ઝરીહને ચુમવી

Print Friendly, PDF & Email

અમુક વિરોધીઓ કે નાદાન દોસ્તો એ વિરોધ કરે છે કે અઈમ્મએ મઅસુમીન (અ.સ.) અથવા હઝરત અબ્બાસ (અ.સ.)ની ઝરીહને ચુમવી બિદઅત અને ફાયદા વગરની છે કારણકે ઝરીહને ચુમવી તે લોખંડ કે ચાંદીને ચુમવા જેવું છે. તેથી કોઈ હાજત પૂરી થતી નથી.
આવા વિરોધો પાછળ કોઈ હકીકત નથી. કારણકે દુશ્મન હંમેશા કંઇ ન કંઈ બહાનાની શોધમાં રહે છે અને નાદાન દોસ્ત પણ પોતાની અજ્ઞાનતા અને નાદાનીના કારણે ભટકી જાય છે. જો કે તેના જવાબો ઘણા છે. ખૈર, અહિં અમે બે રીતે જવાબ રજૂ કરીએ છીએ, જેથી ઈલ્મી રીતે તેઓના દિલોને સાંત્વન મળી જાય.
જવાબ-૧: જે લોકો ઝીયારત કરવા જાય છે અને ઝરીહને ચુમે છે તેઓને એ ખબર છે કે આ ધાતુથી બનેલી છે અને તેઓની દોઆ કબુલ થવા માટે તે લોઢું કે ચાંદી સાથે કોઈ સંબંધ નથી. કારણકે તેઓ જેની ઝિયારત કરવા ચાહે છે અને તેઓથી દૂર છે અને ત્યાં સુધી પહોંચવું શકય નથી તેથી તબર્રુક તરીકે તે ઝરીહને ચુમે છે તેઓની નિય્યત કયારે પણ એવી નથી હોતી કે આ વસ્તુ તેઓની હાજતને પૂરી કરી દેશે. એવું નથી. બલ્કે આ માત્ર મોહબ્બત દેખાડવાનું એક માધ્યમ છે.
જવાબ-૨: જો કે રાહે ખુદામાં શહીદ થનારા આપણી નજરથી છુપાએલા છે પરંતુ કુરઆનની દ્રષ્ટિએ તેઓ મૌજુદ અને જીવતાં છે. આપણી નજરોથી ગાયબ હોવા છતાં પણ કયામતના દિવસે આપણા આમાલોની સાક્ષી આપશે. જેમકે કુરઆને મજીદમાં શહીદોના બારામાં આ ઈરશાદ થયું છે:
વલા તહસબન્નલ લઝીન કોતેલુ ફી સબીલીલ્લાહે અબ્વાતન બલ અહયાહુમ ઈન્દ રબ્બેહુમ યરઝોકુન. – એટલે, હરગીઝ એ ગુમાન પણ ન કરતા કે રાહે ખુદામાં કતલ થઈ જનારાઓ મૃત્યુ પામ્યા છે બલ્કે તેઓ જીવંત છે અને પોતાના પરવરદિગારને ત્યાંથી રોઝી મેળવે છે.
જો કે આ આયત ઓહદના શહીદો માટે ઉતરી છે પરંતુ આ આયત તમામ શહીદોને સ્પર્શે છે. એ હકીકત છે કે જનાબ અબ્બાસ (અ.સ.) ઈમામ હુસયન (અ.સ.)ની પાછળ સૌથી અફઝલ શહીદ છે અને આપ જીવંત છે.
જે રીતે કુરઆને મજીદ શહીદોનાં જીવંત હોવાનું એલાન કર્યું છે એ જ રીતે ઈમામોની ઘણી રિવાયતોમાં તેને ટેકો પણ મળ્યો છે તેની ઉપર અકીદો ધરાવનાર માટે કોઈ પણ પ્રકારનો અવકાશ બાકી નથી રહેતો. તેની વધુ વિગત મઆલેમુલ ઝુલ્ફા સંકલન: હાશીમ બહેરાની પાના ૧૧૧ ઉપર જોઈ શકો છો. આ બંને બુદ્ઘિ પૂર્વકની અને નકલ થએલી દલીલો પછી હઝરત અબ્બાસ (અ.સ.)ની ઝરીહને ચુમવા માટે હઝરત ઈમામ સાદિક (અ.સ.)ની એક રિવાયત પણ છે. જેનો એક ભાગ આપની સમક્ષ રજુ છે. અલ્લામા મજલીસીની બેહારૂલ અન્વારની કિતાબ મઝારમાં પાના ૧૮૦ ઉપર ખુદ સાદિકે આલે મોહમ્મદ (અ.સ.)એ સફવાન જમ્માલને કબ્રને ચુમવાનો હુકમ આપ્યો. આપે સફવાનને ફરમાવ્યું: જ્યારે તમે હઝરત અબ્બાસની ઝિયારત માટે જાઓ તો કબ્ર પાસે આવી, તેને ચુમીને આ રીતે કહેવું: બે અબી વ ઉમ્મી યા નાસેર દીનીલ્લાહ …. એલલ આખર. એટલે મારા માં-બાપ આપ ઉપર ફીદા થાય એ ખુદાના નાસીર …. બીજા ખ્યાતનામ આલીમોએ પણ પોતાની કિતાબોમાં પવિત્ર કબ્રને ચુમવાની વાત લખી છે.
આ રિવાયત કે તેના જેવી રિવાયતથી ઝરીહને ચુમવાની બાબત સ્પષ્ટ છે એટલુંજ નહિ બલ્કે તેની તાકીદ કરવામાં આવી છે, તે પછી કોઈ ન્યાય પ્રિય માણસ માટે કોઈ શંકા બાકી રહેતી નથી.
આ બિના ઉપર આપણા ઝમાનાના બુઝુર્ગ આલીમ મરજએ તકલીદ આકાઈ બહેબહાની જ્યારે પણ હઝરત અબ્બાસ (અ.સ.)ની ઝીયારત માટે જતા હતા તો પહેલા આપ દરવાજાની બારશાખને (ઉંબરાને) ચુમતા હતા તે પછી વિનય-વિવેક અને માન પૂર્વક હરમમાં દાખલ થતા હતા. વિદ્વાન આલીમોનું પવિત્ર ચારિત્ર્ય શરીઅતની હુજ્જત ન હોવા છતાં પણ ખુદ એક મહત્વ ધરાવે છે. તેઓના શરીઅતના કાર્યો એ વાતની દલીલ હોય છે કે તેઓને નજરે જાએઝ હોવાની એક મહત્વની દલીલ છે, જે આપણી નઝરની સામે મૌજુદ નથી.
એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ચુમવું કે સિજદો કરવાથી જુદો હુકમ છે. ચુમવું તે એક મોહબ્બત ભર્યો અમલ છે. સિજદાનો સ્વિકાર્ય કાયદો એ છે કે તે ખુદા સિવાયના કોઈ પણ માટે જરાય જાએઝ નથી. મઅસુમના દરવાજે ખુદાનો શુક્રનો સિજદો હોય તો સુબ્હાનલ્લાહ નહિ તો આ વાત કોઈ પણ રીતે સહીહ નથી.
તે એક જુદી વાત છે કે આ એક બુદ્ઘિપૂર્વકની માન્યતા છે. નહિતો મઅસુમના દર ઉપર સિજદો કરનારા મઅસુમને મઅસુમ અને બુઝુર્ગને બુઝુર્ગ સમજે છે. તેઓના મનમાં એ કલ્પના પણ નથી પૈદા થઇ શકતી કે આ બંદાઓ ખુદા થઈ ગયા છે. અથવા તેઓને પણ ખુદાના શરીક ગણી શકાય છે. – અલ અયાઝો બિલ્લાહ…

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *