શીમ્રે ઝીલ જવશન (લ.અ.)

Print Friendly, PDF & Email

નાપાક વંશાવાળી શીમ્રે ઝીલ જવશન (લ.અ.)

ઈમામ હુસય્ન અ.સ.ના કાતીલોના વર્ણનો અગાઉના અંકોથી રજુ કરવામાં આવી રહ્યા છે. આ સિલસિલાની કડી શીમ્રે મલઉનનું વર્ણન છે.

સુરએ ઈબ્રાહીમની આયત ૨૬ માં છે કે “મસલો કલેમતીન ખબીસતીન શજરતીન ખબીસહ”. નાપાક અને વિકૃત વાતનું ઉદાહરણ નાપાક અને વિકૃત ઝાડના જેવું છે. (ન તો તેનું મુળ મજબુત ન ડાળીઓ ઉંચી). જમીન ઉપરથી જ ઉખાડીને ફેંકી દેવામાં આવે તેને જરા પણ મજબુતી નથી. તેવી જ રીતે સુરએ બની ઈસરાઈલની આયત ૬૦ માં ખુદાવંદે આલમ ઈરશાદ ફરમાવે છે “અને મલઉનોની વંશાવળી પણ લોકો માટે ફિત્નો છે.”

આ બંને આયતોની વિગત અગાઉના અંકોમાં અપાઈ ચૂકી છે. ચચા< રૂપે માત્ર એટલું લખીએ છીએ કે શીયા અને સુન્ની વિદ્ઘાનોએ આ આયતોની તફસીરમાં જે હદીસો ટાંકી છે તે મુજબ એહલેબય્ત અ.સ.ના દુશ્મનોનું ઉદાહરણ શજરએ ખબીસા અને શજરએ મલઉના તરીકે આપવામાં આવ્યું છે. દુશ્મનોમાં અમુક તે ઝાડના મુળ જેવા છે અને અમુક તે ઝાડની ડાળીઓ જેવા છે અને અમુક તો વિકૃત ઝાડના પાંદડાઓ જેવા.

ઈમામ હુસય્ન અ.સ.ના કાતીલોમાં શીમ્ર ઝીલ જવશન એ ખબીસ અને મલઉન વ્યકિત છે જેના ઉપર પવિત્ર એહલેબય્ત અ.સ.ના મોહિબ્બો કયામત સુધી લઅનતો મોકલતા રહેશે અને આઝબના મલાએકાઓ તેના ઉપર સતત અઝાબ ઉતારતા રહેશે. જો કોઈ વ્યકિત શીમ્ર ઝીલ જવશન સાથે હમદર્દી દાખવતો હશે તો તે પણ મલઉન અને બદનામ હશે. “અલ્લાહુમ્મ લઅનીલ એસાબતલ લતી જાહદતીલ હુસય્ન વ શાયઅત વ બાયઅત વ તાબઅત અલા કત્લેહી અલ્લાહુમ્મ લઅનહુમ જમીઆ.”

એ ખુદા! લઅનત કર તે કાવતરૂં કરનારા લોકો ઉપર જેઓ ઈમામ હુસય્ન અ.સ. સાથે લડાઈ માટે કૂચ કરવા લશ્કર ઉભા કર્યા અને લઅનત કર તે કાતીલોના ચાહનારા ઉપર અને તેઓના ઉપર જેમણે તેઓની બયઅત કરી અને તેઓના ઉપર જેમણે તે કાતીલોનું અનુસરણ કર્યુ. પરવરદિગાર! તે સૌ ઉપર લઅનત કર. “અલ્લાહુમ્મ લઅન … ઉમરબ્ને સઅદ્દિન વ શીમ્રન …” કરબલાની ઘટનામાં અને ખાસ કરીને હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના કત્લમાં શીમ્રએ ચાવીરૂપ ભાગ ભજવ્યો. તે માટે આ લેખમાં આ મલઉનનું વર્ણન ટૂંકમાં લખવામાં આવ્યું છે.

કૂળ અને કુટુંબ

શીમ્રનું અસલ નામ શરજીલ હતું. તેની કન્નીયત અબુ સાબેગા હતી. તેનો બાપ કાઝી અલ જવશન ઝયાબી કલાબી હતો. તેની ગણતરી હવાઝનના રઈસોમાં થતી હતી. તેનો સંબંધ બની કલાબના કુટુંબ સાથે હતો. જનાબે ઉમ્મુલ બનીન, હઝરત અબ્બાસ અ.સ.ના વાલેદા પણ આજ કુટુંબ સાથે સંબંધ ધરાવતાં હતાં. આ કારણે ૯ મી મોહર્રમના મલઉન શીમ્ર ઈમામ હુસય્ન અ.સ.ના લશ્કરની નજદિક આવ્યો હતો. તે હઝરત અબ્બાસ અ.સ. અને તે હઝરતના ભાઈઓને રક્ષણ આપવા માગતો હતો (આ અંગેની વિગત આગળ આવશે). પરંતુ શમ્એ ઈમામતના પરવાનાઓએ ઝમાનાના ઈમામની મોહબ્બતમાં શહાદતનો જામ પી લીધો અને મલઉન શીમ્રના રક્ષણને ઠુકરાવી દીધું.

બેશક, જો ઝમાનાના ઈમામની મઅરેફત પ્રાપ્ત થઈ જાય તો ઈન્સાન માટે દરેક વસ્તુ તુચ્છ છે.

શીમ્ર (લ.અ.) કરબલામાં

તબરી અનુસાર જ્યારે ઈબ્ને ઝીયાદને એ ખબર મળી કે ઉમરે સઅદનું વલણ ઈમામ હુસય્ન અ.સ. સાથે સુલેહ જેવું છે, ત્યારે ઈબ્ને ઝીયાદે એક પત્ર લખીને શીમ્રને આપ્યો અને કહ્યું આ પત્ર લઈને ઈબ્ન સઅદ પાસે જા, તેના માટે એ જરૂરી છે કે તે ઈમામ હુસય્ન અ.સ. અને તેમના અન્સારોને કહે કે સૌ મારા હુકમ ઉપર માથું જુકાવી દે. જો તેઓ એમ કરે તો તે સૌને ગુલામોની જેમ મારી પાસે મોકલી આપે જો તેઓ આ વાત ન માને તો તેઓને કત્લ કરે. જો ઈબ્ન સઅદ આમજ કરે તો તું પણ તેની તાબેદારી કરજે અને તેની વાત માનજે. જો તે ઈન્કાર કરે તો તું ખુદ કત્લ કરજે. તું જ લશ્કરનો અમીર છે અને ઈબ્ન સઅદ ઉપર હુમલો કરી તેની ગરદન મારજે અને તેનું માથું મારી પાસે મોકલી દેજે. જે પત્ર ઈબ્ને ઝીયાદ ઈબ્ને સઅદને લખ્યો તેનું લખાણ આ રીતે હતું, મેં તને હુસય્નના મુકાબલામાં એ માટે નથી મોકલ્યો કે તું તેમને બચાવવાની ફીકર કર અથવા તેમની ઉપર એહસાન કર અથવા તેઓની સલામતી મનાવ. … જો તને આ મંજુર ન હોય તો અમારી સેવામાંથી અને અમારા લશ્કરથી છુટો થઇ જા. લશ્કરને શીમ્ર ઉપર છોડી દે. મેં તેને મારા હુકમો જણાવી દીધા છે. વસ્સલામ.

અમાન નામુ

જ્યારે શીમ્રને (ઈબ્ને ઝીયાદનો આ) પત્ર મળ્યો તો તે ખુદ અને તેની સાથે અબ્દુલ્લાહ બીન અબી મહલ, બન્ને ઊભા થઇ ગયા. તેની ફુઈ ઉમ્મુલ બનીન બીન્તે ખરામ, અલી બીન અબી તાલીબ અ.સ.ની પાસે હતા. તેમની કૂખેથી અબ્બાસ, અબ્દુલ્લા, જઅફર અને ઉસ્માન જનમ્યા હતા. અબ્દુલ્લાહ બીન અબી મહલે ઝીયાદને કહ્યું ખુદા અમીરનું ભલુ કરે. અમારી બહેનના દિકરાઓ હુસય્નની સાથે છે. તને યોગ્ય લાગે તો તેના માટે અમાન (રક્ષણ) લખી દે. ઝીયાદે કહ્યું આંખ માથા પર. લખનાર (કાતીબ)ને હુકમ દીધો. તેણે અમાનનું ફરમાન લખી દીધું.

અબ્દુલ્લાએ પોતાના આઝાદ કરેલા ગુલામ, જેનું નામ કિરમાન હતું, તેની સાથે તે અમાન નામાને રવાના કર્યું. કિરમાને ત્યાં જઈને તેમને બોલાવ્યા અને કહ્યું તમારા માટે તમારા મામાએ અમાન મોકલી છે. તે જવાનોએ કહ્યું: અમારા મામાને સલામ આપજો અને કહી દેજો કે તમારા લોકોની અમાન અમારે નથી જોઈતી. પીસરે સુમય્યાની અમાન કરતાં ખુદાની અમાન વધુ સારી છે.

ઝમાનાના ઈમામ ઉપર દરેક વસ્તુ નિસાર

તબરીએ આગળ લખ્યું છે કે: મોહર્રમની નવમી તારીખ હતી. ગુરૂવારનો દિવસ હતો અને સાંજનો સમય હતો. શીમ્ર હુસય્ન અ.સ.ના અન્સારોની સામે આવ્યો અને કહ્યું, અમારી બહેનના દિકરાઓ કયાં છે? આ સાંભળીને અબ્બાસ અ.સ., જઅફર અ.સ. અને ઉસ્માન બીન અલી અ.સ. તેની પાસે આવ્યા. તેમણે પુછયું, કે તારે શું કામ છે? તું શું કહેવા માગે છે? તેણે કહ્યું: મારી બહેનના દિકરાઓ, તમારા માટે અમાન છે. તે નવજવાનો એ જવાબ આપ્યો: તારા ઉપર ખુદાની લઅનત. તારી અમાન ઉપર લઅનત. તું અમારો મામો છે એટલે અમને અમાન આપે છે અને રસુલ સ.અ.વ.ના ફરઝંદને અમાન નહીં! (તારીખે તબરી, ભાગ-૪, પા. ૨૪૧-૨૪૨, (છાપી ૧૯૮૨માં) નફીસ એકેડેમી, કરાંચી)

શીમ્ર (લ.અ.) બકરા ચરાવનારીનો દિકરો

ઈમામ હુસય્ન અ.સ.ના પાછળના તંબુઓની જમીન નરમ અને બીન ઉપયોગી હતી. આપે ત્યાં વાંસ અને લાકડીઓ ભેગી કરી દીધી, જેથી જ્યારે દુશ્મન હુમલો કરે તો તેમાં આગ ચાંપી દેવાય જેથી દુશ્મન એક જ બાજુથી હુમલો કરી શકે. અને તે પ્રમાણે આશુરાની સવારે કર્યું. શીમ્રે જ્યારે આગ ભડકતી જોઈ તો ઘોડા દોડવતો તે ત્યાંથી પસાર થયો. તેને તંબુઓ દેખાતા ન હતા. જ્યારે તે પાછો ફર્યો ત્યારે પોકાર કરીને કહેવા લાગ્યો. હુસય્ન, કયામતની પહેલા દુનિયામાં જ તમે આગમાં જવાની ઉતાવળ કરી. આપે પુછયું : આ કોણ શખ્સ છે. કદાચ શીમ્ર બીન ઝીલ જવશાન હશે. લોકોએ કહ્યું, હા, એજ છે. ખુદા આપને સલામત રાખે. આપ અ.સ.એ જવાબમાં કહ્યું: એ બકરીઓ ચરાવનારીના બચ્ચા, આગમાં સળગવાને પાત્ર તું છે. (તબરી, ભાગ-૪, પા. ૨૫૦-૨૫૧)

શીમ્ર (લ.અ.) ની ઉદ્ઘતાઈ:

જ્યારે જનાબ ઝોહયર બીન કયને લોકોને લડાઈથી દૂર રહેવા શીખ આપી ત્યારે મલઉને એક તીર ઝોહયરને મારીને કહ્યું: ખામોશ, ખુદા તારી જીભને ચૂપ કરી દે. તેં અમારા લોકોના દિમાગને પરેશાન કરી દીધા. ઝોહયરે જવાબ આપ્યો: એ તે બાપના દિકારા, જેનું પેશાબ એડી સુધી વહીને આવતું હતું. હું તને સંબોધન નથી કરતો. તું તો જાનવર છે. અલ્લાહની કસમ, હું જાણું છું કે ખુદાની કિતાબની બે આયતો પણ તું નથી સમજી શકતો. લે, કયામતની રૂસ્વાઈ અને અઝાબે અલીમ તને મુબારક થાય. (પાના ૨૫૪)

અહલેબય્તે અત્હાર (અ.સ.) ને સળગાવવાનો ઈરાદો

શીમ્રએ હુસય્ન અ.સ. ના તંબુઓ પર ઘણી વખત હુમલો કરવાની કોશીશ કરી અને અહલેબય્તે અત્હારને તંબુઓમાં સળગાવી દેવા ઈરાદો કર્યો પરંતુ તેના અમુક સાથીઓએ તેને લલકારીને પૂછયું: તું સ્ત્રીઓ અને બાળકો ઉપર હુમલો કરીશ? હમીદ નામના એક માણસે શીમ્રને કહ્યું: વલ્લાહ, તારૂ ફકત મરદોને કત્લ કરી નાખવું અમીરને ખુશ કરવા માટે પૂરતું છે. આ મવ્કા ઉપર જનાબ ઝોહયર બીન કયને દસ માણસોની સાથે શીમ્ર ઉપર હુમલો કર્યો. તે લોકો ભાગી છૂટયા. જો કે એમનામાંથી અબુ ફરહ ઝબાબીને પછાડી દીધો અને કત્લ કરી નાખ્યો. આ માણસ શીમ્રના અસ્હાબોમાંથી હતો. (પાના ૨૬૫)

ખયામે હુસયની ઉપર હુમલાની નિય્યત

શીમ્ર કુફા વાસીઓમાંથી દસને સાથે લઈને તંબુઓ તરફ આગળ વધ્યો, જેમાં હુસય્ન અ.સ.નું કુટુંબ અને સર સામાન હતો. આ લોકો આગળ વધ્યા અને આપની અને તે તંબુઓ વચ્ચે આડશ બની ગયા. આપ અ.સ.મે આ જોઈને કહ્યું: વાય છે તમારા ઉપર, જો તમારા લોકોનો કોઈ ધર્મ નથી, કયામતની કોઈ બીક નથી, તો ઓછામાં ઓછું દુનિયાના કામોમાં તો શરીફ અને ભલા માનવીની રીતભાત અપનાવો.

શીમ્ર (લ.અ.) અને તેના સાથીઓ

શીમ્ર આ સાંભળીને પ્યાદાઓને લઈને આપની તરફ આગળ વધ્યો તે લોકોમાં અબુલ જનુબે જોઅફી, કશઅમ બીન અમરૂ જોઅફી સાલેહ બીન વહબ યઝની, સિનાન બીન અનસ નખઈ અને ખુલી બીન યઝીદ અસ્હબી હતા. શીમ્ર આપને કત્લ કરવા માટે તેઓને તૈયાર કરવા લાગ્યો. અબુલ જનુબને કહ્યું, હુસય્નની તરફ આગળ વધો. અબુલ જનુબે કહ્યું, તું કેમ આગળ નથી વધતો? શીમ્રએ કહ્યું, તું અને મારી સાથે આ રીતે વાત? અબુલ જનુબે જવાબમાં ફરી એજ રીતે પ્રતિકાર કર્યો. તું અને મારી સાથે આ રીતે વાત? શીમ્રએ તેને સખ્તી પૂર્વક કહ્યું. અબુલ જનુબ કહેવા લાગ્યો, અલ્લાહની કસમ! તારી આંખને બરછીની અણીથી ઉખેડી નાખીશ. શીમ્ર આ સાંભળીને તેની પાસેથી સરકી ગયો. એ કહેતો જાતો હતો, વલ્લાહ મને તક મળી તો તને સમજી લઈશ. (પા. ૨૭૬)

વાસીલે જહન્નમ

મુખ્તાર સકફીએ પોતાના ગુલામ ઝરબીને શીમ્ર બીન ઝીલ જવશનની શોધમાં રવાના કર્યો. મુસ્લિમ બીન અબ્દુલ્લાહ અલ ઝબાબીનું કહેવું છે કે મુખ્તારના ગુલામ ઝરબીએ અમારો પીછો કર્યો અને અમારા સુધી પહોંચી ગયો. અમે અમારા દુબળા પાતળા તેજ ઘોડા ઉપર ઉપર કુફાથી નીકળી પડયા હતા. અમે જોયુ કે તે પોતાના ઘોડા ઉપર જાણે ઉડતો આવી રહ્યો છે. તે નજદીક આવતા જ શીમ્રએ અમને કહ્યું કે તમે તમારા ઘોડાને એડી મારો અને મારાથી દૂર ચાલ્યા જાવ. કદાચ ગુલામ મારી શોધમાં આવ્યો છે. અમે અમારા ઘોડાને એડી મારી અને ઝડપથી ભગાડયા. ગુલામે શીમ્ર ઉપર હુમલો કર્યો. પહેલા તો શીમ્ર વારથી બચવા માટે ઘોડાને ફંગોળતો રહ્યો. જ્યારે ઝરબી પોતાના સાથીઓથી જુદો પડી ગયો ત્યારે શીમ્રએ એકજ ધારમાં તેની કમર તોડી નાખી. જ્યારે તેને મુખ્તારની સામે લાવવામાં આવ્યો અને તે બનાવની જાણ તેમને કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે જો તે મારી સલાહ લેતે તો હું તેને કયારેય શીમ્ર ઉપર હુમલો કરવાનો હુકમ ન આપતે. ઝરબીને કત્લ કરીને શીમ્ર સાનીદ પહોંચ્યો. ત્યાંથી રવાના થઈને તે કલ્તાનીસા નામના એક ગામની બાજુમાં, જે નદીના કિનારા પર હતું, ત્યાં એક ટેકરીની બાજુમાં રહ્યો. ગામમાંથી એક ખેડુતને બોલાવીને તેને માર્યો અને મુસઅબ બીન ઝુબૈરની પાસે એક પત્ર લઈને મોકલ્યો. આ ખેડુત તે પત્ર લઈને એક ગામમાં આવ્યો. જ્યાં જનાબે મુખ્તારે, અબુ ઉમરાહને તેની અને બસરાવાસીઓની વચ્ચે લડાઈની ચોકી પર ચોકીયાત તરીકેની ફરજ બજાવવા માટે નિમ્યો હતો. આ જ ગામના એક ખેડુતને તે ખેડુત મળ્યો અને શીમ્રની બળજબરીની વાત કરી. હજુ તેમની વાત પુરી પણ નહોતી થઇ કે અબુ ઉમરાહનો એક સિપાહી ત્યાં પહોંચી ગયો. તેણે ખેડુતોની વાતો સાંભળી અને તેણે શીમ્રનું ઠેકાણું પૂછયું. તે ખેડુતે દેખાડી દીધું. તેથી ખબર પડી કે તે તેમનાથી માત્ર ત્રણ ફરસખના (૯ માઈલ) અંતરે છે. હવે આ લોકો શીમ્રની તરફ ચાલ્યા. જે ઝુપડીમાં તે રહેતો હતો તેને ઘેરી લીધી. તે સૌ શીમ્ર ઉપર તૂટી પડયા. તે વખતે તેણે એક જુની ચાદર ઓઢી હતી કારણ કે તે કોઢીયા હતો. મને તેની પેટની સફેદી ચાદરમાથી દેખાતી હતી. શીમ્રએ તેમની ઉપર નેઝાથી હુમલો કર્યો. પરંતુ તે લોકોએ તેણે બખ્તર કે કપડાં પહેરવાની પણ તક ન આપી. અમે તેને છોડીને દૂર ચાલતા થયા. હજુ થોડા દૂર ગયા હતા કે મેં તકબીર સાથે એ સાંભળ્યું કે ખબીસને કત્લ કરી નાખવામાં આવ્યો.

અબ્દુલ રહેમાન બીન અબુલ કનુદ કહે છે કે મેં જ તે ખેડૂત પાસે શીમ્રનો પત્ર જોયો હતો. તે હું અબુ ઉમરાની પાસે લાવ્યો અને મેં પોતે જ શીમ્રને કત્લ કર્યો. (પા. ૪૯૬-૪૯૭) તબરીએ આ બનાવને હી.સ. ૬૬ એટલે ઈ.સ.ના ૬૮૬ ના બનાવોમાં નકલ કર્યો છે.

અંત

અલી અકબર દેહખાની તેની કિતાબમાં લખે છે શીમ્ર સીફફીનની લડાઈમાં હ. અલી અ.સ.ના લશ્કરમાં જોડાએલો હતો. પછી કુફામાં સ્થાયી થયો અને કરબલાની ઘટનામાં ભાગ લીધો અને હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના કાતીલોમાં ગણના થઈ.

આ વાત વિચારવા જેવી છે કે એ માણસ કે જે સીફફીનમાં મૌલા અલી અ.સ. ના લશ્કરમાં હોય તે પાછળથી કેવી રીતે હઝરત અ.સ.ના લખ્તે જીગરનો કાતીલ હોય! એમા આશ્ચર્ય ન થવું જોઈએ. ઈતિહાસમાં આવા ઘણાં બનાવો જોવા મળે છે. ખુદ ઈબ્ને મુલ્જીમ પણ એક સમયે હઝરત અલી અ.સ.નો શીયા હતો. તવફીક કયારે ખેંચાઈ જાય તેની કોઈને ખબર નથી. તેથી શીય્યતનો દાવો કરનારાઓએ હંમેશા પોતાનું મુલ્યાંકન કરતા રહેવું જરૂરી છે.

કદાચ એવું ન બને કે આવતી કૌમો આપણા ઉપર આશ્ર્ચર્ય કરે.

જનાબ મુખ્તાર સકફીએ શીમ્રને કત્લ કરીને કુતરાઓની સામે નાખી દીધો. શીમ્રના અમુક સંતાનો પશ્વિમના દેશોમાં નીકળી ગયા હતા અને ઉન્દલુસમાં (સ્પેનમાં) સ્થાયી થયા હતા. તે પૈકી તેનો પૌત્ર સુમૈલ બીન હાતીમ બીન શીમ્ર બીન ઝીલ જવશાન ઘણો મશહુર થયો.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *