – વ – જલ સિવાય કોઇ જાણતું નથી. જ્યારે આપ ઝુહુર ફરમાવશે ત્યારે દુનિયાને એવી રીતે અદલો ઇન્સાફથી ભરી દેશે, જે ઝુલ્મો – અત્યારચારથી ભરેલ હશે. આમ તો આજે પણ આપ (અ.સ.) ની હકુમત છે અને આપણે બધા તેઓ (અ.સ.) ની સંપતિન ઉપયોગ કરી રહ્યા છીએ. અને તમેની સત્તાના પરિધમાં નિવાસ કરી રહ્યા છીએ. આ આંતરિક અને જાહેરી હકુમતના યુગનું નામ ગયબત અને ઝુહર છે.
અત્રે અકે વિસ્મયકારક વાત એ છે કે વિદ્વાનો અને દાનીશમંદો ચિંતનની તેજ ધારાઓમાં ઠોકર ખાઇ રહ્યા છે. તેઓમાં રહેતો (આંતર) માનવ જાણે કે બોલી રહ્યો છે આ સમૂહને દરેક ઇન્સાન જાણે છે કે : નિર્દોષ માણસો સાથે અન્યાય, તેઓ ઉપર કરવામાં આવતા અત્યાચાર, બેસહારા લોકોનું દુ:ખ અને વ્યાકુળતા, વીરાન થએલા ઘર, પેટમાં ભડકી રહેલી ભૂખને આગના અંગારા, આંખોમાં છવાએલી સફેદી, માતાની છાતી સાથે વળગેલા નાદાર માસૂમ બાળકો, હાથોમાં ખાલી પ્યાલા, આ બધા લોકો કોઇ અજાણ્યા માર્ગ ઉપર ચાલી રહ્યા છે. તેઓ કોઇ મંઝીલની શોધ કરી રહ્યા છે. કોઇને કોઇ જગ્યાએ તો તેમની મંઝલ હશે જ્યાં ન્યાય અને સમાનતા હોય, કુશળતા નજરે પડતી હોય, જ્યાં તેમનો અવાજ સાંભળનાર કોઇ હોય, જ્યાં નિરાંતનોદમ તેવી ઠંડી જગ્યા હોય. તમામ મઝહબોની દીવારોની તીરાડમાંથી આ અવાજ આવી રહ્યો છે અને માનવતાના કાફલાની ગતિ તેમની મંઝીલ ભણી આગળ વધી રહી છે. એટલે એક મંઝીલ એવી અવશ્ય છે. જ્યાં એ છૂટકારો ન મેળવી શકાય તેવી – અસાધ્ય બલાઓ સુરક્ષિત રાખનાર તેઓને પોતાની તરફ બોલાવી રહ્યા છે. જેના રસ્તાઓ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. પરંતુ મંઝીલ નજરોથી ગયાબ છે. જો એમ ન હોત તો આ તન્મયતા, તત્પરતા, આ હીચાલ આ આગેકૂચ થંભી જતે અને જુલ્મ અને જૌર પૈદા કરનારની તાકત કમજોર થઇ જવાની આશાનો પણ અંત આવી જાત. (આ આશાની રૂહ ગયબતનું એક કારણ છે.) કેટલો અજબ જાત. (આ આશાની રૂહ ગયબતનું એક કારણ છે.) કેટલો અજબ તર્ક છે. ત્રણ પ્રકારના કાર્યો એવા છે જે ગયાબ છે તેની ઉપર યકીન છે, જેમ કે :
(1) માનવજાતમાં ખાસ કરીને મઝલુમોનું માર્ગદર્શન.
(2) અંતિમ મંઝીલની આશા
(3) નજાત (મુક્તિ) અપાવનારની કલ્પના. પરંતુ આ ત્રીજા તબક્કે પહોંચીને યકીન ડગમગવા લાગે છે, જ્યારે નજાત આપવનાર ના અસ્તિત્વનો સવાલ આવે છે. ત્યારે વિદ્વાન લોકો કહે છે કે ન તો તેનું કોઇ અસ્તિત્વ છે અને ન તો તે કાળ અને સ્થળમાં જોવા મળે છે. અહીં ફક્ત ઇસ્લામ જ એક માત્ર એવા મઝહબ છે. જેમાં સ્થળ અને કાળ સાથે મુક્તિ અપાવનારના અસ્તિત્વનો આદર્શ જોવા મળે છે. અને તેઓના વજુદને એવી રીતે પારખવામાં આવે છે જે રીતે વાદળાની સફેદ કીનારી જોઇને સૂરજ હોવાની કલ્પના કરવામાં આવે છે.
ઉમ્મતે ઇસ્લામના મહાન આલીમો સામાન્ય રીતે અને શિયા આલીમો વિશેષ રીતે આ પાણીદાર મોતીને તહકીક (ખાત્રી) કરી, સમજી પારખીને દલીલ તેમજ ઇતિહાસ અને રિવાયતોના પ્રકાશમાં તપાસીને તેમના વજુદને સ્વીકારે છે. આ અકીદો એક એવી મજબૂત બુનીયાદ ઉપર રહેલો છે, જેને કોઇ જરા પણ હલાવી શકે તેમ નથી. આં હઝરાત (અ.જ.) નું નૂર મસ્લેહતે પરવરદિગારના પરદામાંથી નીકળીને વિશ્ર્વના અસ્તિત્વને હુંફ આપી રહ્યું છે.
એક પ્રશ્ર્ન જે આપણી અને બીજાઓની વચ્ચે ઘણો મહત્વનો છે અને આ પ્રશ્ર્ન ઘણા જ પૂર્વાગ્રહ સાથે ઉઠાવવામાં આવે છે, અને તે પ્રશ્ર્ન એ છે કે એ કઇ હસ્તી છે જે અલ્લાહના પ્રતિનિધી છે, જે દુનિયાના મઝલૂમો, બેક્સો અને નબળા લોકોને જબરદસ્ત અને જાલિમોના પંજામાંથી મુક્તિ અપાવનાર છે ? હકીકતમાં જો તે હસ્તી છે તો પછી બહાર (સામે) કેમ નથી આવતી ? ગયબતમાં શા માટે રહે છે ? અને ગયબતમાં છે તો ગયબતની આટલી લાંબી મુદ્દત – જેને અનંત (અસીમ) કહી શકાય એટલી લાંબી કેમ છે ? આખરે આ બાબતોના કારણ શું છે ?
પહેલી વાત તો એ કે આગળ આ લેખની પ્રસ્તાવનામાં કહી ગયા તે પ્રમાણે, જે બાબતો અંબિયા માટે જરૂરી ગણવામાં આવી છે તે જ બાબતો અવસીયા (વારસદારો) માટે પણ છે. નબીઓનો ઇતિહાસ એ વાતની સાક્ષીરૂપ છે કે, નબીઓ હીદાયતના રસ્તા ઉપર ચાલવાનું કહેતા કે તુરત જ તાગુતી (શયતાની) શક્તિઓ જાલિમ સત્તાધીશો સાથે ભળી જતી અને બંને શક્તિઓ સાથે મળીને નબીના માર્ગમાં એટલા બધા અવરોધરૂપ બની જતા કે તેઓ તેમના કામમાં આગળ વધી ન શકે. પરંતુ નબીઓએ તેમના મીશન (કાર્યસિદ્ધ કરવાના લક્ષ)ને છોડી દીધું ન હતું. તેઓ તેમના લક્ષની પૂર્તિ માટે આગળ વધતા જ રહ્યા. તેઓની વિચારધારામાં ક્યારેય ઢીલ કે ઓછપ આવી ન હતી. એટલું જ નહીં તેઓનો વિચાર સુદ્ધા ક્યારેય પણ ચલિત થયો ન હતો. કોઇ અંબિયા વિશે ઇતિહાસમાં એવું જોવા મળતું નથી કે તેઓ લોકો, વિરોધીઓ હકુમત, કે સત્તાધિશોથી ડર્યા હોય. અલબત એવું બન્યું છે કે જ્યારે કોઇ કોમ ગુન્હામાં ગળાડૂબ થઇ ગઇ હોય તે (ગુનાહોમાંથી બહાર નીકળવાજ ન માંગતી હોય એટલે કે ગુન્હા રૂપીસાગરના તળિયે પહોંચી ગઇ હોય) ત્યારે જે તે જમાનાના નબીએ બદદુવા કરી હોય અથવા મુસીબતો ઉઠાવીને ગમગીન હૈયે દુનિયાથી વિદાય લીધી હોય. અથવા તો ખુદાવન્દે આલમે તે નબીને ઉમ્મતની વચ્ચેથી છૂપાવી લીધા હોય એવું પણ બન્યું છે.
હઝરત મૂસા (અ.સ.) ના મીસ્રથી ચાલ્યા જવા અંગેના વાકેઆનો ઉલ્લેખ કુરઆનમાં પણ થયો છે. હઝરત ઇસા (અ.સ.) ને ચોથા આસમાન ઉપર બોલાવી લેવામાં આવ્યા. હઝરત ખીઝર (અ.સ.) અને હઝરત ઇલ્યાસ (અ.સ.) આ કાએનાતમાં મૌજૂદ છે પરંતુ તેઓ ક્યારથી ગાયેબ છે તેઓ ઉલ્લેખ ઇતિહાસમાં પણ નથી.
આવો, હવે જરા ઇતિહાસના પાનાઓ ઉથલાવીને જોઇએ કે ઇમામ મહદી અલયહિસ્સલામની ગયબતની પૂર્વભૂમિકા શું હતી ? એ પૂર્વભૂમિકા જોતા એ વાત સ્પષ્ટ થઇ જશે કે આં હઝરત (અજ.) ની ગયબતના એતિહાસિક કારણો પણ અંબિયાની ગયબતના ઇતિહાસ જેવા જ નજરે પડે છે.
હીજરી સન 220 માં સામર્રામાં બની અબ્બાસની હકુમત સ્થાપિત હતી. હીજરી સન 234 માં અબ્બાસી ખલીફા મુતવક્કીલે યહ્યા બિન હરસમાને મોકલીને હઝરત ઇમામ અલી નકી અલયહિસ્સલામને મદીનાથી સામર્રા બોલાવ્યા. આપની સાથે ઇમામ હસન અસ્કરી (અ.સ.) પણ હતા. તે સમયે આપ (અ.સ.) (ઇમામ હસન અસ્કરી અ.સ.) ની વય બે વર્ષની હતી હિજરી સન 247 માં મુતવક્કીલ નશાની હાલતમાં હતો તયારે તેની હત્યા થઇ ગઇ. એ ચૌદ વર્ષનો યુગ જેમાં ઇમામ હસન અસ્કરી અલયહિસ્સલામે એમના પિદરે બુઝુર્ગવારની સાથે જે સખ્તીઓ અને મુસીબતો ઉઠાવી હતી તે મુસીબતો લખી ન શકાય તેટલી અસહ્ય હતી. તે જમાનામાં ઇમામે હુસૈન (અ.સ.) ની કબ્રની ઝિયારત કરવા ઉપર પ્રતિબંધ હતો, તેમજ તેમની કબ્રના નિશાન મીટાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા, જે નિષ્ફળ નીવડ્યા હતા. ઇમામ હસન અસ્કરી (અ.સ.) અને ઇમામ અલી નકી (અ.સ.) ને તેઓના ઘરમાં નજર કેદ રાખવામાં આવ્યા હતા. તેઓ ઉપર કડક ચોકી પહેરો મૂકવામાં આવ્યો હતો. ક્યારેક મુતવક્કીલ તેઓને કૈદમાં નાખી દેતો, તો ક્યારેક દરબારમાં બોલાવતો ક્યારે આપ (અ.સ.) ને શરાબની મહેફીલમાં બોલાવતો અને શરાબ પીવાનું કહેતો ઇમામ જ્યારે પીવાનો ઇન્કાર કરતા ત્યારે મસ્તીની હાલતમાં પોતે રડવા લાગતો. ઇમામો માટે જાસુસોની જાળ બીછાવી રાખવામાં આવ હતી. મુતવક્કીલના કત્લઅને મુન્તસીર અને તેના પદભ્રષ્ટ થવા પછી મુસ્તઇન ખીલાફતના હોદ્દા ઉપર આવ્યો. મુસ્તઇને ફરી બગદાદને પોતાન રાજધાની બનાવી. છેવટે મુસ્તઇને મોઅતઝીર બિલ્લાહે, સમક્ષ બયઅત કરી લીધી અને ફરીથી સામર્રા રાજધાની બની ગઇ. બસરામાં “સાહેબે ઝંજે” કત્લે આમ મચાવી દીધી હતી. ખુરાસાન અને અહવાઝમાં પણ બળવો થયો હતો, જે દબાવી દેવામાં આવ્યો હતો. એટલે કે કોઇ પણ જગ્યાએ જનતા માટે રાહત ન હતી. હીજરી સન 254 માં ઇમામે હાદી (અ.સ.) ની શહાદત થઇ. હીજરી સન 254 થી 260 સુધી ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની ઇમામતનો યુગ રહ્યો હીજરી સન 255 માં વલીએ અસ્ર મહદી મવઉદ ઇમામ આખરૂઝઝમાની વિલાદત થઇ. ઇમામે હસન અસ્કરી (અ.સ.) ની શહાદત વખતે આપ (અ.સ.) ની વય ફક્ત પાંચ વર્ષની હતી.
ઇમામ હસન અસ્કરી (અ.સ.) મોઅતમિદે અપાવેલ ઝેરથી હિજરી સન 260 ની 8 મી રબીઉલ અવ્વલના શહીદ થયા. આપ (અ.સ.) ના છ વર્ષના ઇમામતના યુગમાં જાસૂસીની પરિસ્થિતિ એવી હતી કે દાયણો ઇમામ (અ.સ.) ના ઘરમાં પરવાનગી વગર પ્રવેશી જતી હતી અને ઇમામે હસન (અ.સ.) ના કુટુંબની સ્ત્રીઓમાંથી કોઇ સ્ત્રી સગર્ભા છે કે નહીં તે બાબતની ચકાસણી કરતી હતી. પરંતુ ખુદાવન્દે મુતઆલે જેવી રીતે હ. મૂસા (અ.સ.) ને તેમની પવિત્ર માતાની પેટમાં સુરક્ષિત રાખ્યા હતા. તેવી જ રીતે ખુદાએ ઇમામે અસ્ર (અજ.) ને જનાબે નરજીસના પેટમાં એવી રીતે સુરક્ષિત રાખ્યા કે તેમના સગર્ભાવસ્થાના ચિહનો જ પ્રગટ થયા નહીં. જાસુસોની જાળ ઇમામ (અ.સ.) ના ઘરથી લઇને કૈદખાના સુધી ફેલાએલી હતી. એક વાર ઇમામ હસન અસ્કરી (અ.સ.) ને સાલેહ બિન વસીફ (તુર્ક) ના કૈદખાનામાં બંધ કરી દેવામાં આવ્યા. જ્યાં પહેલેથી જ આપની પહેલા આપના ખાસ વિશ્ર્વાસુ માણસો જેમ કે અબુ હાશિમ જાફરી, દાઉદ બિન કાસિમ, હસન બિન મોહમ્મદ અકીકી, અને મહમમદ બિન ઈબ્રાહીમ અમરી કૈદ હતા. તેમાં એક જમઇ નામનો માણસ હતો. હઝરતે (અ.સ.) આપના અસ્હાબને ચેતવણી આપી કે આ માણસથી સવાધાન રહેજો તે જાસુસ છે તેની તલાશી લેતા તેની પાસેથી રોજની દીનચર્યાની નોંધનો કાગળ મળી આવ્યો. સારાંશ એ કે જાસુસોને (કૈદી સહીતના) દરેક વેશમાં મૂકવામાં આવતા હતા. હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.) પહેલી રબીઉલ અવ્વલના બીમાર થયા અને 8 મી રબીઉલઅવ્વલના તેમની શહાદત થઇ આ આઠ દિવસમાં ખલીફા અબ્બાસીએ હકીમોના એક સમૂહને દરેક અવાતા જતા લોકો ઉપર કડક ચોકી પહેરો રાખવા માટે રોક્યો હતો. ફરઝંદે રસુલ સાથે અબ્બાસી ખલીફા દ્વારા આવો કડક જાપ્તો શા માટે રાખવામાં આવતો હતો ? રસુલે ખુદા (સ.અ.વ.) નો ઇરશાદ છે કે હ. મુસા (અ.સ.) ની ઉમ્મત ઉપર જે વીત્યું છે તે અમારી (ઉમ્મત) ઉપર પણ વીતશે. જે રીતે ફીરઔન એ વાત જાણતો હતો કે હઝરત મૂસા તેની ખુદાઇના દાવાને નેસ્તનાબુદ કરી દેશે. તેવી જ રીતે હદીસવેત્તા અને રિવાયત કર્તાઓ પણ અબ્બાસી ખલીફાને એ વાત યાદ દેવરાવતા રહેતા હતા કે : રસુલ ખુદા (સ.અ.વ.) ના બારામાં જાનીશન કયામ કરશે. અને તેઓ આ જમીનને જુલ્મ અને અત્યાચાર ના અસ્તિત્વથી પાક કરી દેશે. સાહેબે વહી રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમનો આ કૌલ છે જે અચૂક સાચો સાબિત થશે. (આ વાત યાદ દેવરાવામાં આવતા) તે યુગના ખલીફાઓને તેમની ખીલાફતની ગાદી આગની ભઠ્ઠી સમાન લાગવા માંડતી હતી. અને ગભરામણમાં તેઓ સાવચેતીના દરેક પ્રકારના હુક્મો આપવા લાગતા.
એ ભયાનક દિવસોમાં જ્યારે ચારે બાજુ જોખમના વાદળાઓ ઘેરાએલા હતા તે વખતે હિજરીસન 255 માં ઇમામ મહદી (અજ.) ની વિલાદત થઇ. (હ. મુસા અ.સ. ની વિલાદત પણ અવા કપરા સંજોગોમાં જ થઇ હતી.) ઇમામે હસન અસ્કરી અલયહીસ્સલામ ની ઇમામ તરીકે ની ફરજો પૈકીની એક ફરજ એ પણ હતી કે હઝરત હુજ્જત (અજ.) ને દુશ્મનોના જોખમથી સુરક્ષિત રાખે અને તેઓનો પરિચય પોતાના વિશ્ર્વસનીય અને ભરોસાપાત્ર અસ્હાબને કરાવે. જેથી તે લોકોને એ વાતની જાણકારી થાય કે મહદી – એ – મવઉદની વિલાદત થઇ ચૂકી છે. અને આપ (અ.સ.) (ઇમામે હસન અસ્કરી અ.સ.)ની શહાદત પછી પાંચ વર્ષમાં ઇમામતની ફરજ અદા કરશે. પરંતુ ખુદાવંદે મુતઆલની મરજી એ હતી કે તેઓતે એ સમયની પરિસ્થિતિ જોતા લોકોની નજરોથી છુપા રાખે. લોકોમાં ભય અને આંતક, હુકુમતની કડક નજર, જાસૂસોનીફેલાએલી જાળ, ચારેબાજુ ફેલાએલો પ્રપંચ, રાજધાનીમાં આં હઝરતનું રહેણાંક, હકુમતના સિપાહીઓની ચહલ, પહલ, ખાનવાદએ – રિસાલત ઉપર જુલ્મ, જબરદસ્તી, હઝરત (અ.સ.) ના મકાન ઉપર ચોકી પહેરો, આ બધી બાબતોને લક્ષમાં લઇને, જે રીતે આગાઉના નબીઓ માટે અલ્લાહ તરફથી ગયબતનો હકમ થયો હતો. તેવી જ રીતે હઝરતે હુજ્જત સાહેબે અસ્ર વઝઝમાન અરવાહના ફીદાહને પણ નિશ્ર્ચિત સમય મર્યાદા સુધી સુરક્ષિત રાખવા માટે અલ્લાહ તઆલા તરફથી ગયબત ઇખ્તેયાર કરવાનો હુકમ થયો હતો.
ગયબત એક ઇલાહી આયોજન
જો ઉંડાણથી વિચારવામાં આવે અને ઇમામ (અ.સ.) ની ગયબતના વિવિધ કારણો વિશે મનન કરવામાં આવે તો, ઇમામની ગયબતને એક ઇલાહી આયોજન કહેવામાં આવે તો કંઇ ખોટું નહીં કહેવાય. ઇમામ (અ.સ.) નો ઝુહરએ તે આયોજનનો અંતિમ ભાગ ગણાશે. માસૂમ (અ.સ.) ઇરશાદ છે.
મા – મિન મોઅજઝ તિમ – મિન મોઅજેઝાતિલ – અંબિયાએ વલ – અવસેયાએ ઇલ્લા – વ – યુઝહેરૂલ્લાહો – તબારક વ તઆલા મિસ્લહા – ફી – યદેહા એમેનાલે ઇત્મામિલ હુજ્જતે અલલ આઅદાએ. (મિક્યાલુલ મકારીમ પાના નં.95)
અનુવાદ : કોઇ અંબિયા કે અવસિયાને એવા મોજીઝા આપવામાં નથી આવ્યા જેવા મોજીઝા ખુદાવન્દે મુતઆલ અમારા કાએમ (અ.સ.) દ્વારા દુશ્મનો માટે ઇત્મામે હુજ્જત (અર્થાંત કોઇને જે તે વિષયની હકીકત છેલ્લી વખત સમજાવી ફરજ મુક્ત થઇ જવું) અને દુશ્મનોની બહાના બાઝીઓને બંધ કરવા માટે નિર્દેશીત અને જાહેર કરશે.
જેમ જેમ યુગ વીતતો ગયો અને આદમના સંતાનોની વિચારધારા વિવિધ વિચાર શ્રેણીઓમાં વ્હેંચવા લાગી અને જ્ઞાનના વિવિધ ક્ષેત્ર (જ્ઞાનની સુક્ષ્મ દર્શીતા) માં ઝીણવટ ભરી આલોચનામાં વધારો થવાની સાથે રાજકીય અને હુકુમતોના જુલ્મો-અત્યાચારના પ્રકાર પણ બદલાવા લાગ્યા. જ્યારે અંતિમ નબીનો યુગ પણ પસાર થઇ ગયો અને એ યુગ આવી ગયો જ્યારે હેતુ પ્રાપ્તી માટે આ ગયબતના વર્તુળમાં નવી નવી યોજનાઓ ઘડાવા લાગી. એ તમામ વસ્તુઓ જે મકરૂહાતને અત્યંત સુંદર રીતે પ્રસ્તુત કરે છે, તે બધી વસ્તુઓ ને ભેગી કરવામાં આવે તો એ વાત જણાઇ આવશે કે તેની પૂર્વભૂમિકામાં (પર્દા પાછળ) એવા સ્વાર્થ અને મતલબ પરસ્તીની નાની – મોટી અગણિત ચળવળોએ જન્મ લઇને તે ઓઠા હેઠળ ઇલાહી આયોજનની નકલ સમા અસલ અકીદાને વિકૃત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. એટલે કે બજારમાં અસલી સિક્કાની બદલે નકલી સિક્કાઓ આવવા લાગ્યા છે અને આવી કહેવાતી બુદ્ધિમાન વ્યક્તિઓની એક બહુમતી આવા ખોટા સિક્કાઓના ખણખણાટથી બહેકી જવા લાગી. કૈસાનીયહ, કાઝેમીયહ, ઇસ્માઇલીયહ, વહાબીયહ, બહાઇયહ, અને અહમદી યહ ફીરકાઓ અને આવાતો ઘણાં નામોનું એક લાંબુ લીસ્ટ બને તેમ છે જે આના પ્રકાર છે. સામ્રાજ્યવાદી શક્તિઓને પીઠબળ આપીને જુલ્મ અને અત્યાચાર વરસાવવાની દાસ્તાનોથી ઇતિહાસના પાનાઓ કાળા કરી દેવામાં આવ્યા અને બાર બાર સદીઓ વીતી જવા છતાં આજે પણ એ શક્તિઓ કાર્યરત છે. છેવટે આ ખોટા (નકલી) સિતારાઓ દુનિયા સામે ખરી પડતા દૃષ્ટિ ગોચર થશે. દુનિયામાં કોઇને પણ તેમનો વિરોધ કરવાની હિંમત નહીં હોય અને તેમની વિરૂદ્ધમાં ફરીયાદ કરવાની કોઇ ગુંજાઇશ બાકી નહીં રહી હોય.
ઇલાહી વાયદો
ગયબત ઉપર આધારિત આ આયોજન હેઠળ અલ્લાહ તઆલાનો ઘણી જગ્યાએ વાયદો આપવો, એ ગયબતે ઇમામનો સ્પષ્ટ પુરાવો આપી ગયબતના કારણોને સ્પષ્ટ કરી દે છે. વાયદો અને વાયદા પાલનની વચ્ચે ક્યારેક ઓછું અને ક્યારેક વધારે અંતર હોય છે. ક્યારેક પૂર્ણતા સુધી પહોંચવામાં વાયદો પૂરો કરવામાં ક્રમ શરૂ થઇ જાય છે. અલ્લાહ તઆલાએ પોતાના મોજીઝારૂપ કિતાબ કુરઆને મજીદમાં જે વાયદો આપ્યો છે. તેના કેટલાક નમૂનાઓ અત્રે પ્રસ્તુત કરીએ છીએ.
(1) અલ્લાહ તઆલાનો એ વાયદો છે કે : જે રીતે તેણે અગાઉ આ જમીન પર પોતાનો જાનશીન મુકર્રર ફરમાવ્યો હતો તેવી જ રીતે તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા છે તેમને માટે પોતાના ખલીફા આ જમીન ઉપર નીમશે. (સુ. નુર આયત 55)
(અલ્લાહે એવી વાયદો કર્યો છે કે તે તેમને અવશ્ય ભૂમિમાં વારસ બનાવશે જેમકે તેમની આગાઉના (લોકો) ના વારસ બનાવ્યા હતા…)
(2) આ પહેલા ઝબુરમાં પણ અલ્લાહ તઆલાએ એલાન ફરમાવ્યું છે કે તે આ જમીન ઉપર પોતાનો વારસદાર નિયુક્ત ફરમાવશે. (પૃથ્વીના વારસ બનશે.) (સુ. અંબિયા આયત 105)
(3) અય ઇમાનવાળાઓ, સાબિત કદમ રહો. ધિરજ ધરો, સંપર્ક કાયમ રાખો અને અલ્લાહથી ડરો, કદાચ તમે સફળતા પામો.
(4) જ્યારે જમીન મુર્દા થઇ જશે ત્યારે ખુદાવન્દે મુતઆલ પોતાની સંપૂર્ણ કુદરત વડે તેને નવજીવન આપશે.
ઉપરની આયતોથી એ વાત સાબિત થઇ જાય છે કે અલ્લાહ તઆલા આ જમીન પર પોતાના ખલીફા, જાનીશન અને વારસને નીમશે અને તેમને અદલો ઇન્સફાની હકુમત અર્પશે. તેઓ થકી આ દુનિયાને અલ્લાહ નવજીવન આપશે. તેમના શાસનકાળમાં બળવાન અને નીર્બળ વચ્ચે કોઇ ફેર નહીં રહે. એટલું જ નહીં તે યુગમાં કોઇ શક્તિશાળી નિર્બળને દબાવી નહીં શકે.
અલ્લાહ તઆલાને વાયદો ખરો છે અને તેના વાયદા પ્રમાણે અચૂક બનશે. પરંતુ હજુ ઝુહુર વખતે હુકુમતે ઇલાહીમાં જે પ્રમાણે બનવાનું છે તેના સંયોગ એકઠા થઇ રહ્યા છે, જે ઝુહુર વખતે સામે આવશે.
અલ્લાહ તઆલાએ પોતાની અંતિમ હુજ્જતને ગયબની લાંબી મુદ્દત આપી છે, જેથી કરીને મોમિનોનું ઇમ્તહાન પણ લેવાઇ જાય અને સાથો સાથે દુનિયાના તમામ વિરોધીઓ ભેગા થઇને તેમનાથી બની શકે તેટલો વિરોધ કરીને વિરોધનું નાટક પણ કરી શકે.
આ એક સાફ હકીકત છે કે જુલ્મો અત્યાચારનો સમૂહ દુનિયાભરને પોતાની લપેટમાં લેવા માંડ્યો છે. આમ છતાં જુલ્મો સિતમના સમૂહમાં એટલું તોફાન કે ગતિ આવી શકી નથી કે તે કિનારાના અવરોધોને સમગ્ર દુનિયા ઉપર ફેલાવી શકે. અથવા તો એ ઘટાટોપ અંધારા પોતાની સહીત જમીન ઉપર ઉતરવાના બાકી છે. જ્યારે તમામ બદીઓ તેની પરાકાષ્ટાએ પહોંચી જશે અને બુરાઇઓની કોઇ તમન્ના બાકી નહીં રહે ત્યારે આ ગયબતના રહસ્યનો સ્ફોટ થશે. (જરા કલ્પના તો કરો કે) ગયબત ન હોત તો શું થાત ? આ પ્રશ્ર્નનો જવાબ સહેલો છે, કે જો હઝરત વલીએ અસ્ર (અજ.) જાહેર અને હાજર હોત તો બીજા અઇમ્મા (અ.મુ.સ.) ની જેમ તેઓને પણ શહીદ કરી નાખવામાં આવત. અલ્લાહના નૂર ઇન્સાનના સ્વાંગમાં હતું. જાલીમો એ વાતની રાહ જોઇને બેઠા હતા, કે અંબિયા અને અવીયાની અંતિમ હુજ્જત પણ આ દુનિયામાં બાકી રહેવા પામે નહીં. જેનું પરિણામ બે સ્વરૂપે આવતે (1) કાં તો આ દુનિયા ફના થઇ જાત અથવા (2) આવનારી પેઢી એવું તારણ કાઢતે કે તેનો (અલ્લાહનો) વાયદો સંપૂર્ણ (સાબિત) થતો નથી.
આથી એકબાજુ તો ખુદાવન્દે મુતઆલે પોતાની અંતિમ હુજ્જતને આ દુનિયામાં બાકી રહેવા માટે (તેમને) એક લાંબી ગયબતના પરદામાં સુરક્ષિત રાખી દીધા અને બીજી બાજુથી બળવાખોરોને ખુલ્લુ મેદાન (છુટો દોર) આપીને ઇત્મામે હુજ્જત (છેલ્લી તક) માં કોઇ ગુંજાઇશ બાકી ન રાખી. તેમજ ઝુહુર વખતે વિરોધીઓની જીભોને બંધ રાખવાનું અને ઇલાહી ઉપાય (વચન પાલના)ની શરતનું પાલન કરવાનું બાકી રાખ્યું.
એહલેબૈત (અ.મુ.સ.) ની રિવાયતોમાં ગયબતના કારણો પૈકીનું એક કારણ એ પણ દર્શાવવામાં આવ્યું છે કે : જો હઝરત હુજ્જત જાહેરમાં હોત તો તેઓ (અ.સ.) ના બાપદાદાઓની જેમ, તેઓને પણ કોઇને કોઇ હુકુમત દબાણમાં રહેવું પડત. હકુમતના ટેકેદારો હંમેશા આપની ઉપર નજરો જમાવીને આપની ચોકી કરત. તે સંજોગોમાં અહકામે શરઇનો લોકો વચ્ચે પ્રચાર કરવો સરળ બની શક્ત નહીં. આ કારણસર ખુદાવન્દે આલમ હઝરત (અજ.) ના ઝુહર માટે એવો સમય પસંદ કરશે જ્યારે તેઓ ઉપર હુકુમતનું દબાણ અને પ્રભાવ ન હોય તેમજ તેઓ (અજ.) ને એ કુદરત (શક્તિ) આપશે કે તેઓ દરેક જાલિમ અને અત્યાચારીને હરાવી દેશે. એટલે સુધી તેઓ દુનિયાના ખૂણે ખૂણામાંથી નાપાક ફરમાવશે ત્યારે તેમની આપની ઉપર કોઇ પણ હકુમતમાં દબાણ નહીં હોય. સાદિકે આલે મોહમ્મદ (અ.સ.) ઇરશાદ ફરમાવે છે : સાહેબો હાઝલ અમ્રે તોઅમા વલાદતોહુ અલા (હાઝાલ) ખલ્કે લે અલ્લા યકૂન લે અહદીન ફી ઓનોકેહી બયઅતન એઝા ખરજ. એ ઇલાહી હકુમતના માલિકની વિલાદત લોકોની નજરોથી ગુપ્ત રાખવામાં આવી છે, કારણ કે જ્યારે તેઓ ઝુહુર ફરમાવે ત્યારે તેઓની ગરદન ઉપર કોઇ ઝાલિમનું દબાણ નહીં હોય. જ્યાં સુધી તેઓ (અજ.) ની હકુમતના કામકાજનો સુવ્યવસ્થિત હોવાનો પ્રશ્ર્ન છે તો ખુદાવન્દે આલમ એ હઝરત માટે એક રાતમાં જ તમામ કાર્યો ને સુવ્વસ્થિત કરી નાખશે. કારણ કે હકીકતમાં તે ‘ઇલાહી હુકુમત’ હશે. હઝરત (અજ.) તો તે હુકુમતના પ્રતિનિધિ હશે.
રિવાયતો એહલેબૈત (અ.મુ.સ.) ના પ્રકાશમાં ગયબતના બીજા કારણોની સાથે એક કારણ એ પણ છે કે, આ હઝરત (અજ.) વિશે નબીઓની તમામ સુન્નત અને તરીકા સંપૂર્ણ ન થઇ જાય ત્યાં સુધી તેઓની ગયબતની મુદ્દત ચાલુ રહેશે. સુદિરે ઇમામે સાદિક અલયહિસ્સલામથી રિવાયત કરી છે કે : આપે (અ.સ.) ફરમાવ્યું : અમારા કાયમ માટે એક લાંબી ગયબતછે સુરિદે અર્ઝ કરી કે : અય ફરઝંદે રસૂલ એવું શા માટે થશે ? આપે (અ.સ.) ફરમાવ્યું : ખુદાવન્દે આલમ એ વખત સુધી ઝુહરનો હુકમ નહીં આપે. જ્યાં સુધી એ તમામ અંબિયાની સુન્નતના હુકમો ઉપર અમલ ન થઇ જાય, જેની ઉપર અંબિયા (અ.સ.) ઓએ અમલ કર્યો હતો. ખુદાવનદે અઝઝ વ જલ્લ ઇરશાદ ફરમાવે છે : લતરકબુન્ન તબકન અન તબક (ઇન્શેકાક : આ. 19)
“એ તમામ સુન્નતો તો તમારી પહેલા હતી. (“ખચિત જ તમે એક સ્થિતિ પછી બીજી સ્થિતિએ પહોંચશો) એ ક્યારે પુરી થશે તે ખુદાવન્દે આલમ સિવાય બીજું કોણ જાણી શકે છે. તેથીજ તો ઇમામ (અજ.) ના ઝુહરનો સમય નિશ્ચિત કરવો જાએઝ નથી (એટલે કે અમૂક ચોક્કસ દિવસે ઇમામ ઝુહુર ફરમાવશે તે કહેવાની મનાઇ કરવામાં આવ છે.)
એહલેબૈત (અ.સ.) ની રિવાયતોમાં દ્વારા ગયબતના અમૂક કારણો તરફ ઇશારો કરવામાં આવ્યો છે, તેથી જાણી શકાય છે. પરંતુ તેનું વર્ણન કરવું અને તેના કારણોની ઉંડાણ વિશે ખાત્રી પૂર્વક કાંઇ કહેવું એ પોતાન જાત સાથે છેપરપીંડી કરવા સિવાય બીજું કોઇ ન હોય શકે. ગયબતની પૂર્વભૂમિકામાં જે કાંઇ સ્પષ્ટ હીકમત રહેલી છે તે ખાલીકે હીકમત જાણે છે અથવા તો જે પવિત્ર ઝાતને તેનું ઇલ્મ આપવામાં આવ્યું છે તેને તેની ખબર છે. કારણ કે તેનો સંબંધ “ઇલાહી ભેદ સાથે છે, અને અઇમ્મ-એ-માસૂમીન (અ.સ.) ને તે ઇલાહી ભેદ અને રહસ્યો પ્રકટ કરવાની રોકવામાં આવ્યા છે, આ હકીકતને સમજવા માટે હઝરત મૂસા અને હઝરત ખિઝર (અ.સ.) નો બનાવ લક્ષમાં રાખવો જોઇએ. હઝરતે ખિઝરે કશ્તીમાં કાણું પાડવા, છોકરાતે કત્લ કરવા, અને દીવાલનું સમારકામ કરવાના કારણો હ. મુસા (અ.સ.) ને એ સયમ સુધી ન જણાવ્યા જ્યાં સુધી બંનેનો છૂટા પડવાનો સમય ન આવ્યો. એ પહેલા તેઓ એ કામ કરતા રહ્યા, ને હ. ખિઝર (અ.સ.) ત્રણેયકામના રહસ્ય જણાવીને હ. મુસા (અ.સ.) થી છૂટા પડી ગયા. આ વિષયની વિગતને અલ ફઝલુલ હાશમીની રિવાયતમાં પ્રસ્તુત કરવામાં આવી છે. અલ ફઝલુલ અલયહેમુસ્સલામને બયાન કરતા સાંભળ્યા કે : આપે ફરમાવ્યું : એ કામના માલીક માટે ગયબત ફરજીયાત છે જેના વિશે બાતિલ પસંદ વ્યક્તિઓ શંકા અને સંદેહમાં પડી જાય. મેં પ્રશ્ર્ન કર્યો કે : આપની ઉપર કુરબાન થઇ જાઉં એવું શા માટે ? તેઓએ ફરમાવ્યું : તે હુકમના રહસ્યને જાહેર કરવાની અમોને પણ પરવાનગી આપવામાં આવી નથી. મેં પ્રશ્ર્ન કર્યો કે : ગયબત પાછળ શું હકીકત છે ? આપે ફરમાવ્યું : ગયબત પાછળ એજ હીકમત છે, જેનો ઉલ્લેખ ખુદાની અગાઉની હુજ્જત (અંબિયા અ.સ.) ની ગયબત માટે કરવામાં આવ્યો છે. પરંતુ આ (ઇમામે ઝમાના અજ.ની) ગબયત પાછળ કઇ હીકમત રહેલી છે, તેનું રહસ્ય ઇમામ (અજ.) ના ઝુહર પછી જાણવા મળશે. એટલે કે બિલ્કુલ એવી જ રીતે કે હું ખિઝર (અ.સ.) મેં હોડીમાં કાણું પાડવા, છોકરાને કત્લ કરવા અને દીવાલનું સમારકામ કરવા પાછળના રહસ્ય હ. મુસા (અ.સ.) થી જુદા પડવાનો સમય ન આવ્યો ત્યાં સુધી કર્યા ન હતા. અય ફઝલના ફરઝંદ આ હુકમ અલ્લાહના હુકમ પૈકીનું એક રહસ્ય છે. અને અલ્લાહના ઇલ્મે ગૈબમાંથી છે. જ્યારે આપણે (ઉસુલે દીનની બાબતોની જાણીને) એ વાતની ખાત્રી કરી ચુક્યા કે : અલ્લાહ તઆલાની ઝાત હીકમતપૂર્ણ છે તો આપણે એ વાતનું સમર્થન કરવું પડશે કે તેના તમામ કાર્યો (હુકમો) અને કથન પણ હીકમત ઉપર આધારિત જ હોઇ શકે, ભલે પછી તેના કારણો અને રહસ્યો આપણે જાણતા હોઇએ કે ન જાણતા હોઇએ. રિવાયતોમાં ગયબતના વિવિધ કારણોને ઉલ્લેખ મળી આવે છે. તેમાંના એક કારણ ગયબતના ઝમાનામાં હુજ્જતે ખુદા પર યકીન, ઇમાન અને તેઓની ઇતાઅતની જાંચ, પરખ કરવામાં આવી રહી છે – તે પણ છે. અંત: ઇમામે સાદિક (અ.સ.) ની એક લાંબી રિવાયતો છે, જેમાં આપે એ નિશાનીઓનું વર્ણન કર્યુ છે જે ઝુહુરની પહેલા જાહેર થશે. જે રિવાયતના અંતે આપ (અ.સ.) ફરમાવે છે વ ઝાલેક – બઅદ – ગયબતીન તવલતીન – લે યઅલમલ્લાહો અ મન અ યોતીઓહ – બિલ – ગયબે – વ – યઅમેનો બેહ. અને આ નિશાનીઓ એક લાંબી ગયબત પછી જાહેર થશે. જેથી ખુદાવન્દે તઆલા એ વાતી ચકાસણી કરી લે કે ગયબતના જમાનામાં તેની ઇતાઅત કરનારા કેટલા છે અને તેની ઉપર યકની અને ઇમાન કોણ રાખે છે ? (મુન્તખબુલ અસ્ર પ્રકરણ 35, હદીસ 1)
ગયબતના કારણો પૈકીનું એક કારણ આપણા દુષ્ટ કાર્યો અને બેદીનીનું વાતાવરણ પણ છે. આ વાતાવરણ એવું છે જેમાં દૂર સુદૂર સુધી સાચા ઇસ્લામી અને ઇમાની વાતાવરણનું નામો નિશાન પણ નજરે પડતું નથી. આપણો સમાજ પોતાની સ્વછંદી અને કાલ્પ્નીક વાતો (એવી વાતો જેનું શરીયતમાં કોઇ સ્થાન કે હુકમ નથી.) ઉપર અમલ કરીને તેની ઉપર ખુશ થાય છે અને (બિન ઇસ્લામી) વાતાવરણને ઇસ્લામી વાતાવરણ સમજે છે. આથી એ વાત સ્પષ્ટ છે કે આવા વાતાવરણમાં પયગમ્બર અથવા ઇમામની જાહેર થવાની ગુંજાઇશ ક્યાંથી હોઇ શકે ?
આ વાતાવરણની સરખામણી કુફા સાથે કરવામાં આવે તો અયોગ્ય નહી ગણાય.
(એ જમાનામાં) મૌલાએ કાએનાત તમામ મુસલમાનોને અમીરે શામની વિરૂદ્ધમાં જંગ કરવા માટે આહવાન આપે છે. અને લોકો બાતિલની વિરૂદ્ધમાં બળવો પોકારે તેવું ઇચ્છે છે, પરંતુ મુસલમાનો એવા છે કે, સખત ઠંડી અને સખત ગરમીના બહાના કરીને યોગ્ય ઋતૃ આવવાની રાહ જોવાનું કહીને જંગથી પીઠ ફેરવી લે છે. જેનું પરિણામ એ આવે છેકે મૌલાએ મુત્તકેયાનને શહાદતનો જામ પીવો પડે છે. બીલ્કુલ તેવી જ હાલત આપણા સમાજની છે. તેથીજ તો ઇમામે બાકિર (અ.સ.) ગયબતનું કારણ આ શબ્દોમાં બયાન ફરમાવે છે : મરવાન અંબારીનું બયાન છે કે મને ઇમામ મોહમ્મદે બાકિર (અ.સ.) નો એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું કે : “જ્યારે ખુદાવન્દે આલમને અમાં લોકો સાથે રહેવું ના પસંદ બન્યું ત્યારે અમોને લોકોના સમૂહથી અળગા કરી દીધા.” (મહદી મવઉદ – બેહાર 13 મું પુસ્તક)
ઉપરની રિવાયતથી એ વાત બિલ્કુલ સ્પષ્ટ થઇ જાય છે કે ગયબતના કારણો અને રહસ્યો વિશે અટકળ કે તર્ક કરવો ન જોઇએ. અલબત્ત, તમારા ઇમામનો તકાઝો છે કે અઇમ્મએ માસૂમીન (અ.સ.) જે કાંઇ ફરમાવે તેને પુરતું ગણવું જોઇએ. કારણ કે આ વાત ખુદાના હુકમ અને કાર્ય પૈકીની છે, અને ખુદાની મસ્લેહત તેના સિવાય બીજુ કોઇ જાણતું નથી.
એક વાત બહ જ સ્પષ્ટ થાય છેકે ગૈબતના કારણો વિશે આપણી અટકળો અને ગુમાનને કોઇ અવકાશ નથી. અલબત્ત, માઅસુમો (અ.સ.) જે કાંઇ બયાન કરે છે તેના ઉપર સંપૂર્ણ વિશ્ર્વાસ રાખવો એ ઇમાનનો જ એક તકાઝો છે. કારણ કે આ વાત ખુદાના રાઝોમાંથી એક રાઝ છે. અને ખુદાની વાત ખુદાજ જાણે. ખુદા નથી ચાહતો કે ગૈબત વિશે સવાલ કરવામાં આવે. કારણ કે એ આપણાજ હક્કમાં સારૂ નથી. કેમ કે એ રાઝની વાત ખબર પડી જાય તો કદાચ આપણને ખરાબ લાગે, એ માટે, આ બાબતની એક રિવાયત રજુ કરીએ છીએ. નાહિયા – એ – મુકદ્દસાથી ઇમામ ઝમાન (અ.સ.) એ મોહમ્મદ બીન ઉસ્માન (આપના બીજા નાએબે ખાસ) મારફત લખી મોકલ્યું : જ્યાં સુધી ગૈબત થવા વિશેના કારણનો સવાલ છે, અલ્લાહ તઆલા ફરમાવે છે, “એ ઇમાન વાળઓ ! એ વસ્તુઓ વિશે ન પૂછો કે જેના વિશે તમે જાણી લો તો તમને ખરાબ લાગે અને તમે તેનાથી મુતઅસ્સીર થઇ જાવ (તમને તકલીફ પહોંચે). (માએદાહ : 101) (મહદીએ મવઉદ, બેહાર પુસ્તક : 13)
અલબત્ત, ગયબતના યુગને નેઅમત સમજીને ગનીમત જાણીને એહકામે ઇલાહી અને નબી (સ.અ.વ.) ના ઇરશાદાત અનુસાર અમલ કરતા રહીએ અને એક બા – અમલ શિયા બની રહીએ. જેથી જ્યારે ખુદાવન્દે તઆલાના હુકમથી હઝરત હુજ્જત અજ્જલલ્લાહ તઆલ ફરજહુ, ઝુહુર ફરમાવે ત્યારે આપણી મોહબ્બતની લાગણી કામ આવે. અને જો વઆપણા જીવનકાળ દરમ્યાન ઇમામ ઝુહુર ફરમાવે તો ઇમામ (અજ.) ની સાથે રહીને ઇસ્લામના દુશ્મનોનો મુકાબલો કરી શકીએ. તેમજ શોહદાએ કરબલાની શહાદતનો ભરપુર બદલો લઇ શકીએ. જે માટે આપણે ઇમામે હુસૈન (અ.સ.)ની શહાદતના પ્રારંભકાળથી લોહીના અશ્રુ વહાવી રહ્યા છીએ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *