સય્યદુશ્શોહદાની અઝાદારીના અમુક ફાયદાઓ

Print Friendly, PDF & Email

વ્યકિતત્વ: જેનું વ્યકિતત્વ જેટલું મહત્વનું હોય છે તેની યાદ અને તેની ચર્ચા એટલીજ મહત્વની હોય છે. વિશ્વ વ્યાપી વ્યકિતત્વની ચર્ચા પણ વિશ્વ વ્યાપી હોય છે. એહસાનનું મુલ્ય સમજનાર કૌમ પોતાના પ્રિય-પાત્રો અને શહિદોની યાદગાર મનાવે છે. આ ચર્ચા કોઈ ખાસ કોમ અને મઝહબ સાથે વિશેષ સંબંધ ધરાવતી નથી. પરંતુ તેનું ઝરણું માનવીની પવિત્રતા અને પ્રકૃતિ – સ્વભાવ છે. પ્રિય પાત્રોની યાદગીરી ઉજવવી તે માનવ સહજ પ્રકૃતિ છે.
હઝરત ઈમામ હુસયન (અ.સ.)એ સાચા દીનને સ્થાપિત કરવા માટે અને જુઠનો નાશ કરવા માટે જે ભવ્ય યોગદાન આપ્યું છે જેનું ઉદાહરણ વિશ્વના માનવ ઈતિહાસમાં જોવા મળતું નથી. દુશ્મન સત્તાઓએ દીને ઈસ્લામનો નાશ કરવા માટે જે પૂર્વ-યોજીત કાવતરૂં તૈયાર કર્યું હતું જે એક પૂર્વ યોજીત ઈરાદા હેઠળ યઝીદના સ્વરૂપે પ્રકાશમાં આવ્યું હતું. ઈમામ હુસયન (અ.સ.)એ પોતાના પ્રચંડ સામનાથી આ કાવતરાના બધા પાસાઓને એવી રીતે વેર-વિખેર કરી દીધા કે ખુદ યઝીદના મહેલમાંથી અઝાનનો અવાજ સંભળાવા લાગ્યો. ઈમામ હુસયન (અ.સ.)નું બયાન હંમેશા માનવીનું ધ્યાન આ હકીકત તરફ દોરતું રહે છે, સાવધાન રહો, દુશ્મનોના નકશાઓથી, અસાવધ ન રહો. કયારે પણ તેઓને પોતાની યોજનાઓમાં સફળ થવા ન દેશો. પછી જરૂર પડે તો આપણે બહુ મોટી કુરબાની પણ કેમ આપવી ન પડે.
હઝરત સય્યદુશ્શોહદા (અ.સ.)ના બયાનના અગણિત ફાયદાઓ છે. માત્ર થોડા ઉદાહરણો નીચે મુજબ છે, રજુ કરીએ છીએ:
૧) નબી અને આલે નબીની નજદિકી: નબી અને આલે નબીની મોહબ્બત મોઅમીનોની અમુલ્ય મુડી છે. સુરએ મુજાદેલાહની છેલ્લી આયતમાં આ વાતની ચર્ચા કરવામાં આવી છે કે જે લોકો ખુદા અને કયામત ઉપર ઈમાન ધરાવે છે તેઓ હરગિઝ ખુદા અને રસુલના દુશ્મનોને દોસ્ત ન રાખશે. પછી ભલે તે લોકો તેઓના સૌથી વધુ નજદીકના સગા પણ કેમ ન હોય અને સુરએ શુરાની ૩૩મી આયતમાં એહલેબય્ત (અ.સ.)ની મોવદ્દત અને મોહબ્બતને રીસાલતનું વળતર નક્કી કરી દેવામાં આવ્યું છે. ઈમામ હુસયન (અ.સ.)ની અઝાદારી ખુદા અને રસુલના દુશ્મનો સાથે દૂરી અને નબી સ.અ.વ.ની અહલેબય્ત (અ.સ.) સાથે મોહબ્બત અને અકીદત જાહેર કરવી તે શ્રેષ્ઠ ઝરીઓ છે.
શું એ શક્ય છે કે એક માણસ નબી કરીમ સ.અ.વ.ની મોહબ્બતમાં ડૂબેલો હોય અને આલે નબીના દુઃખોની અસર ન થાય? તેઓના ફઝાએલ અને પ્રશંસા સાંભળીને ખુશ ન થાય?
૨) સચ્ચાઈની મદદ: ઈમામ (અ.સ.)ની ઝુંબેશ સચ્ચાઈનું જીવન અને જૂઠના મૃત્યુ ખાતર હતી. તેથી જ્યાં પણ આ બયાન રજૂ કરવામાં આવશે ત્યાં સત્યની જીંદગી અને જૂઠના મૃત્યુની ચર્ચા થશે. અમ્ર બીલ મઅરૂફ અને નહી અઝ મુન્કર જેવી મહત્વની ફરજનો હેતુજ સારી બાબતોનો રિવાજ અને ખરાબ બાબતોનો અંત છે. જો આપણે હઝરત ઈમામ હુસયન (અ.સ.)ના કથનનો અભ્યાસ કરીએ તો આપણને ડગલે ને પગલે જાણવા મળશે કે અમ્ર બીલ મઅરૂફ અને નહી અઝ મુન્કરના માટે જ હઝરતે ઝુંબેશ ઉઠાવી હતી. સત્યથી વધુ કોઈ સારી બાબત નથી અને જુઠથી વધુ કોઈ ખરાબ વસ્તુ નથી. આ કારણે સય્યદુશ્શોહદાની અઝાદારી સતત સચ્ચાઈ અને સચ્ચાઈના માર્ગ ઉપર ચાલનારાઓની તરફેણ અને મદદ અને જૂઠથી તિરસ્કાર, નફરત અને તેનાથી દૂર રહેવાનું એલાન છે.
૩) ચારિત્ર્યના મુલ્યો: આ વાકેઆમાં ચારિત્ર્ય અને માનવતાના તે ઉચ્ચ નમુનાઓ નજરે પડે છે કે જેનું કોઈ ઉદાહરણ નથી. કુરઆને કરીમે યાદ-શકિત ઉપર ખૂબજ ભાર મૂકયો છે. યાદ-શકિતના ઘણા લાભો છે. પછી તેના ઉપર અમલ ન પણ કરવામાં આવે. (જોકે અમલ કરવો જરૂરી છે) તેમ છતાં પણ એટલો ફાયદો જરૂર છે. કારકીર્દી અને પ્રસંશા, ઉચ્ચ ગુણો અને ચારિત્ર્યના ઉચ્ચ નમુના સ્મૃતિ-પટ ઉપર ઉભરાઈ છે અને બોધપાઠ ફરી તાજા થઇ જાય છે. જો વાત મગજમાં રહે તો કયારેક પણ દિલ અમલ કરવા માટે તૈયાર થઈ જશે.
૪) ઘટનાની તાજગી: ઝુલ્મ કરનારા, અપરાધીઓ અને અત્યાચારીઓની હંમેશા એ કોશીશ રહી છે કે કેવી રીતે હક અને મઝલુમીય્યતનું બયાન ભુલાવી દેવામાં આવે. કાફીરોએ હંમેશા સત્યની જયોતને બુજાવી દેવાની કોશીશ કરી છે. પરંતુ ખુદા પોતાના નૂરને સંપૂર્ણ અને પુંરૂ કરશે. અઝાદારીથી ન માત્ર કરબલાનો બનાવ તાજો રહે છે બલ્કે પૂરા ઈતિહાસને ખાસ કરીને ઈસ્લામના ઈતિહાસને તાજગી મળે છે. જો અઝાદારી ન હતે તો ઈસ્લામ અને અહલેબય્તના દુશ્મનો કયારના યઝીદ અને તેને અનુસરનારાઓને મુકદ્દસ મઆબ (પવિત્ર માનવંતા) બનાવી ચૂકયા હતે અને ઈસ્લામના ઈતિહાસને વિકૃત કરી ચૂકયા હતે. આજે ઈતિહાસમાં સાચા પ્રસંગો દેખાઈ રહ્યા છે તેમાં અઝાદારીનું ઘણું મોટું યોગદાન છે.
૫) અત્યાચાર અને પાશવતાથી નફરત: આ ઘટના કંઈક આવી રીતે બની છે કે જયારે માણસ આ બનાવને વાંચે છે અથવા સાંભળે છે તો તેને અત્યાચાર અને અત્યાચારી બંનેથી નફરત થઈ જાય છે. તે પોતાને આ પ્રકારના બનાવથી દૂર રાખવાની કોશીશ કરે છે.
૬) હૃદયની નરમાશ: માણસ કાનથી વાતોને સાંભળે છે, આંખોથી જુએ છે અને હૃદયથી સ્વિકારે છે. એક વાત નક્કી છે કે રસના ટીપાને પથ્થર શોષી નથી શકતો. કઠણ પથ્થર કોઈ દાણાને પોતાના પાલવમાં જગા નથી આપતો. આ બધા માટે નરમાશ જરૂરી છે. નરમ જમીનજ દાણાને સ્વિકારે છે અને તેને જગ્યા અને ભિનાશ આપે છે. જયારે દિલ નરમ થઈ જાય છે ત્યારે વાત અસર કરે છે. સખત દિલ, શંકાશીલ હૃદય કોઈપણ વાત સ્વિકારતું નથી. અઝાદારી મોટા મોટા પથ્થર દિલો તો શું, પહાડોને પણ નરમ કરી દે છે. આંસુ દિલની નરમાશ દેખાડે છે. જે કામ મોટા મોટા હકીમોથી નથી તે અઝાદારીથી થઇ જાય છે. જયારે દિલ નરમ થઇ જાય છે ત્યારે હક – સચ્ચાઈની વાત અસર કરી જાય છે. એવા અસંખ્ય લોકો છે કે અઝાદારીએ તેઓના દિલોમાં પરિવર્તન આણ્યું છે. એના ઘણા ઉદાહરણ છે. આ હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની હક્કાનીયત અને મઝલુમીયત તો છે જેનાથી દરેકમાં એક ક્રાન્તિનું સર્જન થયું છે.
૭) દિલની શ્રેષ્ઠતાનું કેન્દ્ર: જયારે દિલ નરમ થઈ જાય છે અને હક વાતની અસર થવા લાગે છે તો તેમાં સારી બાબતો અને ગુણો ઘર કરવા લાગે છે. આત્મ વિશ્વાસ વધવા લાગે છે. આત્મ-બળ, ખેલદીલી અને બહાદુરીના ગુણો દેખાવા લાગે છે. ઝુલ્મની વિરૂધ્ધ હિંમત પૈદા થાય છે. પછી એક સમય એવો આવે છે કે ઈન્સાન નેકીઓને ખાતર દરેક મુસીબત અને મુશ્કેલી સહન કરવા તૈયાર થઈ જાય છે. તે ઈઝઝતની મોતની સામે ઝીલ્લતની જીંદગીને ઠોકર મારી દે છે. ઝુલ્મ અને ઝાલીમની સામે હિંમત પૈદા થવી, ઓછી સંખ્યા અને અલ્પ સરંજામ હોવા પછી પણ ગભરાયા વગર હક ઉપર ભરોસો રાખીને મૈદાનમાં અડગ રહેવું… અઝાદારીનો આ જ એક લાભ શું ઓછો છે? આ એક માત્ર કારણના લીધે ન જાણે કેટલી ક્રાન્તિઓ થઈ ગઈ છે અને કેટલીય ક્રાન્તિઓ અઝાદારોના દિલોમાં સળવળી રહી છે.
૮) ઉછેર અને શિક્ષણ: અઝાદારી માત્ર પ્રસંગોની નકલ કરવી કે દાસ્તાન બયાન કરવી, તેમ નથી. બલ્કે આ તાલીમ તો ઓપન યુનિવર્સિટી છે જ્યાં જુદા જુદા નિષ્ણાંતો દ્વારા જુદા જુદા વિષય ઉપર પાઠો શીખવવામાં આવે છે. અકાએદ, એહકામ, અખ્લાક (ચારિત્ર્ય), ઈતિહાસ, ઈબાદત, વ્યવહાર, કુરઆન, હદીસ, ફીકહ … દરેક બોધપાઠ અહિં આપવામાં આવે છે. આજ એ જગ્યા છે જ્યાં ચર્ચા-સભા, લેખન-કાર્ય અને વકતૃત્વની વાસ્તવિક તાલીમ આપવામાં આવે છે. દુનિયા અને આખેરતની સફળ જીવન જીવવાની રીત અહિંજ શીખવવામાં આવે છે. અલબત્ત, એક વાત જરૂર છે, દેશની સ્થિતિ અને આધુનિક શિક્ષણને દ્રષ્ટિ સમક્ષ રાખીને ઝાકીરોની ભાષા અને સાંભળનારાઓની સમજ વચ્ચેનું અંતર વધતું જાય છે. નવી પેઢી ભાષા સાંભળીને અર્થ તો તારવી લે છે પરંતુ તેના ઉંડાણ સુધી પહોંચી શકતી નથી. તેથી જો મિમ્બરની ઉચ્ચતા અને પવિત્રતાને સુરક્ષિત રાખીને એવી ભાષાનો ઉપયોગ કરવામાં આવે કે જેનો એક એક શબ્દ સાંભળનારાઓ અને ખાસ કરીને નવી પેઢીની સમજમાં આવી શકે, તો તેની અસર અને ફાયદામાં ઘણો વધારો થઈ જશે. જો બધી વાતોની સાથે સમયની માગને પણ ધ્યાનમાં રાખવામાં આવે, પૂર્વ અને પૂર્વ સિવાયના દેશો સાથેના આંતર-વ્યવહારથી ઉદ્ભવતા પ્રશ્નનો અને તેના ઉકેલો પણ બયાન કરવામાં આવે, મંતવ્યો, વિચારો, સમજણો અને વાસ્તવિક મુશ્કેલીઓનો ઉકેલ રજૂ કરવામાં આવે, તો નવી પેઢીના ઉછેર ઉપર ઘણી સારી અસર પાડી શકાય. તેઓના માટે જીવનની સાચી દિશાઓ સ્પષ્ટ અને પ્રકાશિત થઇ જાય. તેનો અર્થ એ નથી કે જો આ બાબતો ન હોય તો આ બયાનનો કોઈ લાભ નથી. નહિ એવું નથી. બયાનનો લાભ તેની જગ્યા ઉપર પૂરતો છે. બસ, માત્ર એટલું છે કે આ પ્રશ્નોને સાંકળી લેવામાં આવે તો ફાયદાઓમાં વધારો થઇ જાય.
૯) ખરાબ સંગાથથી રક્ષણ: અઝાદારીનો એક લાભ એ પણ છે કે જ્યાં સુધી માનવી તેમાં રોકાએલો રહે છે ત્યાં સુધી ઘણી બુરાઈઓથી બચી શકે છે. ઓછામાં ઓછુ એક મુદ્દત સુધી પણ ભલે હોય, તે નઠારી સોબતો અને ગુનાહોની મહેફીલથી દૂર થઈ જાય છે. ટૂંકમાં, દૂર રહેવું પણ ગનીમત છે. તેનાથી એમ માની શકાય છે કે તેનું દિલ પુરેપુરૂં મરી નથી ગયું. થોડી અસર હજુ બાકી છે, એટલું જ નહિ બલ્કે શકિતશાળી પણ છે કે તે માણસને ગુનાહોની મહેફીલમાંથી બહાર કાઢીને અઝાદારીની મજલીસોમાં શરીક કરી રહી છે. એટલેકે લાગણી જરા વધુ ભીની થઇ જાય તો ઘણી અમુલ્ય સાબિત થશે. આ જ તે જગ્યા છે જ્યાં જરૂર છે એક એવી ખુદાઈ તૌફીક અને ઈમામની કૃપા દ્રષ્ટિ અને માર્ગદર્શનની કે જીભ ઉપર તે વાત એવા અંદાજથી આવી જાય કે ગુનાહોને છોડીને આવનારા ગુનાહો તરફ ફરી ન જાય. હુરની જેમ આવ્યો છે અને હુરની જેમ બાકી પણ રહી જાય.
૧૦) સમાજની સેવાઓ: બીજાની ઈચ્છાઓને પૂરી કરવી, ગરીબને જમાડવા, નાદારોની મદદ કરવી, એક બીજાની મુલાકાત કરવા જવું, ખબર પૂછવા, એક બીજાને કામ આવવું … આ બધી તે ઈબાદતો છે જેનો ઘણો સવાબ છે. હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની ચર્ચામાં આ બધી બાબતો એકી સાથે નજરે પડે છે.
૧૧) કથન અને માર્ગદર્શન: હઝરત ઈમામ હુસયન (અ.સ.)ના બયાનનું આ એક પ્રકાશિત પાસુ છે કે જેનાથી કોઈ ઈન્કાર નથી કરી શકતું. લોકો ઈમામ હુસયન (અ.સ.)ની મજલીસોમાં જે રીતે પોતાના તમામ દુનિયાના હોદ્દા, શ્રીમંતાઈ, જાહોજલાલી, રૂઆબ અને દબદબાથી ઉપરવટ થઈને શીરકત કરે છે અને જે રીતે એક ગરીબ અને નાદારની બાજુમાં એક સંપત્તિવાન બેસી જાય છે, મામુલી જેવા માણસ પાસે પગથી પગ મેળવીને એક મોટો માણસ બેસી જાય છે અને જે ધ્યાનથી બયાન સાંભળે છે તે ખુદ એક જવલંત ઉદાહરણ છે. સંપત્તિવાન, સંપત્તિની આફતોથી, શ્રીમંત અને સત્તાવાન હુકુમતના નશાથી જાગૃત થાય છે અને થોડી વાર માટે પોતાનું મુલ્યાંકન કરે છે તો તેની નજરમાં સમગ્ર દુનિયા અને તેની સંપત્તિ, બધી શ્રીમંતાઈ અને તેનો પડછાયો બેહદ હલ્કો લાગવા માંડે છે. તે લોકો કે જેની સાથે વાત કરવા માટે મોટા મોટા ધ્રુજે છે, જીભ હલાવવાની હિંમત નથી થતી, પરંતુ મજલીસોમાં એજ લોકોને દરેક વાત અને તેના પરિણામ જણાવી દેવામાં આવે છે. વિચારોને જાહેર કરવાની આ હિંમત અને કથન અને હિદાયતનો આ વલવલો જે ઝીક્રે હુસયન (અ.સ.) સાથેની એકસૂત્રતાનું પરિણામ છે, જેટલી આસાનીથી જુદા જુદા સ્તરના લોકો આ મજલીસોમાં ભેગા થઈ જાય છે એવી જ રીતે આભારવશ બની જાય છે કે જે નાણાનો મોટો ખર્ચ કરીને, દિવસ રાત એક કરીને પણ બીજા કોઈ હેતુ માટે નથી થઈ શકતું. અહિં આવનારજ આભારવશ હોય છે. જ્યારે બીજી જગ્યાએ બોલાવનાર પોતે આભરવશ હોય છે.
૧૨) ઝુહુરની તૈયારી: હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની બીજી ઝીયારતોમાં ઈશારારૂપે અને ઝીયારતે આશુરામાં ખાસ રીતે આ વાકય મળે છે: ફ અસઅલુલ્લાહલ્લઝી અકરમ મકામક વ અકરમની બેક અય્યરઝોકની તલબ સારેક મઅ ઈમામીન મન્સુરીન મીન અહલેબય્તે મોહમ્મદીન સલ્લલ્લાહો અલય્હે વ આલેહ. – હું તે ખુદાથી સવાલ કરૂં છું, જેણે આપને ભવ્યતા અને ઉચ્ચતા અર્પણ કરી, આપના લીધે મને ઈઝઝત આપી, કે મને એ તૌફીક આપ હું મહદીએ આલે મોહમ્મદની સાથે આપના ખુનનો બદલો લઈ શકું.
આ ઝીયારતમાં આગળ ઉપર આ વાકય મળે છે: અય્યરઝોકની તલબ સારી મઅ ઈમામીન મહદીય્યન હોદન ઝાહેરીન નાતેકીન બિલ હક્કે મીન્કુમ – ખુદા મને તૌફીક આપ કે હું આપ (અ.સ.)ના ખાનદાનના ઈમામે હિદાયત ઈમામ મહદી અ.જ. જે જાહેર થાય અને હકની વાતચીત કરી રહ્યા હોય, તેમની સાથે આપના અને પોતાના ખુનનો બદલો લઈ શકું. (જેવી રીતે એક માણસ પોતાના ખુનનો બદલો લેવા ચાહે છે, ઈમામ હુસયન (અ.સ.)નો મોહીબ ઈમામ હુસયન (અ.સ.)ના ખુનનો બદલો લેવા ચાહે છે અને તેને પોતાનો બદલો સમજે છે.)
ઈમામ હુસયન (અ.સ.)ની ઝીયારતમાં હઝરત ઈમામ મહદી (અ.સ.)ના ઝુહુરની વાત કદાચ એ માટે છે કે આ વાત, આ અઝાદારી, આ મજલીસો હઝરત મહદી (અ.સ.)ના ઝુહુરના માટે પૂર્વ ભૂમિકા તૈયાર કરવાનું માધ્યમ છે અને તે કેમ ન હોય – જે દીનને બાકી રાખવા ખાતર ઈમામ હુસયન (અ.સ.)એ કુરબાનીઓ આપી છે, હઝરત ઈમામ મહદી (અ.સ.) આ જ દીનને સમગ્ર દુનિયામાં ફેલાવી દેશે અને તે મુજબજ નિર્ણયો કરશે.
આ સિવાય સય્યદુશ્શોહદા (અ.સ.)ના ખરેખરા વારસદાર ઈમામ મહદી (અ.સ.) છે. ગમના વારસદાર પણ એજ છે.
આપણે સાચા દિલથી ઝમાનાના ઈમામ હઝરત મહદી (અ.સ.)ની પવિત્ર ખિદમતમાં તેમના મઝલુમ દાદા અને આપના (ઈ. હુસયન (અ.સ.)) ઉપર જાન નિસાર કરવાવાળાઓને તઅઝીય્યત – પુરસો પેશ કરીએ છીએ. અઝમલ્લાહો લકલ અજ્ર યા મવલાય યા સાહેબઝઝમાન.
એ મવલા! એ સાહેબે ઝમાન! આ મોટી મુસીબતમાં ખુદા આપને સબર આપે અને આપને અઝીમ સબર અતા કરે. એ ખુદા! તને ઈમામ હુસયન (અ.સ.) આપની ઉપર જાન નિસાર કરનારાઓની મઅરેફતો, કુરબાનીઓ, ફીદાકારીઓ, દ્રઢ મનોબળવાળાઓનો અને ઈબાદતોનો વાસ્તો, તેઓની જેમ અમને પણ અમારા ઝમાનાના ઈમામ હઝરત મહદી (અ.સ.)ના મદદગારો અને આત્મ બલિદાન કરનારાઓમાં ગણતરી કર.
બે રહમતેક યા અરહમર્રાહેમીન.
આમીન યા રબ્બલ આલમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *