ઈમામ હુસયન (અ.સ.) ની ઝિયારતની શરતો

Print Friendly, PDF & Email

ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતની શરતો અસ્સલામો અલય્ક યા અબા અબ્દિલ્લાહ બે અબી અન્ત વ ઉમ્મી

ઝિયારતને હૃદયનું સાંત્વન, અકીદત અને મોહબ્બતને પ્રદર્શિત કરવાની રીત અને આખેરતની મૂકિતના માધ્યમની કલ્પના કરવામાં આવી છે. માનવ-ઈતિહાસમાં આ અમલ ઈસ્લામના ઈતિહાસની સાથે સાથે ચાલે છે. ત્યાં સુધી કે મઝહબમાં ન માનવાવાળા સમાજમાં પણ ઝિયારતનો રિવાજ કોઈને કોઈ પ્રકારે જોવા મળે છે. તેથી આરબો પણ આ રીત રિવાજથી અલિપ્ત નથી. અજ્ઞાનતાના યુગમાં પણ લોકો કઅબા અને તેની દિવાલો ઉપર બનાવેલા સોનાના હરણને પવિત્ર સમજીને તેની ઝિયારત માટે આવતા. જ્યારે રસુલે ખુદા સ.અ.વ. મદીનએ મુનવ્વરાથી મક્કાએ મુકર્રમા હજના એહકામ અદા કરવા માટે તશરીફ લઈ જતાં તો પાછા ફરતી વખતે પોતાના માદરે ગીરામી જનાબે આમેના(સ.અ.) ની કબર ઉપર હાજરી આપતા અને એવું કયારેય નહોતું બન્યુ કે આપ એ કબરની ઝિયારત કર્યા વગર મદીના પાછા ફર્યા હોય. કઅબાની નઝદીક મસ્જીદુલ હરામમાં મકામે ઈબ્રાહીમ અ.સ. છે. જ્યાં હાજીઓ બે રકઅત નમાઝ પડે છે અને ત્યાંજ આપના પગની નિશાની છે જેને સુરક્ષિત કરવામાં આવી છે અને તેની ઉપર એક નાનું ચણતર કરી લેવામાં આવ્યું છે, જે તમામ મુસ્લિમ ઉમ્મત ઉપર કયામત સુધી ઝિયારતગાહ બની રહેશે. અરફાત અને મીના તે ઝિયારતના સ્થળો જે જ્યાં હાજી સાહેબો વરસમાં એક વખત ભેગા થાય છે. ત્યાં જે ઝિયારતની પ્રક્રિયા મુસલમાનોની ઉમ્મત માટે નક્કી કરવામાં આવી છે, આપણે તેને મનાસિકે હજ્જના નામથી યાદ કરીએ છીએ. યાદ રાખો કે મીના અને અરફાતની ઝમીન આખુ વરસ નિર્જન રહે છે. મીનામાં ત્રણ દિવસ માટે અને અરફાતના મયદાનમાં એક દિવસ માટે વસ્તી હોય છે, જે હાજી આ ઝિયારતના સ્થળોમાં જેટલી પળો પસાર કરે છે તેના માટે અમુક શરતો પૂરી કરવી તે હરમના દરેક ઝવ્વારની ફરજ છે. અને તેનાથી અલિપ્ત નથી રહી શકતો. હિજરતની પહેલા જનાબે યાસિર ર.અ. અને સોમય્યા ર.અ.ની શહાદતોએ તેમના દફનના સ્થળે પાક અને પવિત્રતાના થાંભલા પર કાયમી ઝિયારતગાહ બાંધી છે. બદ્રના શહિદોની કબરો તેના નૂરની સાથે દરેક હાજી અને ઝવ્વારોનું ધ્યાન તેના તરફ આકર્ષિત કરે છે. ઓહદનું ગન્જે શહીદા આજે પણ ઝિયારતનું કેન્દ્ર બનેલું છે. જનાબે હમઝાની કબર આજે પણ ઓહદના પહાડ અને પથરાળ તળેટી વચ્ચે નૂર ચમકાવી રહી છે. ટૂંકમાં ઝિયારતનો રિવાજ ઈસ્લામના ઉદયથી સદીઓ શું બલ્કે હઝરત આદમ અ.સ.એ પોતાના પગ આ જમીન ઉપર મૂકયા તે દિવસથી આ રસ્મની પરંપરા શરૂ થઈ ગઈ.

ઝિયારતની પાછળનું કારણ ચોક્કસ રીતે કોઈ મહાન હેતુ અને ફાયદાઓ વાળુ હોય છે, ત્યારેજ રિવાયતોમાં તેના બારામાં તાકીદ અને આગ્રહ કરવામાં આવ્યો છે. ઝિયારત માટે પ્રવાસ અને ફરવા માટે અથવા હેતુ વગરની ટૂરની કલ્પના કરવી તે પોતાની અક્કલની ખામી અથવા વિચારશીલતાની ક્ષતિ સિવાય બીજું કશું નથી. અને જ્યારે કોઈ હેતુ સામે હોય છે તો તેના નિયમો અને શરતો પણ સમાજ અને સમયનો ખ્યાલ રાખી નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે અમુક લોકો પીર અથવા અવલીયાની કબર પર હાજર થાય છે ત્યારે એહતેરામની દ્રષ્ટિથી માથા ઉપર રૂમાલ બાંધી લે છે, જોડા બહાર ઉતારી દે છે અને પોતાને માનસિક રીતે તૈયાર કરી લે છે અને ત્યારેજ ઝિયારત માટે પોતાની અકીદત અને મોહબ્બત પ્રદર્શિત કરે છે. આ એક સામાન્ય નીયમ છે. આ બધી બાબતો ઝિયારત કરવાના સ્થળોએ પ્રચલિત છે. અલબત્ત, એક વિશિષ્ટતા અને અપવાદ હઝરત સરકારે સય્યદુશ્શોહદા (અ.સ.) અરવાહોના ફીદામાં જોવા મળે છે, તે વિશિષ્ટતા અને અપવાદ અન્ય ઉચ્ચ શખ્સીય્યતોની ઝિયારતમાં જોવા મળતા નથી. કરબલાની સૌથી વધુ દુ:ખ અંગેઝ ઘટના બની તેનાથી બહુજ પહેલા તે ઝિયારતનું અસ્તિત્વ જોવા મળે છે પછી ભલે તેનું સ્વરૂપ બદલાએલું કેમ ન હોય. બલ્કે ઈમામે મઝલુમ અ.સ.ના જન્મના સમયેજ તે પાકીઝા જમીનની માટીની ઝિયારત જીબ્રઈલ અ.સ.એ ખુદાના હુકમથી કરાવી અને બા-કાયદા રસુલે અકરમ સ.અ.વ. એ કલ્પાંત કર્યું. સ્પષ્ટ છે કે હુસયન અ.સ. જેવા મઅસુમ અને સાલેહ ખુદાના બંદાની ઝિયારતનો એહતેમામ ખુદ ખુદાએ અઝઝો જલાલની કુદરતના હાથમાં થયો છે. નિશ્ચિત રીતે ઝિયારતનું સ્થળ કોઈ ન કોઈ સર્વશ્રેષ્ઠ બુદ્ઘિયુકત અભિયાન અથવા ઈલાહી મીશનની પરીપૂર્ણતાથી સંબંધ ધરાવે છે. આજ ખાસ સંબંધને લીધે પરેશાન ઈન્સાન મુશ્કેલીઓ અને પરેશાનીઓથી ગભરાઈને પોતાની અકીદત અને મોહબ્બતને પ્રદર્શિત કરીને, પોતાની પરેશાનીઓથી મૂકિત મેળવવા માટે, પોતાની ઈચ્છાઓની પૂર્તી માટે, કબરના માલિકના વાસ્તાથી ખુદાની બારગાહમાં દોઆ માટે હાથ ફેલાવે છે. તો આમાં ન તો કોઈ અક્કલની ક્ષતિ, અને ન તો ખુદાથી દૂર થવા જેવું છે અથવા ન તો સર્જનનું સર્જક ઉપર મહત્વ આપવાનું ગુમાન થાય છે. આતો તેમની માનસિક અસમાનતાનું પ્રદર્શન છે જેઓ આ મુસ્તહબ કાર્યને બીદ્અત કહી રહ્યા છે.
હિજરી સન ૬૧ મોહર્રમુલ હરામની દસમી તારીખે રસુલ સ.અ.વ.ના જીગરના ટુકડા ઈમામ હુસયન અ.સ.ની એક માત્ર તે ઝાતે ગીરામીનો મરતબો છે કે જેણે ઈતિહાસની તેજ ધારાની દિશા બદલી નાખી. અને હજુ તો કરબલાને ૫૦ વર્ષથી વધુ મુદ્દતનો દૌર બાકી છે, તો પણ કયારેક કયારેક મ(સ્જીદે નબવીમાં, કયારેક ઉમ્મે સલમા ર.અ.ના ઘરમાં, કયારેક આપ (સ.અ.વ.) ના પત્ની આયશાના ઘરમાં, કયારેક અસ્હાબો વચ્ચે શહાદતની વાત થાય છે તેની સાથે સાથે હુસયન અ.સ.ની કબરના ઝવ્વારોના અજ્ર અને બદલા મળવાનું પણ વર્ણન કરવામાં આવે છે અને ઝિયારત કરવાની ફઝીલતો પણ બયાન કરવામાં આવે છે. ખુદાવંદે મોતઆલનું કોઈ કાર્ય વ્યર્થ નથી હોતું. તેના કામમાં કોઈને કોઈ કારણ જરૂર છુપાએલું હોય છે. અહિં પણ આટલો શાનદાર પ્રબંધ, જેની પાછળ પણ કોઈને કોઈ હેતુ જરૂર સમાએલો છે. પરંતુ અહિં એવી કઈ જરૂરત આવી પડી કે ઉમ્મે સલમા ર.અ.ના ઘરમા પ્રબંધ થઈ રહ્યો છે.
ઈમામ હુસયન અ.સ. હજુ બાલ્યાવસ્થામાં છે અને જનાબે ફાતેમા સ.અ.ના ખોળામાં પોતાના ભાઈ હસન અ.સ.ની સાથે બેઠા છે. જીબ્રઈલ (અ.સ.)  આવે છે, કરબલાનો પ્રસંગ બયાન કરે છે, રસુલ (સ.અ.વ.) ના જીગરનો ટુકડો બીબી બતુલ એટલા રડે છે કે બેહોશ થઈ જાય છે. આપને પાણી છાંટીને હોશમાં લાવવામાં આવે છે. અને તેના પછી શેહઝાદા ઈમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારોનો બદલો મળવાની બાબત કહે છે. અલ્લાહના, તેના રસુલના, રસુલ (સ.અ.વ.)ની અહલેબય્તના કોઈપણ કામ અદ્લ અને ઈન્સાફથી વેગળા નથી હોતા. ઝવ્વારને આલે મોહમ્મદ (સ.અ.વ.)ના ઘરેથી શું ફાયદો મળ્યો? શું તે ઝિયારતનું વળતર અને સવાબ દરેક ઝવ્વાર માટે સરખો છે? ઈબાદત કરવાવાળા સાલેહ બંદા અને ન કરવાવાળા લોકો વચ્ચે કોઈ ફેર નથી? છે. અને નિશ્ચિત રીતે છે. પ્રકૃતિના સિદ્ઘાંત મુજબ દેતે હે બાદહ, ઝરફ કદહ ખ્વાર દેખ કર. શું એ શકય છે કે એક વ્યકિત ઝિયારત માટે ગયો ઝિયારતના બધા એહકામો બજાવી લાવ્યો. અને પાછો આવી ગયો, હવે જો તે પહેલાની જીંદગીમાં જે રીતે તે દિની જવાબદારીઓમાં ગફલત કરતો હતો અને ઝિયારતની પછી પણ તેની વર્તણુંકમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન ન આવે તો એ કેવી રીતે શકય છે કે એ પછી પણ તેને તમામ વળતર એક સાલેહ અને નેક કાર્ય કરવાવાળા ઝવ્વારની બરાબર મળે? આ વાતો હકીકતથી અળગી અને અસંભવ છે. બલ્કે જેવી રીતે વ્યકિત તેની મહેનત પ્રમાણે વળતર મેળવે છે તેવીજ રીતે એક ઝવ્વાર પણ ઝિયારતની પાબંદીઓની મર્યાદા મુજબ પોતાનું એક સ્થાન આમાલની બુનિયાદ ઉપર ઉભું કરે છે અને તે મુજબ તેને વળતર મળે છે. તે મર્યાદાઓ પણ તેજ સમયે નક્કી કરવામાં આવી હતી કે જ્યારે કરબલાની ઘટના બનવાની પહેલા હજુ અડધી સદીથી વધુ દૂરનું અંતર હતું. અને તેની સ્પષ્ટતા અને વિગત સાદિકે આલે મોહમ્મદ સ.અ.વ.એ કરબલાની ઘટનાની એક સદી પછી કરી.

મસ્જીદે નબવી અથવા ઉમ્મે સલમા (ર.અ.) નો પ્રસંગ બધા જાણે છે. આ કોઈ વાર્તા નથી પરંતુ ખરેખર આ પ્રસંગ બન્યો હતો. જ્યારે પયગમ્બર સ.અ.વ.ના ઘરમાં જનાબે ફાતેમા (સ.અ.) હુસયન (અ.સ.)ની સાથે પોતાના બાબાના ઘરમાં તશ્રીફ લાવ્યા હતા, તે વખતે જીબ્રઈલ (અ.સ.) આવે છે અને કરબલાના બનાવની ખબર સંભળાવે છે. જનાબે ઝહરા (સ.અ.) સખત રીતે રડે છે. જનાબે રસુલે ખુદા સ.અ.વ.નો ખોળો આંસુઓથી તર થઈ જાય છે.
જીબ્રઈલ અમીન (અ.સ.) ચાલ્યા જાય છે અને રડવાનો સિલસિલો પૂરો થાય છે થાય છે અને વાત મિલ્લતે શીયાના ધડકતા દિલો સુધી પહોંચી. જ્યારે ઈમામ હુસયન (અ.સ.)ના ઝવ્વારોની વાત છેડાઈ ગઈ છે તો એ પણ જાણી લઈએ કે આખર ઝિયારતને આટલું બધું મહત્વ શા માટે આપવામાં આવ્યું છે? તેની અગત્યના અને ફાયદાઓ શું છે? આ વિષય ઉપરની ચર્ચાને અંત સુધી પહોંચાડીને તેનું પરિણામ મેળવવું જરૂરી છે. જો થોડી વાર માટે એ માની લેવામાં આવે કે ઝિયારતનું કોઈ મહત્વ નથી તો પછી શું થશે? સ્પષ્ટ છે કે બનાવ મકસદ વગરનો રહીને અડધી સદીની અંદર અંદર ભુલાવી દેવામાં આવશે. અને મિશન અને હેતુ સમયની તેજ ધારા અને તોફાની વહેણમાં વહી જઈને અદ્રશ્ય થઈ જશે. માત્ર ઈતિહાસના વિષયમાં એક પ્રકરણ બનીને રહી જશે. કારણકે ઝિયારત તે ખૂનથી ભરપૂર ઘટનાને જીવંત, પાયાદાર અને તાજી રાખે છે તેથી તેનું મહત્વ અને ફાયદાઓની અવગણના નથી થઈ શકતી. કદાચ એટલા માટે ઈમામ હુસયન (અ.સ.) એ પોતાના નાનાને પુછયું હતું કે: “નાના! આપ મારા ઝવ્વારો માટે શું અજ્ર નક્કી કરો છો?” આપ (અ.સ.વ.) એ ફરમાવ્યું: “એક હજનો સવાબ.” કરબલામાં શહિદ થવાવાળા શહિદે આઝમ, “બસ?” કહીને ચૂપથઈ ગયા. રસુલે અકરમ (સ.અ.વ.) એ વાત ત્રણ હજ સુધી આગળ વધારી અને ચૂપ થઈ ગયા. ઈમામ હુસયન (અ.સ.) પોતાના વ્હાલા માદરે ગીરામી (સ.અ.) તરફ જોયું. આપે વાયદો કર્યો: હું ત્યાં સુધી જન્નતમાં દાખલ નહિ થાઉં જ્યાં સુધી તમારા ઝવ્વારોને દાખલ ન કરી દઉં. હજ્જ અને જન્નત એ બંને તો અકીદત અને અઅમાલની મજબુત કડી છે. આ વિષયોનો સિલસિલો તો રસુલે અકરમ (સ.અ.વ.) ની રીસાલતની તબ્લીગથી એવી રીતે જોડાએલો છે કે કોઈ તેને જુદો નથી કરી શકતું. જન્નત એ અકીદાનો અરિસો છે કે જે મુસલમાનોના તમામ અઅમાલોને ઈસ્લામનાં દસ્તૂરની કસોટી ઉપર પારખીને આપવામાં આવે છે અને હજ નબુવ્વતના સિલસિલાના એ ઈતિહાસને દોહરાવે છે જેણે જોર અને ઝુલ્મની ભડકેલી આતીશે નમરૂદના અંગારાઓને મહેકતા ફૂલોમાં બદલી નાખ્યા હતા અને ઈબ્રાહીમ (અ.સ.) ના ફરઝંદ ઈસ્માઈલ (અ.સ.) એ મક્કાની તપતી રેતીમાં ઠંડા પાણીને ઝરો વહેતો કરી દીધો હતો. તેથી અલ્લાહની તે નિશાનીઓના એહતેરામ માટે ખુદાવંદે મુતઆલના નક્કી કરેલા કાયદા, કાનુન, શરતો અને સિદ્ઘાંતોની અવગણના કરનારા અથવા ભુલી જનારાઓને તે ઉમદા અને ઉચ્ચતમ તૌફીકાત કયારેય પ્રાપ્ત નહી થશે. એ વાતો જે મસ્જીદ નબવીમાં અલ્લાહના રસુલ (સ.અ.વ.) એ ઝિયારત કરનારાઓ માટે અજ્રના સિલસિલામાં બયાન કરી હતી એટલે કે અજ્રને રસુલ (સ.અ.વ.) પોતાની ત્રણ હજ્જોના સવાબની બરાબર નક્કી કરી હતી તેની સ્પષ્ટતા અને વિગતો રસુલે અકરમ (સ.અ.વ.) ના ફરઝંદ સાદિકે મોહમ્મદ (અ.સ.) એ ફરમાવી જેથી ઝિયારત ઈમામ હુસયન (અ.સ.)ના આદાબ, શિષ્ટતા અને મહત્વતા ધ્યાનમાં રહે.

આ આદાબની બે મસ્લેહતોને રાઝને વર્ણવવામાં આવી છે. એક તો એ કે ઝિયારતની શરતો ઉપર અમલ કરવાવાળો અતિશયોકિતનો શિકાર ન બની જાય અને તોહમતો ઈલ્ઝામો તેના મજબુત પંજાથી તેને દબાવી ન દે. બીજુ એ કે વાજીબાતના મહત્વ સાથે સરખામણી અને કયાસ પોતાની મરજીથી અર્થઘટન કરવું શરૂ ન થઈ જાય.
આવો આ શરતો ઉપર પણ એક ઉડતી નજર ફેરવીએ. જેને ફરઝંદે રસુલ (સ.અ.વ.) ઈમામ જઅફરે સાદિક (અ.સ.)એ બયાન કરી છે. જેથી વિરોધીઓ અને ટીકાકારો તેની હદોને તોડી ન શકે. મોહમ્મદ બીન મુસ્લિમ રાવી કહે છે કે એક દિવસ મેં ઈમામ સાદિક (અ.સ.)ને અરજ કરી: “શું અમે આપના જદ્‌ની ઝિયારત કરવાવાળા, એવી રીતે છીએ જેવી રીતે હજ માટે ગયા હોય?” હઝરતે જવાબમાં ફરમાવ્યું: “હા.” મેં ફરી અરજ કરી: “મૌલા! તે નિયમો જે હાજીઓ ઉપર ફરજ થાય છે તે આપના જદ્દની ઝિયારત કરવાવાળાઓને પણ લાગુ પડે છે?” આપ (અ.સ)એ પુછયું: “તમે કઈ દ્રષ્ટિથી આ સવાલ કરી રહ્યા છો?” મેં જવાબમાં અરજ કરી: “એ દ્રષ્ટિથી કે જે ફરજો હાજીઓ માટે હજ્જના સમય માટે ખાસ છે.” ઈમામ (અ.સ) ૧૩ શરતોની તઅલીમ આપી.

(૧) એક ઝવ્વારની ફરજ છે કે તે સહ-પ્રવાસીઓ સાથે નેક ભર્યું વતન કરે. ઝવ્વારના સહ-પ્રવાસી પણ ઝવ્વાર હોય છે. આ એક એવો અમલ છે કે જે માનવ સમાજનાં ઉચ્ચતા અને વ્યકિતત્વમાં ખેંચાણ ઉત્પન્ન કરે છે. આ ટૂંકો સાથ જ્યારે એક બીજા સાથે નેક કાર્યો માટે તૈયાર થાય છે તો તેની પ્રકૃતિ તે નેકીના બીબામાં ઢળવા લાગે છે અને તે સમાજની દરેક વ્યકિતને પોતાના કુટુંબનું એક સભ્ય માનવા લાગે છે. કેમકે મવલાની નિકટતાના પાઠથી તેના સ્વભાવમાં બીજાના દુ:ખનો એહસાસ ઉત્પન્ન કરી દીધો છે તેથી તે દુનિયામાં તેને મળતી ઈજાઓમાંથી રક્ષિત રહે છે.

બેહારૂલ અન્વારમાં છે કે હઝરત મોહમ્મદ મુસ્તુફા સ.અ.વ. એ પોતાની પુત્રી (સ.સ)ની આંખોથી આંસુ લુછતા આપના પુત્રોના ઝવ્વારો અંગે ફરમાવ્યું: “બેટી! તમારા પુત્રના ઝવ્વારો જ્યાં સુધી રસ્તામાં હોય છે ખુદાની નેઅમતો તેઓની ઉપર સતત અને સંપૂર્ણ રીતે થતી રહે છે અને તે ખુદાના અમાનમાં રહે છે. અને જો તે રસ્તામાં મૃત્યુ પામે તો તેને શહિદોનો સવાબ આપવામાં આવે છે.”
(૨) ઝવ્વાર માટે જરૂરી છે કે તે ઓછોમાં ઓછી વાતો કરે. નેકી સિવાયની અન્ય કોઈ વાત ન કરે ઓછી વાતચીત કરવાથી વ્યકિતની સલાહિય્યતો પણ રક્ષિત થઈ જાય છે અને સમજ શકિત અને આવડતમાં વિશાળતા અને જીવનમાં સંભાળીને ચાલવાની કુશળતા ઉત્પન્ન થાય છે. જ્યારે તે પોતાની જીભ નેકીની વાતો માટે ખોલે છે તો તેમાં અસર હોય છે અને ઓછું બોલવું તેની અંદરના વિચારોને સારા કરે છે અને જ્ઞાન મેળવવા માટે એક તંદુરસ્ત પ્રક્રિયા ઉત્પન્ન કરે છે. જ્યારે તે તમામ ખોટા વિચારોને પાક કરીને ઈમામ હુસયન “અ.સ.”ની ઝિયારત માટે એકાગ્રતા મેળવી લે છે તો તે વ્યકિતમાં કરબલાના શહિદોની ભવ્યતા અને મનન કરવાની દ્રષ્ટિ જન્મ લે છે.

(૩) ઝવ્વારની ત્રીજી ફરજ એ છે કે ખુદાવંદે તઆલાની બારગાહમાં દોઆની સાથે સાથે વધુને વધુ મગરેફત કરતો રહે. અહિં બારગાહે ઈલાહીમાં વધુમાં વધુ દોઆમાં વ્યસ્ત રહેવાની એટલા માટે તાકીદ કરવામાં આવી છે કે દુનિયાના જીવનના દરેક શ્વાસની વચ્ચે માનવીનો ખુલ્લો દુશ્મન શયતાન એ કોશીશમાં રોકાએલો રહે છે કે દિલોમાં એવા ફીત્ના અને ફસાદને જન્મ આપે કે જે ઈન્સાનની મુર્દા રૂહ, અયોગ્ય અને ગુનાહિત કાર્યો, લાલચ, ઈર્ષા અને ઘમંડ મારફતે દિલ અને દિમાગને સીધા રસ્તા ઉપરથી હટાવી દે અને જ્યારે ઝિયારત કરીને પાછો ફરે ત્યારે કોઈ લાભ બાકી ન રહે અને ઈમામ અ.સ.ના ફયઝો અને બરકતોથી તૃપ્ત ન થવા પામે.
તેથી વધુમાં વધુ ઈસ્તેગફાર કરે અને એ ગુનાહોથી બચતો રહે જે દોઆને કબુલ થવાથી રોકે છે.

અલ્લાહુમ્મગફીર લેયઝઝોનુબલ્લતી તહબેસુદ દોઆઅ.
પરવરદિગાર! મારા એ ગુનાહોને બક્ષી આપ જે દોઆને કબુલ થવાના દરવાજા સુધી પહોંચવાથી રોકે છે.

(૪) જ્યારે ઝિયારતના ઈરાદાથી નીકળે તો પાક પાકીઝા કપડા પહેરે એટલા માટે કે તે એમની ઝિયારતનો ઈરાદો કરીને નીકળ્યો છે, જ્યાં પાકીઝગીની સાથે નજાસતની કલ્પના પણ નથી કરી શકાતી. તે પવિત્ર હસ્તીનો મરતબો એટલો છે કે જેની પવિત્રતાની ઝમાનત ખુદાવંદે મોતઆલે આયેએ તતહીર ઉતારીને લીધી છે. મઅસુમીન (અ.સ.) એ ઝિયારતે વારેસામાં પવિત્રતાની જાહેરાત પણ આદમ અ.સ.થી આજ સુધી આ અંદાઝમાં કરી છે,

અશ્હદો અન્નક કુન્ત નુરન ફીલ અસ્લાબીશ શામેખતે વલ અરહામીલ મોતહહરતે, લમ તોનજ્જીસકલ જાહેલિય્યતો બે અન્જાસેહા, વલમ તુલ બીસ્ક મીન મુદલે હિમ્માતે સેયાબેહા.

હું ગવાહી આપું છું કે આપ ઉચ્ચ મર્તબાવાળા બાપ-દાદાઓની પીઠ અને પાક-પાકીઝા માઓના શીકમોમાં પેટમાં એક નૂર હતા. અજ્ઞાનતાએ તેની તમામ નાપાકીઓ છતા આપને ના-પાક ન કરી શકી અને ન આપને જાહેલિય્યત પોતાનો તાર-તાર તૂટયો-ફૂટયો લિબાસ પહેરાવી શકી. તમારા બાપ-દાદાઓ અને તમારી પાક-પાકીઝા માઓ જેહાલતના વખતમાં મુશ્રીકોની રવીશ અને રસ્મો-રિવાજથી દૂર રહીને સુન્નતે ઈબ્રાહીમ (અ.સ.) પર કાર્યરત હતા.

સાદિકે આલે મોહમ્મદ (અ.મુ.સ.) એ સ્પષ્ટ રીતે કહ્યું કે ઈમામ હુસયન (અ.સ.)ના હરમમાં દાખલ થવા માટે પાકીઝગી અને તહારત જરૂરી છે. જેવી રીતે ખુદાની ઇબાદતગાહમાં જાહેર અને છુપી તહારત બંને શર્ત છે. તેવીજ રીતે ઈમામ હુસયન (અ.સ.)ના હરમમાં દાખલ થવા માટે પણ તહારત શર્ત છે. કારણકે ઈકબાલના કૌલ મુજબ યઝીદના યુગમાં લાએલાહા ઈલ્લલ્લાહનો કલમો અરબની ભૂમીથી વિદાય થઇ રહ્યો હતો આ હુસયન (અ.સ.) પોતાની બધી ઈલાહી શકિત અને કલમાની છાતી સામે ઢાલ બની ગયા અને તે રેતાળ ભૂમી ઉપર પોતાના લોહીની ધારથી લા એલાહા ઈલ્લલ્લાહનો નકશો કંઈક એવી રીતે લખી દીધો કે ન માત્ર હંમેશ માટે બાકી રહી ગયો પરંતુ તે નકશ આપણી મુકિતનું સાધન બની ગયો.
નકશે ઈલ્લલ્લાહ બર સહરા નવિશત
સતરે ઉન્વાને નજાતે-મા નવિશ્ત

(૫) ઝવ્વાર માટે જરૂરી છે કે હરમમાં દાખલ થતાં પહેલાં ગુસ્લ કરે. આ ગુસ્લ એ નિય્યતની સાથે કરે છે કે હું ગુસ્લ કરૂં છું ઈમામ હુસયન (અ.સ.)ના હરમમાં જવા માટે કુરબતન એલલ્લાહ. એક સહાબી સફવાન જમાલે ઈમામ સાદિક (અ.સ.)ને પૂછયું: “મૌલા નહેર ફુરાતમાં પહેલા ગુસ્લ કરે પછી ઝિયારત માટે હરમમાં દાખલ થાય તો તેનો શું સવાબ છે?” આપ (અ.સ.) એ ફરમાવ્યું: “ખુદાવંદે મોતઆલ તમામ ગુનાહોને બક્ષી આપે છે અને તેને પોતાના રક્ષણ અને અમાનમાં રાખે છે.” કામેલુ અઝ્ઝયારાત

(૬) નમ્રતા અને ખાકસારી સાથે પોતાની જાતનું સમર્પણ, એ પણ ઝવ્વારની ફરજોમાંની એક ફરજ છે.
ઝિયારતની આ શરત વિચારણાને પાત્ર છે. આ શર્તો પૂરી કરવી તે નમાઝ કબુલ થવાનું કારણ છે. આજ અલ્લાહ પાસે મદદ માગવાનું માધ્યમ છે, તેથી ખુદાવંદે કરીમ ઈરશાદ ફરમાવે છે:

વસ્તઈનુ બિસ્સબ્રે વસ્સલાત ઈન્નહ લ-કબીરતુલ અઅલલ ખાશેઈન.

મદદ માગો નમાઝ અને રોઝાથી અને આ મુશ્કેલ છે લોકોને માટે સિવાય એ કે જેઓ ખાશેઈનમાંથી છે.

આ શર્ત ઝવ્વારો માટે પણ સાચી પડે છે. જો ઝિયારત પરડવાવાળો ખાશેઅ હશે તો પછી ઝિયારતનું તાત્પર્ય છે નહિ તો કઈ પણ નથી. ધ્યાન આપવા જેવી વાત એ છે કે જેની વિલાદતથી ફિતરૂસને વાળ અને પાંખો આપી દીધી, કામેલુલ ઝિયારત,

શું તેની સાક્ષી નથી આપી શકાતી? પરંતુ આ તો ખાશેઈનનો ભાગ છે જેટલુ દિલ જુકશે એટલુજ તેનું મહત્વ અને મહાનતા વધશે. અને તેનાજ ખાશીયતના પયમાનામાં પૂરા ઉતરવાની સનદ મળશે. એટલાજ માટે આઠમી શરતમાં ઈમામ સાદિક અ.સ. ફરમાવે છે.

(૮) જરૂરી છે કે હરમમાં પહોંચીને વધુને વધુ નમઝો પડો અને મોહમ્મદ સ.અ.વ. અને તેની પવિત્ર આલ ઉપર વધુને વધુ દોરૂદ મોકલતા રહો. નમાઝ બધી બુરાઈઓથી રોકે છે.
અસ્સલાતો તન્હા અનિલ ફકશાએ વલ મુન્કર – નમાઝ ગંદી અને નાપસંદ વાતોથી રોકે છે.

(૯) જરૂરી છે કે ગુનાહોથી આંખોને બચાવી રાખો. સાદિકે આલે મોહમ્મદ સ.અ.વ.એ જીભની તાલીમ પછી આંખો ઉપર ભાર મૂકયો. આંખો ઉપર કાબુ રાખવો તે એક ઘણી મહત્વની બાબત છે. સફરમાં ચંચળ આંખો નફસે અમ્મારાને વાસનાને ઉત્તેજીત કરે છે અને આ નફસ ડગલે ને પગલે દિલની દરેક ફિતૂર છળકપટ માટે તૈયાર કરી દે છે. હરામ બાબતો ઉપર નજર જમાવી દે છે ગુનાહાને કબીરાને ભેગા કરવામાં કસર નથી છોડતો. તેથી આંખો ઉપર નિયંત્રણ મૂકી દીધું, જેથી આંખોના રસ્તે કોઈ ભારે હુમલો ન કરી શકે અને ઝિયારતની પૂંજી સુરક્ષિત અને અકબંધ રહે.

(૧૦) જરૂરી છે કે જે ઝવ્વારો ચોરોના હાથે લુંટાઈ ગયા છે, તેમનાથી હમદર્દી અને મદદ કરવામાં ઉણપ ન રાખે. અગર આ લખવાવાળા ઝિયારત દરમ્યાન કંઈક અનુભવ લઈને ન આવતે તો આલે મોહમ્મદ (સ.અ.વ.)ના ફરમાન સમાજમાં ન આવતા. હું ઈમામ હુસયન (અ.સ.)ની કબ્રના તવાફમાં મશ્ગુલ હતો કે મેં જોયું કે એક સ્ત્રી જે પંજાબથી ઝિયારત માટે આવી હતી તેની કુલ મુડી વીસ હજાર રૂપીયા હતી. ખિસ્સા કાતરૂએ તે રકમ તે સ્ત્રી પાસેથી પડાવી લીધી અને જ્યારે તેને ખબર પડી તો તે એવી રીતે બેચૈન અને બેબાકળી બની ગઈ હતી કે તેની વિગત લખવાની શકિત નથી. આજે જ્યારે હું ઝિયારતની શરતોને લખી રહ્યો છું તો એવી લાગણી થાય છે કે ઈમામ સાદિક (અ.સ.) ના ઝવ્વારો માટે ઉત્પન્ન થનારી મુશ્કેલીઓ ઉપર તે સમયે નજર હતી જ્યારે આવા પ્રકારના પ્રશ્નો બહુજ ઓછા બનતા હતા. આ શરત નજર સમક્ષ રાખીને જો ઝવ્વારો થોડી થોડી પણ મદદ કરે તો તેની બધી પરેશાનીઓ દૂર થઈ જશે. આજ મઅસુમીન (અ.સ.) ની વાતોનો મોઅજીઝો છે કે તેઓની નજરો આ પ્રશ્નો ઉપર હતી જે ભવિષ્યમાં ઉાભા થવાના હતા અને છે.

(૧૧) ઝિયારત કબુલ થવા માટેની એક આ શર્ત પણ છે કે સમય સંજોગ જોઈને તકય્યાનો અમલ કરે. આનો અર્થ એ થાય છે કે જો ઝિયારત અને ઝવ્વાર વચ્ચે હુકુમતની તરફથી નિયંત્રણ આવી પડે અથવા મુશ્કેલી ઉભી થાય તો તેવા પ્રસંગે જો તકય્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોય તો તકય્યા ઉપર અમલ કરવો વાજીબ થઈ જશે અને ઝવ્વારો એ બાબતોથી અળગા રહે જેનાથી જાનનું જોખમ થઇ જાય અથવા બીજા બિરાદરોને નુકસાન પહોંચવાની શકયતા હોય.

(૧૨) ઝિયારતના માટે એ પણ જરૂરી છે કે શરીયતમાં જે બાબતોની મના કરવામાં આવી છે તેનાથી દૂર રહે એટલા માટે કે જો તે દૂર નહિં રહે તો તેનો અર્થ એ થશે કે તે શરીયતના હુકમોને ક્ષુલ્લક અને હલ્કા ગણે છે. સ્પષ્ટ છે કે તેવા ઝવ્વારોની ઝિયારતનો કોઈ અર્થ રહેતો નથી. તે માત્ર દુનિયાદારી અને દંભ માટે આવ્યો છે તેને હઝરત સય્યદુશ્શોહદા અ.સ.ની કુરબાનીઓની કોઈ પરવા નથી અને ન તો તેઓને તે હઝરતની ખુશ્નુદીની જરૂર છે. તેઓ માત્ર તેઓની ભૌતિક અને નફસાની ઈચ્છાઓના પાબંદ છે.

(૧૩) દુશ્મનીના કારણે અથવા એક બીજાના મતભેદના કારણથી પોતાની વાત ઉપર વિશ્વાસ બેસાડવા માટે સોગંદ લેવાની ઝવ્વારોને મનાઈ કરવામાં આવી છે. એવું જોવામાં આવ્યું છે કે અમુક લોકો માટે કસમ તે વારંવાર જરૂરત વગર બોલવાની પરિભાષા છે, તકિયા કલામ છે. અમુક લોકો પોતાના બચાવ માટે કોઈ સત્યતા ન હોવાના કારણે કસમો ઉપર ઉતરી આવે છે. અમુક લોકો લાગણીના આવેશમાં આવી જઈને વગર સમજ્યે કસમ ખાવા માંડે છે. તેઓ એ પણ નથી જાણતા કે તેઓએ કઈ વાત ઉપર કસમ ખાધી છે. ખરેખર તો તેઓએ કરેલી વાત ઉપર ભરોસો નથી હોતો. આ રીતે વારંવાર કસમ ખનારાઓની માત્ર વિશ્વસનિયતા ઓછી નથી થઈ જતી બલ્કે ખુદ તે બીજાઓનો વિશ્વાસ ગુમાવી દે છે જે તેની સંપૂર્ણ લાયકાત ઉપર ખુબજ ખરાબ રીતે અસર કરે છે. પરિણામે તેને દરેક ક્ષેત્રમાં નિષ્ફળતા મળે છે. આ ભયંકર હરામ કામથી બચાવવા માટે ઈમામ સાદિક અ.સ.એ ઝવ્વાર માટે તેને અયોગ્ય ગણ્યું કે તે આ ટેવને અપનાવીને જેની ઝિયારત માટે ગયો છે કદાચ તેના ઉપરથી તેનો વિશ્વાસ ઉડી ન જાય.

અંતમાં આપે ફરમાવ્યું કે જે લોકો ઝિયારતની ઉપરોકત દર્શાવેલી શર્તોનું સંપૂર્ણ રીતે પાલન કરે છે તેઓના માટે ઝિયારત હજ અને ઉમરહની બરાબર હશે.

એક ઝવ્વાર ઝરીહે અકદસનો તવાફ કર્યા પછી સરે હુસયન (અ.સ.) ના કુબ્બાની નીચે બે રકઅત નમાઝ પડે છે. રિવાયતમાં છે ઝવ્વાર તેની હાજતોમાંથી જે હાજત સૌથી પહેલી માગે છે અને તે હાજત જાએઝ હોય તો કબુલ થવાના દરવાજા સુધી તે પહોંચી જાય છે અને તેની પોતાની મુરાદ નિશ્ચત રીતે પૂરી થાય છે.
કામિલુઝ્ ઝિયારતમાં છે કે આપે આપના સહાબીનો એ સવાલ, એ રસ્તમાં ઝવ્વારનો ખોરાક શું હોવો જોઈએ, આપે ફરમાવ્યું, દુધ અને રોટલી.

અબુલ મોઝા ઈમામ (અ.સ.)ના સહાબી છે આપે ફરમાવ્યું છે કે ઈમામ સાદિક (અ.સ.) એ મને પૂછયું: “તમે મારા જદ્દની ઝિયારત માટે ગયા હતા?”  મેં અરજ કરી, “હા. યબ્ન રસુલુલ્લાહ, ગયો હતો.” આપે (અ.સ.) પૂછયું: “ત્યાં દસ્તરખાન બીછાવેલો હતો જેની ઉપર જુદા જુદા પ્રકારની વાનગીઓ હતી.” મેં હકારમાં જવાબ દીધો. આપ (અ.સ.) એ ફરમાવ્યું: “જ્યારે તમે તમારા પિતા કે માતાની કબ્ર પર જાઓ છો તો તેવીજ તૈયારી સાથે જાવ છો અને ગમગીન થાવ છો?”

ઈમામ (અ.સ.)નો હેતુ એ હતો કે હરમમાં સ્વાદિષ્ટ ખોરાકથી પરહેઝ કરવી જોઈએ.
અંતમાં, જે સૌથી પહેલી શર્ત છે, જે ઝિયારત માટે એવી જરૂરી છે, જે હજ અને ઉમરામાં જોવા મળતી નથી. તે છે હરમમાં દાખલ થવા માટેની ઈઝનની, પરવાનગીની દોઆ.

ઈમામ સાદિક (અ.સ.) ને અસ્હાબે પુછયું: “એ કેવી રીતે ખબર પડે કે સય્યદુશ્શોહદા ઈમામ હુસયન (અ.સ.)મે ઈજાઝત આપી દીધી છે?”  આપ(અ.સ.) એ ફરમાવ્યું: “જો આંખોમાંથી આંસુ ટપકી પડે તો સમજી લો કે પરવાનગી મળી ગઈ છે.”

મારા મા-બાપ આપ ઉપર ફીદા થાય એ ફરઝંદે રસુલ “સ.અ.વ.” એ ફાતેમા (સ.અ.) ના લાલ! એ અલી (અ.સ.) ના નૂરે અયન! એ કરબલાના પ્યાસા! એ ગરીબુલ વતન! એ શહિદે અઅઝમ!  એ નફસે મુતમઈન્નાના માલિક! અમે, દુ:ખ, મુસિબતના ઝમાનાનાં ગુલામોને આપની ઝિયારતનો શરફ અતા ફરમાવો અને આલમે બરઝખ અને રોઝેમહશર અને ગુનેહગારોને ભુલી ન જજો.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *