ઈમામ હુસયન અ.સ.ની શહાદત વિશે રસુલે ખુદા સ.અ.વ.ની આગાહીઓ

Print Friendly, PDF & Email

આજ અઝાએ હુસયનના બારામાં અલ્પ જ્ઞાનના કારણે અમુક મુસ્લિમ બિરાદરો પોતાની ઉદાસિનતા પ્રદર્શિત કરે છે એટલુંજ નહિ પરંતુ કેટલાક ગરજાઉ અને સ્વાર્થી લોકોના કહેવા ઉપર વિરોધ કરીને તેને બિદઅત અને હરામ કામ કહેવાથી પણ અચકાતા નથી. જોકે અક્કલનો તકાઝો એ છે કે સાંભળેલી મનઘડટ વાતો ઉપર ધ્યાન ન આપે પરંતુ હદીસો અને ઈતિહાસનો અભ્યાસ કરે, હદીસો અને રિવાયતોની સચ્ચાઈ પારખવા માટેના ધોરણો છે તેનાથી ચકાસણી કરે અને પછી કોઈ સાચા નિર્ણય ઉપર આવે. પરંતુ અફસોસની સાથે કહેવું પડે છે કે આવુંજ આંધળુ અનુસરણ ગઈકાલે પણ મુસલમાનો માટે તબાહી કરવાવાળું હતું અને આજે પણ મુસલમાનોમાં વિખવાદ અને વિવાદ, તેની પડતી, બદનામી, તબાહી અને બરબાદીનું કારણ બની રહ્યા છે, દૌલત અને વસ્તિના હિસાબે દુનિયામાં મિલ્લતે ઈસ્લામિયા કોઈ પણ પ્રગતિવાદી કૌમ કરતા કમ નથી. પરંતુ આજે બધી દૌલત અને સાધન સામગ્રી કાફીરો અને ઈસ્લામના દુશ્મનોની ખીદમત માટે વપરાઈ રહ્યા છે અને આપણે એવા છીએ કે આપણને જીવનના આરામ માટેની સમગ્ર સાધન સામગ્રી પર્યાપ્ત છે જ્યાં બીજા આનંદપ્રમોદના સામાન છે ત્યાં મઝહબ પણ એક એવાજ રમત-ગમતનું સાધન બની ગયો છે. જ્યાં ઊંટોની દોડ, બાઝ અને શકરાનો શિકાર અને ઘોડાની રેસ અને અન્ય આનંદ પ્રમોદનો શોખીનો માટે બંદોબસ્ત કરે છે, ત્યાં મુસલમાનોના ફીરકાઓમાં આપસના મતભેદો અને તેઓનું એકબીજા સાથે ઝઘડવું પણ શ્રેષ્ઠ મનોરંજન છે. મતભેદો ઊભા કરવાનો શ્રેષ્ઠ માર્ગ એટલેકે હરામે મોહમ્મદીને હલાલ અને હલાલે મોહમ્મદીને હરામ ગણાવવાથી વધુ બીજો કયો અસરકારક હુમલો હોય શકે. આજ કારણથી કુફ્ર અને શિર્ક અને બીદઅત અને હરામના ફત્વાઓ સામાન્ય થઈ ગયા. અને આજે પણ તેનો સિલસિલો ચાલી રહ્યો છે કારણકે ભાડૂતી મુફતીઓ ફત્વા આપવાવાળા ઘણી સહેલાઈથી ગઈકાલે પણ મળતા હતા અને આજે પણ તૈયાર મળે છે.
અમને ફરિયાદ છે ઇસ્લામના એ આલીમોથી કે જે રસુલે અકરમ સ.અ.વ.ના જીગરના પારાઓની બે હુરમતી જોતા રહ્યા અને સાંભળતા રહ્યા અને મુંગા સાક્ષી બની તમાશો જોતા રહ્યા. ખુદાવંદે અઝઝ વ જલલના હુકમ અને રસુલ સ.અ.વ.ના ફરમાનની મશ્કરી થતી રહી અને ઈસ્લામના બુધ્ધિજીવીઓ પોતાની પાયા વગરની માન્યતાનો પ્રચાર કરતા રહ્યા અને તેઓ પોતાની કિર્તી વધારવાના કાર્યમાં ગળાડુબ રહ્યા. એક તરફ દર જુમ્માની નમાઝમાં કુરઆન અને હદીસને ઘણા માનપૂર્વક ઉચ્ચારોની પૂરેપૂરી કાળજી રાખીને ખુત્બાઓ આપી રસુલે અકરમ સ.અ.વ.ના ફરમાનોને દોહરાવતા રહ્યા. અને બીજી તરફ જ્યારે વેચાઈ ગએલા ખતીબો અને વાએઝોની જીભથી તે પવિત્ર હસ્તીઓ સલવાતુલ્લાહે વ સલામોહુ અલયહીમની શાનમાં અયોગ્ય અને બેહુદી વાતો સાંભળતા તો તેઓની જીભ ગઈકાલે પણ મુંગી નતી અને આજે પણ છે.
કરબલાના શહિદોના સય્યદો સરદાર, મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.ના જીગરના ટુકડાનો મહાન મરતવો અને ઉચ્ચ ફઝીલત જાણતા હોવા છતાં આ હેવાનોને રોકવા તો બાજુ પર રહ્યા તેઓને પ્રોત્સાહન આપવામાં રચ્યા પચ્યા રહ્યા. તેઓની નીચતા એટલી હદ સુધી વધી કે મીરઝા હયરત દહેલવી જેવા ઈસ્લામના દુશ્મનના ટુકડાઓ ઉપર જીવવાવાળા કરબલાની લોહીથી તરબોળ અને દર્દનાક દાસ્તાનને પહેલેથીજ નકારી કાઢી. મહેમુદ એહમદ અબ્બાસી જેવા નાસેબી, હ. અલી અ.સ.ને બુરા કહેવાવાળો સંપ્રદાય, એ જીગર પારએ રસુલ સ.અ.વ. ઉપર એવા એવા હુમલાઓ કર્યા કે જેનાથી મુસલમાનો તો શું અન્ય કૌમો પણ કાંપી ગઈ. દીન અને દિલના અંધ લોકો અને કુફ્ર અને શીર્કના અંધકારમાં ઉછરેલા ગઈકાલે પણ પોતાની બે શરમી ઉપર ગર્વ લેતા જોવામાં આવતા હતા અને આજે પણ એજ માર્ગ ઉપર જઈ રહ્યા છે.
જ્યારે કરબલાનો બનાવ તે એક એવો ગમનાક બનાવ છે જેની ખબર તે બનાવ પહેલાજ જાહેર થઈ ચૂકી હતી. ખુદાએ તઆલા એ રસુલ સ.અ.વ. જેના ઉપર નબુવ્વત પૂરી થઈ અને જે તમામ અંબીયાઓના સય્યદ અને સરદાર હતા તેમણે શરૂઆતીજ ઉમ્મતને હુસયન અ.સ.ની મઝલુમીય્યત અને તેમના પર થનાર ઝુલ્મોની જાણ કરી દીધી હતી. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો આવો ઈસ્લામના ઈતિહાસકારોના પુસ્તકોના પાનાઓ ફેરવીએ અને દરેક પ્રકારના હઠાગ્રહ અને પક્ષપાતથી મન, દિલ અને દિમાગને પાક કરીને આ હદીસોને અભ્યાસ કરીએ અને તે વિશ્વાસ પાત્ર રાવીઓ ઉપર દ્રષ્ટિ કરીએ જેમાંથી આ હદીસો અને રિવાયતો લેવામાં આવી છે તો શયતાનના વસવસાને દૂર કરવામાં ઘણી મદદ મળશે અને ઈમામ હુસયન અ.સ.ની મહાનતા અને બુઝુર્ગી અને તેમનું ઉચ્ચ સ્થાન અને મરતબાનો સાચો ખ્યાલ આવી શકશે.
હઝરત સય્યદુશ્શોહદા ઈમામ હુસયન અ.સ.ની શહાદતની આગાહીઓ માત્ર સરકારે રિસાલત સ.અ.વ.એ નથી ફરમાવી પરંતુ મવલાએ કાએનાત મવલાના અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ અ.સ.એ સિફફીનના મયદાન તરફ સફર કરતા કરતા જ્યારે નયનવા, કરબલાની જમીન ઉપર પહોંચ્યા ત્યારે આપે આ બનાવની જાણ પોતાના સાથીઓને વિસ્તાર પૂર્વક કરી હતી. આ રિવાયતને અમે ઈન્શાઅલ્લાહ હ. રસુલે ખુદા સ.અ.વ.ની આગાહીઓ રજુ કર્યા પછી આ લેખમાં સમાવેશ કરીશું.
હુસયન અ.સ.ના જન્મ પ્રસંગે મજલીસે અઝા
હાફીઝ અહમદ બીન હુસયન બયહાકીનું બયાન છે:
ખબર આપી અબુલકાસિમ હુસયન બીન મોહમ્મદ, મોફસ્સીરે, એમણે અબુ બક્ર મોહમ્મદ બીન અબ્દુલ્લાહ હોફૈદ પાસેથી, તેમણે અબુલકાસિમ અબ્દુલ્લાહ બીન અહમદ બીન આમીર તાઈ પાસેથી બસરામાં, તેમણે પોતાના માતૃશ્રીથી, તેમણે અલી અ.સ. બીન મુસા પાસેથી તેમણે તેમના પિતાશ્રી મુસા બીન જઅફર અ.સ. પાસેથી, તેમણે તેમના પિતાશ્રી મોહમ્મદ બીન અલી અ.સ. પાસેથી, તેમણે એમના પિતાશ્રી અલી બીન હુસયન અ.સ. પાસેથી, તેમણે અસ્મા બિન્તે ઉમૈસ પાસેથી,
અસમાઅનું બયાન છે:
હું હસન અને હુસયનના જન્મ પ્રસંગે તમારી દાદી ફાતેમહની પ્રસુતા, જન્મ વખતે જે સ્ત્રી મદદ કરે છે, હતી. જ્યારે હસન આ દુનિયામાં આવ્યા… તે પછી ઘણી વાતો કરી, પછી કહેવા લાગી…
જ્યારે હુસયનનો જન્મ થયો ત્યારે હ. રસુલે ખુદા સ.અ.વ. મારી પાસે તશ્રીફ લાવ્યા અને ફરમાવ્યું: એ અસ્મા! મારા ફરઝંદને લાવો.
હું હુસયન અ.સ.ને એક સફેદ કપડામાં વિંટાળીને લઈ ગઈ અને હ. રસુલે ખુદા સ.અ.વ.ના હાથોમાં આપ્યા. આ હઝરત સ.અ.વ.એ તેમના જમણા કાનમાં અઝાન કહી અને ડાબા કાનમાં એકામત કહી અને પોતાના ખોળામાં લઈને રડવા લાગ્યા.
અસ્મા કહે છે. મેં અરજ કરી: મારા માં-બાપ આપની ઉપર કુરબાન થાય, આપના રડવાનું કારણ શું છે.
આ હઝરત સ.અ.વ.એ ફરમાવ્યું: હું મારા આ પુત્ર ઉપર રોઈ રહ્યો છું. મેં અરજ કરી: આ તો અત્યારેજ જનમ્યા છે. હઝરત સ.અ.વ.એ ફરમાવ્યું: મારા આ પુત્રને ઝાલીમોની જમાત કતલ કરશે. ખુદાવંદે આલમ મારી શફાઅત તેઓને નસિબ નહિ કરે. પછી ફરમાવ્યું: અસમા! આ વાત ફાતેમા સ.અ.ને ન કેહતા એટલા માટે કે હજી હમણાંજ બાળકનો જન્મ થયો છે. આ રિવાયતને હાફીઝ અબુલમોવીય્યદ ખ્વારઝમી ખલીફા ઝમખ્શરી પોતાના પુસ્તક મકતલુલહુસયન, ભાગ-૧ પાના નં. ૮૭-૮૮ માં પોતાના ઉસ્તાદ હાફીઝ બયહમીથી નકલ કરી છે. નકલ અઝરાહેમા… અલ્લામા અલ્લામા અમીની સાહેબે અલ ગદીર. અલ્લામા અમીની ફરમાવે છે: જાણેકે આ પહેલી મજલીસે અઝા હતી, જે ઈસ્લામમાં હ. રસુલે ખુદા સ.અ.વ.ના ખાનએ અકદસમાં સય્યદુશ્શોહદાની અઝાને માટે ગોઠવી. તે દિવસો સુધી દુનિયાએ સાંભળ્યું નહિ હોય કે મઅસુમએ કૌનેન સ.અ.ના જીગરના ટુકડા સિવાય બીજા કોઈના જન્મ પ્રસંગે હષો,લ્લાસની મહેફીલના બદલે માતમની મજલીસ બરપા થઈ જાય.
દાયાનો શોક
હાફીઝ હાકીમ નિશાપુરી પોતાની સ્વિકૃત કિતાબ અલ્મુસ્તદરકુસ સહીહ, ભાગ-૩ પાના નં. ૧૭૬માં અબુ-અબ્દુલ્લાહ મોહમ્મદ બીન અલી જોહરીએ બગદાદમા. અબુલ અહવસ મોહમ્મદ બીન અલ-હયશમ કાઝીથી, તેમણે મોહમ્મદ બીન મુસઅબથી તેમણે અવઝાઈથી, તેમણે અબુ અમ્માર સદ્દાદ બીન અબ્દુલ્લાહથી તેમણે હારિસની પુત્રી ઉમ્મુલ ફઝલથી, રિવાયત કરી છે કે તે હ. રસુલે ખુદા સ.અ.વ.ની ખીદમતમાં હાજર થઇ અને અરજ કરી: એ અલ્લાહના રસુલ! ગઈ રાત્રે મેં એક ખૂબ ખરાબ સ્વપ્નું જોયું છે.
આ હઝરત સ.અ.વ.એ પૂછયું: શું જોયું?
આજ કરી, બહુજ ખરાબ.
ફરમાવ્યું: શું સ્વપ્નું હતું?
અરજ કરી: મેં સ્વપ્નમાં જોયું કે આપના પવિત્ર શરીરનો એક ભાગ જુદો કરીને મારા ખોળામાં રાખવામાં આવ્યો.
હ. રસુલે ખુદા એ ફરમાવ્યું: તમે બહુ સારૂ સ્વપ્ન જોયું, ઈન્શાઅલ્લાહ ઘણી જલ્દી ફાતેમાહ સ.અ.ને ત્યાં એક બાળકનો જન્મ થશે અને તે બાળક તમારા ખોળામાં હશે.
આ રીતે એમજ બન્યું. ફાતેમાહ સ.અ.ને ત્યાં હુસયન અ.સ.ની વિલાદત થઈ જેમ રસુલુલ્લાહ સ.અ.વ.એ એ ફરમાવ્યું હતું, દાઈ થવાનો ગર્વ મને નસીબ થયો. એક દિવસ હ. રસુલે ખ૭દા સ.અ.વ. તશ્રીફ લાવ્યા. મેં ઈમામ હુસયન અ.સ.ને આપના ખોળામાં સુવડાવી દીધા. હ. રસુલે ખુદા સ.અ.વ.એ એક પળ મારી તરફ દ્રષ્ટિ કરી. મેં જોયું કે આં હઝરત સ.અ.વ.ની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં પુછયું:
એ અલ્લાહના નબી! મારા માં-બાપ આપના ઉપર ફીદા થાય. શું થયું? ફરમાવ્યું: જીબ્રઈલે મારી પાસે આવીને મને ખબર આપી કે મારા આ ફરઝંદને મારી ઉમ્મત કતલ કરશે. મેં જીબ્રઈલને કહ્યું: આને? જીબ્રઈલે કહ્યું: હા. પછી જીબ્રઈલ તેની હુસયનની કબરની મુઠ્ઠી માટી મારા માટે લાવ્યા જે રતાશવાળા રંગની હતી.
હાકીમે આ હદીસના બારામાં કહ્યું: જો કે મુસ્લિમ અને બુખારીએ આ રિવાયતની નકલ નથી કરી પરંતુ એ બંનેની દ્રષ્ટિએ પણ સાચી છે. આ પુસ્તકના પાના-૭૯ ઉપર હાકીમ કહે છે:
અબુલ અબ્બાસ મોહમ્મદ બીન ઈસ્માઈલ બીન અબી સુમૈનાથી, તેમણે મોહમ્મદ બીન મુસઅબથી, તેમણે અવઝાઈથી, તેમણે અબુ અમ્મારથી તેમણે ઉમ્મુલ ફઝલથી રિવાયત કરી છે કે હુસયન અ.સ. જ્યારે હ. રસુલે ખુદા સ.અ.વ.ના ખોળામાં હતા, ફરમાવ્યું: જીબ્રઈલે અ.સ. મને ખબર આપી કે મારી ઉમ્મત ઈમામ હુસયન અ.સ.ને કતલ કરશે.
પછી હાકીમનું બયાન છે કે:
ઈબ્ને અબી સુમૈનાએ રિવાયતને સંક્ષિપ્તમાં બયાન કરી છે, નહિ તો રિવાયત આથી ઘણી વધારે છે.
આ રિવાયતને બયહકીએ પોતાના પુસ્તક દલાએલુલ નબુવ્વતમાં હુસયન અ.સ.ના વર્ણનમાં નોંધ કરી છે નકલ અઝ રાહેમા… મોઅલ્લીફ અલ્લામા અમીની, સાહેબે કિતાબ અલ ગદીર.
ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમાના ઘરમાં મજલીસે અઝા
હાફીઝ કબીર, અબુલ કાસીમ તીબ્રાની તેના પુસ્તક અલ મોઅજમુલ કબીરમાં રસુલે ખુદા સ.અ.વ.ના નાના નવાસા, ઈમામ હુસયન અ.સ.ના જીવનના વર્ણનમાં લખે છે:
અબ્દુલ્લા બીન અહમદ બીન હમ્બલે એબાદા બીન ઝીયાદે અસદીથી, તેમણે ઉમરૂ બીન સાબિતથી,તેમણે અઅમશથી, તેમણે અબુ વાયલ શકીક બીન સલમાથી, તેમણે ઉમ્મે સલમા રઝીથી નોંધ કરી છે:
ઈમામ હસન અ.સ. અને ઈમામ હુસયન અ.સ. મારા ઘરમાં રસુલે ખુદા સ.અ.વ.ની સાથે રમવામાં મશ્ગુલ હતા, તેટલાં જીબ્રઈલ નાઝીલ થયા અને ઈમામ હુસયન અ.સ. તરફ પોતાના હાથોથી ઈશારો કરીને કહ્યું: એ મોહમ્મદ સ.અ.વ. તમારા પછી તમારી ઉમ્મત તમારા આ ફરઝંદને કતલ કરશે, ઉમ્મે સલમા રઝીનું બયાન છે, હ. રસુલે ખુદા સ.અ.વ. રડવા લાગ્યા અને ઈ. હુસયન અ.સ.ને છાતીએ લગાડીને મને કહ્યું: આ માટી તારી પાસે અમાનત સ્વરૂપે છે. પછી માટીને સુંઘતા સુંઘતા ફરમાવ્યું:
આમાંથી દુ:ખ, દર્દઅને બલાઓ અને મુસીબતોની ગંધ આવી રહી છે.
ઉમ્મે સલમા રઝીએ વધુમાં ફરમાવ્યું: રસુલે ખુદા સ.અ.વ.એ મને ફરમાવ્યું: અય ઉમ્મે સલમા! જ્યારે આ માટી લોહીના સ્વરૂપમાં બદલાઈ જાય ત્યારે જાણી લેજે કે મારા ફરઝંદને શહિદ કરી દેવામાં આવ્યા. રાવીનું બયાન છે.
ઉમ્મે સલમા રઝીએ આ માટીને એક બાટલીમાં ઠલવી દીધી અને દરરોજ તે જોતા અને ફરમાવતા:
એ માટી! જે દિવસે તું લોહીનું રૂપ ધારણ કરીશ, તે ઘણો અઝીમ દિવસ હશે.
અને હાફીઝ અબુલ કાસીમ ઈબ્ન અસાકીર દમશ્કીએ તારીખુશ્શામમાં આ રીતે લખ્યું છે:
અબુ અલી હદ્દાદ અને બીજાઓ નોંધ કરવાની પરવાનગી લઈને લખે છે કે અબુ બક્ર બીન રબઝહે કહ્યું: સલમાન બીન અહમદ એટલે હાફીઝ તિબ્રાની એ અબ્દુલ્લાહ બીન અહમદ બીન હમ્બલથી આજ સનદ અને શબ્દોની સાથે રિવાયતની નોંધ કરી છે, માત્ર આટલા ફેરફાર સાથે એ આ વાકયના બદલે: બુએ અન્દાહ વ બલા, એ રીતે લખાણમા આવ્યું છે: વાએ અનદોહ વ બલા, અલ્લામા અમીની ની નકલ.
ઉમ્મુલ મોઅમેની હઝરત આએશાના ઘરમાં મજલીસે અઝા
હાફીઝ ઈબ્ન બરકીએ હાફીઝ મોહમ્મદ બીન અબ્દુલ્લાહ બીન અબ્દુર-રહીમ, અબુ અબ્દુલ્લાહ બીન બરકી મીસરી હિ. ૨૪૯માં વફાત પામ્યા. તેઓ અબુ દાઉદ અને નેસાઈની રેજાલમાંથી છે. ઈબ્ને યુનુસ એ સમર્થન કર્યુ છે. એમની ઝીંદગીના હાલાત કિતાબ સીરૂન-નુબ્લા, તઝકેરતુલ હેફાઝ, તેહઝીબુત-તેહઝીબ, શઝરાતુઝ ઝહબ અને બીજી કિતાબોમાં જોવા મળે છે. સઈદ ઈબ્ન અબી મરયમથી, તેમણે યહ્યા બીન અય્યુબથી, તેમણે ઈબ્ન ગઝીય્યાથી, તેમણે મોહમ્મદ બીન ઈબ્રાહીમથી, તેમણે અબી સલમા બીન અબ્દુલ રહેમાનથી રિવાયત કરી છે કે:
આએશા ર.અ., હ. રસુલ સ.અ.વ.ના પત્નિનો એક મુલાકાતીઓ માટેનો રૂમ હતો, જ્યાં હઝરત સ.અ.વ. જ્યારે ઈચ્છા કરતા જીબ્રઈલ અ.સ.થી સંપર્ક કરવા ત્યાં આવી જતા.
એક વખત હઝરત જીબ્રઈલ અ.સ.ની મુલાકાત માટે આ હઝરત સ.અ.વ. ઘરમાં તશ્રીફ લાવ્યા જ્યાં આઈશાને ફરમાવ્યું: કોઈને આ વાતની જાણ ન થવી જોઈએ.
રાવીનું બયાન છે.
બનવાકાળ આઈશાના રૂમમાં એક સીડી હતી. હુસયન અ.સ. એ રૂમમાં પ્રવેશ કર્યો અને આઈશાને જાણ થાય તે પહેલા ઈમામ હુસયન અ.સ. સીડીથી ઉપર ચાલ્યા ગયા. અચાનક જીબ્રઈલ પયગમ્બરે અકરમ સ.અ.વ.ની પાસે આવી ગયા. જીબ્રઈલે પુછયું: આ કોણ છે? આ હઝરત સ.અ.વ.એ ફરમાવ્યું: આ મારા ફરઝંદ છે. પછી હુસયન અ.સ.ને પોતાના ખોળામાં બેસાડી દીધા. જીબ્રઈલે કહ્યું: આપની ઉમ્મત તેને કતલ કરશે. હઝરતે ફરમાવ્યું: મારી ઉમ્મત? કહ્યું: હા, જો આપની ઈચ્છા હોય તો તે જમીનની તમને જાણ કરૂં જ્યાં તેને કતલ કરવામાં આવશે.
પછી જીબ્રઈલે ઈરાકની જમીન તુફફ કરબલાની તરફ હાથથી ઈશારો કર્યો અને ત્યાંથી રતાશ વાળી માટી લઈને રસુલે ખુદા સ.અ.વ.ને દેખાડી.
સય્યદ મહેમુદ મદનીએ તેના પુસ્તક અસ સેરાતુસ સવામાં આ રિવાયતને ટાંકી છે. તેમણે કહ્યું કે આ રિવાયતને ઈબ્ને સઅદે આજ લખાણમાંથી નકલ કરી છે. અલબત તેમાં ઘણો ફરક છે કે તેમણે હદીસના અંતમાં એક વાકયનો વધારો કર્યો છે. તે આ છે:
આ તેમની કત્લગાહની માટી છે.
આ રિવાયત બધાજ અસ્નાદ સાબિતીઓ સાચા છે અને તેના તમામ રાવી સેહાહે સિત્તાના રાવી છે અને એકે એક વિશ્વાસપાત્ર અને આધારભૂત છે.
રિવાયતની બીજી સાબિતીઓ:
હાફીઝ અબુલ કાસીમ તબરાની તેમના પુસ્તક અલ મોઅજમુલ કબીરમાં ઈમામ હુસયન અ.સ.ના જીવનનું વર્ણન કરતા કહે છે:
અહમદ બીન રૂશ્દીને મીસરીએ, ઉમરૂ બીન ખાલીદ હરાનીથી, એણે ઈબ્ને લહમાથી, તેમણે અબુલ અસ્વદથી, તેમણે ઉરવાહ બીન ઝુબેરથી, તેમણે કહ્યું કે મને આઈશા ર.અ.એ હદીસ બયાન કરી કે:
ઈમામ હુસયન બીન અલી અ.સ. એકાએક વહીના સમયે રસુલે અકરમ સ.અ.વ.ની પાસે આવી ગયા અને આપના ખભા ઉપર ચડી ગયા અને ખભા ઉપર રમવા લાગ્યા. હ. રસુલે ખુદા સ.અ.વ. નીચા નમેલા હતા.
જીબ્રઈલે હ. રસુલે ખુદા સ.અ.વ.ને અરજ કરી: એ મોહમ્મદ સ.અ.વ.! શું તમે તેમનાથી મોહબ્બત કરો છો?
આપે ફરમાવ્યું: એ જીબ્રઈલ! મારા ફરઝંદ છે. કેમ ન ચાહું, જીબ્રઈલે કહ્યું: આપની પછી આપની ઉમ્મત તેમને કતલ કરી દેશે. પછી જીબ્રઈલે હાથ લંબાવ્યો અને સફેદ રંગની માટી લાવ્યા અને કહ્યું: એ મોહમ્મદ સ.અ.વ.! તમારા ફરઝંદ આ જમીન ઉપર કતલ કરવામાં આવશે. આ સરજમીનનું નામ તુફ્ કરબલા છે.
જ્યારે જીબ્રઈલ હ. રસુલે ખુદા સ.અ.વ. પાસેથી ચાલ્યા ગયા ત્યારે આં હઝરત સ.અ.વ. માટી હાથમાં લઈને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા:
એ આઈશા! જીબ્રઈલ મારી પાસે ખબર લાવ્યા હતા કે મારા ફરઝંદ હુસયન અ.સ. તુફ્ની જમીન ઉપર કત્લ કરી દેવામાં આવશે. મારી પછી મારી ઉમ્મત ફીત્ના અને ઈમ્તેહાનનો સામના કરશે.
પછી આપ રોતા રોતા પોતાના અસ્હાબીઓની વચ્ચે વહાર તશ્રીક લાવ્યા. અસ્હાબમા હ. અલી અ.સ., અબુબક્ર, ઉમર, હોઝયફા, અમ્માર અને અબુઝર હાજર હતા. આ લોકોએ પુછયું:
એ અલ્લાહના રસુલ! આપ શા માટે રડી રહ્યા છો?
આં હઝરત સ.અ.વ.એ ફરમાવ્યું: જીબ્રઈલ મારી પાસે ખબર લાવ્યા કે મારો ફરઝંદ હુસયન અ.સ. મારી પછી તુફ્ નામની જમીન ઉપર કતલ કરી દેવામાં આવશે અને આ માટી મારા માટે લાવ્યા હતા અને તેમણે દેખાડી, કહ્યું: હુસયન અ.સ.ની કબર આ માટી ઉપર હશે.
આ રિવાયતને ઈમામ અબુલ હસન માવરદીએ તેના પુસ્તક અઅલામુન નબુવ્વતના પાના ૮૩, બારમાં પ્રકરણમાં સાથે આજ શબ્દોમાં નોંધી છે.
અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ અ.સ.ના ઘરમાં મજલીસે અઝા.
શરીફ નસાબા અબુલ હુસયન ઉબૈદલી અકીકી તેના પુસ્તક અખ્બારૂલ મદીનામાં મવલાના અમીરૂલ મોઅમેનીન અ.સ.ના હવાલાથી એ રીતે રિવાયત કરે છે કે અમીરૂલ મોઅમેનીન ફરમાવે છે:
હ. રસુલે ખુદા સ.અ.વ. અમને મળવા માટે તશ્રીફ લાવ્યા. અમે હઝરત સ.અ.વ.ને ખાવા માટે ખઝીરહ ઉમ્મે ઐમન પણ એક પ્યાલો દુધનો અને એક તાંસ લાવ્યા. અમે પણ આપ સ.અ.વ.ની સાથે જમ્યા. પછી મેં આપ સ.અ.વ.ના હાથ ધોવડાવ્યા. હઝરત સ.અ.વ.એ પોતાનો મુબારક હાથ પોતાના માથા, ચહેરા અને દાઢી મુબારક ઉપર ફેરવ્યો પછી કિબ્લા તરફ ફરી દોઆ ફરમાવી અને રોતા રોતા પોતાની જાતને ત્રણ વખત જમીન ઉપર પછાડી. અમે લોકો કારણ પૂછવાથી ડરી રહ્યા હતા.
આ દરમ્યાન ઈમામ હુસયન અ.સ. આં હઝરત સ.અ.વ.ની પીઠ ઉપર ઉછળીને બેસી ગયા. આપ ફરીથી રડવા લાગ્યા. ઈમામ હુસયન અ.સ.એ કહ્યું:
મારા માં-બાપ આપ ઉપર ફીદા થાય આપ શા માટે રડો છો? નાનાજાન! આપની પાસે તો એવી બાબતો જોઈ રહ્યો છે જેનો નમુનો આજ સુધી દુનિયામાં નથી જોયો.
મારા લાલ! આજે તને જોઈને હું એટલો ખુશ હતો કે આનાથી પહેલા આટલી ખુશી મને કયારેય નહોતી થઈ. પરંતુ મારા દોસ્ત જીબ્રઈલ મારી પાસે આવ્યા અને મને જાણ કરી કે તમને લોકોને કતલ કરી નાખવામાં આવશે અને તમારી કત્લગાહ જ્યાં ત્યાં છુટી પડેલી હશે. એ ખબરથી મને ઘણુંજ દુ:ખ પહોંચ્યું. ખુદાએ અઝઝ વ જલ્લથી તમારા માટે ખયર અને નેકીની દરખાસ્ત કરી છે, અસ્સેરાતુસ સેવા-કિતાબ અખ્બારૂલ મદીના-મકતબે ખ્વારઝમી ભાગ-૨.
અસ્હાબો વચ્ચે મજલીસે અઝા
હાફીઝ અબુલ કાસીમ તબ્રાનીએ મોઅજમે કબીરમાં હુસયન બીન અબ્બાસ રાઝીથી, તેમણે સલીમ બીન મનસુર બીન અમ્મારથી, તેમણે તેના પિતાથી.
સનદોનો બીજો ક્રમ: અહમદ બીન હય્યાન રિક્કીથી, તેમણે અમરૂ બીન બક્ર બીન બોકા કફબીથી, તેમણે મુજાશેઅ બીન અમરૂથી નોંધ કરી છે.
આ બંને મુજાશેઅ અને સલિમનાદ્વ પિતાએ અબ્દુલ્લા બીન લહીઆથી, તેમણે અબુ કબીલથી, તેમણે અબ્દુલ્લાહ બીન અમ્રુ બીન આસથી, તેમણે મઆઝ બીન જબલથી રિવાયત કરી છે:
હ. રસુલે ખુદા સ.અ.વ. અમારી પાસે એવી સ્થિતિમાં તશ્રીફ લાવ્યા કે આપના ચહેરાનો રંગ ઉડેલો હતો. આપે ફરમાવ્યું: હું મોહમ્મદ સ.અ.વ. છું. મને શરૂઆતથી અંત સુધીનું જ્ઞાન આપવામાં આવ્યું છે, ઉતીતો ફવાતેહુલ કલામે વ ખવાતેમહુ. જ્યાં સુધી હું તમારી દરમ્યાન છું મારી ઈતાઅત અને અનુસરણ કરો અને જ્યારે આ દુનિયાથી ચાલ્યો જાઉં તો ખુદાની કિતાબને પકડી રાખો તેના હલાલને હલાલ અને હરામને હરામ ગણો જેથી રાહત, આરામ અને ખુશી સાથે તમારૂં મૃત્યુ થાય.
અલ્લાહનો ફેંસલો પહેલેથીજ થઇ ચુકયો છે, આ વાતનો સમાવેશ કરવામાં આવ્યો છે કે મારી પછી અંધારી રાતની જેમ ફિત્નાઓ સામે આવશે.
જ્યારે કોઈ રસુલ દુનિયાથી વિદાય લેતા હતા ત્યારે બીજા રસુલ તેના વારસદાર થઈને આવતા હતા. ત્યાં સુધી કે નબુવ્વતનો સાશ્વત ચહેરો બદલાઈ ગયો અને તેણે સલ્તનતનું સ્વરૂપ ધારણ કરી લીધું.
ખુદાવંદે આલમ એ શખ્સ ઉપર રહેમત મોકલે છે જે નબુવ્વતને સાચી રીતે સમજે છે અને સચ્ચાઈ સાથે પોતાની જવાબદારીઓને પૂરી કરે છે.
એ મઆઝ! ખબરદાર થાવ અને ગણતરી કરો.
મઆઝ કહે છે આં હઝરત સ.અ.વ. જ્યારે પાંચની ગણતરી ઉપર પહોંચ્યા ત્યારે ફરમાવ્યું: યઝીદ, ખુદાવંદે આલમ યઝીદમાં બરકત ન આપે. આ કહ્યા પછી આપની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ફરમાવ્યું:
મને શહાદતે હુસયનની ખબર આપવામાં આવી છે અને તે તેમને કતલ થવાની જગ્યાની માટી મારા માટે લાવવામાં આવી છે અને મને એ પણ જણાવવામાં આવ્યું છે કે તેમનો કાતિલ કોણ છે. એ ખુદાની કસમ જેની કુદરતના કબ્જામાં મારી જાન છે, જે લોકોની વચ્ચે હુસયન અ.સ.ને કતલ કરવામાં આવશે અને જે લોકો કતલ કરવાથી અટકશે નહિ ખુદાવંદે આલમ તેઓના દિલોમાં આપસમાં વિખવાદ ઊભા કરશે અને એમની ખરાબ વર્તણુંક એમના પર કબજો કરશે અને એમને આપસમાં અંદરોઅંદર ફાટફૂટનો સામનો કરવો પડશે.
હાય! અફસોસ મોહમ્મદ સ.અ.વ.ની આલ ઉપર! કેવી કેવી મુસીબતો તે અય્યાશ, બદબખ્ત અને શોહરત પરસ્ત અને ખાલી નામ પૂરતા ખલીફાની તરફથી આલે મોહમ્મદ અ.સ. ઉપર વારસાવવામાં આવશે. મારા ફરઝંદ અને તેની ઔલાદને કારણ વગર કતલ કરશે.
હ. રસુલે ખુદા સ.અ.વ.ના ઘરમાં મજલીએ અઝા
હાફીઝ મોહિબ્બુદીન તબરી તેમના પુસ્તક ઝખાએરૂલ ઉકબાના પાના ૧૪૮ ઉપર લખે છે કે અહમદ અને ઈબ્ને ઝહાકે અલી ર.અ.થી રિવાયત કરી છે કે અમીરૂલ મોઅમેનીન અ.સ.એ ફરમાવ્યું:
હું હ. રસુલે ખુદા સ.અ.વ.ની ખીદમતમાં હાજર થયો, આં હઝરત સ.અ.વ.ની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
મેં અરજ કરી: એ અલ્લાહના નબી! શું કોઈએ આપને ગુસ્સે કર્યા છે? આપની આંખોમાં આંસુ કેમ છે?
આં હઝરત સ.અ.વ.એ ફરમાવ્યું:
જીબ્રઈલે મને પુછયું: શું તમે તે માટીની ખુશ્બુ સુંઘવા ઈચ્છો છો? મેં કહ્યું: હા. તેમણે હાથ લાંબો કરીને ત્યાંની એક મુઠ્ઠી માટી મને આપી. હું મારી જાત ઉપર કાબુ રાખી શકયો નહિ અને અનાયાસે મારા આંસુ વહેવા લાગ્યા.
અઝીઝ બિરાદરો! ઈમામ હુસયન અ.સ.નો ગમ તે દુનિયાનો છે. આ એવો ગમ છે જે શહાદતની પહેલા મનાવવામાં આવતો હતો, જે આપે વિશ્વાસ પાત્ર અને આધારભૂત પુસ્તકોથી અને વિશ્વાસ પાત્ર અને આધારભૂત રાવીઓની રિવાયતોના અભ્યાસ પરથી કર્યો. હ. રસુલે ખુદા સ.અ.વ. શહાદતની પહેલા શહાદતની ખબર સાંભળીને રડતા હતા અને તે પણ એકાંતમાં નહિ ઘરમાં, અસ્હાબોના મજમામાં, ઉમ્મહાતે મોઅમેનીન ર.અ.ની હાજરીમાં તો શહાદતની પછી જેટલું પણ રડીએ તે અગત્યની સુન્નત છે. બીદઅતના ફતવાઓને કચરાની ટોપલીમાં નાખી દો અને આવો, બંને જહાનના માલિકની સુન્નત ઉપર અમલ કરીને, હુઝુરે અકરમ સ.અ.વ.ની દ્રષ્ટિમાં સમાય જઈએ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *