હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બોધ વચનો :

Print Friendly, PDF & Email

(૧) હે લોકો! જરા વિચારો તો કે તમારા બાપ દાદા અને તમારી અવલાદ (વગેરે) જે તમારી દરમિયાન રહેતા હતા તેઓ ક્યાં ચાલ્યા ગયા? શું તેમનું તમારાથી હંમેશના માટે વિખુટા પડી જવું તમારા માટે બોધ સમાન નથી?
(૨) જે માણસ પોતાના ભાઇની સાથે ભલાઇ કરે છે તો ખુદા જરૂરતના સમયે તેની જરૂરતને પુરી કરે છે, અને બલા – સંકટને તેનાથી દૂર રાખે છે.
ફુરાત બોલે છે.
શાએરે ઇન્કિલાબ ‘જોશ’ મલીહાબાદીએ કહ્યું હતું. ઇન્સાન કો બેદાર તો હો લેને દો. હર કોમ પુકારેગી હમારે હે હુસૈન. ધરતીનાં બધાં ઇન્સાનોમાં આ જાગૃતિ આવી છે કે કેમ એનો જવાબ મુશ્કેલ છે, પણ થોડીક શરીફ રૂહો એવી જરૂર છે કે જે માનવતાની મુલ્યવાન દોલતથી માલામાલ છે. જનાબ નાનકચંદ શ્રી વાસ્તવસાહેબ ઇશરત (એમ.એ.એલ.ટી. – મુન્શી ફાઝલ – સાહિત્ય રત્ન) સાહેબ એવી વીરલ વ્યક્તિઓમાંના એક છે. કરબલાના મઝલુમ ઇમામ (અ.સ.) પર વિતેલા ઝુલ્મોનું દર્દ એમના હૈયાને પણ ચોટદાર રીતે સ્પર્શી ગયું છે. અને એમના કવિ હૈયાએ એક નઝમ રચી છે. આ નઝમમાં એમણે ફુરાત નદી સાથે વાતો કીર છે. નઝમ ઇમામ (અ.સ.) પ્રત્યેની એમની મોહબ્બતભરી, માનવાભરી અકીદતનો એક ખૂબસુરત અરીસો છે, ઇશરત સાહેબ કહે છે.
(૧)
ખ્વાબ મે કલ આઇથી નહેરે ફુરાત
ચલ પડી કુછ કરબલા કી ઉસસે બાત
ફુરાતની નેહર ગઇ કાલે રાતે મારા સ્વપ્નામાં આવી હતી. એની સાથે કરબલા વિશે થોડીક વાતચીત નીકળી.
(૨)
મે યે બોલા ગયઝો ઇસતેઅજાબસે
ઉસ સરાપા ઇઝતેરાબે આબસે
ગુસ્સો અને રોષની લાગણી સહિત, નખશીખ વ્હિળતા સમાન એ પાણીને ઉદેશીને હું બોલ્યો.
(૩)
મૈને માના સંગદીલ થે અશક્યા,
તેરી ગયરત સે મગર ક્યા હો સકા
હું માનું છું કે ઇમામ (અ.સ.)ના દુશ્મનો દુષ્ટો, પત્થર હૃદયી હતા. પણ ઓ ફુરાત નદી તારા સ્વમાનને શું થઇ ગયું હતું? તારાથી કેમ કંઇ જ ન થઇ શક્યું?
(૪)
અશ્ક હે, રીક્કત હે, આહે સર્દ હે
પેચો તાબે દર્દ મે તુ ફર્દ હે
તારી પાસે આંસુઓ છે. દર્દ છે. ઠંડા નિશ્ર્વાસો છે, બેચેની ભર્યા દર્દમાં અજોડ છે.
(૫)
કિસ તરહ તું દેખતી હી રેહ ગઇ!
જો ન સેહ પાના થા ક્યું કર સેહ ગઇ?
શા માટે તું માત્ર જોતી જ રહી ગઇ? જે સહન થઇ શકે એમ ન હતું તે તું કઇ રીતે સહન કરી ગઇ?
(૬)
ઇતરતે સાકીએ કૌસર ઔર પ્યાસ
હલ્કો લબ સુખે હુએ ચેહરે ઉદાસ
સાકીએ કૌસરના સંતાનો અને તરસ્યા રહે? એમના ચહેરા ઉદાસી હોય અને હોઠ તથા ગળુ સુકાએલા હોય?
(૭)
તીફલ ક્યા પીરો જવાં બેતાબ થે
તીન દીન સે સબકે સબ બે આબ થે
બાળકો શું પણ ઘરડાંઓ અને જવાનો પણ બેચેન હતા, ત્રણ દિવસથી બધાં પાણી વગરના હતા.
(૮)
શાહે દી ડૂબે હુએ ગયરત મે થે
અપને સબ અન્સારો યાવર કે લીયે.
પોતાના બધાં સાક્ષીઓ અને મદદગારો માટે (કંઇજ ન કરી શકતા હોવાથી) ઇમામ (અ.સ.) શરમ અનુભવી રહ્યાં હતા.
(૯)
સોચતે થે અપને દિલ મેં બાર બાર
ખતમે મે હે ખુલ્ક કા મેરે વિકાર
તેઓ મનોમન વારંવાર વિચારી રહ્યાં હતા કે – મારા સદગુણોની પ્રતિષ્ઠા જોખમમાં છે.
(૧૦)
ફોજે દુશ્મન કો કરે સયરાબ જો
વોહ ન કતરા દે સકે અન્સાર કો
દુશ્મનની ફોજને જે તૃપ્ત કરે એ નદી શું ઇમામ (અ.સ.)ના સાથીઓને પાણીના થોડાંક ટીપા અર્પણ ન કરી શકે?
(૧૧)
દેખ કર યે હાલ ભી તું ચુપ રહી?
જંગ કે મૈદાન મે ગોયા ન થી.
આ પરિસ્થિતિમાં પણ તું ચૂપ રહી? જાણે કે એ યુદ્ધના મેદાનમાં તારૂં અસ્તિત્વ જ ન હતું!
(૧૨)
ક્યું પહોંચ પાઇ ન તું ખેમે કે પાસ?
ક્યું બઝા પાઇ ન તું પ્યાસોં કી પ્યાસ?
ઇમામ (અ.સ.)ના તંબુઓ સુધી તું કેમ પહોંચી ન ગઇ? શા માટે તે તરસ્યાઓની તરસ ન છીપાવી?
(૧૩)
માંગને પાની ચલા એક શીરખ્વાર
હો સકી ફીર ભી ન તુ કુછ શર્મસાર
એક દૂધ પીતું બાળક પાણી માંગવા માટે આવ્યું. તોય તને કંઇ જ શરમ ન લાગી?
(૧૪)
જબ બુઝાઇ પ્યાસ આબે તીરસે
રૂહ નિકલી જબ તને બે શીર સે
જ્યારે એ બાળકની તરસ તીરના પાણીથી છીપાવવામાં આવી. દૂધથી મેહરૂમ થઇ ગયેલા એ બાળકે જ્યારે પ્રાણ છોડ્યા.
(૧૫)
તબ ભી તેરે આબમે જુંબિશ ન થી?
તબ ભી તેરે જીસ્મ પર લરઝિશ ન થી?
તોય તારા પાણીમાં હલનચલન ન હતી. તોય તારા શરીર કોઇ ધુ્રજરી ન અનુભવી?
(૧૬)
યે ન સોચા તેરા ક્યા હોગા જવાબ?
હશ્ર કે દિન તુઝકો આએગા હીજાબ?
તે એ પણ ન વિચાર્યું કે કયામતના દિવસે તું શો જવાબ આપી શકશે. તારે એ માટે કેટલું નીચું જોવા જેવું થશે?!
(૧૭)
તુઝ કો બઢના ચાહીએ સૈલાબ સા
નુહ કા તુફાન લાતી બરમલા
ત્યારે તો એક પુરની જેમ આગળ વધું જોઇતું હતું. તારે તો તેજ ઘડીએ એક ભયંકર તોફાન સર્જાવવું જોઇતું હતું!
(૧૮)
ડુબ જાતે જીસ મેં કુફા કરબલા
ખેમા ગાહે ફવજે સરવર કે સિવા
એક એવું તોફાન કે જેમાં હુસૈની ફોજના ખેમાઓ સિવાય તમામ કુફા અને કરબલા ડુબી ગયા હોત!
(૧૯)
નુહ કી કીશ્તી કા મંજર દેખ કર
ઠંડા હોતા શાહ કા તુફતહ જીગર
હઝરત નુહ (અ.સ.)ની કીસ્તીનું દ્રશ્ય જોઇને ઇમામ (અ.સ.)નું બળતું જીગર કાંઇક શાંતી અનુભવતે!
(૨૦)
ગિરકે કદમોં પર મઆફી ચાહતી
અપની ગફલત કી તલાફી ચાહતી
ઇમામ (અ.સ.)ના કદમોમાં પડીને તે માફી માંગી લીધી હોત. અને એ રીતે તારાથી થએલી શરતચૂક તે સ્વિકારી લીધી હોત.
(૨૧)
તુઝ પે હોજાતી અતુફતકી નિગાહ
બાગે રિઝવાં મે તુઝે મિલતી જગહ
તારી પર મહેરબાનીની નજર થઇ હોત. જન્નતના બગીચામાં તને જગ્યા મળી જવા પામી હોત.
(૨૨)
શાએરનો આ ઠપકો સાંભળીને ફુરાતે જવાબ આપ્યો :
શિકવહ પર બોલી વોહ યું બા શોરો શેન
મેરી ભી સુન ઔર હવાખ્વાહે હુસૈન
આ ફરિયાદ સાંભળીને ફુરાત નદી વિલાપ કરીને બોલી. ઓ હુસૈન (અ.સ.)ના મતવાલા. મારી વાત પણ સાંભળી લે.
(૨૩)
માનતી હું ઠીક હે તેરા ગિલા
માનતી હું ઇસ મે થી મેરી ખતા
હું માનું છું કે તરી ફરિયાદ વ્યાજબી છે. એમાં મારી ભુલ હતી એનો પણ હું સ્વિકાર કરૂં છું.
(૨૪)
તુઝ કો લેકીન હે નહી કુછ આગેહી
વરના શિકવહ હી ન કરતા તુ કભી
પણ તને કંઇ જાણ નથી. નહિંતર તે કદી આ ફરિયાદ ન કરી હોત.
(૨૫)
પેશતર ઇસસે કે હોજાતા શહીદ
કોઇ ભી ફોજે હુસૈનીકા શહીદ
હુસૈની ફોજનો કોઇ પણ વીરલો શહીદ થઇ ગયો હોત એ પહેલા
(૨૬)
દસ્તે મોજ અપના બઢા દેતી ઝુરૂર
પ્યાસ પ્યાસો કી બુઝા દેતી ઝુરૂર
મારા મોજાઓનો પાલવ મે જરૂરી વિસ્તારી દીધો હોત. તરસ્યાઓની તરસ મેં જરૂર છીપાવી દીધી હોત.
(૨૭)
ખુશ્ક સેહરા કો ભીગો દેતી ઝુરૂર
દુશ્મનો કો મૈં ડુબો દેતી ઝુરૂર
સુકા રણને મે જરૂર ભીંજવી નાંખ્યું હોત. દુશ્મનોને મેં જરૂર ડુબાડી દીધા હોત.
(૨૮)
કસ્દ પર અપને મગર ટોકી ગઇ
ગામ ઉઠાતે હી વહી રોકી ગઇ.
પરંતુ મારા ઇરાદા પર મને અટકાવી દેવામાં આવી હતી. પગલું ઉપાડતા જ મને રોકી દેવામાં આવી હતી.
(૨૯)
આ ગયા સબ્રે ઇમામત સામને
અબ બઢી તો થી કયામત સામને
ઇમામ (અ.સ.)નો સબ્ર, મારી સામે આવી ગયો. આગળ વધતાં જ મારી સામે કયામત ગોઠવાઇ ગઇ.
(૩૦)
હયબતો અજલાલ સે થરરા ગઇ
કુછ ન સમઝી ક્યા કરૂં – ગભરા ગઇ
ભવ્યતા અને દમામ જોઇને હું ધ્રુજી ગઇ. શું કરવું એની સમજણ ન પડી. હું ગભરાઇ ગઇ.
(૩૧)
ઇસ તરફ ફૌરન હુવા મુઝસે ખિતાબ
બસ હદોં મે અપની રેહ ઔ મોજે આબ
તરત જ મરી પ્રત્યે આ સંબોધન થયું – બસ – ઓ પાણીના મોજાઓ – તમે તમારી મર્યાદામાં રહો.
(૩૨)
માનતા હું ફર્ઝ હે બઢના તેરા
દુશ્મનો મે ગયઝસે ચઢના તેરા
સંબોધન થયું માનું છું કે આગળ વધવું એ તારી ફરજ છે. તારે ગઝબનાક બનીને દુશ્મનો પર તુટી જ પડવું જોઇએ.
(૩૩)
તુઝકો લાઝમી થા મગર યે જાનના
તુઝકો લાઝીમ થા મગર યે માનના
પણ તારે એ જાણવું જોઇતું હતું અને સ્વિકારવું જોઇતું હતું કે.
(૩૪)
ગો ઇમામે દો સરા મેહસુસર હે
લેકીન અબ ભી વોહ નહી મજબુર હે
જો કે બન્ને જગતના ઇમામ (અ.સ.) અત્યારે ઘેરાએલા છે. તોય તેઓ મજબુર કે લાચાર નથી જ.
(૩૫)
યાદ રખ તેરે નહીં મોહતાજ હે
દો જહાં કે માલિકો સરતાજ હે
યાદ રાખ કે તેઓ તાર મોહતાજ નથી. તેઓ બન્ને જગતના માલીક અને સરતાજ છે.
(૩૬)
જીન કી ખાતીર આએ હો સયબે જીનાં
અર્શ સે હલ્લે બતો રે અરમુંગા
જેમના માટે જન્નતના ફળો આવ્યા હોય. આકાશ પરથી જન્નતનો પોશાક જેમના માટે ભેટ તરીકે આવ્યો હોય.
(૩૭)
વોહ અગર ચાહે તો ક્યા મુમકિન નહીં.
દો જહાં કી નેઅમતે આએ યહીં
તેઓ જો ચાહે તો શું શક્ય નથી. બન્ને જગની નેઅમતો અહિં આવી શકે છે.
(૩૮)
ચશ્મે ઉબલે ખેમો કે અંદર અભી
તીશ્ના લબ સયરાબ હોજાએ અભી
તેઓ ઇચ્છે તો હમાણાં જ તંબુઓમાં ઝરણાં ફુટે. બધાં તરસ્યાઓ હમણાં જ તૃપ્ત થઇ જાય.
(૩૯)
મેરા લેકીન હો રહા હે ઇમ્તેહાં
ઇસ લીએ ચુપ હે ઇમામે દો જહાં
પરંતુ મારી કસોટી થઇ રહી છે. એટલે જ બન્ને જગના ઇમામ (અ.સ.) ચુપ છે.
(૪૦)
મુઝકો પુરા કરને દે તું ફર્ઝ એન
દેખલે સબ દરજએ સબ્રે હુસૈન
તું મને મારી ફરજ બજાવવા દે. બધાંને હુસૈન (અ.સ.)ના સબ્રની પરાકાષ્ટા નિરખી લવેા દે.
(૪૧)
લોટ જા બસ ખા ન તું અબ પેચો તાબ
તુઝ કો મીલ જાએગા નિય્યત કા સવાબ
બસ હવે તુ પાછી ફર, વ્હીવળ બનવાની જરૂર નથી. તને તારા આ નેક ઇરાદાનો સવાબ મળી રહેશે.
(૪૨)
લોટ આઇ સુનકે મૈ યે ગુફતગુ
પા ગઇ સબકી નઝર મેં આબરૂ
આ વાતચીત સાંભળીને હું પાછી ચાલી આવી. બધાની નજરમાં મને ઇજ્જત મળી ગઇ.
(૪૩)
ગો કે અબ ભી મેં હું બર રૂએ ઝમી
મેરે દરજે મે કમી લેકીન નહી.
જો કે આજે પણ હું ધરતી પરજ છું. તોય મારા દરજ્જામાં લેશમાત્ર ઉણપ નથી આવી.
(૪૪)
હર તરફ હે મેરે અર્ઝ કરબલા
નેહરે જન્નત સે સિવા હે મરતબા
મારા ચારે કોર કરબલાની જમીન છે. મારો મરતબો જન્નતની નેહર કરતાં વધીને છે.
(૪૫)
તું ભી ‘ઇશરત’ આજકી શબ અઝમ કર
મુઝસે અપની ગુફતુગ કો નઝમ કર
‘ઇશરત’ તમે પણ આજે રાતે એક નિર્ણય કરો. મારી સાથે થએલી તમારી વાતચીતને કવિતામાં ગુંથી લો.
(૪૬)
ફીર સુના મજલીસમે સબકો અપના ખ્વાબ
ઔર હાંસીલ કર સવાબે બેહીસાબ
મજલીસમાં સૌને તારા સ્વપ્નની હકીકત વર્ણન કર અને બેહીસાબ સવાબ હાસીલ કર.
(‘ઇસ્લામના મુહાફીઝો’માંથી પ્રકાશકના સૌજન્યથી)
હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ફરમાવે છે :
હે લોકો! જરા એ સ્થળને તો યાદ કરો કે જ્યાં તમને મરીને જવાનું છે. જરા એ કબ્ર વિષે તો વિચારો કે જેમાં જઇને તમને સુવાનું છે. (યાદ રાખો) એ સમય જરૂર આવનારો છે જ્યારે તમને ખુદાની સામે ઉભા રહેવું પડશે. અને તમારા શરીરના અવયવો (હાથ, પગ, આંખ, જીભ વગેરે) તમારી વિરૂદ્ધ સાક્ષી આપશે (કે આ માણસ અમારાથી ફલાણું ફલાણું, ખરાબ કામ કર્યું) એ વખતે તમારા ટાંટીયા ધુ્રજતા હશે, તમારો શ્ર્વાસ રૂંધાતો હશે. કેટલાક લોકોના ચહેરા (નકીઓના કારણે) સફેદ હશે, અને કેટલાકોના (બદીના કારણે) કાળા હશે. અંતરપટના ભેદો એ દિવસે ઉઘાડા થઇ જશે અને ઇન્સાફનું ત્રાજવું સ્થપાશે.
હુસૈન (અ.સ.)ની ઓળખાણ એહલે સુન્નતના આલીમોની નજર થકી
ગયા વરસે અમે મોહર્રમના (ઉર્દુમાં પ્રકાશિત) ખાસ અંકમાં એહલે સુન્નતના આલીમો અને વિદ્યાનોની નકલ કરેલી અમૂક હદીસો, જે ઇમામ હુસૈન (અ.સ.)ની અઝમતથી સંબંધિત હતી, આપ લોકો માટે એમના જ ભરોસાપાત્ર પુસ્તકોના પાનાઓમાં હવાલાઓની સાથે રજુ કરી ચુક્યા છીએ. એવી જ રીતે આ વરસે પણ થોડીક બીજી હદીસો નકલ કરીએ છીએ. જેથી આપ વાંચકો પણ આ મુદ્દાને સારી રીતે જાણી લ્યો, કે એહલે બયતે અત્હાર સલામુલ્લાહે અલ્યહુમની દોસ્તી અને એ પવિત્ર હસ્તીઓની (જાતે મુકદસની) વિલાયત અને ઇમામતનો મહાન દરજો ફક્ત શીયાઓની સાથે જ સંબંધિત અને મર્યાદિત નથી બલ્કે એનો સંબંધ તમામ મુસ્લમાનોની સાથે છે. પણ અમે શું કરીએ કે અમૂક શયતાની વસવસામાં ફસાએલા લોકો આ સંપૂર્ણ હકીકતો છતાં પણ ગુમરાહીના શિકાર થઇ જ ગયા.
ઇમામ હુસૈન (અ.સ.)નું નામ મુબારક ખુદાના નામથી સંબંધ ધરાવે છે.
ફરાએદુસ્સિમ્તૈનના પાના નં. ૨૫, ૨૬, ૫૨ એક હદીસ મળે છે, જેના તરજુમાનો ભાવાર્થ અને ખુલાસો એ છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું : ખુદાવંદે આલમે અમારા માટે અમૂક નામોને પોતાના નામોથી સંબંધિત રાખ્યા છે. જેમ કે ખુદાવંદે આલમે મેહમુદ છે અને હું મોહમ્મદ (સ.અ.વ.) છું. ખુદાએ અઝઝવજલ્લ
“આઅલા” છે અને મારો ભાઇ “અલી” (અ.સ.) છે. ખુદાવંદે મુતઆલ “ફાતિર” છે અને મારી દિકરી “ફાતેમા” (સ.અ.) છે. ખુદાએ કરીમ “મોહસીન” છે અને મારા બન્ને દીકરા “હસન” અને “હુસૈન” (અ.સ.) છે.
હુસૈન (અ.સ.) એહલેબૈત (અ.સ.)માં સૌથી વધુ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)થી સાદશ્ય (મળતાપણું) રાખે છે.
બુખારી અને ઇબ્ને અસીર રિવાયત કરે છે કે જ્યારે ઇમામ હુસૈન (અ.સ.)નું મુબારક માથું ઓબયદુલ્લા ઇબ્ને ઝિયાદની પાસે લઇ જવામાં આવ્યું અને મુબારક માથું એક વાસણમાં મુકવામાં આવ્યું, પછી તલવાર અથવા સોટીથી એ હઝરત (અ.સ.)ની આંખો અને નાક પર ફટકારવા લાગ્યો. અનસે કહ્યું : આ એહલેબયતમાં સૌથી વધારે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)થી મળતાપણું રાખે છે.
(બુખારી : ભાગ – ૨)
અલબદા વલ તારીખ, જીલ્દ : ૬માં લખાણ નકલ છે કે ઓબયદુલ્લાહે આપ (સ.અ.વ.)ના ચહેરા મુબારક પર ફટકા મારતા કહેવા લાગ્યો કે આનાથી વધારે ખુબસુરત ચહેરો મે કદી જોયો નથી. અનસ બિન માલીક કહેવા લાગ્યા : જાણી લે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના ચેહરાથી એમનો ચહેરો મળે છે.
પહેલો એ શખ્સ જે જન્નતમાં દાખલ થશે.
હાકીમે અને ઇબ્ને મસૂદએ હઝરત અલી (અ.સ.)થી રિવાયત કરી છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ અમેને (અલી (અ.સ.)ને ફરમાવ્યું : જે શખ્સ જન્નતમાં સૌથી પહેલા દાખલ થશે તે હું, તમે ફાતેમા (અ.સ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) છે. પછી અલી (અ.સ.)એ અરઝ કરી કે પછી મારા ચાહવાવાળાઓ? પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું : તમારી પાછળ પાછળ આવશે.
(‘સવાએેક મોહરેકા’, ‘ઝખાએરે અકબા’, ‘કન્ઝુલ અમમાલ’, જી : ૬)
અલબત્ત તબરાની અને એહમદ ઇબ્ને હમ્બલે પણ મનાકિબમાં આ હદીસને રિવાયત (બયાન) કરી છે.
જવાનાને જન્નતના સરદારો પર નજર કરવી.
ઇબ્ને હય્યાન, અબુ લયાલી, ઇબ્ને અસાકીર, ઇબ્ને સઇદ, મહબ્બ તબરી, શબલખી અને સબ્બાહે રિવાયત કરી છે જેનો મતલબ અને ભાવાર્થ એ છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું : જે કોઇ ઇચ્છે કે જન્નતના જવાનોના સદારની તરફ નજર કરે તો તે હુસૈન (અ.સ.)ની તરજ જુવે.
(નુરૂલ અબ્સારક)
હુસૈન (અ.સ.)ના ચાહવાવાળા જન્નતી છે.
પયગમ્બરે અકરમ (સ.અ.વ.)થી એક લાંબી હદીસ નકલ કરવામાં આવી છે. જેમાં છેલ્લે આવી રીતે ફરમાવવામાં આવ્યું છે કે : ખુદાયા! તું જાણે છે કે હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) જન્નતમાં છે. એમના કાકા જન્નતમાં છે. એમની ફુઇ જન્નતમાં છે. જે પણ એમને દોસ્ત રાખે છે જન્નતમાં છે અને જે પણ અમેનાથી દુશ્મની અને અદાવત રાખવાવાળો છે, એ જહન્નમી છે. આજ હદીસથી મળતી જુલતી સાહેબે કિતાબ ‘અસ્સુનત’ એ હુઝયફાથી રિવાયત કરી છે.
(ઝખાએ રે ઉકુબા, નઝમ દર રાસમતીન)
પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની સાથે એક મકાનમાં
એહમદ, તબરાની, ઇબ્ને અસીર, અને હાકીમ (મુસ્તદરકમાં) રિવાયત કરે છે કે પયગમ્બરે ખુદા (સ.અ.વ.)એ ફાતેમા (સ.અ.)ને ખિતાબ કહી ફરમાવ્યું કે : ઓ ફાતેમા! હું અને તમે અને આ જેઓ સુતા છે. (અલી અ.સ.) હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) કયામતના દિવસે એકમકાનમાં હશે.
(કન્ઝુલ ઉમ્માલ, જી. ૨)
ઉમર બિન ખત્તાબે રિવાયત કરી છે કે પયગમ્બરે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું છે કે : હું અલી, ફાતેમા, હસન અને હુસૈન (અ.સ.) હઝીરતુલ કુદસમાં એવા સફેદ ગુંબદની નીચે હશું જેની છત અર્ષ રહેમાન છે. આજ હદીસથી મળતી એક બીજી હદીસ અબુહુરેરાથી નકલ કરવામાં આવી છે.
(ફરમાએદુસ્સિમતૈન, જી. ૧)
પયગમ્બરે અકરમ સલ્લલાહો અલ્યહે. વઆલેહી વસ્સલામની દોઆ.
તબરાનીએ વાસેલાથી રિવાયત કરી છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ અલી (અ.સ.) ફાતેમા (સ.અ.) હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ના હકમાં આવી રીતે દોઆ કરી છે. ખુદાયા! તે ઇબ્રાહીમ (અ.સ.) અને આલે ઇબ્રાહીમ (અ.સ.) પર દુરૂદ અને સલવાત રહેમત, મગ્ફેરત, અને પોતાની રઝા અને ખુશ્નુદી કરાર આપી (ઉતારી) બારે ઇલાહા! આ લોકો એટલે અલી (અ.સ.), ફાતેમા (અ.સ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) જેઓ મારાથી અને હું એ લોકથી છું. તે માટે દુરૂદ, સલવાત, રહેમત, બક્ષીસ, અને પોતાની રઝા અને ખુશ્નુદી મારા પર અને એ લોકો પર પણ કરાર આપ. (નાઝીલ કર.)
(કન્ઝુલ ઉમ્માલ : જી. ૬)
પયગમ્બરે ઇસ્લામ સલ્લલાહો અલ્યહે વઆલેહી વસલ્લામની અમાનત.
શબરાવી, સિબ્તે ઇબ્ને જવઝી, સયુતી અને મસનાવી તબરાનીથી પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની હદીસ નકલ કરે છે કે આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું : પરવરદિગાર! મેં આ બન્ને (હસન અને હુસૈન (અ.સ.) અને સાલેહુલ મોઅમીનીન (અલી અ.સ.)ને અમાનત તરીકે તને સોંપ્યા છે. (અલ ઇન્હાફ) (તઝકેરતુલખ્વાસ, કન્ઝુલ હકાએક, જી. ૧, કન્ઝુલ ઉમ્માલ, જી. ૬)
હઝરત કાએમ (અ.ત.ફ.શ.) (અમારા ઇમામે ઝમાના અ.સ.) ઇમામ હુસૈન (અ.સ.)ના નવમા ફરઝંદ.
મકતલ ખ્વારઝીમ અને યનાબીઉલ મવદતમાં એક રિવાયત છે કે જ્યારે ઇમામ હુસૈન (અ.સ.) બહુજ નાના હતા ત્યારે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એમને પોતાના ખોળામાં બેસાડેલા હતા અને મોઢાને વારંવાર ચુમતા હતા અને ફરમાવતા જતા હતા : તું મૌલા છે, તું મોલાનો ફરઝંદ છે, અને તારો બાપ મૌલા છે. તું ઇમામ, તું ઇમામનો દિકરો અને તું ઇમામનો બાપ, તું હુજ્જત, તું હુજ્જતનો દિકરો, અને તું નવ હુજ્જતોનો બાપ, જે તારી નસલથી હશે જેમાનો નવમો એ તમામ હુજ્જતોનો કાએમ છે. હમદીનીએ એક લાંબી અને ખુલાસાવાર હદીસ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)થી રિવાયત કરી છે કે આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું : હસન અને હુસૈન (અ.સ.) મારી ઉમ્મતના બે ઇમામ, પોતાના પિદરે બુઝુર્ગવાર પછી થશે, આ બે એહલે જન્નતના સરદાર છે, એમની મા દુનિયાની સ્ત્રીઓની સરદાર છે, એમના પિદરે બુઝુર્ગવાર વસીઓના સરદાર છે, હુસૈન (અ.સ.)ની નસલમાં નવ શખ્સો છે જેમાનો નવમો મારા ફરઝંદોમાં કાએમ હશે, એમની ઇતાઅત અને પયરવી મારી ઇતાઅત અને પયરવી હશે અને એમની નાફરમાની અને વિરોધ મારી નાફરમાની અને વિરોધ હશે. જે શખ્સ એમની ફઝીલતોથી ઇન્કાર કરશે અને મારી પછીએમની બેએહતરામી કરશે તો ખુદાવંદે આલમ એમની વિલાયતના કાર્યો અને મારી નુસરત અને મદદ મારી ઉમ્મતના ઇમામો માટે કાફી છે અને જે લોકો એમના હકથી ઇન્કાર કરશે તો ખુદા જ એ લોકોથી બદલો લેવા માટે કાફી છે. “વ સયાલમુલ્લઝીના ઝલમુ અય્યમુનકલેબીન યન કલેબુન
(ફરાએદુસ્સિમતૈન, જી. ૧)
જે હદીસો ઉપરના વિષયો પર બયાન કરવામાં આવી છે, એ વિષયો પર બેશુમાર હદીસો કિતાબો જોવા મળે છે. ઉપર લખેલ હદીસો તો સમુદ્રના કિનારા પરનું એક ટીપું હતું જે એહલેબયતે અત્તહારની હક્કાનિયત, ખાસ કરીને ઇમામ હુસૈન (અ.સ.) પર બયાન કરવામાં આવી છે.
નવમી મોહર્રમે અસરના કોલાહલમાં ઇમામે હુસૈન (અ.સ.)ના ચરિત્ર નિર્માણ સુવાક્યો
તબરીની રિવાયત પ્રમાણે નવી મોહરર્રમ ૬૧ હિજરી જુમેરાતના દિવસે અસરના સમયે ઉમર સાઅદે હુમલો કરવા માટે હુકમ કર્યો. યઝીદની ફોજ તેયારી કરવાલાગી. ઇમામ (અ.સ.) તે વખતે ખયમાની બાહર તલવારને તકીયો કીરને (ટેકો) દઇને) ઉંઘી રહ્યા હતા ત્યારે જ. ઝયનબે કુબર ઉમર સાઅદના લશ્કરીયોના કોલાહલ અને ધાંધલ સાંભળીને અને તે લોકોના જોશ અને તૈયારી આંખોથી જોઇને ઇમામ (અ.સ.)ની ખિદમતમાં તશરીફ લાવ્યા અને અરજ કરી : ભાઇ! હવે દુશ્મનો ખયમાની નજદીક આવી ગયા છે. ઇમામ હુસૈન (અ.સ.)એ માથું ઉપાડીને પહેલા પાક ઝબાનથી આ શબ્દો ફરમાવ્યા : ઇન્ની રઅયતો રસુલુલ્લાહ….. હમણાં હમણાં મે મારા નાના જાનને સ્વપ્નામાં જોયા કે મારાથી ફરમાવી રહ્યા હતા : ઇન્નકા સાએરૂન એલ્યના અન કરીબ – મારા લાલ! બહુજ જલ્દી તું મારી પાસે આવી જશે. પછી પોતાના ભાઇ અબુલ ફઝલિલ અબ્બાસને ખિતાબ કરીને ફરમાવ્યું : મારી જાન તમારા પર કુરબાન થાય. જરા સવાર થઇને એ લોકોથી મુલાકાત કરો અને એ લોકોનો મકસદ શું છે તે પૂછો. ઇમામ હુસૈન (અ.સ.)ના હકમ પ્રમાણે હઝરત અબુલ ફઝલિલ અબ્બાસ (અ.સ.) વીસ માણસોને પોતાની સાથે લઇને જેમાં ઝોહરે કૈન, અને હબીબ ઇબ્ને મઝાહીર પણ હતા, દુશ્મનોની તરફ રવાના થાય અને એ લોકોની સામે પહોંચી ગયા અને એ લોકોના કોલાહલ, ધાંધલના બારામાં પૂછતાલ કરી. ઉમર સઆદના લશ્કરીઓએ એમના જવાબ આપ્યો કે : હમણા હમણા અમીર (ઇબ્ને ઝિયાદ)ની તરફથી હુકમ આવ્યો છે કે તમે લોકો યા તો બયઅત કરો નહિ તો અમે લોકો તમારી સાથે લડાઇ શરૂ કરી દેશું. હઝરત અબુલ ફઝલિલ અબ્બાસ (અ.સ.) ઇમામ હુસૈન (અ.સ.) પાસે પાછા આવ્યા અને એ લોકોની તજવીજને ઇમામ હુસૈન (અ.સ.)ની ખિદમતમાં પેશ કરી. ઇમામ (અ.સ.)એ એ લોકોના જવાબમાં આવી રીતે ફરમાવ્યું : ઇર્જાઅ એલ્યમિ….. એ લોકોની પાસે પાછા જવા અને કહો કે અગર તમારા લોકોથી થઇ શકે તો આજની રાતની મોહલત આપો અને જંગને કાલ પર મુલ્તવી રાખો. આજની રાત અમે લોકો અમારા પરવરદિગારના હુઝુરમાં નમાઝ, ઇસ્તિગફાર અને મુનાજાત કરી લઇએ. કેમકે ખુદાએ અઝઝવજલ્લ જ આ હકીકતથી વાકીફ છે. કે મને નમાઝ, કુરઆનની તિલવાત, ઇસ્તિગફાર અને ખુદાથી મુનાજાત કેટલી વ્હાલી છે.
હઝરત અબુલ ફઝલ, ઉમર સાઅદના લશ્કર તરફ પાછા આવ્યા અને એક રાતની મોહલત માંગી, ઉમર સાઅદે પોતાના લશ્કરી સરદારો સાથે મસલત કરી અને કહ્યું : અમે આજની રાતની મોહલત તમને આપીએ છીએ. અગર તમે લોકો અમારી વાતને કબુલ કરી લેશો અને અમીરના હુકમ સામે ગરદન ઝુકાવી દેશો તો તમને અમીર પાસે લઇ જશું અને અગર ઇન્કાર કરશો તો અમે પણ તમને તમારા હાલ પર નહિ છોડીએ અને લડાઇ જ તમારા મુકદરને નક્કી કરશે. એવી રીતે ઉમર સાઅદે છેલ્લે ઇમામ હુસૈન (અ.સ.)ની વાતને કબુલ કરી લીધી અને આશુરાની રાત્રે હુસૈન (અ.સ.) અને એમના મદદગારોને મોહલત મળી ગઇ.
નમાઝની એહમિયત
ઇમામ હુસૈન (અ.સ.)ની મોહલતની માંગણીથી નમાઝ, દોઆ મુનાજાત અને કુરાનની તિલાવતની એહમિયતનો બહુજ સારી રીતે અંદાજો લગાડી શકો છો કે ઇમામ હુસૈન (અ.સ.) એટલી હદ સુધી આ બાબતથી મોહબ્બત અને લાગણી ધરાવતા હતા કે ખૂનના પ્યાસા અને બુઝદિલ દુશ્મનોથી પણ એક રાતની મોહલત માંગે છે. જેથી પોતાની જીંદગીની છેલ્લી રાતમાં એ આઅમાલો બજાવી લાવે. કેમ કે ઇમામ હુસૈન (અ.સ.) નમાઝ, કુરાન અને ખુદાની નિશાનીઓને (ચિહ્ન) જીવતી રાખવા માટે જ કબરલાની ધરતી પર તશરીફ લાવ્યા હતા અને કેમ કે એમને પોતાના પરવરદિગાર સાથે મુનાજાત અને એની હુઝુર અને બારગાહમાં ખુઝુઅ અને ખુશુઅ (આજેઝી અને તલ્લીન થઇને ઇબાદત કરવી) બહુ જ પસંદ અને લઝઝત આપવાવાળું હતું. તેથી એક રાતની મોહલત માંગી હતી.
આંસુઓના મોતી
હઝરત અબુ અબ્દુલ્લાહીલ હુસૈન (અ.સ.) પર કેટલું રડવામાં આવે અને ક્યારે રડવામાં આવે ન તો તેની સંખ્યા નક્કી છે ન તો સમય નક્કી છે, અલબત્ત, તેની મોસમ મોહરર્રમ અને સફર મહિના છે. ખાસ કરીને આશુરાનો દિવસ અહલેબયતે અત્તહર અલ્યહેમુસ્સલામની હાલત વિષે જે રિવાયતો મળે છે એનાથી એજ પરિણામ નીકળે છે કે આશુરનો દિવસ જેમ જેમ નજદીક આવતો જાય તેમ તેમ આપણે વધારે રડવું જોઇએ, એ એક ફરજ છે. આંસુ વહેવડાવીએ અને શોક પાળીએ. હકીકત એ છે કે ઇમામ હુસૈન (અ.સ.)ને ‘કતીલુલ ગીરહ’નો ખિતાબ આપવામાં આવ્યો છે. એટલે “આંસુઓના માર્યા. આંસુઓના જારી થવાનો (વહેવાનો) સબબ, ખુદાવંદે આલમની રહેમતનો ચશ્મો (ઝરણું) છે.
આ મુખ્તસર મઝમુનમાં એ વાતની કોશિશ કરશું કે ઇમામ (અ.સ.) પર રડવાથી ઇન્સાનને સામે આવવાવાળા સખત અને કઠિન કામો પર કેવી કુદરત હાસીલ થાય છે. અને બળ પ્રાપ્ત થાય છે તે આપણે જોશું.
૧. ઇન્સાન માટે સૌથી સખત અને કઠિન મુશ્કેલી એના મૃત્યુનો સમય છે, જ્યારે બિમારીની તકલીફ અને રૂહ નીકળવાની તકલીફમાં ફસાએલો હોય છે એ વખતે ઇન્સાન ધ્યાન આપે છે અને ચાહે છે કે આ દુનિયાથી એ ઉઠી જાય પણ હમણાં સુધી જેનાથી એ લાગણી અને સંબંધ રાખતો હતો અને એ પોતાની જીંદગીના દિવસો જેમના માટે પુરા કરી રહ્યો હતો (જેમ કે માલ, દોલત, બાલબચ્ચા વગેરે) એ બધાને છોડવા પડશે. તેથી એના માટે આ અજબ અને સખત મુશ્કેલી સામે આવે છે. બીજી વાત એ પણ છે કે એને ફરી પાછુ યકીન (વિશ્ર્વાસ) થઇ જાય છે કે મોત તો બરહક છે અને કોઇ પણ પ્રકારે એને તો જવાનું જ છે. બલ્કે હવે પછીનું ભવિષ્ય ક્યાં અંદાઝમાં એની વાટ જોઇ રહ્યું છે. તે પણ તમામ મુશ્કેલીઓમાંથી એક મહાન મુશ્કેલી છે. કિતાબ ‘નફસ અલ મહમુમ’માં પોતાની વિશ્ર્વાસપૂર્ણ સનદ સાથે ઝિક્ર કરવામાં આવ્યો છે કે જનાબ મસમા જે ઇરાકના રહેવાસી હતા એનું બયાન છે : “હું હઝરતે ઇમામ જાફર સાદિક (અ.સ.)ની ખિદમતમાં મદીના પહોંચ્યો, આપે ફરમાવ્યું : ઓ મસમા તમે તો ઇરાકના રહેવાવાળા છો, કરબલા તમારા માટે નજદીક છે, શું ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારાત માટે પણ જાવ છો? મે અરજ કરી : આકા! હું મશહૂર માણસ છું અને વિરોધીઓ વચ્ચે ઘેરાએલો છું, હું ડરૂં છું કે મને કોઇ જોઇ ન લે અને મારી જાન જોખમમાં આવી જાય. આપે ફરમાવ્યું : જ્યારે તમે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત માટે નથી જઇ શકતાં તો શું એ હઝરત પર રડો છો? મે અરજ કરી : બેશક, ક્યારે ક્યારે એવી રીતે રડું છું, અઝાદારી અને આહોઝારી કરૂં છું કે ખાવાપીવાનું પણ ભાન રહેતું નથી અને ક્યારેક તો જમણ પાછું કરી દઉં છું. (એટલે જ્યારે હાથમાં ઠંડુ પાણી આવે છે તો ઇમામ હુસૈન (અ.સ.)ની પ્યાસના કારણે સુખા હોઠ યાદ આવે છે, તો નથી પીતો) આ મોકા પર હઝરત સાદિક (અ.સ.) કાંઇક બશારત (ખુશખબરી) આપતા ફરમાવ્યું : જ્યારે એવું છે તો તમે પણ એ લોકોમાંથી જે મારી ખુશીમાં ખુશ રહે છે અને મારા ગમમાં ગમગીન રહે છે તેથી જાણી લો કે મોતના સમયે અમારા બાપદાદા એટલે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) હઝરત અલી (અ.સ.) અને એમની આલ (અ.સ.) ઔલાદની હાજરીથી આંખો રોશન થઇ જાઈંય છે. તમારા માથે જ્યારે અઝરાઇલ (મલેકુલ મૌત) હાજર થાય છે ત્યારે તમે બહુ જ બેબસ અને મોહતાજ થઇ જાવો છો પણ યાદ રાખો કે (આવી હાલતમાં) મલેકુલ મૌત તમારા પર મા કરતા વધારે મહેરબાન થઇ જાય છે.
૨. ઇન્સાન માટે બીજી સખત મંઝિલ છે. કબર. કબરસ્તાનનો એ ખાડો છે જેનાથી ઇન્સાનને તે પહેલા કોઇ વખત સામનોનથી કરવો પડ્યો અને ન તો એ મંઝિલથી ગુજરવું પડ્યું છે. બહુ જ વહેશતનાક અને ડરામણી જગ્યા છે. જેમ કે ઇમામ સજ્જાદ (અ.સ.) ફરમાવે છે : અબ્કી બે ઝુલ્મતે કબ્રી મતલબ હું મારી કબરના અંધકાર માટે રડું છું. શેખ શુશતરીએ રિવાયતથી આ પ્રમાણે તારવણી કાઢી છે. અગર કોઇ શખ્સ કોઇ મર્દે મોઅમીનને ખુશ કરે છે તો જ્યારે તે શખ્સને દફન કરવામાં આવે તો એની સાથે એક નુરાની ચહેરો એની કબરમાં આવી જાય છે અને કહે છે હું એજ ખુશી છું જેણે તું એ ફલાણા મોમિનના દિલમાં ઉતારી હતી તેથી કોઇ શખ્સ કોઇ રંજીદા અને ગમગીન મોમિનને ખુશ કરે છે તો એની કબરમાં ખુશી અને શાદમાની માટે અસબાબ (સામાન-વસ્તુઓ) પેદા કરવામાં આવે છે. તેઓ કહે છે : અગર કોઇ શખ્સ કોઇ સંપૂર્ણ ઇમાનવાળા મોઅમિનને ખુશી કરી દે તો એની બહુ જ ઇજજત અને કદર કરવામાં આવે છે. અને ખાસ કરીને જેને એણે ખુશ કર્યા હોય એ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અથવા અઇમ્મે માસુમીન (અ.સ.) હોય તો એની કેટલી હદ સુધી ઇજજત અને કદર કરવામાં આવે. પછી ફરમાવે છે : જે શખ્સ ઇમામે હુસૈન (અ.સ.) પર રડીને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને ખુશહાલ કરે, અમીરૂલ મોઅમેનીનને રાજી કરે, માસુમા (સ.અ.)ના દિલને ખુશ કરે તો કેવો શુખનસીબ કહેવાય એની કબરની મંઝિલમાં.
૩. ત્રીજી મુશ્કેલી બરઝખ છે યાને કબરથી કયામત સુધીનો સમય, જ્યારે રૂહ મિસાલી શરીરથી સંબંધ પેદા કરી લે છે અગર ઇન્સાન નેક લોકોમાંથી હશે તો વાદીઉસ્સલામમાં જગ્યા હાસીલ કરે લેશે (મેળવી લેશે) જે અમીરૂલ મોઅમેનીન અલ્યહિસ્સલામના પાડોશમાં છે અને અગર બદબખ્તોમાંથી બદકારમાંથી હશે તો એની જગ્યા વાદીએ બરહુતમાં મેળવશે. અગર દુનિયાથી બિલ્કુલ પાકપાકીઝા ગયો હશે તો એને બરઝખામાં રાહત, આરામ અને ખુશી નસીબ થશે પણ જો ગુનાહોમાં ફસાએલો હશે અથવા લોકોનો હક દબાવી લીધો હશે અને જુલ્મ કર્યા હશે તો એ ખીલા જેવો એનો હાલ હશે જે દિવાલમાં ઘોંચવામાં આવે છે અને એને કબરમાં એવી રીતે જકડવામાં આવશે. શું કોઇ દુનિયામાં એવો દાવો કરી શકે છે કે તે બિલ્કુલ પાક દામન થઇને ઉઠશે? શું પોતાની જીંદગીમાં કોઇની પણ ઇજ્જત પાયમાલ ન કરી હોય? કોઇની પણ ગીબત ન કરી હોય?….. ઇમામ સાદિક (અ.સ.)થી એક હદીસ મરવી છે કે આપે ફરમાવ્યું : જે શખ્સનું દિલ અમારી મુસીબતમાં દુ:ખી થયું હોય, મૌતના સમયે એના હિસ્સામાં ખુશહાલી અને શાદમાની આવશે જે કયામત સુધી બરકરાર (બાકી) રહેશે. મતલબ આલમે બરઝખમાં એને કોઇ પણ જાતનો રંજ – ગમ સતાવશે નહિ.
૪. ઇન્સાન માટે છેલ્લી સખત મુશ્કેલી કયામત છે, કયામતના દિવસ ઇમામ હુસૈન (અ.સ.) પર (ગિરયાઝારી) રડવાનો અસર બહુ જ જાહેરી રીતે જોવામાં આવશે. આપ બહુ જ સારી રીતે જાણો છો કે કયામતના દિવસે શું થશે એના બારામાં કુરઆને કરીમમાં જે આયતો છે તે આપ જાણતા જ હશો. ખુદાવંદે તઆલે એ દિવસને “ફઝઆ અકબર”થી તાબીર કરી છે કેમ કે એ દિવસે હર એક બેચેની, વહેશત અને નારાહતની સ્થિતિમાં હશે કોઇ એવું નહિ હશે કે જે પરેશાન અને બેચેનીની હાલતમાં ન હોય, કયામતના દિવસે અમાનમાં રહેવા હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)થી એક હદીસ મનકુલ છે કે : જે શખ્સ આશુરના દિવસને પોતાના તમામ જીંદગીના કારોબારને મુકી દે, કેમ કે બની ઉમય્યા પોતાના અંધાપાને (જહાલત) લીધે આશુરના દિવસે મુબારક અને બરકતવંતો દિવસ સમજતા હતા : તો ખુદાવંદે કરીમ એની દુનિયા અને આખેરતની આરઝુ તમન્નાઓને પુરી કરી દેશે અને જે શખ્સ આશુરના દિવસે રંજોગમ અને મુસીબતનો દિવસને તસવ્વુર કરશે તો એના બદલામાં કયામતમાં જ્યારે તમામ ઇન્સાન પરેશાની, બલા અને મુસીબતમાં ફસાએલા હશે ત્યારે એના માટે ખુશી, શાદમાનીનો દિવસ કરાર આપવામાં આવશે.
૫. કયામતના દિવસે ઇન્સાન માટે સૌથી સખત મુશ્કેલી ખુદાની સામે હાજર થઇને હિસાબનો મોકો છે એ વખતનો જરા વિચાર કરી જુઓ જ્યારે એ કહેવામાં આવશે કે તમે પોતે પોતાનું આમલનામું જે તમારા હાથમાં આપવામાં આવ્યું છે, તે વાંચો, તે વખતે જેણે પણ નાનામાં નાનો અમલ ક્યોં હશે તે જોશે. અગર અમલ (કૃત્ય) નેક હશે તો એનો બદલો પણ સારો હશે અને અમલ (કૃત્ય) ખરાબ હશે તો એની જઝા (બદલો) પણ ખરાબ હશે. ન જાણે કેટલા સમય સુધી હિસાબ પેટે ઉભા રહેવું પડે. જેવો જે હશે તે પ્રમાણે તેને ઉભા રહેવું પડશે. જે બિચારા લોકોનો હિસાબ લાંબો હશે એ લોકોની હાલત કફોડી હશે. એ લોકો માટે રૂહાની તકલીફો હશે કેમ કે સખત કશમકશમાં (મુંઝવણમાં) હશે કે આપણો શું નતીજો શું પરિણામ આવશે. જન્નત મળશે કે જહન્નમ? અલબત્ત કેટલાક એવા હશે જેમ કે અઇમ્મે (અ.સ.)ની રિવાયત મુજબ, જ્યારે લોકો હિસાબ માટે રોકી લેવામાં આવશે તો, આ લોકો અર્શના સાયામાં હશે, એ લોકો હુસૈને મઝલુમ (અ.સ.)ના અઝાદારો હશે, જે ઇમામ હુસૈન (અ.સ.)ના પાડોશમાં હશે અને પોતાના આકા હઝરત સય્યદુશ શોહદા અને ખાનદાનવાળાઓની ખિદમતમાં હશે, હકીકી બેહિસ્તમાં ખુદાવંદે આલમની નેઅમતોથી માલામાલ અને ખુશહાલ હશે.
શક્ય છે કે કેટલાક લોકો એ વિચાર કરે કે ફક્ત આંસુ પાડવાથી કેવી રીતે આટલી બધી નેઅમતો અને બદલો આપવામાં આવશે?
વ્હાલા વાંચકો! આ અઝીમ જઝા (બદલો) ફક્ત આંસુઓની નહિ હોય જે ફક્ત ખારા પાણીની હેસિયત રાખે છે. બલ્કે એ હુસૈન મઝલુમ (અ.સ.)ના ખૂનનો બદલો હશે. એ બદલો ગમે તેટલો પણ વધારે હોય, તો પણ હુસૈનના અમલના મકાબલામાં રજકણ બરાબર પણ નથી થઇ શકતો. હુસૈન બિન અલી (અ.સ.)ની પાસે જે કાંઇ હતું, ખુદાની રાહમાં અર્પણ કરી દીધું. આ હુસૈન (અ.સ.)ની મુબારક હસ્તીની બરકત છે કે ખુદાવંદે આલમ એમના શિયાઓને, અઝાદારોને અને દોસ્તોને બદલો આપે છે. શેખ શુશતરી રિવાયતે અઇમ્મે અત્હાર અલ્યહેમુસ્સલામની બુન્યાદ પર ફરમાવે છે : ઇમામ હુસૈન (અ.સ.)ની સખત અને શિદત પ્યાસના બદલામાં ખુદાવંદે આલમે એ હઝરત (અ.સ.)ના માટે ચાર જઝા (નેક બદલાઓ આપ્યા છે) કરાર આપી છે.
પહેલું : હવઝે કૌસર જેના પાણીથી ઇમામ હુસૈન (અ.સ.)ના ચાહવાવાળાઓ મોતના સમયથી કયામત સુધી સયરાબ (તૃપ્ત) કરવામાં આવશે.
બીજું : “ચશ્મે હયવાન (આ શબ્દ ‘હયાત’ના મૂળથી સંબંધિત છે) જે ફક્ત ઇમામ હુસૈન (અ.સ.) પર રડવાવાળાઓ માટે મખસુસ (ખાસ નક્કી) કરવામા આવ્યો છે. આ ઝરણાનું પાણી હઝરત અબુ અબ્દુલ્લાહના અઝાદારોના આંસુઓથી મિશ્રિત છે.
ત્રીજું : આશુરના દિવસોમાં મોઅમિનીનની આંખોમાંથી કયામત સુધી નીકળવાવાળા આંસુ છે અલબત્ત એ સારી રીતે અંદાજો લગાડી લો કે હુસૈન મઝલુમ (અ.સ.)ની રાહમાં કેટલા બધા આંસુ પાડવામાં આવ્યા હશે. દરેક વરસે આવું જ થાય છે અને આવું જ હંમેશા થતું રહેશે. ઇનસાનો ઉપરાંત આસમાનોમાં ફરિશ્તાઓ પણ હુસૈન (અ.સ.) પર રડે છે. જેમને સાદિકે આલે મોહમ્મદ (અ.સ.)નો ઇરશાદ (કહેણ) છે કે હુસૈન (અ.સ.) પર મલાએકા, રડવાથી એક પળ માટે પણ રોકાતા નથી.
ચોથુ : જ્યારે પણ મોઅમેનીન ઠંડુ પાણી પીએ છે તો હુસૈન (અ.સ.)ની પ્યાસને યાદ કરે છે. હુસૈન (અ.સ.) હક પણ રાખે છે કે એમને યાદ કરવામાં આવે. એમના પર દુરૂદ અને સલામ મોકલવામાં આવે, આજ એ જઝા છે જે અમે સમજી શક્યા છીએ પણ ખુદાવન્દે આલમ એ હઝરતની પ્યાસ બદલામાં જે જઝા આપશે તે અમારા તસવ્વુરમાં (અમારી કલ્પનામાં) પણ આવી શકતી નથી.
રસુલે ખુદા (સ.અ.વ.) પણ મસઓબે હુસૈન (અ.સ.) પર રડતા હતા.
જનાબે અબ્દુલ મુતલ્લીબના દિકરી સુફીયાનું બયાન છે. જ્યારે હઝરત ઇમામ હુસૈન (અ.સ.) પેદા થયા, એમને પયગમ્બરે અકરમ (સ.અ.વ.) પાસે લઇ જવામાં આવ્યા….. હઝરત રસુલે અકરમે (સ.અ.વ.) એમની પેશાનીને ચુમ્યા અને પછી એમને મને સોંપી દીધા અને પછી હાલત એ. હતી કે આપ (સ.અ.વ.) રડતા હતા અને ફરમાવતા હતા : ખુદા લાઅનત કરે એ કોમ પર જેઓ મારા લાલ! તમને કત્લ કરશે (આં હઝરતે આ વાક્યોને ત્રણ વખત દોહરાવ્યું) સફીયાનું બયાન છે: મેં અરજ કરી : મારા મા – બાપ આપ પર ફિદા થાય, એમને કોણ કત્લ કરશે? આં હઝરતે ફરમાવ્યું : બની ઉમય્યાની સિતમગર જમાઅત એને કત્લ કરશે, જેના પર ખુદાવંદે આલમે લાઅનત ફરમાવી છે. (બેહારૂલ અન્વાર, ભાગ – ૧૦૧) ‘બેહારૂલ અન્વાર’માં એક ઝિયારત લખી છે જે ઇમામ ઝમાના (અ.સ.)ની તરફ મનસુબ છે (નિસ્બત ધરાવે છે) અને ‘ઝિયારતે નાહયાના’નામથી મશ્હૂર છે. આ ઝિયારતમાં હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) પોતાના જદ્દે મઝલુમ ઇમામ હુસૈન (અ.સ.) પર શદીદ (સખ્ત) ગમ અને દુ:ખના અસર બહુ જ સારી રીતે જાહેર કરે છે.
ઇમામ હુસૈન (અ.સ.) પર ગિરયા (રોવું), તમામ પરદાને હટાવી દે છે અને ઇન્સાનને ખ્વાબના ગફલતમાંથી (સ્વપ્નાની બેખબરીથી) જગાડી દે છે, દિલમાં નરમી અને રહેમ પેદા કરી દે છે અને આપણને ખુદાની તરફ ધ્યાન કરાવે છે પણ આપણે ધ્યાનપૂર્વક મનન કરવું જોઇએ. આપણે મોઢું ન ફેરવવું જોઇએ અને શયતાનથી દોરવાઇ ન જવું જોઇએ અને ફક્ત ખુદાની યાદમાં મશગુલ રહેવું અને ખુદાની રાહમાં ચાલતા રહેવું એક વખત ફરીવાર કહીએ છે, ફક્ત શર્ત એ છે કે ફરી પાછા ફરી ન જોઇએ અને શયતાન સો મળી ન જવું જોઇએ અને હકીકી તૌબા તો એ જ છે કે ખરાબ આમાલથી તાએબ થવા પછી (તૌબા કર્યા પછી) હુસૈન (અ.સ.) અને અસ્હાબે હુસૈન (અ.સ.) માટે આંસુઓ વહેવડાવીએ અને એને કાયમ રાખીએ અને આપણી તૌબા અને પશ્ર્ચાતાપને એ આંસુઓથી સજાવીએ. ખુદા તૌબા કરવાવાળાઓને દોસ્ત રાખે છે અને સાચું તો એ છે કે આપણી તૌબા કબુલ થઇ જાય અને આપણા પહેલા ખોટા કાર્યો સારા કાર્યોમાં બદલાય જાય તો એ પણ ખુદાની મહેરબાની જ છે. ખુલાસો એ છે કે મોહર્રમના મહિનામાં ઇમામ હુસૈન (અ.સ.)નો દરવાજોખુલો રહે છે અને એમની પર આંસુ વહેવડાવવાવાળા અને ગમ કરવાવાળા માટે બક્ષીસ અને શફાઅતનું કારણ બને છે.
તેથી ઓ આંસુઓ! વહેવા લાગી જાઓ અને તમારા તાપથી જલાવી દો. ઓ આંસુઓ! ખુદાના આ મહાન અને મુનતખબ બંદાની (ખાસ ચુંટાયેલા બંદાની) ગુરબત અને મુસીબત પર વહેતા રહો. ઓ આંસુઓ નુબુવ્વતનાં બુસ્તાનનાં આ ફૂલના ગમમાં નિકળતા રહો. (નબુવ્વતના ફળના આ બાગના ફૂલના ગમમાં નિકળતા રહો.) જેણે અંજામકાર ઇન્સાનરૂપ જાનવરોના નાપાક હોવાથી બેહદ મઝલુમીની સાથે પોતાની જાનને ખુદાને હવાલે કરી હતી.
સલ્લાહો અલ્યકા યા અબા અબ્દિલ્લાહ.
અઝાદારીની એહમીયત
કોઇની મુસીબત સાંભળીને બેચેન થઇ જવું એ ઇન્સાનની ફિતરત (પ્રકૃતિ) છે. જ્યારે એ અસર દિલના ઉંડાણ સુધી પહોંચે છે, તો આંસું બનીને પોતાની લાગણીઓને વક્ત કરે છે. મુસીબતઝદાહ અને દુ:ખીયારાથી જેટલો નઝદીકી સંબંધ હશે, અસર પણ એ પ્રમાણે જ વધારે હશે અને મુસીબત નાખવાવાળા દુ:ખ પહોંચાડવાવાળા અને જુલ્મ કરવાવાળા સાથે જેટલો નઝદીકી સંબંધ હશે એટલી જ વધારે મઝલુમથી દૂરી રહેશે.
એ અશક્ય છે કે ઇન્સાન એક વ્યક્તિ પર અનહદ અકીદત અને મોહબ્બત રાખતો હોય અને એની ઔલાદ પર આવાવાળી મુસીબત અને જુલ્મ સાંભળીને બેખબર થઇ જાય. (કોઇ અસર ન થાય.)
આ અસર એ સમયે ઘણી જ વધી જાય છે જ્યારે એ મઝલુમે બધા જ જુલ્મ બીજા લોકો માટે સહન કર્યા હોય અને જાલીમોએ એ માટે જુલમ કર્યા હોય કે એ જુલમને ન્યાય (ઇન્સાફ) અને દંભને ઇમાન ન કહી શક્યો. અગર મુસલમાન હોવું કોઇ ગર્વની વાત છે, અને યકીનન છે (એમાં કોઇ શક નથી) અને અગર ઇસ્લામ ઇન્સાનિયતનો ફક્ત એક જ મઝહબ છે, અને હકીકતમાં છે, તો આજ ઇસ્લામ પર એવો સમય પણ આવ્યો હતો કે જ્યારે ઇસ્લામને બરબાદ અને તબાહ કરી દેવા માટે રીતસર કાવતરૂં એની ચરમસીમાએ પહોંચી ગયું હતું અને ઇસ્લામના દુશ્મનો પોતાની કામ્યાબીની ઘડીઓ ગણી રહ્યા હતાં, જ્યારે આ રાહમાં દરેક જાતની મુશ્કેલીઓ દૂર કરવામાં આવી હતી. એ વખતે બસ એક જ વ્યક્તિ એવી હતી જે ઇસ્લામની તબાહીના રસ્તામાં વચ્ચે પહાડની જેમ અડીખમ ઉભી હતી. ઇસ્લામના દુશ્મનોએ પોતાની તમામ તાકતો એકઠી કરીને ઇસ્લામની પાયમાલી અમલમાં લાવી શકાય અને તે માટે દુશ્મનોએ એવો ક્યો જુલ્મ છે જે અમલમાં ન લાવ્યા હોય અને એવો ક્યો હિલો (તરકીબ) છે જે બજાવી ન લાવ્યા હોય. આજ સુધી કોઇ એક વ્યક્તિ પર એક જ સાથે અને એક જ સમયમાં આટલાં બધા જુલ્મો સિતમ થયા નથી. છેલ્લે દુશ્મનોએ એને કત્લ કરી નાખ્યો છે. એના ખાનદાનના દરેક જણને કેદ કર્યા છતાં પણ એ શખ્સને વચ્ચેથી હટાવી ન શક્યા જે ઇસ્લામની મોહાફીઝ (બચાવવાવાળી) હતી. એ વ્યક્તિ હઝરત હુસૈન ઇબ્ને અલી અલ્યહિસ્સલામ હતાં. એ લોકો સમજી રહ્યા હતાં કે હુસેન ઇબ્ને અલી (અ.સ.)ને કત્લ કરવા પછી બાબત આસાન અને સહેલી થઇ જશે. અને એ લોકોએ વાતથી ગાફીલ હતા કે શહાદત પછી ઇમામ હુસૈન (અ.સ.) હજુ વધુ તાકતવર થઇ જશે.
“આયા જો કરબલામેં તો દુશ્મન થે બેશુમાર,
ઉઠ્ઠા જો કરબલાસે તો આલમ પે છા ગયા.
દીનની હિફાજતની બેપનાહ અખૂટ અને આશ્ર્ચર્યજનક. તાકાત ઇમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીમાં છુપાએલી છે. દરેક વર્ષે મોહર્રમનો ચાંદ આખા વિશ્ર્વમાં એ એલાન કરી દે છે કે ઇસ્લામને મીટાવી દેવાવાળાઓ ખબરદાર થઇ જાવ કે ગઇ કાલે ખુદ ઇમામ હુસૈન (અ.સ.)ની બરકતવંતી શખ્સીયત ઇસ્લામની મોહાફીઝ હતી અને આજે ઇમામ હુસૈન (અ.સ.)ની અઝા (શોક) ઇસ્લામની મોહાફીઝ છે. આજ કારણ છે કે જ્યા સુધી ઇમામ હુસૈન (અ.સ.)ના લોહીના પ્યાસા હતા અને આજે ઇસ્લામના દુશ્મનો ઇમામ હુસૈન (અ.સ.)ની અઝાદારી (શોક માનવાના)ના દુશ્મન છે અને એની પર જાત જાતના વિરોધ અને પ્રતિકાર કરે છે, એ લોકોને એ વાતનું યકીન છે (વિશ્ર્વાસ છે) કે હકીકી (સાચ્ચા) ઇસ્લામને એ દિવસ સુધી મિટાવી નથી શકતા, જ્યાંસુધી અઝાદારીનો સિલસિલો બાકી રહેશે. (તેઓ કહે છે કે રડવું એ ડરપોકની દલીલ છે, એ ત્યારે છે જ્યારે મુશ્કેલીઓનો સામનો ન કરી શકતો હોય, હિમ્મત હારી ગયો હોય અને રડતો હોય, પણ કોઇની મુસીબતને સાંભળીને બેચેન, ગમગીન ન થવું એ ક્રૂર અને પાશવી હૃદયની નિશાની અને હેવાનિયત છે.)
ઇમામ હુસૈન (અ.સ.)ની મુસીબત, મહાન મુસીબત :
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી મોહબ્બત કરવી અને પોતાની જાતથી એમને વધારે ચાહવું એ દરેક મુસલમાનની ફરજ છે. રસુલે ખુદા (સ.અ.વ.)ની એક હદીસ છે કે : “કોઇપણ વ્યક્તિનું ઇમાન ત્યાં સુધી સંપૂર્ણ નથી જ્યાં સુધી એ મને પોતાની જાતથી વધારે ચાહે – અને મારી ઓલાદને પોતાની ઓલાદથી વધારે ચાહે.
હઝરત ઇમામ જાઅફર સાદિક (અ.સ.)ને અબદારાહ બિન અલ – ફઝલે પુછયું કે આશુરનો દિવસ રંજ, ગમ, આહ અને રડવાનો દિવસ શા માટે છે? ફરમાવ્યું : …… જે દિવસ ઇમામ હુસૈન (અ.સ.) કત્લ કરવામાં આવ્યા તે દિવસ સોથી વધુ મુસીબતો દિવસ હતો, તેનું કારણ એ છે કે ખુદાની નજદીક સોથી વધુ મરતબાવાળા અને ફઝીલતોવાળા અસ્હાબે કિસા (પંજેતન પાક) હતાં. જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.)નો ઇન્તેકાલ થયો એ વખતે અમીરૂલ મોઅમેનીન, હઝરત ફાતેમા અને ઇમામ હસન અને ઇમામ હુસૈન (અ.સ.) હાજર હતા, એમનાથી એ લોકોને સાંત્વન મળતું અને તસ્કીન થતી હતી અને જ્યારે જનાબે ફાતેમા (અ.સ.)નો ઇન્તેકાલ થયો, એ વખતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.), ઇમામ હસન (અ.સ.)એન ઇમામ હુસૈન (અ.સ.) મૌજુદ હતા. એ કારણે એ લોકોને સાંત્વન હતું અને જ્યારે અમીરૂલ મોઅમેનીનનો ઇન્તેકાલ થયો તો ઇમામ હસન અને ઇમામ હુસૈન (અ.સ.) મૌજુદ હતા એમનું વ્યક્તિત્વ તસ્કીનનું (દિલાસાનું) કારણ હતું. ઇમામ હસન (અ.સ.)ની શહાદત પછી ઇમામ હુસૈન (અ.સ.)ની શખ્સીયત દિલની ધારસ હતી પણ જ્યારે ઇમામ હુસૈન (અ.સ.)ને શહીદ કરી દેવામાં આવ્યા, તો તમામ અસ્હાબે કિસાનો ખાતમો થઇ ગયો. જ્યાં સુધી ઇમામ હુસૈન (અ.સ.) જીવતં હતાં, તો જાણે તમામ અસ્હાબે કિસા જીવતા હતા. અને હુસૈન (અ.સ.)ની શહાદતથી દુનિયા અસ્હાબે કિસાથી ખાલી થઇ ગઇ. તે જ કારણથી આ દિવસ સૌથી વધારે મુસબીતનો દિવસ છે.
(અવાલિમ, જી. ૧૭, પાના નં. ૫૧૬)
અઝાદારી, અખ્લાકી ફરજ :
એહસાનનો (ઉપકારનો) શુક્રીયા અદા કરવો એ અખ્લાકી ફરજ છે એહસાનને ભુલાવી દેવું, એ નફરતને લાયક અને ઉપકારને જે શખ્સ ભુલી જાય એ નફરત અને ફિટકારને પાત્ર છે. ઇસ્લામ અને મુસલમાનો પર આલે મોહમ્મદ (અ.સ.) અને ખાસ કરીને ઇમામ હુસૈન (અ.સ.)ના જે એહસાનાત (ઉપકારો) છે એનાથી ઇન્કાર નથી થઇ શકતો. ઇસ્લામ પર જ્યારે જ્યારે હુમલો થયો છે, આલે મોહમ્મદ (અ.સ.) જ ઢાલ બન્યા છે. તેઓએ તમામ મુસીબતો પોતાની જ જાન ઉપર વેઠી છે ત્યાં સુધી કે તલવાર નીચે પોતાની ગરદન કપાવી પણ ઇસ્લામની ધોરી નસને આંચ ન આવવા દીધા. પોતે ફના થઇ ગયા. પણ ઇસ્લામને હંમેશા અને અનંતકાળ માટે જીવન બક્ષી ગયા.
ઇમામ હુસૈન (અ.સ.)ની અઝાદારી કરવી આ એહસાનનો એક તુચ્છ અને મામુલી બદલો છે. આ રીતે દર વર્ષે અઝાદારીના દિવસોમાં દીનની (ધર્મની) રાહમાં આલે મોહમ્મદ (અ.સ.)ના કારનામાંના બયાન સાંભળવાવાળાઓમાં દીનની હિફાઝતનો જઝબો અને હિમ્મત પેદા કરે છે , અને દરેકને એક સબક આપે છે કે જ્યારે પણ દીન પર કોઇ વખત આવી પડે તો તમે પણ પોતાનો જીવ આપીને દીનની હિફાઝત કરો. પોતે કુરબાન થઇ જજો પણ ઇસ્લામને મરવા ન દેજો.
અઝાદારી સુન્નતે અંબિયા :
ઇમામ હુસૈન (અ.સ.)ની મુસીબતોથી પ્રભાવિત થઇને એમની ઉપર આંસુ પાડવા કોઇ નવી વાત નથી, જેના પર ‘બિદઅતનો’ જાણીતો શબ્દ ચોંટાડવામાં આવે. બલ્કે જ્યારથી પૃથ્વીપટ પર અંબિયા (અ.સ.)ના આવવાની પરંપરા ચાલુ થઇ ત્યારથી ઇમામ હુસૈન (અ.સ.)ની મુસીબતો પર રડવું અને એમના દશુમનો પર લાઅનત કરવાનો સિલસિલો ચાલુ છે.
કરબલાની જમીન પરથી જે પણ નબી અને રસુલનો ગુજર થયો છે (જવાનું થયું છે) તેઓએ જરૂર ત્યાં રોકાઇને ઇમામ હુસૈન (અ.સ.) પર આંસુ વહાવ્યા છે, અને એમના દુશ્મનો પર લાઅનત મોકલી છે. જનાબે આદમનો ગુજર થયો એમણે આંસુ વહાવ્યા, જનાબે નુહે આંસુ વહાવ્યા. છે કોઇની મજાલ અને છે કોઇનાં મોઢામાં જબાન કે અંબિયા (અ.સ.)ના આ અમલને નાજાએઝ કરાર આપે. વાત ફક્ત ગુજરેલા અંબિયાઓની નથી પણ ખુદ સરવરે કાએનાત ખતમી મરતબત હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.) એ ઇમામ હુસૈન (અ.સ.)ની મુસીબત યાદ કરીને ઘણી વખત આસું વહાવ્યા છે. અને ન તો ફક્ત પોતે રડ્યા, બલ્કે ઇમામ હુસૈન (અ.સ.)ની પવિત્રજાત પર થવાવાળા બનાવોને અને મુસીબતોને બયાન કરીને બીજાઓને પણ રડાવ્યા હતા.
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એક મુસાફરીથી પાછા ફર્યા ત્યારે બહુજ ગમગીન અને ઉદાસ હતા. મિમ્બર પર તશરીફ લઇ ગયા તો આપની સાથે ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.) પણ સાથે મિમ્બર પર હતા, જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.) ખુત્બો ફરમાવી રહ્યાં અને નસીહત કરી ચુક્યા તો પોતાનો જમણો હાથ ઇમામ, હસન (અ.સ)ના માથા ઉપર મુક્યો અને ડાબો હાથ ઇમામ હુસૈન (અ.સ.)ના માથા ઉપર મુક્યો અને ફરમાવ્યું :
“ખુદાયા! મોહમ્મદ તારો બંદો અને રસુલ છે અને બન્ને મારી પાક પવિત્ર ઇતરત (ઔલાદ) છે…..
હું આ બન્નેને ઉમ્મતની વચ્ચે છોડી રહ્યો છું. મને જીબ્રઇલે ખબર આપી છે કે મારા આ ફરઝંદને ઝેરથી શહીદ કરવામાં આવશે. અને મારો બીજો ફરઝંદ ખાક અને લોહીમાં ખરડાઇને શહીદ થશે. ખુદાયા આની શહાદતને બરકતવંતી કરાર આપજે અને એની શહીદોના સરદારોમાં. ગણના કરજે. ખુદાયા આના કાતિલને તારી બરકતોથી મહેરૂમ કરી દે (તારી બરકતો એના પર હરામ કરી દે) અને એને જહન્નમમાં નાખી દે અને જહન્નમનાં સૌથી પસ્ત (નીચાં) દરજામાં જગ્યા આપ. આ સાંભળીને લોકો મોટે મોટેથી રડવા લાગ્યા. રસુલે ખુદા (સ.અ.વ.)એ લોકોને ફરમાવ્યું : તમે લોકો એની પર ફક્ત રડશો કે એની મદદ પણ કરશો. ખુદાયા તુજ એનો નાસિર અને મદદગાર બની જા.
આથી સારી રીતે સમજ પડી જાય છે કે ઇમામ હુસૈન (અ.સ.)ની મુસીબત બયાન કરવી, પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની સિરત અને સુન્નત છે અને એ મુસીબતો સાંભળીને આંસુ સારવા અસ્હાબોની પણ સુન્નત છે અને આને જ અઝાદારી કહેવામાં આવે છે.
એહલેબયત (અ.સ.)ની રિવાયતોમાં અઝાદારીને બેપનાહ એહમિયત આપવામાં આવી છે અને બેપનાહ અજ્ર અને સવાબનો તઝકેરો કરવામાં આવ્યો છે….. હઝરત ઇમામ જાઅફર સાદિક (અ.સ.)એ મુસ્મઅને પુછયું : તમે ઇરાકમાં રહો છો અને ઇમામ હુસૈન (અ.સ.)ની કબર પર ઝિયારત માટે નથી આવતા? મે જવાબ આપ્યો : નહિ. હું બસરાવાસીઓમાં મશ્હૂર છું, તેઓ મને જાણે છે અને ત્યાં એવા લોકો રહે છે જે આ ખલીફાની પયરવી કરે છે. નાજી અને ગેરનાજી કબીલાઓમાં અમારા દુશ્મનો અનેક છે અને એ લોકો પર ભરોસો નથી. મને એ વાતનો ડર છે કે તેઓ મારી શિકાયત (ફરિયાદ) કરશે અને પછી મને સતાવવામાં આવશે.
ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું : શું તમે એ બનાવોનું બયાન કરો છો જે. એમની પર ગુજર્યોછે? મેં કહ્યું : હા. ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું કે (એ વાકેઆતના તઝકેરા પછી) તમે ગમગીન પણ થાવ છો? મે કહ્યું હા. ખુદાની કસમ એ સાંભળીને હું બહુજ રડું છું. ત્યાં સુધી કે મારા ઘરવાળાઓ એનો અસર મારા પર જુવે છે અને જ્યાં સુધી એ અસર બાકી રહે છે હું જમતો પણ નથી. ઇમામે (અ.સ.) ફરમાવ્યું : ખુદા તમારા આંસુ પર રહેમ કરે. તમે એ લોકોમાં છો જે અમારા માટે એહલેગમમાં (અઝાદારી કરવાવાળમાં) શુમાર થાય છે. જે અમારી ખુશીમાં ખુશ રહે છે અને અમારા ગમમાં ગમગીન થાય છે….. હા તમે તમારી મોતના વખતે અમારા બાપ – દાદાઓને તમારી પાસે જોશો તેઓ તમારા માટે મલેકુલ મૌતને સિફારશ કરશે અને તમને બશારત આપશે. જેનાથી તમારી આંખો ઠંડી થઇ જશે. (કાલિ અલ – ઝિયારત)
સય્યદ બિન તાઉસે આલે મોહમ્મદ અલ્યહેમુસ્સલામથી રિવાયત કરી છે. જે રડ્યો અને સો માણસોને રડાવ્યા તેના માટે જન્નત છે. જે રડ્યો અને પચાસ માણસોને રડાવ્યા. તેના માટે જન્નત છે. જે રડ્યો અને ત્રીસ માણસોને રડાવ્યા તેના માટે જન્નત છે, જે રડ્યો અને વીસ માણસોને રડાવ્યા તેના માટે જન્નત છે. જે રડ્યો અને દસ માણસોને રડાવ્યા તેના માટે જન્નત છે. જે રડ્યો અને એક માણસને પણ રડાવ્યા તેના માટે જન્નત છે. અને એના માટે પણ જન્નત છે જેણે રડવાની સુરત બનાવી. (અલ – લહુફ – અવાલિમ ૫૩૨) હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)એ હઝરત ઇમામ ઝયનુલ આબેદની (અ.સ.)થી રિવાયત કરી છે કે : અગર ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત પર કોઇ મોમિનની આંખમાંથી એક ટીપું (આંસુ) વહીને એના ચહેરા પર આવી જાય, ખુદા જન્નતમાં એને જગ્યા આપશે જ્યાં એ વરસોના વરસો સુધી રહેશે.
હઝરત ઇમામ જાઅફર સાદિક (અ.સ.)થી રિવાયત છે. ઇમામ હુસૈન (અ.સ.) તઝકેરો (બનાવ) સાંભળીને આંખથી માખીની પાંખ જેટલું આંસુ નીકળી જાય તો ખુદા એને એટલો સવાબ આપે કે જન્નત સિવાય કોઇ બીજી વસ્તુ પર રાજી નહિ થાય. (કામિલ અલ – ઝિયારત)
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ જ્યારે હઝરત ફાતેમા (અ.સ.)ને હુસૈન (અ.સ.)ની શહાદતની ખબર સંભળાવી. જનાબે ફાતેમા (અ.સ.) બહુ જ રડ્યા….. અને પુછયું કે બાબા મારા દિકરાની અઝાદારી કોણ કરશે? હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું : ઓ ફાતેમા, મારી ઉમ્મતની સ્ત્રીઓ એહલેબયતની સ્ત્રીઓ પર રડશે અને મારી ઉમ્મતના મર્દો એહલેબયતના મર્દો પર રડશે અને દર વરસે અઝાને તાજી રાખશે. ત્યાં સુધી કે કયામત આવી જશે. તમે સ્ત્રીઓની શફાઅત કરશો અને હું મર્દોની શફાઅત કરીશ. જે પણ હુસૈન (અ.સ.)ની મુસીબત પર રડશે, અમે એનો હાથ પકડીને એને જન્નતમાં દાખલ કરશું. ઓ ફાતેમા કયામતના દિવસે દરેક આંખ રડતી હશે અને એ આંખ જે હુસૈન (અ.સ.) પર આંસુ પાડશે અને ખુશ હશે અને એને જન્નતની બશારત આપવામાં આવશે. (બેહારૂલ અન્વાર, જી. ૪૪, પાના નં. ૨૯૨, હ. ૩૭, અવાલિમ પાના નં. ૫૩૪)
હઝરત ઇમામ અલી રેઝા (અ.સ.)થી રિવાયત છે કે મોહર્રમ શરૂ થતો ત્યાર પછી મારા વાલીદ હસતા જોવામાં ન આવતા. જેમ જેમ પહેલા દસ દિવસ પસાર થતા જતા તેમ તેમ રંજ અને ગમમાં વધારો થઇ જતો અને આશુરા દિવસે એમની મુસીબત અને રડવાનો કઇ અંત ન રહેતો. આ રિવાયત પણ ઇમામ અલી રઝા (અ.સ.)થી છે જે શખસ આશૂરના દિવસે પોતાની દુનિયાની જરૂરતોને છોડી દેશે તો ખુદા એની દુનિયા અને આખેરતની જરૂરીયાતને પુરી કરી આપશે. (અમાલી અસ્સદૂક) દા.દ અલરૂકીનું બયાન છે કે હું ઇમામ જાઅફર સાદિક (અ.સ.)ની ખિદમતમાં હતો. ઇમામે પાણી માગ્યું, જ્યારે પાણી પી રહ્યા તો મેં જોયું કે આંખોથી આંસુ વહી રહ્યા છે. પછી મને ફરમાવ્યું : ઓ દાઉદ ખુદા ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલો પર લાઅનત કરે અગર કોઇ પાણી પીતા સમયે ઇમામ હુસૈન (અ.સ.)ને યાદ કરે અને એમના કાતિલો પર લાઅનત કરે ખુદા એને એક હજાર નેકી અતા કરે અને એક હજાર ગુનાહ માફ કરી આપશે. (કામિલ અલ – ઝિયારત)
જ્યારે પણ મોહર્રમ આવે છે, ઇમામ હુસૈન (અ.સ.)નો ગમ તાજો થઇ જાય છે અને આ ઝિક્રે હુસૈન (અ.સ.)નો ચમત્કાર છે કે સેંકડો વરસો પછી પણ એવું જ લાગે છે કે હમણાં ગઇ કાલનો જ બનાવ છે. વારંવાર સાંભળ્યા પછી પણ એની તાસીરમાં કોઇ પણ જાતની કમી નથી થતી. જેમ કે વારંવાર કુરઆન પઢવાથી જુનુ નથી થતું, એની તાસીરમાં કમી નથી થતી એના અસરાત ખતમ નથી થતા. જ્યારે પણ કુરઆન પઢો એક નવી વાત અને એક તાસીર મળે છે. એજ હાલત ઇમામ હુસૈન (અ.સ.)ના ગમના તઝકેરામાં પણ છે. અને કેમ ન હોય. રસુલે ખુદા (સ્.અ.વ.)એ કુરઆન અને એહલેબૈત (અ.સ.) બન્નેને સરખા વજનના અને એકબીજાના સાથી કરાર આપ્યા છે. આજ કારણ છે કે જ્યાં ફઝિલતોમાં કુરઆન અને એહલેબયત (અ.સ.) એકબીજાના શરીક છે, ત્યાં મસાએબ (મુસીબતોમાં) પણ એકબીજાની સાથે છે. કુરઆનને બાળવામાં આવ્યા તેના ટુકડે ટુકડા કરવામાં આવ્યા, ભાલાઓ પર ચઢાવવામાં આવ્યા, તો એહલેબયતના ઘરોને બાળવામા: આવ્યા અને એમના શરીરના ટુકડે ટુકડા કરવામાં આવ્યા અને એમના માથાને ભાલા ઉપર ચઢાવીને ફેરવવામાં આવ્યા અગર કુરઆનની ગલત અને મનઘત તફસીર કરવામાં આવે છે તો એહલેબયત અત્તહારની મોહબ્બતની પણ પોતાની ઇચ્છા પ્રમાણે મનમાની તફસીર કરવામાં આવે છે. અગર કુરઆન પર એતરાઝ કરવાથી કુરઆન ખતમ થઇ જતે તો અઝાદારીનો વિરોધ કરવાથી અઝાદારી બંધ થઇ જતે. હક્કાનિયતને તસ્લીમ ન કરવું હક ન માનવું અને શંકાની નજરથી જોવું એ ખુદ બાતીલ (ખોટા રસ્તા) પર હોવાની બહેતરીન દલીલ છે.
અઝાદારી એક ઝીમ્મેદારી છે.
મોહર્રમ આવતા જ અઝાખાના આબાદ થઇ જાય છે અને એ અઝાખાનાની બરકતોથી નજાણે કેટલાં ગામડાં, કસબા અને શહેરો આબાદ થઇ જાય છે. મજાલીસોના સિલસીલા શરૂ થઇ જાય છે, જેમાં લોકો પોતાના તમામ કામકાજ છતાં પણ એમાં મગુલ થઇ જાય છે, દૂર દૂરથી મુસાફરી કરે છે. ઘણી બધી તકલીફો ઉતાડીને પણ અઝાખાના સુધી પહોંચી જાય છે અને ઇમામ હુસૈન (અ.સ.)નો ઝિક્ર સાંભળે છે જેમ કે પોતાની દરેક ફિકર ઇમામ હુસૈન (અ.સ.) સોંપી દે છે. હવે એ લોકોને ઇમામ હુસૈન (અ.સ.)ના ઝિક્ર સિવાય કોઇ બાબતમાં રસ નથી. અને કોઇ વસ્તુ ગમતી નથી. કાનોને સદા “યા હુસૈન જ સારી લાગે છે. હવે એ લોકોની ફિકર, વિચાર અને દિલ – દિમાગમાં બસ ઇમામ હુસૈન (અ.સ.) છે. એમનું જ નામ લે છે. એમની ઉપર જ જાન આપે છે. મોહર્રમ આવવાથી બુરાઇઓ ઓછી થઇ જાય છે. અને ઘરોમાં મૌજુદ હાલનાં શયતાનને બંધ કરી દેવામાં આવે છે, મુનકેરાત પર ચાલતા પગલા રોકી દેવામાં આવે છે. જીભને ગિબત અને તોહમતથી બચાવીને ઝીક્રે હુસૈનમાં તલ્લીન કરી દેવામાં આવે છે. આંસુઓનો ધોધ આંખોથી વહેવા લાગે છે. ગફલતના વાદાળાઓ હટીજાય છે. અને ઇન્સાન પોતાના આમાલ તરફ ધ્યાન આપવા લાગે છે. ગયા વરસોના ગુનાહ અને કમજોરીઓ સામે આવે છે અને અંતરાત્મા વારંવાર ધ્યાન કરવા લાગે છે કે ગઇકાલે આજ મજલીસમાં બેસીને અમે ઇમામ હુસૈન (અ.સ.)ને વાયદો કર્યો હતો કે હવેથી ગુનાહોથી દૂર રહીશું. બુરાઇઓથી કિનારો કરી લેશું. મઝહબની હિફાઝત કરશું – ઇમામ હુસૈન (અ.સ)ના નામ સાથે ઇમામ હુસૈન (અ.સ.)ના કાર્યોન જીવતા કરશું. દીનની તબલીગ કરશું અને શહાદતના પયગામને ઠેર ઠેર પહોંચાડશું. (બધી બાજુ ફેલાવી દેશું)….. વરસ પુરૂં થયું અને અમે કાંઇ ન કર્યું. આંસઓની લડીઓ (ધાર) વધી જાય છે, આંખો ભીજાય છે અને શરમ અને હયાથી ધ્રુજતા હાથ રંજો – ગમનું નઝરાનું લઇને ફરી પાછા ઇમામ હુસૈન (અ.સ.) સાથે એહદ પયમાન (વાયદો) કરે છે. હકીકતમાં આ મજલીસો એ જગ્યાઓ (કેન્દ્રસ્થાન) છે. જ્યાં ઇમામ હુસૈન (અ.સ.)ના હાથ પર બયઅત કરવામાં આવે છે. અન્સારો અને હુસૈનીની જેમ જાન આપવાની, દીનની હિફાઝત કરવાની અને એમના નકશે કદમ પર ચાલવાની કસમ ખાવામાં આવે છ.
મોહમ્મદ અને આલે મોહમ્મદથી વધુ સંબંધ અને વધારે મજબુતીથી વફાદારી કરીને નજાત માટે જમાનત મેળવવામાં આવે છે. આજે પણ ગમે હુસૈન (અ.સ.)માં ‘હુર’ બનાવવાની શીક્તઓ મોજુદ છે. ફક્ત શર્ત એ જ છે કે અમે પણ ‘હુર’ બનવાની સલાહિયત (કૌશલ્ય) રાખતા હોઇએ. કાશ કે અમારી જબાનના બદલે હૃદયના ઉંડાણમાંથી આ વાક્યો અદા થતે. “યા લયતના કુન્ના મુઆકુમ ફ – નફૂઝા ફૌઝન અઝીમા.
આહાર : કિરદારની (ચરિત્રની) સામગ્રી
જ્યારથી ઇન્સાની સમાજ વજુદમાં આવ્યો છે ત્યારથી આજ સુધી ત્રણ બુન્યાદી જરૂરીયાતો ચોફેર એની બી જ નિતી, રાજનૈતિક સમાજી અને વિચાર સરણી ફરતી નજરે પડે છે, ખોરાક, કપડા અને રહવા માટે ઘર અને આ ત્રણે બુન્યાદી જરૂરીયાતથી તો ઇન્સાન જેમ તેમ જીવન વિતાવી લે છે પણ પહેલી જરૂરત વગર તે જીંદગીની નેઅમત ખોઇ બેસે છે, કેમ કે ખોરાક અથવા આહાર એ વસ્તુ જેનાથી આપણે જીવીત અને તંદુરસ્ત રહી શકીએ છીએ. ઇન્સાન હોવાના કારણે આપણા માટે બે પ્રકારના ખોરાકની જરૂરત છે કેમકે આપણી હયાત (જીવન) ફક્ત શરીરના કારણે જ નથી બલ્કે રૂહ (આત્મા) અને શરીર બન્નેના મિશ્રણની છે. તેજ કારણે ખોરાક પણ બન્ને પ્રકારના હોવા જોઇએ.
(અ) માનસિક ખોરાક (બ) શારીરિક ખોરાક
માનસિક ખોરાકને આપણે આંખ અને કાન થકી આપણે આપણી અંદર મોકલાવીએ છીએ અને એને મગજની અંદર સુરક્ષિત કરીએ છીએ. માનસિક ખોરાકના પણ બે પ્રકાર છે. એક માનસિક ખોરાક અહિંસક છે અને બીજો માનસિક ખોરાક હિંસક (ફસાદી) છે.
માનસિક ખોરાક અહિંસક એ રીતે છે કે આપણે કુરઆને કરીમની આયાતો, માસુમીન (અ.સ.)ની હદીસો, નબીઓના વાકેઆતો, અને ઇસ્લામી આમાલોને પઢીને અથવા જાણકારી હાસીલ કરીને એને અમલમાં લાવીએ, જેથી કરીને આપણે અકીદો સલામત અને જીવંત રહે અને કયામતના દિવસે જ્યારે એના માટે સવાલ કરવામાં આવે તો આપણે જવાબ આપી શકીએ. આ બહુ મહત્વની વાત છે.
માનસિક ખોરાક હિંસક મતલબ એ છે કે આપણે ગીબત સાંભળીએ તોહમત લગાડીએ… જે વસ્તુને જોવા માટે હરામ કરવામાં આવ્યું હોય એ નજરે જોઇએ મતલબ કે તે ઉપરાંત બીજા ઘણા ભ્રષ્ટ આમાલ છે જે વિચારશક્તિને અને અકીદાને ઝેરી બનાવી દે છે અને અગર આજ રીતરસમમાં રચ્યાપચ્યા રહીએ તો ઝેરીપણુ વધી જશે અને ઇન્સાન નષ્ટતાનું કારણ બની જશે કેમકે એના ભ્રષ્ટકાર્યોથી જાણે આપણે ઇસ્લામના કાનૂનને બરબાદ કર્યા. જો હઝરત સૈયદુશ્શહદાના ખુત્બા અને નસીહતો પર ધ્યાનથી જોશું તો આપણે સમજી શકશું કે હઝરત (અ.સ.)એ એ જ હિંસક અને ભ્રષ્ટ માનસિક સોચવિચારથી ઉમ્મતને બચાવવા માટે આટલી મોટી કુરબાનીઓ આપી છે. કેમ કે આપ (અ.સ.) નહોતા ચાહતા કે મુઠ્ઠીભર કાફિર અકીદાના લોકોનો હિંસક માનસિક ખોરાક, મુસ્લમાનોના નેક વિચાર (અહિંસક માનસિક ખોરાક)માં દાખલ થઇ જાય. એમની જ કુરબાનીયોએ યઝીદ અને યઝીદઓના હિંસક વિચાર અને અકીદા પર પોતાના અને પોતાના સાથીઓના લોહીથી ભેદરેખા ખેંચી હતી.
ખોરાકનો બીજો પ્રકાર શારીરિક છે જે આપણા જઠરમાં મોઢા વાટે દાખલ થઇને હજમ થાય છે જેથી આપણા શરીરે તાકત અને કુવ્વત પેદા થાય અને આપણે એ લાયક થઇ શકીએ કે માનસિક ખોરાક અને અકાએદ હાસીલ કરી શકીએ, નહિ તો પછી ખાવું અને ખાઇને ફરી ,પાછા ખોરાકની તલાશમાં મગશુલ થઇ જવું એ એક બેકાર અમલ છે જેમ જાનવરોની જેમ જીવવું અને એજ રીતે રહેવું એ એક નિર્થક જીંદગી છે.
અનેક ગુનાહોમાંથી એક, હરામ ખોરાક, બીજા બધા ગુનાહ કરતા વધારે અસર અને ઝેરીલુંપણું અને આપણા અકીદાની કમજોરી અને ગુમરાહીમા, બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને ઉંડો અસર પેદા કરે છે. આજ કારણે છે કે ઇસ્લામમાં હુકમ આપવામાં આવ્યો છે કે એ વાતોનો ખ્યાલ ફક્ત બાલીગ નહિ બલ્કે બચ્ચું માના ઉદરમાં હોય કે દૂધ પીતું હોય ત્યારે પણ એનો ખ્યાલ રાખવામાં આવે, કેમકે એ ખરૂં છે કે નાના બાળક પર કોઇ જવાબદારી વાજેબાત કે હરામ બાબતની લાગુ પડતી નથી, પણ ખોરાકનો અસર ભવિષ્યમાં એના આચાર વિચાર અને માનસિક ઘડતર પર બુન્યાદી અસર પેદા કરેજ છે તેથી ઇસ્લામે એ બાબત પર ખાસ ધ્યાન અપાવ્યું છે.
આવો હવે અમે પાછા આશુરના દિવસ તરફ આવીએ અને સરજમીને કરબલામાં હુસૈન ઇબ્ને અલી (અ.સ.) તરફ નજર કરીએ જેઓ કુફ્રનાં હિમાયતીઓની સામે એ કુફીઓની તરફ મુખાતીબ થઇને કે તેઓ હક વાત સાંભળવા કે ધ્યાન આપવા અને હિદાયત મેળવવા માટે જરા પણ તૈયાર ન હતા.
ઇરશાદ ફરમાવે છેઃ “….. વમોલેઅન બોતુનો કુમ મેનલ હરામ…..”
‘એટલે તમારા લોકોના પેટ હરામ ખોરાકથી ભરાઇ ગયા છે જેની અસરથી ખુદાવંદે કરીમે તમારા દિલો પર મોહર લગાડી દીધી છે, અફસોસ છે તમારી હાલત પર…..’
ખુદા ન કરે આપણે પણ શંકાશીલ પૈસાથી, ખુમ્સ અને ઝકાત અદા ન કરેલી રકમ અને નજીસ ખોરાકથી આપણું પેટ ભરીએ અને એના કારણરૂપે આપણા આચારવિચાર અને શરીરને ગંદુ અને ઝેરીલું બનાવીને ખુદાની રાહથી અલગ થઇ જોઇએ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *